વિચાર તારા મને તારી સમીપ લાવી દે છે!
હું ભૂલું એ પહેલા જ બધું ફરી તાજું કરી દે છે!
નથી જ શક્ય એ જાણે રૂબરૂ કરી દે છે!
દોસ્ત! ભીંજાયેલ આંખ ફરી સત્ય રૂબરૂ કરી દે છે!
મારો દિવસનો નવરાશનો સમય મારા દીકરા માટે જ કાઢતી... હા, હું મારા દીકરા જોડે નહોતીને! માટે લાગણીને શબ્દોમાં ઢાળતીને હું એની પાસે છું એવું અનુભવી લેતી... કદાચ એક શિક્ષિત મા આમ જ જીવી લેતી હશે એવું હું માનવા લાગી હતી.
મારી લાગણી મારી ડાયરીમાં અકબંધ રહેવા જાણે ટેવાઈ ગઈ હોય એમ હું પણ જવલ્લેજ મારા મનનું દર્દ કોઈને કહેતી, કેમ કે કહેવાનો કોઈ મતલબ જ નહોતો. કારણ કે, બહુ જ મનોમંથન બાદ વર્ષો સુધી સાથે રહી સંબંધ સાચવી શકાયો ત્યાં સુધી સાચવ્યો. ત્યાર બાદ મેં અઘરો હતો એ નિર્ણય બધાની ખુશી માટે મેં લીધો હતો. હા, મેં ડિવોર્સ લીધા. જેથી કોર્ટએ ચુકાદામાં બાળકની સોંપણી એના પિતાને આપી અને હું એક સાથે બે સંબંધને હારી બેઠી હતી.
બધું જ હારી ચૂકી હતી છતાં સ્વમાન અને સત્યને હું સંપૂર્ણ પામી હતી. આથી જ બધું ગુમાવ્યા છતાં હિંમત અકબંધ જ હતી. કારણ કે મેં કોઈ ખોટો રસ્તો પસંદ નહોતો જ કર્યો. સંબંધને પૂરતી તક આપી જ હતી, પણ નસીબ ક્યાં હંમેશા સાથ આપે છે? આથી જ વિખૂટી પડી હું મારા કાળજાનાં કટકાથી...
હું સાચવી જ લઉં છું મારી જાતને પણ જયારે મારા દીકરાનો વિચાર કરું ત્યારે બહુ જ હતાશ થઈ જાઉં છું.
મારા અને મારા દીકરા વચ્ચે કોઈ જ તકલીફ નહોતી પણ મારા ડિવોર્સ થયા ત્યારે એ સાડાસાત વર્ષનો હતો. એ નાનું બાળક શું સમજી શકે? એને જે કહેવામાં આવે એ એમ કહે અને કરે. મારાથી વધુ વિવશ મને એ લાગે..! હું તો મારી લાગણી લખીને ફરી મારા જીવનમાં ઓતપ્રોત થઈ જાઉં પણ એનું તો બાળપણ જ છીનવાઈ ગયું. બાળપણમાં જ જાણે પરાણે એને સમજદારી થોપી હોય એવું લાગે અને મારા મનમાં ડૂમો ભરાઈ જાય..
હા! આંસુ હવે ક્યારેક જ આવે કેમ કે હવે મોઢા પર નકલી હાસ્ય છલકાવતાં મેં મસ્ત શીખી લીધું હતું. એના જ સહારે તો બાકીના સંબંધોને જીવી લેતી.
મા બન્યા બાદ બાળકને ગુમાવી દેવું એ બહુ દુઃખદ અનુભવ કહેવાય. મા અને દીકરો બંને હયાત હોય છતાં એક ત્રીજા સંબંધના પતવાને લીધે એકબીજાને ન મળી શકે એ તો ખરેખર દુનિયાનું સૌથી અભાગણુ કહેવાય.. મારો દીકરો જે ક્યારેય એક રાત પણ મારા વગર નહોતો રહ્યો એ આટલા વર્ષોથી મારા વગર જીવે છે! મને એ અનહદ યાદ કરતો જ હશે પણ મારી જેમ એ પણ કદાચ વચનબદ્ધ હશે!!
હું ભગવાનને એટલી જ પ્રાર્થના કરું કે એ ખુશ રહે. મારી જેમ અસફળ નહીં પણ એક ગૂંચવાયેલી જિંદગીમાં પણ સફળ થઈ જીવી શકે, અરે ફક્ત જીવે જ નહીં પણ તમામ સુખ માણી શકે, અને સાથોસાથ એ પરિપક્વ થાય ત્યારે અવશ્ય મારા ડિવોર્સનું ખરું કારણ એ જાણે, કારણ કે એને મમ્મી શબ્દ સાંભળીને ગુસ્સો ન આવવો જોઈએ પણ ગર્વ થવો જોઈએ કે એની મમ્મીએ ક્યારેય સત્ય ન જ છોડ્યું.
મને મનમાં છતાં પણ એક આશ બંધાયેલી રહે જ છે કે અત્યારે અમે બંને ભલે એકબીજાને વર્ષોથી મળ્યા નહીં પણ સમય અમને જરૂર સાથ આપશે અચાનક જ એ મને રૂબરૂ થઈ જશે.. આટલી મને મારી એના માટેની લાગણી પરની ખાતરી છે. એ દિવસ મારી જિંદગીનો સૌથી મહત્વનો દિવસ હશે, કદાચ એ ક્ષણ અમારી વચ્ચેનું અંતર હંમેશ માટે દૂર કરી દેશે.
ભલે ને હું હારી ચુકી છું આ સંસારમાં,
દોસ્ત! જીત નિશ્ચિત જ છે કૃષ્ણ દરબારમાં.