સૂર્યમંદિર મોઢેરા SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સૂર્યમંદિર મોઢેરા

ગઈ કાલે મોઢેરા સૂર્યમંદિર જોયું. ફોટા મુકવા કોશિશ કરું છું.. મહેસાણાથી 25 કિમિ જેવાં અંતરે પુષ્પાવતી નદીને કિનારે સહેજ આગળ આવેલું છે. ગુજરાત પુરાતત્વ વિભાગ દ્વારા બહુ જ સરસ દેખભાળ (મેન્ટેનન્સ) કરી તેને જાળવવામાં આવ્યું છે .

એ સ્થાપત્ય આશરે 1000 વર્ષ પહેલાં ચાલુક્ય વંશના રાજા ભીમદેવ સોલંકી દ્વારા બાંધવામાં આવ્યું હતું. ખૂબ જ પુરાણું મંદિર છે પરંતું સારી રીતે જળવાયેલું છે. સંપૂર્ણ માળખું રેતીના પથ્થરોમાંથી બનેલું છે અને તેમ છતાં 1000 વર્ષો બાદ પણ અતિ બારીક કોતરણી એવી ને એવી મંત્રમુગ્ધ કરે એવી છે.

તેના ત્રણ મુખ્ય ભાગ છે. મૂળ મંદિરને ગર્ભગૃહ, સભા મંડપ અને સામે રામકુંડ જેમાં 108 નાનાં મોટાં મંદિરો છે અને ચારે તરફ ઉપરથી નીચે પાણી સુધી જવા એક સરખી સાઈઝનાં પગથિયાંઓ છે જેની ઊંચાઈ ઓછી હોઈ કોઈ પણ ઉંમરની વ્યક્તિ ચડી ઉતરી શકે છે. મોટે ભાગે એ કુંડ ફરતી પ્રદક્ષિણા નો ઉપયોગ ફોટો શૂટ માટે જ થતો લાગ્યો. કેમ ન થાય? બે નમુન , એકદમ સિમેટ્રિકલ પગથિયાં અને ચોરસ ઘાટ.

સભા મંડપમાં સૂર્યની 12 પ્રતિમાઓ છે જે દરેક મહિનાનું પ્રતિનિધિત્વ કરે છે. કુંડમાં 108 નાની દેરીઓમાં મુખ્ય ગણેશજી, નર્તન કરતા શિવજી અને શેષશાયી વિષ્ણુની મૂર્તિ ખાસ જોવા લાયક છે. વચ્ચે રામકુંડ માં 108 નાનાં મંદિરો સાથે અલગ અલગ ઊંચાઈએ નીચે ઉતરી અલગ અલગ એંગલથી મોબાઈલમાં ફોટો કે સેલ્ફી જરૂર લો અને વચ્ચે સ્થિર પાણીના કુંડમાં આકાશ અને નજીકનાં વૃક્ષોનું પ્રતિબિંબ પણ આવે એમ લો.


કુંડ પાસે બે સ્તંભ છે જેમાં વચ્ચે એક જગ્યાએ ધાતુ, કહે છે પિત્તળનું પથ્થરની અંદર પૂરણ હોઈ તમે નાનો પથ્થર લઈ ' ટીન' અવાજ પણ કરી શકો છો. મેં ઈંટની નાની પથરી અથડાવી સાંભળ્યો છે ને ખાતરી કરી છે.


સામે બે મંદિર છે જેમાં એક મૂળ ગર્ભગૃહ અને પ્રદક્ષિણા માર્ગ છે જ્યારે બીજો રંગમંડપ છે.

બન્નેના સ્તંભો પર મહાભારત, રામાયણ અને પ્રાચીન ઐતિહાસિક પ્રસંગોનું અદભુત બારીક કોતરણીથી આલેખન કરેલું છે. મેં સમુદ્ર મંથન નો ફોટો લીધો.

સભામંડપમાં અનેક હાથીઓનાં મસ્તકો, સ્ત્રી પુરુષ યુગ્મ , યુદ્ધ, નૃત્યનાં દ્રશ્યો વગેરે એકદમ બારીક કોતરણીમાં અંકિત કરેલું છે. સ્તંભો અને છત પર પણ ફૂલો, દીપમાળ, મોર, કળશ, વગેરે કોતરણીઓ છે. બધી જ કોતરણીઓ એકદમ બારીક છે.

મૂળ મંદિરમાં સૂર્યની મૂર્તિની જગ્યાએ ગોખલો જ છે અને એ જાળીમાં છે, તાળાંમાં બંધ છે. પ્રદક્ષિણા માર્ગમાં ઊંચા ઝરૂખા પણ છે. ત્યાંના સ્તંભોની કોતરણી ખાસ જોવા લાયક છે.

દર વર્ષે અહીં અખિલ ભારતીય નૃત્યોત્સવ ઉજવાય છે જેનું લાઈવ ટેલિકાસ્ટ થાય છે.

માં મંદિર પરિસર આવતાં જપાર્કિંગ છે. કમ્પાઉન્ડમાં દાખલ થવા માટે ટિકિટ લેવી પડે છે જે ભારતીયો માટે 25 રૂ. છે. ટિકિટ માટે લાઈનમાં ઊભવું ન હોય તો QR code સ્કેન કરી ત્યાં જ મોબાઈલ પર ટિકિટ મેળવી શકો છો. ટિકિટ યાત્રા.કોમ પર પણ મળે છે.

મંદિર અને કુંડ પહેલાં આગળ વિશાળ લીલી છમ લૉન સાથે બગીચો પણ છે. પરિસરમાં ગુજરાત ટુરિઝમ દ્વારા સંચાલિત સુંદર કેન્ટીન પણ છે જ્યાં અમે 20 રૂ. ની મોટો કપ ચા અને 30 રૂ. માં ગરમ સ્વાદિષ્ટ ગોટાનો સ્વાદ માણ્યો.નજીક મ્યુઝિયમ પણ છે જેનો ટાઈમ 10 થી 5 છે. તેની સાથેના વૉશરૂમ પણ કદાચ 10 થી5 કદાચ ખુલતા જ નથી પણ ટુરિઝમની કેન્ટીનમાં સ્વચ્છ વૉશરૂમ છે.


હું બોપલ અમદાવાદ થઈ ગયેલો. બે કલાક પાંચ મિનિટે પજતી વખતે આપણા મણિપુર સાણંદ નંદાસણ થઈ ગયેલા. 2 કલાક પાંચ મિનિટે પહોંચેલ. બપોરે પોણા ત્રણે બોપલથી નીકળી અને પોણા પાંચે સૂર્યમંદિરના પાર્કિંગમાં હતા. વળતાં મહેસાણા બાયપાસ, કલોલ, ત્રિમંદીર નો રસ્તો લીધો કેમ કે રાત પડી ગયેલી. કલોલ અને બીજી એક જગ્યાએ સખત ટ્રાફિક છતાં સાડાછ એ મોઢેરા છોડેલું, આઠને પાંચે શિલજ થઈ પંચાયત રોડથી ઘેર આવી ગયેલા કેમ કે વળતાં ઓછો ટ્રાફીક હોય ત્યાં કાર 100 ની સ્પીડે લઇ શકેલ.

આમ જો ઝડપ લેવી હોય તો ટ્રાફિક નડવાનાં જોખમ સાથે મહેસાણા થઈ હાઇવે પકડો તો દોઢ કલાકમાં પહોંચી શકો નહીંતો સવાબે કલાક અમદાવાદ એસ.પી. રીંગરોડથી ગણવા.

ભવિષ્યમાં એક દિવસીય પિકનીકનું આયોજન કરવુ હોય તો આ જગ્યા ધ્યાનમાં રાખવા જેવી. સાથે ત્રિમંદિર અને યુવા વર્ગ ને ગમતું હોય તો શંકુ વૉટરપાર્ક પણ રાખી શકાય. અર્ધા દિવસની પણ મેં કરી તેમ પીકનીક કરી શકાય.

આમ આ એક પુરાતત્વ ખાતાએ જાળવેલ જરૂરથી જોવાલાયક સ્થળ છે. ત્યાં પુરાતત્વ ખાતાએ એ જગ્યા વિશે વિગત ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં મૂકી છે જે વાંચીએ એટલે બધો ખ્યાલ આવી જાય. મને જગ્યા ગમી.