The Next Chapter Of Joker
Part – 30
Written By Mer Mehul
જુવાનસિંહ ડૉક્ટર બહાર આવે તેની રાહ જોતા હતા એટલામાં તેનો ફોન રણક્યો. જુવાનસિંહે મોબાઈલ હાથમાં લઈને ડિસ્પ્લે પર નજર કરી. એ જૈનીતનો કૉલ હતો.
“બોલો જૈનીત” જુવાનસિંહે કૉલ રિસીવ કરીને કહ્યું.
“તમારા પર હુમલો થવાનો છે જુવાનસિંહ…સચેત રહેજો..” જૈનીતે કહ્યું.
“શું ?, મારા પર હુમલો ?” જુવાનસિંહે ચોંકીને કહ્યું.
“હા…, હસમુખને તમારાં બધા જ એક્શનની ખબર છે. અંદરનો જ કોઈ માણસ ફુટેલો છે” જૈનીતે કહ્યું.
“સમજ્યો…” જુવાનસિંહે કહ્યું, “એટેક રાકેશ પર નહિ પણ મારા પર થયો છે”
“શું ?, તમારાં પર એટેક થયો છે ?” જૈનીતે પૂછ્યું, “તમે સલામત છો ને ?”
“હા.. હું ઠીક છું..” જુવાનસિંહે કહ્યું, “પણ મારી ટીમ સલામત નથી”
જુવાનસિંહે પૂરો ઘટનાક્રમ કહી સંભળાવ્યો.
“મતલબ એ વોર્ડબોયયે બંને પર ગોળી ચલાવી ?” જૈનીતે કહ્યું, “જો વોર્ડબોય પહેલેથી જ ત્યાં હાજર હતો તો તમે હોસ્પિટલમાં જવાનો છો એ વાત પહેલેથી તેઓને ખબર હશે”
“હા.. પણ મારી ટીમ સિવાય કોઈને આ વાતની ખબર નથી” જુવાનસિંહે કહ્યું.
“રાકેશ આ સમયે હોસ્પિટલમાં હશે એની જાણકારી જાણી જોઈને આપવામાં આવી હોય એવું બની શકે” જૈનીતે તર્ક કાઢ્યો, “તમને કોઈ ફસાવવા માંગે છે જુવાનસિંહ”
“પણ કોણ ?” જુવાનસિંહે પોતાને જ પ્રશ્ન પૂછ્યો હોય એવી રીતે કહ્યું.
“એ તો તમારે જ શોધવું પડશે” જૈનીતે કહ્યું, “મને જાણકારી મળી છે એ મુજબ થોડા દિવસોમાં એક મોટી ડિલ થવાની છે. હસમુખ આ ડિલ પછી થોડો સમય અન્ડર ગ્રાઉન્ડ થઈ જશે એનો મને ડર છે એટલે આપણે આ ડિલ પહેલા જ હસમુખને બાનમાં લેવો પડશે”
“શું કરવું એ મને નથી સમજાતું..” જુવાનસિંહે કહ્યું.
“હું કાલે અમદાવાદ આવું છું” જૈનીતે કહ્યું, “હવે મારાથી નહિ રહેવાતું”
“હા.. એ જ સારું રહેશે..” જુવાનસિંહે કહ્યું. ઓપરેશન રૂમનો દરવાજો ખુલ્યો.
“પછી વાત કરું…” કહેતાં જુવાનસિંહે ફોન કટ કરી દીધો અને ઊભા થઈને ડૉક્ટર પાસે પહોંચ્યા.
“ચિંતા કરવાની જરૂર નથી” ડૉક્ટરે કહ્યું, “અમે ગોળી કાઢી લીધી છે પણ ગળામાં ગોળી લાગવાને કારણે તમારો ઑફિસર થોડા દિવસ બોલી નહિ શકે અને તેને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે એટલે બે દિવસ તેને વેન્ટીલેટર પર રાખવા પડશે”
“થેંક્યું સો મચ ડૉક્ટર..” જુવાનસિંહે ડૉક્ટરનો આભાર માન્યો.
“ઇટ્સ માય ડ્યુટી ઇન્સ્પેક્ટર…” જુવાનસિંહનાં ખભે હાથ રાખીને ડૉક્ટરે કહ્યું અને તેઓ વોર્ડ તરફ ચાલ્યાં.
જુવાનસિંહ પણ વિચારમગ્ન અવસ્થામાં યંત્રવત રીતે ડૉક્ટરનાં કેબિન તરફ ચાલ્યાં. જુવાનસિંહ કેબિનમાં પ્રવેશ્યાં ત્યારે ચંદ્રસિંહ ઝા કોઈની સાથે મોબાઈલ પર વાતો કરી રહ્યો હતો.
“જી સર….હા…જણાવી દઉં છું….જય હિંદ સર…” કહેતાં ચંદ્રસિંહ ઝાએ ફોન કટ કરી દીધો. ત્યારબાદ તેઓ જુવાનસિંહ તરફ ફર્યા.
“તમારા માટે એક બેડ ન્યૂઝ છે ઑફિસર…” ચંદ્રસિંહ ઝાએ કહ્યું, “તમને આ કેસ પરથી હટાવવામાં આવે છે અને તમારાં પર ઇન્કવાઇરી બેસારવામાં આવે છે..”
“વૉટ…!” જુવાનસિંહ ચોંકી ગયા, “પણ શા માટે ?”
“એ હેડક્વાર્ટર જઈને પૂછજો…મને ઉપરથી ઓર્ડર મળ્યા છે”
જુવાનસિંહનાં ખભા ઝૂકી ગયાં. કોઇએ એકસાથે જ પુરા શરીરમાંથી તાકાત નિચોવી લીધી હોય એવી રીતે જુવાનસિંહ બાજુમાં રહેલી ખુરશી પર બેસી ગયા. ચંદ્રસિંહ ઝા જુવાનસિંહ પાસે આવ્યો અને તેઓનાં ખભે હાથ રાખી, સહાનુભૂતિ દર્શાવીને બહાર નીકળી ગયો.
ચંદ્રસિંહનાં બહાર નીકળ્યા બાદ જુવાનસિંહે ફોન હાથમાં લીધો અને એક નંબર ડાયલ કર્યો, કૉલ હજી કનેક્ટ નહોતો થયો એ પહેલાં જ જુવાનસિંહે કૉલ કટ કરી દીધો. આગળ શું કરવું એ જુવાનસિંહને સમજાતું નહોતું, તેઓ નતમસ્તક થઈને ઉભા થયા અને પૂર્વવત વિચારમગ્ન અવસ્થામાં જ બહાર તરફ ચાલ્યાં.
સહસા જુવાનસિંહનો ફોન રણક્યો. જુવાનસિંહ ડિસ્પ્લે પર જોયું તો ‘શુભ ચિંતક’ લખેલું હતું.
“હેલ્લો…” જુવાનસિંહે કૉલ રિસીવ કરીને કહ્યું.
“એક ખબર આપવાની હતી…” સામે છેડેથી અવાજ આવ્યો.
“બોલો…”
“તમારા ડિપાર્ટમેન્ટનો જ કોઈ માણસ તમારો દુશ્મન છે…”
“એ તો મને ખબર છે…પણ કોણ છે એ ?”
“વૈશાલીને મળો…” કહેતાં કૉલ કટ થઈ ગયો.
“હેલ્લો…હેલ્લો…” જુવાનસિંહ બોલ્યા પણ સામે સાંભળવાવાળું કોઈ નહોતું.
*
બીજા દિવસની સવારે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ઑફિસરોનો મેળો ભરાયો હતો. હેડક્વાર્ટરથી કમિશનર બી.એમ. સોલંકીની પુરી ટીમ આવી હતી. વચ્ચે એક ખુરશી પર જુવાનસિંહ બેઠા હતા અને તેને ફરતે બધા ઑફિસરો જુવાનસિંહને ઘેરીને ઉભા હતાં. છેલ્લી દસ મિનિટથી બધા જુવાનસિંહને પ્રશ્નો પૂછી રહ્યા હતાં પણ જુવાનસિંહે એકપણ સવાલનો જવાબ નહોતો આપ્યો.
“બોલો જુવાનસિંહ…તમારી હાજરીમાં બે વ્યક્તિને ગોળી મારવામાં આવી છે, તમારો એક કાબેલ ઇન્સ્પેક્ટર અત્યારે મરણ પથારીએ પડ્યો છે..., એ પહેલાં પણ CTM માં આવી જ ઘટનાં બની હતી, જેમાં એક વ્યક્તિનું મર્ડર થયું હતું અને તમારો એક કૉન્સ્ટબલ ઘાયલ થયો હતો. તમારાં બીજા બે કૉન્સ્ટબલ પણ કાલે રાત્રે ગાયબ થઈ ગયા છે. આ બધી ઘટના માટે કોણ જવાબદાર છે ?” આખરે કમિશનર સોલંકીએ પૂછ્યું.
“હું અત્યારે એક પણ સવાલનાં જવાબ નહિ આપી શકું સર…મને માફ કરશો” જુવાનસિંહ એક જ રટણ પકડીને બેઠા હતાં.
“માફી માંગવાથી પરિણામ બદલાય નથી જવાના જુવાનસિંહ…મારે પણ ઉપરી અધિકારીને જવાબ આપવો પડે છે…હું શું કહું તેઓને ?”
“સર…હું તમારી સાથે એકાંતમાં વાત કરવા ઈચ્છું છું” જુવાનસિંહે કહ્યું. કમિશનરે બધા ઓફિસરો તરફ ઊડતી નજરે જોયું. કમિશનરનો ઈશારો સમજીને બધા બહાર નીકળી ગયા.
“હવે બોલો…”
“આપણાં ડિપાર્ટમેન્ટમાં તેઓનો કોઈ ખબરી છે જે મારી બધી જ વાતો તેઓનાં સુધી પહોંચાડે છે” જુવાનસિંહે કહ્યું, “અત્યાર સુધીમાં જેટલી પણ ઘટનામાં મને નિરાશા મળી છે તેની પાછળનું કારણ જ આ છે.. મને કોઈ લીડ મળે છે એટલે હું એ સસ્પેક્ટને ઇન્ટ્રોગેટ કરવાનો પ્લાન બનાવું છું, હું ત્યાં પહોંચું એ પહેલાં એ લોકોને બધી જ જાણ થઈ જાય છે એટલે તેઓ પણ તૈયાર રહે છે..”
“તમે જે કહો છો એનું કોઈ સબુત છે તમારી પાસે ?”
“હા સર…” કહેતાં જુવાનસિંહે મોબાઈલ હાથમાં લીધો. ખુશાલે જે વીડિયો જૈનીતને મોકલ્યો હતો એ વીડિયો જૈનીતે જુવાનસિંહને મોકલ્યો હતો. જુવાનસિંહે એ વીડિયો પ્લે કર્યો.
“સર મારી પાસે હજી બે લીડ છે…મને પરમિશન આપો..હું થોડા સમયમાં જ કેસ સોલ્વ કરી દઈશ..” જુવાનસિંહે વિનંતી ભર્યા શબ્દોએ કહ્યું.
“સૉરી જુવાનસિંહ…આ કેસ તો ઓલરેડી ચંદ્રસિંહ ઝાને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. તમારે બધી ફાઈલો અને એવિડન્સ તેઓને સુપ્રત કરવાના છે”
“પણ સર…” જુવાનસિંહ આગળ ન બોલી શક્યા.
“હું તમારી કોઈ મદદ નહિ કરી શકું જુવાનસિંહ” કમિશનર સોલંકીએ કહ્યું, “એક સલાહ જરૂર આપીશ…જો તમારી પાસે લીડ હોય તો તમે અંદર ખાને તપાસ કરી શકો છો”
“અને મારા પર જે ઇન્કવાઇરી બેઠી છે એનું ?”
કમિશનર સોલંકી હળવું હસ્યાં,
“ઈમાનદાર ઓફિસરો પર જ ઇન્કવાઇરી બેઠે છે જુવાનસિંહ અને પોલીસ ડિપાર્ટમેન્ટને ઈમાનદાર ઑફિસરની તાતી જરૂર છે” કમિશનરે કહ્યું, “તમે ઇન્કવાઇરીની ચિંતા ના કરો…એ બધું હું જોઈ લઈશ”
“થેંક્યું સર..”કહેતાં જુવાનસિંહ ઉભા થયાં.
“બેસ્ટ ઓફ લક…”કમિશનરે કહ્યું.
ત્યારબાદ જુવાનસિંહે કેસની બધી ફાઈલો અને એવિડન્સ ચંદ્રસિંહ ઝાને સોંપી દીધાં અને એક અઠવાડિયાની લિવ લઈને કેસની તપાસ કરવા નીકળી ગયાં.
*
ચંદ્રસિંહે ઝાએ પુરી ત્રણ કલાક કેસ સ્ટડી કરવામાં પસાર કર્યા હતાં. ત્યારબાદ તેઓએ અમુક નિર્ણયો લીધાં હતાં. જુવાનસિંહની ટીમમાંથી અત્યારે સ્ટેશનમાં માત્ર ચાવડા જ હાજર હતો. ચાવડા ગઈ કાલે બપોર પછી રજા પર હતો એટલે કદાચ એ બચી ગયો હતો. રમીલા અને બીજો કૉન્સ્ટબલ રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા હતા. બંનેને શોધવા માટે એક ટીમ તૈયાર કરવામાં આવી હતી.
“ચાવડા..” ચંદ્રસિંહ ઝાએ કહ્યું, “પેલાં છોકરાને ગિરફ્તાર કરી લે..શું નામ છે એનું..” કહેતાં ઝાએ ફાઈલમાં નજર કરો, “અવિનાશ…”
“પણ સાહેબ કોર્ટે એને નિર્દોષ જાહેર કરેલો છે..” ચાવડાએ કહ્યું.
“મેં તારી પાસે મંતવ્ય નથી માંગ્યું…ઓર્ડર આપું છું” ચંદ્રસિંહે કડક અવાજે કહ્યું.
“જી સાહેબ…” ચાવડાએ ડોકું ધુણાવીને કહ્યું.
“અને હવે તારા સાહેબ બદલાય ગયા છે એટલે મગજની જગ્યાએ હાથપગ ચલાવવાનું રાખજે…”
ચાવડાનો ચહેરો લાલઘૂમ થઈ ગયો, પણ એ કશું બોલ્યો નહીં.
“અને આ રમણિક શેઠનાં ભત્રીજા આરવને પણ ઈટ્રોગેટ કરવાની વ્યવસ્થા કરો..”
“જી સાહેબ..” ચાવડાએ હકારમાં ડોકું ધુણાવ્યું અને બહાર નીકળી ગયો.
*
“હું નરોડા વિસ્તારમાં છું…તમે ક્યાં છો ?” જુવાનસિંહે કોલમાં જૈનીતને પૂછ્યું.
“ઠક્કરનગર એપ્રોચ…” જૈનીતે કહ્યું.
“શટલ કરીને આ બાજુ આવી જાઓ…હું રાહ જોઉં છું” જુવાનસિંહે કહ્યું.
“સારું”
બંને બાજુથી કૉલ કટ થઈ ગયા એટલે જુવાનસિંહે પોતાનાં કામમાં ધ્યાન આપ્યું. ઓમકાર મેડિકલ સ્ટોર સામે જ હતો એટલે જુવાનસિંહ ત્યાં પહોંચી ગયા. સ્ટોર પર અત્યારે પાર્થ બેઠો હતો. જુવાનસિંહ અત્યારે ફ્રી ડ્રેસમાં હતા તો પણ પાર્થ જુવાનસિંહને ઓળખી ગયો હતો જેથી તેનાં ચહેરા પર ડરનાં ભાવ પ્રગટ થઈ ગયા.
“પછી કોઈનો કૉલ આવ્યો હતો ?” જુવાનસિંહે પૂછ્યું.
“ના સર..”
“બરાબર…વૈશાલીની દુકાન ક્યાં છે ?”
“મારી સાથે ચાલો…” કહેતાં પાર્થ ઉભો થયો.
“એક મિનિટ…પેલાં મારી વાત સાંભળ…” કહેતા જુવાનસિંહે તેને ફરી ખુરશી પર બેસારી દીધો, “વૈશાલી સામે તારે મારી ઓળખાણ એક હવસખોર તરીકે કરાવવાની છે, જે ઘણા સમયથી સેક્સ કરવા માટે ભૂખ્યો છે”
“ઠીક છે સર…હું એમ જ કહીશ…”
“અને બીજી વાત, વૈશાલી પાસેથી તેનાં બીજા સાથીઓ વિશે માહિતી મેળવવાની છે…જેમાં કોડ નંબર ચાર અને છ વિશે પૂછવાનું છે”
પાર્થે હકારાત્મક ઢબે માથું ધુણાવ્યું.
“ચાલ હવે…” જુવાનસિંહે કહ્યું. પાર્થ બહાર નીકળીને આગળ ચાલ્યો, જુવાનસિંહ તેની પાછળ ચાલવા લાગ્યા. આગળ થોડી દુકાનો પાર કરીને પાર્થ ઉભો રહ્યો અને જુવાનસિંહને આંખો વડે ઈશારો કરીને દુકાન બતાવી. જુવાનસિંહે પણ તેને અંદર જવા ઈશારો કર્યો.
પાર્થ દુકાનમાં પ્રવેશ્યો. જુવાનસિંહ પણ.
બંને જ્યારે દુકાનમાં પ્રવેશ્યાં ત્યારે વૈશાલી કોઈ સ્ત્રીનાં ચહેરા પર ક્રીમ લગાવી રહી હતી. વૈશાલી દેખાવે સુંદર હતી, તેનાં શરીરનાં વળાંકો અને ઉભારો નજરે આવીને ચોંટે એવા હતાં. અત્યારે તેણે લાલ રંગનો બોડીફિટ ડ્રેસ પહેર્યો હતો. પાર્થને અંદર આવતા જોઈ વૈશાલીનાં હાથ થંભી ગયા. સાથે વૈશાલીએ જુવાનસિંહ પર પણ ઊડતી નજર ફેરવી.
“પાર્થ…” વૈશાલીએ લહેકો લઈને કહ્યું, “તું કેમ અહીં ?”
“કામ હતું થોડું…તમે ફ્રી થાઓ એટલે કહો” પાર્થે જુવાનસિંહ તરફ આંખો ત્રાંસી કરીને કહ્યું.
“દસ મિનિટ રાહ જુઓ…” વૈશાલીએ મુસ્કુરાઈને કહ્યું.
“અમે બહાર ઉભા છીએ” કહેતાં પાર્થ બહાર ચાલ્યો. જુવાનસિંહ પણ તેની પાછળ બહાર ચાલ્યા.
દસેક મિનિટ પછી પેલી સ્ત્રી બહાર નીકળી એટલે વૈશાલીએ પાર્થને અંદર આવવા કહ્યું.
“બોલ હવે…શું કામ હતું ?” બંને અંદર ગયા એટલે વૈશાલીએ પૂછ્યું.
“આ મારા મિત્ર છે અને ઘણા સમયથી ભૂખ્યા છે…કંઈ સેટિંગ થતું હોય તો…” પાર્થે કહ્યું.
“ઉંમર પ્રમાણે ભાવ જુદા જુદા છે…તારા મિત્રનું બજેટ કેટલું છે એ પૂછી લે…”
પાર્થે જુવાનસિંહ સામે જોયું.
“કિંમતની ચિંતા ના કરો….મજા આવવી જોઈએ..” જુવાનસિંહે હસીને કહ્યું.
“સાંજે દસ વાગ્યે મને આ નંબર પર ફોન કરજો” કહેતાં વૈશાલીએ કાચ પાસે રહેલું પોતાનું વિઝિટિંગ આપ્યું.
“સારું…”કહેતા જુવાનસિંહે પાર્થને કોણી મારી.
“બીજું કહો…કેમ થોડા દિવસથી દવા લેવા નથી આવતા ?” પાર્થે જુવાનસિંહનો ઈશારો સમજીને વૈશાલીને પૂછ્યું.
“પાર્થ…” વૈશાલીએ જુવાનસિંહ તરફ ઈશારો કરીને કહ્યું.
“એની ચિંતા ના કરો…વાત બહાર નહીં ફેલાય…” પાર્થે કહ્યું.
“થોડા દિવસથી મંદી છે…ઓર્ડર નથી આવતાં” વૈશાલીએ કોર્ડવર્ડમાં કહ્યું.
“પેલાં ચાર અને છ નંબરવાળા તો અઠવાડિયામાં બે વાર આવે છે” પાર્થે હવામાં તીર માર્યું.
“કોણ બલર ?” વૈશાલીએ કહ્યું.
“ગુડ પાર્થ…” જુવાનસિંહે પાર્થની પીઠ થાબડીને કહ્યું, “હવે તું જઈ શકે છે”
જુવાનસિંહની વાત સાંભળીને વૈશાલીએ આંખો ઝીણી કરી.
“કોણ છો તમે ?” વૈશાલીએ પૂછ્યું.
“પોલીસ…” જુવાનસિંહે કહ્યું.
“શું.. પોલીસ ?” વૈશાલીએ હેતબાઈને કહ્યું. ડરને કારણે તેનાં પગ ધ્રુજવા લાગ્યા.
“હા અને મને તારા વિશે બધી જ ખબર છે…કેવી રીતે તું રાકેશ શર્માને મળી અને રાકેશ શર્માએ તને કોની સાથે મેળવી એ બધી જ…”
“ઓહ…” વૈશાલી હળવું હસી, “તો તમે પણ મારી સાથે સોદો કરવા આવ્યા છો …!, કેટલા દિવસ તમારા નીચે સુવું પડશે મારે ?”
જુવાનસિંહે હાથ ઊંચો કર્યો અને વૈશાલીનાં ગાલ પર ચાંપી દીધો…સટાક અવાજ સાથે વૈશાલીનો ચહેરો બીજી તરફ ફરી ગયો.
“તમે લોકો આ જ કરી શકો…” વૈશાલીએ રડતાં રડતાં કહ્યું, “જે લોકોને મારવાના છે એને સુરક્ષા આપો છો અને જેને સુરક્ષા આપવાની હોય એને મારો છો”
“તારું આ નાટક મારી સામે નહિ ચાલે…મેં તને પહેલા કહ્યું કે મને તારા વિશે બધી જ ખબર છે…તું ભલે ચાલાક હોય પણ હું તારી જાળમાં નથી ફસાવવાનો…” જુવાનસિંહે કડક અવાજે કહ્યું. વૈશાલીએ રડવાનું બંધ કરી દીધું.
“હા.. હું જ ધંધો કરાવું છું અને પુરૂષોને ફસાવું છું…શું કરી લેશો તમે ?” વૈશાલીએ પણ એ જ ભાવે કહ્યું.
“તું કોને ફસાવે એની સાથે મને કોઈ મતલબ નથી…તું જે છોકરીઓની જિંદગી બરબાદ કરે છે એ તારો ગુન્હો છે…” જુવાનસિંહે કહ્યું, “શા માટે કરે છે આવું ?, તું પણ એક સમયે એ અવસ્થામાંથી પસાર થઈ જ હતીને…તને દયા નથી આવતી એ લોકો પર ?”
વૈશાલીનો ચહેરો પડી ગયો. હવે તેની આંખોમાંથી રીતસરનાં આંસુ ટપકવા લાગ્યાં.
“મને માફ કરશો સાહેબ…મેં તમને પણ બીજા પોલીસવાળાની જેમ હવસખોર સમજ્યા હતાં” વૈશાલીએ કહ્યું, “અને તમે જે ડિપાર્ટમેન્ટમાંથી આવો છો એ જ ડિપાર્ટમેન્ટ આનો વધુ લાભ ઉઠાવે છે તો દયાની વાત રહેવા દો..”
“કોણ છે એ ?, નામ આપ મને…આજે જ એની વરદી ઉતરી જશે” જુવાનસિંહે ક્રોધાવેશમાં કહ્યું.
“નામ નથી ખબર…” વૈશાલીએ કહ્યું, “મને અજાણ્યા નંબર પરથી કૉલ આવ્યો હતો અને જો મેં તેઓની વાત ન માની તો જેલમાં પુરીને આજીવન કારાવાસની સજા આપશે એવું કહ્યું હતું”
“અને તે માની લીધું ?”
“ત્રણ દિવસ મારી દુકાનની આજુબાજુ પોલીસની જીપ ફરતી હતી સર…” વૈશાલીએ આવેશમાં આવીને કહ્યું, “એક રાત્રે તો એ લોકો મારા ઘરે પણ પહોંચી ગયા હતાં…મારે શું કરવું પછી ?”
“સમજ્યો…” જુવાનસિંહે શાંત થતાં કહ્યું, “બલર વિશે શું જાણે છે ?”
“વધારે તો નહીં પણ મારાથી પણ વધુ ચાલાક છે એટલી ખબર છે મને” વૈશાલીએ કહ્યું, “બનાવટી કહાની બનાવતાં સારું આવડે છે એને”
“બલર સાથે રમણિક શેઠને પણ તું ઓળખતી જ હશેને ?, એ પણ તારા સાથીદાર જ છે ને ?”
“હું બલરને જ ઓળખું છું અને આમ પણ અમે લોકો કામથી કામ રાખીએ એટલે મળવાનું ભાગ્યે જ થતું હોય છે” વૈશાલીએ કહ્યું.
“સારું…” જુવાનસિંહે કહ્યું, “તારી સાથે એ લોકો ડિલ કેવી રીતે કરે છે ?”
“જે દિવસે ડિલિવરી આપવાની હોય એનાં બે દિવસ પહેલાં એક માણસ મારી દુકાને આવીને માહિતી આપી જાય છે, બે દિવસમાં હું બધી વ્યવસ્થા કરી લઉં છું અને ત્યારબાદ એક બસ આવીને છોકરીઓને લઈ જાય છે”
“અને આ છોકરીઓને ક્યાં છુપાવે છે તું ?”
“શાંતાનાં બંગલે..” વૈશાલીએ કહ્યું, “પણ દસ દિવસથી શાંતા ગાયબ છે એટલે બધા સાથે સંપર્ક તૂટી ગયો છે”
“સારું…” જુવાનસિંહે કહ્યું, “હવે કોઈ આવે તો મને ફોન કરજે અને બીજા કોઈ પોલીસવાળા આવે તો પણ..”
“જરૂર…” વૈશાલીએ કહ્યું.
જુવાનસિંહ બહાર તરફ ચાલવા લાગ્યા.
“એક મિનિટ..” વૈશાલીએ જુવાનસિંહને અટકાવ્યા. જુવાનસિંહે પાછળ ફરીને જોયું.
“હું તમને ભાઈ કહી શકું ?” વૈશાલીએ સસ્મિત પૂછ્યું.
જુવાનસિંહે પણ સ્મિત કર્યું અને બહાર નીકળી ગયાં.
(ક્રમશઃ)