Khevna books and stories free download online pdf in Gujarati

ખેવના

         દિપક એક ખુબ લાગણીશીલ અને પ્રેમાળ સ્વભાવનો વ્યક્તિ છે. એ જે વાત પર સંકલ્પ કરે એ વાત પૂર્ણ કરી ને જ જંપે એવો મહેનતુ વ્યક્તિ પણ છે. ઝડપથી હારનો સ્વીકાર કરે એ દિપક નહિ.
બાળપણથી જ ભણવામાં ખુબ હોશિયાર હતો.પરંતુ પરિસ્થિતિ નબળી હોવાથી મેટ્રિક પાસ કરીને એક નોકરી શોધીને પોતાના પરિવાર માટે ફર્જ બજાવે છે. દેખાવે સુંદર, સંસ્કારી હોવાથી બહુ જ સારી દેખાવડી,ગુણવાન છોકરી સાથે દીપકના લગ્ન થાય છે. એ છોકરીનું નામ જ્યોતિ.. નામ જેવા જ ગુણ ધરાવતી હતી.જ્યોતિ પરણીને આવી ને તરત જ આખા ઘરની જવાબદારી સારી રીતે એને ઉપાડી લીધી હતી.
         દીપકનું લગ્નજીવન સીધું-સાદું અને સુખી હતું. સમય જતા એક સુંદર પુત્રનો એના ઘેર જન્મ થયો હતો. પુત્રનું નામ પ્રકાશ રાખીયું હતું. હા, દિપક અને જ્યોતિનો એ પ્રકાશ હતો. પરિવાર નાનો અને આનંદી હતો. પણ કોણ જાણતુ હતું કે,આ પરિવાર પર કેવી આફત આવી પડશે?..
        જ્યોતિને એક પુત્રીની ખેવના હતી.પુત્રીની અત્યંત ખેવના માટેના વિચાર જ્યોતિ અવારનવાર  દિપક સમક્ષ રજુ કરતી હતી. સમય જતા જ્યોતિ ગર્ભવતી બની હતી. સૌ ખુબ જ ખુશ હતા. ઘરનું વાતાવરણ આવનાર બાળકને લઈને ખુબ આનંદિત હતું. વળી, પ્રકાશ પણ   ચાર વર્ષનો થઈ ચુક્યો હતો તેથી એ પણ પોતાના ઘરે ભાઈ કે બેન આવશે એ દિવસની રાહ જોયા કરતો હતો. આવનાર બાળક સાથે પ્રકાશ કેમ રમશે, તોફાન કરશે એવી કાલાઘેલી વાતો દીપકને એ લગભગ રોજ કર્યા કરતો હતો.
          આનંદમાંને આનંદમાં સમય વીતવા લાગ્યો. જ્યોતિની તબિયત પણ એકંદરે સારી હતી. કોઈ જ વાત ની ચિંતા ન હતી. જ્યોતિને ગર્ભાવસ્થાનો નવમો મહિનો બેસી ગયો હતો. બધા જ રિપોર્ટ પણ નોર્મલ હતા, બસ એક બ્લડપ્રેશર વધુ રહેતું હતું. પણ એ ચિંતાજનક ન હતું. બધું જ બરાબર ચાલતું હતું પણ કોણ જાણે દિપક ને કંઈક વિપરીત બનાવ બનવાનો ભય લાગ્યા કરતો હતો, કહેવાય છે  ને કે તમે જેને દિલથી પ્રેમ કરતા હોવ તો એના પર કોઈ પણ જાતની આપત્તી આવવાની હોય એના સંકેત કુદરત આપી દે છે, આવી જ અનુભૂતિ દિપક ને ડરાવી રહી હતી. ઘરના સૌ કોઈ જ્યોતિની ખુબ જ સંભાળ રાખતા હતા. જ્યોતિ સ્વભાવે મહેનતું હતી.એટલે અંતિમ દિવસોમાં પણ ઘરનું સંપૂર્ણ કામકાજ સંભાળતી હતી.
