Written By Mer Mehul
અંકિતાની આંખોનાં ખૂણેથી નીકળેલા આંસુ સુકાઈને ક્ષાર બની ગયાં હતાં. છેલ્લી બે મિનિટથી અંકિતાએ આંખો નહોતી પલકાવી. પોતે આ નર્કમાં ક્યાં સુધી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખશે એ પોતે પણ નહોતી જાણતી. તેનું કુર્તુ ગોઠણ સુધી ઉતરેલું હતું જેને ચડાવવા માટે તેને પરવાનગી નહોતી આપવામાં આવી. રહી રહીને એ પોતાની પારકી માંને મનમાં ગાળો આપી રહી હતી.
થોડી ક્ષણ બાદ ઓરડીનો દરવાજો ખુલ્યો. અંકિતા હજી વિચારોમાં જ ખીવાયેલી હતી. દરવાજા પર પચાસેક વર્ષનો પુરુષ મોઢામાં પાન ચાવતો ઉભો હતો. તેનાં માથામાં તાલ હતી, ચહેરા પર ગોળ દોરીવાળા ચશ્માં પહેરેલાં હતાં. સફેદ ધોતી અને પેરણ પરથી એ કોઈ શાહુકાર માલુમ પડતો હતો. તેણે આગળ ચાલીને ઓરડીનાં ખૂણામાં પાનની પિચકારી મારી અને અંકિતનાં પલંગ નજીક આવીને પેન્ટની ક્લિપ ખોલવા લાગ્યો. અંકિતાએ એ ચહેરા પર નજર ફેરવી. એ વ્યક્તિ તેનાં પિતાની સમક્ષ ઉંમરનો હતો. વ્યક્તિએ અંકિતા સામે જોઇને લુચ્ચું સ્મિત વેર્યું, જવાબમાં અંકિતાએ પોતાનો ચહેરો ફેરવી લીધો.
“શું નામ છે તારું છોકરી ?” એ વ્યક્તિએ પૂછ્યું.
અંકિતાએ કોઈ જવાબ ન આપ્યો.
“કેટલા વર્ષથી આ ધંધામાં છે તું ?”
અંકિતાએ ફરી કોઈ જવાબ ન આપ્યો. અંકિતાને મૌન જોઈને એ વ્યક્તિએ પોતાની વાત આગળ ધપાવી.
“હું રમણિક શેઠ છું…બે વર્ષ પહેલાં મારી પત્નીનું અવસાન થઈ ગયું છે એટલે હું ભૂખ્યો છું. ‘શિવરંજની એપાર્ટમેન્ટ’ માં મારી ભૂખ, મારી પ્યાસ બુજાશે એવું જાણવા મળ્યું એટલે હું આંટો મારવા પહોંચી ગયો. મને લાગ્યું હતું અહીં મારી ઉંમરની કોઈ સ્ત્રી ધંધો કરતી હશે પણ મારી ધારણ વિરુદ્ધ તારી ઊંમર તો માત્ર વિસ વર્ષની જ જણાય છે…હું ગલત નથી તો તું તારી ઈચ્છાથી આ કામ નથી કરતી. હું ઈચ્છું તો તને અહીંથી કાઢીને મારા બંગલામાં પત્નીનો દરજ્જો આપી શકું છું.. પણ એનાં માટે મારી બે શરત છે..પહેલી એ છે કે તું આ ધંધામાં કેવી રીતે આવી એની કહાની કહેવી પડશે અને બીજી શરત એ છે કે અત્યારે તારે મારી સામે સંપૂર્ણ નગ્ન થવું પડશે...”
શેઠની વાત સાંભળીને અંકિતનાં ચહેરા પર ગુસ્સાનાં ભાવ તણાઈ આવ્યાં. જો એનાં બસની વાત હોત તો અત્યારે જ શેઠને બે લાફા ચડાવીને, ધક્કો મારીને બહાર મોકલી દેત…પણ અત્યારે એ લાચાર હતી. તેણે માત્ર નકારાત્મક ઢબે માથું હલાવ્યું.
“ઠીક છે…તારી મરજી.” કહેતાં શેઠ આગળ વધ્યો. પોતાનું પેન્ટ નીચે ઉતારી એ અંકિતા પર ચડી ગયો. અંકિતાનું કોમળ શરીર એ વજન સહન નહોતું કરી શકું. અંકિતા આંખો મીંચી ગઈ. ફરી તેની આંખોમાં સુકાયેલાં આંસુ ભીનાં થઈ ગયાં.
અડધી કલાક પછી એ શેઠ ચાલ્યો ગયો હતો. અંકિતા હજી એ જ અવસ્થામાં પલંગ પર સૂતી હતી. તેનું શરીર દુઃખતું હતું. ફરીને તેને શેઠની વાત યાદ આવી…તું આ ધંધામાં કેવી રીતે આવી..!
અંકિતાએ આંખો બંધ કરી અને ભૂતકાળમાં ડૂબકી મારી.
અંકિતા ચૌદ વર્ષની હતી ત્યારે તેનાં મમ્મી બીમારીને કારણે મૃત્યુ પામ્યાં હતાં. પોતાની દીકરી તથા નાના દીકરાને માંનો છાંયડો મળી રહે એવી આશાએ અંકિતનાં પિતાએ બીજા લગ્ન કર્યા હતાં પણ તેઓનો આશાની વિરુદ્ધ તેની બીજી પત્ની ઉષા અંકિતા પર જુલ્મ કરવા લાગી. પોતાની સાથે લાવેલી અંકિતાની જ સમકક્ષ ઉંમરની ફોરમને એ લાડ-કોડથી ઉછેરતી અને અંકિતા પાસે ઘરનાં કામ કરાવતી. એ બધું તો ઠીક હતું પણ ત્રણ વર્ષ બાદ જ્યારે હાર્ટએટેકને કારણે અંકિતાનાં પિતાનું મૃત્યુ થયું ત્યારબાદ ઉષાએ હદ વટાવી દીધી હતી.
પોતાનાં પિતાનાં મૃત્યુનાં દસ દિવસ પછી જ એક વ્યક્તિ પોતાનાં ઘરે રહેવા આવ્યો.
‘આ તારાં નવા પપ્પા છે…’ એમ કહીને ઉષાએ તેની ઓળખાણ કરાવી હતી. અંકિતા ત્યારે અઢાર વર્ષની હતી. અંકિતા બેહદ ખુબસુરત હતી, કોઈ ફિલ્મની હિરોઇન પણ તેની પાસે ઝાંખી પડે એટલી એ ખુબસુરત હતી. યૌવનનાં ઉંમરે ઊભેલી અંકિતા એક રાત્રે જ્યારે પોતાનાં રૂમમાં સૂતી હતી ત્યારે અચાનક એ વ્યક્તિ તેનાં રૂમમાં ઘુસી આવ્યો અને અંકિતા સાથે બળજબરી કરવા લાગ્યો. અંકિતા ચિલ્લાઇ, મદદ માટે તેણે રાડો પાડી પણ તેને બચાવવાવાળું ત્યાં કોઈ હાજર નહોતું. બારણે ઊભેલી ઉષા હસતાં ચહેરે અંકિતા પર થતાં બળાત્કારને જોતી રહી.
ત્યારબાદ ‘પોતાનાં નાના ભાઈ પાર્થને સારું જીવન જોઈતું હોય તો વૈશ્યાનો ધંધો કરવો પડશે’ એવી શરત રાખીને ઉષા અંકિતાને આ નર્કમાં લઈ આવી. બસ એ જ દિવસથી ઘરમાં રોજ નવા મહેમાનોની અવરજવર શરૂ થઈ ગઈ હતી. ઘણીવાર અંકિતાને કોઈ ધનવાન વ્યક્તિ પાસે હવસ શમાવવા મોકલવામાં આવતી તો ઘણીવાર એક જ રાતમાં અંકિતાને આઠથી દસ હેવાનો નીચે સુવું પડતું.
પોતે અહીંથી નાસી છૂટવા ઇચ્છતી હતી પણ પોતાનાં નાના ભાઈ પાર્થને લઈને એ એકલી ક્યાં જશે એમ વિચારીને એ દિવસો પસાર કરતી. એકવાર તેણે પોલીસની મદદ લેવાનું વિચારેલું પણ જ્યારે એક ઉચ્ચ હોદ્દો ધરાવતો પોલીસવાળો આવીને તેનાં પર સૂતો ત્યારથી તેનો એ વિચાર માત્ર વિચાર બનીને જ રહી ગયો હતો.
રાતનાં ત્રણ થયાં હતાં. થોડીવાર પહેલાં જ ઉષા અંકિતાને સુઇ જવાનો હુકમ કરીને ગઈ હતી. આજે અગિયાર વાગ્યાં પછી સતત આઠ લોકોએ આવીને અંકિતાનાં શરીરને ચુથ્યું હતું. આવી હાલતમાં ઊંઘ તો દૂર, અંકિતા સરખી રીતે હલનચલન પણ નહોતી કરી શકતી. તેને અસહ્ય પીડા થઈ રહી હતી. પોતે કેવી રીતે આ કાદવમાંથી નીકળી શકશે એની તેને ખબર નહોતી પણ પોતે ભોળાનાથમાં અતૂટ વિશ્વાસ રાખતી હતી એટલે એક સમય એવો આવશે જ્યારે પોતે આ નર્કમાંથી બહાર નીકળશે એવો તેને વિશ્વાસ હતો.
એક હાથ ગાદલાં પર રાખી, તાકાત એકઠી કરીને એ હાથનાં સહારે તેણે પડખું ફેરવ્યું. તેનું શરીર અકડાઈ ગયું હતું, આત્મા વિનાનાં એ શરીરમાં જાન નહોતી રહી. અંકિતાએ આંખો બંધ કરી અને સુઈ ગઈ.
*
સવારનાં સાડા નવ થયાં હતાં. અવિનાશ વિજય ચોક AMTS પાસે બાઇક સ્ટેન્ડ કરીને તેજસની રાહ જોઈ રહ્યો હતો. રસ્તા પર વાહનોની અવરજવર સતત શરૂ હતી. થોડીવાર માટે સિગ્નલ લાલ થતો ત્યારે વાહનોની લાંબી લાઇન લાગતી અને સિગ્નલ ગ્રીન થતાં રેસમાં દોડતાં હોય એવી રીતે એકબીજાથી આગળ નીકળવા લોકો હોડ લગાવતાં હતાં. થોડીવાર થઈ એટલે બંસી અને મનીષા એક્ટિવા પર સવાર થઈને પહોંચ્યા.
“તેજસ હજી નથી આવ્યો ?” બંસીએ પૂછ્યું.
“તું પણ એની જ રાહે છે ?” અવિનાશ મજાકનાં મૂડમાં હતો, “એક કામ કર મનીષા…તું મારી પાછળ આવી જા…બંસી અને તેજસ સાથે આવશે….”
“ઓ ભાઈ…બસ હા..!, મારે એ ચીપકું સાથે નથી આવવું…તમે એને મારાથી દૂર રાખો એમાં જ તેની ભલાઈ છે...” બંસીએ સહેજ ગુસ્સે થતાં કહ્યું.
“એ ખેંચે છે તારી…શું તું પણ ગુસ્સો કરે છે….” મનીષાએ બંસીનાં હાથે ટાપલી મારીને કહ્યું.
“તું પણ સગાઈ કરી લે બંસી…મનીષા જેમ તને પણ કોઈ હેરાન નહિ કરે….” અવિનાશે કહ્યું.
“તારે મારી ચિંતા નથી કરવાની…અને અમે લોકો જઈએ છીએ…મારે થોડી બુક્સ લેવાની છે..અમે તમને કેમ્પસમાં મળી જશું.” બંસીએ કહ્યું. અવિનાશે હાથ વડે ઈશારો કર્યો એટલે મનીષાએ એક્ટિવા ચલાવી લીધી.
થોડીવાર અવિનાશે રાહ જોઈ પણ તેજસ હજી સુધી નહોતો આવ્યો. અવિનાશે તેજસને કૉલ લગાવ્યા પણ તેનો ફોન બંધ આવતો હતો. દસ વાગવામાં પાંચ મિનિટ બાકી હતી, જો તેજસ પાંચ મિનિટમાં ના આવે તો નીકળી જવું એમ વિચારીને અવિનાશે બાઇક સ્ટેન્ડ પરથી ઉતારી. સહસા અવિનાશની નજર સામેનાં AMTS સ્ટેન્ડ પર પડી. સ્ટેન્ડ પર એક છોકરી આવીને ઉભી રહી. તેણે બુરખો પહેરેલો હતો, જેને કારણે તેની આંખો સિવાય કશું જ નહોતું દેખાતું. એ છોકરીનું ધ્યાન જમણી બાજુએ આવતાં વાહનો પર હતું, કદાચ એ બસની રાહ જોઈ રહી હતી. એ છોકરી એ નજર ફેરવી એટલે તેની નજર અવિનાશ સાથે મળી. થોડીવાર માટે સમય ત્યાં જ થંભી ગયો. રસ્તા પરની અવરજવર પણ જાણે થંભી ગઈ હતી.
અવિનાશ તેની આંખોમાં ખોવાય ગયો હતો. એ છોકરીની સલીલ જેવી માંજરી આંખોની કીકી હરકત કરી રહી હતી. અવિનાશ આંખો પલકાવ્યા વિના તેને જોઈ રહ્યો હતો. કદાચ છોકરી ઓકવર્ડ ફિલ કરતી હતી એટલે તેણે નજર ફેરવી લીધી. સામે અવિનાશ બાધાની જેમ હજી તેને જ જોઈ રહ્યો હતો.
છોકરીએ બીજીવાર નજર ફેરવીને અવિનાશ સાથે આંખો ચાર કરી. અવિનાશે હળવું સ્મિત કર્યું પણ એ સ્મિત તેનાં ચહેરા પર દ્રશ્યમાન નહોતું થયું. અડધી મિનિટ માટે બંને એ જ સ્થિતિમાં એકબીજાને જોઈ રહ્યા. અવિનાશનાં દિલમાં મીઠી ધ્રુજારી ઉત્પન્ન થઇ. શું માત્ર આંખોને જોઈને પ્રેમ થઇ શકે ?, અવિનાશને પૂછો તો જવાબ ‘હા’માં મળશે.
સહસા કોઈએ અવિનાશનાં ખભે કોઈએ હાથ રાખ્યો એટલે અવિનાશનું ધ્યાનભંગ થયું.
(ક્રમશઃ)