વિચલિત મન છે,
બેકાબુ મનોમંથન છે,
કેમ કરી સમજાવું દિલને,
આ કર્મનું જ ઋણાનુબંધ છે!
વર્ષા વિચારનાં વમળમાં તણાઈ રહી હતી. મન પરનો કાબુ આજ ચૂકાઈ ગયો હતો. કેટકેટલી પ્રવુતિમાં મન પરોવવાના વ્યર્થ પ્રયાસ કરી ચુકી હતી. વર્ષાએ અંતે થાકીને ઊંઘની દવા પીધી અને પોતાના રૂમમાં ઊંઘવા માટે જતી રહી હતી.
વર્ષા આમતો બહુ જ કઠણ કલેજાંની પણ અંતે તો તે એક સ્ત્રી જ ને! લોકોના રોજ બરોજના મેણાં સાંભળીને ક્યારેક એ પણ પોતાની અંદર છુપાયેલી સંવેદનાને લીધે આકુળવ્યાકુળ થઈ જતી હતી. ચાલો તમને જણાવું વર્ષાની મનના એક ખૂણામાં છુપાયેલી વેદના...
વર્ષો પહેલાની આ વાત છે. વર્ષા પોતાના જીવનની નવી શરૂઆત કરવા આકાશનો હાથ અને સાથ મેળવી ખુબ ઉમળકા સાથે સાસરે આવી હતી. બંને પક્ષના પરિવારોએ હર્ષ સાથે આ નવદંપતિને શુભેચ્છા સાથે આશીર્વાદ આપ્યા હતા. લગ્નજીવનની શરૂઆત ખુબ સુંદર હતી. વર્ષા અને આકાશ બંને પોતાના જીવનસાથીને પામીને ખુબ ખુશ હતા. બંને ખુશ હતા આથી સમય પણ ઝડપથી જઈ રહ્યો હતો.
વર્ષાની ૨/૪ દિવસથી તબિયત થોડી નરમગરમ રહેતી હતી, નબળાઈ પણ રહેતી હતી. વર્ષાએ આકાશને કીધું કે, "આજ ર્ડોક્ટર પાસે જઈને દવા લઇ આવિએ મને બહુ જ થાક પણ લાગે છે જેથી ચક્કર આવે છે." આકાશે કીધું, "મારે ઑફિસેથી મોડું થશે તું આ રૂપિયા લે અને અત્યારે જ દવા લઈલે જેથી તબિયત જલ્દી સારી થઈ જાય." વર્ષાએ આકાશની વાત માન્ય રાખી અને જાતે જ દવા લેવા જતી રહી. વર્ષાના ઘરની નજીક જ એક ક્લીનીક હતું એ ડૉક્ટર પણ સારા હતા, વર્ષા એમની પાસે જ દવા લેવા ગઈ હતી. ડૉક્ટરએ ઔપચારિક વાત પરથી વર્ષાને કહ્યું કે, "એક તમારો ટેસ્ટ કરવો પડશે એ પછી જ હું તમને તમારી તકલીફ શું છે એ કહી શકું." વર્ષાએ ડોકટરને ટેસ્ટ કરવા માટે હા પાડી, ટેસ્ટના રિપોર્ટ માટે ૧૦ મિનિટ વર્ષાને ક્લીનીક પર જ રહેવા કહ્યું હતું. વર્ષાને થોડો ડર લાગ્યો કે કઈ બીમારી મને થઈ હશે?
વર્ષાના રિપોર્ટનું રિઝલ્ટ થોડીવારમાં આવી ગયું હતું. ડૉક્ટરએ વર્ષાને બોલાવીને કહ્યું કે તમે કેમ ડરો છો? આ તો ખુશી સમાચાર છે, તમે માતા બનવાના છો. મને ઔપચારિક વાત પરથી જ લાગ્યું હતું કે, "તમે પ્રેગનેન્ટ હશો પણ અનુમાન સાચું જ છે એ રિપોર્ટ પરથી સાચું પડ્યું, અભિનંદન તમારા જીવનમાં એક નાનું સદસ્ય આવશે." ડૉક્ટરના આવા શબ્દો સાંભળીને વર્ષાને જે ખુશી મળી એ જણાવવી મુશ્કેલ હતી.
હર્ષના હાવભાવ સાથે એ ઘરે આવવા ક્લીનીકથી નીકળી હતી. રસ્તે ચાલતા ચાલતા કેટકેટલા વિચારોએ હરખઘેલી બનતી વર્ષા પોતાના બાળકનો કેમ ઉછેર કરશે? નામ શું રાખશે? આકાશને જણાવશે તો એ કેવો રાજી થશે, એવા વિચારમાંજ એ ક્યારે ઘર સુધી પહોંચી ગઈ તેની એને ખબર જ ન પડી.
ઘરે પહોંચીને એ પોતાના મંદિર પાસે ભગવાનને હાથ જોડીને જે અણધારી ખુશી મળી એનો આભાર માને છે. પછી તુરંત આકાશને ફોન કરીને ખુશખબર આપે છે. આકાશને વર્ષાના અવાજ પરથી લાગ્યું કે એ ખુશ છે, પણ આકાશ ખુશ થવાને બદલે એવો પ્રશ્ન કરે છે કે એ કેમ શક્ય બને? આપણો અત્યારે બાળકને આપણા જીવનમાં લાવવાનો કોઈ વિચાર જ નથી તો આ કેવી રીતે શક્ય છે? વર્ષા આકાશનાં આવાં પ્રતીભાવથી ડઘાઇ જાય છે. વર્ષા કઈ કહે એ પહેલા જ આકાશ એમ કહી ફોન મૂકી દે છે કે હું કામમાં છું ઘરે આવું પછી વાત કરીએ.
ફોન તો મુકાઈ ગયો પણ એનો પડઘો વર્ષાના કાનમાં ગુંજતો રહ્યો હતો. વર્ષાની આંખની પાંપણે એક આંસુનું ટીપું આવી અટકી ગયું હતું, હરખનું આંસુ વેદનામાં રૂપાંતરિત થઈ ગયું હતું. વર્ષાને આકાશના આવા પ્રતિઉત્તરથી ખુબ આઘાત લાગ્યો હતો. એ સમજવા અસમર્થ હતી કે આકાશે આવું શું કામ કહ્યું?
વર્ષા દુઃખી મન સાથે સાંજ પડવાની રાહ જોવા લાગી કે આકાશ આવે અને ચોખવટ પૂર્વક વાત થાય...
આકાશ ઑફિસેથી આવ્યો પણ જાણે કેટલાય પ્રશ્ન એના ચહેરા પર ચીતરાય ગયા હતા. વર્ષા એક તો એના પ્રતિભાવથી દુઃખી હતી અને એમાં વળી આકાશના ચહેરાને જોતા એ જાણે વિચિત્ર અનુભૂતિ જ કરી રહી હતી. આકાશે વાતની શરૂઆત સીધી એમ જ કરી કે, 'તું આપણા બંનેના પરિવારને તારી પ્રેગનેન્સીનું કાંઈજ કહેતી નહીં, આપણે આ બાળક નથી જોતું, કાલ ડૉક્ટર પાસે જઈ અને એને કહેજે કે આ બાળક મને નહીં જોતું જે ટ્રીટમેન્ટ કરવાની થાય એ કરી આપો.' આટલું કહી ને એ રૂમમાં જતો રહ્યો. વર્ષા પણ એની પાછળ પાછળ ગઈ અને બોલી, 'કેમ તમે એવું કહો છો? લોકોને બાળક જોતું હોય એની ટ્રીટમેન્ટ માટે દોડતા હોય છે અને તમે આપણને વગર માગ્યે ખુશી ભગવાને આપણા ખોળામાં મૂકી છે એના માટે આવું શું કામ કહો છો?
આકાશે પ્રતિઉતરમાં ફક્ત એટલું જ કીધું કે, તું મારી સાથે કોઈ દલીલ ન કર તને કીધું એમ કર. જ્યાં સુધી તું એનો નિકાલ ન કર મને બોલાવજે નહીં.
વર્ષા અવાચક ઉભી રહી અને આકાશ ગુસ્સો ઠાલવીને જતો રહ્યો.
મૌન બની અવાચક ઉભી રહી ગઈ હું,
ઉંબરે આવી ખુશીને વધાવી ન શકી હું!
આકાશ જમીને ચુપચાપ રૂમમાં ઊંઘવા જતો રહ્યો હતો. એને એ વાતનો અણસાર પણ ન હતો કે વર્ષા શું અનુભવી રહી છે?
સ્ત્રીની જિંદગીની સૌથી મીઠી યાદગાર ક્ષણ એ છે કે એ ગર્ભવતી છે એ કર્ણપ્રિય શબ્દો એના કાને પડઘો પાડે, અહીં વર્ષા પણ એવી જ સહાનુભૂતિ અનુભવતી હતી. પણ એની લાગણી જાણે વર્ષા પૂરતી જ રહી...
વર્ષાને એમ કે સવારે એ આકાશ સાથે કંઈક આ બાબતે શાંતિથી વાત કરશે પણ આકાશ એના મુખ તરફ નજર કરતો જ નહોતો. આકાશ ચા પીને ઓફિસે જતો રહ્યો, અને વર્ષાની વાત અલ્પવિરામ બની ઉભી રહી ગઈ.
વર્ષા આકાશના આવા વર્તનથી ખુબ રડી, પણ એ એવી લાચાર હતી કે કોઈની સાથે આ વાત પણ ન કરી શકે. આકાશએ કોઈ ને ન કહેવા કીધું હતું.
કદાચ પ્રેમ એક તરફી જ હતો,
પણ પ્રેમ ખરેખર સાચો જ હતો.
વર્ષા રોજ એક આસ સાથે નવા સૂર્યોદયની રાહ જોતી હતી, પણ હજી એની વાત અલ્પવિરામ જ રહી હતી. આજકાલ કરતા અઠવાડિયું થવા આવ્યું પણ હજુ અડગ જ હતી વર્ષા! આકાશને ઘણા બોલાવવાના સમજાવવાના પ્રયત્ન કરી ચુકી હતી પણ પથ્થર દિલ આકાશ ટસનોમસ ન થયો...
વર્ષા પોતાના ઘરના મંદિર સામે ઉભી રહી અને મનોમંથન કરવા લાગી, "હે ભગવાન તમે આ કેવી દુવિધામાં મને મૂકી? હું આ પાપ કેમ કરું? અને જો ન કરું તો આકાશ થી દૂર થતી જાવ છું. તમે જ મને કોઈ યોગ્ય રસ્તો આપો." વર્ષાની આંખ વર્ષી રહી હતી. આજ એ જિંદગીથી હારી ગઈ હતી. આકાશથી વિરુદ્ધ જવું ન હતું, આથી જ હજુ વર્ષાએ કોઈને કઈ જ કહ્યું નહોતું. પણ આકાશ વર્ષાની લાગણી સમજવાં જ માંગતો નહોતો. રાત્રે આકાશે ઓફિસે થી આવી સીધું એમ જ કીધું કે, "તું તારા કપડાને સામાન પેક કર હું તને તારે પિયર મૂકી જાવ, તું તારી જીદ મૂક એવું લાગતું નહીં આથી હું તને મારી ઝિન્દગીથી દૂર કરું છું."
વર્ષા આ સાંભળીને ખુબ રડમસ અવાજે બોલી, નવા સબંધ માટે હું જુના સબંધને ન તોડી શકું. વર્ષાએ આકાશને કીધું કે જેમ તમે કીધું એમ હું કરીશ, મારે પણ આ બાળક નહીં જોતું. વર્ષા રડતી રડતી રસોઈ બનાવવા જતી રહી. વર્ષા કોઈજ યોગ્ય કારણ વગર આકાશ દ્વારા લીધેલા માર્ગે જવા તો તૈયાર થઈ પણ મનની વેદના એક ખૂણામાં ઘર કરી ગઈ હતી.
વર્ષાની સાથે આ બનાવ થયો તેને ઘણો સમય વીતી ગયો પણ હજુ એક ખૂણામાં ઘર થઈ ગયેલ વેદના તાજી જ હતી. એ આ વાતને ભૂલી સકતી નહોતી. આવા સમયમાં ફરી એ ગર્ભવતી બની અને એજ ફરજ એને ફરી દાખવવી પડશે એવી આકાશ દ્વારા વર્ષાને કડક ચેતવણી આપવામાં આવી હતી.
લાચારી હતી એ મારી;
કે લાગણી હતી એ આંધળી;
પ્રેમની હતી સજા મારી;
કે વિધાતાની હતી લેખાજોખી મારી!
દોસ્ત! જાણું બસ એટલું જ ફક્ત લાગણી જ પિસાણી હતી મારી...
વર્ષા પોતાની લાગણીને મારીને આકાશની ઈચ્છા મુજબ કોઈ જ ભવિષ્યનો વિચાર કર્યા વગર ચાલી રહી હતી જેનું કેટલું ગંભીર પરિણામ આવશે એની વર્ષાને ક્યાં કાંઈજ ખબર હતી..
વર્ષાની જિંદગી આમને આમ કોઈને કાંઈજ કહ્યા વગર આગળ વધી રહી હતી. વર્ષાના લગ્નજીવનને જોતજોતામાં ઘણા વર્ષો વીતી ગયા હતા. હવે, વર્ષાના પરિવાર અને સાસરી બંને પક્ષ તરફથી વર્ષા ક્યારે માતા બનશે એવા પ્રશ્ન ઉઠવા લાગ્યા હતા. આ પ્રશ્ન સાંભળતા જ વર્ષાના મનમાં એક વીજળી સમાન કડાકો તેના હૃદયને કંપાવી જતો હતો. પણ, બહુ જ મન પર કાબુ રાખી એ વાતને જુઠા હાસ્યમાં ફગાવી દેતી હતી.
વર્ષાના લગ્નને ૮ વર્ષ પુરા થઈને ૯મુ વર્ષ બેસી ગયું હતું. આકાશને હવે પિતા બનવાની ઈચ્છા સરવળી હતી. આકાશે વર્ષાને પોતાના મનની વાત જણાવી હતી. વર્ષા આ સાંભળી તરત જ જૂનું બધું જ જે એની સાથે થયું એ ભૂલીને આકાશની વાત સાથે સહમત થઈ ગઈ હતી.
કેવી નિખાલસ હોય છે સ્ત્રીની લાગણી,
જો હળવાશ મળે તો ખીલી ઉઠતી લાગણી,
બાંધી રાખે પુરુષ ભલેને એની બધી લાગણી,
છતાં દોસ્ત! એ નિખાલસતાથી જ વધાવે એની લાગણી!
અહીં આવું જ કંઈક આપણી વર્ષા પણ અનુભવી રહી હતી. પતિને પરમેશ્વર જ ગણી એની દરેક વાત પર અમલ જ કરતી હતી. પણ કહેવાય છે ને કે જાણે અજાણ્યે પણ કોઈની લાગણી દુભાવી હોય એનું ફળ ભોગવવું જ પડે છે. એવું જ હવે આકાશ જોડે થવાનું હતું. આકાશ હવે આતુરતા પૂર્વક રાહ જોતો હતો કે વર્ષા ક્યારે સમાચાર આપે!.. પણ આકાશને આ સમાચાર ઘણો સમય વીત્યો છતાં મળ્યા નહોતા. ઘરમાંથી પણ હવે રીતસર આ બાબતે ભાર પૂર્વક જણાવવામાં આવતું હતું કે, "સમય ઘણો વીતી ગયો, જરૂર છે હવે ડૉક્ટરને મળવાની."
આકાશ હવે વર્ષાને લઈને ડૉક્ટર પાસે ગયો હતો. ડૉક્ટરએ પૂછ્યું કે, "વર્ષાએ ક્યારેય કોઈ સર્જરી કરાવી છે?" ડૉક્ટરનો આવો પ્રશ્ન સાંભળીને આકાશે બધી વર્ષો પહેલાની વાત વિગતથી જણાવી હતી.
ડૉક્ટર બધી વાત સાંભળીને આકાશને કહે છે કે, "તમે જે વાત કહી એ પરથી હું એવું કહી શકું કે, ૨ વખત એબોશન કરાવવાના લીધે હવે કદાચ વર્ષા માઁ બની શકે એ ચાન્સીસ ઓછા છે, આવું ઘણા દંપતીઓમાં થતું હોય છે, કદાચ એમાનું તમે પણ હોઈ શકો. હું બહુ દુઃખની લાગણી સાથે કહું છું કે, વર્ષાના માઁ બનવાના ચાન્સ બહુ જ ઓછા છે. છતાં આપણે દવા દ્વારા પ્રયત્ન કરીયે કે તમે બંને માતાપિતા બનવાનું સૌભાગ્ય પામી શકો."
ડૉક્ટરની વાત સાંભળીને વર્ષા પોતાની લાગણીને સાચવી ન શકી એ ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડવા લાગી હતી. આકાશને આજ અહેસાસ થયો કે એની કારણ વગરની જીદે શું પરિણામ આપ્યું હતું. એને વર્ષો પહેલા વર્ષા કેવું અનુભવતી હશે એ વિચારમાં એ ગરકાવ થઈ ગયો હતો.
ઘરે ગયા બાદ આકાશ ફોન દ્વારા પોતાના અને વર્ષાના પરિવારને જણાવે છે કે, "વર્ષાને થોડી તકલીફ હોવાથી માતા બનવા માટે દવા લેવી પડે એમ છે."
આકાશ પરિવારને જયારે આવી અધૂરી માહિતી આપે છે એ સાંભળીને વર્ષા દંગ રહી જાય છે. એના મનમાંથી આજ આકાશ માટેનું માન ઘટી જાય છે. એ મનમાં જ વિચારી રહી કે,"આકાશ ફક્ત પોતાના માટે જ જીવે છે, પોતાની જ વાત ખરી રાખવા મને અન્યાય કરે છે. વર્ષાના મનમાં રહેલ આકાશ માટેની લાગણી આજ ઘટવા લાગી હતી."
હૈયું ઝંખે છે લાગણીની મીઠાશ,
તું ક્યારેક તો સમજ નિર્મલ આશ!
વર્ષાની દવા શરૂ કરી એને પણ ૨ વર્ષ થઈ ગયા હતા. પણ જાણે હવે વર્ષાએ આશા જ રાખવી નકામી હતી.
વર્ષાના સાસરી વાળા તો હવે વર્ષાને વાંઝણી કહે છે એવી કાનાફૂસી વાતો વર્ષાના કાને પણ પહોંચતી થઈ ગઈ હતી. શુભ પ્રસંગોમાં વર્ષાનો પડછાયો પણ ન પડે એવું રીતસરનું વર્તન વર્ષા જોડે થવા લાગ્યું હતું. ન બોલવાનું પણ ઘણું વર્ષાને કહેવામાં અને સંભડાવવામાં આવતું હતું. વર્ષા આ બધું જ ચુપચાપ સાંભળી લેતી હતી અને પોતાના રૂમમાં જઈને રોય લેતી હતી. વર્ષા સાથે જે થઈ રહ્યું હતું એ આકાશની ભૂલનું પરિણામ હતું, આકાશ પણ બધું જ જાણતો હતો કે વર્ષા સાથે બધાનું વર્તન અયોગ્ય છે છતાં એ પોતાનો મોભો જાળવી રાખવા વર્ષા માટે એક શબ્દ પણ ઉચ્ચારતો નથી.
આજ એક સીમંતના પ્રસઁગમાં ફરી એજ બધા અપમાન અને વાંઝણી શબ્દોના ઘા વર્ષા પર પડ્યા હતા. આથી જ વર્ષા પોતાની જાતને સંભાળવામાં અસફળ નીવડી હતી, અને એ ઊંઘની દવા લઈને ઊંઘી ગઈ હતી.
સવારે રોજના નિત્ય ક્રમ મુજબ વર્ષા ઉઠી નહીં આથી આકાશે એને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો, છતાં એ જાગી નહીં. આકાશે ડૉક્ટરને ફોન કરીને બોલાવ્યા અને વર્ષાને શું થયું એ જણાવવા કહ્યું. ડૉક્ટરએ કીધું કે, વર્ષાએ વધુ પડતી ઊંઘની ટીકડીઓ ખાધી હોવાથી એ મૃત્યુ પામી છે." આકાશ આ વાત સાંભળીને અવાચક થઈ ગયો. આજ એની આંખ મારફતે વર્ષા વર્ષી રહી હતી, એનો પણ આકાશને ખ્યાલ નરહ્યો.
આ વાર્તા ખાસ લખવાનો ઉદેશ્ય એ હતો કે, આજના સમયમાં પણ એવા અસંખ્ય પુરુષો છે જે પોતાની પત્ની પર જ હુકુમ દાખવે છે. પરિવારની અન્ય સ્ત્રીઓ પર એમનો હક નહીં એવું કહીને પોતાની પત્નીને જ દબાણવશ અંકુશમાં રાખે છે. પણ દરેક સ્ત્રીની જુદી જુદી સહન કરવાની શક્તિ હોય છે, અમુક હદ જે પુરુષ ઓરંગે એમના ઘરમાં આવા અક્સમાત થવાના ચાન્સ વધી જાય છે. પત્નીને શાસ્ત્રમાં પણ અર્ધાંગની કહી છે, જે કૃત્ય તમે તમારી જાત સાથે ન કરો એ કૃત્ય તમારી અર્ધાંગની સાથે પણ ન જ કરવું જોઈએ એ વાત આ વાર્તા દ્વારા રજુ કરી છે.
આશા રાખું છું કે તમને મારી વાર્તા વાંચવી ગમી હશે, મારી વાર્તા દ્વારા જો કોઈની લાગણી દુભાણી હોય તો હું માફી ચાહું છું.