લવબીટ Minal Vegad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવબીટ

ઓગષ્ટ ની ખુશનુમા સવાર હતી. મેઘરાજા આખી રાત વરસ્યા બાદ હવે અત્યારે આરામ ફરમાવતા હોય એવું લાગી રહ્યું હતું. આકાશ આખું ચોખ્ખું હતું અને જાણે નીલા રંગની ચાદર ઓઢી સુતું હોય એવું લાગતું હતું.ચારે બાજુ હરિયાળી ફેલાયેલી હતી. બધા પક્ષીઓ જાણે આ આહલાદક વાતાવરણ ની મજા માણતા ખુશીથી ગીત ગાય રહ્યા હતા.
આ સવારની તાજગી અનુભવતા બોયઝ હોસ્ટેલના છોકરાઓ હોસ્ટેલના ગાર્ડનમાં એક્સરસાઈઝ કરી રહ્યા હતા.બધા પોતાની રીતે સવારના મુુગ્ધમય વાતાાવરણને માણી રહ્યા હતા. પરંતુ આ ખુશનુમાં વાતાવરણ માણવા ને બદલે શ્યામ પોતાના બન્ને હાથ ટ્રેક પેન્ટના ખિસ્સામાં રાખીને મોં લટકાવીને એકલો ધીમે ધીમે ચાલી રહ્યો હતો. આજે સવારથી જ એનું મૂડ કાંઈ ઠીક નહતું. રાતે પણ એ સરખું સુુઈ શકયો નહોતો.
શ્યામ ચાલી રહ્યો હતો ત્યાં પાછળથી આવી મયંકે જોરથી ધબ્બો માર્યો.પરંતુ શ્યામ એ કાંઈ પ્રતિક્રિયા આપી નહિ એટલે મયંકને નવાઈ લાગી.કારણ કે શ્યામ એક જિંદાદિલ માણસ હતો. હમેંશા તે મજાકના મૂડ માં જ રહેતો. ભાગ્યે જ કોઈએ એને ઉદાસ જોયો હોય. એ હંમેશા મજાક મસ્તી કરતા જ દેખાતો હોય. કલાસરૂમ માં પણ શ્યામ બધાનું મનગમતું પાત્ર હતો. એ હંમેશા બધી પ્રવૃત્તિ માં આગળ જ રેહતો. પરંતુ મયંકને શ્યામનું આજનું મૂડ અજીબ લાગ્યું. મયંકે શ્યામનો હાથ પકડી પરાણે એક બેન્ચ પર બેસાડ્યો અને તેની ઉદાસી નું કારણ જાણવાનો પ્રયત્ન કરવા લાગ્યો.
" શું થયું છે? યાર તને! કેમ આવું વર્તન કરે છે આજે ?" મયંકે શ્યામના ખભા પર હાથ રાખતા પૂછ્યું.
શ્યામ એ કાંઈ જવાબ આપ્યો નહિ એટલે મયંક પણ ચુપચાપ બેસી રહ્યો. થોડીવાર શાંતિ થી બેસી રહ્યા પછી શ્યામ એ જાતે જ બોલવાનુ શરૂ કર્યું,
" મને ખુદને જ સમજાતું નથી કે, હું મારી લાઈફ સાથે શું કરી રહ્યો છું? હું એન્જિનિયરિંગ કરીને મારી લાઈફ હું જાતે જ બરબાદ કરી રહ્યો હોય એવું લાગે છે!"
આટલું બોલતા શ્યામ ફરી ચૂપ થઈ ગયો.
" તો તારે શું કરવાનો વિચાર છે ?" મયંકે પૂછ્યું.
" જેમ તને ખબર છે એમ સિંગીંગ એ જ મારું સપનું છે પણ......" શ્યામે વાક્ય અધૂરું છોડી દીધું.
" એટલે તારી સાંજે તારા પપ્પા જોડે ફરી બોલચાલ થઈ હોય એવું લાગે છે." મયંકે શ્યામની ઉદાસીનો અંદાજ કાઢતા કહ્યું.
" હા! પણ મને એ નથી સમજાતું એમને મારા સિંગર બનવાથી પ્રોબ્લેમ શું છે ? એ હંમેશા કેમ પોતાના વિચારો બીજા પર થોપવાનો પ્રયાસ કરે છે?" શ્યામ પોતાના પપ્પા પ્રત્યેનો ગુસ્સો ઠાલવતા બોલ્યો.
" એ પણ તારા માટે કાંઇક સારું જ વિચારતા હશે ને !!" મયંક સમજાવવાનો પ્રયાસ કરવા લાગ્યો.
સારું હવે જલદી ચાલ આજે દસ વાગ્યે પેલા પ્રો.ટકલુ નો CEM નો લેક્ચર છે યાદ છે ને !! મયંકે જવાની તૈયારી સાથે કહ્યું.
" તુ જા હું આવું છું થોડીવારમાં" શ્યામે બેન્ચ પર એમનામ જ બેસી રહેતા કહ્યું.
" સારું પણ જલદી આવજે હજુ આપણે એમનું પ્રેક્ટિકલ વર્ક કરવાનુ બાકી છે" આટલું બોલી મયંક ત્યાંથી હોસ્ટેલ તરફ નીકળી ગયો.
શ્યામ હજુ ત્યાં જ બેઠો હતો. શ્યામ વડોદરાનો હતો અને તેના પપ્પાની સિમેન્ટ અને ફર્ટીલાઇઝર ની મોટી કંપની વડોદરામાં હતી. તેના પપ્પા ઇચ્છતા હતા કે શ્યામ ઇન્સ્ટ્રુમેન્ટલ એન્ડ કનટ્રોલિંગ એન્જિનિયરિંગ પૂરું કરી પોતાની કંપનીમાં ધ્યાન આપે.અને તેના પપ્પાની ઈચ્છાને લીધે શ્યામે ચેન્નાઈની રામપુરમ માં એન્જિનિયર કોલેજમાં એડમિશન લીધું હતું.પરંતુ શ્યામની બાળપણ થી જ સિંગર બનવાની ઈચ્છા હતી.પરંતુ તેના પપ્પા ક્યારેય શ્યામની આ વાત પર ધ્યાન આપતા નહિ અને હંમેશા પોતાની ઈચ્છા મુજબ જ શ્યામ પર હુકમ ચલાવતા રહેતા.તેના મમ્મી ને ખાસ કાંઈ વાંધો નહતો તેના સિંગર બનવાથી પણ તે એક આદર્શ પત્ની તરીકે તેના પપ્પાનો જ સાથ આપતી.શ્યામની બહેન હંમેશા તેનો સાથ આપતી તે ઘણી વાર પોતાના ભાઈ માટે તેના પપ્પા સાથે ઝઘડો પણ કરતી પણ અંતે પરિણામ એક જ આવતું કિશોરભાઈ કોઈની વાત સાંભળવા તૈયાર જ નહતા. તે હંમેશા પોતાની ઈચ્છા મુજબ જ બીજાને જીવવાની ફરજ પાડતા.
અને કાલે રાત્રે પણ શ્યામે ફરી એકવાર પ્રયાસ કર્યો હતો તેના પપ્પાને મનાવવાનો અને આ બાબતે બન્ને બાપ દીકરા વચ્ચે ફરી ઝઘડો થયો હતો,એટલે શ્યામ નું મૂડ આજે સવારે થોડું ખરાબ હતું.
મયંકનો ફોન આવ્યો એટલે શ્યામ ઊભો થયો અને હોસ્ટેલ તરફ ચાલવા લાગ્યો.
પ્રો.રામાવત નો લેક્ચર શરૂ હતો ત્યાં પ્યુન નોટિસ લઈને આવ્યો ,
" વિદ્યાર્થીમિત્રો, તમારા માટે એક ખુશીના સમાચાર છે! આપણી કૉલેજ આવતા મહિને એક ઇવેન્ટ ઓર્ગેનાઈઝ કરી રહી છે. ઇવેન્ટ નું નામ છે " જોશ" તેમાં બધી અલગ અલગ કમ્પિટીશન છે જે લોકોને રસ હોય એ આજથી જ કોલેજની વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરી શકે છે. અને આ ઇવેન્ટ આપણા એક ડિપાર્ટમેન્ટ માટે નહિ પણ આપણા કેમ્પસમાં રહેલી અલગ અલગ ડિપાર્ટમેન્ટ ની બધી કૉલેજ માટે છે. So do your best!!"
શ્યામને એ ચાર રૂમ મેટ હતા. રાતે તેઓ બધા મોબાઈલ અને લેપટોપ લઈને બેઠા બેઠા પોતાનું કામ કરી રહ્યા હતા.
" શ્યામ આ ઇવેન્ટમાં તો સિંગિંગ પણ છે, તારો શું વિચાર છે ? કરી દઉં તારું રજિસ્ટ્રેશન ?" મયંકે ખુશ થતા શ્યામને પૂછ્યું.
" પણ આ ઇવેન્ટ તો બધી કૉલેજ વચ્ચે છે ?"શ્યામે થોડી ચિંતા સાથે કહ્યું.
" બધી કૉલેજ વચ્ચે હોય કે પછી ઇન્ટરનેશનલ લેવલ ની હોય અમને ખબર જ છે you are always rockstar!!"
આજે ડાન્સિંગ કમ્પિટીશન હતી અને મયંકે આમાં ભાગ લીધો હતો.આ ઇવેન્ટ કેમ્પસ ના મેઈન ઓડીટોરિયમ માં રાખવામાં આવી હતી.અને આ મેઈન ઓડીટોરિયમ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ માં હતું. શ્યામ ઓડીટોરિયમ માં આવ્યો. તે એક ખાલી ચેર પર બેસવા ગયો ત્યાં જ બાજુની સીટ પર બેઠેલી એક છોકરીએ ત્યાં બેસવાની ના પાડી. શ્યામે જોયું તો આજુબાજુ બીજી એક પણ સીટ ખાલી નહતી એટલે તેણે ક્યાંય ધ્યાન ન આપ્યું અને એ એ જ સીટ પર બેસી ગયો.
" ઓ હેલ્લો મિસ્ટર!! તમને સાંભળવામાં કાંઈક પ્રોબ્લેમ લાગે છે, મે કહ્યુ આ સીટ મારી ફ્રેન્ડ માટે છે અને એ થોડીવારમાં આવે છે." પેલી એ થોડા ગુસ્સા સાથે કહ્યું.
" ઓ મેડમ! તમારા પપ્પા અહી આ ચેર મૂકવા નહોતા આવ્યા અને મને ક્યાંય પણ આ ચેર પર તમારું નામ નથી દેખાતું એટલે હું તો અહી જ બેસીશ." શ્યામે થોડા મજાકના સૂરમાં કહ્યું.
"એક્સક્યુઝમી! માઈન્ડ યોર ટંગ" પેલી ગુસ્સા સાથે બોલતી ત્યાંથી ઊભી થઈ જતી રહી.
શ્યામ મોં પર સ્મિત સાથે તેને જતી જોઈ રહ્યો ત્યાં જ સ્ટેજ પર મયંક નું પરફોર્મન્સ આવ્યું અને તે મયંક નો ડાંસ જોવા લાગ્યો.
" તારો ડાંસ બાકી જોરદાર હતો" શ્યામે મયંકની પીઠ થાબડતા કહ્યું.
" પણ મને અત્યારે એનાથી પણ વધારે જોરદાર કાંઈક દેખાય રહ્યું છે."મયંકે થોડા મીઠા સૂરમાં કહ્યું.
" એટલે ?" શ્યામે પ્રશ્નાર્થ કર્યો.
" પેલી યેલ્લો ટોપ પહેર્યું તે છોકરી તારામાં ઇન્ટરસ્ટેડ હોય એવું લાગે છે ક્યારની તેની ફ્રેન્ડ જોડે તારા વિશે વાત કરતી હોય એવું લાગી રહ્યું છે." મયંકે પેલી છોકરીને બતાવતા કહ્યું.
" અરે પેલી યેલો ટોપવાળી..." આટલું બોલતા શ્યામ પેલીને જોઈ હસવા લાગ્યો.
" કેમ! શું થયું? એકદમ ખૂબસૂરત પણ છે! તમારી જોડી ચાલે એમ છે હો ભાઈ!" મયંકને શ્યામ નું હસવાનું સમજાયું નહી.
" પેલી બેઠી બેઠી તેની ફ્રેન્ડ જોડે મારા વખાણ નહિ પણ મારી બુરાઈ કરી રહી છે આજે ઓડીટોરિયમમાં એની જોડે થોડી માથાકૂટ થઈ હતી એટલે." આટલું બોલતા શ્યામ ફરી હસવા લાગ્યો.
" તુ પણ ગજબ છે યાર! આટલી સુંદર છોકરી જોડે કોઈ ઝઘડો કરતું હશે!" મયંક હજુ પેલી તરફ જોઈને બોલી રહ્યો હતો.
બન્ને વાતો કરી રહ્યા હતા ત્યાં જ પેલી ત્યાંથી ઊભી થઈ અને શ્યામ સામે મોઢું બગાડતી ત્યાંથી નીકળી ગઈ.
" ખૂબસૂરતી સાથે તેવર પણ જોરદાર છે મેડમ ના!" મયંક તો એના વખાણ કરતા બોલ્યો.
" આપણી કોલેજની હોય એવું લાગતું નથી. જવા દે ને હવે તેને; તુ કહે કેવું રહ્યું તારું પરફોર્મન્સ?" શ્યામે પેલી પરથી નજર હટાવતા કહ્યું.
સિંગિગ કમ્પિટીશનમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓની અરેંજમેન્ટ બેક સ્ટેજમાં હતી એટલે શ્યામ ત્યાં પોતાના પરફોર્મન્સ માટે રાહ જોય રહ્યો હતો.ત્યાં જ પેલી જે છોકરી સાથે તેનો ગઈ કાલે ઝઘડો થયો હતો એ ત્યાં આવીને શ્યામની બાજુમાં ઉભી રહી ગઈ.તેને ખ્યાલ નહતો કે તે શ્યામની બાજુમાં જ ઊભી હતી.તેનું ધ્યાન તેના ફોનમાં હતું.
શ્યામ મનમાં જ વિચારવા લાગ્યો આ મિસ. એંગર અહી શું કરી રહી છે ? હમણાં જ એ મને જોતા પાછું પોતાનું નાક ફુલાવી લેશે. આટલું મનમાં વિચારતા જ શ્યામને હસવું આવી ગયું,અને સાચે જ પેલીનુ ધ્યાન શ્યામ પર ગયું.તેના ચહેરા પર ગુસ્સો આવી ગયો.
" મને એ નથી સમજાતું તુ દરેક જગ્યાએ મારો પીછો કેમ કરી રહ્યો છે? અને તારા મનમાં જે કાંઈ ખયાલી પુલાવ હોય તેને ત્યાં જ અટકાવી દેજે. હું તારાથી પટુ એમ નથી!!" તે ગુસ્સા સાથે મનમાં હતું એ બધું બોલી ગઈ.
આટલું સાંભળતા શ્યામ હસવા લાગ્યો અને પછી બોલ્યો,
" મિસ.એંગર, પેહલા તો એટલું કહી દઉં કે મને તારામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી.અને રહી વાત પીછો કરવાની તો મેડમ તમે જ મારી બાજુમા આવી ઊભા રહ્યા હતા.હું ક્યારનો અહી આવી ઊભો છું."
તેને પોતાની ભૂલ સમજાતાં થોડી છોભીલી પડી ગઈ એ આગળ કાઈ બોલવા જાય એ પેહલા જ સ્ટેજ પર અનાઉન્સ થયું,
" હવે પછીના પરફોર્મન્સ માટે આવશે મિસ.નિયતી પટેલ.."
અનાઉન્સ સાંભળતા જ પેલી છોકરી ઝડપથી સ્ટેજ પર ગઈ.
" ઓહ! તો આ મિસ.એંગર નું નામ નિયતી પટેલ છે એમને." શ્યામ મનમાં ને મનમાં જ બોલ્યો.
ત્યાં જ નિયતીએ ગાવા નું શરુ કર્યું શ્યામ તો નિયતીનો અવાજ સાંભળી દંગ રહી ગયો.
શ્યામનું પરફોર્મન્સ પણ પૂરું થઈ ગયું હતું અને બધી કમ્પિટીશનના વિનર છેલ્લા દિવસે જાહેર કરવાના હતા.
સિંગીગ કમ્પિટીશનમાં શ્યામ બીજા નંબર પર હતો અને પેહલા નંબર પર નિયતી હતી.
ઇવેન્ટ પૂરી થયા પછી શ્યામના મિત્રો એને શુભેચ્છા આપી રહ્યા હતા. ત્યાં જ મયંક આવી બોલ્યો,
" યાર અત્યારથી જ આવું !!"
" અત્યારથી જ આવું એટલે?" શ્યામને કાંઈ સમજાયું નહિ.
" અત્યારથી જ ભાભીથી હારતા શીખી ગયો એમને!" મયંકે શ્યામને ચીડવતા કહ્યું.
"એ ...એ...ભાઈ " શ્યામ મયંકને મારવા તેની પાછળ દોડ્યો.
*

ઇવેન્ટ પૂરી થઈ ગઈ હતી એટલે નિયતી પોતાની કૉલેજ જઈ રહી હતી.તે આ જ કેમ્પસમાં આવેલી મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ ની કોલેજમાં હોટેલ મેનેજમેન્ટ નું સ્ટડી કરી રહી હતી. ઇવેન્ટ હતી એટલે બાકી ક્યારેય સ્ટુડન્ટ્સ ને બીજા ડિપાર્ટમેન્ટ ની કોલેજમાં જવાનું થતું નહિ. નિયતી જઈ રહી હતી ત્યાં તેને લોબી માં એક આઈ કાર્ડ મળ્યું. તેણે જોયું તો તે આઈ કાર્ડ શ્યામ નું હતું.જ્યારે શ્યામ અને મયંક મસ્તી કરી રહ્યા હતા ત્યારે ઝપાઝપીમાં એ આઈ કાર્ડ પડી ગયું હતું અને એ અત્યારે નિયતી ને મળ્યું હતું. તેણે એ આઈડી લઈ લીધું અને શ્યામને જાતે જ આપવાનુ નક્કી કર્યું. કારણકે તે દિવસે તેણે શ્યામ સાથે ખરાબ વર્તન કર્યું હતું અને તેના માટે એ તેને સોરી કહેવા માંગતી હતી.
નિયતી એ આજુબાજુ જોયુ પણ તેને ક્યાંય શ્યામ દેખાયો નહિ. તેણે આઈડી માં જોયુ તો તેમાં શ્યામનો મોબાઈલ નંબર હતો.નિયતીએ પોતાનો મોબાઇલ પર્સ માંથી કાઢી શ્યામનો નંબર ડાયલ કરી રહી હતી ત્યાં જ તેની રૂમ મેટ સીમાનો કોલ આવ્યો તેની એક ફ્રેન્ડ ની તબિયત અચાનક જ ખરાબ થઈ ગઈ હતી. આ સાંભળતા જ નિયતી ફટાફટ ત્યાંથી પોતાની હોસ્ટેલ તરફ જતી રહી. અને શ્યામ નું આઈડી કાર્ડ તેની પાસે જ રહી ગયું.
*

"શ્યામ! ક્યારનો શું શોધી રહ્યો છે?" શ્યામ ક્યારનો પોતાની બેગ માં તથા ટેબલના ડ્રોવર માં કાંઈક શોધી રહ્યો હતો એ જોઈ તેના રૂમ મેટ જીગરે પૂછ્યુ.
" કાંઈ નહિ યાર,મારું આઈડી કાર્ડ નથી મળી રહ્યું. આજે પ્રેક્ટિકલ લેબ છે એટલે આઈડી કાર્ડ ફરજિયાત જોશે જ. આ મયંકના જ કામા હોય તેણે જ ક્યાંક મૂકી દીધું હશે." શ્યામ હજી પણ આઈડી શોધી રહ્યો હતો.
" અરે અરે !! મારું નામ કઈ ખુશીમાં લેવાય રહ્યું છે? " મયંક રૂમમાં આવ્યો અને તેણે શ્યામના મોંઢે પોતાનું નામ સાંભળ્યું એટલે પૂછ્યું.
" ખુશીને છોડ અને મને પેહલા એ કહે મારું આઈડી ક્યાં છે? નહિ તો ખબરને પેલો પ્રો.ટકલુ વીક સુધી લેબ એટેન્ડ નહિ કરવા દે."શ્યામે પ્રો.દારૂવાલાના ચાળા પાડતા કહ્યું.
" તારા આઈડી ની મને કાંઈ ખબર નથી.આમ પણ એ ટકલું તને કાંઈ નહિ કહે તું તો એનો ફેવરીટ સ્ટુડન્ટ છે એટલે." મયંક હસતા હસતા બોલ્યો.
" મારી સામે મારા ફેવરીટ પ્રોફેસરનું રિસ્પેક્ટ થી નામ લેવાનુ હો!" શ્યામ પણ મજાકના સુર માં હસતા હસતા બોલ્યો.
*

નિયતી આજે સવારથી થોડી ચિંતામાં દેખાતી હતી.આજે તેનું પ્રેસેન્ટેશન હતું. તેને ચિંતા પ્રેસેન્ટેશનની નહતી.પરંતુ તેણે વેલુરું ની એક હોટેલ પર પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો અને તેનું સર્ટિફિકેટ હજુ સુધી તેને મળ્યું નહતું. હોટેલના મેનેજર તે સર્ટિફિકેટ આજે તેમના એક ફ્રેન્ડ જોડે મોકલવાના હતા. મેનેજરના ફ્રેંડ એન્જિનિયર ડિપાર્ટમેન્ટ માં જોબ કરતા હતા અને તેમની પાસેથી એ સર્ટિફિકેટ મેળવવાનુ હતું.નિયતી એ પ્રો.રાવ ને ઓળખતી ન હતી.અને હવે તેની પાસે વધુ સમય પણ નહતો.એટલે એ થોડી ચિંતામાં હતી.
નિયતી પોતાના પ્રેસેન્ટેશનની ફાઈલ અને ડોક્યુમેન્ટ તૈયાર કરી રહી હતી ત્યાં જ તેના હાથમાં તે દિવસે મળેલું શ્યામ નું આઈ કાર્ડ આવ્યું.તે દિવસે એ ત્યાંથી ઝડપથી નીકળી ગઈ હતી અને આઈડી તેની પાસે જ રહી ગયું હતું.
નિયતીના હાથમાં શ્યામ નું આઈ કાર્ડ જોઈ સીમા બોલી,
" તુ આ શ્યામને કોલ કરીને કહે એ તારી હેલ્પ કરશે.આમ પણ એ એન્જિનિયર ડિપાર્ટમેન્ટ માં છે એટલે તે પ્રો.રાવને પણ ઓળખતો હશે."
" ના હવે , હું ક્યા તેને ઓળખું છું? અને મે તેની સાથે વર્તન પણ ખરાબ જ કર્યું છે એટલે..." નિયતી હજુ આ બોલી રહી હતી ત્યાં સીમાએ નિયતી ના ફોનમાંથી શ્યામનો નંબર ડાયલ કરી નિયતી ના હાથમાં ફોન પકડાવી દીધો.
નિયતી ને કાંઈ સમજાય એ પેહલા સામે છેડે શ્યામે કોલ રીસિવ કરી લીધો હતો.નિયતી ને કાંઈ સમજમાં ન આવ્યું એટલે તેણે ફટાફટ કાંઈ પણ બોલ્યા વગર કોલ કટ કરી નાખ્યો.
*

" હેલ્લો.....હેલ્લો....!!" શ્યામ બે ત્રણ વાર બોલ્યો પણ સામે છેડેથી કાંઈ અવાજ આવ્યો નહિ અને કોલ કટ થઈ ગયો.
" કોણ છે યાર?" મયંકે પૂછ્યુ.
લેક્ચર ફ્રી હતો એટલે બધા ફ્રેન્ડ્સ ગ્રાઉન્ડમાં બેઠા બેઠા ગપ્પા મારી રહ્યા હતા.
" ખબર નહીં હવે , કોઈ કાંઈ બોલ્યુ નહિ. શાયદ રોંગ નંબર હશે."શ્યામે કોલ પર કાંઈ વધારે ધ્યાન આપ્યું નહિ.
" કદાચ તારા માટે એ રાઇટ નંબર પણ હોય.કદાચ કોઈ તને બહુ મિસ પણ કરી રહ્યું હોય એવું પણ બને."મયંક મજાક કરતા બોલ્યો અને શ્યામના હાથમાંથી મોબાઈલ લઈ તે અજાણ્યા નંબર પર કોલ કર્યો.
સામે છેડે છોકરીનો અવાજ સાંભળી મયંકે મોબાઈલ શ્યામના હાથમાં થમાવી દીધો.
" સાચે જ તને કોઈક મિસ કરી રહ્યું છે." મયંકે મોબાઇલ ના સ્પીકર પર હાથ રાખતા કહ્યું.
" હેલ્લો!! કોણ ?" શ્યામે પૂછ્યું.
" હું..... હું.. નિયતી!" નિયતી થોડા ખચકાટ સાથે બોલી.
" નિયતી....??" શ્યામ થોડી વાર વિચારમાં પડી ગયો પછી કાંઈક યાદ આવતા ફરી બોલ્યો.
" ઓહ! મિસ.એંગર ?"
" હા! આઈ નીડ યોર હેલ્પ! કેન યુ પ્લીઝ હેલ્પ મી?" નિયતી એ શ્યામની મદદ માંગતા પૂછ્યું.
" અરે તમારે અમારી હેલ્પ જોઈ એમને, બોલો બોલો!! બંદા હાજીર હૈ!" શ્યામ હજુ મજાકના મૂડમાં હતો.
"ઇટ્સ અર્જન્ટ પ્લીઝ! આજે મારું પ્રેસેન્ટેશન છે" નિયતી એ સર્ટિફિકેટ વિશે બધી વાત કરતા કહ્યું.
"ડોન્ટ વરી!! હું તને દસ મિનિટમાં મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ પાસે આવી મળું છું." હવે શ્યામ મજાકના મૂડ માંથી બહાર આવી થોડો ગંભીર થઈ ગયો હતો.
" ચાલ ઊભો થા ! પ્રો. રાવ પાસે જવાનું છે." શ્યામ ઊભો થયો અને મયંક નો હાથ પકડી તેને પણ ઊભો કર્યો.
" પણ પ્રો.રાવ નું અચાનક શું કામ પડ્યું તારે? પેહલા એ તો કહે સામે છેડે એ છોકરી હતી કોણ ?" મયંકે શ્યામ પાછળ ખેચાતા પૂછ્યુ.
" નિયતી નો કોલ હતો." શ્યામ વધારે કાંઈ ન બોલ્યો.
" આ નિયતી કોણ છે ભાઈ ? હું કેમ ઓળખતો નહિ તેને ?" મયંકે નિયતી ને યાદ કરવાની કોશિશ સાથે પૂછ્યું.
" પેલી સીંગિંગ કમ્પિટીશન માં ફર્સ્ટ આવી હતી એ હવે!" શ્યામે મયંકને યાદ અપાવતા કહ્યું.
" ઓહ ! હવે મને સમજાયું ભાઈ આટલા ઉતાવળમાં કેમ છે ? ભાભીનું કાંઈક કામ પૂરું કરવાનુ લાગે છે એમને!! પણ તેની પાસે તારો નંબર ક્યાંથી આવ્યો ? આ બધું કેટલા ટાઈમ થી ચાલે છે હે? મને કેમ હજુ કાંઈ ખબર નથી તમારા બન્નેની?" મયંક સવાલ પર સવાલ કરવા લાગ્યો.
" અરે યાર! એવું કાંઈ નથી. હું તને સાંજે બધી વાત કરીશ. અત્યારે તું ચાલ મારા ભાઈ!" શ્યામે મયંકને શાંત પાડ્યો.
*
સાંજે નિયતી શાવર લઈ પોતાના બેડ પર બેઠી. અત્યારે એ એકદમ ખુશ હતી.કારણકે આજે તેનું પ્રેસેન્ટેશન એકદમ મસ્ત રહ્યું હતું.તેને વિચાર્યુ હતું તેના કરતાં પણ જોરદાર રહ્યું હતું.
નિયતી વિચારી રહી હતી જો શ્યામે તેની મદદ ન કરી હોત તો કદાચ આજે તેનો પ્રોજેક્ટ કેન્સલ થઈ ગયો હોત. પરંતુ શ્યામના કારણે જ આજે અત્યારે આટલી ખુશ હતી.
નિયતી એ મોબાઈલ હાથમાં લીધો અને શ્યામને મેસેજ કરવાનુ વિચાર્યું. તેણે થેંક યું નો બે ત્રણ વાર મેસેજ ટાઈપ કર્યો અને પાછો ડિલીટ કરી નાખ્યો. નિયતી થોડી વાર બેસી રહી પછી ઊંડો શ્વાસ લીધો અને મેસેજ ટાઈપ કરી સેન્ડ બટન પર આંગળી મૂકી દીધી.
*
" સાચે યાર! મે નથી નંબર આપ્યો તેને ! ખબર નહિ તેને ક્યાંથી મારો નંબર મળ્યો એ?" શ્યામ મયંકને સમજાવવાની કોશિશ કરી રહ્યો હતો.
" તો અચાનક જ કેમ તારા પર જ તેનો કોલ આવ્યો?" મયંક હજુ સવાલ કરી રહ્યો હતો. ત્યાં જ શ્યામના ફોનમાં મેસેજ પડ્યાનો અવાજ આવ્યો.
શ્યામે મેસેજ જોયો તો એ નિયતી નો હતો.મેસેજ જોતા જ શ્યામના ચેહરા પર સ્મિત આવી ગયું. શ્યામના ચેહરા પર આવેલ સ્મિત જોય મયંકને અજુગતું લાગ્યું એટલે તેણે મોબાઈલમાં નજર કરી તો નિયતી નો મેસેજ હતો.
શ્યામે પણ નિયતી ને રિપ્લાય આપ્યો. નિયતી એ તે દિવસે તેના ખરાબ વર્તન માટે શ્યામ ની માફી પણ માંગી.
" ભાઈ! આ બધું છોડ અને પેહલા તેને પૂછ, તેની પાસે તારો નંબર ક્યાંથી આવ્યો એ ?" મયંક હજુ એક રટ જ લઈને બેઠો હતો.
શ્યામને પણ આ જાણવું જ હતું એટલે તેને નિયતિને પૂછ્યું,
" બાય ધ વે, તારી પાસે મારો નંબર ક્યાંથી આવ્યો?"
નિયતી એ આઈડી કાર્ડ મળ્યાની વાત શ્યામને જણાવી અને ફરીથી આભાર માન્યો.
હવે મયંકના પ્રશ્ન નું સમાધાન થઈ ગયું હતું એટલે એ શ્યામ પાસેથી ઊભો થયો અને ખોંખારો ખાતા બોલ્યો,
" યારો ચાલો, હવે આપણે તો સુઈ જાઈએ. હવે આ ભાઈને તો નીંદર આવશે નહિ. ક્યુકી ઉસકી નિંદે ચૂરાને વાલી તો અબ આ ગઈ હૈ!!
" બકવાસ બંધ કર અને છાનોમાનો સૂય જા. મને પણ નીંદર આવે છે હવે." શ્યામ ઊભો થયો અને રૂમની લાઈટ ઓફ કરી દીધી.
*

નિયતી એ પોતાના પપ્પા સાથે વાત કરી ફોન મૂક્યો.તે એક અઠવાડિયા પછી ઘરે જવાની હતી એ વાત જણાવવા જ નિયતી એ કોલ કર્યો હતો. હવે તેની ફાઇનલ એક્ઝામ પણ પૂરી થવામાં જ હતી. નિયતી વિચારી રહી હતી એક વર્ષ તો કેવું ઝડપથી પૂરું થઈ ગયું.
નિયતી ને પહેલાથી જ સીંગિગ માં રસ હતો. તે સ્કૂલ માં હંમેશા સિંગીંગમાં ફર્સ્ટ જ આવતી ખાલી સિંગિંગમાં જ નહિ પરંતુ દરેક પ્રવૃત્તિ માં તે હમેંશા પેહલા નંબરે જ રેહતી.નિયતી એક મધ્યમવર્ગીય પરિવાર માંથી હતી. નિયતી એક ની એક જ હતી તેને કોઈ ભાઈ કે બહેન હતા નહી.તેના પપ્પા ગાંધીનગરમાં કારકુનની નોકરી કરતા હતા. પરંતુ તેઓ હમેંશા નિયતી ની દરેક ઈચ્છાઓ પૂરી કરતા. નિયતી હંમેશાથી સિંગર બનવા માંગતી પરંતુ જ્યારે તેને ખબર પડી કે તેના પપ્પાની ઈચ્છા તેને એરહોસ્ટેસ બનાવવાની છે, તે પછી તેણે તેના પપ્પાની ઈચ્છા પૂરી કરવાનો નિર્યણ કરી લીધો.
અત્યાર સુધી તેના પપ્પાએ તેની બધી ઈચ્છા પૂરી કરી હતી હવે તેનો વારો હતો તેના પપ્પાની ઈચ્છા પૂરી કરવાનો અને તેથી તેણે અહી એડમીશન લીધું હતું.
નિયતી ના ફોનમાં મેસેજ આવ્યો અને તે વિચારમાંથી બહાર આવી. જોયું તો શ્યામનો મેસેજ હતો. આજે તેની પ્રેક્ટીકલ એક્ઝામ હતી અને તે એકદમ મસ્ત રહી હતી તે કહેવા જ તેણે મેસેજ કર્યો હતો.
નિયતી અને શ્યામ હવે બહુ જ સારા ફ્રેન્ડ બની ગયા હતા. તેઓ બન્ને કલાકો સુધી મેસેજ માં વાતો કર્યા કરતા.દિવસ માં બનેલી નાની નાની વાતો પણ શેર કરતા. બન્ને જાણતા હતા તેમના દિલમાં જે લાગણી હતી એ ફ્રેન્ડશીપ કરતા કાંઈક વધારે હતી.પરંતુ તેઓ બન્ને એ લાગણી બહાર લાવતા ડરતા હતા.
થોડી વાર પછી શ્યામનો કોલ આવ્યો તેની એક્ઝામ પૂરી થવામાં હજુ બે અઠવાડિયાની વાર હતી.નિયતી ની એક્ઝામ આજ વીક માં પૂરી થવાની હતી. અને પછી તે ગાંધીનગર જતી રેહવાની હતી એ જાણી શ્યામ નું મન ઉદાસ થઈ ગયું.એ વધુ કાંઈ બોલ્યો નહિ અને ફોન મૂકી દીધો.
*
ફોન મૂકી શ્યામ થોડી વાર વિચારમાં ખોવાય ગયો.ખબર નહિ પણ જ્યારે નિયતી એ ગાંધીનગર જવાની વાત કરી ત્યારે અચાનક જ શ્યામના મનમાં એક ખાલીપો છવાય ગયો. તેણે થોડી વાર કાંઈક વિચાર્યુ અને પછી નિયતી ને મેસેજ કર્યો.
" હેય નિયતી!! આઈ વોન્ટ ટુ મીટ યુ?"
" ઓકે, શનિવારે હું ફ્રી છું. તને કાંઈ વાંધો ન હોય તો શનિવારે રાખીએ?" નિયતી એ કાંઈક પણ વિચાર્યા વિના સીધો જવાબ આપી દીધો.ખુદ નિયતી ને પણ ના સમજાયું કે તેણે આવું શા માટે કર્યું એમ!!
" ઓકે! સી યુ સૂન!" શ્યામ તો એકદમ ખુશ થઈ ગયો.
*
નિયતી અને શ્યામ બન્ને એક કોફી શોપમાં જવાનો પ્લાન કર્યો હતો.અને શ્યામ નિયતી ને કૉલેજ ના મેઈન ગેટ એ થી પિક કરવાનો હતો. નિયતી ને નીકળવામાં હજુ ત્રીસ મિનિટ ની વાર હતી. અને નિયતી તેના રૂમમેટને ત્રીસ વાર પૂછી ચૂકી હતી કે પોતે કેવી લાગી રહી હતી.
આમ તો નિયતી એક ખૂબ સિમ્પલ છોકરી હતી. પરંતુ આજે સવારમાં લગભગ એક કલાક તો તેણે કપડા પસંદ કરવામાં જ કાઢી. પછી તો એને મેચિંગ નેઇલ પોલિશ, એરિંગ, ચપ્પલ, વોચ આ બધું નક્કી કરવામાં પણ કેટલો સમય બગાડ્યો. તેના રૂમમેટ તો નિયતી ની આવી હરકત જોઈ દંગ જ રહી ગયા.અને તેને ચીડવવા લાગ્યા,
" તુ જસ્ટ તેને મળવા જઈ રહી છે. તેની સાથે મેરેજ કરવા નહિ!"
" હા, એટલે જ આટલી રેડી થઈ છું.બાકી મેરેજ હશે ત્યારે તો આનાથી પણ વધારે મસ્ત તૈયાર થઇસ!!" નિયતી તો એના મનમાં જે હતું એ બોલી ગઈ.
તેના ફ્રેઇન્ડ્સ હસવા લાગ્યા ત્યારે નિયતી ને ખ્યાલ આવ્યો કે પોતે શું બોલી હતી?
નિયતી એ ઘડિયાળમાં જોયું અને ટાઈમ થઈ ગયો હતો એટલે કાંઈ પણ બોલ્યા વગર ઝડપથી રૂમ બહાર નીકળી ગઈ.
*
શ્યામ અને નિયતી બન્ને કોફી શોપમાં આવી બેઠા હતા. પરંતુ બન્ને માંથી કોઈ કાંઈ બોલી રહ્યું ન હતું. તેઓ ફ્રેન્ડ બન્યા પછીની બન્નેની આ પેહલી મુલાકાત હતી. પેલા તો બન્ને મળ્યા હતા પરંતુ ત્યારે તો એકબીજા સાથે ઝઘડો જ કર્યો હતો. અને જ્યારે શ્યામ સર્ટિફિકેટ આપવા ગયો હતો ત્યારે પણ નિયતી ને ઉતાવળ હતી એટલે ખાલી થેંક્યું બોલી ચાલી ગઈ હતી. આજે બન્ને એકબીજા સામે હતા પરંતુ એકબીજા સાથે કાંઈ બોલી રહ્યા ન હતા. આમ તો બન્ને મોબાઈલમાં કલાકો સુધી વાત કરતા રહેતા. અને અત્યારે બન્નેના મોં બંધ હતા. તેઓ વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા પરંતુ સમજમાં નહોતું આવતું કે શરૂ ક્યાંથી કરવું ?
શ્યામે મૌન તોડવાનો પ્રયાસ કરતા કહ્યું,
" ટુડે યૂ લૂકિંગ બ્યુટિફૂલ!!"
" થેન્કસ ફોર યોર કોમ્પ્લીમેન્ટ!! યુ અલ્સો લુકિંગ નાઇસ!!"
" થેન્ક યુ સો મચ!!"
આટલું બોલતા બન્ને ફરી ચૂપ થઈ ગયા.
" તો ક્યારે ગાંધીનગર જવાનું નક્કી કર્યું ?" શ્યામ વાતો શરૂ રાખવાના ઇરાદા સાથે બોલ્યો.
" શુક્રવારની ટિકિટ બુક કરી છે. તુ ક્યારે જવાનો ? હજુ તો તમારે પ્રેકટિકલ એક્ઝામ બાકી હશે ને ?" નિયતી જાણતી હતી છતાં શ્યામ સાથે વાત ચાલુ રાખવા માટે પૂછ્યું.
" હા, અમારે તો હજુ બે વીક જેવું અહી રહેવું પડશે."
" બાઇ ધ વે, તારો અવાજ ખૂબ જ સરસ છે, આટલા સરસ સિંગરે એન્જિનિયર કેમ પસંદ કર્યું? સિંગીંગમાં આગળ જવાય ને!!"
નિયતી કોફીનો કપ હાથમાં લેતાં બોલી.
" આભાર! એન્જિનિયરિંગ પસંદ કરવા પાછળ એક કહાની છે" શ્યામ મોં પર સ્મિત લાવતા આટલું બોલ્યો.
" શું એ કહાની હું જાણી શકું?" નિયતી કારણ જાણવા ઈચ્છુક હતી.
" જરૂર." શ્યામે તેના પપ્પા પર ગુસ્સો લાવતા બધી વાત કરી અને તેના પપ્પા તેને એન્જિનિયરિંગ કરાવવા માંગે છે એટલે તે અહી છે તે વાત કરી.
" પરંતુ તારો અવાજ તો મારા કરતાં પણ વધારે સારો છે તો પછી તુ કેમ અહી?" શ્યામે આશ્ચર્ય સાથે પૂછ્યું.
"પપ્પાની ઈચ્છા પૂરી કરવા માટે" નિયતી એ જવાબ આપ્યો
" ખબર નહિ હંમેશા આપણા સપના વચ્ચે આ પપ્પા કેમ આવી ઊભા રહી જતા હશે?"શ્યામે પોતાના પપ્પાને યાદ કરી મોઢું બગાડતા કહ્યું.
" ના, એવું નથી.મારા પપ્પાએ મને ક્યારેય પણ કાંઈ વાતનો ફોર્સ નથી કર્યો.પરંતુ મને જ્યારે ખબર પડી કે તેઓની ઈચ્છા મને એરહોસ્ટેસ બનાવવાની છે એટલે મેં આ કોર્સ જોઈન કરી લીધો. અત્યાર સુધી તેમણે મારી ઈચ્છા પૂરી કરી હવે મારી ફરજ બને કે તેઓ જે ચાહે એ હું કરી બતાવું." નિયતી પોતાની વાત જણાવતાં કહ્યું.
" હા, એ સાચું પણ......" શ્યામ આગળ બોલવા જતો પણ નિયતી એ તેને અટકાવી દીધો.
" પિતા હંમેશા તેના દીકરા માટે સારું જ ઇચ્છતા હોય. તેમની પાસે દુનિયામાં કેમ જીવવું તેનો વધારે અનુભવ હોય,માટે જ તેઓ આપણ ને સાચી રાહ બતાવતા હોય.
સીંગીગ એ તો તારી કળા છે અને તારો શોખ પણ છે એટલે એ તો હંમેશા તારી સાથે જ રહેવાનું. પરંતુ આ એન્જિનિયર ને બાકી બીજા કોર્સ તો શીખવાથી જ આવડે.
'A singer can be an engineer but not every engineer can be a singer'!!" નિયતી શ્યામને સમજાવવાનો પ્રયત્ન કરતા બોલી.
શ્યામ તો નિયતી ને જોઈ જ રહ્યો.કેટલી સરળતાથી નિયતી એ તેના મનમાંથી તેના પપ્પાની ખરાબ છબી દૂર કરી તેના સ્થાને એક કોમળ હૃદય વાળા તેના પપ્પાની છબી રાખી દીધી હતી.
શ્યામને હવે તેના પપ્પા પર ગુસ્સે નહતો.તેને સમજાય ગયું તેના પપ્પાને તેના ભવિષ્યની ચિંતા હતી માટે તેઓ તેની સાથે આવું વર્તન કરતા.
" ખૂબ ખૂબ આભાર તારો હં!! અત્યાર સુધી મે આવું ક્યારેય વિચાર્યું જ નહતું." શ્યામ આભારની લાગણી સાથે બોલી રહ્યો હતો.
વાતો વાતોમાં બે અઢી કલાક ક્યાં પસાર થઈ ગયા તેનો પણ તેઓને ખ્યાલ નહતો રહ્યો.નિયતી એ ઘડિયાળમાં જોયું અને બોલી,
" હવે આપણે જવું જોઈએ" નિયતી ની ઈચ્છા નહતી પરંતુ સમય ઘણો થઈ ગયો હતો એટલે પછી તેને હોસ્ટેલ પણ પહોંચવું પડે એમ હતું.
શ્યામ થોડી વાર કાંઈ બોલ્યો નહી. એમ જ બેસી રહ્યો એ નિયતી જોડે હજુ વધારે સમય વિતાવવા માંગતો હતો પરંતુ સમય થઈ ગયો હતો અને હોસ્ટેલ પહોચવાનું હતું એટલે કાંઈ થઈ શકે એમ હતું નહિ.
" ઓકે, સારું તો પછી મળીએ ફરીથી!!" શ્યામ બાઈકની ચાવી હાથમાં લેતાં બોલ્યો.
*
કિશોરભાઈ તો આ વેકશન દરમિયાન શ્યામ નું વર્તન જોઈએ ને ચોંકી જ ગયાં. શ્યામના વેકેશન પહેલા તો એમને લાગતું કે શ્યામ આવશે એટલે તેની સાથે માથાકૂટ કરવી પડશે તેને કારખાને લઈ જવા માટે, પરંતુ એવું કાંઈ થયું નહિ ઊલટાનો શ્યામ પોતે જ તૈયાર થયો હતો તેના પપ્પા સાથે જવા માટે અને ત્યાં કામ પણ એકદમ મન આપીને કરતો. કિશોરભાઈ શ્યામ નું આટલું સારું વર્તન જોઈ ખૂબ જ ખુશ હતા.અને હવે શ્યામને પણ સમજાઈ ગયું હતું એટલે તેના પપ્પાને ખુશ રાખવાનો બને એટલો પ્રયત્ન કરતો.
આ વેકેશન દરમિયાન શ્યામ અને નિયતી બન્ને વચ્ચે ભાગ્યે જ વાત થતી.નિયતી પણ ઘરે કામમાં રહેતી અને શ્યામ પણ તેના પપ્પા સાથે વ્યસ્ત રહેતો. એટલે જ્યારે નિયતી મેસેજ કરે ત્યારે શ્યામ ઓન ન હોય અને શ્યામ મેસેજ કરે ત્યારે નિયતી ઓન ન હોય. બન્ને પોતપોતાની રીતે એકબીજાને સંદેશા પહોંચાડી દેતા.
શ્યામ હંમેશા નિયતી ના મેસેજનો ઇન્તજાર માં જ રહેતો. સવારમાં જો તેનો એક મેસેજ આવી જાય તો તેનો તો દિવસ જ મસ્ત બની જતો. શ્યામ ના ફોનમાં મેસેજ નોટિફિકેશન નો અવાજ આવતો કે તરત એ નિયતી ના મેસેજની આશા સાથે ચેક કરતો પણ જો તે મેસેજ નિયતી નો ન હોય તો તેના ચેહરા પર ઉદાસી આવી જાતી અને મેસેજ નિયતી નો હોય તો ચેહરા પર સ્મિત આવી જતું.શ્યામના ચેહરા પર થતા ફેરફાર તેની બહેન શ્વેતાએ નોંધ્યા હતા.તેને સમજાય ગયું હતું કે તેના ભાઈનું કાંઈક ચક્કર ચાલી રહ્યું છે.
શ્વેતાએ શ્યામને આ વિશે પૂછ્યું,
" કોણ છે એ છોકરી?"
" કંઇ છોકરી? શેની વાત કરે છે તુ ?" શ્યામ અજાણ બનવા લાગ્યો.
" કાંઈ વાંધો નહિ.તારો મોબાઈલ આપ હું જાતે જ ચેક કરી લઉં." શ્વેતા શ્યામના હાથમાંથી મોબઇલ લેવાનુ નાટક કરતા બોલી.
" અરે દીદી! એવું કાંઈ નથી. અમે જસ્ટ ફ્રેન્ડ છીએ."શ્યામે મોબાઈલ પાછળ સંતાડતા કહ્યું.
" ઓકે, ના કહેવુ હોય તો કાંઈ નહિ સાંજે પપ્પા તારી જોડે આ વિષય પર વાત કરશે." શ્વેતાએ પોતાના પપ્પાને મ્હોરું બનાવી ત્યાંથી ઊભી થઈ જવા લાગી.
"અરે ,પણ આમાં પપ્પા ક્યાંથી વચ્ચે આવ્યા?" શ્યામ તેની દિદીનો હાથ પકડી તેને ઊભી રાખતા બોલ્યો.
" મારે અત્યારે કાંઈ સાંભળવું નથી." શ્વેતા તેનો હાથ છોડાવી ચાલવા લાગી.
" નિયતી...નિયતી નામ છે તેનુ. હવે ખુશ!! પણ તું જેવું વિચારે છે એવું કાંઈ નથી." શ્યામે તેની દીદીને રોકવા માટે નામ આપી દીધું.
" વાહ! નામ તો સરસ છે. હવે તેના વિશે થોડી માહિતી પણ આપી દે એટલે, હું ચેક કરી લઉં એ તારે યોગ્ય છે કે નહિ?" શ્વેતા તો ખુશ થતી શ્યામની બાજુમાં બેસી નિયતી વિશે પૂછવા લાગી.
શ્યામે નિયતી વિશે શ્વેતાને બધું જાણવી દીધું.તે જાણતો હતો કે તેની બહેન હમેશા તેને બધી બાબતમાં મદદ જ કરવાની હતી.
શ્યામની વાત સાંભળી શ્વેતા ખુશ થઈ અને કહ્યું,
" હવે ખોટો સમય બગાડ્યા વગર નિયતી ને તારા દિલની વાત કહી દેજે. ક્યારેક સંબંધ આમ જ એકબીજાની પહેલ કરવાની રાહે જ પૂરા થઈ જતાં હોય છે."
" હા , હું પણ હવે એવું જ કાંઈક વિચારું છું." શ્યામે નિયતી વિશે વિચારતા કહ્યું.
*
શ્યામે પોતાનો મોબાઇલ ચેક કર્યો તો નીયતીનો મેસેજ હતો. ચેન્નઈ માં એક સીંગીંગ કમ્પીટિસન હતી,અને નિયતી તેમાં પાર્ટીસિપેટ કરવા માટે પૂછી રહી હતી.
શ્યામે તેના પપ્પા સાથે આ વિશે વાત કરી.
"મને તારા સિંગીંગ થી કાંઈ વાંધો નથી.તારે જે કરવું હોય તે કરી શકે છે પરંતુ હું તને ભવિષ્યમાં એક સારા હોદ્દા પર જોવા માંગુ છું.એટલે તારા ભણતર ને કે તારા ભવિષ્યને અસર થાય એવું કાંઈ ન કરતો." કિશોરભાઈ એ શ્યામના માથે હાથ ફેરવતા કહ્યું.
" હા પપ્પા! હું તમને ક્યારેય ફરિયાદનો મોકો નહિ આપું."શ્યામ એકદમ ખુશ થતા તેના પપ્પાનો હાથ પકડી બોલ્યો.
*
સિંગિંગ નો ફાઇનલ રાઉન્ડ હતો.મયંક તથા શ્યામના બીજા ફ્રેન્ડ પણ શ્યામ અને નિયતી ને ચીર અપ કરવા ચેન્નઈ પહોંચી ગયા હતા. શ્યામ અને નિયતી બન્ને ફાઇનલ રાઉન્ડમાં સિલેક્ટ થઈ ગયા હતા.
બંનેનું પરફોર્મન્સ અપાઈ ગયું હતું.દસ મીનીટના બ્રેક પછી જુરી મેમ્બર રિઝલ્ટ આપવાના હતા.
" ભાભી છે એટલે તારો કોઈ ચાન્સ નથી જીતવાનો!!" મયંક ધીમે ધીમે શ્યામને ચીડવતા બોલી રહ્યો હતો.
મયંકના શબ્દો નિયતી એ સાંભળ્યા હતા પરંતુ છતાં તેણે કાંઈ વિરોધ કર્યોં નહિ. મનના એક ખૂણે નિયતી આ જ સાંભળવા માંગતી હતી.
" મોઢું બંધ રાખ તારું!"શ્યામે મયંકને માથામાં ટપલી મારતાં કહ્યું.
કો ઓર્ડીનેટર શ્યામ અને નિયતી ને બોલાવી ગયો. ફાઇનલ રાઉન્ડ માટે હવે ચાર કેન્ડીડેટ સિલેક્ટ થયા હતા.
શ્યામ, નિયતી, સ્વાતિ અને કેદાર
હવે પછીનો રાઉન્ડ બેટલ રાઉન્ડ હતો. જજે પહેલા પરફોર્મન્સ માટે નિયતી અને કેદારને બોલાવ્યા. તે બન્ને સાંભળ્યા પછી તેમાંથી નિયતી ને સિલેક્ટ કરવામાં આવી.ત્યાર બાદ પરફોર્મન્સ માટે શ્યામ અને સ્વાતિ આવ્યા.તેમાંથી શ્યામને સિલેક્ટ કરવામાં આવ્યો હતો.

શ્યામ અને નિયતી બન્ને માંથી એકને વીનર પસંદ કરવાના હતા. પરંતુ જ્જ નક્કી નહોતા કરી શકતા કે બન્ને માંથી કોને પસંદ કરવા?
બંનેનું પરફોર્મન્સ જોઈ જ્જ પણ દંગ થઈ ગયા હતા.કારણ કે બન્નેની જે રીધમની કન્સ્ટીસ્ટન્સી હતી એ એકદમ સરખી હતી. એક પણ જગ્યા એ ચૂક્યા વગર બન્ને એકબીજા સાથે તાલ મિલાવી પરોર્મન્સ આપ્યું હતું. એવું લાગતું હતું જાણે બન્ને એકબીજાની આંખો વડે વાત કરી નક્કી કરી લીધું હતું કે હવે પછી નો સુર કેમ મિલાવો.
જજે ઓડીએન્સ ના વોટ પર વિનર નક્કી કરવાનો નિણર્ય લીધો.આમાં નિયતી ને એક વોટ વધારે મળ્યો અને તે જીતી ગઈ.

નિયતી અને શ્યામ બન્ને સ્ટેજ પર ઊભા હતા.નિયતી ના હાથમાં ટ્રોફી હતી. તે જ્જ તથા ઓડીએન્સનો આભાર માની રહી હતી.
શ્યામે માઇક હાથમાં લીધું અને બધાનો આભાર માન્યો.
" સર, હું નિયતી ને આ સ્ટેજ પર કાંઈક કહેવા માંગુ છું. કેન આઈ સ્પીક?" શ્યામે જજની પરવાનગી માંગી.
જજે હા પાડી એટલે શ્યામે બોલવાનુ શરૂ કર્યું,
"નિયતી હું નથી જાણતો કે ક્યારે હું આવી લાગણી અનુભવવા લાગ્યો. પરંતુ સવારનો તારો એક મેસેજ મારો દિવસ મસ્ત બનાવી દે છે. અને ક્યારેક વાત ન થાય તો બેચેન બની જાવ છું.આખો દિવસ તારા વિચારોમાં જ મન ખોવાયેલું રહે છે અને રાત્રે સપનામાં પણ તને મારી સાથે ગીત ગાતી નિહાળું છું.હું ઈચ્છું છુ કે તું હમેશા મારી જિંદગીમાં આમ જ મારી સાથે સુર મિલાવતી રહે.હું જિંદગીભર તારી માટે ગીત ગાવા માંગુ છું.શું તું જિંદગીભર મારા ગીત સાંભળવા તૈયાર છે?"
શ્યામે પોતાના ખિસ્સામાંથી વીંટી કાઢી અને નિયતી સામે બેસી વીંટી આપતા કહ્યું, "વિલ યુ બી માય મ્યુઝિક ફોરેવેર?"
ઓડીએન્સમાંથી હા...હા...હા..... એવો શોર સાંભળી નિયતી હોંશમાં આવી.અત્યાર સુધી તો જાણે એ શ્યામની આંખોમાં ખોવાય ગઈ હતી.
શ્યામે ફરી પૂછ્યું,
" નિયતી, વિલ યુ મેરી મિ?"
નિયતી ની આંખમાં ખુશીના આંસુ આવી ગયાં.તે એકદમ ગળગળી થઈ ગઈ હતી.તેના ગળામાંથી અવાજ નીકળતો નહોતો. નિયતીએ ફક્ત પોતાનું માથું હલાવી હા પાડી અને શ્યામને ભેટી ગઈ.
ઓડીએન્સ તથા બીજા લોકો ખુશ થતા તાળીઓ સાથે ચિચિયારીઓ પાડવા લાગ્યા.

પરંતુ નિયતી તો શ્યામને ભેટીને તેના દિલની લવબીટ સાંભળી રહી હતી.!!!!!!!!!!!!!!




Thank you!!
*****