પુરાની યારી Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પુરાની યારી

સૌમિલ આજે જરા રજાના મૂડમાં જ હતો અને તેથી થયું કે, લાવ થોડી સાફ સફાઈ પણ કરી લઉં. સફાઈની શરૂઆત તેણે પોતાના વોરડ્રોબથી જ કરી હતી.

આખુંય વોરડ્રોબ ખાલી કરી દીધું હતું. અચાનક છેક ઉપરના ખાનામાંથી એક ડાયરી નીચે પડી અને તેમાંથી એક ફોટો નીચે સરી પડ્યો.

સૌમિલે ફોટો હાથમાં લીધો અને તે જૂની યાદોમાં ખોવાઈ ગયો કૉલેજનું એ છેલ્લું વર્ષ હતું બધા પોત પોતાના ઘરે પરત ફરવાના હતા એકબીજાને ગળે મળીને એકબીજાની સાથે સતત સંપર્કમાં રહીશું એવો વાયદો કરીને છૂટા પડી રહ્યા હતા બસ એકસાથે આખાય ગૃપનો છેલ્લો ફોટો હતો આ... અને સપના, સપનાની ઉપર તેની નજર ચોંટી ગઈ અને તે એક ઉંડો નિસાસો નાખી બેઠો.

સપના બોલ્ડ, બ્યુટીફુલ અને એકદમ મળતાવડા સ્વભાવની કોઈને પણ જોતાંવેંત ગમી જાય તેટલી રૂપાળી.

સૌમિલ તેના ગળાડૂબ પ્રેમમાં હતો અને સપના પણ તેને ખૂબજ ચાહતી હતી બંને એકબીજાની સાથે જિંદગી વિતાવવાનું નક્કી કરી બેઠાં હતાં પણ સૌમિલ એકદમ ગરીબ માતા-પિતાનો એકનો એક દિકરો હતો.

પપ્પા એક પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં જોબ કરતા હતા એટલે માંડ ઘર ચાલતું હતું અને સપના કરોડપતિ બિઝનેસમેનની એકની એક દીકરી હતી તેથી તેના પપ્પાએ સૌમિલ સાથે સપનાના લગ્નની ચોખ્ખી ના જ પાડી દીધી હતી અને સૌમિલ તેમજ સપનાના બધાજ સ્વપ્નો ઉપર પાણી ફરી વળ્યા હતા.

અને વિચારોમાં ખોવાયેલા સૌમિલના ફ્લેટનો ડોરબેલ અચાનક રણક્યો અને તે વર્તમાનમાં પાછો ફર્યો અને બારણું ખોલ્યું તો ચોંકી ઉઠ્યો અને તેના દોસ્તોએ તેને બાથમાં ભીડી લીધો.

સૌમિલની ખુશીનો કોઈ પાર ન રહ્યો તે બોલી ઉઠ્યો, " અરે યાર, તપનીઆ તું અને તે પણ આ મનનીઆની, ચીટરની સાથે ? "

મનન: એય, ચીટર વાળા, તું અહીં બોમ્બેમાં ક્યાંથી પહોંચી ગયો ? એ કહે ને...
સૌમિલ: અબે, જ્યાં રોટલો ત્યાં ઓટલો. બસ, જો જે કંપનીમાં જોબ કરતો હતો તેની નવી બ્રાન્ચ અહીં બોમ્બેમાં ઓપન થઈ તો મારું કામ સરસ હતું એટલે મારા સીનીયરે મને વધારે પગાર સાથે અહીં ટ્રાન્સફર આપી દીધી.

ઓકે ચલ બધી વાત પછી પહેલા તમે બંને અદંર તો આવો પછી આપણે શાંતિથી બેસીને વાતો કરીએ.

તપન: અલા, તારા મધર ફાધર ક્યાં છે ?
સૌમિલ: મધર ફાધર બંને સ્વર્ગમાં પહોંચી ગયા.
તપન: ઓહ નો, તો પછી એકલો જ અહીંયા રહે છે ?
સૌમિલ: હા, બસ એક વર્ષથી એકલો જ છું.
મનન: કેમ લગન, બગન નથી કર્યા હજુ ?
સૌમિલ: ના બસ, હજી સુધી તો નથી કર્યા હવે આગળ ખબર નહીં અને સૌમિલ હસી પડ્યો અને તપનને પૂછવા લાગ્યો કે, તમે બંને અચાનક અહીંયા ક્યાંથી ?

તપન: હું અને મનન બંને એક જ કંપનીમાં જોબ કરીએ છીએ અહીં બોમ્બેમાં અમારો ત્રણ દિવસનો સેમિનાર યોજાયો છે જે એટેન્ડ કરવા માટે અમે બંને અહીં આવ્યા છીએ.

સૌમિલ: ઓહ, તો ત્રણ દિવસ મારે તમને બંનેને વેંઢારવાના છે એમ જ ને ?
મનન: એ, સૌમિલીયા માર ખાઈશ હોં.
અને બધા ખડખડાટ હસી પડ્યા.

