કહાની કિશનગઢ ની Minal Vegad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કહાની કિશનગઢ ની

યાત્રીગણ કૃપયા ધ્યાન દીજીએ. દિલ્હી જાનેવાલી આશ્રમ એક્સપ્રેસ થોડી હીઁ દેર મે પ્લેટફોર્મ નંબર પાંચ પે આયેગી. અમદાવાદ રેલવે સ્ટેશન પર અનાઉન્સ થયું. એટલે જયેશભાઈ પોતાની બેગ અને દસ વર્ષના સમીરને લઈને બેન્ચ પરથી ઊભા થયા. જયેશભાઈના એક હાથમા બેગ હતું અને બીજા હાથથી સમીરનો હાથ પકડી રાખ્યો હતો જેથી સમીર આ ભીડમાં પોતાના થી છુટો ન પડી જાય.
ટ્રેન આવી એટલે બન્ને પોતાની જગ્યા લઈને બેસી ગયા. બન્ને માંથી કોઈ પણ કાંઇ બોલતું નહોતું.સમીર બારી બહાર જોઈ રહ્યા હતો. એવું ન હતું કે તેઓ પહેલીવાર ટ્રેનમા મુસાફરી કરતા હતા. આ પહેલા પણ તેઓ ટ્રેનમાં મુસાફરી કરી ચૂક્યા હતા. જયેશભાઈની બદલી થતી એટલે બન્ને બાપ- દીકરાને સ્થળ બદલ્યા કરવું પડતું.આ વખતે પણ કારણ બદલીનુ હતું. પરંતુ તેમની ઉદાસી નું મૂળ કારણ એ હતું કે આ વખતે બદલી નું સ્થળ એ ગુજરાત બહારનું હતુ.
જયેશભાઇ ની બદલી હવે રાજસ્થાનના કિશનગઢમાં થઈ હતી નવા સ્થળે જવાનું હતું અને નવા વાતાવરણમાં ભળવાનુ
હતું એટલે સમીર થોડો ઉદાસ દેખાતો હતો.બાકી સમીરનો સ્વભાવ એકદમ મળતાવડો હતો એના સ્વભાવના કારણે જ એ નવા સ્થળે પણ આસાનીથી નવા મિત્રો બનાવી લેતો.અને બધાના મન જીતી લેતો.સમીર ભણવામાં પણ એટલો જ હોશિયાર હતો. એની સ્કૂલ બદલાયા કરતી છતાં પણ ક્યારેય તેની અસર તેના ભણતર પર પડતી નહિ. સમીરે ક્યારેય જયેશભાઇ ને ફરિયાદનો મોકો આપ્યો જ નહતો.
જયેશભાઇ બેઠા બેઠા એક બુક વાંચી રહ્યા હતા.અને સાથે એમના ચેહરા પર થોડી ચિંતા પણ દેખાતી હતી.કારણકે એ નવા સ્થળે એમને સમીર માટે સારી શાળા પણ શોધવાની હતી. જયેશભાઈ એ બારી બહાર દોડતા વૃક્ષો ને જોઈ રેહલા સમીરના માથે હાથ ફેરવતા પૂછ્યું,
" બેટા! તને ગમશે તો ખરાં ને આ નવી જગ્યાએ?"
" હા,પપ્પા! તમે મારી સાથે હોય એટલે મને ગમે જ!તમે છો એટલે મારે શું વાંધો હોય?"
જયેશભાઈ સમીરને જોતા રહ્યા.સમીર હંમેશા તેમની બધી વાતનો આદર કરતો અને ક્યારેય કોઈ પણ બાબતની ફરિયાદ કરતો નહિ.
" આ લે, આ થોડા પૌંઆ ખાઈ લે.તને ભૂખ લાગી હશે." જયેશ ભાઇએ પૌંઆનો ડબ્બો સમીરને આપતા કહ્યું.
"આપણે કિશનગઢ ક્યારે પહોંચી છુ?" સમીરે ડબ્બો હાથમાં લેતાં પૂછ્યું.
" રાત્રે ૨:૩૦ - ૩ વાગ્યે પહોંચી જશું."
જયેશભાઈ એ ઘડિયાળમાં જોયું સાંજના ૮ વાગ્યા હતા. તેમની બાજુની સીટમાં તેમની ઉંમરના જ એક ભાઈ બેઠા હતા.એ ભાઈ ને અજમેર જવાનું હતું. અજમેર પછી તરત જ કિશનગઢનું સ્ટેશન હતું.એટલે જયેશભાઈ ને પોતાની જેવો જ એક દોસ્ત મળી ગયો હતો અને તેઓ બન્ને વાતો એ વળગ્યા. સમીર પોતાનો નાસ્તો પૂરો કરીને છાપામાં કોયડા ઉકેલવા લાગ્યો.સમીર ને આવી બધી પ્રવૃતિઓ ગમતી એટલે એ આવું બધું કર્યા કરતો.
સમીરને હવે નીંદર આવતી હતી એટલે તે તેના પપ્પાના ખોળામાં
માથું રાખી સુઈ ગયો.જયેશભાઈ પણ હવે થાક્યા હતા એટલે એ પણ સીટના ટેકે માથું રાખીને સૂઈ ગયા. બન્ને બાપ - દીકરો ગાઢ નિદ્રામાં સરી પડયા હતા.
જયેશભાઈ ની આંખ ખુલી ત્યારે ટ્રેન અજમેર સ્ટેશને પહોંચી હતી.તેમને ઘડિયાળમાં જોયું તો ૧:૩૦ થયો હતો.જયેશભાઈ એ પાણી પીવા બોટલ લીધી તો પાણી ગરમ થઈ ગયું હતું.સમીરનું માથું પોતાના ખોળામાંથી લઈ નીચે સીટ પર સરખો સુવડાવ્યો અને તેઓ બોટલ લઈ નીચે પાણી ભરવા ગયા.પેલા ભાઈ ને પણ અજમેર ઉતરવાનું હતું એટલે એ પણ સ્ટેશન આવતા ઉતરી ગયા.
ટ્રેનના ડબ્બામાં બે ભાઈઓ બેઠાબેઠા વાતો કરતા હતા.તેમનો અવાજ સાંભળી સમીરની આંખ ખુલીતો ટ્રેન કોઈ સ્ટેશન પર ઊભી હતી. સમીરે બાજુ માં જોયું તો તેના પપ્પાની સીટ ખાલી હતી. એ ઊભો થયો અને ડબ્બામાં આજુબાજુ જોવા લાગ્યો. તેણે બારી બહાર જોયું તો કિશનગઢ નું સ્ટેશન હતું. સમીરે ઝડપથી પ્લેટફોર્મ પર નજર કરી પણ તેને ક્યાંય પણ તેના પપ્પા દેખાયા નહીં.
સમીરે સામે બેઠેલા બે ભાઈઓ ને પોતાના પપ્પા વિશે પૂછ્યું તો તેઓ કહ્યું તે બન્ને તો હજુ આ સ્ટેશન પર થી જ ચડ્યા હતા અને જ્યારે તેઓ અહી બેઠા ત્યારે ડબ્બા માં સમીર સિવાય બીજું કોઈ ન હતું.સમીર હવે ખૂબ ગભરાય ગયો હતો એના આંખમાંથી હવે આંસુ નીકળવા લાગ્યા હતા. તેણે જોયું તો પોતાનો સામાન તો ત્યાં જ હતો.તેને કઈ સમજાતું નહોતું કે, તેના પપ્પા આમ તેને છોડીને ક્યાં જતા રહ્યા?
ટ્રેન હવે ઉપાડવાની જ તૈયારીમાં હતી. સમીરે વિચાર્યુ તેમને તો કિશનગઢ જ આવવાનુ હતું એટલે તેના પપ્પા તેને શોધતા જરૂર અહી આવી પહોચશે. સમીરે પોતાની બેગ લીધી અને ફટાફટ ટ્રેન માંથી ઉતરી ગયો.
સમીર સ્ટેશન માં એક બેન્ચ પર જઈને બેઠો. તેને વિશ્વાસ હતો હમણાં જ તેના પપ્પા ત્યાં આવી જશે.એ પોતાની બધી હિંમત એકઠી કરી ત્યાં એકલો બેઠો હતો અને તેની આંખમાંથી આંસુ વહેતા હતા. રાતના અઢી વાગ્યા હતા એટલે સ્ટેશન માં કાંઈ ચહેલ પહેલ જોવા મળી રહી ન હતી. બે ત્રણ રેલવેના માણસો હતા પણ ટ્રેન જતી રહી હતી એટલે એ પણ ઓફિસમાં ગયા અને સુઈ ગયા.
સમીર બેઠો હતો એ બેન્ચ પાછળથી કોઈ ઉધરસ ખાતું હોય એવું લાગ્યું એટલે સમીરે પાછું વળીને જોયુ તો ત્રણ બાવા જેવા દેખાતા માણસ ત્યાં સૂતા હતા અને એમાંથી એક તો સમીરને ટીકી ટીકી ને જોઈ રહ્યો હતો.સમીર તેને જોતા ખૂબ જ ડરી ગયો. તે ત્યાંથી ઊભો થયો અને દૂર જઈ બીજી બેન્ચ પર બેઠો.સમીરે હવે ધ્રૂસકે ધ્રૂસકે રડી રહ્યો હતો.અને મનમાં પોતાના પપ્પાનું જ રટણ કરતો હતો.
સમીરની આંખ જ્યારે ખુલી ત્યારે સ્ટેશન પર માણસોની ભીડ જોવા મળી રહી હતી. તેણે ઘડિયાળમાં જોયું તો નવ વાગી ગયા હતા.એક ટ્રેન આવી હતી એટલે તેમાંથી માણસો ઉતરતા હતા તો ચડવાની ઉતાવળ માં લોકો ધક્કા મુક્કી કરતા હતા.બધા પોતાની રીતે વ્યસ્ત હતા.કોઈને કોઈ માટે સમય ન હતો.સમીરને સમજાતું ન હતું હવે તે પોતાના પપ્પાને કેવી રીતે શોધશે?ત્યાં જ સમીરે સામેથી આવતા એક પોલીસ અધિકારી ને જોયા અને તે દોડતો તેમની પાસે ગયો.
" સર, મારા પપ્પા....મારા પપ્પા...." સમીર રડતો હતો એટલે તેના મોઢામાંથી પૂરા શબ્દો પણ નીકળતા ન હતા.
"શું થયું બેટા તારા પપ્પાને ?" પોલીસ અધિકારી એ સમીર ને શાંત પાડતા પૂછ્યું.
પરંતુ જેવું તે ઓફિસરે સમીરને તેના પપ્પા વિશે પૂછ્યું કે સમીર ની ભીતર રહેલો આંસુ નો બંધ તૂટી ગયો અને તે કાંઈ બોલી શક્યો નહિ અને જોર જોરથી રડવા લાગ્યો.પોલીસ અધિકારી સમીરને પોલીસ સ્ટેશન લઈ ગયા. તેમણે સમીરને શાંત કર્યો થોડું પાણી આપ્યું અને પછી તેના પપ્પા વિશે પૂછપરછ શરૂ કરી.
" બેટા! તારું નામ શું છે? અને તારા મમ્મી પપ્પા ક્યાં છે?"
" મારું નામ સમીર છે.મારા પપ્પા મારી સાથે જ હતા પણ રાત્રે તેઓ અચાનક ક્યાંક જતા રહ્યા છે.મહેરબાની કરીને સર મારા પપ્પાને શોધી આપોને!" સમીર પોલીસવાળાને વિનંતી કરતા કહ્યું.
" અને તારા મમ્મી ક્યાં ?"
" તેઓ આ દુનિયામાં નથી." સમીરે ડૂસકું ભરતા કહ્યું.
પોલીસવાળા એ સમીર પાસેથી તેના પપ્પા વિશેની બધી માહિતી મેળવી લીધી અને શોધખોળ શરૂ કરી.
પાંચ દિવસ વીતી ચૂક્યા હતા પરંતુ જયેશભાઈ વિશે કાંઈ પણ માહિતી મળી ન હતી.હવે તો પોલીસ અધિકારીઓએ પણ સરખો જવાબ આપવાનુ બંધ કરી દીધું હતું.કોઈ સમીર સામે ધ્યાન આપતું ન હતું.
સમીર રેલવે સ્ટેશન માં બેઠો હતો અને અત્યાર સુધી જે થયું હતું તેના વિશે વિચારતો હતો. તે તેના પપ્પા વિશે વિચારતો હતો.તે ઉદાસ થઈને બેઠો હતો.ત્યાં તેણે એક પોતાની જેવડા જ બાળકને તેના મમ્મી પપ્પાનો હાથ પકડી ચાલતા જોયો.સમીર પોતાની મમ્મી વિશે વિચારતો હતો,પોતે જ્યારે એક વર્ષનો હતો ત્યારે એક અકસ્માતમાં તેની મમ્મીનું મૃત્યુ થઈ ગયું હતું.સમીરને તો પોતાની મમ્મીનો ચહેરો પણ યાદ ન હતો.જયેશભાઈ એ ક્યારેય પણ સમીર ને તેની મા ની કમી નો અહેસાસ થવા દીધો ન હતો.પરંતુ આજે તો સમીરની દુનિયા જ લૂંટાઈ ગઈ હતી.પોતાની આખી દુનિયા એવા તેના પપ્પા આજે ખબર નહિ, ક્યાં ચાલ્યા ગયા હતા?
સમીરને હવે ભૂખ લાગી હતી. તેણે બેગમાં જોયું તો થોડા પૈસા હતા. સમીરે થોડો નાસ્તો કર્યો અને પછી વિચારવા લાગ્યો હવે તેણે આગળ શું કરવું જોઈએ? તેને ખબર હતી જો તે પાછો પેલા સ્થળે રેહતો હતો ત્યાં જશે તો પણ ત્યાં પોતાનું કહી શકાય એવું કોઈ ન હતું.સમીરને લાગતું તેના પપ્પા તેને આ સ્ટેશન પર જરૂર મળી જશે એટલે તેણે સ્ટેશનમાં જ રેહવાનો વિચાર કરી લીધો.
કિશનગઢતો સમીર માટે સાવ અજાણ્યું સ્થળ જ હતું.અને લોકો પણ અજાણ્યા હતા. તેણે જોયું કે સ્ટેશન પર ઘણા પોતાની જેવડા બાળકો કામ કરતા હતા.સમીરે પણ કામ કરવાનુ વિચાર્યુ.
સમીરે ક્યારેય વિચાર્યું ન હતું કે જિંદગી તેને આવા મૂકામે લાવી મૂકશે.અને હજુ તો એની ઉંમર પણ ક્યાં હતી આવું બધું વિચારવાની.છતાં પણ કહેવાય છે ને પરિસ્થિતિ માણસને સમય પહેલા જ જવાબદાર બનાવી દે છે.સમીરે એક ચાની લારી પર કામ શરૂ કર્યું.ચા ના વાસણ સાફ કરતો અને આખા સ્ટેશનમાં ચા લઈને ફરતો.
રાતના અઢી વાગ્યા હતા સમીરની આંખ ખુલી ગઈ હતી.તેને નીંદર આવતી ન હતી.તે બેન્ચ પર સૂતો હતો અને આકાશ સામે મીટ માંડી ને જોઈ રહ્યો હતો. ત્રણ વર્ષ વીતી ચૂક્યા હતા પરંતુ તેના પપ્પાનો કાંઈ પણ પત્તો લાગ્યો ન હતો.તે પોતાની આ ત્રણ વર્ષ દરમિયાન વીતેલી જિંદગી વિશે વિચારતો હતો.તેના કપડા સાવ મેલા ઘેલા અને ફાટી ગયા હતા. દરરોજ એ જ ચા ના માલિકની ફરિયાદ સાંભળવાની અને ક્યારેક ભૂલથી રકાબી કે કાંઈક ફૂટી ગયું તો માર પણ ખાવો પડતો.અને રાતે આમ જ બેન્ચ પર સૂવાનું પછી ભલે ને શિયાળો હોય કે ચોમાસું.
સમીર હવે થોડો મોટો થઈ ગયો હતો અને પરિસ્થિતિ સાથે એને સમજણ પણ ઝડપથી આવી ગઈ હતી.તે મહત્વાકાંક્ષી તો બાળપણથી જ હતો.સમીરે હવે ચાની લારી છોડી બીજે કામ કરવાનુ વિચાર્યુ.હવે આ જગ્યા પણ તેના માટે અજાણી રહી ન હતી. સમીરે એક હોટલમાં કામ મેળવી લીધું.આજુબાજુની ઓફિસ માં તેને ટિફિન પહોંચાડવાનું કામ કરવાનુ હતું.જમવાનું ત્યાં હોટેલમાં જ અને સુવા માટે તો તેની પાસે જગ્યા હતી જ તે રાતે સ્ટેશનમાં જઈને સૂઈ જતો.
હોટેલના માલિક ખૂબ સારા હતા અને ત્યાંનો સ્ટાફ પણ સમીર સાથે હંમેશા સારું વર્તન કરતા.સમીર પણ હતો એવો જ ક્યારેય કોઇને ફરિયાદનો મોકો આપતો નહિ. સમીર ઓફિસમાં ટિફિન દેવા જતો ત્યાં પણ બધા લોકોને સમીર ગમતો.સમીર તે બધા ઓફિસમાં કામ કરતા લોકોને જોઈને પોતાની પણ આવી ઓફિસ હોય અને તેની નીચે હજારો લોકો કામ કરતા હોય એવું સપનું જોયા કરતો.
એક ઓફિસમાં કરણ હતો.એ માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ માં કામ કરતો હતો. કરણ ને સમીર બહુ ગમતો.અને સમીરને પણ કરણ સાથે બહુ બનતું.સમીર જ્યારે નવરો હોય ત્યારે કરણ પાસે જતો અને નવું નવું જાણ્યા કરતો. કરણ ને પણ સમીરની આંખમાં નવું શીખવાની તલપ જોઈ હતી. ભલે સમીર પાસે કોઈ ડિગ્રી ન હતી. તેનું ભણતર તો કિશનગઢ ના સ્ટેશન પર પગ મૂકતાં જ છુટી ગયું હતું.પરંતુ સમીરની આવડતને કારણે અને તેની અંદર નવું શીખવાની જિજ્ઞાસાને કારણે તે બહુ જલદી બધું શીખી જતો. જ્યારે કરણ બીજી કોઈ કંપનીમાં માર્કેટિંગ માટે જતો તો સમીર પણ તેની સાથે જતો. ધીરે ધીરે સમીર હવે આ બધું શીખવા લાગ્યો હતો.
સમીર કિશનગઢના પ્લૅટફૉર્મ પર ઊભો હતો.પોતે એક કંપનીમાં કરણની મદદથી અને પોતાની આવડતથી માર્કેટિંગ કંપનીમાં કામ મેળવી લીધું હતું.આજે બે વર્ષ થઈ ગયા હતા પોતે જોબ શરૂ કરી તેના.હવે પોતે એક ભાડાના મકાનમાં રહેતો હતો.અને પોતે એક સારી જિંદગી જીવવાની શરૂઆત કરી દીધી હતી.પરંતુ હજુ પણ એક દિવસ એવો ન હતો ઊગ્યો કે સમીર આ સ્ટેશન પર પોતાના પિતાને મળવાની આશાથી ન આવ્યો હોય. હવે ધીરે ધીરે સમીર ને આ સ્ટેશનથી નફરત થવા લાગી હતી. તેની આશા હવે નિરાશામાં બદલવા લાગી હતી. તેને હવે લાગવા લાગ્યું હતું કે હવે કદાચ પોતે ક્યારેય પોતાના પિતાને નહિ મળી શકે. તેનો વિશ્વાસ પણ તૂટવા લાગ્યો હતો.સમીરે નક્કી કરી લીધું હવે એ ક્યારેય પણ કિશનગઢ ના સ્ટેશન પર પગ નહી મૂકે અને એ ઝડપથી પોતાની આંખ લૂછતો સ્ટેશન બહાર નીકળી ગયો.
સમીર હંમેશા કાંઈક નવું કરવા માંગતો.તે ખાલી આ પોતાની માર્કેટિંગ ની જોબ થી ખુશ ન હતો.તેને હજુ પણ આગળ જવું હતું.
હવે સમીરે કિશનગઢ વિશે બધી માહિતી મેળવી લીધી હતી.એ જાણતો હતો કે કિશનગઢ એ Marble city of India તરીકે જાણીતું છે. એટલે હવે સમીરની નજર મારબલ બિઝનેસ પર હતી. હવે સમીર પોતાની જોબ સિવાયના કામમાં બીઝનેસ વિશે માહિતી મેળવવા લાગ્યો અને થોડી થોડી બચત કરવા લાગ્યો. સમીરે શેર માર્કેટમાં રોકાણ કરવાનું શરૂ કરી દીધું હતું. સમીર હવે પોતાનું સપનું પૂરું કરવા તનતોડ મહેનત કરવા લાગ્યો હતો.

" The best business tycoon of the year award goes to MR.SAMIR!!!"
સમીર એવોર્ડ લઈને સ્ટેજ પર ઊભો હતો અને એંકર સમીરની કંપની વિશે માહિતી આપતા હતા. J marble ltd. એ આ વર્ષની સૌથી વધુ નફો કરતી કંપની હતી.અને સમીર એ સૌથી નાની વયનો એક સફળ બિઝનેસમેન હતો.પોતાની આવડતના દમ પર તે આ સ્થાન પર પહોંચ્યો હતો. સમીરે એવોર્ડ માટે બધાનો આભાર માન્યો.
સમીર પોતાની ઓફિસમાં બેઠો હતો.આજે હવે તેની પાસે બધું હતું.મોટો બંગલો હતો ઘરમાં નોકર કામ કરતા.તેના પાર્કિગમાં લકઝરીઅસ કાર હતી.અને પોતાનું એક સફળ બિઝનેસમેન તરીકેનું નામ હતું.પરંતુ જો તેની પાસે કાંઈ ન હતું તો એ પોતાની દુનિયા કેહવાતા તેના પિતા તેની પાસે અત્યારે તેની આ સફળતા જોવા માટે હાજર ન હતા.સમીર ઓફિસમાં રાખેલો ફોટો જોઈ રહ્યો હતો. સમીર તેના પપ્પા સાથે ગાંધીનગર ગયો હતો અને ત્યારે આ ફોટો સાથે પડાવ્યો હતો ત્યારે સમીર આઠ વર્ષનો હતો.સમીર પોતાના ભૂતકાળ માંથી બહાર આવ્યો અને બિઝનેસ સ્ટાન્ડર્ડ માં છપાયેલો તેનો લેખ વાંચી રહ્યો હતો ત્યાં તેની નજર એક બીજી ખબર પર પડી. મિ. જ્હોન કોચ કે જે જર્મનીની જ્હોન માર્બલ્સ કંપનીના માલિક હતા અને એક સફળ બિઝનેસમેન હતા.મિ.જ્હોન કોચ એ એક બિઝનેસ સમિટ માટે ભારત આવી રહ્યા હતા.
સમીર ની ઈચ્છા મિ.જ્હોન કોચ ને મળવાની હતી કારણ કે સમીર હવે જર્મનીમાં માર્બલ્સ એક્સપોર્ટ કરવા માંગતો હતો અને એક સફળ વ્યક્તિ સાથે કામ કરવા માંગતો હતો.મિ.જ્હોન કોચ એ એક સફળ બિઝનેસમેન તો હતા જ પરંતુ તે એક જીંદાદિલ વ્યક્તિ પણ હતા. તેમને ક્યારેય પણ પોતાની સફળતાનો ઘમંડ ન હતો.તે હંમેશા કાંઈક નવું કર્યા કરતા અને ચર્ચામાં રહેતા.સમીરે મિ.જ્હોન કોચ સાથે મુલાકાત કરવાનો નિર્ણય લઈ લીધો હતો અને એ માટે વ્યવસ્થા કરવાની સૂચના આપી દીધી હતી.
સમીરની મીટીંગ મિ.જ્હોન કોચ સાથે નક્કી થઈ ગઈ હતી. મિ.જ્હોન કોચ એ જયપુર જવાના હતા અને એ માટે તેમને ટ્રેનમાં જવાનું પસંદ કર્યું હતું.અને કિશનગઢ થી જયપુર પહોંચતા સુધીમાં તેમણે સમીર સાથે ટ્રેનમાં જ મીટીંગ કરવાનુ પસંદ કર્યું હતું.પોતાના સેક્રેટરી પાસેથી આ વાત સાંભળીને સમીર થોડો ઉદાસ થઈ ગયો.
કારણ કે જે સ્ટેશન પર પોતે ક્યારેય નહિ જાય એવું નક્કી કર્યું હતું એ સ્ટેશન પર તેને ફરી પગ મૂકવાનો હતો. થોડી વાર તો સમીરને મીટીંગ માટેની ના પાડવાની ઈચ્છા થઈ આવી પરંતુ પોતાની કંપનીના ઉજળા ભવિષ્ય માટે તેણે તે સ્ટેશન પર જવાનું નક્કી કરી લીધું.
આજે ફરી સમીર એ સ્ટેશન પર આવી ઊભો હતો. સમીર એકદમ ફોર્મલ કપડાંમાં હતો. તેણે થ્રી-પીસ શૂટ પહેર્યો હતો અને થોડો તડકો હતો એટલે આંખ પર ગોગલ્સ પહેર્યા હતા જે તેને વધારે સુંદર બનાવી રહ્યા હતા. સ્ટેશન પર આવતા - જતા દરેકની નજર સમીર પર આવીને અટકી જતી હતી.અચાનક જ એક ગરીબ બાળક આવીને સમીર સામે ઉભો રહી ગયો અને સમીરને એક ધ્યાને જોવા લાગ્યો. સેક્રેટરી એ તરત જ એ બાળકને ત્યાંથી દૂર જવાનું કહ્યું પરંતુ સમીરે તેને અટકાવ્યો અને પોતાના વોલેટમાંથી થોડા પૈસા આપ્યા.આ બાળકને જોતા સમીર સામે પોતાના ભૂતકાળ આવી ઊભો રહી ગયો.એક દિવસ પોતે પણ આવી જ રીતે સ્ટેશન પર ફર્યા કરતો હતો અને આવી જ જિંદગી જીવતો હતો. તેને હજુ પણ યાદ હતું કે તેની પાસે સુવા માટે સ્ટેશન ની આ બેન્ચ હતી અને માથે ખુલ્લા આકાશનો સહારો હતો. સમીરે આ સ્ટેશન પર ક્યારેય પણ પગ નહી મૂકવાનુ નક્કી કરી લીધુ હતું.પરંતુ નિયતિ એ તેણે ફરી આ જ સ્ટેશન પર લાવી ઊભો રાખી દીધો હતો. તેની જિંદગીના સૌથી ખરાબ દિવસો તેણે આ સ્ટેશન પર વિતાવ્યા હતા.
ટ્રેન સ્ટેશન પર આવી અને સમીર પોતાના ભૂતકાળ માંથી બહાર આવી પોતાના ઉજ્જવળ ભવિષ્ય તરફ પગલા માંડ્યા. ટ્રેનમાં એક્સેક્યૂટી ક્લાસમાં તેમની સીટ બુક થયેલી હતી. સમીર મિ.જ્હોન કોચ ને મળ્યો અને પોતાની સીટ પર બેઠો. ટ્રેન હવે ધીરે ધીરે સ્ટેશન છોડી રહી હતી.સમીર મિ.જ્હોન કોચ સાથે વાતો કરી રહ્યો હતો.ટ્રેનની ગતી હવે વધી ગઈ હતી પરંતુ સમીરનું ધ્યાન બારી બહાર ગયું અને તે ચોંકી ગયો.સમીર ઝડપથી ઊભો થયો અને ટ્રેન ની ચેઇન ખેંચી અને ટ્રેનને ઊભી રાખી.કોઈને કાંઈ પણ સમજમાં ન આવ્યું કે, સમીર અચાનક આ શું કરી રહ્યો હતો?
જેવી ટ્રેન ઉભી રહી કે સમીર દોડતો ટ્રેનમાંથી ઉતર્યો અને પ્લેટફોર્મ પર એક મેલા ઘેલાં અને ફાટેલા કપડાંમાં બેઠેલા ભિખારી જેવા દેખાતા માણસ પાસે આવી ઊભો રહ્યો.સમીરની આંખમાં આંસું હતા તે કાંઈક બોલવાનો પ્રયત્ન કરી રહ્યો હતો પરંતુ તેના મોઢામાંથી શબ્દ નીકળતા ન હતા.પોતાની બધી હિંમત એકઠી કરી માંડ માંડ સમીરના મોં માંથી એક શબ્દ નીકળ્યો,
" પપ્પા.......!!!!!"
પોતાના પપ્પાને આમ કેટલા વર્ષો પછી જોઈ સમીરની ભાવના નો બંધ તૂટી ગયો અને એ નાના બાળક જેમ ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યો.પોતાના પપ્પાની આવી હાલત જોઈ સમીરને પોતાની પર ગુસ્સો આવવા લાગ્યો.
સામે બેઠેલ ભિખારી જેવો માણસ અચાનક થયેલ આ પ્રતિક્રિયા થી તો થોડી વાર ડરી ગયો એને કાંઈ સમજ માં નહોતું આવતું કે, તેની સામે બેસી રડતો આ યુવક કોણ હતો?
" પપ્પા!! પપ્પા!! હું.....હું....તમારો....સમીર..!" સમીર તૂટક તૂટક શબ્દો બોલતો હતો અને તેની આંખમાંથી સતત આંસુ વેહતા હતા.
"સમીર.....તુ..સમીર...." પેલા વ્યક્તિએ હાથ ઊંચો કરી સમીર સામે આંગળી ચીંધતા કહ્યું.
સમીરને કાંઈક યાદ આવતા ફટાફટ પોતાના વૉલેટ માંથી તેના પિતા સાથેની તેની બાળપણની તસવીર કાઢી અને સામે બેઠેલા તેના પપ્પાને દેખાડી.
" સમીર તુ તો મારો નાનકડો સમીર છે, બેટા!!!!" એ ભિખારી જેવા દેખાતા જયેશભાઈ એ સમીરના હાથમાંથી ફોટો લઈ ફોટામાં રહેલા નાનકડા સમીર પર હાથ ફેરવતા કહ્યું.
" હા પપ્પા, હું તમારો એ જ નાનકડો સમીર છું." પોતાના પપ્પાને ભેટતા સમીરે કહ્યું.
" મારો દીકરો કેવડો મોટો થઈ ગયો છે અને સાથે બહુ મોટો માણસ પણ થઈ ગયો હોય એવું લાગે છે." જયેશભાઈ એ સમીરના માથે હાથ ફેરવતા કહ્યું.
" પણ પપ્પા તમે આવી હાલતમાં ? અને તે દિવસે તમે મને છોડીને ક્યાં ચાલ્યા ગયા હતા ? હું કેટલું રડ્યો હતો ત્યારે!!" સમીર ફરી નાના બાળક જેમ રડી પડ્યો.
જયેશભાઈ એ દૂર આકાશમાં નજર કરી તે દિવસ યાદ કરતા કહ્યું,
" તે દિવસે અજમેર સ્ટેશન પર ટ્રેન ઊભી રહી એટલે હું પાણીની બોટલ ભરવા નીચે ઉતર્યો. રાતના દોઢ વાગ્યાનો સમય હતો એટલે પ્લેટફોર્મ પર ખાસ કોઈ માણસો ન હતા.મે જોયુ તો દૂર મારી બાજુમાં જે ભાઈ બેઠા હતા તેમને ઘેરીને ચાર પાંચ માણસો ઊભા હતા અને તેની સાથે કાંઈક બોલાચાલી કરતા હોય તેવું લાગ્યું.અચાનક જ તેમાંથી એક વ્યક્તિએ ચાકુ કાઢ્યું અને પેલા ભાઈને ડરાવવાની કોશિશ કરવા લાગ્યા.તેમના વચ્ચે ઝપાઝપી શરૂ થઈ એમાં પેલા ભાઈને ગળા પર ચાકુ વાગ્યું અને તે ત્યાં જ ઢળી પડ્યા.હું તેમને બચાવવા માટે ઝડપથી ત્યાં ગયો પરંતુ પેલા લુટેરા ને લાગ્યું કે હું તેમની માહિતી પોલીસને આપી તેમને જેલમાં પુરાવી દઈશ એટલે તે લોકો એ મને પકડી લીધો અને તેમની સાથે લઈ ગયા."
આટલું બોલતા તો જયેશભાઈ હાંફી ગયા.સમીરે તેના પપ્પાને પાણી આપ્યું અને તેમની પીઠ પાછળ હાથ ફેરવવા લાગ્યો.
" પપ્પા! પેલા ઘરે ચાલો પછી બીજી બધી વાત કરીશું" સમીરે ચિંતાના સ્વરમાં કહ્યું.
"ના,બેટા! મારે આ ભયાનક ભૂતકાળને ઘરે ભેગો નથી લઈ જવો.આ ભૂતકાળને અહી છોડીને જ તારા નવા ઘરમાં જવું છે."
જયેશભાઈ એ પોતાના દુઃખદ ભૂતકાળને યાદ કરતા પોતાની વાત આગળ ધપાવતા કહ્યું,
" તે લુટેરા ઓ મને એક નિર્જન જગ્યાએ લઈ ગયા અને મને ત્યાં બાંધી દીધો અને મને ત્યાં એકલો છોડીને ચાલ્યા ગયા.મારા મોં પર પણ રૂમાલ બાંધેલો હતો એટલે હું મદદ માટે પણ કોઈને બોલાવી શકુ તેમ નહોતો. હું ભૂખ્યો તરસ્યો ત્યાં બંધાયેલો હતો ત્યાં કોઈ પણ વ્યક્તિ આવે એવું પણ ન હતું કે જેથી હું તેમને મદદ માટે કહી શકું.અને સાથે મને તારી પણ ચિંતા સતાવતી હતી તુ કઈ હાલતમાં હશુ? હું ત્યાંથી છૂટવા અને તારી પાસે આવવા મરણિયા પ્રયાસ કરવા લાગ્યો પરંતુ ભૂખ અને પાણી ન મળવાને કારણે મારી હાલત સાવ ખરાબ થઈ ગઈ હતી અને હું ત્યાં જ બેભાન થઈને પડી ગયો હતો.
જ્યારે આંખ ખુલી ત્યારે હું અજમેરની એક સરકારી હોસ્પિટલમાં હતો. ડૉ.એ જણાવ્યું કે છેલ્લા છ મહિનાથી હું બેભાન અવસ્થામાં જ અહી હોસ્પિટલમાં પડ્યો હતો. કેટલા દિવસ સતત ભૂખ્યા તરસ્યા રેહવાને કારણે મારા મગજના કોષો સંકોચાઈ ગયાં હતાં અને તેથી હું પથારી માંથી ઉઠી કાંઈ પણ કામ કરવા માટે સશક્ત નહતો. મારા પુરા શરીરમાં નબળાઈ આવી ગઈ હતી.બીજા છ મહિના મે તે હોસ્પિટલમાં વિતાવ્યા અને પછી હું સ્વસ્થ થઈ હોસ્પિટલમાંથી બહાર આવ્યો.
મારી પાસે ખાવા માટે પૈસા પણ નહતા તેથી મે પેહલા તો ક્યાંક કામ કરવાનુ નક્કી કર્યું.મે વિચાર્યુ હું થોડા પૈસા ભેગા કરી લવ જેથી હું કોઈ પણ જગ્યા એ જઈને તારી શોધખોળ કરી શકું.મે એક ઓઇલ મિલમાં કામ કરવાનુ શરૂ કર્યું.પરંતુ ત્યારે મારું નસીબ જ ખરાબ હતું.મારા નસીબમાં તને મળવાનું લખ્યું જ નહતું. એક દિવસ મિલ માલિકના પાંચ લાખ રૂપિયાની ચોરી થઈ અને એ રૂપિયા હું સૂતો હતો ત્યાંથી નીકળ્યા માલિકને લાગ્યું ચોરી મે કરી છે એટલે પોલીસને બોલાવી મને પકડાવી દીધો મે એમને સમજાવવાની ઘણી કોશિશ કરી તેમને કેમેરા ચેક કરવાનુ કહ્યું પરંતુ જ્યારે નસીબ જ ખરાબ હોય ત્યારે ભગવાન પણ સાથ નથી આપતા તે દિવસ પાવર ઓફ હોવાને લીધે કેમેરા બંધ હતા અને ચોરીના આરોપમાં મને પાંચ વર્ષની જેલ થઈ ગઈ."
સમીર તેના પપ્પા કાંઈક કેહવા જતો હતો પરંતુ જયેશભાઈ એ તેને અટકાવી વાત આગળ શરૂ કરી .જયેશભાઈ એ નક્કી કરી જ લીધું હતું કે અત્યારે જ એ પોતાની નર્ક સમી જિંદગીની કહાની અહી પૂરી કરી પોતાના દીકરા સાથે નવી જિંદગી શરૂ કરશે.
" જેલમાંથી બહાર આવ્યો ત્યારે મારા માથાના વાળ અને દાઢી વધી ગયા હતા હું પોતે સાવ નિસ્તેજ થઈ ગયો હતો.કોઈ મને કામ પર પણ રાખવા તૈયાર નહતું.હું અજમેરના સ્ટેશન પર પાછો આવ્યો અને ત્યાં પ્લેટફોર્મ પર આંટા મારતો કોઈ કાંઈક વધેલું ઘટેલું આપે કે ફેંકી દે તો એ લઈને ખાઈ લેતા.કેટલા દિવસો સુધી તારી રાહ અજમેરના સ્ટેશન પર જોઈ પણ તારી એ સ્ટેશન પર કાંઈ ભાળ ન મળી એટલે મેં કિશનગઢ આવવાનુ નક્કી કર્યું મને લાગતું હતું તુ મને અહીં ચોક્કસ મળી જઈશ.અને અહી કિશનગઢ આવી આવી રીતે મારી જિંદગી વિતાવવા લાગ્યો."
જયેશભાઈ એ ઊંડો શ્વાસ લીધો અને પોતાની વાત પૂરી કરી તેમની આંખમાં આંસું હતા અને સમીર તો પોતાની પપ્પાની હાલતની વાત સાંભળીને પોતાના આંસુ રોકી જ શક્યો નહતો.એ પોતાના પપ્પા સામે જોઈ સતત રડતો હતો.
" બેટા, હજુ તારે મને આવી જ હાલતમાં રાખવાનો વિચાર છે કે શું? જે થયું એ બધું ભૂલી જા અને હવે હું વધારે સમય આ જગ્યા પર રહેવા નથી માંગતો." જયેશભાઈ એ સમીરના આંસું લૂછતાં કહ્યું.
સમીરે તેના પપ્પાને ત્યાંથી ઊભા કર્યા અને પોતાનું બ્લેઝર કાઢી તેના પપ્પાના ફાટેલા શર્ટ પર પહેરાવી દીધું.જેમ નાનું બાળક પોતાના પપ્પાની આંગળી પકડી ચાલતું હોય એમ સમીર પોતાના પપ્પાનો હાથ પકડી ચાલવા લાગ્યો.
સમીરે પોતાના પપ્પાને પોતાની લકઝરિઅસ કાર માં બેસાડ્યા.
જે કિશનગઢ એ બન્ને બાપ દીકરાની જિંદગી બદલી નાખી હતી અને આજ સુધી તેઓ એકબીજાથી દૂર રહ્યા હતા તેઓ આજે ફરી તે જ કિશનગઢના રેલવે સ્ટેશન પર ભેગા થયા હતા અને સમીર હવે ત્યાં વધુ વાર ઊભો રહેવા માંગતો નહતો.
સમીરે પોતાની કાર શરૂ કરી અને તેની ગાડી કિશનગઢ રેલ્વે સ્ટેશન ને છોડી દૂર નીકળી ગઈ હતી............................!!!!!!