Tortoise books and stories free download online pdf in Gujarati

કાચબો

સુજલ સાથે બનેલ એક બનાવની આ વાત છે. સુજલનો સ્વભાવ આકરો ખરો પણ દરેક જીવ પ્રત્યે સહાનુભતિ ધરાવે એવા વ્યક્તિત્વવાળો સુજલ કર્તવ્યપ્રેમી પણ ખરો!

સુજલનો ધંધો એવો હતો કે એ ફોન દ્વારા પણ જેતે સ્થળેથી પોતાનું કામ કરી શકે, આથી સુજલ કાર ડ્રાઈવની  સાથે ફોન પર પણ તે દિવસે વ્યસ્ત હતો. સમયની કટોકટીના લીધે સુજલ ખુબ ઝડપથી કાર ડ્રાઈવ કરી રહ્યો હતો. વાત જાણે એમ હતી કે સુજલ પોતાના નિત્ય નિયમ પ્રમાણે પૂનમ ભરવા એમના માતાજીના દર્શનાર્થે જઈ રહ્યો હતો. અચાનક ખુબ ઝડપે દોડતી કારને સુજલએ તુરંત બ્રેક મારી કાર ઉભી રાખી કારણ કે સુજલની નજર રસ્તાની બાજુમાં રહેલ કાચબા પર પડી હતી. સુજલને જાણે કોઈ દેવી સંકેત થયો હોય એવું એને લાગ્યું હતું. એનું કારણ એ હતું કે કાચબો એવી જગ્યાએ હતો કે તરત કોઈની નજરે આવે એમ ન હતું. સુજલ કાચબાને જોવા કારમાંથી નીચે ઉતરે એટલીવારમાંતો કાચબો કારની સાવ નજીક આવી ગયો હતો. કાચબાને પણ જાણે કારમાં બેસવાની તાલાવેલી હતી. સુજલ કાચબાને નીરખીને જુએ છે, એટલીવારમાં તો આસપાસ અમુક લોકોનું ટોળું વળી ગયું હતું. ટોળામાંથી કોઈક એકે તો સુજલને સુજાવ પણ આપ્યો કે કાચબો એ અતિ પવિત્ર અને તમારા માટે આ શુભ સંકેત છે,એને તમારી જોડે લઈ જાવ. સુજલે થોડી ક્ષણ વિચાર કર્યો,ત્યારબાદ એ એના પરિવારને કાચબા માટેના મંતવ્ય પૂછે છે કે,હું કાચબાને ઘરે લઈ આવું કે શું કરું? પરિવારના સૌ કોઈએ હા પાડી સિવાય કે સુજલની પત્ની. સુજલની પત્નીનું નામ ચાંદની છે. ચાંદનીની ના પાડવાનું કારણ માત્ર એક જ હતું કે,કાચબાના પરિવાર વિશે કે એના ભુતકાળવિશે આપણને કોઈ માહિતી ન હોય, બને કે આ કાચબાનાં બચ્ચા પણ હોય તો કાચબાનો આખો પરિવાર વિખેરાય જાય બસ આ વિચારનાં લીધે ચાંદનીએ સુજલને કાચબો ઘરે લાવવાની ના પાડી હતી.

ચાંદની સિવાય સૌ કોઈની  મંજૂરી હોવાથી સુજલ કાચબાને કારમાં લઇ લે છે. હવે અહીંથી કાચબાનું જીવન પરિવર્તિત થઈ જાય છે. ધીમી ગતિએ ચાલતો કાચબો ખુબ ઝડપે કારમાં મુસાફરી કરી રહ્યો હતો. કાચબો મહિનાઓ સુધી પણ સફર ન કરે એટલી સફર આજે સુજલએ એક જ દિવસમાં કાચબાને કરાવી હતી. અંદાજે ૩૦૦કી.મી. નું અંતર કાચબાએ એ.સી. કારની મોજમાં અને ભજનના મોજીલા સંગીત સાથે કાચબાની આ પ્રથમ મુસાફરી સુજલના ઘરે પહોચતાની સાથે પૂર્ણ થાય છે.

અહીં સુજલના ઘરે જેમ નવી વહુ પ્રયાણ કરે ત્યારે જેવો ઉત્સાહ હોય એવો જ ઉત્સાહ કાચબાના ઘરે આવવાથી સૌને હતો. આખા પરિવારે  ખુબ પ્રેમથી કાચબાને આવકાર્યો હતો. કાચબાની આગતાસ્વાગતા, સુજલ સાથે કાચબાનો થયેલ મેળાપ વગેરે જેવી વાતોમાં ઘણો સમય પસાર થઈ ગયો હતો. સાંજનું ભોજન સુજલે રાત્રે ૧:૩૦ એ કર્યું હતું. જેવો સુજલ જમવા બેઠો કે એને તુરંત થયું કે કાચબાને શું ખવડાવવાનું? પરિવારના સૌએ જે માહિતી કાચબો ખાઈ એ હતી એ ચાંદનીને જણાવી, ચાંદનીએ એ મુજબ કાકડીની ચીર, ગાજર,ટામેટું, વગેરે કાચબા પાસે મૂક્યું પણ કાચબાએ કઈ જ ખાધું નહીં. સુજલે અને ચાંદનીએ પોતાના મિત્રવર્તુળમાંથી પણ કાચબા વિશેની વધુ માહિતી મેળવી અને કાચબાની કેમ સંભાળ રાખવી એ વિશે પણ જાણકારી લીધી હતી.

