Written By Mer Mehul
(પંદર દિવસ પહેલા)
“કેવો માણસ છે તું, એમ.એલ.એ.ની છોકરી તારાં પર આફરીન છે તો પણ તું ભાવ નથી આપતો….” તેજસે સિગરેટનો કશ ખેંચીને કહ્યું.
“બે…તું આ રોજનાં લેક્ચર ઝાડવાનું બંધ કરી દે. મારી લાઈફ છે..મારે કોને ભાવ આપવા અને કોને નહિ એ તારે ડીસાઇડ નથી કરવાનું.” અવિનાશે પોતાનાં સ્વભાવ મુજબ તીખાં અવાજે જવાબ આપ્યો.
“વાત વાતમાં ગુસ્સે કેમ થઈ જાય છે ?, બિચારા પાસે એક પણ છોકરી નથી અને તારી પાછળ લાઇન લાગે છે એટલે બળે છે એની...” બંસીએ તેજસની મજાક ઉડાવી.
“તું કેમ એનાં જોડે સેટ નથી થઈ જતી…એટલિસ્ટ મારે આની બકબક તો નહીં સાંભળવી પડે….” અવિનાશે કહ્યું.
“મને તો તું જ પસંદ છે અને આને તો મારાં ઘરમાં કામ કરતાં માસી પણ ભાવ ન આપે….” બંસીએ હસીને કહ્યું. તેજસનો ચહેરો કરમાઈ ગયો. તેજસ, બંસીને પસંદ કરે છે એ વાત તેનાં ગ્રુપનાં બધા જ મેમ્બરને ખબર હતી અને આ વાતને લઈને રોજ તેજસની મજાક ઉડાવવામાં આવતી.
“એ વાત છોડો….” તેજસે વાત બદલી, “રાકેશની વાત મળી ?”
“ના..હવે શું કર્યું એણે ?” અવિનાશે પૂછ્યું.
“નરોડા પાસે રાકેશ અને હેતલને ટ્રાફિસ પોલીસે રોક્યા હતાં, રાકેશની તો તમને લોકોને ખબર જ છે. પેલાં લોકોએ પાંચસોની પહોંચ આપી બાઇક છોડી દેવાની ઑફર આપી પણ રાકેશ ન માન્યો એટલે એ લોકોએ બાઇક ડિટેઇન કરી લીધી….”
“પછી શું થયું એ હું કહું….” અવિનાશે કહ્યું, “બીજા લોકોને પહોંચ લેતાં જોઈ રાકેશનો મિજાજ ગયો હશે અને ટ્રાફિક પોલીસ સાથે બબાલ કરી હશે.”
“થયું એવું જ હતું પણ બબાલ ટ્રાફિક પોલીસ સાથે નહિ, સીધાં RTO નાં મોટા ઓફિસર જે.જે. રબારી જોડે થઈ હતી. તેઓએ રાકેશને બીજા ગુન્હામાં અંદર કરી દેવાની ધમકી આપી. ગનીમત એ રહી કે હેતલ રાકેશ સાથે હતી. હેતલ રાકેશને અટકાવીને ત્યાંથી લઈ આવી.”
“રાકેશનું તો રોજનું થયું હવે.” તેજસ બોલ્યો, “એ કાયદાથી ચાલવાવાળો માણસ છે અને ખોટું થાય ત્યાં સહન નથી કરી શકતો.”
“એનાં વખાણ નથી કરવાના….” અવિનાશે તેજસની વાત કાપી નાંખી, “ગૃપમાં આવો….”
એટલામાં મનીષા એક્ટિવા લઈને આવી પહોંચી. રવિવારની રાત હતી, અમદાવાદનાં બાપુનગરમાં આવેલા ઇન્ડિયા કોલોનીનાં બ્રિજ પર બધાં ભેગા થયાં હતાં. રાતનાં દસ વાગ્યાં હતાં. બંસીએ મનીષાને બધી વાતથી માહિતગાર કરી અને ગૃપમાં આવવા કહ્યું.
‘The Game Is On…’ નામનું ગ્રૂપ કોલેજનાં પહેલાં વર્ષમાં ખુશી દ્વારા બનાવવામાં આવ્યું હતું. સમય સાથે તેમાં ક્રમશઃ અવિનાશ, તેજસ, બંસી, રોશની, હેતલ, મનીષા, આકાશ, રાજેશ અને પંક્તિ જોડાયા હતા. બધા કોલેજનાં બીજા વર્ષમાં હતાં.
‘રાકેશ….શું છે ભાઈ આ બધું..?’ તેજસે શરૂઆત કરી.
‘રહેવા દે તેજસ…તારી સાથે પણ બબાલ થઈ જઈ’ અવિનાશે આંખ મારતાં ઇમોજી સાથે મૅસેજ કર્યો.
‘શું થયું એ મને કોઈ જણાવશો….’ પંક્તિનો મૅસેજ આવ્યો.
‘અવિનાશ તને કંઈક કહે છે…’ બંસીએ મૅસેજ સેન્ડ કરીને અવિનાશ તરફ જોઈને આંખ મારી.
“મને શા માટે વચ્ચે લાવે છે…હવે એ પણ શરૂ થઈ જશે...” અવિનાશે ચીડ ભર્યા અવાજે કહ્યું.
“તું મજા લે ને…એ કંઈ નહીં બોલે...” બંસીએ કહ્યું.
‘હેતલ ક્યાં છે..?, RTO વાળા એને શોધે છે…’ મનીષાએ હસતાં ઇમોજી સાથે મૅસેજ કર્યો. તેનાં મૅસેજ પર વારાફરતી અવિનાશે, બંસીએ અને પંક્તિએ રિએક્શન આપ્યું.
એક મિનિટ સુધી ગ્રૂપ શાંત રહ્યું ત્યારબાદ હેતલે ગૃપમાં એક વીડિયો મોકલ્યો. બધાએ એ વીડિયો ડાઉનલોડ કરીને પ્લે કર્યો. એ વીડિયો, રાકેશે જે.જે. રબારી સાથે જે તસલ કરી હતી એનો હતો. જેમાં રાકેશ જે.જે. રબારી સાથે દલીલ કરતો હતો અને સામે જે.જે. રબારી રાકેશને ગાળો આપતો હતો. વિસ સેકેન્ડ બાદ એક ટ્રાફિક પોલીસ કોઈ વાહનચાલક પાસેથી રીશ્વત લેતો હતો તેનાં દ્રશ્ય હતાં.
‘હરામી સાલા...રીશ્વતખોરો…’ બંસીએ ગુસ્સામાં લાલ ઇમોજીવાળો મૅસેજ કર્યો.
‘આવા લોકોને એક્સપોઝ કરવા જોઈએ’ તેજસે લખ્યું. બંસીએ તેજસ સામે જોઈને સ્મિત વેર્યું.
‘હું આ વીડિયો વાઇરલ કરવાની છું…’ હેતલનો મૅસેજ આવ્યો.
‘ના..બબાલ થઈ જશે..આવું ના કરતી..’ મનીષાએ હેતલનો મૅસેજ ટેગ કરીને જવાબ આપ્યો.
‘તારું શું કહેવું છે અવી…?’ પંક્તિએ અવિનાશને ટેગ કર્યો. અવિનાશે બંસી સામે જોઇને ખભા ઉછાળ્યા.
“તું તારું કરને...” બંસીએ કહ્યું, “આવું કહી દે...”
“ના...” કહેતાં અવિનાશે મોબાઈલમાં ધ્યાન આપ્યું.
‘વાત નાનકડી છે…આવું તો રોજ થાય અને આપણે વીડિયો વાઇરલ કરીશું તો પણ કંઈ મળવાનું નથી....’
‘અવી ઇઝ રાઈટ….’ પંક્તિએ લખ્યું, ‘હું મારા પપ્પા સાથે વાત કરીને રાકેશની બાઇક છોડાવી લઈશ’
તેજસ જે એમ.એલ.એ.ની દીકરીની વાત કરતો હતો એ પંક્તિ જ જતી. ઘણીવાર આવા સંજોગોમાં પંક્તિએ પોતાનાં પપ્પા સાથે વાત કરીને કામ કઢાવેલું હતું એટલે આ કામ પણ તેનાં પપ્પા કરી જ દેશે એમ વિચારીને પંક્તિએ કહેલું.
“તને સારું લાગે એટલા માટે જ પંક્તિ આ બધું કરે છે.” તેજસે અવિનાશ તરફ ફરીને કહ્યું, “તું એનાં વિશે વિચારતો કેમ નથી ?”
“તેજસ સાચી વાત કહે છે…તારે એનાં વિશે વિચારવું જોઈએ.” બંસીએ પણ તેજસની વાતમાં સુર પરોવ્યો.
“તમે લોકો સમજતાં કેમ નથી… છેલ્લાં બે વર્ષમાં હું ચાર છોકરીઓ સાથે રિલેશનમાં રહ્યો છું અને ચારેય જોડે બ્રેકઅપ થઈ ગયા છે. મને કોઈની સાથે એવી ફીલિંગ્સ જ નથી આવી. પંક્તિ મારી સારી ફ્રેન્ડ છે. એને હું હર્ટ નથી કરવા ઇચ્છતો એટલે જ તેને હું ભાવ નથી આપતો….” અવિનાશે શાંત સ્વરે કહ્યું.
અવિનાશ પહેલાં કોઈ દિવસ આવી વાતો ના કરતો. કોઈ તેને સલાહ આપે એટલે તરત જ વાત કાપી નાંખતો. આજે અવિનાશે પોતાનાં મનની વાત કહી હતી એટલે બધાં સ્તબ્ધ થઈ ગયા, મૌન પણ.
“ચાલો ચાલો હવે નીકળીએ…મારાં ધણીનો હમણાં ફોન આવશે.” મનીષાએ એક્ટિવા પર સવાર થઈને કહ્યું.
“મારે પણ એસાઈમેન્ટ લખવાનાં છે….” તેજસે કહ્યું.
“ચાલ અવી…આપણે પણ નીકળીએ.” બંસીએ પણ કહ્યું.
અવિનાશે બાઇક સ્ટેન્ડ પરથી ઉતારી. બંસી તેની પાછળ બેસી ગઈ. તેજસ તિરછી નજરે બંસીને જોઈ રહ્યો હતો. બધાં ફ્રેન્ડ્સ ‘ગુડ નાઈટ’ કહીને છુટા પડ્યા.
*
અવિનાશ, જનકભાઈનો એકમાત્ર દિકરો હતો. અવિનાશ જ્યારે એ જન્મ્યો ત્યારે જ તેનાં મમ્મીનો સ્વર્ગવાસ થઈ ગયો હતો. પોતાની પત્નીનાં સ્વર્ગવાસ બાદ જનકભાઈએ બીજા લગ્ન નહોતાં કર્યા. અવિનાશ માટે મમ્મી કહો કે પપ્પા, બધું જ જનકભાઈ હતાં.
જનકભાઈને ઇન્ડિયા કોલોનીમાં પોતાની ગારમેન્ટની દુકાન હતી. તેઓની પાસે જમાપુંજી કહી શકાય એટલી મિલકતમાં શ્યામ શિખર પાસેની ‘રાધે-શ્યામ’ સોસાયટીમાં એક મકાન તથા રોકાણ માટે નરોડામાં એક મકાન હતું. બચાવેલી મૂડીમાં તેઓએ અવિનાશનાં નામ પર પાંચ લાખની એફ.ડી. કરાવેલી હતી જે તેઓ અવિનાશનાં લગ્ન માટે ઉપયોગમાં લેવા માંગતા હતાં.
પિતા અને પુત્રનાં સંબંધ પણ જનકભાઈ જેવાં જ મીઠાં હતાં. પોતાનાં દીકરા સાથે તેઓ દોસ્ત જેવો વ્યવહાર કરતાં હતાં. અવિનાશને પોતાનાં સપનાં પુરા કરવા માટે આકાશ પૂરું પાડતાં હતાં. અવિનાશ અઢાર વર્ષનો થયો એટલે તેઓએ અવિનાશનું ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવીને સ્પોર્ટ બાઇક પણ લઈ આપી હતી. ટૂંકમાં અવિનાશને પોતાનાં મમ્મીની યાદ આવે એવી પરિસ્થિતિ જનકભાઈએ ઉભી થવા નહોતી દીધી.
સાડા દસ થયાં હતાં. બંસી જે અવિનાશની પાડોશી તથા બાળપણની મિત્ર તેને ડ્રોપ કરીને એ ઘરે આવ્યો. અવિનાશ જ્યારે ઘરમાં દાખલ થયો ત્યારે જનકભાઈ ટીવીમાં CIDનો શૉ જોઈ રહ્યાં હતાં. અવિનાશને બારણે જોઈને તેઓએ ટીવી મ્યુટ કરી દીધી અને ઉભા થઈને અવિનાશ પાસે આવ્યાં. તેઓની આંખોમાં બનાવટી ગુસ્સો હતો.
“શું જુઓ છો ?, મને જોયો નથી કોઈ દિવસ ?” અવિનાશે બાઇકની ચાવી ટીવી પાસે રાખીને પૂછ્યું.
“ક્યાં મોઢું કાળું કરીને આવ્યો છે તું ?” જનકભાઈએ સહેજ ઊંચા અવાજે પૂછ્યું.
“મારું મોઢું ધોળું જ છે અને કાળું કરીને આવીશ ત્યારે તમને જણાવી દઈશ…અત્યારે મારી ખેંચવાની બંધ કરો…મને ભૂખ લાગી છે….”
“ઘડિયાળમાં જોયું….આ જમવાનો સમય છે ?” જનકભાઈએ પૂછ્યું.
“પપ્પા…બસ કરોને હવે…તમને આ બધું નથી શોભા દેતું….” અવિનાશે કંટાળાજનક અવાજે કહ્યું.
જનકભાઈ હળવું હસ્યાં…
“બાપ હોવાની ફરજ પણ નથી બજાવવા દે તો…કેવો છોકરો છે તું….” જનકભાઈએ હસીને કહ્યું.
“તમે..તમે…તમે મારાં પપ્પા છો….” કહેતાં અવિનાશ પણ હસી પડ્યો.
“હવે તું ખેંચવાનું બંધ કર…જલ્દી હાથ-મોં ધોઈ લે..હું ખાવાનું ગરમ કરું છું...” જનકભાઈએ કહ્યું, “અને બેન કહેતાં હતાં તું બપોરે પણ ટાઈમે નથી જમતો…જો બેટા તને સલાહ નથી આપતો પણ તારી ઊંમર મેં જીવી લીધી છે.. તારી ઉંમરે મન શાંત ન રહે એ વાજબી વાત છે…દુનિયાને કંઈક કરી બતાવવાની જીદમાં શરીર ન્યાય ન આપવો એ વાજબી વાત નથી. કાલથી ગમે તે કામ હોય એને પડતાં મૂકીને નિરાંતે જમી લેજે...”
“સૉરી પપ્પા….કાલથી ધ્યાન રાખીશ….” કહેતાં અવિનાશે કાન પકડ્યા અને બાથરૂમ તરફ ચાલ્યો. અવિનાશ એક જ વ્યક્તિની વાત કોઈ પણ સવાલ વિના સ્વીકારી લેતો અને એ તેનાં પપ્પા જનકભાઈ હતાં.
અડધી કલાક પછી જમવાનું પતાવીને બાપ-દીકરો બંને સોફા પર બેસીને શૉ જોઈ રહ્યાં હતાં. અગિયાર વાગ્યે CID નો નવો શૉ શરૂ થયો હતો, જેમાં નવો કેસ હતો. એ કંઈક આ મુજબ હતો –
એક છોકરીને જેલની જેમ ચાર દિવાલમાં કેદ રાખવામાં આવતી હતી. તેનાં પર જુલ્મ થતો હોય એવું બતાવવામાં આવતું હતું. એ છોકરી ખાવા-પીવાનો ઇન્કાર કરે તો તેને ચામડાનાં બેલ્ટ વડે મારવામાં આવતી હતી.
બીજા સીનમાં –
ગુમ થયેલી છોકરીનાં માતા-પિતા પોલીસ પાસે આજીજી કરતાં હોય એવાં દ્રશ્યો હતાં. બેરહમ પોલિસ એ અબળા છોકરીનાં માતા-પિતાને જલીલ કરીને ધકેલી રહી હતી.
ત્રીજા સીનમાં –
કોઈ બદમાશ ફોન પર છોકરીનાં માતા-પિતાને ધમકી આપી રહ્યો હોય એવાં દ્રશ્યો હતાં. બદમાશે છોકરી સામે પ્રેમનો એકરાર કર્યો હશે અને છોકરીએ ઇન્કાર કર્યો હશે, જેનાં લીધે અત્યારે તેને ગોંધી રાખવામાં આવી છે એવું પ્રતિમાન થતું હતું.
ચોથા સીનમાં –
દીકરી સાથે અપકૃત્ય થયું છે એ વાત છોકરીનાં માતા-પિતાને ફોનમાં જણાવવામાં આવી હતી, જેને કારણે તેઓ રડતાં હતાં અને આખરે એક રૂમની બારીમાંથી છોકરીનાં માતા-પિતાનાં પગ લટકતાં હોય એવો સીન બતાવવામાં આવે છે અને સીધી CID ટીમની એન્ટ્રી થાય છે.
“આ શું બાવાસીર છે પપ્પા…કંઈક સારું લગાવોને….” અવિનાશે કંટાળીને કહ્યું.
“તને શું વાંધો છે ?, રોજ તો તું આ શૉ જુએ છે….” જનકભાઇએ પૂછ્યું.
“આ કેસમાં કંઈ લેવાનું નથી, ટિમ એક કલાક મહેનત કરશે અને છેલ્લે ‘જેલ મેં હી સડતે રહેના…ફાંસી કાં ઓર્ડર આને તક..’ કહીને પૂરું કરી દેશે…પણ આગળ છોકરી પર શું વીતશે એ બતાવવામાં જ નથી આવતું…તેનાં માતા-પિતા મરી ગયા છે.. પોતાની જિંદગી બરબાદ થઈ ગઈ છે…આ બધું વિચારીને મને ચેન નહિ પડે…..”
જનકભાઈએ બીજી જ સેકેન્ડે ટીવીની ચેનલ બદલી નાંખી.
“તને આવું બધું ક્યાંથી જાણવા મળ્યું ?” ટીવીને મ્યુટ કરીને જનકભાઈએ પૂછ્યું.
“પપ્પા…હું વિસમાં વર્ષમાં છું…તમે મને બાળક ના સમજો હવે….” અવિનાશે કહ્યું, “અને આમ પણ અઠવાડિયામાં ત્રણવાર રેપનાં કિસ્સા છાપામાં છપાય છે, સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર થાય છે, ન્યૂઝ ચેનલવાળા અઠવાડિયા સુધી એકની એક હેડલાઈન બતાવે છે તો ખબર તો પડવાની જ ને..!”
“મારી વાત સાંભળ….” જનકભાઈએ સ્થિર પાણી જેવા શાંત અવાજે કહ્યું, “લોકો શું વિચારે છે, આપણી નજર સામે શું બને છે એની સાથે પોતાને કોઈ નિસ્બત ના હોવો જોઈએ…આપણે જે વિચારીએ છીએ તેને જ વળગીને રહેવાનું…તે અત્યારે જે વાત કહી એણે એ વાતની સાક્ષી પુરી છે કે મેં આપેલા સંસ્કાર ફોગટ નથી ગયાં. કોઈ પણ જગ્યાએ અન્યાય થાય તો ડર્યા વિના બેજીજ હાથ ઊંચો કરવાનો….અન્યાય થતો રોકવાનો…..”
“લોકો પોતાનાં સ્વાર્થ માટે કંઇ પણ કરી ગુજરે છે…સામેનાં પક્ષને કેટલું નુકસાન થાય છે.. એ નુકસાન ભરપાઈ થઈ શકશે કે નહીં એનો વિચાર સુધ્ધાં પણ નથી કરતાં…આપણે કોઈ પણ કદમ ઉઠવતાં પહેલાં સો વાર વિચાર કરવાનો....આપણાં કાર્યથી કોઈને નુકસાન ન થાય એ વાતની પહેલાં તકેદારી રાખવાની…જો તું તારામાં મગ્ન રહેતાં શીખી જઈશ તો દુનિયાનો કોઈ માણસ તને દુઃખી નહિ કરી શકે અને તું પણ કોઈને અડચણરૂપ નહિ બને….”
“હું તમારી વાત સમજુ છું પપ્પા… મેં આજસુધી એવું કોઈ કામ નથી કર્યું જેનાં કારણે મને અફસોસ થાય….તમને તો ખબર છે કે હું પોતાનાંમાં વ્યસ્ત રહેનારો માણસ છું…આ દુનિયાના, સમાજનાં.. આ સોસાયટીનાં કોઈ નિયમો હું નથી માનતો….હું પોતાનામાં જ ખુશ છું.”
“તારી પાસે આ જ આશા રાખી હતી….” કહેતાં જનકભાઈએ અવિનાશનાં માથે વહાલથી હાથ ફેરવ્યો, “રાત થઈ ગઈ છે…સુઈ જા હવે….”
અવિનાશ ઊભો થયો, ‘ગુડ નાઈટ’ કહીને એ પોતાનાં રૂમમાં ગયો. પોતે મનમોજીલો હતો એ વાતમાં શંકાને કોઈ સ્થાન નહોતું. પણ આવનારો સમય તેને એવી જગ્યાએ લાવીને ઉભો રાખી દેવાનો હતો જ્યાં તેણે બનાવેલા નિયમો એક સાથે ભંગ થઈ જવાના હતાં અને જે નિયમોનો એ વિરોધ કરતો હતો તેની સાથે સીધી બાથ ભીડવાનો વારો આવવાનો હતો. આવતી કાલે બનવાની એ ઘટનાંથી બેખબર અવિનાશ સોડ ખેંચીને આડું પડખું કરીને સુઈ ગયો.
(ક્રમશઃ)