શ્રાવણ માસની સવાર હતી.બે દિવસ પછી આજે સુરજદાદાએ દેખા દીધી હતી.મગનલાલ પટેલ સવારમાં વહેલા ઊઠી મહાદેવના દર્શન કરી તરત જ ખેતર આંટો મારવા પહોંચી ગયા હતા.ખેતર પહોચી એક નજર ખેતર પર કરી પછી એમના હૈયાને ટાઢક વળી.ખેતરમાં જુવાર પવનની લહેર સાથે લહેરાઈ રહી હતી.અને સવારમાં સૂરજના પડતા સોનેરી કિરણોને લીધે દ્રશ્ય વધારે જ મનમોહક બની ગયું હતું.ખેતરમાં લહેરાતા પાક પર એક નજર નાખી મગનલાલ ખુશ થતા મનમાં જ બોલ્યા,
" બે દી' પછી આજે જીવને ટાઢક વળી લ્યો.આ ખેતરમાં ઉભેલા મોલને જોઈ લીધો હવે તો બપોરે એય ને રોટલા ખાઈને હાંજ લગી ઢોલિયામાં લાંબુ થાવું સ."
મગનલાલએ બાજરી લણતા લણતા આકાશમાં નજર કરી. સૂરજ બરોબર આકાશમાં વચ્ચે આવી ગયો હતો અને ભાદરવો મહિનો હતો એટલે સૂરજદાદા તાપ પણ વરસાવી રહ્યા હતા.મગનલાલ ઊભા થયા અને લીમડાના છાયા નીચે આવી ઢોલિયા પર બેઠા અને થોડું પાણી પીધું.વળી પાછા ઊભા થયા અને થોડી નીણ લઈ બળદ બાંધ્યા હતા એમને નીરી અને કપાળે હાથ રાખી નેજા કરી દૂર કેડીમાં નજર કરતા બળદ સાથે વાતું કરવા માંડ્યા,
" રઘલાની બા ભાતું લઈને આવતી હોય એવું લાગે સ.તુ તમતમારે પેટ ભરી આ નિણ ખાઈ આરામ કર."
"હે બાપુ, તે તમ આ બળદુ હારે દરોજ હું વાતું કરતા હોય હે?" એની બા જોડે દસ વર્ષનો રઘલો પણ ખેતર આવ્યો હતો અને તેના બાપુને આમ બળદ સાથે વાત કરતા જોઈ પૂછવા લાગ્યો.
" બટા! થોડો મોટો થઇસ ને એટલે આ બળદ તારી હારે પણ વાતું કરશે. આપડા ખેડુના હાચા સાથીદાર તો આ બળદ જ કેવાય."મગનલાલ એ રઘલાને સમજાવ્યું.
"બાપુ, મારા સાયબ કેતા કે ખેડૂ તો ખેતરમાં હોનું પકવે. તો હાચુ આપડા ખેતરમાં હોનું પાકે હે, બાપુ?" રઘલો તો ભોળા ભાવથી પૂછવા લાગ્યો.
"હા, બટા! આપડો આ મોલ જ આપડુું હાચુ હોનું.આ ખેતર એ આપડી મૂડી આપડી હાચી જાગીર કેવાય.આપડે ખેડુ તો ધરતીમાતા ના દીકરા કેવાય.તુ જ્યારે મોટો થઇને આમ કામ કરીશ ત્યારે તને ખેતરનુ હાચુ મુલ હમજાહે."રઘલાના માથે હાથ ફેરવ્યો અને તેને સમજાવતા મગનલાલ ખેતર સામે જોઈ બોલતા હતા.
" આ તમાર બેય બાપ દીકરાને વાતુથી જ પેટ ભરવું લાગે." રઘલા ની બા બન્ને બાપ દીકરા ને જમવા બોલાવતી હતી.
રઘલાં ની બા એ લીમડાના છાયા હેઠે ભાતું ખોલ્યુ.અને એ જ લૂગડાં પર બાજરાનો રોટલો મૂક્યો અને રોટલા પર એક માખણ નો લોંદો મૂકી દીધો ભેગો ડુંગળીનો દડો તો ખરો જ અને ઘરની ભેંસ ના દૂધની છાશ.મગનલાલ તો માથે બાંધેલું ફાળિયું કાઢી નીચે પાથરી દીધું અને તેની પર જમવા માટે બેસી ગયા બાજુમાં રઘલો પણ બેસી ગયો.
" તમે બેય બાપ દીકરો ખાઈ લ્યો ત્યાં હું બેય ભેહું ને ધમારી નાખું. પછી રઘલા તુ પણ કુવે આવજે તને પણ હરખો નવડાવી દવ." રઘલા ની બા ભેંસો ને ખીલેથી છોડતા બોલી.
*
સંધ્યા ટાણું થઈ ગયું હતું. રઘલો બહારથી રમી ઘરે આવ્યો અને તેની બા ભેંસ દોહતી હતી ત્યાં જઈ ઊભો રહ્યો.
" બા, ઓલો અમારી ભેગુ રમતો હોયને એ જગા ના તો આવતા મહિને લગન છે.એ કેતો એના બાપા તો એની હાટું બે જોડ નવા લૂગડાં પણ લાયા સે."
" કયો જગો? ઓલા વશરામ ભઈ નો છોકરો?" એની બાએ તો ભેંસ દોહતા જ પૂછ્યુ.
"હા, એ જ જગો. અમને વળી પાછો કે હવે મને જગો નય કેવાનું, જગદીશ કય ને બોલાવવાનો.હવે હું મોટો થઈ ગયો સુ.મારા બાપુ કેતા હવે મારે ખેતરનુ કામ શીખવાનું સે એટલે હવે હું રમવા પણ નય આવું."રઘલાએ તો જગાની બધી કહાની સંભળાવી દીધી.
" હા એ તો તારાથી પાંચ વરહ મોટો સે. હવે તો શીખવું જ જોઈએ ને." બા ઊભા થઈ બીજી ભેંસ દોહવા બેઠા.
" હે બા, મારા લગન ક્યારે થાસે?" રઘલાના મનમાં ક્યારનો જે પ્રશ્ન કૂદતાં મારતો હતો એ તેને પૂછી જ લીધો.
" પાંચ વરહ પછી" બાપુ ખેતરથી ગાડું લઈને આવ્યા અને રઘલાની વાત સાંભળી ઉત્તર આપ્યો.
" હજી પાંચ વરહ પછી??" રઘલો તો થોડો ઉદાસ થતાં બોલ્યો.
"તારું વેહવાળ બાજુના ગામના જીવા ભઈ ની છોડી હારે પાકું કરી નાખ્યું સે! પણ તું થોડો મોટો થઈ જા ખેતર ખેડતાં શીખી જા અને ઘરની બધી જવાબદારી માથે લેતા શીખી જા પછી તારા વિવાહ કરવાના સે."બાપુએ રઘલાને સમજાવ્યું.
" બાપુ તો તો હું કાલ થી જ તમારી હારે ખેતર આવીશ.એટલે બધું જલદી શીખી જાવ.અને મારા લગન પણ જલદી થઈ જાઈ."રઘલો તો એકદમ તાનમાં આવી બોલવા લાગ્યો.
" અરે વેવલીનો થા માં. ખેતરમાં કામ કરવું એ કાઈ નાનીમા ના ખેલ નથી."બા દૂધનું પવાલું ઓસરીની ધારે રાખતા બોલ્યા.
" તોય બા જોજો ને આ રઘુ પટેલ એના બાપા મગનલાલ પટેલની જાગીર ને જીવની જેમ હાચવસે!" રઘલો તો જાણે મૂછો પર તાવ દેતો હોય એમ મોટી મોટી વાતો કરવા લાગ્યો.
" અરે મને મારા દીકરા પર પૂરો વિશવાસ સે. એ એના બાપાની પાઘડી માથા પરથી ક્યારેય નય ઉતરવા દે." બાપુ રઘલાની પીઠ થાબડતા બોલ્યા.
*
મગનલાલ પટેલ લીમડા નીચે શાંતિ થી આરામ ફરમાવતા બેઠા હતા.ખેતરમાં પાક ઉગી ગયો હતો પણ મગનલાલ ને હવે કાઈ ચિંતા નહોતી. રઘુ મોટો થઈ ગયો હતો, લગન પણ થઈ ગયા હતા અને ઘર અને ખેતરની બધી જવાબદારી હવે રઘુ એ સંભાળી લીધી હતી.મગનલાલ એ ખેતરમાં નજર કરી તો રઘુ ખેતરમાં હળ હાંકીને બળદને લઈ ને આવી રહ્યો હતો.
આજે એમનો રઘલો હવે રઘુ પટેલ બની ગયો હતો.તેમની છાતી ગદગદ ફુલતી હતી પોતાના દીકરાને જોઈને. રઘુ એ બળદ ખીલે બાંધ્યા અને તેના બાપુની બાજુમાં આવી બેઠો.
" બાપુ, પાક જોતા હું લાગે ? વરહ કેવું થાસે?" રઘુ માથેથી રૂમાલ છોડી મોઢા પર પરસેવો લૂછતાં બોલ્યો.
"આ વખતે તો હોના ના ભંડાર ભરાઈ જાસે.મારા દીકરાએ ખેતરમાં હોનું પકવું સે એટલે."મગનલાલ ખેતર સામે નજર કરતા બોલ્યા.
રઘુને બાળપણની વાત યાદ આવતા એ હસી પડ્યો.
💐 આભાર 💐
*****