કાચબાની જે માહિતી મળી એ મુજબ ઘરે જે કાચબો લાવ્યા એ પાણીનો કાચબો છે એમ જાણવા મળ્યું હતું. વળી,આ કાચબો લિલ, શેવાળ, પાણીના જીણાજંતુઓ ખાય એવું જાણવા મળ્યું હતું. કાચબાની ગ્રહદશા બદલી હતી,કારણકે બ્રાહ્મણના ઘરે શાકાહારી જ આહાર મળે!!

કાચબાના ખોરાક માટે યુ ટ્યુબની પણ સહાયતા સુજલે લઇ લીધી હતી કે કદાચ કોઈક નવી માહિતી પ્રાપ્ત થાયને કાચબો કંઈક ખાય લે. કોરા મમરા, ઘઉંની નાનીગોળી, બિસ્કિટનો ભૂકો વગેરે જેવું પણ કાચબા પાસે રાખીને જોઈ લીધું પણ કાચબો જરા પણ ખાતો નથી ફક્ત સુંઘીને મોઢું ફેરવી લેતો હતો. વળી, પાણીનો કાચબો હોવાથી એને પાણીમાં રાખવામાટે ચાંદનીએ એક મોટું ટબ પાણીથી ભરીને કાચબાને પાણીમાં મુક્યો હતો. આ પ્રથમ વખત ચાંદનીએ કાચબાનો સ્પર્શ કર્યો હતો. ચાંદનીના મનમાં કાચબાને જોઈને એવી સહાનુભૂતિ થતી હતી કે જરૂર આ એના પરિવારથી અલગ થયો હોવાથી કઇ જ ખાઈ રહ્યો નથી, પણ ચાંદનીની વાત હજુ કોઈના ગળે ઉતરે એવી ન હતી.

આમને આમ આજ ૪ દિવસ પુરા થઈ ગયા હતા. કાચબાએ કઇ જ ખાધું ન હતું. સુજલને જે એના મિત્રમંડળે માહિતી આપી હતી એ મુજબ કાચબો ૩ મહિના સુધી વગર ખોરાકે પોતે જે સ્થળે હોય એ સ્થળનું વાતાવરણ અનુકૂળ ન થાય ત્યાં સુધી એ ભૂખો રહી શકે છે,  છતાં સુજલનો સ્વભાવ દયાળુ હોવાથી એને એના સસરા પાસેથી પણ આ વિશે વધુ માહિતી પ્રાપ્ત કરી હતી. સુજલના સસરાએ કાચબામાંટે માર્કેટમાં જે કાચબાનો તૈયાર ખોરાક મળે છે એ લઈને કાચબાને આપવાનું કહ્યું, એ ખવડાવવાનો પ્રયત્ન પણ સુજલે કરી  જોયો પણ કોઈ જ લાભ ન થયો. કાચબાએ જાણે ઉપવાસ શરૂ કરી દીધા હતા.

સુજલની બહેને કાચબો વધુ પાણીમાં રહી શકે એ માટે એક મોટી  બેઠા  ઘાટની સિન્ટેક્સની  ટાંકી સુજલને આપી અને કીધું કે ભઈલા કાચબાને આ ટાંકીમાં રાખીને જોવને કદાચ એને ટબમાં ન મજા આવતી હોય, સુજલે કાચબાને આ ટાંકીમાં રાખીને  પણ જોયું છતાં હજુ કાચબાના ઉપવાસ છૂટ્યા ન હતા. આમને આમ ૧૫ દિવસ જેવું થઈ ગયું હતું. હવે સુજલને કાચબા માટે ચિંતા થવા લાગી હતી. આથી સુજલ કાચબાને લઈને પશુઓના ડૉક્ટર પાસે લઈ ગયો અને કાચબાનું સંપૂર્ણ ચેકઅપ કરાવ્યું હતું. ડોક્ટરએ બધું નોર્મલ છે એવું જણાવ્યું પણ કાચબો કેમ કઈ ખાતો નહીં એ બાબતે ડૉક્ટર મૌન રહ્યા હતા.

સુજલને થયું કાચબાને બહાર ફરવા લઇ જઈએ કદાચ એને માજા આવે અને એ કંઈક ખાતો થઈ જાય,આ વિચારે એ કાચબાને જામનગર પોતાના સાસરે લઇ ગયો હતો. સુજલની સાથોસાથ કાચબાની પણ ત્યાં ખુબ આગતાસ્વાગતા થઇ હતી. ૨ દિવસ ત્યાં રહ્યા પણ હજુ કાચબાએ પોતાના ઉપવાસ તોડ્યા નહીં. કાચબો એકવાર રાજકોટ પણ ફરી આવ્યો હતો. આમને આમ એક મહિનો પૂર્ણ થવા આવ્યો હતો પણ જાણે કાચબાએ નક્કી જ કર્યું હતું કે કઈ જ ખાવું નહીં. 

