Written By Mer Mehul
નવનીતભાઈ ચિંતિતમુદ્રામાં સોફા પર બેઠાં હતાં. તેની બાજુમાં બેઠેલાં સુમનબેનની હાલત પણ એવી જ હતી, સુમનબેન થોડાં સમયને અંતરે રડ્યા હતાં એટલે તેઓની આંખો સોજી ગઈ હતી. નવનીતભાઈની સામે તેનો બાવીશ વર્ષીય દીકરો આકાશ બેઠો હતો. તેની હાલત પણ નવનીતભાઈ જેવી જ હતી. ચાર દિવસ પહેલાંની ઘટનાંએ પુરા પરિવારની ખુશી એક ઝાટકે છીનવી લીધી હતી. એ દિવસે નવનીતભાઈની ચોવીસ વર્ષીય દીકરી મોક્ષા કૉલેજેથી પાછી નહોતી આવી એટલે તેઓએ તેણીને કૉલ લગાવ્યા હતાં પણ મોક્ષાનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. નવનીતભાઈએ મોક્ષાની સહેલીઓને ફોન લગાવ્યા ત્યારે ‘એ કોલેજેથી ઘરે જવા નીકળી ગઈ હતી’ એવું જાણવા મળ્યું.
જ્યારે સાંજનાં આઠ વાગ્યે પણ મોક્ષા ઘરે ન આવી ત્યારે નવનીતભાઈએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં જઈને મોક્ષાનાં ગુમ થયાંની ફરિયાદ લખાવી હતી. ત્યારબાદ નવનીતભાઈએ મોક્ષાને શોધવા પોતાનું એડી ચોંટીનું જોર લગાવ્યું હતું પણ મોક્ષાની કોઈ ભાળ નહોતી મળી. ચાર દિવસથી દીકરી ગાયબ હતી એટલે પરિવારનાં મગજમાં અમંગળ વિચારો આવતાં હશે એ વાતને શંકાને સ્થાન નથી. મોક્ષા અત્યારે ક્યાં અને કેવી હાલતમાં હશે એ વિચારીને નવનીતભાઈનું મગજ ભમવા લાગ્યું હતું. ઉપરથી સુમનબેનની બીમારીને કારણે નવનીતભાઈ વધુ ચિંતામાં ધકેલાયા હતાં.
સુમનબેનને માનસિક રોગ હતો. જ્યારે તેઓ મગજ પર વધુ જોર આપતાં, દુઃખી થતાં અથવા કોઈ અમંગળ ઘટનાં વિશે સાંભળતા ત્યારે તેઓ માનસિક સંતુલન ગુમાવી દેતાં, જેને કારણે તેઓ શું બોલે છે એની પોતાને જ સાધ ના રહેતી. છેલ્લાં ચાર દિવસમાં સુમનબેન સાથે આવું ઘણીવાર બન્યું હતું. ક્યારેક તેઓ દોડીને દરવાજે પહોંચી જતાં અને ‘થોડીવારમાં મોક્ષા આવે છે’ એવી રાડો પાડતાં, ક્યારેક હાથમાં દુધનો ગ્લાસ લઈને તેઓ મોક્ષાનાં રૂમમાં પહોંચી જતાં અને જ્યારે બહાર આવતાં ત્યારે મોક્ષાનું નામ લઈને રાડો પાડતાં. થોડીવાર પહેલાં પણ મોક્ષાનું નામ લઈને તેઓ રડ્યા હતાં. આકાશે તથા નવનીતભાઈએ મહામહેનતે તેઓને સમજાવીને શાંત કર્યા હતા.
“પપ્પા…હું મારી દોસ્તને મળવા જાઉં છું….તેનાં પપ્પા એમ.એલ.એ. છે. આપણે તેઓને વાત કરીશું તો મોક્ષાને શોધવા એ આપણી મદદ કરી શકશે.” આકાશે ઊભા થતા કહ્યું.
“સારું…સાચવીને જજે….” નવનીતભાઈએ વિચારમગ્ન અવસ્થામાં જ જવાબ આપ્યો. આકાશ દરવાજો ચીરીને બહાર નીકળી ગયો. બહાર આવીને તેણે પંક્તિને ફોન જોડ્યો હતો. પંક્તિ અને આકાશની મુલાકાત બસમાં મુસાફરી દરમિયાન થયેલી. આકાશ પોતાની જોબ પર જતો અને પંક્તિ કૉલેજે જવા એ જ બસ પકડતી.
આકાશે પંક્તિને ફોન પર બધી વાત જણાવી. આકાશની વાત સાંભળીને પહેલાં પંક્તિને ઝટકો લાગ્યો અને પછી મોક્ષાને શોધવા આકાશને પુરી મદદ કરશે એવું જણાવ્યું.
*
બાર વાગી ચૂક્યા હતા પણ મુસ્કાન હજી નહોતી આવી. છેલ્લી બે કલાકથી અવિનાશ બસ સ્ટોપ પર તેની રાહ જોઇને ઉભો હતો. એકવાર તેણે હિંમત હારી લીધી હતી અને આજે એ નહિ આવે એમ વિચારીને બાઇક પાસે પણ પહોંચી ગયો હતો પણ, પછી તેનો વિચાર બદલાયો એટલે ફરી એ તેની રાહ જોતો સ્ટોપ પર આવીને ઉભો રહ્યો હતો. થોડીવાર થઈ એટલે અવિનાશને ડાબી તરફથી એક બુરખાધારી છોકરી ચાલીને આવતી દેખાઈ. એ મુસ્કાન છે કે નહીં એ તપાસવા તેણે એ છોકરી સાથે આંખો મેળવી. અવિનાશનાં ચહેરા પર આપોઆપ સ્મિત વેરાય ગયું. એ મુસ્કાન જ હતી.
મુસ્કાન બસ સ્ટોપ તરફ જ ચાલી આવતી હતી. અવિનાશને જોઈને એ તેનાં તરફ આગળ વધી.
“તું મુસ્કાન જ છે ને..!” અવિનાશે મુસ્કાનનાં કહ્યા મુજબ તેણીને ‘તું’ કહીને સંબોધી.
“હું ના પાડું તો..!” મુસ્કાને કહ્યું.
“તો મારે બીજી બે કલાક રાહ જોવી પડશે….” અવિનાશે કહ્યું.
“તું બે કલાકથી મારી રાહ જોતો હતો ?” મુસ્કાને પૂછ્યું.
“ના…બે કલાક અને….” અવિનાશે કાંડા ઘડિયાળ પર નજર ફેરવી, “પુરી ચાલીસ મિનિટ.”
“તને ખબર હતી હું આવીશ જ..?” મુસ્કાને પૂછ્યું.
“ના…પણ મને વિશ્વાસ હતો…તું આવીશ જ….” અવિનાશે કહ્યું, “તે કહ્યું હતું એ મુજબ આપણી બીજી મુલાકાત થઈ ગઈ છે…હવે તો વાત આગળ વધી શકે છે ને….”
“વાત આગળ વધી શકે પણ અત્યારે મારી પાસે સમય નથી….” મુસ્કાનને કહ્યું, “જો તું ત્રણ વાગ્યે ફ્રી હોય તો આપણે અહીં જ મળીશું…હું તારી સાથે એક કલાક વાત કરી શકું છું.”
“નો પ્રોબ્લેમ…હું ત્રણ વાગ્યે તારી રાહ જોઇશ...” અવિનાશે કહ્યું, “હવે આપણી મુલાકાત ગોઠવાય જ રહી છે તો તારો નંબર અને તું શું કરે છે એ પણ જણાવી દે.”
“તને મારી આંખો પસંદ છે તો નંબર અને મારા પ્રોફેશન સાથે શું લેવા દેવા છે…મેં તને વાત કરવાની પરમિશન આપી છે, બીજી કોઈ નહિ.”
અવિનાશ બનાવટી હસ્યો.
“તને મન થાય ત્યારે જણાવજે બસ….” અવિનાશે કહ્યું.
“સારું બાય….” મુસ્કાને કહ્યું. તેની બસ આવી ગઈ હતી. એ બસમાં ચડીને નીકળી ગઈ. અવિનાશ બસ તેને જોતો જ રહ્યો.
પોણા ત્રણ થયાં હતાં. અવિનાશ હજી બસ સ્ટોપ પર જ ઉભો હતો. છેલ્લી ત્રણ કલાકથી એ મુસ્કાનની રાહ જોઈ રહ્યો હતો. તેનાં કોલેજ ગયેલાં બધા ફ્રેન્ડ્સ પાછા ઘરે પહોંચી ગયા હતાં પણ અવિનાશ બસ સ્ટોપ છોડીને એક મિનિટ માટે પણ ક્યાંય નહોતો ગયો. તેણે છેલ્લી ત્રણ કલાક મુસ્કાન સાથે શું શું વાતો કરવી એ જ વિચારોમાં પસાર કરી હતી.
ત્રણ વાગ્યાં એટલે એક બસ આવીને સ્ટોપ પર ઉભી રહી, તેમાંથી મુસ્કાન નીચે નીચે ઉતરી સાથે અવિનાશનાં ચહેરા પર પણ મુસ્કાન (સ્મિત) આવી ગઈ.
“તું ક્યાંય ગયો હતો કે અહીં જ ઊભો હતો….” મુસ્કાનને અવિનાશનો ચહેરો જોઈને કહ્યું. ભૂખને કારણે અવિનાશનો ચહેરો મુર્જાયેલો દેખાતો હતો પણ અવિનાશે સ્મિત દ્વારા એ ભાવને છુપાવવાની કોશિશ કરી હતી. મુસ્કાને તેને સવાલ પૂછ્યો એટલે અવિનાશે બે હાથ હવામાં ઉઠાવીને ખભા ઉછાળ્યા.
“પાગલ છે તું સાવ….” મુસ્કાને ખિજાઈને કહ્યું, “કોઈનાં માટે આટલું પગલપણું સારું નથી.”
“તું કદાચ વહેલાં આવી ગઈ હોય અને મને અહીં ના જુવે તો ચાલી જાય એ ડરથી હું નહોતો ગયો.” અવિનાશે કહ્યું.
“ચાલ નાસ્તો કરાવું તને…ભૂખ્યા પેટે ક્યાં સુધી રહી શકીશ ?”
“હા ચાલ…મને કકડીને ભૂખ લાગી છે...” અવિનાશે પેટ પર હાથ ફેરવીને કહ્યું. બાજુમાં જ પાણીપુરીની લારી હતી. મુસ્કાન અને અવિનાશ ત્યાં પહોંચી ગયા. મુસ્કાને એક ડિશ બનાવવા કહ્યું.
“તું નાસ્તો નહિ કરે ?” અવિનાશે પુછ્યું.
“ના…નાસ્તાનાં બહાને તું મારો ચહેરો જોઈ જાય તો..?” મુસ્કાને કહ્યું.
“તો એમાં શું પ્રોબ્લેમ છે ?”
“મને પ્રોબ્લેમ છે...”
“હું ફરી જઈશ….” અવિનાશે કહ્યું, “ભાઈ..બે ડિશ બનાવો.”
નાસ્તાની ડિશ આવી એટલે અવિનાશે પોતાનો ચહેરો મુસ્કાનથી વિરુદ્ધ દિશામાં ફેરવી લીધો. મુસ્કાને નાક સુધી નકાબ ઊંચો કર્યો અને પાણીપુરી આરોગી. ત્યારબાદ અવિનાશે પણ પાણીપુરીને ન્યાય આપ્યો. રૂપિયા ચૂકવતી વેળાએ અવિનાશે પહેલ કરી પણ મુસ્કાને બળજબરી પૂર્વક બિલ ચૂકવ્યું. ત્યારબાદ બંને ફરી બસ સ્ટોપ તરફ આવ્યાં.
“હવે આગળ…!” અવિનાશે ઉત્સાહિત અવાજે પૂછ્યું.
“શું આગળ….”
“તારે કંઈ કામ છે કે આપણે વાતો કરી શકીએ ?” અવિનાશે પૂછ્યું.
“તું કહે તો હું દસ મિનિટ વાત કરી શકું…વધુ સમય ઊભી રહી તો અમ્મી ખિજાશે….” મુસ્કાને કહ્યું.
“ઓહ…તો અત્યારે વાત નથી કરવી…તું ક્યારે ફ્રી રહે છે ?, આપણે ત્યારે મળીશું.” અવિનાશે કહ્યું.
“મને તો તારો નંબર આપ…જ્યારે મળવાનું થશે ત્યારે હું તને કૉલ કરીશ.” મુસ્કાને કહ્યું.
“નાઇન.. એઇટ…ટુ.. ફોર….” અવિનાશ બોલ્યો.
“એમ નહિ…કોઈ ચિઠ્ઠીમાં લખી આપ…મારી પાસે મોબાઈલ નથી...” મુસ્કાને હસીને કહ્યું.
અવિનાશે ફટાફટ પોતાનું બેગ ખોલ્યું અને એક ચોપડાનું પાછળનું પેજ લઈને પોતાનો નંબર લખી આપ્યો.
“હવે આવી રીતે રાહ ના જોતો…..” કાગળ લેતાં મુસ્કાને મીઠો ઠપકો આપ્યો, “જ્યારે મળવાનું થશે ત્યારે હું કોઈનાંમાંથી તને કૉલ કરીશ...”
અવિનાશે સસ્મિત સહમતીપૂર્વક ડોકું ધુણાવ્યું.
“હું છોડી જાઉં તને ?” અવિનાશે પૂછ્યું.
“ના….” મુસ્કાન એકદમથી બોલી, પછી તેણે પોતાનો ટોન બદલતાં કહ્યું, “મને કોઈ તારી સાથે જોઈ જશે તો પ્રૉબ્લેમ થશે…હું ચાલીને જ ચાલી જઈશ.”
“સારું…બાય….” અવિનાશે પૂર્વવત સ્મિત સાથે કહ્યું.
“એક મિનિટ….” મુસ્કાને કહ્યું, “તે હજી સુધી મારો ચહેરો નથી જોયો…તો પણ તું આટલો મક્કમ જણાય છે…મારો ચહેરો કદરૂપો હશે તો પણ આટલો મક્કમ જ રહીશને….”
“હા….” અવિનાશે એ જ મક્કમ અવાજમાં લહેકો લીધો, “મેં તને રંગ, રૂપ જોઈને પસંદ નથી કરી, મેં તારી આંખો જોઈને તારાં સ્વભાબનું અનુમાન લગાવ્યું છે. તને ખબર છે…માણસનો સ્વભાવ કેવી રીતે જાણી શકાય ?”
“વાતો પરથી…વ્યવહાર પરથી….”મુસ્કાને કહ્યું.
“એ તો છે જ…પણ આપણાં કિસ્સામાં એ ત્યારે નહોતું બન્યું એટલે મેં તારી આંખો પરથી તારાં સ્વભાવનું અનુમાન લગાવેલું. માણસની જીભ જેટલું નથી બોલતી એટલું તેની આંખો બોલે છે અને તારી આંખો મને ઘણું કહેવા માંગે છે….” અવિનાશે મુસ્કાનની આંખો સાથે આંખો મેળવી, એ સલીલ, શાંત અને અંદરથી ઉફાન લેતી આંખો ગજબ હતી, “તારી આંખો મને ઘણું કહેવા માંગે છે…પણ હજી સુધી તને મારા પર વિશ્વાસ નથી એટલે એ પણ ચૂપ છે…અને મને પણ કોઈ ઉતાવળ નથી. જ્યારે તને મારાં પર પૂરેપૂરો વિશ્વાસ આવી જાય ત્યારે જ તું આગળ વધજે….”
અવિનાશ બે શ્વાસનાં અંતરે બધું બોલી ગયો હતો. એ થોડું થોડું હાંફવા પણ લાગ્યો.
“થેંક્સ….” મુસ્કાન માત્ર આટલું જ બોલી. તેનાં ચહેરા પર સ્માઈલ હતી કે નહીં એ અવિનાશ નહોતો જોઈ શકતો, પણ તે આંખોમાં ગજબનું આશ્ચર્ય હતું એ અવિનાશને સાફસાફ દેખાય રહ્યું હતું.
“હું જાઉં હવે ?, લેટ થાય છે….” મુસ્કાને કહ્યું.
“બાય…હું તારા કૉલની રાહ જોઇશ...” અવિનાશે કહ્યું.
“હું પણ બનતી કોશિશ કરીશ….” કહેતાં મુસ્કાને હવામાં હાથ ઉછાળી ‘બાય’નો ઇશારો કર્યો અને પોતાની મંજિલ તરફ અગ્રેસર થઇ. મુસ્કાન બાપુનગર ચાર રસ્તા તરફ નીકળી હતી. ચાર રસ્તા પાસે આવીને તેણે શટલ રોકી અને તેમાં બેસીને નિકળી ગઈ. આ બધું અવિનાશે જોયું હતું,
એકવાર તેને મુસ્કાનનો પીછો કરવાનું મન થયું પણ હવે પીછો કરવો તેને યોગ્ય ન લાગ્યું એટલે એ વિચાર માંડીવાળીને એ પોતાનાં ઘર તરફ આગળ વધ્યો.
(ક્રમશઃ)