બે દિવસ પછી....

ફરીથી પરોઢિયે ચાર વાગ્યે સૌમિલના ફ્લેટનો ડોર બેલ રણક્યો....

સૌમિલ જરા આળસ મરડતાં મરડતાં ઉઠ્યો અને ઘડિયાળ જોઈ તો પરોઢના ચાર વાગ્યા હતા...અને જોઈને બોલી ઉઠ્યો કે, અરે યાર અત્યારે કોણ હશે આટલા વહેલા ?

સૌમિલે બારણું ખોલ્યું તો જોઈને ચોંકી ઉઠ્યો તેની ઊંઘ પણ ઉડી ગઈ અને આંખો પણ ખુલ્લી ને ખુલ્લી રહી ગઈ.

સૌમિલ: સપના તું, તું અહીં ક્યાંથી ?
અને મારા ઘરનું એડ્રેસ તારી પાસે ક્યાંથી આવ્યું ?

સપના: પહેલાં મને અંદર તો આવવા દે બધું અહીંયા જ ઊભા ઊભા પૂછી લઈશ ?

સૌમિલ: ઓહ સોરી, કમ ઈન સાઈડ...

બંને બેઠક રૂમમાં સોફા ઉપર સામ સામે ગોઠવાઈ ગયા અને સૌમિલે વાતની શરૂઆત કરતાં સપનાને પૂછ્યું કે, તું અહીં આમ અચાનક ક્યાંથી ?

સપના: (એક ઊંડો શ્વાસ લઈને બોલી) પહેલેથી તને કહું તો તારાથી છૂટા પડ્યા પછી મારા પપ્પાએ મારા લગ્ન મારી જ્ઞાતિમાં જ મયુર સાથે કરાવ્યા. મયુર પૈસેટકે ખૂબ સુખી પરિવારનો દિકરો હતો પણ તેને ડ્રીન્ક કરવાની ખૂબજ ખરાબ આદત હતી. મેં તેને સુધારવાની ખૂબ કોશિશ કરી પરંતુ તે સુધરવાને બદલે દિવસે ને દિવસે વધુ બગડતો જતો હતો અને એક સમય એવો આવ્યો કે તેનું લિવર ખલાસ થઈ ગયું અને લગ્નના પાંચજ વર્ષમાં તેનું ડેથ થઈ ગયું અને ઈન બીટવીન મમ્મી પપ્પા બંનેનું પણ કોરોનામાં ડેથ થઈ ગયું. મારી અને પપ્પાની પાસે જે કંઈ પણ મૂડી હતી તે મમ્મી-પપ્પા અને મયુરની દવામાં ખર્ચ થઈ ગયા પછી હું એકલી પણ પડી ગઈ અને મારી પાસે મારું ગુજરાન ચલાવવા માટેનાં પૈસા પણ ન રહ્યા તેથી હું તપન પાસે ગઈ અને મેં મારી બધી જ વાત તેને કરી અને તપને મને તેની કંપનીમાં જ જોબ અપાવી દીધી. આજે છેલ્લા દિવસનો સેમિનાર મારે પણ એટેન્ડ કરવાનો છે તેથી હું અહીંયા આવી છું. તપને જ મને તારા ઘરનું એડ્રેસ સેન્ટ કર્યું હતું.

સૌમિલ: ઓકે, પણ આટલું બધું તારી સાથે બની ગયું તો તે કોઈ દિવસ મને એક ફોન પણ કેમ ન કર્યો ?

સપના: બસ,‌ તકદીર સાથે અને ભગવાન સાથે લડતી રહી અને પરિસ્થિતિનો સામનો કરતી ગઈ અને મને એમ હતું કે તું પણ તારી પર્સનલ લાઇફમાં બીઝી હોય તને ક્યાં ડિસ્ટર્બ કરવો ? તારા લગ્ન...?

અને સૌમિલે એક ઊંડો નિસાસો નાખ્યો અને બોલ્યો, " મેં લગ્ન નથી કર્યા યાર, તું ન મળી ને એટલે ન કર્યા..!

સપના: ઓહ, હજી પણ તું મને...
સૌમિલે સપનાનો હાથ પોતાના હાથમાં લીધો અને તેની આંખોમાં આંખો પરોવીને બોલ્યો કે, હા, હજી પણ હું તને એટલો જ પ્રેમ કરું છું જેટલો પહેલાં કરતો હતો.

અને સપના પણ સૌમિલની આંખોમાં અને વાતોમાં ખોવાઈ ગઈ અને બંને પ્રેમી પંખીડાનુ અણધાર્યું જ સુંદર મિલન થયું અને બંનેએ તપન અને મનનની હાજરીમાં જ લગ્ન કરી લીધાં અને એક સુંદર સંસારની સફરે નીકળી ગયા....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
29/10/2021