પ્રોમિસ Minal Vegad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રોમિસ

આગ્રા ની મેન્ટલ હોસ્પિટલના ગેટ બહાર એક યુવતી બેહોશ અવસ્થામાં પડી હતી.સવારમાં વોચમેન ની નજર તેના પર પડી એટલે તે તેને હોસ્પિટલમાં લઈ ગયા.હજુ સુધી તેને હોશ આવ્યો નહતો.કોઈ તેના વિશે કાંઈ જાણતું ન હતું કે તે યુવતી હતી કોણ? અને તેની પાસે એવો કાંઈ પણ સામાન નહતો જેથી તેની ઓળખ મળે. એટલે હવે બધાને તેના ભાનમાં આવવાની જ રાહ હતી.
તે યુવતીને હોંશમાં આવ્યા ને કલાક જેવું થઈ ગયું હતું.પરંતુ હજુ સુધી તેના મોઢામાંથી એક પણ શબ્દ નીકળ્યો નહતો. ડૉ. ને આ યુવતીની કંડીશન કાંઈ સમજમાં આવતી ન હતી.રિપોર્ટ મુજબ તેની બોલવાની તથા સાંભળવાની ક્ષમતા એકદમ સારી હતી. છતાંપણ તે યુવતી એ હજુ સુધી કાંઈ પણ પ્રતિક્રિયા આપી ન હતી.
નર્સે તેને બપોરે જમવાનું આપ્યું હતું તે પણ જેમ હતું તેમ જ પડ્યું હતું.સાંજે ડૉ.એ તેને ગ્લુકોઝ નો ડોઝ આપ્યો અને એક ઇન્જેક્શન આપ્યું જેથી તે સારી રીતે ઊંઘી શકે.
ડૉ.મેહતા જ્યારે રાઉન્ડ પર નીકળ્યા ત્યારે તેમણે નોધ્યું કે ગઇકાલ કરતા તે યુવતીની સ્થિતિ આજે ઘણી સારી દેખાતી હતી અને નર્સે જણાવ્યું હતું એ મુજબ એ મનમાં કાંઈક ગણગણી રહી હતી.પરંતુ સ્પષ્ટ સમજાતું નહતું કે તે બોલી શું રહી હતી? ડૉ.મેહતા તેની પાસે ગયા અને ગુડ મોર્નિંગ વિશ કર્યું પણ તે યુવતી એ કાંઈ જવાબ આપ્યો નહિ અને તે પોતે તો પોતાની ધુન માં જ ખોવાયેલી હતી. ડૉ.સમજવાની કોશિશ કરી કે તે શું બોલી રહી હતી? પરંતુ તેનો અવાજ એકદમ ધીરો અને શબ્દ પણ અસ્પષ્ટ હતા.
ડૉ.મેહતા ઊભા થયા અને તે યુવતીને એક કાગળ અને પેન આપી અને પોતાના મનમાં જે કાંઈ હોય અને જે કહેવા માંગતી હોય તે કાગળ પર લખવા કહ્યું.પેલી યુવતીએ કાંઈ પ્રતિક્રિયા આપી નહિ એટલે ડૉ. તે કાગળ અને પેન તેની પાસે મૂકીને જતા રહ્યા.
સાંજે જ્યારે ડૉ. ફરીથી રાઉન્ડ પર નીકળ્યા ત્યારે તેમણે જોયું કે તે યુવતી પોતાના બેડ પર શાંતિ થી સુઈ રહી હતી.અને નર્સે કહ્યું હતુંકે આજે તે યુવતી એ જમી પણ લીધું હતું.ડૉ.તેની પાસે ગયા અને પેલું સવારે જે કાગળ આપીને ગયા હતા એ શોધવા લાગ્યા.ડૉ.આજુબાજુ નજર કરી તો એ કાગળ ઉડીને તેના બેડ નીચે પડયું હતું. તેમણે કાગળ ઉઠાવ્યું અને જોયું તો એક બાજુ આખા પેજ પર આડાઅવળા લીટા જ દોરેલા હતા. તેમણે પેજની બીજી બાજુ નજર કરી આખા પેજ પર એક મોબાઈલ નંબર વારંવાર લખવામાં આવ્યો હતો. ડૉ.ને થોડી રાહતની લાગણી થઇ કેમકે હવે આ નંબરથી તેમણે આ યુવતીની ઓળખ જલદી મળી જશે અને તેઓ તેમના પરિવારને પણ ખબર કરી શકશે. ડૉ. ઊભા થઈને જતા હતા ત્યાં જ પેલી નીંદર માં કાંઈક બોલતી હતી. ડૉ.એ ધ્યાન આપી સાંભળ્યું તો તે આ જ ફોન નંબર ગણગણતી હતી. આ પરથી ડૉ.ને એટલું તો સમજાય જ ગયું કે આ નંબર જરૂર તેના કોઈક અંગત વ્યક્તિનો હશે. કારણકે જે વ્યક્તિ આપણી ખૂબ નજીક હોય એ હંમેશા ક્યાંકને ક્યાંક તો આપણા અર્ધજાગ્રત મનમાં છુપાયેલી રહેલી છે.
ડૉ. સવારના લગભગ દસ વાર તે નંબર ડાયલ કરી ચૂક્યા હતા પણ નંબર આઉટ ઓફ નેટવર્ક આવતો હતો.પેલી યુવતીની સ્થિતિમાં કાફી સુધાર હતો પરંતુ તેનું વર્તન તો પેહલા જેવું જ હતું. કોઈ સાથે કાંઈ બોલવાનુ નહિ અને ચુપચાપ એકલા બેસી રેહવાનું. તે મંદબુદ્ધિ નહોતી પરંતુ કોઈ ઊંડા આઘાતમાં સરી પડી હોય એવું લાગતું હતું.તેની આંખોમાં ઊંડે ઊંડે કંઇક દર્દ છૂપાયેલુ હોય એવું લાગતું.ડૉ. ઘણો પ્રયત્ન કરતા પરંતુ આ યુવતી તો જાણે પોતાની આસપાસ કોઈ છે જ નહિ એવું જ વર્તન કરતી.
ડૉ.બે દિવસ પછી ફરીથી આજે એ નંબર પર કોલ કર્યો હતો પરંતુ આ વખતે ફોન સ્વિચ ઓફ આવતો હતો.ડૉ.સાંજે પોતાના પેશન્ટને ચેક કરી ઘરે જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યાં જ તેમના પર તે નંબર માંથી કોલ આવ્યો.ડૉ.મહેતાના ચેહરા પર ખુશીની લાગણી છવાઇ ગઇ તેમણે કોલ રીસિવ કર્યો,
" હેલ્લો"
" હેલ્લો! મે અત્યારે તમારા મિસ્કોલ જોયા. ડુ આઈ નો યુ?"
સામા છેડે કોઈ યુવક બોલી રહ્યો હતો.
" હું આગ્રા મેન્ટલ હોસ્પિટલ માંથી ડૉ.મેહતા વાત કરું છું. મારા એક પેશન્ટ પાસેથી મને તમારો નંબર મળ્યો. જો તમે એક વાર અહી આવી ચેક કરી લ્યો તો અમને તે પેશન્ટની ઓળખાણ મળે અને તે પેશન્ટ પણ જલદી તેના પરિવારને મળી શકે."ડૉ.આખી પરિસ્થિતિ પેલા યુવકને જણાવતાં કહ્યું.
"આઈ એમ સોરી!! પણ આગ્રામાં કોઈ મારું જાણીતું નથી. અને મારી જાણ પેહચાન છે એવા કોઈ વ્યક્તિને મેન્ટલ હોસ્પિટલ ની જરૂર નથી. માટે આપની કોઈ ભૂલ થતી લાગે સર."પેલા યુવકે ડૉ.ની વાત ઉડાવતા કહ્યું.
" મિ. તમારો આ નંબર મને મારા પેશન્ટ પાસેથી મળ્યો છે અને તે સતત આ નંબરનું જ રટણ કર્યા કરે છે, એટલે મને લાગે છે એ જરૂર તમને ઓળખતી હશે!!" ડૉ.યુવકને સમજાવવાનો પ્રયાસ કરતા કહ્યું.
" આઈ એમ સોરી ડૉ.!!પણ મને લાગે છે કે તમે ભૂલી ગયા છો કે તમે ક્યાં કામ કરો છો? તે મેન્ટલ હોસ્પિટલ છે અને કોઈ પણ પાગલ કાંઈ પણ બકવાસ કરે અને તમે તેને સાચી માની લેશો. પાગલ તો આવી બકવાસ કર્યા કરે. ક્યાંક તે પાગલ ના મનમાં આડાઅવળા મારા નંબરના આંકડા આવી ગયા હશે અને ખોટી બકવાસ શરૂ કરી દીધી હશે." યુવકે ડૉ.ની વાત પર હસતા હસતા કહ્યું.
" ઓ હેલ્લો મિસ્ટર!! જે નામ હોય એ તમારું..... પણ હું તમને એટલું જણાવી દઉં કે હું સારી રીતે જાણું છું કે હું ક્યાં કામ કરું છું? અને મારે શું કરવું જોઈએ એ પણ? પણ મને લાગે છે કે તમે માણસાઈ ભૂલી ગયા છો. જો તમારી મદદથી કોઈ વ્યક્તિ પોતાના પરિવાર સુધી પહોંચી શકે અથવા તેની પરિસ્થિતી માં સુધાર આવી શકે તો એનાથી મોટું શું કામ હોય શકે બીજું? મને પાગલ તો તમે હોય એવું લાગે છે જે વ્યક્તિ સામે વાળી વ્યક્તિને જોયા વગર અને તેના વિશે જાણ્યા વગર જ તેને ઓળખવાની ના પાડી દે અને સામે વાળી વ્યક્તિની ઈજ્જત ના કરે એનાથી મોટો મૂર્ખ બીજો કોઈ ના હોય શકે? મારી ભૂલ થઈ ગઈ મે તમને હેરાન કર્યા એ માટે. સોરી એન્ડ ગુડ બાઇ મિસ્ટર!!! ડૉ.મેહતા ગુસ્સાથી એકદમ તમતમી ગયા હતા.
સામે છેડે પેલો યુવક હજુ કાંઈ બોલવા જાઈ એ પેહલા જ ફોન મુકાય ગયો હતો.
ડૉ.મેહતા ક્યારેય પોતાના પેશન્ટ ને એક પેશન્ટની નજરથી જોતા નહિ. તે હંમેશા પોતાના બાળક જેમ દર્દીની સારવાર કરતા અને તેમની માનસિક સ્થિતિમાં સુધાર લાવવાની કોશિશ કરતા. ઘણા દર્દીઓ તેમની સારવાર હેઠળ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા હતા.
સવારમાં ડૉ.બધા પેશન્ટ ને ચેક કરી પોતાની ઓફિસમાં આવી બીજી ફાઈલો ચેક કરી રહ્યા હતા ત્યાં કમ્પાઉન્ડર અંદર આવ્યો અને કહ્યું,
"કોઈ મિ.મિહિર આપને મળવા માંગે છે, તેમને અંદર મોકલું?"
"હા" ડૉ.એ ફાઇલમાંથી માથું ઊંચું કર્યા વગર જવાબ આપ્યો.

મિહિરે અંદર આવવા ડૉ.ની પરવાનગી માંગી અને તેમને બેસવાનું કહ્યું એટલે તેમની સામેની ચેરમાં બેઠો.
" હા!! તો બોલો મિ.મિહિર હું આપની શું મદદ કરી શકું?"ડૉ.એ સહજ ભાવથી પૂછ્યું.
" આઈ એમ વેરી સોરી સર!!" મિહિરે દિલગીરી વ્યક્ત કરતા કહ્યું.
" સોરી?? પણ શા માટે?"ડૉ.ને કાંઈ સમજાયું નહી.
" ગઇકાલે રાત્રે તમારી જે વ્યક્તિ સાથે વાત થઈ હતી એ હું જ છું. મારો કેહવાનો એવો કાંઈ મતલબ નહોતો.પરંતુ મારી આસપાસ એવું કોઈ વ્યક્તિ નથી જે મેન્ટલ હોય એટલે ...અને તમે છેલ્લે કહ્યું એ પરથી મને મારી ભૂલ સમજાય અને મને લાગ્યું એક વાર તમને મળવું જોઈએ એટલે તમારા મનનું પણ સમાધાન થઈ જાય." મિહિરે વિનમ્રતાથી પોતાની ભૂલ સ્વીકારતા જવાબ આપ્યો.
" વેલ મિહિર! તને તારી ભૂલ સમજાઈ અને તુ તેને સુધારવા માંગે છે એ જાણી આનંદ થયો.હવે આગળ જતાં ધ્યાન રાખજે.તુ પેશન્ટ ને જોઈ લે અને તેના વિશે કાંઈ પણ માહિતી હોય તો મને જણાવી દેજે.હું તારો વધારે સમય નહી બગાડુ."ડૉ.એ મોં પર સ્મિત સાથે કહ્યું.
ડૉ.મેહતા મિહિરને વેઇટિંગ રૂમમાં લઈ ગયા અને પેલી યુવતીને પણ ત્યાં લઈ આવવાની સૂચના આપી. નર્સ તે યુવતીને લઈ અંદર પ્રવેશી ત્યાં જ મિહિરની નજર તેના પર ગઈ તે ઝટકા સાથે પોતાની જગ્યા પર ઊભો થઈ ગયો. તેણે જોયું,
" એક સુંદર અપ્સરા જેવી છોકરી સફેદ કુર્તા તથા લીલા રંગના સલવાર દુપટ્ટા માં સજ્જ થોડી ગભરાટ સાથે પોતાના વાળ સરખા કરતી ક્લાસમાં પ્રવેશી અને કલાસરૂમ ના દરેક સ્ટુડન્ટ ની નજર તેના પર જ સ્થિર હતી."
ડૉ.એ મિહિરના ખંભા પર હાથ મૂક્યો અને મિહિર પાંચ વર્ષ પેહલા ના ભૂતકાળમાંથી બહાર આવ્યો અને સામે જોયુ તો દર્દીના કપડાંમાં અને નર્સ નો હાથ પકડી દોરવાતી મહેકને જોઈ મિહિર દોડતો તેની પાસે ગયો અને તેનો હાથ પકડી લીધો.મહેકને પહેલા ચેર પર બેસાડી અને તેની સામે ઘૂંટણીયા વાળી નીચે બેસી ગયો. મહેકના માથા પર હાથ ફેરવ્યો અને તેના ગાલ થપથપાવતા બોલ્યો,
" મહેક, મહેક!! તારી સામે કોણ ઉભુ છે એ તો જો??" મિહિર મહેકની આવી હાલત જોઈ રડમસ જેવો થઇ ગયો હતો.
પરંતુ મહેકે મિહિર પર સહેજ પણ ધ્યાન આપ્યું નહિ. મિહિરની તો હાલત જ ખરાબ થઈ ગઈ હતી. તે તો મહેક સામે એકીટશે જોઈ રહ્યો અત્યારે એ કાંઈ બોલી શકે એવી હાલતમાં નહતો.મિહિર ખૂબ જોર જોર થી રડવા માંગતો હતો. તેણે સ્વપ્નેય પણ વિચાર્યુ નહતું કે પોતાની મહેક એક દિવસ આવી રીતે તેને મળશે.
ડૉ. મહેતા એ પરિસ્થિત નો તાગ મેળવી લીધો હતો અને તે આખી પરિસ્થિતિ પામી ગયા હતા એટલે મિહિરના ખભે હાથ રાખી બોલ્યા,
" મિહિર, તુ દસ મીનીટ અહી મહેકને એકલા મળી શકે છે અને શક્ય હોય તો પછીથી મને મારી ઓફિસમાં મળજે જેથી હું જલદીથી મહેક વિશે માહિતી મેળવી શકું."
મિહિરે ફક્ત માથું હલાવી હા કહી તે અત્યારે બોલી શકવાની સ્થિતિમાં નહતો.ડૉ. તથા નર્સ બન્ને વેઈટિંગ રૂમની બહાર નીકળી ગયા.
ડૉ.રૂમની બહાર ગયા પછી થોડી વાર મિહિર એમ જ બેસી રહ્યો.મહેક સામે જોયું તો એ બારી બહાર એકીટસે જોઈ રહી હતી. તેનું વર્તન જોય લાગતું જાણે તે એકલી જ અહી બેઠી છે.તેની આસપાસ જાણે કોઈનું અસ્તિત્વ જ નથી.મિહિરે મહેકનો હાથ પોતાના હાથમાં લીધો અને મહેકના ચેહરા સામે નજર કરી ત્યાં તો તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા અને તે મહેક સામે એક નાના બાળક જેમ રડી પડ્યો.
પંદર મિનિટ પછી મિહિર સ્વસ્થ થઈ ડૉ.મહેતાની ચેમ્બરમાં બેઠો હતો.થોડીવાર ડૉ.એ જ મિહિરને એમ જ બેસવા દીધો.તેઓ ઈચ્છતા હતા કે મિહિર સામેથી પોતાની સાથે વાત કરે.મિહિરે થોડીવાર પછી બોલવાનુ શરૂ કર્યું.
" ડૉ.તમે સાચું જ કીધું હતું, હું જ સૌથી મોટો મૂર્ખ છું." મિહિર પોતાને દોષી માનતા કહ્યું.
" મિહિર હવે એ બધું છોડ. ભૂલતો માણસથી જ થાય.અને હવે એ ભૂલ પણ તું જ સુધારી શકે છે." ડૉ.એ મિહિરને સમજાવતા કહ્યું.
" એ કેવી રીતે?" મિહિર એકદમ ખુશ થતા બોલ્યો.
" તુ મને મહેક વિશે તથા તેના પરિવાર વિશે માહિતી આપે જેથી હું મહેકના પરિવાર સાથે સંપર્ક કરી તેની સ્થિતિને સમજી શકું."
" મહેક નોઇડાની છે.પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી અમારી વચ્ચેનો કોન્ટેક્ટ તૂટી ગયો હતો.પરંતુ તેના ઘરનો એક નંબર લગભગ મારી પાસે હતો."મહેક વિશે માહીતિ આપતા મિહિર બોલ્યો.
"મહેક નોઇડાની છે તો અહી આગ્રા એકલી તો આવી હાલતમાં ન જ પહોંચી હોય."ડૉ.કંઇક વિચારી રહ્યા હતા.
" ડૉ. શું હું મહેકને મારી સાથે દિલ્હી લઈ જઈ શકું?" મિહિર મહેક ને પોતાની સાથે લઈ જવા માંગતો હતો.
" સોરી મિહિર, પણ હજુ સુધી તેના પરિવાર સાથે મારી કાંઈ વાત નથી થઈ અને અત્યારે મહેકને સારવારની જરૂર છે એટલે તેને હોસ્પિટલમાં જ રેહવું પડશે. તારી પાસેથી મને તેના ઘરનો નંબર જેટલો ઝડપથી મળશે એટલી ઝડપથી મહેકની સારવાર ઝડપી બનશે."
"બને તો આજે સાંજે જ હું તમને તે નંબર શોધીને આપું છું.મારે બે દિવસ બહુ જરૂરી મીટીંગ છે એટલે બે દિવસ પછી હું અહી આવીશ.અને કાંઈ પણ જરૂરી જણાય કે ઇમરજન્સી હોય તો મને તરત જ જણાવજો. આ વખતે હવે હું કાંઈ પણ ભૂલ નથી કરવા માંગતો."મિહિરે પોતાનું વીઝિટિંગ કાર્ડ કાઢી ડૉ.ને આપતા કહ્યું.
" ચોક્કસ મિહિર, ટેક કેર!!" ડૉ.વીઝિટિંગ કાર્ડ હાથમાં લેતાં બોલ્યો.
મિહિરે દિલ્હી પહોંચી સૌથી પહેલા તો મહેકના ઘરનો નંબર શોધવાનું કામ શરૂ કર્યું. તેણે પોતાના કબાટમાંથી એક બોક્સ કાઢ્યું જેમાં તેના કોલેજની બધી યાદો સાચવીને રાખી હતી.અને તે બોક્સમાં બીજું પણ એક નાનું બોક્સ રાખેલું હતું જેમાં ફક્ત મહેકની જ મહેકતી યાદો હતી. મિહિરે એ બોક્સ ખોલ્યું અને તેમાંથી એક સોરી કાર્ડ કાઢ્યું જે તેને મહેકે આપ્યું હતું. મિહિર સામે તો આખી ઘટના જ તાજી થઈ ગઈ.
"કેમ આમ મોં લટકાવીને ફરે છે.આજે સવારથી મે નોટિસ કર્યું છે કે તું મારી સામે જોતો પણ નથી. શું થયું છે?" લેક્ચર પુરા થયા એટલે મિહિર ચુપચાપ ક્લાસ બહાર નીકળી ગયો હતો.અને મહેક દોડતી તેની પાછળ આવી તેને પૂછી રહી હતી.
" ઓહ, તો તું સાચે નથી જાણતી!! હું શા માટે ગુસ્સે છું એ?"મિહિરે થોડા ગુસ્સા સાથે પૂછ્યું.
"ના , મને સાચે નથી ખબર!"મહેક પોતાનો ચહેરો માસૂમ બનાવતા બોલી.
"આપણી મેસેજ માં કે કોલમાં વાત નથી થઈ તેનો આજે પાંચમો દિવસ છે. તારો મોબાઈલ ક્યાં છે?"મિહિર અકળાતા બોલ્યો.
મેહેકે પોતાની બેગમાંથી એક કાર્ડ કાઢ્યું અને મિહિરના હાથમાં આપતા કહ્યું,
"આમાં ઘરનો નંબર છે પણ કાંઈક જરૂરી હોય તો જ કોલ કરજે બાકી હું જ્યારે ફ્રી થાવ ત્યારે કોલ કરીશ. એટલે આમાં વારંવાર કોલ ન કરતો હો. મારો ફોન થોડા દિવસ આરામ પર છે."મહેક આટલું બોલી હસતા હસતા ત્યાંથી નીકળી ગઈ.
મિહિર તેને જતી જોઈ રહ્યો પછી તેણે કાર્ડ ખોલ્યું તો એમાં મોટા અક્ષરે સોરી લખેલું હતું અને એક ફોન નંબર લખેલો હતો.આ જોઈ મિહિરના મોં પર એક સ્માઈલ આવી ગઈ.અને એ જ સ્માઈલ અત્યારે ત્રણ વર્ષ પછી પણ મિહિરના ચેહરા પર આવી ગઈ હતી.
મિહિરે પોતાનો મોબાઇલ લીધો અને ડૉ.મહેતાને કોલ કરી મહેકના ઘરનો નંબર આપી દીધો અને કાંઈ માહિતી મળે તો પોતાને જણાવવાનું પણ કહ્યું.
મિહિરે દિલ્હીમાં પોતાનો ટેકસટાઇલ નો બીઝનેસ શરૂ કર્યો હતો. અને તેની ફોરેન ક્લાઈન્ટ સાથે મીટીંગ હતી તે બે દિવસમાં પૂરી કરી અને પોતાના મેનેજરને બાકી બધું સંભાળી લેવાની સૂચના આપી દીધી.આ બે દિવસ દરમિયાન તેની ડૉ. સાથે વાત થઈ હતી તેમણે જણાવ્યું હતું કે મહેકના ઘરનો નંબર બંધ આવતો હતો.
મિહિર દિલ્હીમાં પોતાનું બધું કામ આટોપી પેહલા તો નોઈડા ગયો. તેણે મહેકનું ઘર જોયું હતું એટલે ત્યાં પહોંચી ગયો પરંતુ ત્યાં ગયા પછી ખબર પડી તેના ફેમિલી ને બીજે સિફ્ટ થયાને ત્રણ વર્ષ થઈ ગયા હતા અને કોઈ નહોતું જાણતું કે તેઓ ક્યાં રહે છે.
એક મહિનો થઈ ગયો હતો મિહિરને આગ્રા આવ્યાને તે અહી મહેક પાસે જ રહેવા માંગતો હતો.વચ્ચે ક્યારેક દિલ્હી જઈને ઓફિસમાં કામ હોય તો પૂરું કરી આવતો બાકી બીજું બધું કામ તે પોતાના લેપટોપ મારફતે કરતો.હવે મહેકની હાલતમાં પણ કાફી સુધાર આવી ગયો હતો. પરંતુ હજુ સુધી તે મિહિરને ઓળખતી નહતી.તેની મેમરી હજુ પાછી આવી નહતી.મિહિર પૂરો પ્રયત્ન કરતો તેને ખુશ રાખવાનો. મહેક પાસે બેસી તેને કહાનીઓ સંભળાવતો તેને જોકસ કહી હસાવતો અને મહેક ખડખડાટ હસતી પણ ખરી.પરંતુ મહેક હજુ સુધી કાંઈ બોલતી નહિ, તે તેના ચેહરાના હાવભાવ દ્વારા જ વાત કરતી.મિહિર ખુશ હતો મહેકની હસી થી,પરંતુ છતાં પણ તે મહેક ના મોઢેથી પોતાનું નામ સંભાળવા તરસી રહ્યો હતો.
મિહિરને લાગ્યું કે મહેકને હોસ્પિટલ બહાર લઈ જવી જોઈએ જેથી તેનું માઈન્ડ ફ્રેશ થાય અને તે બહારના વાતાવરણને પણ મહેસૂસ કરે. આ માટે મિહિરે ડૉ.મહેતાની પરમિશન માંગી. ડૉ.પેહલા તો થોડો વિચાર કર્યો પછી પરવાનગી આપી અને મહેકનું ધ્યાન રાખવાનું કહ્યું.
મિહિર મહેકને એક મંદિરે લઈ ગયો કારણકે મહેક ને મંદિરનું વાતાવરણ બહુ જ ગમતું એકદમ શાંત અને રમણીય.મહેક જ્યારે ઉદાસ હોય ત્યારે તે હંમેશા મંદિરે જતી અને ત્યાં જઈ બેસતી.તે હંમેશા મિહિરને કહેતી મંદિરના વાતાવરણમાં હંમેશા એક પોઝિટિવ એનર્જી હોય છે અને તે હંમેશા મારી ઉદાસી દૂર કરવા મને મદદ કરે છે.ભગવાનને પગે લાગી પ્રસાદ લઈને મિહિર મહેકને મંદિરના પાછળના ભાગમાં આવેલ બગીચામાં લઈ ગયો.
બગીચામાં ત્રણ ચાર બાળકો રમી રહ્યા હતા, મહેક તેમને જોઈ રહી હતી અને મિહિર મહેકને જોઈ રહ્યો હતો.મિહિરે મહેકનો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું,
"મહેક, ક્યાં સુધી મને હવે મારી એક ભૂલની સજા આપીશ? મારા કાન તરસી રહ્યા છે હવે તારો અવાજ સાંભળવા!! હું એ મહેકને જોવા તરસી રહ્યો છું,જે સતત બોલ બોલ કરીને મારું માથું પકવી દેતી.કોઈ પ્રશ્નનો જવાબ ન મળે ત્યાં સુધી પૂછયા જ કરતી અને નાની નાની વાતમાં ખડખડાટ હસી પડતી."
મિહિર પોતાના કૉલેજ ના દિવસો યાદ કરવા લાગ્યો.
નોઇડાની એક કોમર્સ કોલેજમાં મિહિરનું BBAનું સેકન્ડ યર હતું. સેકન્ડ યર શરૂ થયાને એક મહિના જેવું થઈ ગયું હતું.બધા લેક્ચર એટેંડ કરી રહ્યા હતા ત્યાં જ મહેક ક્લાસ માં એન્ટર થઈ. તેને જોતા જ જાણે મિહિરની આંખ પલકારો મારવાનુ ભૂલી ગઈ હતી. મહેકે બીજી કોલેજમાંથી અહી ટ્રાન્સફર લીધું હતું.
મહેક કૉલેજથી ઘરે જઈ રહી હતી ત્યાં તેની એક્ટિવા ની ટક્કર એક ઓટોરિક્ષા સાથે થઈ ગઈ અને તે રિક્ષા ડ્રાઈવર મહેક સાથે ઝઘડો કરવા લાગ્યો. એવામાં મિહિર ત્યાંથી નીકળ્યો તેણે જોયું કે મહેક અને ઓટો ડ્રાઈવર વચ્ચે કાંઈક બોલચાલ થઈ રહી હતી.મિહિરે ત્યાં પહોંચી બન્ને ને શાંત કર્યા અને ઝઘડો પાર પાડ્યો. "થેંક્યું!!"મહેક મિહિરનો આભાર માનતા બોલી.
" નોટ મેન્શન ઇટ"
"આઈ થીંક, તમે મારા કલાસમેટ છો રાઇટ? હું હજુ નવી છું એટલે ખાસ કોઈને ઓળખતી નથી."મહેક એકદમ છટા થી બોલતી હતી.
" હા, એન્ડ માય નેમ ઈઝ મિહિર! ફ્રેન્ડ??"મિહિરે ફરેન્ડશીપ માટે હાથ લંબાવતા પૂછ્યું.
" શ્યોર!! આઈ એમ મહેક!" મહેકે પણ મિહિર સાથે હાથ મિલાવતા કહ્યું.
બસ આવી રીતે જ મહેક અને મિહિરની દોસ્તીની શરૂઆત થઈ હતી.બન્ને હવે એકબીજા સાથે પોતાની નોટસ શેર કરતા. નોટસ શેર કરતા કરતા ક્યારે એકબીજા સાથે નંબર એક્સચેન્જ થઈ ગયા અને ક્યારે તેઓ એકબીજાની પસંદ બની ગયા એ તો એમને પણ ખબર નહતી.
સેકન્ડ યર પૂરું થતાં તો મિહિર અને મહેક એ આખી કોલેજમાં મોસ્ટ પોપ્યુલર કપલ બની ગયા હતા.મિહિર સવારમાં આવી પોતાની બાઇક નું સ્ટેન્ડ લગાવી મહેકનો વેઇટ કરતો.મહેક આવે પછી બન્ને જોડે જ ક્લાસમાં જતા.કૉલેજ પૂરી થાય ત્યારે ઘરે પણ
સાથે જ જતા.ક્યારેક લેક્ચર ફ્રી હોય તો કેંટીનમાં દોસ્તો જોડે મજા કરતા અને ક્યારેક તેઓ બન્ને એકલા જ કલાકો સુધી કોઈ ગાર્ડન માં બેસતા અને ભવિષ્યના સપના જોયા કરતા.મિહિર ઘણી વાર લેક્ચર બંક કરાવી ધરારથી મહેકને મૂવી જોવા લઈ જતો.એ બે વર્ષ તો મહેક અને મિહિરની જિંદગીના સૌથી રંગીન વર્ષ હતા. બધી ખુશીઓ થતા કોઈ પણ ઉદાસી બન્ને સાથે મળી વહેંચી હતી. અને જિંદગીભર આમ જ સુખ દુઃખ સાથે વહેંચવાના એકબીજાને વચન આપ્યા હતા.
અને એ જ વચન મિહિરે તોડ્યું હતું.મિહિર વર્તમાન માં પાછો ફર્યો.મિહિરે ઘડિયાળમાં જોયું તો ઘણો સમય થઈ ગયો હતો બન્ને ને અહી આવ્યાને એટલે હવે એ ઊભો થયો અને મહેકને પાછી હોસ્પિટલ લઈ ગયો.
ડૉ.એ પણ નોધ્યું હતું કે મહેક જ્યારે પણ મિહિર સાથે હોય ત્યારે એકદમ ખુશ દેખાતી અને તે ધીરે ધીરે પોતાના આઘાત માંથી બહાર આવી રહી હોય એવું લાગી રહ્યું હતુ.એક મહિના પછી મહેકનો બર્થડે આવી રહ્યો હતો અને મિહિર તેના માટે કાંઇક સ્પેશિયલ વિચારી રહ્યો હતો.
મિહિરે તો આજે સવારમાં વેહલા ઊઠીને કામે લાગી ગયો હતો.હોસ્પિટલ મસ્ત ડેકોરેટ કરી દીધી હતી. હોસ્પિટલમાં રહેલા બધા ડોક્ટર્સ તથા સ્ટાફને અને બધા દર્દીઓને ચોકલેટ્સ આપી. મિહિર એક સરસ ડ્રેસ મહેક માટે લઈ આવ્યો હતો એ નર્સને આપ્યો અને મહેકને રેડી કરવા માટે કહ્યું.ત્યાં સુધીમાં તો ડૉ.મહેતા પણ હોસ્પિટલ પહોંચી ગયા હતા.તેઓ તો હોસ્પિટલના માહોલને જોઈને ખુશ જ થઈ ગયા અને સાથે સાથે મજા મજામાં કાંઈ ગરબડ ન કરવાની તાકીદ પણ કરી. કારણકે આખરે એ એક મેન્ટલ હોસ્પિટલ હતી અને ક્યારેક પછી પેશન્ટ ને કન્ટ્રોલ કરવા મુશ્કેલ થઈ જતાં હોય છે.મિહિરે ડૉ.ને ભરોસો આપતા કહ્યું તે આ બાબતે પૂરેપૂરું ધ્યાન રાખશે.
નર્સ મહેકને લઈને આવી.મિહિરે જ્યારે મહેકને જોઈ ત્યારે એ તો ચોંકી જ ગયો.અત્યારે મહેક એકદમ તેના પહેલાવાલી મહેક લાગતી હતી.મહેક મિહિર પાસે આવી ઊભી રહી ગઈ અને મિહિર સામે નાનકડું સ્મિત આપ્યું.મિહિર એકદમ ખુશ થઈ ગયો એ હંમેશા મહેકના ચેહરા પર આમ જ સ્મિત જોવા માંગતો હતો.
મહેકની બર્થડે કેક આવી ગઈ હતી.મહેકને ચોકલેટ કેક પસંદ હતી એટલે મિહિરે સ્પેશિયલ ચોકલેટ કેક નો ઓર્ડર આપ્યો હતો. કેક પર મહેકનું નામ હતું અને તેની નીચે M❤️M લખેલું હતું.મિહિરે મીણબત્તી સળગાવી અને મહેકના હાથમાં નાઇફ આપી કેક કટ કરવા કહ્યું. ત્યાં ઉભેલા દરેક લોકો મહેક માટે બર્થડે ગીત ગાવા લાગ્યા.મહેક તો બધાને જોતી હાથમાં નાઇફ લઈને એમ જ ઊભી રહી ગઈ.મિહિરે મહેક નો હાથ પકડી તેની પાસે કેક કટ કરાવી અને એક બાઈટ લઈ પેહલા મહેકને ખવરાવી.મહેક તો એકદમ ખુશ થઈ ગઈ હતી આવું સેલિબ્રેશન જોઈને અને સાથે ત્યાં રહેલા બધા વ્યક્તિઓને પણ બહુ મજા પડી ગઈ હતી.
મિહિરે જોયું તો ડૉ. મહેતા દૂર ઊભા રહી બધાના ચહેરાની ખુશી જોઈ રહ્યા હતા.મિહિર તેમની પાસે ગયો અને તેમના મોં માં કેકની એક બાઈટ મૂકી દીધી.
" અરે! બસ બસ!! મને બ્લડ શુગર છે."ડૉ. મહેતા એ મોં લૂછતાં કહ્યું.
" ચિંતા ન કરો સર, આજે આટલા ખુશીના મોકા પર આટલી કેકેથી તમને કાંઈ જ નહિ થાય."મિહિર મહેક ને જોતા બોલ્યો.
"સર,હું મહેકને આજે થોડી વાર માટે બહાર લઈ જવા માંગુ છું." મિહિરે પરમિશન માંગતા કહ્યું.
"ઓકે, ટેક કેર ઓફ હર!"
મિહિર વાંકો વળ્યો અને ડૉ.મહેતાને પગે લાગ્યો. મિહિર ડૉ.મહેતા માં પોતાના પિતાનું રૂપ જોઈ રહ્યો હતો.ડૉ.એ મિહિરને ઊભો કર્યો અને કહ્યું,
" મને ખબર છે, તુ મહેક ને ખુબ જ ચાહે છે.અને હું જાણું છું તું હંમેશા મહેકને ખુશ રાખીશ.મારા આશીર્વાદ તમારી બન્નેની સાથે જ છે." ડૉ.મહેતા એ પણ પોતાના પુત્રને આશીર્વાદ આપતા હોય એમ કહ્યું.
મિહિર આજે મહેકને એ સ્થળે લઈ આવ્યો હતો જ્યાં તેઓ ત્રણ વર્ષ પહેલાં આ જ દિવસે અહી આવ્યા હતા.મહેકના બર્થડે ના દિવસે જ તેઓ પ્રેમની નિશાની એવા તાજ મહેલ ને જોવા આવ્યા હતા.મહેકની તાજ મહેલ જોવાની ખૂબ ઈચ્છા હતી એટલે તેના બર્થડે ના દિવસે મિહિર તેને અહી લઈ આવ્યો હતો.
મિહિર અને મહેક એક બેન્ચ પર આવી બેઠા. મહેક તો તાજ મહેલ જોઈ ખૂબ જ ખુશ થઈ ગઈ અને મિહિરને ભેટી પડી.મહેક તને યાદ છે ત્રણ વર્ષ પહેલાં છેલ્લે આપણે અહી મળ્યા હતા. મિહિર મહેકના હાથ પર પોતાનો હાથ રાખતા બોલ્યો.
"વાહ! મિહિર આ તાજ મહેલ કેટલો સુંદર છે નહિ? થેંક્યું મિહિર આટલી વન્ડરફૂલ સરપ્રાઈઝ માટે." મહેક તાજ મહેલ જોતા ખુશ થઈ બોલી ઉઠી હતી.
"હા, ખૂબસૂરત તો છે પણ મારી મહેક કરતા વધારે નહિ.અને તારી માટે તો હું કાંઈ પણ કરી શકું.તુ કહે તો મારો જીવ...." મિહિર આગળ કાઈ બોલવા જાય એ પેહલા જ મહેકે મિહિરના મોં પર હાથ રાખી દીધો હતો.
"મિહિર આજ ના આટલા સ્પેશિયલ દિવસે અને સ્પેશિયલ મોમેન્ટ પર આવું ન બોલ. પ્લીઝ!"મહેક થોડા ઉદાસ ચહેરા સાથે બોલી.
"ઓકે બાબા ઓકે!! આપ જો કહે.આજ તો આપ કા દિન હૈ. આપ જો ચાહે વહી હોગા મહોતરમાં!"મિહિર મહેકને મનાવતા બોલ્યો.
મિહિર અને મહેક એકદમ સામે તાજ મહેલ દેખાય એ રીતે જ બેઠા હતા.મહેક તાજ મહેલ ને એકીટસે તાકતાં બોલી,
"મિહિર, તુ પણ મારી માટે ક્યારેક આવું કાંઈક કરીશ?"
"ના, હું માનું છું કે શાહજહાં એ પોતાની બેગમ મુમતાઝ માટે પ્રેમની નિશાની એવો આ તાજ મહેલ બનાવડાવ્યો હતો પરંતુ મુમતાઝ આ જોવા માટે જીવિત નોહતી ને!!
મિહિરે મહેકનો હાથ પોતાના હાથમાં લીધો અને ફરી બોલ્યો,
"પ્રેમ સાબિત કરવા માટે કોઈ સ્મારકની જરૂર હોતી નથી.એક પ્રોમિસ જ કાફી છે.બન્ને વ્યક્તિ એકબીજા સાથે જીવવા અને એકબીજાને આપેલ વચન નિભાવવા માટે પૂરો પ્રયત્ન કરવો જોઈએ.
મહેક, હું તને આજે પ્રોમિસ આપું છું, કે હું તારો હાથ આમ જ જિંદગીભર મારા હાથમાં જોવા માંગુ છું.અને હું ક્યારેય તારા આ હાથને મારા હાથમાંથી છૂટવા નહિ દઉં.કોઈ પણ પરિસ્થિતિ હોય હું હંમેશા તારો સાથ આપીશ અને તારી સાથે જ ઊભો રહીશ."
" મને ખબર છે મિહિર, તુ હંમેશા મારી સાથે જ છે.અને જિંદગીભર આમ જ મારો હાથ પકડી મારી સાથે જ રેહવાનો છે" મહેક મિહિરના ખભા પર પોતાનું માથું રાખતા બોલી.
પછી તો ક્યાંય સુધી બન્ને એકબીજા સાથે વાતો કરતા રહ્યા હતા.મિહિર તો ભવિષ્યનું પ્લાનિંગ કરી રહ્યો હતો.તેની ઈચ્છા દિલ્હીમાં એક મોટા બીઝનેસ મેન બનવાની હતી.અને એ માટે એ કાઈ પણ કરવા તૈયાર હતો.મિહિર ક્યાંય સુધી મહેક સાથે બીઝનેસ ની વાતો કરતો રહ્યો હતો.
મિહિર મહેક સાથે ફોનમાં વાત કરી રહ્યો હતો.તે એક મહિના પછી અમેરિકા જવાનો હતો અને તે વિશે મહેકને જણાવી રહ્યો હતો.આમ અચાનક અમેરિકા જવાના નિર્યણ ને કારણે મહેક તેનાથી થોડી નારાજ થઈ ગઈ હતી.અને તે જાણવાની કોશિશ કરી રહી હતી કે મિહિરે આમ અચાનક જ આવો નિર્યણ કેમ કર્યો?
પરંતુ મિહિરને લાગ્યું કે મહેક પોતાને અમેરિકા જવા દેવા માંગતી નથી એટલે ગુસ્સામાં આવી મિહિરે મહેકને કેટલું બધું સંભળાવી દીધું અને હવે ક્યારેય તેની સાથે વાત નહિ કરે એવું કહી દીધું.મિહિરે મહેક ને પ્રોમિસ આપ્યાને તો હજુ એક મહિના જેવું પણ માંડ થયું હતું ત્યાં મિહિર મહેકને આપેલું વચન ભૂલી ગયો હતો.
મહિના પછી તો મિહિર પોતાના અંકલ સાથે અમેરિકા પહોંચી ગયો હતો.અમેરિકા જઈ મિહિરે ઘણી વાર ટ્રાય કરી હતી મહેક સાથે વાત કરવાની પરન્તું કોઈ કારણસર મહેકનો નંબર બંધ જ આવતો હતો. પછીથી પોતે પણ વ્યસ્ત થઈ ગયો હતો પોતાના અંકલ ના બીઝનેસ માં.તેને લાગતું મહેક તેને જરૂરથી કોલ કરશે પણ મહેકનો પણ કાઈ કોલ આવ્યો નહિ એટલે મિહિરને લાગ્યું કે મહેક અને પોતાની વચ્ચેના બધા સંબંધ હવે પૂરા થઈ ગયા છે. અને પછીથી મિહિરે પણ મહેક વિશે વિચાર કરવાનું છોડી દીધું.ત્રણ વર્ષ અમેરિકા રહ્યા પછી મિહિર ભારત પાછો ફર્યો અને દિલ્હીમાં પોતાનો બીઝનેસ શરૂ કર્યો.
પરંતુ જ્યારે તેને મહેક વિશે ખબર પડી અને જાણ્યું કે મહેકને પોતાના એક મોબાઈલ નંબર સિવાય કાઈ યાદ નથી.તે પોતે કોણ હતી? એ પણ એ ખુદ જાણતી નહતી છતાં પણ તેને પોતાનો નંબર યાદ હતો એ સાબિત કરતું હતું કે મહેક ના જીવનમાં મિહીરનું શું મહત્વ હતું? મહેક પોતાને હૃદય ના ઊંડાણથી ચાહતી હતી અને તેની સાથે વાત કરવા માંગતી હતી.પરંતુ તે સમયે પોતે કાઈ પણ વિચાર્યા વગર મહેકને છોડીને ચાલ્યો ગયો હતો.
મિહિર.....મિહિર.........
પોતાનું નામ સાંભળી મિહિર ભૂતકાળમાંથી પાછો ફર્યો.પોતાનું નામ કોણ લઈ રહ્યું છે એ જાણવા તેને આજુબાજુ નજર કરી ત્યાં ફરીથી તેને પોતાનું નામ સંભળાયું.
" મિહિર...." મહેક ફરીથી ધીરે બોલી.
મહેકના મોંઢે પોતાનું નામ સાંભળતા જ મિહિર તો જાણે સાતમા આસમાને પહોંચી ગયો.કેટલા દિવસથી તે આ સાંભળવા જ તડપી રહ્યો હતો.
મિહિર કાઈ સમજે એ પેહલા જ મહેક મિહિરને ભેટી પડી.
"મિહિર, હવે ફરી મને ક્યારેય છોડીને નહિ જાઈને તુ?" મહેકે મિહિરની આંખમાં જોતા પૂછ્યુ.
" ના, ક્યારેય નહી. આવી રીતે જ તારી સાથે રહીશ.મને ખબર છે હું આવું પેહલા પણ બોલ્યો હતો અને મારું પ્રોમિસ ભૂલી ગયો હતો પરંતુ એ મારી છેલ્લી ભૂલ ગણી મને માફ કરી દે પ્લીઝ! હવે હું વચન આપું છું કે હું ફરી ક્યારેય આવી ભૂલ નહિ કરું." આજે ત્રણ વર્ષ પછી મિહિર ફરીથી એ જ જગ્યાએ મહેક ને પ્રોમિસ આપી રહ્યો હતો.
" હું જાણું છું મિહિર! તુ મને ક્યારેય પણ ભૂલી ના શકે.પરંતુ એક વાર તો મારી સાથે સરખી રીતે વાત કરી હોત.હું તારી સાથે દરરોજ વાત કરવા માટે તડપી રહી હતી પણ તને ફોન લાગતો જ નહતો.તુ તો મને છોડીને ક્યાંય દૂર ચાલ્યો ગયો હતો......" આટલું બોલતા તો મહેક ત્યાં ઢળી પડી.
" મહેક ....મહેક...." મિહિર મહેકને ઉઠાંડવાનો પ્રયત્ન કરવા લાગ્યો.તે ઝડપથી મહેકને લઈને હોસ્પિટલ પહોંચ્યો.
ડૉ.મહેકને તપાસી બહાર આવ્યા એટલે મિહિર ઝડપથી ડૉ.પાસે પહોંચ્યો.
" મહેક કેમ છે સર?" મિહિર મહેકની કન્ડીશન જાણવા ઉતાવળો હતો.
" અત્યારે તો થોડી દવા અને ઇન્જેક્શન આપ્યું છે.હવે એ હોંશમાં આવે પછી ખબર પડે તેની સાચી સ્થિતિ વિશે!"ડૉ.મિહિર ને શાંત પાડતા કહ્યું.
મિહિરે ડૉ.ને જે કાંઈ બન્યું હતું એ વિશે જણાવી દીધું હતું મિહિરને લાગતું હતું કે મહેક હવે એકદમ સારી થઈ ગઈ છે કારણ કે મહેકને બધું જ યાદ આવી ગયું હતું.પરંતુ તે આમ અચાનક જ બેભાન થઇ ગઇ એટલે મિહિર થોડો ડરી ગયો હતો.
થોડી વાર પછી મહેકને હોશ આવ્યો એટલે ડૉ અને મિહિર બન્ને તેની પાસે ગયા.મિહિર તેની બાજુમાં બેઠો અને તેના માથા પર હાથ ફેરવતા પૂછ્યું,
" કેમ છે તને હવે, મહેક?"
" આ કોણ છે ?" મહેક મિહિર તરફ આંગળી ચીંધી ડૉ.ને પૂછી રહી હતી.
ડૉ. કે મિહિર હજુ કાઈ બોલે એ પેહલા ફરી મહેકની આંખો બંધ થઈ ગઈ. મિહિર તો મહેકનું આવું વર્તન જોઈને ડઘાઈ જ ગયો. હમણાં તો હજુ તેને બધું યાદ આવી ગયું હતું અને અત્યારે અચાનક જ ફરીથી પોતે તેની માટે અજાણ્યો વ્યક્તિ બની ગયો હતો.ડૉ. મિહિરની પરિસ્થિતિ સમજી શકતા હતા એટલે તેઓ મિહિરને બહાર લઈ ગયા.
" ઘણા કેસ માં આવું બનતું હોય છે કે થોડીવાર માટે પેશન્ટ ની મેમરી પાછી આવી જાય અને થોડા ટાઈમ પછી તે ફરીથી તેના વિશે ભૂલી જાઈ. તુ મહેકને એ સ્થળે લઈ ગયો હતો જ્યાં તેની જિંદગીની સૌથી ખૂબસૂરત પળો વિતાવી હતી અને હજુ પણ ક્યાંકને ક્યાંક એના દિલોદિમાગમાં એ પળો છુપાયેલી છે એટલે જ ફરી એ સ્થળ પર જતા એ તાજી થઈ ગઈ અને મહેકને બધું યાદ આવી ગયું પરંતુ અત્યારે તેના મગજની સ્થિતિ સાવ નાજુક છે અને મગજ પર વધારે પ્રેસર આવવાને કારણે તે બેભાન થઈ ગઈ હતી. અમે અત્યારે હવે તેના મગજના રીપોર્ટસ કરીશું પછી તેની સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવશે.પરંતુ હું જાણું છું પરિસ્થિતિ ગમે તેવી હશે તો પણ તુ બધું સંભાળી જ લઈશ." ડૉ.મહેતા એ મિહિરને મહેકની પરિસ્થિતિ સમજાવતા તથા હિમ્મત આપતા કહ્યું.
મિહિર અત્યારે કાઈ પણ બોલી શકવાની હાલતમાં નહતો તેણે ફક્ત માથું હલાવી હા પાડી.
રીપોર્ટસ આવી ગયા હતા અને ડૉ.એ મિહિરને કહ્યું હતું કે કદાચ હવે ક્યારેય મહેકની મેમરી પાછી નહિ આવે.અને તેને વારંવાર યાદ અપાવવાની કોશિશ કરવાથી કદાચ મહેકનો જીવ જવાની પણ સંભાવના હતી.

"ડૉ.તમે મને કહ્યું નહિ, કે હમણાં જે મારી પાસે બેઠા હતા એ કોણ હતું એમ ?" મહેકે ભાનમાં આવ્યા પછી ફરીથી ડૉ.ને મિહિર વિશે પૂછ્યું.
" હિ ઇઝ યોર હસબંડ!"ડૉ.એ એકદમ સરળતાથી કહ્યું.
ડૉ. હજુ મિહિર વિશે આ કેહતા હતા ત્યાં જ મિહિર દવા લઈ રૂમમાં આવ્યો અને ડૉ.જે બોલ્યા હતા એ પણ તેણે સાંભળ્યું. મિહિરે પ્રશ્રાર્થ ના ભાવ સાથે ડૉ. સામે જોયું અને ડૉ.એ આંખના પલકારા સાથે જે કહ્યું છે એ સાચું જ છે એ જણાવ્યું.
" હસબંડ?? પણ મને કેમ કાઈ યાદ નથી?" મહેકે યાદ કરવાનો પ્રયત્ન કરતા કહ્યું.
" હજુ થોડા ટાઈમ પેહલા જ તમારા મેરેજ થયા છે.અને એક કાર અકસ્માત થવાને કારણે તારી યાદદાસ્ત જતી રહી છે, પણ થોડા સમયમાં જ બધું સારું થઈ જશે." ડૉ.એ મહેકના મનમાં આખી પરિસ્થિતિ બેસાડી દીધી.
થોડા દિવસ હજુ મહેકની ટ્રીટમેન્ટ ચાલુ રહે એમ હતું ત્યાં સુધીમાં મિહિરે મહેકના પરિવાર વિશે માહિતી મેળવવાની કોશિશ કરી.મિહિરને અચાનક જ નેહા યાદ આવી ગઈ એ મહેકની સારી એવી ફ્રેન્ડ હતી અને મહેકના પરિવારને પણ ઓળખતી હતી. મિહિરે કેટલો પ્રયત્ન કરી નેહાનો નંબર મેળવી લીધો અને તેને કોલ કરી મહેકની ફેમિલી વિશે પૂછ્યું પરંતુ છેલ્લા અઢી વર્ષ થી તેઓ બીજે શિફ્ટ થઈ ગયા હતા અને પછીથી નેહા નો પણ કોઈ કોન્ટેક્ટ તેમની સાથે થયો હતો નહિ.
ડૉ.મહેતા એ જણાવ્યું હતું કે હવે કાલે મિહિર મહેકને ઘરે લઈ જઈ શકશે.મિહિર આટલી વાતથી જ ખુશ હતો.મિહિરે નક્કી કરી લીધું હતું કે હવે તે મહેક સાથે નવી જિંદગી ની શરૂઆત કરશે.
મિહિર ડૉ.મહેતાની ચેમ્બરમાં બેઠો હતો. મહેકના ડીસચાર્જની બધી પ્રોસેસ પૂરી થઈ ગઈ હતી. મિહિર ઊભો થયો અને ડૉ.પાસે જઈ વાંકા વળી આશીર્વાદ લીધા,
" અંકલ, મને આશીર્વાદ આપો કે હું મહેકને ખુશ રાખવાની બધી કોશિશમાં સફળ બનું."
ડૉ. ઊભા થયા અને મિહિરને ગળે લગાવી લીધો.અને કહ્યું,
" ભૂલ એક જ વાર થાય પણ તેનું પરિણામ બહુ મોટું આવે છે. એ તો તે જોઈ જ લીધું. મને ખબર જ છે હવે તારાથી આ ભૂલ બીજી વાર તો નહિ જ થાય."
" ખૂબ ખૂબ આભાર તમારો અંકલ! મને મારી મહેક સાથે ફરીથી મળાવા માટે." મિહિર ડૉ.ના ખભે માથું મૂકી નાના બાળક જેમ રડી પડયો.
" અરે ગાંડા!બસ બસ!! આમ કોઈ રડતું હશે.મહેક તને આમ જોશે તો તેને થશે તેનો પતિ જો કેવો નાના બાળક જેમ રડે છે!! જા હવે ઝડપથી મહેક ક્યારની તેના નવા ઘરે જવા માટે તૈયાર થઈને બેઠી છે. હજુ તુ ન્યૂ મેરીડ છે એટલે તને એક ટીપ આપું, વાઇફ ને ક્યારેય વેઈટ કરવો ન ગમે એટલે તેમને બહુ રાહ જોવડાવી નહી. પછી તેમને મનાવી એટલે જમીન આસમાન એક કરવા જેટલું જ અઘરું!" ડૉ.મહેતાએ હસતા હસતા કહ્યું.
આ સાંભળી મિહિર પણ હસી પડ્યો.
ડૉ.મેહતા ગેટ સુધી મિહિર અને મહેકને મૂકવા માટે ગયા. મિહિર અને મહેકે કારમાં બેસતા પેહલા ડૉ.ના આશીર્વાદ લીધા તે બન્નેના મનમાં ડૉ.મહેતાની છબી એક પિતા તરીકેની હતી. મિહિર અને મહેકે હાથ ઊંચો કરી ડૉ.એ આવજો કહ્યું અને તેમની કાર દિલ્હી જવા માટે નીકળી ગઈ.
ડૉ.મહેતા પણ હાથ ઊંચો કરી આવજો કેહતાં એક નવ યુગલને જિંદગીની એક નવી શરૂઆત કરવા માટે જતાં જોઈ રહ્યા!!!!!!!!!





Thank you
*****