સબૂત Minal Vegad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સબૂત"માન્યા, તે બસ નો ટાઈમ ચેક કર્યો?" નિધી એ બેેેગ માંથી પોતાનું વોલેટ શોધતા પૂૂૂછ્યું.
" હા, તારી બસ પાંચ મિનિટમાં જ આવતી હશે." માન્યા એ મોબાઈલ માં સિટી બસનું ટાઈમ ટેબલ જોઈ નિધી ને જવાબ આપ્યો.
" અને તારી બસ ક્યારે છે?" નિધી ને વોલેટ મળી ગયું હતું એટલે બેગ ની ચેન બંધ કરતા પૂછ્યું.
" મારી બસ આવવાને હજુ પંદર - વીસ મિનિટ ની વાર છે." બન્ને સિટી બસ ના સ્ટોપ પર બેઠા હતા.
" ઓહ, તો તારે તો વેઇટ કરવો પડશે હજુ..... હું તારી સાથે વેઇટ કરું??" નિધી ને થયું માન્યા ને એકલા જ સ્ટોપ પર બેસવું પડશે એટલે એણે ચિંતા સહજ પૂછ્યું.
" અરે....ના ....યાર... હું જતી રહીશ પછી તારે એકલા એ રેહવું પડશે એના કરતા તું જતી રહે. હું તો વેઇટ કરી લઈશ." માન્યા એ નિધી ને ચિંતા ન કરવાનુ કહ્યું.
"હા.....પણ....તું એકલી જ...." નિધી આગળ કાઈ બોલે ત્યાં તેની બસ આવી ગઈ.
"અરે....તું મારી ચિંતા ના કર.તારી બસ આવી ગઈ છે એટલે તું જતી રહે." માન્યા એ નિધી ને કહ્યું.
" ઓકે.... સારું.. તું ઘરે પહોંચી જા એટલે મને ટેક્સ્ટ કરી દેજે." નિધી બસ માં ચડતા બોલી.
"હા....જરૂર....." માન્યા નિધી સામે હાથ હલાવી આવજો કહેતા બોલી.
માન્યા બસ સ્ટોપ પર સીટ પર બેસી ગઈ. છ વાગવા આવ્યા હતા અને શિયાળા નો દિવસ હતો એટલે અંધારું પણ થવા લાગ્યું હતું. માન્યા બેઠી હતી તેની બે - ત્રણ સીટ પછી એક આધેડ વય ના ભાઈ બેઠા હતા. માન્યા પોતાની રીતે પોતાના મોબાઈલ માં વર્ક કરી રહી હતી. રવિવાર નો દિવસ હતો એટલે બધી દુકાનો બંધ હતી અને રસ્તા પર લોકોની અવજવર પણ ઓછી દેખાતી હતી. માન્યા એ પર્સે માંથી ઇયર ફોન કાઢ્યા અને કાન માં લગાવી સોંગ સાંભળવા લાગી. સોંગ સાંભળતી એ રસ્તા પર નીકળતા લોકો ને નિહાળી રહી હતી. પરંતુ માન્યા ને ક્યારનું કાઈક અજીબ લાગી રહ્યું હતું.
તેની સામેની સાઈડ પર એક તેના પપ્પા જેટલી ઉંમર નો એક ભાઈ એક્ટિવા પર બેઠો હતો અને કાળા કલરના ચશ્મા પેહર્યા હતા અને માન્યા ને લાગતું હતું એ અંકલ ક્યારના તેની તરફ જ જોઈ રહ્યા હતા. પરંતુ ઉપરથી ચશ્મા પેહર્યાં હતા એટલે નજર કંઈ બાજુ હતી એ પાકું કહી શકાય નહિ. માન્યા એ પોતાનું ધ્યાન બીજી તરફ ફેરવી લીધું.
માન્યા ને તે અંકલ તરફ જોવું નહોતું પરંતુ તો પણ માન્યા નું ધ્યાન તેના પર જ જતું હતું. માન્યા ને એ માણસ થોડો અજીબ લાગતો હતો અને તેને જોઈ ને થોડી ડર ની લાગણી પેદા થતી હતી. માન્યા ની સિકસથ સેન્સ તેને કહી રહી હતી કે તે માણસ તેને ખરાબ નજર થી જોઈ રહ્યો હતો. માન્યા એ પોતાની કુર્તી સરખી કરી અને બીજી બાજુ નજર ફેરવી લીધી. તેણે પોતાની સાથે બેઠેલા ભાઈ પર નજર કરી તો એ તો પોતાની રીતે પોતાના મોબાઈલ માં હતા. માન્યા એ ઘડિયાળમાં જોયું તો હજુ બસ આવવાને દસ મિનિટ ની વાર હતી.
માન્યા મોબાઈલ ઓન કરી ગેમ રમવા લાગી. માન્યા એ જોયું તો પેલો એક્ટિવા વાળો પોતાની તરફ આવી રહ્યો હતો. એ માણસ માન્યા જ્યાં બેઠી હતી ત્યાં આવ્યો અને બે ત્રણ વાર રોડ પર ચક્કર લગાવ્યા. માન્યા ને હવે ગુસ્સો આવી રહ્યો હતો. પરંતુ તે કાઈ બોલી શકે તેમ નહોતી અને બોલે તો પણ શું? એ માણસ તો ત્યાં પોતાની ગાડી લઈ ને આંટા જ મારી રહ્યો હતો. માન્યા એ એની તરફ જોવાનું જ બંધ કરી દીધું અને મનમાં બોલવા લાગી હવે બસ જલ્દી આવે તો સારું. મારો આ આદમી થી પીછો છૂટે. પરંતુ હજુ બસ આવી નહોતી.
માન્યા એ પોતાના મોબાઈલ પરથી નજર ઊંચી કરી ત્યાં તેની નજર પેલા માણસ સામે ગઈ અને પેલા એ પોતાના ચશ્મા નીચા કરી પોતાના નેણ ઉલાળ્યા અને એક ગંદુ સ્મિત આપ્યું અને ફટાફટ ગાડી લઈને ત્યાંથી નીકળી ગયો.
" અરે, બેશરમી ની પણ કાઈક હદ હોય..... " માન્યા ને હવે ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. માન્યા એ બાજુમાં બેઠા હતા એ ભાઈ સામે જોયું તો એમનું કાઈ ધ્યાન નહોતું એ પોતાના માં જ વ્યસ્ત હતા. થોડે દૂર આગળ બે ત્રણ ભાઈઓ ઊભા ઊભા વાતો કરી રહ્યા હતા. અને સામે એક પાન નો ગલ્લો હતો ત્યાં થોડા લોકો ઊભા હતા. બાકી હવે અંધારું થયું હતું એટલે થોડી રસ્તા પર વાહન ની અવર જવર વધી હતી. માન્યા મન માં ને મન માં પેલા ને ગાળો દેતી હતી. એને કાન માંથી ઇયર ફોન કાઢી નાખ્યા અને પર્સ માં મૂકી દીધા અને ઊભી થઈ બસની રાહ જોવા લાગી. એને હવે જલદી થી અહીથી નીકળવું હતું પણ બસ આવતી નહોતી.
માન્યા એ ફરી ગૂગલ મેપ માં જોયું તો બસ આગળના સ્ટોપ એ થી નીકળી જ ચૂકી હતી અને થોડી વાર માં જ અહી પહોંચવામાં હતી. ત્યાં જ સામેથી પેલો ફરી માન્યા તરફ એક્ટિવા લઈ ને આવ્યો તેણે આ વખતે પોતાના ચશ્મા નહોતા પેહર્યા. માન્યા ની નજીક આવ્યો અને તેની સામે આંખ મારી અને પોતાનું ચોચલા જેવું મોઢું લાંબુ કરી કિસ આપી. માન્યા એ કાઈ પણ વિચાર્યા વગર સીધો તેનો શર્ટ પકડી તેને એક્ટિવા પરથી નીચે જ નાખ્યો.
"શું કરી રહ્યો હતો તું ?? એક વાર ફરી કરીને દેખાડ જોઈ..." માન્યા નો ગુસ્સો હવે સાતમે આસમાને પહોચી ગયો હતો.
" હું...... મે...... મે શું કર્યું હે......???" પેલા એ જાણે કાઈ જ ન કર્યું હોય એમ અજાણ બનવા લાગ્યો.
"હા.... તે... જ.... આંખો સીધી ન રેહતી હોય ને તો આંખો નો ઈલાજ કરાવી લેવાય. એટલે આંખ થોડી કાબૂમાં રહે.." માન્યા પેલા સામે જોર જોરથી બોલી રહી હતી. ત્યાં નીકળતા લોકો પણ ત્યાં ઊભા રહી ગયા હતા અને આજુબાજુ ના લોકોનું ટોળું વળી ગયું હતું.
" મેડમ, તમારી કાઈ ભૂલ થતી લાગે છે. એ તમારી પપ્પાની ઉંમર ના છે એમને કાઈ કહેતા પેહલા વિચારો તો ખરા...." ટોળામાંથી એક ભાઈ પેલાનો પક્ષ લેતા બોલ્યા.
" બાપ ની ઉંમર નો છે એટલે જ શરમ આવે છે. હજુ અમારા જેવડો કોઈ છોકરો આવી કોઈ હરકત કરે તો સમજાય પણ આની જેવા બેશરમ લોકો પોતાની હદ વટાવે ત્યારે જ બોલવું પડે." માન્યા પેલા તરફ હાથ લાંબા કરીને બોલી રહી હતી.
" પણ તેણે કર્યું શું??" બીજા ભાઈ એ ટોળામાંથી પૂછ્યું.
"એ તમે આ નાલાયક ને જ પુછો ને...." માન્યા પોતાના બન્ને હાથ કમર પર રાખીને બોલી. ટોળામાં બે ત્રણ લોકો આ તમાશા નો વિડિઓ બનાવી રહ્યા હતા.
" મે કાઈ જ નથી કર્યું. હું તો મારી એક્ટિવા પર અહી થી જઈ રહ્યો હતો." પેલા એ જાણે કાઈ જ ના કર્યું હોય એમ ભોળો બનવાનું નાટક કરવા લાગ્યો.
" તે કાઈ જ નથી કર્યું હે.......?" માન્યા તેના સામે ડોળા કાઢતા બોલી.
" ના.... હું તને અડ્યો પણ નથી. તારો દુપટ્ટો ખેંચ્યો પણ નથી. તો મે આમ ખોટું શું કર્યું? એ હવે તું મને કહે?" પેલો પોતાની ચાલાકી બતાવી રહ્યો હતો.
"હા મને નથી અડ્યો. એનો મતલબ એવો નથી કે તે મારી સામે ગંદી હરકત નથી કરી." માન્યા પોતાની રીતે સાચી હતી.
"મેડમ, તમારી સાથે કાઈ થયું જ નથી તો ખોટી રસ્તા પર બબાલ શરૂ કરી છે." એક ભાઈ એ કહ્યું.
ત્યાંથી એક પોલીસની ગાડી નીકળી અને ભીડ જોઈ પોલીસ ત્યાં આવી પહોચી.
"શું ચાલી રહ્યું છે અહી??" પોલીસ વાળાએ થોડી કડકાઇથી પૂછ્યુ.
" આ મેડમ અને આ ભાઈ વચ્ચે બબાલ ચાલે છે." એક દાઢીવાળા ભાઈએ કહ્યું.
" મેડમ, શું પ્રોબ્લેમ છે તમારે??" પોલીસ વાળાએ માન્યા ને પૂછ્યું.
" સર, આ માણસ મારી સામે ખરાબ વર્તન કરતો હતો." માન્યા થોડી શાંત થઈ હતી.
"સર, હું તેને અડ્યો પણ નથી. સર હું એની બાપની ઉંમરનો છું. હું એવું કાઈ થોડી કરું." પેલો એકદમ નિર્દોષ બની રહ્યો હતો.
"શું કર્યું હતું આ ભાઈ એ તમારી સાથે??" પોલીસ વાળા એ પૂછ્યું.
" સર, તેણે મારી સામે....... તેણે..... મારી સામે આંખ મારી અને.....અને મને.... મને કિસ આપી." માન્યા બધા વચ્ચે થોડી ખચકાટ સાથે બોલી રહી હતી.
" સર, આ છોકરી મને ફસાવી રહી છે. મે એવું કાઈ જ નથી કર્યું. એ છોકરી મારી ઉંમર પણ નથી જોતી અને મારી પર ખોટો આરોપ લગાવી રહી છે." પેલો રડવા જેવો થઈ બોલવા લાગ્યો.
" તો મેડમ તમારી પાસે શું સબૂત છે કે આ ભાઈ એ તમને... હા તમારી સામે એવું કર્યું?" પોલીસ વાળા તો જાણે ચોરી નો ગુનો હોય એમ સાબિતી માંગી રહ્યા હતા.
" શું.....??? સબૂત?? એનું સબૂત હું ક્યાંથી લાવું?" માન્યા ને સમજાતું નહોતું કે પોલીસ વાળા આવા બેહુદા સવાલ શા માટે કરી રહ્યા છે.
" તો મેડમ સબૂત વગર અમે આ વ્યક્તિ ને ગુનેગાર તો ના જ કહી શકીએ." પોલીસ વાળાએ તો બેફિકરાઈ થી કહી દીધું.
"વાહ.......વાહ........ શું વાત કહી તમે સર...." માન્યા જોર જોરથી તાળીઓ વગાડતા બોલી.
" હા, સર, તમે સાચું જ કહ્યું સબૂત વગર થોડી કોઈનો ગુનો સાબિત થાય. સર, ભૂલ મારી જ છે.... હું જ ભૂલી ગઈતી કે હું ઇન્ડિયા માં છું. અને આપણા ભારત માં તો કાઈક હાદસો થાય પછી જ તેના પર એક્શન લેવામાં આવે છે. મે આ નાલાયક માણસ ને થોડા વેહલા જ સજા આપવાની કોશિશ કરી. હજુ તો મારે રાહ જોવાની હતી કે એ મારી સાથે કાઈક વધારે ખરાબ હરકત કરે. મને અડવાની કોશિશ કરે કે પછી મારા કપડા સુધી હાથ લઈ આવે કે પછી તેનાથી પણ વધારે આગળ વધે પછી જ માટે શોર મચાવો જોઈતો હતો. આ તો થોડી વધારે જે મે ઉતાવળ કરી લીધી છે એટલે ભૂલ તો મારી જ છે.

ખબર નહિ આપણા ભારતમાં આ કાયદા પર સાચો અમલ ક્યારે કરવામાં આવશે. ક્યારે કોઈ છોકરી સુમસાન રસ્તા પર જતા પણ એકદમ સેફ ફીલ કરશે. સુમસાન રસ્તાની તો દૂરની વાત છે ભીડભાડ વાળા રસ્તા પર પણ છોકરીઓને હંમેશા ડર રહે છે. બસ માં ટ્રાવેલ કરતી હોય તો ધક્કા મુક્કી નું બહાનું કરી તેની સાથે ખરાબ વર્તન થાય. એ બધું જાણતી જ હોય છે કે એને કઈ રીતે કોનો હાથ અડ્યો છે પરંતુ કાઈ બોલી શકતી નથી કેમ?? કેમ કે તેની પાસે કોઈ સબૂત નથી. એ ટચ ફક્ત એક છોકરી જ જાણી શકે પરંતુ એ સાબિત કરી શકતી નથી એટલે એ બસ ચૂપચાપ સહન કરી લે છે.

અરે, હું કોઈની શુ? મારી જ વાત કરું તમને.....
હું સવારે જોબ પર જતી હોય એ રસ્તા પર સવાર માં વાહનની અવર જવર થોડી ઓછી હોય છે. હું મારી રીતે રસ્તા પર ચાલી જતી હોય. પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી એક છોકરો છે એ બાઈક લઈ ત્યાં ઘૂમ્યા કરે છે. એક શેરીમાંથી નીકળી ફરી મારી પાછળ આવે અને પછી બાઈક લઇ મારી બાજુમાંથી નીકળે અને પછી જ્યાં સુધી હું દેખાવ ત્યાં સુધી પાછળ પાછળ જોતો જાય. વળી બીજી શેરીમાંથી નીકળી પાછો આવે. પરંતુ હું કાઈ જ કરી ન શકું. હું ફટાફટ બને એટલી ઝડપથી રસ્તો પાર કરવાની કોશિશ કરું. અંદરથી ગુસ્સો પણ એટલો આવતો હોય અને ડર પણ લાગતો હોય. કારણ કે રસ્તો ખાલી હોવાનો એ મારી સાથે કાઈક કરે તો હું એકલી તો તેને પહોચી તો ન જ શકું. મે પછી તેની બાઈક નો નંબર મારી બે ફ્રેન્ડ ને મોકલી દીધો. કારણ કે એના સિવાય તો બીજું હું કાંઈ કરી શકું એમ જ નહોતી. કારણ કે એ છોકરો ખાલી હજુ તો મારો પીછો જ કરતો હતો. એ કાઈક થોડો આગળ વધે કે કાઈ બીજી બતમિઝી કરે એની મારે રાહ જોવાની હતી." માન્યા હવે એકદમ ઢીલી પડી ગઈ હતી.
" મેડમ, તમે બાઈક નો નંબર નોટ કર્યો હોય તો પછી પોલીસ સ્ટેશને જઈ ફરિયાદ કરવી જોઈતી હતી...." પોલીસ ઓફિસરે કહ્યું.
"શું ફાયદો સર, મારી પાસે કાઈ સબૂત નહોતું કે તે મારો પીછો કરે છે. અને હજુ મારી સાથે કાઈ ઘટના ઘટી નહોતી કે હું સાબિત કરી શકું." માન્યા પોલીસ ઓફિસર સામે બેફિકરાઈથી બોલી રહી હતી.
માન્યા ની વાત સાંભળી પોલીસ ઓફિસર માથું ઝુકાવી ગયા એમને સમજાયું માન્યા તેમને જ પાછો જવાબ આપી રહી હતી.
" સર, આજે આપણા દેશમાં જે આ બધા કેસો બની રહ્યા છે તેનું મૂળ કારણ આ જ છે કે આવી નાની નાની ઘટના પર ધ્યાન નથી આપવામાં આવતું. કોઈ નરાધમ કોઈ છોકરી નો પીછો કરે છે પણ છોકરી કાઈ બોલતી નથી કે તેને રોકવા કાઈ પગલું ભરતી નથી એટલે પેલાની હિંમત વધી જાય છે અને તે થોડો વધારે આગળ વધવા પ્રેરાય છે. આની જગ્યા એ ફક્ત પીછો જ કરતો હોય ત્યારે છોકરી તેને અટકાવી દે તો સામે પેલાને સમજાય જશે કે હું આગળ વધીશ તો મારા હાલ ખરાબ થશે. પણ આપણા દેશની કમનસીબી છે કે કોઈ છોકરી આવું કરતી નથી કારણ કે તેની પાસે કોઈ સબૂત હોતું નથી. અને કોઈને આ વાત કહે તો પણ લોકો એમ જ કેહવાના એવા તો રસ્તા પર લોકો નીકળવાના જ આપણે તેની સામે નહિ જોવાનુ. તારે જ સાંભળીને ચાલવાનું અથવા તો એ રસ્તો જ બદલી નાખવાનો.
અરે.....હું કહું છું શા માટે કોઈ છોકરી ને પોતાનો રસ્તો બદલવો પડે એના કરતાં કોઈ એવું કેમ કેહતું નથી કે કાઈક એવા પગલાં ભરવા જોઇએ કે જેથી આવા નરાધમો આવા ખરાબ રસ્તા છોડી દે અને સુધરી જાય. હંમેશા છોકરી એ જ બધી વાતનું ધ્યાન કેમ રાખવાનુ એનો વાંક હોય કે ન હોય?? પરંતુ બધી બાબત માં જવાબદાર તો એક છોકરી જ બનવાની છે. એવું શા માટે???
કોઈ છોકરી સાથે કોઈ અપકૃત્ય થાય તો પેહલા લોકો એમ જ કહેશે, 'મને તો લાગતું જ આની સાથે આવું કાઈક જ થશે... જોયું છે દરરોજ કેવા કપડા પેહરી ને જાય છે... એમાં સામે વાળા નો શું વાંક??' તો કોઈ કહેશે, ' બધા જોડે હસી હસી ને વાતો કરે તો એવું જ થવાનું ને... છોકરી છે તો એણે થોડી મર્યાદા રાખવી પડે.. ગમે તેમ કોઈ જોડે ખી... ખી.... ના કરાય.' તો વળી કોઈ કહેશે,
' પેહલી ભૂલ તો એના માં બાપ ની જ છે. છોકરી ને વધારે પડતી છૂટ આપી દીધી છે. તો જોઈ લો પરિણામ. માં બાપ ના સંસ્કાર દેખાય આવ્યા હવે..... ' વગેરે વગેરે" માન્યા બે હાથ વડે પોતાની આંખો લૂછતી બોલી રહી હતી.
" સર, તમે આ વ્યક્તિ ને જ જોઈ લ્યો ને, દેખાય છે મારા બાપની ઉંમર નો પણ કામ એના એકદમ હલકટ છે. એના ઘરે દીકરી હશે કે નહિ હોય એ તો ભગવાન જાણે પરંતુ હું પ્રાર્થના કરું કે ન હોય તો સારું. આ નાલાયક પેહલા રોડની સામેની સાઈડ થી મને ઘુરતો પરંતુ મે કાઈ ધ્યાન ન આપ્યું પછી બે ત્રણ વાર અહી મારી પાસેથી ચક્કર લગાવ્યા તો પણ મને થયું વાતને આગળ નથી વધારવી બસ આવે એટલે હું ફટાફટ અહીથી નીકળી જાઉં. મે તેને આટલું કરતા ન અટકાવ્યો એટલે જ એની હિંમત થઈ અને એ વધારે આગળ વધ્યો અને કદાચ હજુ આટલે ન રોક્યો હોત તો એની હિંમત હજુ વધી જાત અને એ વધારે આગળ વધેત. આટલું થયા પછી હવે કોઈ છોકરી સામે જોતા એ સો વાર વિચારશે." માન્યા પેલા સામે હાથ ચીંધી ને વાત કરી રહી હતી.
માન્યા એ ટોળા સામે નજર કરી તો લોકો નીચા મોં કરી સાંભળી રહ્યા હતા.
"સર, તમારે આને સજા કરવી ન કરવી એ તમારા હાથમાં છે કારણકે મારી પાસે એવું કાઈ સબૂત નથી કે હું કહી શકું આ ગુનેગાર છે. અને આપણો કાયદો પણ હું સારી રીતે જાણું છું જેમાં સબૂત ને જ મહત્વ આપવામાં આવે છે. થેંક્યું સો મચ સર, આટલી મદદ કરવા માટે." માન્યા એ બે હાથ જોડી પોલીસ ઓફિસર નો આભાર માન્યો.

માન્યા પોતાનું પર્સ ખભે ભરાવી ત્યાંથી આગળ ચાલવા લાગી. પોલીસ ઓફિસર અને પેલા લોકો હજુ ત્યાં જ ઊભા હતા પણ માન્યા એ પાછું વળી જોયું નહિ. એનું મન અને મગજ બન્ને શાંત થઈ ગયા હતા. આવડી મોટી થઈ ત્યાં સુધીમાં આવી રીતે માન્યા એ ઘણી જગ્યા એ લોકોની ખરાબ નજર નો અહેસાસ કર્યો હતો અને એ હમેંશા અંદરથી ધુંધવાયા કરતી પરંતુ આજે પેલા નરાધમ ને બધા વચ્ચે ખખડાવી શકી એથી એ ખુશ હતી. એ જાણતી હતી એનું આટલું બોલવાથી કાઈ જ ફાયદો થવાનો નથી બધા પોતપોતના ઘરે જઈ ભૂલી જ જવાના હતા પરંતુ માન્યા પોતે પોતાની જાત માટે લડી શકે છે એટલો તો એને એહસાસ થઈ જ ગયો હતો. માન્યા એ ઘડિયાળ માં જોયું તો બહુ મોડું થઈ ગયું હતું. અંધારું પણ ઘણું થઈ ગયું હતું. માન્યા એ મોબાઈલ ચેક કર્યો તો મમ્મી અને પપ્પા ના ઘણા મિસ્કોલ થઈ ગયા હતા.
" હેલ્લો, મમ્મી બસ રસ્તા માં જ છું થોડી વાર માં જ પહોંચું છું. અરે કાઈ જ નથી થયું થોડું કામ આવી ગયું હતું એટલે મોડું થઈ ગયું."
" ઓટો...ઓટો..." માન્યા મમ્મી સાથે વાત કરતી હતી ત્યાં ઓટો દેખાય એટલે માન્યા હાથ ઊંચો કરી તેને બોલાવી અને તેમાં બેસી ગઈ.
" સારું મમ્મી, હું ઘરે જ આવું છું પછી વાત કરું તો ઘરે આવી." માન્યા એ ફોન મૂક્યો.
માન્યા એ જોયું તો નિધી નો મેસેજ પણ પડ્યો હતો કે તે ઘરે પહોંચી ગઈ છે અને પૂછતી હતી કે પોતે ઘરે પહોચી કે નહિ?
માન્યા ની નજર ફોન માંથી અચાનક સામે અરીસા પર ગઈ તો તેણે જોયું કે વારે વારે ઓટો ડ્રાઇવર અરીસા માં માન્યા તરફ જોઈ રહ્યો હતો....
" અરે.... હદ છે યાર..... ક્યારે સુધરશે આ બધા લોકો......" માન્યા ફરી અકળાય ગઈ.
માન્યા એ પોતાનો ફોન બંધ કરી પર્સ માં મૂકી દીધો અને એકીટસે પોતે અરીસા માં જોવા લાગી. એક બે વાર પેલાએ અરીસા માં જોયું પરંતુ માન્યા નો ગુસ્સા વાળો ચહેરો જોઈ ચૂપચાપ રસ્તા પર જોઈ રિક્ષા ચલાવવા લાગ્યો.

Thank you!!!!!
⭐⭐⭐⭐⭐