આજ ફરી પૂનમનો દિવસ આવ્યો હતો. નિત્યનિયમ મુજબ સુજલ પૂનમ ભરવા એના દેવસ્થાને જવાનો હતો. ચાંદનીએ સુજલ સમક્ષ પોતાના મનની વાત રજુ કરી અને સુજલને જણાવ્યું કે, "કાચબાએ એક મહિનાથી કઈ જ ખાધું નથી બધા જ શક્ય એટલા પ્રયત્ન છતાં આપણે કાચબાને કઈ ખવડાવી શક્યા નહીં. જો તમે હા પાડો તો કાચબો જ્યાંથી મળ્યો ત્યાં ફરી મૂકી આવ્યે, ફરી ફરીને મારુ મન એજ વિચારે ચડે છે કે જરૂર કાચબો એના પરિવારથી વિખૂટો પડી ગયો છે.આ મૂંગૂપ્રાણી ક્યાંક આમને આમ મરી ન જાય!." સુજલે ચાંદનીની વાત સાંભળીને તરત બોલ્યો કે હું પણ હવે એવું જ અનુભવી રહીયો છું, જાણતા અજાણતાં મારાથી પાપ થઈ ગયું છે તારી વાત સાચી છે. આજ આપણે કાચબાને જે સ્થળેથી મળ્યો ત્યાં જ મૂકી આવ્યે. આટલું બોલતા સુજલ ભાવવિભોર થઈ ગયો હતો. એની આંખ ગમગીન થઈ ગઈ હતી. આ જોઈને ચાંદની મનમાંને મનમાં હરખાણી, કારણકે એને થયું કે સુજલ આ મુંગાપ્રાણી માટે આટલો લાગણીશીલ થઈ ગયો,ખરેખર હું કેટલી નસીબદાર છું કે મારા જીવનમાં સુજલ મને પતિ સ્વરૂપે મળ્યો!

સવારના ૯:૦૦ વાગ્યે સુજલ અને ચાંદની દેવસ્થાને જવા નીકળ્યા ત્યારે પરિવારના દરેક સદ્દશ્યની મંજૂરી લીધી કે કાચબાને હવે એના મૂળસ્થાને મૂકી આવ્યે. ઘરેથી નીકળતી વખતે કાચબાને સાથે લીધો હતો. સુજલ સાથેની કાચબાની આ અંતિમ મુસાફરી હતી. કાચબો જાણે એક મહિનો સુજલના પરિવાર સાથે રહીને માનવની ભાષા સમજતા શીખી ગયો હતો. કાચબાનું આજ વર્તન કંઈક અજુક્તું જ હતું. ચાંદની કાચબાને નીરખીને જોઈ રહી... ચાંદનીને લાગ્યું કે કાચબાની આંખમાં  આંસુ હતા, એ મનમાં બોલી કે કોણ જાણે આ આંસુ સુજલ સાથેની વિદાયના છે કે કાચબો એના પરિવારને આજે ફરી મળશે એ  હરખના છે! કારમાં આજ ન ભજન ચાલુ હતા કે સુજલ અને ચાંદની વચ્ચે કોઈ સંવાદ હતો. ફક્ત કાચબો કુતુહલવશ કારમાં દોડાદોડી કરતો હતો એજ અવાજ આવતો હતો. કાચબાને જાણે એના મૂળભૂતસ્થાનની એ માટીની સુગંધ આવી ગઈ હતી. સુજલે કાર તે સ્થળે ઉભી રાખી જ્યાંથી કાચબો એને પ્રથમ વખત મળ્યો હતો. સુજલે કાચબાને ઉપાડીને ખુબ લાગણીથી તેની પીઠપર હાથ ફેરવીને એને તેની જગ્યાએ મુક્યો હતો.

આજ, આ બનાવને ઘણો સમય વીતી ગયો પરંતુ જયારે પણ સુજલ અને ચાંદની કાચબાને જે સ્થળે મુક્યો ત્યાંથી નીકળે ત્યારે કાચબાને અચૂક યાદ કરે છે. એ સ્થળનું નામ સુજલે 'કાચબાઘર' પાડી દીધું છે. ત્યાંથી સુજલ જયારે પણ નીકળે ત્યારે અચૂક એની નજર કાચબાને શોધતી હોય છે કે કદાચ એનો કાચબો એને ક્યાંક નજરે ચડી જાય!!
પ્રેરણાં : ભાગ્યમાં જેનું લેણું જેટલું હોય એટલું જ તમે ભોગવી શકો છો પછી ભલેને એ માનવી હોય કે કોઈ અન્ય જીવ!

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED