Daughters books and stories free download online pdf in Gujarati

દિકરીઓ

વાર્તા:- દિકરીઓ
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.


સ્મિત અને મિત - બે જીગરજાન મિત્રો. પ્રથમ વખત તેઓ શાળાનાં પ્રાથમિક વિભાગમાં હતા ત્યારે મળેલા. ત્યારથી બંનેની દોસ્તી અકબંધ રહી છે. ભણ્યા પણ બંને એકસરખું જ અને એક જ કૉલેજમાં. હા, નોકરી બંનેને અલગ અલગ જગ્યાએ મળી હતી. પણ બંને એક જ જ્ઞાતિનાં હોવાથી પ્રસંગોમાં કે અન્ય રીતે ભેગા થઈ જતા. ઉપરાંત અઠવાડિયે એક વખત તો એકબીજાને મળવાનું થતું જ!


સમય પસાર થતાં બંનેના લગ્ન લેવાયા. બંનેને ખૂબ જ સુંદર અને ભણેલી પત્ની મળી હતી. ખૂબ જ ટૂંકા ગાળામાં બંનેની પત્નીઓ પણ સારી સહેલીઓ બની ગઈ. અંતે બંનેના ઘરે બીજો ખુશીનો પ્રસંગ આવ્યો. બંનેની પત્નીઓ ગર્ભવતી થઈ. સમય જતા સ્મિતની પત્નીએ દિકરીને જન્મ આપ્યો અને મિતની પત્નીએ દિકરાને. બંને દંપતિ ખુશ હતાં. પરંતુ સ્મિતની પત્નીને પહેલાં જ ખોળે દિકરી જન્મતાં એની માતા થોડી નિરાશ હતી. વાતવાતમાં સ્મિતની પત્નીને સંભળાવવાનો મોકો શોધી લેતી. પરંતુ સ્મિત અને એની પત્ની આંખ આડા કાન કરીને એમની વાતોને અવગણતાં.


આમ ને આમ ચાલતું હતું. ત્રણ વર્ષ પછી ફરીથી સ્મિતની પત્ની ગર્ભવતી થઈ. આ સમયે એની માતાએ સ્મિતને કહી દીધું કે, "સોનોગ્રાફી કરાવવા જાઓ ત્યારે ચેક કરાવતા આવજો. જો દિકરી હોય તો ત્યાં જ બધું પતાવીને આવજો. બીજો તો દિકરો જ જોઈએ મને. આખરે આપણો વંશવેલો આગળ વધારવાનો છે."


આ દિવસે સ્મિતની પત્ની બહુ રડી હતી. સ્મિત તેને સતત હિંમત આપતો હતો અને કહેતો હતો, "દિકરો આવે કે દિકરી, મને કશો ફરક પડતો નથી. એ આપણું બાળક છે. હું ગમે તે હોય એ બાળકને અપનાવવા તૈયાર છું." સ્મિતનાં શબ્દો સાંભળી એની પત્નીનાંમાં થોડી હિંમત આવી. બધાં રિપોર્ટ નોર્મલ હતાં, પરંતુ તેઓ ગર્ભ પરીક્ષણ કરાવ્યા વગર જ ઘરે આવ્યાં હતાં. આથી સ્મિતની માતા ખૂબ જ ગુસ્સે થઈ હતી. એ દિવસે કોઈ કોઈની સાથે બોલ્યું ન્હોતું.


આખરે જે ન થવાનું હતું તે જ થયું. બીજી પણ દિકરી જ આવી! અંતે લડી ઝઘડીને સૌ છૂટા પડ્યા. સ્મિત એની પત્ની અને બંને દિકરીઓને લઈને અલગ રહેવા જતો રહ્યો. સ્મિતની સાથે સાથે મિત પણ દુઃખી થયો. પરંતુ મિત અને એની પત્ની સતત સ્મિત અને તેની પત્નીને સાથ આપતાં રહ્યાં.


એક દિવસ સ્મિતની માતા બિમાર પડવાના સમાચાર આવ્યાં. સ્મિતની પત્નીએ તરત જ તેમની સેવામાં હાજર થવાનું નક્કી કર્યું. સ્મિતને મનાવીને એ પોતાની બંને દિકરીઓને લઈને સાસુમાની સેવામાં પહોચી ગઈ. સ્મિતને ગમ્યું નહીં, પરંતુ તે કંઈ બોલી ન શક્યો. બંને દિકરીઓ પણ શક્ય એટલી મદદ કરતી હતી.



હવે આ વાર્તાનો અંત શું હશે એ હું જણાવવાની નથી. મારે ચર્ચા બીજી કરવી છે. શું એક સ્ત્રી જ સ્ત્રીની સૌથી મોટી દુશ્મન છે એ વાત સાચી છે? પોતાની વહુ પાસે દિકરો જ જન્મે એવી આશા રાખનાર સાસુ કેમ ભૂલી જાય છે કે સ્ત્રી બાળકને જન્મ આપી શકે છે, પરંતુ એ દિકરો જન્મશે કે દિકરી એનો સંપૂર્ણ આધાર તો એનાં પોતાનાં જ દિકરા પર છે. એનાં દિકરાના શુક્રાણુઓ પર આધાર રાખે છે કે આવનાર બાળક પુત્ર હશે કે પુત્રી! તો પછી સમાજ હંમેશા સ્ત્રીને જ કેમ દોષી ઠેરવે છે?



દિકરી એક બાજુ તો લક્ષ્મીનો અવતાર કહેવાય છે, પણ જો બે બે દિકરીઓ થઈ ગઈ તો એ જ સાપનો ભારો? એ દિકરીઓએ એવો તો કયો ગુનો કર્યો હોય છે કે એનાં ઘરનાં લોકો જ એને તિરસ્કારથી જુએ છે?



શું હાલત થતી હશે એ માતા પિતાની કે જેમને બે દિકરીઓ થવા બદલ સમાજ તરફથી ગુનેગાર જેવી લાગણીઓ અનુભવવી પડે છે? માતા પિતાને મન તો દિકરી હંમેશા લાડકવાયી જ હોય, પછી ભલે ને એ એક હોય કે બે! ગમે તેમ બોલવાથી કે ટોણા મારવાથી દિકરી એ દિકરો થઈ જવાની નથી. એનાં કરતાં જે છે એને જ ભગવાનનો પ્રસાદ સમજી સ્વીકારી લો અને એનો પ્રેમથી ઉછેર કરો. એ દિકરીને ક્યારેય એવો અનુભવ ન થવા દો કે તમને એ પસંદ નથી. દિકરી તો વ્હાલનો દરિયો હોય છે. ઘરનાં તમામની લાગણીઓ ખૂબ જ સારી રીતે સમજી શકે છે. પોતાની જીદ્દ જતી કરીને પણ મન મનાવી શકે છે.



પહેલે ખોળે દિકરો જન્મવો એ સ્ત્રીનાં શું કોઈ ડૉક્ટરના પણ હાથની વાત નથી. જરુર છે સમાજની માનસિકતા બદલવાની. જો કોઈને દિકરી જોઈતી જ નથી તો ભવિષ્યમાં પોતાનાં આવનાર દિકરા માટે પત્ની ક્યાંથી લાવશો? જે વંશવેલો વધારવો છે એ શરુ જ ન થઈ શકશે.


મારા મતે તો પહેલી દિકરી આવે તો એને લક્ષ્મીજીનું સ્વરુપ સમજી હર્ષથી વધાવીએ અને બીજી દિકરી આવે તો એને આપણું અહોભાગ્ય સમજીએ. એમ સમજવું કે એક લક્ષ્મી પર એક ફ્રી મળી.

નોંધ:- વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે અને એમાંના તમામ વિચારો લખનારનાં પોતાનાં એટલે કે મારાં છે. જો કોઈનાં જીવન સાથે આ વાર્તા બંધબેસતી હશે તો એ યોગાનુયોગ જ હશે.🙏

- સ્નેહલ જાની

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED