Bhagy books and stories free download online pdf in Gujarati

ભાગ્ય

જિંદગીથી કંટાળેલી, થાકેલી, હતાશ થયેલી સંધ્યા જીવતી લાશ બનીને પોતાની જિંદગી પસાર કરી રહી હતી. દુઃખનું કારણ માત્ર એક જ હતું કે સંજોગો ના હિસાબે એ એના કાળજાના ટુકડા સમાન પુત્રથી દૂર થઈ ગઈ હતી. સમય ક્યારેક એવી પરિસ્થિતિ ઉભી કરે છે કે પાછળ જાવ તો ખાઈ ને આગળ વધો તો કૂવો, બસ આજ હાલત સંધ્યા અનુભવી રહી હતી.

સંધ્યાનો પરિવાર ખુબ આશાવાદી અને પોઝિટિવ વિચારધારા ધરાવતો હતો. ઘરના દરેક એને હિમ્મત અને સાંત્વના આપતા હતા. વળી, સંધ્યા ખુબ વાતુડી અને ચંચળ સ્વભાવની હોવાથી મિત્ર વર્તુળ પણ મોટું હતું આથી તેના મિત્રો પણ તેને ખુબ હિમ્મત આપતા હતા. સંધ્યાના પપ્પા એને હંમેશા કહેતા કે તું અકળાઈને ગુસ્સામાં આવી જાય છે આ સ્વભાવને તું કંટ્રોલ કર બધું જ સારું થઈ જશે, આટલું બોલતા અને તેમનું મન ભરાય જતું..

આજ દર્દ આંસુ બની વહેવા લાગ્યું,
જાણે એક પિતાનું મૌન એ કહેવા લાગ્યું; 

ઘણું દબાવ્યું હતું દર્દ લોક લાજે,
છતાં આજ આંસુ બની છલકવા લાગ્યું; 

દીકરીની વ્યથાએ મન જજુમવા લાગ્યું,
આજ દર્દ મન પર હાવી થવા લાગ્યું; 

દુઃખ આજ અશ્રુ બની સરકવા લાગ્યું,
"દોસ્ત" દર્દ આજ એક પિતાને હરાવવા લાગ્યું.

સંધ્યા પોતાની પરિસ્થિતિના લીધે ડિપ્રેશનમાં આવી ગઈ હતી. કોઈ જરા પણ કઈ કહે તો તેને ખુબ મનમાં લાગી આવતું અને એક ખૂણામાં બેસી એ રડ્યા કરતી હતી અને પોતાની જાતને કોષે રાખતી હતી. અને જો કોઈ જરા પણ મીઠું બોલે તો ખુબ રાજી થઈ જતી હતી. સંધ્યાના ભાભી તેને એક મનોચિકિત્સક પાસે લઈ ગયા એને પેલેથી બધી જ માહિતી ડોક્ટરને જણાવી અને સંધ્યાને જો કોઈ સારવારની જરૂર હોય તો એ અપાવવાની તૈયારી પણ સંધ્યાના પરિવારે જણાવી હતી. આ બધી જ વાત થી સંધ્યા અજાણ હતી. ડોક્ટરને એક હોટલમાં મળાવવા સંધ્યા સાથે પૂરો પરિવાર ગયો હતો. બધાએ સાથે ડિનર લીધું, આ સમય દરમ્યાન ડોક્ટરે સંધ્યાનું પૂરું નિરીક્ષણ કરિયું અને એ તારણ આપ્યું કે સંધ્યા એકદમ નોર્મલ છે બસ એ અણધારી પરિસ્થતિ હજુ સ્વીકારી શકી નથી થોડા મહિનાઓ જશે એટલે બધું નોર્મલ થઈ જશે, ચિંતાની કોઈ જરૂર નથી. ડોક્ટરએ એક ખાસ વાત કહી કે સંધ્યા પર હમણાં કોઈ પણ જાતની વાતનું દબાણ લાવતા નહીં, કારણ કે સંધ્યા બહુ જ નાજુક સમય માંથી પસાર થઈ રહી છે. શક્ય હોય તો તેને આખો દિવસ પ્રવુત્તિશીલ રાખો જેથી એ એના ભૂતકાળને વાગોળે નહિ.

સંધ્યા પોતે પણ પરિસ્થિતિને બદલવાના પ્રયત્નો કરતી એવું પરિવારના સદ્દશ્યોને અનુભવાતું હતું, કારણ કે હવે એ જાહેરમાં ખુશ રહેતી હતી પણ એકાંતમાં પોતાના મનને હળવું કરી લેતી હતી. આ નાનકડો બદલાવ ધીરે ધીરે એના સમયને પરિવર્તન આપવાની શરૂઆત કરી ચુક્યો હતો.

ખુદને ભીંસ માંથી છોડવાનો પ્રયાસ છે,
સત્ય પથની હાસ અને બીજો પરિશ્રમનો પ્રયાસ છે;
પછડાટ ખાધી ઘણી તેમાંથી ઉગરવાનો પ્રયાસ છે,
પ્રભુ એક તારી આસ અને બીજો મારો પ્રયાસ છે.


સંધ્યાને એક જગ્યાએ ખુબ સુંદર જોબની ઓફર મળી, સંધ્યાએ જોબનો સ્વીકાર કરી લીધો હતો. સંધ્યા જોબ સિવાયના સમયમાં ઘરકામ અને રાત્રે એ ફેસબુક કે વૉટ્સઅપમાં વ્યસ્ત રહેતી હતી. સંધ્યાને કાવ્ય અને શાયરી લખવાનો પણ ખુબ શોખ એમાં પણ એનો ઘણો સમય પસાર થઈ જતો હતો. દિવસ ક્યારે શરૂ થઈ ને ક્યારે પૂર્ણ થઈ જતો એનો એને ખ્યાલ જ ન રહેતો હતો. ધીરે ધીરે સંધ્યાની પરિસ્થિતિ થોડી બદલી હતી.

એક રાત્રે સંધ્યા ઊંઘમાંથી ચીસ પાડીને જાગી ગઈ, એને એના પુત્રનું સ્વપ્ન આવ્યું હતું. ગમે તેટલો બદલાવ લાવે પણ એક માઁ પોતાના પુત્ર વગર જીવતી લાશ સમાન જ હોય!! સવારે સંધ્યાના મમ્મીએ સંધ્યાનું મન જાણવા ફરીથી સંધ્યા લગ્ન કરે એ પ્રસ્તાવ સંધ્યા સમક્ષ મુક્યો. સંધ્યાએ પહેલાતો વાતનો તુરંત જ અસ્વીકાર કર્યો અને ગુસ્સામાં આવીને બોલી કે હું બીજા લગ્ન કરું એટલે મારો મારા પુત્ર ને મળવાનો સંજોગ કાયમ માટે બંધ થઈ જશે, માટે હું આ વાત સાથે સહમત નથી. સંધ્યાના ભાભીએ ખુબ સમજાવટથી એને જણાવ્યું કે, 'જો સંધ્યા! તમે આ જીવન આમ એકલા રહી ને કેમ જિંદગી પસાર કરશો? મમ્મી-પપ્પા પણ તમને જોઈને દુઃખી રહ્યા કરે છે. આખું ઘર આ પરિસ્થિતિથી દુઃખી છે, જ્યાં સુધી તમને ખુશ ન જોઈએ ત્યાં સુધી બધા દુઃખી જ રહીયે છીએ.' સંધ્યાને ભાભીની વાત સાચી લાગી હતી. સંધ્યાએ એમને જવાબ આપ્યો કે, "હું ફરી લગ્ન કરીશ પણ આપણી નાત બહાર કરીશ જેથી ભૂતકાળની કોઈ પણ વ્યક્તિ સાથે મારે મળવાનું ન થાય, અને બીજું એ કે જે ઘરમાં માઁ ની જરૂર હોય એવા જ ઘરમાં હું જવા તૈયાર થઈશ જેથી હું મારા પુત્રની દેખરેખ કરી શકી નથી તો હું જ્યાં જાવ એ ઘરના પુત્રની સંભાળ રાખીને મારા  દુઃખને દૂર કરી શકું."

કહેવાય છે ને કે ભગવાન જયારે આપે છે ત્યારે છપ્પડ ફાડીને આપે છે. બસ એવું જ અહીં સંધ્યા સાથે થવાનું છે. એક દિવસ સવારના વૉટસઅપનું અપડેટ જોતી હતી ત્યારે તેનું ધ્યાન અચાનક એક બાળકના ફોટા સામે ગયું. એ બાળકના ફોટાને ઝૂમ કરીને જોવે છે. સંધ્યાને એ બાળકના ફોટામાં પોતાનો પુત્ર દેખાય છે, મન ભરીને એ ફોટાને જોયા કરે છે. સંધ્યાને થયું કે આ બાળક કોનું છે? ગ્રુપમાં આવેલ એ ફોટો કોઈક અજાણ્યાનો હતો. સંધ્યાનું સ્કૂલ સમય દરમ્યાનની સ્કૂલ બેચનું આ ગ્રુપ હતું. સંધ્યાએ તપાસ કરતા જાણવા મળ્યું કે આ બાળક એના જ સહપાઠી મિત્રનું છે આ એ મિત્ર છે જે એની જ ક્લાસમાં એની પાછલી સીટમાં બેસતો હતો. એનું નામ હતું અંકિત.

અંકિતના લગ્નને સાત વર્ષ થઈ ચુક્યા હતા. તેના પરિવારમાં તે અને તેનો એ પુત્ર તથા તેના માતાપિતા જ હતા. અંકિતના પત્નીનું બીજી પ્રસુતિ દરમિયાન તેનું બ્લડપ્રેશર હાઈ થવાથી હૃદય પર ભાર વધવાથી બાળક સહીત તેનું દુઃખદ અવસાન થયું હતું. અંકિતના પત્ની ગુજરી ગયા એને ૩.૫ વર્ષ થઈ ગયા હતા. અંકિત એ બહુ સારી રીતે જાણતો હતો કે બાળક માઁ વગર કેટલું દુઃખી હોય છે. અંકિતને પણ સમય જતા સંધ્યા વિશે બધી જ માહિતી મળે છે. અંકિતના મનમાં સંધ્યા માટે સહાનુભૂતિ જાગે છે.

અંકિત સંધ્યાને લગ્ન માટે પ્રસ્તાવ મૂકે છે. અને કહે છે કે પોતાના બાળકને એક માઁ અને તને એક પુત્રની ખેવના છે એ જો આપનો મેળાપ થાય તો એ ઈચ્છા પુરી થઈ જશે, એમ અંકિત સંધ્યાને જણાવે છે. સંધ્યાએ કહીંયુ કે હું સમયથી ખુબ હારેલી છું આગળ કોઈ જાતની તકલીફ ન પડે એ માટે પ્રથમ આપણી કુંડળી બ્રાહ્મણને દેખાડીને મારા માતાપિતાની આજ્ઞા પ્રમાણે આગળ ચાલીશ. અહીં અંકિત પણ આ વાત સાથે સહમત થાય છે. 

ભાગ્ય જેનું જ્યાં હોય ત્યાં તે પહોંચી જ જાય છે. કુંડલીના મેળાપક લગ્ન માટે ઉચિત છે એમ બ્રાહ્મણ જણાવે છે. અંકિત સંધ્યાને કહે છે કે તું તારાથી વિખુટા પડેલ બાળક ની પણ ચિંતા ન કર જેમ તે મારા બાળકનો સ્વીકાર કર્યો એમ હું પણ એને અપ્નાવીશ. આ વાત સાંભળતા જ સંધ્યા મનોમન અંકિત નો ખુબ આભાર વ્યક્ત કરે છે. કારણકે અત્યારે સંજોગ એ એક માઁ ને એના પુત્રથી અલગ કર્યા છે કદાચ એનો પુત્ર મોટો થઈ ને હકીકત જાણી ફરી માઁ પાસે આવે તો સંધ્યાને કોઈ જ વાત ની ચિંતા ન રહે ..

સંધ્યાની પરિસ્થિતિએ દુનિયાના દરેક સારા-નરસા અનુભવ કરાવ્યા હતા. મતલબી દુનિયામાં સૌને પોતાના સ્વાર્થથી જ મતલબ હોય છે, ઘણીવાર સંધ્યાએ અનેક લોકોના મેણાંટોણાં પણ સાંભળ્યા હતા. લોકો એવું બોલતા કે કેવી સ્વાર્થી છે કે જે પોતાની સુખ સુવિધા ભોગવવા બાપના ઘરે આવીને બેઠી છે, કાંઈ શરમ છે એના મોઢા પર?.... સંધ્યા બધું ચુપચાપ સાંભળી લેતી અને નસીબને દોષ દેતી હતી પણ હવે કુદરતે સંધ્યાના નસીબ બદલ્યા હતા. અંકિત ઉચ્ચકુળનો અને સંસ્કારી છોકરો તેમજ સ્ત્રી ને લક્ષ્મીનો દરજ્જો આપે એવી વિચારસરણી વાળો હતો. અતિ લાગણીશીલ અને દયાળુ સ્વભાવનો અંકિત સંધ્યાને કોઈ વાતની ઓછપ આવવા દે એવો ન હતો. દુનિયા સંધ્યા માટે શુ વિચારે છે એ નહીં પણ સંધ્યા ખરેખર શું છે એ વાત અંકિત સારી રીતે સમજી શક્યો હતો.

સંધ્યાના અને અંકિતના પરિવારે મળીને એક શુભ મુહૂર્તમાં બંનેના ફુલહાર નક્કી કર્યા અને અંગત લોકોની હાજરીમાં ખુબ આનંદથી સંધ્યાની વિદાય સંધ્યાના પરિવારે કરી હતી. આજ સંધ્યાના લગ્નને ઘણો સમય વીતી ગયો છે, સંધ્યા અંકિતના પુત્રને પોતાનો પુત્ર ગણીને જ ઉછેરે છે. સંધ્યા એવું વિચારે છે કે હું આ પુત્રને જે રીતે ઉછેરીશ એવો ઉછેર ખુદ કુદરતે સંધ્યાના પુત્રનો કરવો પડશે કારણ કે કહેવાય છે ને કે માં-બાપ ના કર્મનું ફળ એમના સંતાન ને મળે છે.

સુખ અને દુઃખ એ ભાગ્ય પર આધીન છે પણ દરેક વ્યક્તિનો પુરુષાર્થ હોવો જોઈએ કે એ શાંતિમય જીવન જીવી શકે. બાકી અશાંતિ ક્યાંય કોઈને શોધવા જવી પડે છે ખરી??

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED