અતુટ સંબંધ Minal Vegad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

અતુટ સંબંધ

ઘરમાં ચારેતરફ સન્નાટો છવાયેલો હતો.સવારના દસ વાગી ગયા હતા, છતાં પણ ઘરમાં કંઈ ચહેલપહેલ જોવા મળી રહી ન હોતી.કોઈ પોતાની રૂમમાંથી બહાર નીકળ્યું ન હોતું.અથવા નીકળવા માંગતું ન હોતું.બધા પોતાની રીતે પરિસ્થતીનો સામનો કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.

આ એ જ ઘર હતું જ્યાં બે અઠવાડિયાથી લોકો ઘરને સાફસફાઈ કરવાામાં અને વ્યવસ્થિત સુંદર બનાવવાામાં લાગી પડયા હતાં. બધાયે ભેગા મળીને જાણે ઘરનો નકશો જ બદલી નાખ્યો હતો અને આ બધુંં કરવા પાછળનું મુખ્ય કારણ હતું.
સિદ્ધાર્થ...............સિદ્ધાર્થ પટેલ!!!!!!

સિદ્ધાર્થ સાત વર્ષ પછી સિંગાપોરથી ભારત પાછો આવી રહ્યો હતો આટલા વર્ષની મહેેેેનત અને તેની કુુુશળ કાર્યક્ષતાને કારણે છેવટે તે ત્યાં પહોંચી ગયો જ્યાં પહોચવાનું તે હંમેેેશાં સ્વપ્ન જોતો હતો.સિદ્ધાર્થએ તેની ડ્રીમ કંપનીમાં મેનજર ની પદવી મેળવી લીધી હતી.અને એક મહિના પછી તેને તે કંપનીમાં કામ શરૂ કરવાનું હતું.આથી સિદ્ધાર્થ આ એક મહિનાનું વેકેશન પોતાના પરિવાર સાથે વિતાવવા માંગતો હતો અને પોતાની ખુશી બધા સાથે વહેંચવા ઉત્સુક હતો.

અને આજે આખરે એ ખુશીનો દિવસ આવી ગયો હતો.સાંજે પાંચ વાગ્યે સિદ્ધાર્થ અમદાવાદ પહોંચવાનો હતો. છતાં ઘરમાં સન્નાટો.....................!!!!!!!!!!!!!

આ સન્નાટા પાછળનું મુખ્ય કારણ હતું ગઇકાલ સાંજે આવેલ ડૉ.ધ્રુવનો ફોન.

સિદ્ધાર્થના આવવાની ખુશીમાં ચાલી રહેલી તૈયારીમાં અચાનક જ રિયા બેભાન થઈ ગઈ હતી.તેને હોસ્પિટલ લઈ જઈ બધી તપાસ કરાવી હતી અને બે દિવસ પછી રીપોર્ટ આવવાનો હતો.અને આ રિપોર્ટ ની માહિતી આપવા માટે જ ડૉ.ધ્રુવનો ફોન હતો.ડૉ.ધ્રુવ એમબીબીએસ હતા.અને સાથે સાથે મિ.ભાવેશ પટેલના સારા એવા મિત્ર પણ હતા.

ડૉ.ધ્રુવ એ કહ્યું હતું કે રિયા હવે વધારે દિવસની મહેમાન નથી.તે એક રેર જીનેટીકલ ડિસઓર્ડર થી પીડાય રહી છે.મેડિકલ ભાષામાં કહીએ તો પલ્મોનરી ફાઇબ્રોસિસ અને આનો કોઈ ઉપાય પણ નથી. આ વાત થઈ ત્યારે રિયા પણ ત્યાં હતી.અને તે આ બધું ના સમજી શકે એટલી નાની પણ ન હતી.

બધાયની આંખો વહી રહી હતી.રિયા પણ રડતી હતી.પણ અચાનક તેને ભાઈ યાદ આવતા ચૂપ થઇ ગઇ અને એકદમ સ્વસ્થ થઈ ને બધાને સાંત્વના આપવાની કોશિશ કરી રહી હતી.

" અરે!! મમ્મી-પપ્પા અને મારી પ્યારી દાદી આ બધું શું લગાવી રાખ્યું છે તમે બધાયે? જો કાલે ભાઈ આવવાનો છે! મારે કાંઈ ખોટી ધમાલ ન જોઈએ. ભાઈ બિચારો કેટલા વર્ષો પછી ઘરે આવે છે.તમારા બધાના આવા રોતલા ચેહરા જોઈ બિચારો બારણે થી જ પાછો જતો રહેશે."ખોટો હસવાનો પ્રયત્ન કરીને બોલતી હતી.

" મમ્મી, મહેરબાની કરીને તમે બંધ કરશો હવે આ રોવ-ધોવાનુ;"
" પપ્પા! યાર તમે તો કંઇક સમજાવો આ મમ્મીને અને દાદીને."

પપ્પા તો પોતાની આ પરીને જોઈ જ રહ્યા હતા.એ શું બોલે? જે લાડકવાયી ને એમણે હથેળીમાં રાખી મોટી કરી હતી, એ હવે થોડા મહિનામાં આ દુનિયા છોડી જવાની હતી. જે બાપ પોતાની દીકરીની લગ્ન વિદાય પણ માંડ સહન કરી શકતો હોય એ પોતાની દીકરીને આ દુનિયામાંથી વિદાય દેવાની વાત કેમ કરી સહન કરી શકે ?

રિયા અચાનક ગંભીર થઈ ગઈ અને કહેવા લાગી, " મમ્મી, હું મારી આટલી જિંદગી થી ખુશ છું. મે આટલા સરસ પરિવારમાં જન્મ લીધો.તમે બધાયે હંમેશા મારી બધી જરૂરિયાત પૂરી કરી છે,એ ચાહે વ્યાજબી હોય કે ના હોય."
તો પછી મારી આ છેલ્લી ઈચ્છા પૂરી કરવામાં પણ મને મદદરૂપ થશો ને ??

" હા, બેટા ! કેમ નહિ ? અમે તો તારી બધી ઈચ્છા પૂરી કરીશું! બોલ બેટા, શું જોઈએ છે તારે ?" પપ્પાએ પોતાના આંસુ લૂછતાં કહ્યું.

"ભાઈની ખુશી. મારે ભાઈની ખુશી જોઈએ છે.એને જો આ બધી ખબર પડશે તો, તે મારી ચિંતામાં તેની બધી ખુશીનું બલિદાન આપી દેશે.

મમ્મી! એ આટલા વર્ષો પછી આવે છે, અને કેટલા સમય પછી આપણે બધા ભેગા થવાના છીએ.
તો હું મારા આ છેલ્લા દિવસો બધાની સાથે ખુશીથી જીવવા માંગુ છું. તો મહેરબાની કરીને ભાઈને કાંઈ પણ મારા વિશે ખબર ના પડવી જોઈએ.
શું તમે મને આટલો સાથ પણ નહિ આપો?, મારી જિંદગીના અંતિમ દિવસોમાં." રિયાની આંખો પણ સતત વહી રહી હતી.


"અરે!!! દર્શિતા, જમવાનુ કાઢ હવે , અહીં પેટમાં ઉંદરડા દોડવા લાગ્યા છે.અને તુ ભાવેશ , અહીં શું બેઠો છે મોઢું લટકાવીને?, ઊભો થા ચાલ જમવા!!"
" લાડુ બેટા ! ચાલ જમી લઈએ દીકરા!!" દાદીએ રિયાના માથે હાથ ફેરવતા કહ્યું.

જમતાં જમતાં દાદીએ કહ્યું," દીકરા તુ જરાય ચિંતા ન કરતી, તુ હવે જેમ કહીશ એમ જ થશે આ ઘરમાં."

જમીને બધા પોતાના રૂમમાં ગયા.પણ જેની દીકરી થોડા સમય પછી ગાઢ નિંદ્રામાં સૂવાની હોય એ માતા-પિતાને નીંદર ક્યાંથી
આવે ??

રિયા પણ પોતાના રૂમમાં સૂતી સૂતી પોતાની જિંદગીના વિતેલા દિવસો યાદ કરી રહી હતી અને તેણે નિશ્ચય કરી લીધો હતો.હવે બાકી રહેલા દિવસો એ પોતાના ભાઈ સાથે મન ભરીને માણી લેશે.આ જ એની છેલ્લી ખ્વાહિશ હતી !!

આજે પાંચ વાગ્યે સિદ્ધાર્થ અમદાવાદ પહોંચવાનો હતો.બધા પોતપોતાના રૂમમાં જ હતા.કોઈ બહાર આવ્યું ન હતું.

રિયાની અચાનક આંખ ખુલી ગઈ. એને ઘડિયાળમાં જોયું તો દસ વાગી ચુક્યા હતા. રાત્રે મોડે સુધી નીંદર ન આવવાને કારણે સવારમાં એ વહેલી ઉઠી શકી ન હતી.

રિયા પોતાના રૂમમાંથી બહાર આવી તો ચારેતરફ સન્નાટો હતો. તે પરિસ્થિતિ સમજી ગઈ. તે પોતાના રૂમમાં પાછી ગઇ અને તૈયાર થઈને નીચે આવી અને ડોરબેલ વાગતા તેણે દરવાજો ખોલ્યો તો,
" અરે ભાઈ!! તુ અત્યારમાં આવી ગયો!! મારો પ્યારો ભાઈ !!! આઈ લવ યુ ભાઈ!!!" રિયા જોરથી બોલવા લાગી.

દર્શિતાબેન, ભાવેશભાઈ અને દાદી દોડતા પોતાના રૂમમાંથી બહાર આવ્યા અને જોયું તો બારણે કોઈ ન હતું.રિયા ઊભી ઊભી બધા સામે જોય હસતી હતી.

"ચલો, આ ઉપરથી એક વાત તો સાબિત થઈ ગઈ કે તમને કોઈને હું તો વ્હાલી નથી. બધાને તો એમનો લાડકવાયો પુત્ર જ વ્હાલો છે". રિયા મોઢું ચડાવી બોલવા લાગી.

દર્શિતાબેન રડમસ અવાજે બોલવા લાગ્યા, " બેટા! મારે તો બન્ને આંખ સરખી. તુ પણ મને એટલી જ વ્હાલી છે !"

આ સાંભળી રિયા હસવા લાગી અને બોલી, "મારી પ્યારી! રોતલ મમ્મી, મને ખબર જ છે!!"

પણ ઉંદરને દરમાંથી બહાર કાઢવા માટે મારે આવું કાંઇક કરવું પડ્યું. અને બધાના ચેહરા પર હાસ્ય આવી ગયું.
દર્શિતાબેન તો એકીટસે રિયાને જોઈ જ રહ્યાં.

" અરે મમ્મી!! તમારે તમારા લાડકવાયા છોકરાને ભૂખ્યા જ રાખવાનો વિચાર લાગે. તેને પહોંચવામાં હવે વધારે સમય નથી અને તેની પસંદગીની વાનગી બનાવવાની બધી બાકી છે, તો હવે આપણે એ કરવું જોઈએ." રિયા મમ્મીનો હાથ પકડીને રસોડામાં દોરી ગઈ.

છ વાગી ગયા હતા.સિદ્ધાર્થએ ના પાડી હતી એટલે તેને એરપોર્ટ લેવા જવાનું ન હતું. બધા તેની રાહ જોઈને દરવાજે જ ઉભા હતા.કારણ કે તે હવે ઘરે પહોચવામાં જ હતો.

ત્યાં જ ઘરની બહાર કેબ આવીને ઊભી રહી.સિદ્ધાર્થ નીચે ઉતર્યો. બધો સામાન ત્યાં જ રાખી એ પેહલા મમ્મ-પપ્પા અને દાદીને પગે લાગ્યો.

દર્શિતાબેન તો મટકું મારવાનુ ભૂલી ગયા હતા.સાત વર્ષ પછી તેમણે પોતાના દીકરાને સરખો જોયો .

"મમ્મી! શું વિચારી રહી છે?" સિદ્ધાર્થએ તેને ઢંઢોળતા કહ્યું.

હું વિચારું છું કે...........

"કેટલો દૂબળો પાતળો થઈ ગયો છે મારો દીકરો! ત્યાં સરખું જમવાનું જ નહિ મળતું હોય. આખો દિવસ કામમાં સરખું જમતો પણ નહિ હોય." એમ જ ને મમ્મી?
રિયાની આ વાત સાંભળી બધા ત્યાં હસવા લાગ્યા.

" મમ્મી, હવે આ ચિબાવલી બહુ બોલવા લાગી છે.તમને નથી લાગતું હવે આપણે આને આપડા ઘરેથી ઉડાડી દેવી જોઈએ?" સિદ્ધાર્થએ રિયાની મજાક કરતા કહ્યું.

પણ ત્રણેય માંથી એકયે સિદ્ધાર્થની આ મજાક નો કાંઈ જવાબ ન આપ્યો.

બિચારા સિદ્ધાર્થ ને ક્યાં ખબર હતી જેને તે મજાકમાં ઉડાડવાનું કહી રહ્યો હતો એ પક્ષી સાચે જ આ દુનિયા છોડી ઉડી જવાનું હતું.

કોઈની કાંઈ પ્રતિક્રિયા મળી નહિ એટલે સિદ્ધાર્થ બોલવા જતો હતો એ પેહલા જ રિયા બોલી,
" ભાઈ, આમાંથી મારી કંઈ બેગ છે?, એટલે એ હું લઈ લવ. બાકી બીજી બેગનું તમારે જે કરવું હોય એ."

" આ બધી બેગ તારે જ અંદર લઈ આવની છે, અને આ માંથી એક પણ બેગમાં તારે માટે કાંઈ નથી." સિદ્ધાર્થએ ઠેંગો બતાવતા કહ્યું.

" ચાલ, બેટા તું નાહી ધોઈને ફ્રેશ થઈ જા, ત્યાં સુધીમાં હું જમવાની તૈયારી કરી નાખું." મમ્મી એ કહ્યું.

સિદ્ધાર્થ તૈયાર થઈ અરીસા સામે ઉભો હતો અને વિચારતો હતો, કેમ આ બધાના ચેહરા પર મારે જોઈએ અને મે વિચાર્યુ તુ એવી ખુશી દેખાતી નથી ? ખબર નહિ પણ.............

" અરે ! અરે ! ભાઈ, કોના વિચારમાં ખોવાયેલા છો ? આમ અરીસા સામે ઊભા ઊભા હેં!! ઓ.......... પેલી દસમાવાલી પાયલ......?" રિયાએ સિદ્ધાર્થની મજાક કરતા કહ્યું.અને સિદ્ધાર્થની વિચાર તંદ્રા ત્યાં જ તૂટી ગઈ.

" ચાલ, જમવા હવે મને ભૂખ લાગી છે. પાયલવાળી!" સિદ્ધાર્થએ રિયાનો કાન પકડતા કહ્યું.

બધા જમીને બેઠા. સિદ્ધાર્થ આ વેકેશન દરમિયાન પરિવાર સાથે બહાર ફરવા જવાનું વિચારતો હતો. તેણે બધાને આ વિશે કહ્યું.

" આપણે અઠવાડિયા પછી જઈએ તો મારે ઓફિસ નું થોડું કામ છે એ પૂરું થઈ જાય." પપ્પા એ કહ્યું.

" હા! પપ્પા, મારે પણ અસાઇમેન્ટ છે, હું પણ એ પૂરા કરી લઉં.પછી મારે પણ વેકેશન છે." રિયા ખુશ થતાં બોલી.

દર્શિતાબેન દાદી સામે જોઈને હસતા હસતા કહેવા લાગ્યા, " અમે તો તમે જ્યારે કહો ત્યારે ત્યાર જ હોવાના!"
" અમે લોકો એટલે ? " દાદીએ દર્શિતાબેન સામે જોઈને કહ્યું.
" તમે અને હું " દર્શિતાબેન.
" હવે, આ ઘડપણમાં મને ફરવા જતાં ન શોભે. તમે બધા જજો.હું ઘરે રહીશ." દાદીએ કહ્યું.
" તો અમારે પણ નથી જવું." રિયા અને સિદ્ધાર્થ એકસાથે બોલી ઉઠ્યા.
" સારું! સારું! આમ પણ તમે મારું કાંઈ માનવાના તો નથી જ.તમારે જે કરવું જે કરવું હોય એ જ કરશો."

બધા ખુશ થઈ ગયા.

"સારું, તમે અઠવાડિયામાં તમારું કામ પૂરું કરી લ્યો, અને હું પણ મારા બધા જૂના મિત્રોને મળી લઉં." સિદ્ધાર્થ બોલ્યો.

" હા, ભાઈ પેલા દસમાવાળાને ને??????" રિયા સિદ્ધાર્થને ખીજવતા બોલી. અને સિદ્ધાર્થ તેને મારવા તેની પાછળ દોડ્યો.બન્ને ઘરમાં દોડાદોડી કરવા લાગ્યા.

દર્શિતાબેન અને ભાવેશભાઈ વિચારવા લાગ્યા. થોડા સમય પછી આ દોડાદોડી,મજાક મસ્તી, આ ધમાલ કાંઈ નઈ હોય. એક સ્મશાન જેવી શાંતિ આખા ઘરમાં ફેલાય ગઈ હશે.કેવી રીતે તેઓ આ પરિસ્થિતિનો સામનો કરી શક્શે?

આ અઠવાડિયા દરમિયાન રિયાને તેનું અસાઈનમેન્ટ પૂરું કરવાનુ
હતું. તે મોડી રાત સુધી જાગતી અને તેના રૂમમાં તેનું કામ કર્યા કરતી. ભાવેશભાઈ પણ પોતાની ઓફિસનું કામ પૂરું કરવામા
પડયા હતા.

બધાયે ફરવા માટે સાઉથ ઇન્ડિયા પસંદ કર્યું હતું.તેઓ આખા પરિવાર સાથે કેટલા સમય પછી ફરવા ગયા હતા. બધા બહુ જ ખુશ હતા. રિયા તો જાણે જિંદગીની આ છેલ્લી પળો પરિવાર સાથે જીવી જ લેવા માંગતી હતી.
તેઓ કેરલ, ઉટી, પોંડિચેરી, કન્યાકુમારી, હમ્પી, તિરુપતિ, મદુરાઇ, રામેશ્વર, કોચી, મહાબલીપુરમ, હૈદરાબાદ. સાઉથના લગભગ બધા જ સ્થળની મજા માણી લીધી હતી.અને હવે તેઓ ઘરે પાછા જવાના હતા.

હવે સિદ્ધાર્થને પણ સિંગાપોર જવામાં થોડા જ દિવસ બાકી રહ્યા હતા. તે પોતાની નવી કંપની માં જોડાવા માટે ખૂબ જ ઉત્સાહિત હતો.કારણ કે જેના માટે તેણે રાતદિવસ મહેનત કરી હતી એ હવે થોડા દિવસમાં જ ત્યાં કામ કરતો હશે. આટલો વિચાર જ એને ખુશ કરી દેતો હતો.

તે રિયાને તેની કંપની તેના કામ વિશે વાત કરતો હતો અને પોતાની કેટલી બધી જવાબદારી હશે કંપનીમાં એ બધું જણાવતો હતો , પણ રિયાનું ધ્યાન તો પોતાના વહાલસોયા ભાઈ ની વાત પર ક્યાં હતું ? એ વિચારતી હતી જ્યારે ભાઈને મારા વિશે ખબર પડશે ત્યારે, તેની આંખમાં આ ચમકની જગ્યા આંસુ લઈ લેશે.
ખબર નહિ પણ રિયાને આજે કાંઇક અજીબ બેચેની થઈ રહી હતી. તેને લાગતું હતું બસ હવે તેની સમય લગભગ પૂરો થઈ રહ્યો છે , આ ધરતી પર... ત્યાં અચાનક સિદ્ધાર્થ એ તેને હચમચાવી,
" તને કાંઈ સંભળાય છે? હું તને પૂછું છુ?"

" હં..... શું ભાઈ??" રિયા સવસ્થ થતાં બોલી.

" આ જન્મદિવસ પર તારે શું જોઈએ છે ? હું થોડા દિવસમાં સિંગાપોર જતો રહીશ, પછી તું નવું નાટક કરીશ. ભાઈ, મને કાંઈ લાવી નથી આપતો એટલે તારે જે જોઈએ એ મને અત્યારે જ કહી દેજે."

" મારે કાંઈ નથી જોઈતું, ભાઈ! તુ જ તો છે મારી સૌથી મોટી ગિફ્ટ. તુ હંમેશાં ખુશ રહે અને બધાને ખુશ રાખે એના સિવાય મારે શું જોઈએ ?" રિયા ઊંડો શ્વાસ લેતા બોલી.

સિદ્ધાર્થએ તેનો હાથ કપાળ પર અડાડતા કહ્યું,
" તબિયત તો સારી છે ને તારી ?? આ તુ જ બોલે છે કે બીજુ કોઈ?રિયા.........રિયાને કાંઈ ગિફ્ટ નથી જોઇતી?" સિદ્ધાર્થ પોતાના ભવાં ઊંચા કર્યા અને આશ્ચર્ય થયું હોય એવું નાટક કરતા હસવા લાગ્યો.

" સારું, તો હું વિચારીને કહીશ મારે શું જોઈએ છે એ ?" રિયાએ ઊભા થતા કહ્યું.

મારે અત્યારે થોડીવાર સુઈ જવું છે. થોડું માથું દુઃખે છે.આરામ કરી લઉં.


રિયા પોતાના રૂમમાં આવી અને સૂતી. તેને અચાનક પોતાનું બાળપણ યાદ આવવા લાગ્યા અને વિતેલા દિવસો એની નજર સમક્ષ દેખાવા લાગ્યા. જાણે પોતાનું બાળપણ ફરી જીવતી હોય એવું લાગ્યું. એ પોતાના વિતેલા દિવસોમાં જાણે ખોવાય ગઈ. થોડીવાર હસતી તો થોડીવારમાં ચૂપચાપ થઈ જતી, ક્યારેક એની આંખમાંથી આંસુ પણ વહી જતા.

રિયા......રિયા........રિયા.....એને દૂર દૂરથી કોઈક બોલાવતું હોય એવો ભાસ થયો અને અચાનક તંદ્રામાંથી બહાર આવી ત્યારે એને ખ્યાલ આવ્યો, નીચેથી એના મમ્મી જમવા માટે બૂમ પાડી રહ્યા હતા.

એ ઊભી થઈ અને રૂમની બહાર નીકળી.તે પગથિયાં ઉતરતી હતી ત્યાં અચાનક તેને ચક્કર આવ્યા અને દાદરા પરથી ગબડી પડી.
જ્યારે રિયાની આંખ ખુલી ત્યારે હોસ્પિટલ માં હતી. તેનું માથું ભારે થઈ ગયું હતું.તેને પોતાના હાથ-પગ હલાવવામાં તકલીફ થઇ રહી હતી. રિયા ઊભા થવાનો પ્રયત્ન કરતી હતી ત્યાં નર્સ આવી ગઈ અને રિયાને સુઈ રેહવાનો જ ઈછારો કર્યો. નર્સે જઈ ડોક્ટર ને રીયાના ભાનમાં આવવાની સૂચના આપી.

સિદ્ધાર્થ હવે બધી વાત જાણી ચુક્યો હતો. અને તે આ વાત માનવા તૈયાર જ ન હતો. તે મનમાં બોલતો હતો, " રિયા મને છોડીને જઈ જ ના શકે. બાળપણમાં પણ જે ભાઈની આંગળી પકડ્યા વગર બહાર નીકળતી ન હતી. અત્યારે એ આટલી મોટી સફરે એકલી કેવી રીતે જઈ શકે?"

ડૉ.ધ્રુવ આવ્યા અને સિદ્ધાર્થ તથા બધાને સાંત્વના આપતા કહ્યું, " રિયા ભાનમાં આવી ગઈ છે, હવે તેની પાસે થોડો જ સમય બાકી છે. તમે તેને મળી શકો છો."

બધાય રિયા પાસે પહોચ્યા અને તેને એકીટસે જોઈ રહ્યા. રિયાએ બધા પર એક નજર નાખી અને એના મોઢા પર સ્મિત આવી ગયું. એ બોલવાનો પ્રયત્ન કરતી હતી પણ તેમ કરવામાં તેને પીડા થતી હતી એ તેના મોઢા પરથી લાગતું હતું.

બધા તેની આજુબાજુ ગોઠવાઈ ગયા. દર્શિતાબેન રિયાના માથે હાથ ફેરવતા હતા. રિયા નો એક હાથ ભાવેશભાઈ પકડીને બેઠા હતા અને બીજી બાજુ સિદ્ધાર્થ એક હાથ પોતાના બન્ને હાથમાં લઈને બેઠો હતો.એ તો એવી રીતે બેઠો હતો ગમે તે થાય પણ તે રિયા નો હાથ તો છોડશે જ નહી. બધાની આંખો વહી રહી હતી. દાદી તો જાણે શૂન્ય મયસ્ક થઈ ભગવાનને ફરિયાદ કરતા હોય એવું લાગતું હતું.


અચાનક જ રિયા બોલી, " હું અહીં છું. રિયા અહીં છે."
બધા અવાચક થઈ જોઈ રહ્યા. રિયા શું બોલી રહી હતી, કોઈને કાંઈ સમજાતું ન હતું."

" મમ્મી, એ લોકો મારા નામની બૂમો પાડે છે. મને બોલાવે છે. મને લેવા માટે આવ્યા હોય એવું લાગે છે. કદાચ મારે હવે જવું પડશે." રિયા ઊંડા શ્વાસ લેતા બોલી.

તેનો શ્વાસ ફૂલાવા લાગ્યો હતો. આંખોના ડોળા ઉપર ચડવા લાગ્યા હતા. શ્વાસ લેવામાં તકલીફ થતી હોય એવું લાગતું હતું. પીડાથી કણસતા અવાજમાં રિયા બોલી,
" મને હવે બહુ નીંદર આવતી હોય એવું લાગે છે, કદાચ હવે ક્યારેય નહિ ઉઠી શકું."
આટલું બોલતા તો રિયાની આંખો બંધ થઈ ગઈ અને તે સાચે જ ગાઢ નિંદ્રામાં સુઈ ગઈ હતી.


કોઈને કાંઈ સમજમાં ન આવ્યું અને બધા એકબીજાને જોતા રહ્યા. ડોકટરે આવી રિયાની પલ્સ ચેક કરી અને તેના મોઢા પર ચાદર ઓઢાડી દીધી. ભાવેશભાઈ ના ખભા પર હાથ મૂકતા કહ્યું,
" આઈ એમ સોરી ભાવેશ!! શી ઇઝ નો મોર!!"


આ બધું થયાના પાંચ દિવસ થઈ ગયા હતા. ઘરમાં એકદમ સૂનકાર વ્યાપી ગયો હતો. કોઈ કાંઈ બોલતું ન હતું. બધા પોતાના રૂમમાં ભરાઈ રેહતા હતા.

સિદ્ધાર્થ તો માની જ શકતો નહોતો કે તેની ચુટકી રિયા હવે તેની આંગળી પોતાના હાથમાંથી છોડાવી દૂર નીકળી ગઈ હતી.
સિદ્ધાર્થ ઊભો થયો અને રિયાના રૂમમાં ગયો અને લાગ્યું કે જાણે રિયા તેના રૂમમાં હશે જ!

પણ સિદ્ધાર્થ પાસે હવે એ માનવા સિવાય બીજો કોઈ છૂટકો જ ન હતો કે રિયા આ દુનિયામાં નથી.
તેણે રિયાના રૂમમાં ટેબલ પર એક ગિફ્ટ બોક્સ જોયું. રિયાના ગયા પછી કોઈની હિંમત જ નહોતી થઈ તેના રૂમમાં જવાની.

સિદ્ધાર્થ ટેબલ પાસે ગયો અને ગિફ્ટ બોક્સ હાથમાં લીધું. તેના પર લખ્યું હતું,
" For my loving brother"

સિદ્ધાર્થ તે બોક્સ લઈ પોતાના રૂમમાં આવ્યો, કારણકે હવે તેનામા વધુ હિમંત ન હતી કે તે રિયાના રૂમમાં ઊભો રહી શકે.તે પોતાના રૂમમાં બારી પાસે બેઠો અને બોક્સ ખોલ્યું.

તેમાં પહેલા એક પત્ર હતો. સિદ્ધાર્થએ ખોલ્યો અને વાંચવાનો શરૂ કર્યો ;
મારા વ્હાલા ભઈલા,

HAPPY RAKSHA BANDHAN

બસ ! બસ ! મને ખબર છે તને લાગતું હશે હું પાગલ છું. પણ મને એ પણ ખબર છે હવે આવતા રક્ષાબંધન માં હું નહિ હોવું. અરે!આવતા શું ? હવે પછીના એક પણ રક્ષાબંધન માં હું નહિ હોવું. હું હોય કે ના હોય પણ રક્ષાબંધન ના દિવસે મારા ભાઈનો હાથ તો રાખડી વગર ખાલી ન જ હોવો જોઈએ.એટલે મેં મારા હાથે તારા માટે આ બધી રાખડીઓ બનાવી છે. રક્ષાબંધનના દિવસે મારા ભાઈના હાથ પર મારી રાખડી તો હોવી જ જોઈએ ને !!

મે મારું અસાઈનમેન્ટ બહુ મહેનતથી કર્યું છે, એટલે આશા રાખું કે તને પસંદ આવે અને તુ મને પૂરેપૂરા માર્ક આપીશ.


હું તને ઓળખું છું, ત્યાં સુધી હવે તે સિંગાપોર જવાનું કેન્સલ કરી નાખ્યું હશે અને અહીં જ રહેવાનું વિચાર્યુ હશે.

ખબર છે તે દિવસે તુ મને મારી બર્થ ડે ગિફ્ટ માટે પૂછતો તો હવે મારે એક જ ગિફ્ટ જોઈએ છે કે તુ સિંગાપોર જાય અને તારી ડ્રીમ કંપની માં કામ કરી તારું સપનું પૂરું કરે.

સિદ્ધાર્થને પત્રમાં રહેલા શબ્દો ઝાંખા દેખાવા લાગ્યા કારણકે તેની બન્ને આંખો આંસુથી ભરાઈ ગઈ હતી. તેણે પોતાની આંખો લૂછી અને આગળ વાંચવાનું શરૂ કર્યું.


જો તું મને આ ગિફ્ટ નહિ આપે ને તો મને બહુ ખોટું લાગશે. હું તને કદી માફ નહિ કરું. તુ તો મારો ડાહ્યો ભાઈ છે. તુ મારી બધી વાત માનીશ જ મને ખબર છે.

અને હું તો હંમેશા તારી સાથે છું અને સાથે રહેવાની. વિશ્વાસ હોય તો તારા હાથના પંજા પર જોઈ લે.

સિદ્ધાર્થએ તેનો જમણો હાથ આગળ કરી જોયું તો તેને એક ઘાવ દેખાયો અને તે દ્રશ્ય તેની નજર સામે આવી ગયું;

" રિયા અને સિદ્ધાર્થ નાના હતા ત્યારે લડી પડયા હતા અને રિયાએ એક સોટી લઈ સિદ્ધાર્થને હાથ પર મારી હતી અને હાથ પર નિશાન થઈ ગયું હતું."

સિદ્ધાર્થ બાળપણ યાદ કરતો ઘડીભર તો હાથ જોઈ જ રહ્યો અને પછી વર્તમાનમાં પાછો ફર્યો.
સિદ્ધાર્થએ આગળ વાંચવાનું શરૂ કર્યું;


મારે તને કહેવું તો ના જ પડે પરંતુ, તો પણ કહીશ જ ; દાદી, મમ્મી, અને પપ્પાનું ધ્યાન રાખજે.એમને મારી કમી ક્યારેય મહેસૂસ ન થઈ એવું કરજે. અને એમને ખુશ રાખજે.
હું પણ ભગવાનને પ્રાર્થના કરીશ કે આવતા જન્મમાં મને આ જ પરિવાર મળે અને હું તને મનભરીને હેરાન કરી શકુ.

હવે બસ તો કે, હું તો લખીને થાકી ગઈ છું.તુ તારા બધા સ્વપ્નો જલ્દી પૂરા કરે અને મમ્મી-પપ્પા તથા દાદીને હમેશાં ખુશ રાખીશ એવી આશા રાખું .

લિ.
તારી પ્યારી ચુટકી
રિયા.સિદ્ધાર્થ ઘડીભર તો પત્ર હાથમાં રાખી બારી બહાર તાકતો બેસી રહ્યો.પછી ઊભો થયો અને બે દિવસ પછીની સિંગાપોર માટેની ટિકિટ બુક કરાવી.


સિદ્ધાર્થ એરપોર્ટ પર પોતાના સામાન સાથે ઊભો હતો અને ભાવેશભાઈ તેને એરપોર્ટ સુધી છોડવા આવ્યા હતા.

" તમારી, મમ્મી અને દાદીની ત્યાં આવવાની બધી વ્યવસ્થા કરી પછી હું તમને ફોન કરીશ. તમારી સિંગાપોર આવવાની બધી વ્યવસ્થા બને ત્યાં સુધી જલદી કરીશ."
સિદ્ધાર્થ ભાવેશભાઈ સાથે વાત કરતો હતો ત્યાં તેની ફ્લાઇટ માટે અનાઉન્સ થયું અને તે તેના પપ્પાને પગે લાગી, આશીર્વાદ લઈ પોતાનો સામાન લઈને ચાલવા લાગ્યો.
પ્લેન ટેક ઓફ થઈ ચૂક્યું હતું.

સિદ્ધાર્થ અન્મયસ્ક પણે બારી બહાર શૂન્યાવકાશ માં જોઈ રહ્યો હતો.

તેણે પોતાનો જમણો હાથ ઊંચો કર્યો અને રાખડી જોતા મનમાં બોલ્યો, " આ રાખડીને તો ૧૦૦ માંથી ૧૦૧ માર્ક મળવા જોઈએ અને ત્યાં તેનું ધ્યાન પેલા ઘાવ પર ગયું અને તેના હોઠ પર સ્મિત આવી ગયું."
"તેની ચુટકી રિયા તેની જોડે જ હતી."


Thank you