એક અદની ભારતીય સ્ત્રી Ashish દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

એક અદની ભારતીય સ્ત્રી

લતા મંગેશકર: ખૂબ લડી મર્દાની વો.....


ભાઇ બહેનોની જવાબદારી ને પરિવારનો બોજ ને એવું તો ઘણું ઘણું લતાનુ બધાંને ખબર છે. આવાં કિસ્સાઓ તો બીજા લોકોના પણ અગણિત છે. પોતાના પરિવારને સાચવ્યો હોય ને નાના ભાઇ-બહેનોને ઉછેર્યા હોય ને - એલાવ, એ તો ભારત છે. અહીયાં કઇ સ્ત્રિએ આ નહી કર્યુ હોય ? આસપાસ નજર નાખો, દૂર જવાની જરૂર નહી પડે. કુટુમ્બમાં જ દાખલા નીકળી આવશે. એટલે લતાની એ વાત જ નથી કરવી. એ જવાં દો. એ તો એણે રાષ્ટ્રધર્મ નિભાવ્યો છે કે મારાં દેશની સ્ત્રિ આ જ છે. ને એ કામ માટે હું મહાન નથી.

કોઇ માણસ એવું હોય જેની આઠ દાયકાની કારકિર્દીમાં તમને એક જ વિરોધનો પોઇન્ટ મળે? એલાવ, તમારે એનો વિરોધ કરવો છે તો દાયકાઓ સુધી એક જ પોઇન્ટ શોધી શક્યા? એનાથી આગળ તમારી નજર જ ન ગઇ ? કે લતાએ તો બીજા ગાયકોને આગળ જ ન આવવાં દીધાં. બીજો કોઇ પોઇન્ટ જ નહી ! આ તો વિરોધીઓએ જ હારીને આપઘાત કરી લેવાં જેવી બાબત છે કે પોતે તો વિરોધેય સરખો કરી શકતા નથી ને વાવટા લઇને નીકળી પડ્યા છે. પણ આના વિશે ય ઘણું લખાયુ છે. એટલે એ વાતેય નથી કરવી.

ઉપરની બન્ને બાબતોના સંદર્ભે એમ કહો કે એકસો દસ વર્ષની થયેલ જગતની સૌથી મોટી ફીલ્મ ઇન્ડસ્ટ્રિની સૌથી સફળ વ્યક્તિ લતાબાઇ હતી. કોઇ પ્રોડ્યુસર, ડાયરેક્ટર, હિરો - હિરોઇન, ગીતકાર, સંગીતકાર, કેરેક્ટર એક્ટર/ટ્રેસ - છે કોઇ લતાબાઇથી આગળ? અમિતાભ બચ્ચન પણ નહી ને દિલીપ કુમાર પણ નહી, રાજ કપુર પણ નહી ને દાદા સાહેબ ફાળકે પણ નહી, અશોકકુમાર પણ નહી ને મજરૂહ સુલ્તાનપુરી પણ નહી ! પુરૂષપ્રધાન ફીલ્મ ઇન્ડસ્ટ્રિના એક શતક કરતાં ય મોટા ઇતિહાસની સૌથી સફળ, અનુભવી અને જેણે આ ઇન્ડસ્ટ્રિને સૌથી વધારે જોઇ એવી આ બાઇ હતી. હમેશા શોષણ માટે વગોવાતી ઇન્ડસ્ટ્રિમાં સાડીનો છેડો ક્યારેય ખભાથી નીચે ઉતરવા નથી દીધો. જ્યાં 'કોમ્પ્રોમાઇઝ' કરવાં સિવાય કામ નથી મળતુ એ જગ્યાએ એણે પોતાની જોહુકમી ચલાવી. તારે મારું કામ છે તો તું આવ, સ્નેહલતાની ભાષામાં "નહીતર હાલતીનો થા" એવું કહેતા લતાએ શીખડાવ્યુ. આ એનો રણટંકાર હતો. સાચી ભારતની સ્ત્રી આ છે. દેખાવમાં અને કામમાં પણ. એ ચાર ભાંડેળા નહી, પચાસને ઉછેરી નાખે. બોર્ડર વાળી સાડી, માથામાં તેલ નાખીને વચ્ચે પાથી અને બે ચોટલા - આખી જીંદગી એણે આ ભારતીય પરિધાન કર્યે રાખ્યો. દૂનિયાનો કોઇ પણ મોટામાં મોટા હોલ કે ગ્રાઉન્ડમાં કાર્યક્રમ હોય, લતા એ જ દેખાવમાં હોય. એ જ્યાં જતી ત્યાં એના ભારતને ભેગુ લઇને જતી.

કલાકારોએ ખાસ આ વાત નોટ કરવાં જેવી છે. પ્રોડ્યુસરોની આગળપાછળ ચક્કરો મારવાં પડે એવી પોતાની હાલતને પોતે જ લઇ ગયેલ તમામ કલાના ક્ષેત્રોના લોકોએ લતામાંથી ધડો લેવા જેવો. લતાએ રાજકપુરને ય પોતાના ઘરે ધક્કા ખવડાવ્યા છે ને સુભાષ ઘાઇને ય ચક્કર લગાવવા મજબૂર કર્યા છે. તો બીજાના તો શું હાલ હશે ? સુભાષ ઘાઇને એક ગીત 'ઓ રામજી બડા દુ:ખ દેના તેરે લખન મે' માટે ત્રણ મહિના ધક્કા ખવડાવ્યા હતાં. ખૂદ સુભાષ ઘાઇએ પોતાના મોઢે કબુલેલ છે. લતાબાઇ સાથે કામ કરવું હોય તો મહિનાઓ સુધી રાહ જોવી પડે, લાઇનમાં ઉભા રહેવું પડે, લતા કહે એમ જ કરવું પડે. આ મર્દાનગી હતી એની. ઇન્ડસ્ટ્રિનો કોઇ પુરૂષ આ નથી કરી શક્યો. લતા એકલી લડતી, કે કામ થાય તો મારી શરતોએ થાય. કામ મેળવવા પ્રોડ્યુસરોના એઠા પાણી ય પી જાય એવાં કલાકારો ઇન્ડસ્ટ્રિમાં લતાના 'ડિસાઇપલ' નથી. એણે લતાએ સેટ કરેલ ટ્રેન્ડ બગાડ્યો છે. ભલે બધાં લતા જેવું ન કરી શકે, પણ પ્રોડ્યુસર/ડાયરેક્ટર પાસે વેચાય પણ ન જવાય. તો લતાનુ આ કાંઇ નહી જોવાનુ ને બીજાઓને આગળ આવતાં અટકાવ્યા એવું જ જોવાનુ ? લતાએ આટલો પાવર ઉભો કર્યો હતો એમાંથી કેટલાંયને બળ મળ્યુ હશે એનુ શું ! એ લતાના નામે ન ચડે ?? આવડો મોટો 'રોલ મોડેલ' સેટ કરીને તો કલાકારો માટે આપ્યો કે કામ આમ કરાય. તો એમાંથી એ શીખ લેવાની છે. 'ખુદી કો કર બુલંદ ઇતના....' એ લતાએ સાબિત કરીને બતાવ્યુ. કે મારી કલાને એટલી ઉંચી લઈ જઇશ કે સામે વાળો શરત શેનો મૂકે ? શરત મૂકે તો થાય ઘર ભેગીનો !

ગઝલસમ્રાટ ગુલામ અલી કબૂલે કે મને એની સામે ગાવામાં ડર લાગતો. અને લતાએ આપેલ લોકેટ આખી ઝીંદગી ગળામાં રાખે. ગુલામ અલીને પૂછો કે લતા બેસ્ટ છે કે સુમન કલ્યાણપુર ? લતા બેસ્ટ છે કે હેમલતા ? લતા બેસ્ટ છે કે વાણી જયરામ ? આ બધી ગાયીકાઓ સારી, એમાં ના નહી પણ લતાની તોલે તો શું લતાની નજીક પહોચવુ ય અશક્ય. લતાને નજરસમક્ષ રાખીને જો ક્રમ આપવામાં આવે તો એકથી દસમાં લતા અને આશા સિવાય કોઇ ન આવે. અગીયારથી રેટિંગ શરૂ થાય. હા, કોઇને ત્રીજો નંબર મળી શકે પણ એના માટે નજરસમક્ષ લતાને નહી, આ બધી ગાયીકાઓની કેપેસિટી રાખવી પડે. શશધર મુખર્જી તો લતાને રિજેક્ટ કરીને અમર થઇ ગયાં. શશધર મુખર્જીને એના પોતાના કામ માટે યાદ કરવામાં આવે છે એના કરતાં વધારે લતાને રિજેક્ટ કરી એના માટે યાદ કરવામાં આવે છે. હજી યુગો સુધી શશધરબાબુ એના માટે યાદ કરાતાં જ રહેશે.

કોઇ દિવસ અશ્લિલ ગીતો ન ગાયા, ગીત સાઇન કરતાં પહેલાં ગીતના શબ્દો માંગે, જરૂર પડે ત્યાં ફેરફાર કરાવે ને નહીતર ગાવાની ના પાડી દે. બીજા કોણે કર્યુ છે આ કામ? આ એ સિંહણ હતી જે નૌશાદને ય કહી દેતી કે આ શબ્દો ન ચાલે. મારે સમાજમાં રહેવું છે ને આ ગીત જો કોઇ પરિવારમાં ભેગા બેસીને સાંભળે તો શું ? લતાના આ પગલાનુ કોઇ મહત્વ જ નહી ? મારી ગલીઓમાં આવાં ગીતો વાગે તો એ યોગ્ય નથી, આવાં ગીતો સાંભળીને બાળકોનુ ઘડતર શું થાય આમ કહીને ય ગાવાની ના પાડતી. ધરારથી શબ્દો બદલાવતી. આવી ધરારી કરતી બાઇ ઇન્ડસ્ટ્રિએ કદાચ આ એક જ જોઇ હશે. આ ભારતીય સ્ત્રિની ઓળખ છે. આ ભારતીય સ્ત્રિ છે. જે દરેક મોરચે લડે છે. હજાર હાથ વાળી કહેવાતી ભારતીય ગૃહિણી આ જ તો છે. એટલે જ ભારતને હજાર હાથ વાળી દેવી માની કલ્પના મળી છે.

ગાયીકાઓને આગળ નહોતી વધવા દેતી એવી વાહિયાત વાતો ફેલાવનારાઓને એ તો ખબર જ નહી હોય કે પહેલાં ગાયકોને પોતે ગાયેલા ગીતોની રોયલ્ટિ ન મળતી. એક વખત ગીત ગાય ત્યારે એનો જે ચાર્જ મળે એ જ મળતો. આની સામે અવાજ ઉઠાવ્યો લતાએ. અને એણે ગાયકોને રોયલ્ટિ શરૂ કરાવી. ફીલ્મ ઇન્ડસ્ટ્રિના પુરૂષપ્રધાન સંગીતફલકમાં કોઇ પુરૂષ આ કરાવી તો ન શક્યો, સામે બોલી ય ન શક્યો ! નહીતર કિશોરકુમાર, મુકેશ, મો. રફી આ બધાં બોલી શકે એમ જ હતાં ને ? પણ કોઇની હિમ્મત નહી હાલી હોય આની સામે અવાજ ઉઠાવવાની. લતાએ આ કર્યુ પછી ઇન્ડસ્ટ્રિના ગાયકોને મુંબઇમાં ઘરના ઘર થયાં. નહીતર ભાડાના મકાનમાં, ચાલમાં ને ખોલીમાં રહેતાં. મો. રફી સાહેબ ગાયકોને રોયલ્ટિ મળે એ વાતના વિરોધમાં હતાં તો એની સાથે ય અબોલા લીધાં. મો. રફી એટલે 'મેલ લતા મંગેશકર' - એને કોઇ ના પાડી શકે ? લતાએ એને ય કહી દીધું કે તો તમારી સાથે ય કામ નહી કરૂ. રોયલ્ટિ શરૂ થયાં પછી કેટલાં ગાયકોને આનો ફાયદો થયો હશે. જૂનુ કપડું પાછળ ખભે વીંટીને એમાં છોકરુ સુવડાવીને ઇંટો સારીને કે તગારા ઉપાડીને પણ છોકરાના પેટ ભરતી સ્ત્રિ જેવું કામ લતાએ કર્યુ છે. પછી બધાં ગાયકો બે પાંદડે થયાં. તો આમાં કોઇને આગળ આવવાં ન દીધાં કહેવાય કે કલાકારોની ઉન્નતિ કહેવાય ? રાજકારણના ને ધર્મના છાસવારે બફાટ કરતાં રહેતાં અમૂક ગાયકો કે ગાયીકાઓએ યાદ રાખવું જોઇએ કે આ જે તમારાં અંધેરીમાં ને લોખંડવાલામાં ફ્લેટ છે ને એ લતાને કારણે છે. અને એ લતા ક્યારેય પોતાના કામ સિવાય કાંઇ બોલતી નહી. પોતાના કામથી કામ રાખતી.

વડાપ્રધાન એની અંત્યેષ્ટિમાં આવે, અનેક પક્ષોના કેટલાંય રાષ્ટ્રિય કક્ષાના નેતાઓ એક જ જગ્યાએ ફક્ત ભેગા જ ન થાય, પણ બેસવાની જગ્યા ન હોય તો ઉભા રહે ! લતાના અંતિમ દર્શન કરવાં જે મહાનુભાવોની લાઇન લાગી હતી ને એવી લાઇનો સદીઓમાં એકવાર બને. જોયું છે આ ક્યારેય ? જેણે ટેલિવીઝનમાં આ દ્રશ્યો જોયાં હોય ને એ મારી વાત યાદ રાખજો, તમે પણ બીજી વાર કે તમારી આવનારી પેઢી ભવિષ્યમાં પણ આ દ્રશ્યો ફરી જોઇ શકવાની નથી. 'ન ભૂતો ન ભવિષ્યતી' લતા તો છે જ, એણે સેટ કરેલાં ટ્રેન્ડ પણ 'ન ભૂતો ન ભવિષ્યતી' જ છે.

લોકલ ટ્રેઇનમાં ધક્કા ખાતી એક છોકરી આખાં જગતનો અવાજ બની જાય. દુશ્મન દેશના નેતાઓ એને અંજલી આપે, હિન્દી સહિત લતાએ જે ભાષામાં ગીતો ગાયા એ ભારતની એકપણ ભાષા ન જાણતુ પશ્ચિમી મિડીયા લતાને આદર આપે, આવું ગુલામ અને આઝાદ ભારતના ઇતિહાસમાં રાજકારણ સિવાયની વ્યક્તિ માટે પ્રથમ વાર બન્યુ.

કલાકાર મિત્રો, યાદ રાખો, આ એક કલાકારની તાકાત છે. કલાકાર ક્યારેય નબળો ન હોઇ શકે. 'કુછ બાત હૈ કે હસ્તિ મીટતી નહી હમારી.....' લતા નજર સમક્ષ રાખીને વિચારો. ભારતમાં ગંગા છે એટલે ભારત - ભારત છે, હિમાલય છે એટલે, કાશિ છે એટલે, ચાર ધામ ને પંચ પ્રયાગ છે એટલે, ગાંધી છે એટલે, રવિન્દ્રનાથ છે એટલે જો ભારત - ભારત છે તો હિન્દુસ્તાન પાસે હિન્દુસ્તાનની તમામ અત્યાર સુધી થઇ ગયેલી અબજો સ્ત્રિઓનુ મહેનત, મકાન અને મર્યાદામાં પ્રતિનિધિત્વ કરનાર લતા ને કારણે પણ હિન્દુસ્તાન એ હિન્દુસ્તાન છે.

આ ભારતીય સ્ત્રિ છે. ઘરનુ કામ પણ કરતી જાય, રસોઇ પણ બનાવતી જાય, પોતાના છોકરાના પેટેય ભરતી જાય. હજાર હાથ વાળી ગૃહિણી જેવું કામ તો લતાએ ગાયકો માટે જ કર્યુ છે ! આ છે આપણી સ્ત્રિ. ખૂબ લડી મર્દાની વો તો સુરો વાલી રાની થી.
Ashish