             અચાનક જ્યોતિને એની તબિયત લથડતી હોય એવું લાગ્યું. એને દીપકને વાત કરી, એ બને ડૉક્ટર પાસે ગયા. ડોક્ટર એ ત્રણ દિવસ પછી ફરી આવજો હજુ ત્યાં સુધી ચિંતા જેવું નહીં એવું જણાવ્યુ. પણ દીપકનો જીવ ચપટીમાં આવી ગયો હતો, ખુબ લાગણીશીલ હોવાથી એને ઓફિસનું કામ ઘરે જ ચાલુ કરી દીધું અને જ્યોતિની સમક્ષ જ રહેવા લાગ્યો. લગ્નજીવનમાં જેટલી ખુશ જ્યોતિ રહી હતી એનાથી પણ વધુ  ખુશી દિપક આ સમયે એને આપતો હતો અને એક માઁ પણ ન રાખી શકે એટલી કાળજી એ જ્યોતિની રાખતો હતો. આમ અઢીદિવસ પુરા થઈ ગયા. બેન્કનું કામ હોવાથી દીપકને બહાર જવું પડે એમ હતું, આથી એ જ્યોતિને પૂછવા ગયો કે તારી તબિયત સારી હોય તો હું પંદરમિનિટ બેન્કનું કામ પતાવવા જાવ? ખુબ જ સરળતાથી અને હસતા ચહેરે જ્યોતિએ એને હા પાડી. દીપકને એ જતા જ્યાં સુધી જોઈ શકતી હતી ત્યાં સુંધી એ દરવાજાપાસે ઊભી રહિને જોતી રહી.
              દિપક હજુ તો બેન્કમાં પહોંચ્યો હશે અને જ્યોતિની તબિયત બગડી. બ્લડપ્રેસર ખુબ હાય થઈ જવાથી એનું શરીર પાણી પાણી થવા લાગ્યું. જ્યોતિને ઝડપથી એના પરિવારે પલંગ પર ઊંઘાડીને તરત જ દીપકને અને ડોક્ટરને બધી માહિતી ફોન દ્વારા આપી અને એમને તુરંત ઘરે આવવાનું કીધું. પરિવારે જે કોઈ ઘરેલું ઉપચાર થઈ શકે એ કર્યાં. 
         જ્યોતિનો ચહેરો સાવ ફિક્કો થઈ ગયો. હાથની પકડ પણ જતી રહી હતી. આંખ પણ સરખી ખુલતી ન હતી. જ્યોતિ પ્રકાશને જોવા માટે તરફડીયા મારતી હતી. પણ પ્રકાશ એ સમયે સ્કૂલ ગયો હતો. જ્યોતિના મુખમાંથી ઉચ્ચાર નીકળતો બંધ થઈ ગયો હતો. જ્યોતિને શ્વાશ લેવામાં પણ તકલીફ થતી હતી. જ્યોતિનો જીવ મુંજાય રહ્યો હતો, પણ હજુ ડૉક્ટર કે દિપક ઘરે પહોંચ્યા નહોતા.
            જ્યોતિ એના પતિ અને પુત્રને અંતિમ સમયે જોવા માંગતી હતી. પણ કદાચ કુદરતને એની ઈચ્છા મંજુર ન હતી. દિપક ખુબ ઝડપે ઘરે પહોંચવાનો પ્રયત્ન કરે છે પણ રસ્તા ખરાબ અને ટ્રાફિક જામના હિસાબે એને ઘરે આવતા વાર લાગે છે. બધું એટલી ઝડપથી હાથમાંથી સરી જાય છે કે આવી પરિસ્થિતિમાં પરિવાર જ્યોતિની સંભાળ રાખે કે પ્રકાશને સ્કૂલથી લેવા જાય? આખો પરિવાર જાણે ઘાંઘો થઈ ગયો હતો. કોને શું  કરવું કે ન કરવું નું ભાન ન હતું. જ્યોતિના શ્વાશ ધીમા થઈ ગયા હતા. આંખ સાવ નિસ્તેજ બની ગઈ હતી. આંખના ડોરા ઉપર તરફ ખેંચાવા લાગ્યા હતા. એ ઇશારાથી દિપક અને પ્રકાશને બોલાવાનું કહી રહી હતી. આ બાજુ દિપક ઘરના આંગણે પહોંચે છે અને જ્યોતિના શ્વાશ નું અંતિમ ડચકું ભરાય જાય છે. શરીરમાં કોઈ ચેતના જણાતી નથી. હાંફળોફાંફળો દિપક રૂમમાં પ્રવેશે છે.પરિવારના સભ્યો એને કઈ જ જણાવી શકે એવી અવસ્થામાં નથી. 
           દિપક જ્યોતિને જોઈને તુરંત ડૉક્ટર પાસે લઈ જાય છે. હોસ્પિટલ પહોંચે ત્યાં સુધીમાં જ્યોતિના સંપૂર્ણ પ્રાણ જઈ ચુક્યા હતા. ડૉક્ટર એ દિલગીરી વ્યક્ત કરતા કહીંયુ કે જ્યોતિ હવે તમારી વચ્ચે નહીં રહી. અને બીજા દુઃખદ સમાચાર એ પણ આપીયા કે જ્યોતિના ગર્ભમાં રહેલ બાળક પણ બચ્યું નથી. ખુશખુશાલ જિંદગી જાણે સ્તબ્ધ થઈ ગઈ. આવનાર નવા જીવની ખુશીઓ હજી મનાવી ન હતી ત્યાં ખુશી આપનારને જ ભગવાને છીનવી લીધી. કાળનું ચક્ર એવું ફરિયું કે બધું જ છિન્નભિન્ન થઈ ગયું. પ્રકાશતો આ બધી જ વાત થી અજાણ હતો. આ કુમળા બાળકને કોણ સમાચાર આપે કે હવે આવનાર તારો ભાઈ કે બહેન જ નહીં પણ હવે તારી માઁ પણ આ દુનિયામાં રહી નથી. દિપક આ અણધારી પરિસ્થિતિનો ઘા તો જીરવી ગયો પણ એના મનમાં ડૂમો ભરાય ગયો. એ બિલકુલ રડી શક્યો જ નહીં. ઘરના દરેક સદસ્યએ એને આમ ડઘાઈ ગયેલો જોઈને રડાવવાનો પૂરતો પ્રયત્નો કર્યાં પણ એ જીવતી લાશ જેવો બની ગયો હતો. દીપકની  જ્યોતિ જતી રહી અને એ સળગતો રહીયો....
જયારે વિપરીત પરિસ્થિતિ ઉદભવે છે,
ત્યારે જ માનવી થાકે છે;
જયારે ધારણા બહારનું કર્મ થાય છે,
ત્યારે જ માનવી થાકે છે; 
જયારે આશા તૂટતી નજરે તરે છે,
ત્યારે જ માનવી થાકે છે; 
જયારે જોયેલ સ્વપ્ન અધુરા રહે છે,
ત્યારે જ માનવી થાકે છે; 
"દોસ્ત" જયારે 'કર્મ' અને 'કર્મફળ' માં પિસાય છે,
ત્યારે જ માનવી  થાકે છે.
 દીપકે પ્રકાશને ખુબ શાંતિપૂર્વક અને સમજાવટથી જ્યોતિના મૃત્યુની વાત કરી. સમય આવે વ્યક્તિ મજબૂત બની જાય છે પણ જાણે આજે આ કુમળા બાળકમાં પણ ગજબની સહનશક્તિ આવી ગઈ હતી. પ્રકાશ એક પીઢ વ્યક્તિની જેમ સમજદારીથી પરિસ્થિતિને આધીન થઈ ગયો હતો. કોઈ જ પ્રશ્ન નહીં કોઈ જ ઈચ્છા નહીં ફક્ત વડીલો કહે એમ બધી જ વિધિ પ્રકાશે પૂર્ણ કરી. જેમ દિપક મજબૂત મનોબળનો છે એમ પ્રકાશે પણ એની ઉમર કરતા વધુ મજબૂતાઈ અને સમજદારી દેખાડી હતી. કહેવાય છે ને કે, મોરના ઇંડાને ચીતરવા ન પડે!!
          ક્યારેય હાર ન માનનાર દીપકને આજે કુદરતે ઝીંદગીની સૌથી મોટી હાર આપી હતી. પ્રકાશની કાલીઘેલી વાતોથી ગુંજતું ઘર આજ સાવ શાંત અને ઉદાસીન બની ગયું હતું. સમય જાણે જ્યોતિની સાથે જ બંધ થઈ ગયો હોય એમ બધું જ નિસ્તેજ થઈ ગયું હતું. જ્યોતિ તેના નામની જેમ જ જતાની સાથે જ ઘર અંધકારમય થઈ ગયું હતું.
         આમને આમ દિવસો મહિનાઓ અને વર્ષો વીતવા લાગ્યા. જીવન પહેલા જેવું નહીં પણ ધીરે ધીરે પરિસ્થિતિ માંથી સૌ બહાર આવવા લાગ્યા. દિપક પણ ચહેરા પર જૂઠું હાસ્ય લાવવાનું શીખી ગયો હતો.
કોઈ શું જાણે કે ચહેરો કેમ હસતો હશે,
ક્યારેક ગહેરા ઘાથી એ પણ તડપતો હશે; 
દિલના દુઃખને આંખોમાં કેમ સમાવતો હશે,
એકલતામાં અશ્રુને એ પણ વરસાવતો હશે; 
હસતા ચહેરાને ખુશનસીબ સૌ સમજતા હશે,
પણ એ જુઠા હાસ્યને કોઈક જ જાણતા હશે; 
દોસ્ત! તું પણ હસતા ચહેરાને જાણતો હશે,
ક્યારેક દુઃખના ઘૂંટડા પીતો તેને જોતો પણ હશે.
           એક દિવસ દીપકના જીવનમાં એક સ્ત્રી આવી, નામ એનું દીપ્તિ હતું. એ પણ કુદરતની ઝપટથી હારેલી હતી. દીપ્તિને દીપકની સંપૂર્ણ માહિતીની જાણ થાય છે. દીપ્તિને દિપક અને પ્રકાશ માટે મનમાં લાગણી ઉદભવે છે. દીપ્તિએ મનોમન પ્રકાશને પોતાના પુત્ર તરીકે સ્વીકારવાનું નક્કી કરી લીધું. જીવનમાં કોણ ક્યારે કઈ રીતે પ્રવેશે એની માહિતી કોઈને હોતી નથી. અહીં દિપક સાથે પણ એજ બન્યું. દીપ્તિએ દીપકને સામેથી લગ્નનો પ્રસ્તાવ મુક્યો. દીપકે દીપ્તિની વાતને ઠુકરાવી નહીં પણ એણે પોતાના મનની વાત કહી કે હું જ્યોતિને હજુ ભૂલી શક્યો નહીં પણ ધીરે ધીરે પ્રયત્ન કરીશ કે હું તારો સ્વીકાર કરી શકું. દીપ્તિએ કહિયુ કે હું તમારી પરિસ્થિતી સમજી શકુ છું, તમે ચિંતા ન કરો.
            આજ પ્રકાશ ખુબ આનંદ અને ઉલ્લાશથી એનું જીવન જીવે છે. એ હવે, દિપક અને દિપ્તીનો પ્રકાશ બની ગયો છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED