The Next Chapter Of Joker - Part - 29 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 100

    ભાગવત રહસ્ય-૧૦૦   આ શરીરને સ્પર્શ કરવાથી કાંઇ આનંદ મળતો નથી,...

  • ખજાનો - 67

    "હર્ષિત...! પેલાં દિવસે..તે કાગળનો ટુકડો તું કેમ સંતાડતો હતો...

  • જીવન એ કોઈ પરીકથા નથી - 1

    જીવન એ કોઈ પરીકથા નથી ( ટુંકી ધારાવાહિક)આજે બે વર્ષ થયા મમ્મ...

  • એન્ડ્રોઇડ ૧૫ રોલ આઉટ

    ગૂગલ દ્વારા પોતાની સેલ ફોન કંપની પીક્સેલના યુઝર્સ માટે એન્ડ્...

  • કર્મ

    કર્મ   गर पग चले नित सत पथ , और सच बोले मुख ।  हस्त करे सत्क...

શ્રેણી
શેયર કરો

The Next Chapter Of Joker - Part - 29

The Next Chapter Of Joker

Part – 29

Written By Mer Mehul
જુવાનસિંહ બરાબરનાં ફસાયા હતાં. એક તરફ જીપ પાછળથી કોઈ અજાણ્યો શખ્સ આડેધડ ફાયરિંગ કરતો હતો અને બીજીબાજુ અંદરથી પણ એક ગોળીનો ધડાકો થયો હતો. જુવાનસિંહ દુવિધામાં મુકાયા હતાં. અંદર કોને અને કોના પર ફાયરિંગ થયું હતું એ જુવાનસિંહ નહોતાં જાણતાં પણ થોડીવાર પહેલા હિંમત અંદર ગયો હતો એટલે ત્યાં કોઈ મુશ્કેલી સર્જાઈ હશે એવું જુવાનસિંહે અનુમાન લગાવ્યું. જુવાનસિંહને અંદર જવું હતું પણ જીપ બરાબર લોબી સામે જ હતી. જો જુવાનસિંહ બહાર આવે તો તેને ગોળી લાગવાની જ હતી. એ સમયે એક સાથે ત્રણ અવાજ જુવાનસિંહનાં કાને પડ્યા. પહેલો અવાજ દરવાજામાં પ્રવેશતી એમ્બ્યુલન્સનો હતો, બીજો અવાજ અંદરથી થયેલા બીજા ધડાકાનો હતો, ધડાકા સાથે જ હિંમતની ચીખ પણ જુવાનસિંહને સંભળાય. એમ્બ્યુલન્સ બરાબર લોબી પાસે આવીને ઊભી રહી. હવે જુવાનસિંહ અને સામેનાં અજાણ્યા શખ્સ વચ્ચે એમ્બ્યુલન્સ હતી.
જુવાનસિંહ મોકો વર્તીને લોબીમાં દોડ્યા. જુવાનસિંહ જે તરફથી અવાજ આવ્યો હતો એ તરફ આગળ વધ્યા. ડો. કેવડિયાનાં કેબિનનો દરવાજો ખુલ્લો હતો. જુવાનસિંહ સીધા કેબિનમાં ઘુસી ગયાં. જુવાનસિંહે જ્યારે કેબિનની અંદરનું દ્રશ્ય જોયું ત્યારે તેઓની આંખો ફાટી ગઈ.
કેવડિયાની ખુરશી પાસે રાકેશ ચત્તે-પાટ પડ્યો હતો. તેનાં માથે ચાંલ્લા જેવડું ગોળીનું નિશાન હતું, એ મૃત્યુ પામ્યો હતો. રાકેશની બાજુમાં જ ગળા પર હાથ રાખીને હિંમત પડ્યો હતો. તેનાં ગળામાંથી લોહી નીકળતું હતું. દર્દને કારણે એના મોઢામાંથી ધીમી સિસકારીઓ નીકળતી હતી.
“હિંમત…” જુવાનસિંહ દોડીને હિંમત પાસે પહોંચ્યા. હિંમતનાં ગળેથી તેનો હાથ દૂર કરીને જુવાનસિંહે પોતાનો રૂમાલ ત્યાં રાખીને રૂમાલ સહેજ દબાવ્યો. હિંમતે ફરી ચીખ પાડી.
“ડૉક્ટર…પ્લીઝ હેલ્પ…” જુવાનસિંહ જોરથી બરાડ્યા.
હિંમતે પોતાનો લોહીવાળો હોઠ જુવાનસિંહનાં સાથલ પર રાખ્યો અને હાથ બે વાર થપથપાવ્યો.
“તમે શાંત રહો હિંમત…બધું બરાબર થઈ જશે..” જુવાનસિંહે કહ્યું.
“વુ.. વુ.. વુ..” હિંમતે બોલવાની કોશિશ કરી પણ ગળામાં ગોળી લાગવાને કારણે તેનાં મોઢામાંથી હવા સિવાય કંઈ નહોતું નીકળતું.
“શું…વુ શું ?”
“વો.. વો..વોડ..બોય” હિંમતે તૂટક અને મરણીયા અવાજે કહ્યું.
“વોર્ડબોય ?” જુવાનસિંહે કહ્યું, “આ બધું વોર્ડબોયે કર્યું છે ?”
હિંમતે આંખો પલકાવીને હા પાડી.
“એ પછી જોઈ લેશું..” જુવાનસિંહે કહ્યું. એટલામાં એક વ્યક્તિ દરવાજો ખોલીને અંદર આવ્યો. એ ડૉક્ટર કેવડિયા હતો.
“ડૉક્ટર…હેલ્પ કરો…ગળા પર ગોળી લાગી છે”
“સિસ્ટર.. સ્ટ્રેચર લઈ આવો” કેવડીયાએ મોટા અવાજે કહ્યું અને હિંમત પાસે દોડી આવ્યો. હિંમતનાં ગળેથી રૂમાલ હટાવીને કેવડીયાએ ઘાવ તપાસ્યો.
“ટેબલ પરથી ફર્સ્ટએઇડ બોક્સ લઈ લો” તેણે જુવાનસિંહ તરફ ફરીને કહ્યું. જુવાનસિંહ ઊભા થયા અને ફર્સ્ટએઇડ બોક્સ લઈ આવ્યાં. એટલામાં એક સિસ્ટર સ્ટ્રેચર દોરીને લઈ આવી. કેવડિયાએ પ્રાથમિક સારવાર કરીને હિંમતને ઓપરેશન રૂમમાં લઈ જવાની સૂચના આપી.
“ડૉક્ટર…” કેવડિયા ઓપરેશન બહાર જવા ઊભા થયા એટલે જુવાનસિંહે તેને અટકાવ્યા.
“અત્યારે કશું ના કહી શકાય…રાહ જુઓ” કહેતાં કેવડિયા બહાર નીકળી ગયો.
જુવાનસિંહે માથાં પર હાથ રાખ્યો. એટલામાં જ એક સાથે ભરેભરખ ડગલાંઓનો અવાજ જુવાનસિંહનાં કાને પડ્યો. જુવાનસિંહે બારણાં તરફ ધ્યાન કર્યું. હેડક્વાર્ટર પરથી પોલીસ ફોર્સ આવી ગઈ હતી. જુવાનસિંહે રાહતનાં શ્વાસ લીધાં. પોલીસ ફોર્સમાં સૌથી આગળ ચંદ્રસિંહ ઝા હતો.
“આ બધું શું છે ઇન્સ્પેક્ટર ?” આવતાની સાથે જ ચંદ્રસિંહ ઝાએ જુવાનસિંહ પર શબ્દોનો મારો કર્યો, “હેડક્વાર્ટરને જાણ કર્યા વિના તમે એક્શન કેવી રીતે લઈ શકો છો ?”
ચંદ્રસિંહની વાત સાંભળીને જુવાનસિંહ સમસમી ઉઠ્યા, તેઓનો ચહેરો રતુમડો થઈ ગયો.
“સૉરી સર…પણ જો સામેથી કોઈ ફાયરિંગ કરે, ત્યારે હેડક્વાર્ટરની પરમિશન લેવા જઈએ ત્યાં સુધીમાં અડધી પોલીસ ફોર્સ આમ જ ખતમ થઈ જાય” જુવાનસિંહે કટાક્ષમાં કહ્યું.
“એ તો આમ પણ ખતમ થઈ ગઈ છે” ચંદ્રસિંહ ઝાએ કહ્યું, “એનો જવાબ કોણ આપશે ?”
જુવાનસિંહ ચૂપ થઈ ગયા.
“અને આ ડિરેક્ટરનાં મૌતની જવાબદારી કોણ લેશે ?” ચંદ્રસિંહ ઝાએ કહ્યું.
“હું અત્યારે કોઈ જવાબ નહિ આપી શકું સર…મારા બે કૉન્સ્ટબલ ગાયબ છે અને એક ઇન્સ્પેક્ટરને ગળામાં ગોળી લાગી છે. મને તેઓની ફિકર છે, હું ઓપરેશન રૂમ બહાર રાહ જોઉં છું” કહેતાં જુવાનસિંહ બહાર તરફ ચાલવા લાગ્યા. જુવાનસિંહ ઓપરેશન રૂમની બહાર બેન્ચ પર બેસી ગયાં, બહાર જે વ્યક્તિ ફાયરિંગ કરતો હતો એ નાસી ગયો હતો એ વાત જુવાનસિંહ જાણતા હતા એટલે બહાર જવાનો કોઈ મતલબ નથી એની પણ તેઓને ખબર હતી. જુવાનસિંહ ડૉક્ટર બહાર આવે તેની રાહ જોતા હતા એટલામાં તેનો ફોન રણક્યો.
બીજી તરફ જુવાનસિંહનાં બહાર નીકળ્યા પછી ચંદ્રસિંહ ઝાએ નિઃસાસો નાંખ્યો,
“તમે લોકો બહારની વ્યવસ્થા કરો અને એક એમ્બ્યુલન્સ તૈયાર કરો. ત્યાં સુધીમાં હું બોડીની તપાસ કરી લઉં” ચંદ્રસિંહ ઝાએ કહ્યું. બધા સાથીદારોએ ડોકું ધુણાવ્યું અને બહાર નીકળી ગયાં.
*
ક્રિશા રૂમમાં પ્રવેશી એટલે મોહનલાલે બારણું વાસીને સ્ટોપર લગાવી દીધી.
“બેસો મેડમ…” મોહનલાલે હાથ વડે બેડ તરફ ઈશારો કરીને કહ્યું.
“ના.. પુરા દિવસની મુસાફરીમાં બેઠી જ છું” ક્રિશાએ બહાનું બનાવ્યું, “તમે બેસો…”
“અચ્છા.., ક્યાંથી આવો છો ?” મોહનલાલે બેડ પર બેસતાં કહ્યું.
“આમ તો હું અમદાવાદની છું પણ આજે દ્વારકાથી સુરત આવી છું” ક્રિશાએ કહ્યું.
“ઓહ…દ્વારકામાં પણ મોહન જ બેઠો છે..” મોહનલાલે હસીને કહ્યું, “અને મારું નામ પણ મોહન જ છે”
“ઓહહ..” ક્રિશા પણ હળવું હસી.
“તમારું નામ ?” મોહનલાલે પૂછ્યું.
“રાધા…” ક્રિશાએ પોતાની ખોટી ઓળખાણ આપી.
“રાધા-કિશન…એ પણ મોહનનું જ બીજું નામ છે નહિ…!” કહેતાં મોહન મોટેથી હસવા લાગ્યો. ક્રિશાને પણ પરાણે હસવું પડ્યું.
“મારી વાતો તો થઈ ગઈ…હવે તમારા વિશે કહો અંકલ…” ક્રિશાએ ‘અંકલ’ શબ્દ પર વધુ પડતો જ ભાર મુક્યો.
“અંકલ…!” મોહનલાલનો ચહેરો પડી ગયો, “અંકલ ના કહો મને…મને મારી વધતી ઊંમર સાથે એતરાજ છે. તમે મને મોહન જ કહો”
“સારું…હવે તમારા વિશે જણાવો…”ક્રિશાએ મુખ્ય મુદ્દા પર ધ્યાન આપ્યું.
“મારું નામ મોહનલાલ છે, સુરતમાં મારી ત્રણ હોટેલ છે અને તમે જે હોટેલમાં બેઠા છો એ હોટલ ખરીદ્યાને આજે એક મહિનો થયો છે” મોહનલાલે પોતાનો ખોટો પરિચય આપ્યો, “સુરતમાં મારા ત્રણ બંગલા છે જેમાંથી એક બંગલો દસ દિવસ પહેલા જ ખરીદ્યો છે અને હજી ત્યાં કોઈ નથી રહેતું”
“ઓહહ.. તો તમે આ હોટલનાં માલિક છો” ક્રિશાએ કહ્યું, “માલિક થઈને આ રૂમમાં રહેવાની શું જરૂર પડી ?, તમારાં માટે તો સ્પેશિયલ અને પર્સનલ રૂમ હશે ને ?”
“રૂમ તો છે પણ કદાચ આજે તમારી સાથે મુલાકાત થવાની હશે એટલે જ મેં આ રૂમમાં રહેવાનું વિચાર્યું” મોહનલાલ સિક્સર પર સિક્સર મારતો હતો.
“ઓહહ…” ક્રિશાએ શરમાવવાનું નાટક કર્યું.
સહસા મોહનલાલનો ફોન રણક્યો.
“એક જ મિનિટ હા…” કહેતાં મોહનલાલ ઉભો થયો અને બાલ્કની તરફ ચાલવા લાગ્યો. અહીં ક્રિશાએ મોકો વર્તીને ખુશાલને બધું બરાબર છે એવો મૅસેજ આપી દીધો. પાંચ મિનિટ પછી મોહનલાલ બાલ્કનીમાંથી અંદર આવ્યો.
“એય છોકરી…તારું નામ શું કહ્યું તે ?” મોહનલાલે વડકું ભર્યું.
“રાધા…” ક્રિશાએ કહ્યું અને એ પણ સચેત થઈ ગઈ.
“મારી સાથે ગેમ રમે છે તું ?” કહેતાં મોહનલાલ ક્રિશા તરફ લપક્યો. મોહનલાલે ક્રિશાનું ગળું પકડવા બે હાથ આગળ કર્યા પણ એ જ સમયે ક્રિશાએ હાથમાં ફટકા સાથે મોહનલાલનાં હાથને દૂર ધકેલ દીધા.
“આ શું કરો છો ?” ક્રિશાએ ડરીને કહ્યું, હકીકતમાં એ ડરવાનું નાટક કરતી હતી.
“તારું નામ ક્રિશા છે અને તું અહીં શા માટે આવી છે એની મને જાણ થઈ ગઈ છે” કહેતાં મોહનલાલે કમરે હાથ નાંખ્યો અને ચમકતી પિસ્તોલ બહાર કાઢી. ક્રિશાએ પોતાનાં બંને હાથ ઉપર કરી દીધાં.
“બોલ હવે…કોણે મોકલી છે તને ?” મોહનલાલે કડક અવાજે પૂછ્યું.
“તમારી કોઈ ભૂલ થાય છે મોહન…હું એ નથી જે તમે સમજો છો”
“નાટક કરવાનું બંધ કર છોકરી, હું કોણ છું એની તને ખબર નથી. મેં ઘણીબધી છોકરીઓની જિંદગી બરબાદ કરી છે અને તારી પણ કરીશ જ….એ પહેલાં તને કોણે મોકલી છે એ જણાવી દે નહીંતર અહીં જ મારી નાંખીશ”
“મોહન…” ક્રિશા જોરથી બરાડી જેથી તેનો અવાજ ખુશાલને સંભળાય, “મેં કહ્યુંને હું એ છોકરી નથી”
“તું એમ નહિ સમજે…” કહેતાં મોહનલાલે પિસ્તોલનાં ટ્રિગર પર આંગળી રાખી.
“ગોળી ના ચલાવતાં પ્લીઝ…” ક્રિશાએ આંખો બંધ કરીને કહ્યું, “ગોળી ના ચલાવતાં, હું બધું જ જણાવું છું”
“બકવા મંડ જલ્દી…” મોહનલાલે પિસ્તોલનું નાળચુ બે વાર હવામાં ઉપર-નીચે કરીને કહ્યું.
“મારું નામ ક્રિશા જ છે અને અહીં મને ખાસ કામ માટે મોકલવામાં આવી છે” ક્રિશાએ કહ્યું.
“ક્યાં કામ માટે ?”
“જે વ્યક્તિ સાથે તમારી ડિલ થાય છે એની જાસૂસી માટે…”
“કોણ હસમુખ ?” મોહનલાલે પૂછ્યું.
“હા.., હું તેની જાસૂસી કરું છું”
“તું હસમુખની જાસૂસી કેમ કરે છે અને તને આવું કરવાનું કોણે કહ્યું છે ?”
“એ હું નહિ જણાવી શકું”
“બોલે છે કે ?” કહેતાં મોહનલાલ ક્રિશાની નજીક સરક્યો અને ક્રિશાનાં કપાળ પર પિસ્તોલનું નાળચુ ટેકવી દીધું.
“બસ…આ જ ભૂલ તારી…” કહેતાં ક્રિશાએ મોહનલાલનાં બે પગ વચ્ચે લાત મારી, સાથે જ હાથથી સ્ફૂર્તિ બતાવીને મોહનલાલનાં જે હાથમાં પિસ્તોલ હતી, એ હાથનાં કાંડે ફટકો માર્યો. મોહનલાલનાં હાથ આપોઆપ તેનાં બે પગ વચ્ચે આવી ગયાં. મોહનલાલ નીચે ફસડાયો અને અંગ્રેજી આઠડો થઈને કણસવા લાગ્યો. ક્રિશાએ ફર્શ પર પડેલી પિસ્તોલ ઉઠાવી અને બારણાં તરફ દોડીને સ્ટોપર ખોલી નાંખી. સ્ટોપર ખુલતાની સાથે જ બારણાને ધક્કો લાગ્યો અને બારણું ખુલ્લી ગયું.
બહારથી ખુશાલ રૂમમાં પ્રવેશ્યો. અત્યાર સુધીમાં મોહનલાલ અને ક્રિશા વચ્ચે જે વાતચીત થઈ હતી એ બધી વાતો ખુશાલે સાંભળી હતી. એ દોડીને મોહનલાલ પાસે પહોંચ્યો અને ઉપરાઉપરી મોહનલાલનાં પેટમાં લાત મારવા લાગ્યો.
“ખુશાલ…” ક્રિશાએ ખુશાલને અટકાવતાં કહ્યું, “મારી નથી નાંખવાનો એને”
દસ મિનિટ પછી મોહનલાલ બેડ પર બેઠો હતો, તેની સામે ક્રિશા અને ખુશાલ ઊભા હતાં.
“કોણ છો તમે લોકો ?” મોહનલાલે પૂછ્યું. તેનો એક હાથ હજી પેટ પર હતો.
“એ તારે જાણવાની જરૂર નથી” ખુશાલે કહ્યું, “અત્યારે મારા સવાલનાં જવાબ આપ”
“અને હું ના પાડું તો ?”
ખુશાલ હળવું હસ્યો. તેણે પોકેટમાંથી મોબાઈલ કાઢ્યો. મોબાઇલમાં ગેલેરી ખોલીને એક ફોટો બતાવ્યો. ફોટો જોઈને મોહનલાલનાં ચહેરાનો રંગ ઉડી ગયો.
“ચુ*યા સમજે છે અમને ?, તને શું લાગે અમે તારી પાસેથી વાત જાણવા માટે કરગરીશું..!, બકવા મંડ નહીંતર…”
“ના..મારી દીકરીને કંઈ ના કરતાં…હું બધું જણાવું છું” મોહનલાલ પોપટની જેમ બોલવા લાગ્યો.
“હા તો આ બધું કોણ અને કેવી રીતે કરે છે એ જણાવ”
“હસમુખ, ત્રણ વર્ષ પહેલાં છોકરીઓ બાબતે કાંડ થયો હતો એની તમને લોકોને ખબર જ હશે. એ કાંડમાં વિક્રમ દેસાઈ નામનો વ્યક્તિ એક્સપોઝ થયો હતો. ત્યારે કેમેય કરીને હસમુખ બચી ગયો હતો. બે વર્ષ સુધી એ અન્ડર ગ્રાઉન્ડ રહ્યો અને ત્યારબાદ તેણે ફરી એ જ કામ કર્યું. સુરતનાં લોકો જાગૃત થઈ ગયા છે એ વાતની જાણ તેને હતી એટલે તેણે અમદાવાદને ટાર્ગેટ કર્યું. જુનાં કોન્ટેક્ટ તો તેની પાસે હતા જ, એટલે તેણે ફરી પોતાનો ધંધો ફેલાવ્યો. ત્રણ મહિના પહેલા હસમુખ મને પહેલીવાર મળ્યો હતો, તેણે સુરતમાંથી છોકરીઓ ઉઠાવવાનું કામ મને સોંપ્યું હતું.
મહિનાની દર પંદર તારીખે એ અહીં આવે છે અને મારી સાથે ડિલ કરીને જતો રહે છે. કાલે પણ એ ડિલ કરવા આવવાનો જ હતો અને એટલે જ હું અહીં આવ્યો હતો. પણ થોડીવાર પહેલાં એનો કૉલ આવ્યો હતો અને આ છોકરી મારી જાસૂસી કરે છે એવું જણાવ્યું હતું અને ડિલ કેન્સલ કરી દીધી હતી”
“તું છોકરીઓને કેવી રીતે ઉઠાવે છે ?” ખુશાલે પૂછ્યું.
“ઘણા બધા રસ્તા છે, રૂપિયા માટે માણસ કંઈ પણ કરે છે અને હું આ વાતનો લાભ ઉઠાવું છું” મોહનલાલે કહ્યું.
“તારી દીકરીની ડિલ કરવી હોય તો કેટલા રૂપિયા મળે ?” ખુશાલે પૂછ્યું.
“મહેરબાની કરીને એવું ના બોલો…હું મારી દીકરીને ખૂબ જ પ્રેમ કરું છું” મોહનલાલ બે હાથ જોડીને કરગરવા લાગ્યો.
“તે ક્રિશાને હમણાં શું કહ્યું હતું ?, હજારો છોકરીની જિંદગી બરબાદ કરી છે એમ જ ને….એ કોઈની દીકરી નહોતી ?”
“ભૂલ થઈ ગઈ મારી…” કહેતાં મોહનલાલ નીચે જોઈ ગયો.
“ચુ….કોઈ કહે ત્યારે જ પોતાની ભૂલ સમજાય છે…જ્યારે રૂપિયા મળતાં હોય ત્યારે તો બે હાથ ફેલાવીને લઈ લો છો..” કહેતાં ખુશાલે મોહનલાલની છાતી પર લાત મારી, મોહનલાલ બેડ પરથી નીચે ફંગોળાઈ ગયો, “તું જીવવાને લાયક જ નથી”
“મહેરબાની કરીને મને બક્ષી દો…હું હવે કોઈ દિવસ આ કામ નહીં કરું” મોહનલાલ ઢસાડાઈ ખુશાલનાં પગ તરફ સરક્યો.
“ગોળી મારી દે ખુશાલ…” ક્રિશાએ દાંત ભીંસીને કહ્યું, “હમણાં મારી સાથે પણ એ એવું જ કરવાનો હતો..આવા હવસખોર કોઈ દિવસ નહિ સુધરે…”
ખુશાલે મોહનલાલનાં કપાળનું નિશાન લીધું અને ટ્રિગર પર આંગળી રાખી.
“મારી પાસે હસમુખની માહિતી છે…મને ના મારો પ્લીઝ..” બંને હાથ હવામાં ઉછાળીને મોહનલાલ બરાડ્યો.
“શું કહ્યું ?” ખુશાલે ટ્રિગર પરથી આંગળી લઈ લીધી.
“હા.. હસમુખ આગળ શું કરવાનો છે એ મને ખબર છે..” મોહનલાલે કહ્યું.
“શું કરવાનો છે હસમુખ ?”
“થોડા દિવસ પહેલા તેણે એક સાથે સો છોકરીઓ મુંબઈ મોકલી હતી, મહિનામાં એકવાર એ આ ડિલ કરે છે પણ આ વખતે એક જ અઠવાડિયામાં બે ડિલ થઈ છે એટલે બીજી છોકરીઓની વ્યવસ્થા માટે એ મહેનત કરે છે. આ કોઈ મોટી ડિલ છે એવું મને જાણવા મળ્યું છે. બીજી વાત, જુવાનસિંહ તેની પાછળ હાથ ધોઈને પડ્યા છે એ વાતની જાણ હસમુખને થઈ ગઈ છે અને એટલે જ આજે રાત્રે જુવાનસિંહ પર હુમલો કરવાનો તેણે પ્લાન બનાવ્યો છે”
“બીજું કંઈ ?” ખુશાલે પૂછ્યું.
“હા, જુવાનસિંહની બધી જ વાતો હસમુખ સુધી કોઈ અંદરનો વ્યક્તિ જણાવે છે, એ વ્યક્તિ કોણ છે એની મને ખબર નથી પણ જુવાનસિંહનાં એક એક એક્શનની ખબર હસમુખ સુધી પહોંચી જાય છે”
“ક્રિશા…” ખુશાલે ક્રિશા તરફ જોઈને કહ્યું, “જૈનીતને કૉલ લગાવીને માહિતી આપી દે”
“ઑકે…” કહેતાં ક્રિશા બહાર તરફ ચાલી.
“અને તું… બેડ પર બેસી જા અને હું વીડિયો રેકોર્ડિંગ શરૂ કરું એટલે પોતાનો ગુન્હો કબૂલ કર..” ખુશાલે કહ્યું.
“મેં બધું જણાવી તો દીધું..મહેરબાની કરીને હવે મને બક્ષી દો” મોહનલાલે ફરી હાથ જોડ્યા.
“એમ કેમ બક્ષી દઉં ?, એ લોકોનાં ગુન્હામાં તું સરખો ભગીદાર છે” ખુશાલે કહ્યું, “મારો વિચાર બદલાય એ પહેલાં ચુપચાપ બેડ પર બેસી જા નહીંતર…”
મોહનલાલ ચુપચાપ બેડ પર બેસી ગયો એટલે ખુશાલે વીડિયો રેકોર્ડિંગ શરૂ કર્યું. મોહનલાલ એક પછી એક પોતાનો ગુન્હો કબૂલ કરતો ગયો, જેમાં તેણે હસમુખ સાથે ક્યારે અને કેટલી છોકરીઓની ડિલ કરી, કાલે જે દિલ4થવાની હતી એ અને જુવાનસિંહ પર જે હુમલો થવાનો હતો એ બધી વાતો જણાવી.
મોહનલાલે પોતાની વાત પૂરી કરી ત્યાં સુધીમાં ક્રિશા વાત કરીને પાછી આવી ગઈ હતી. ત્યારબાદ બંનેએ મોહનલાલનાં હાથ-પગ બાંધી દીધાં અને એક દોરી બેડનાં પાયા સાથે બાંધી દીધી.
“અમે તારો આ વીડિયો જાહેર નથી કરવાનાં…સુરતમાં ફરી એ દહેશત અનુભવાય એવું અમે નથી ઇચ્છતાં…” ખુશાલે કહ્યું, “અમે બહાર નીકળીને પોલીસને જાણ કરીશું એટલે પોલીસ તને ગિરફ્તાર કરવા આવશે. તેઓની સામે પણ બધું સાચું જ બોલજે…અમે પોલીસ સુધી વીડિયો પહોંચાડી જ દઈશું એટલે જો તું જુઠ્ઠું બોલ્યો તો તારો આ વીડિયો વાઇરલ થઈ જશે અને પુરા સમાજમાં તારા પરિવારની બદનામી થશે. તું એવું નહિ ઇચ્છતો હોય એવું મને લાગે છે”
મોહનલાલે મૌન રહીને જ હકારાત્મક ઢબે માથું ધુણાવ્યું.
ખુશાલ અને ક્રિશાનું કામ હવે પતી ગયું હતું. બંને હોટલની બહાર નીકળ્યા. બહાર નીકળતી વેળાએ ખુશાલે રીસેપ્શન કાઉન્ટર પર ઊડતી નજરે ફેરવી. રીસેપ્શન લેડી કાઉન્ટર પર માથું ઢાળીને સુતી જ હતી.
બહાર આવીને ખુશાલે પેલો વીડિયો જૈનીતને સેન્ડ કરી દીધો. ત્યારબાદ બંને વેલેન્જા તરફનાં રસ્તે અગ્રેસર થઈ ગયાં.
(ક્રમશઃ)