Written By Mer Mehul
જૈનીત અને નિધિ ‘પ્રજ્વવલા’ સંસ્થાનાં બગીચામાં બેઠા હતા. તેઓની સામે જુવાનસિંહ, ખુશાલ, ક્રિશા થતાં મિ. મહેતા બેઠા હતાં. જૈનીત અને નિધિએ છેલ્લા ત્રણ વર્ષથી આ સંસ્થાને સંભાળી લીધી હતી જેથી મી. મહેતાંને આરામ મળ્યો હતો. તેઓ દર પંદર દિવસે સંસ્થાની મુલાકાત લેતાં અને સંસ્થાની પરિસ્થિતિ વિશે જાણકારી મેળવતાં.
આજે સૌની મુલાકાત પાછળ એક કારણ છુપાયેલું હતું. ઇન્સ્પેક્ટર જુવાનસિંહ હવે ઇન્સ્પેક્ટર નહોતાં રહ્યાં. તેઓનું પ્રમોશન થયું હતું અને હવે તેઓ નાયબ પોલીસ અધિક્ષક બની ગયા હતાં, તેની સાથે જ તેઓને સુરતથી અમદાવાદ બાપુનગર એરિયામાં ટ્રાન્સફર પણ મળ્યું હતું. આવતી કાલે તેઓ અમદાવાદ જવા રવાના થવાનાં હતાં એટલે આ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું.
“તમારાં પ્રમોશન બદલ ખુબ ખુબ અભિનંદન….” જૈનીતે કહ્યું, “આવી જ રીતે નિષ્ઠાપૂર્વક કામ કરતાં રહો અને અપરાધ થતો અટકાવતાં રહો….”
“અપરાધ તો એટલા બહોળા પ્રમાણમાં થાય છે કે વસ્તીના અડધા લોકોને પોલીસમાં ભરતી કરવામાં આવે તો પણ ઓછા પડે. તમારી જેવા લોકો, જે વરદી વિના પોતાની ફરજ બજાવે છે, જેને કારણે જ અમે અપરાધને રોકવામાં સફળ થયા છીએ.” જુવાનસિંહે આઆભારી થઈને કહ્યું.
“એ વાત તમે સાચી કહી જુવાનસિંહ….” મી. મહેતાએ કહ્યું, “જૈનીતે જોકરનાં સ્વરૂપમાં જો સુરતમાંથી ગંદકી કાઢવાનું ન વિચાર્યું હોત તો આજે પણ બેફામ રીતે શરીરનો વ્યાપાર થતો હોત.. લોકો સામ, દામ, દંડ, ભેદમાંથી કોઈપણ રસ્તો અપનાવીને પોતાની કામેચ્છા પુરી કરતાં હોય છે…તેની સામે એક એવો ચહેરો આવે જેને માત્ર જોઈને જ શરીરમાં ધ્રુજારી વ્યાપી જાય, તો અને તો જ અપરાધ થતો અટકે છે. એ ચહેરો પોલીસનો હોય કે પછી કોઈ અન્ય વ્યક્તિનો એ મહત્વનું નથી, અપરાધ અટકે એ મહત્વનું છે.”
“મેં સાંભળ્યું છે અમદાવાદ પણ આપણે જે વાત કરીએ છીએ એ જ અપરાધનાં ગરકાવમાં છે. મને જાણવા મળ્યું છે એ મુજબ રાત્રે ખુલ્લેઆમ શરીરનો વ્યાપાર થાય છે.” ક્રિશાએ કહ્યું.
“બધું અટકશે…જેવી રીતે સુરત શહેરમાં એક તુફાન આવ્યું હતું અને બધી ગંદકી સાફ થઈ ગઈ હતી એવી જ રીતે અમદાવાદમાં પણ તુફાન આવશે અને બધી જ ગંદકીનો સફાયો કરી નાંખશે.” જુવાનસિંહની વાતોમાં આત્મવિશ્વાસની બુંદો ટપકતી હતી.
“સર…..” ખુશાલ બોલ્યો, “જો આ ગંદકી સાફ કરવામાં અમારો નાનો એવો પણ ફાળો રહેશે તો અમે પોતાની જાતને ખુશનસીબ સમજીશું. મેં તો અજાણતા જ જૈનીતનાં મિશનમાં તેનો સાથ આપ્યો હતો પણ હવે હું માનસિક રીતે તૈયાર છું.”
“હા જુવાનસિંહ…કોઈ પણ કામમાં અમારી જરૂર પડે તો અમને યાદ જરૂર કરજો.” જૈનીતે પણ કહ્યું.
“નિધિબેન ક્યારનાં ચૂપ બેઠા છે...” જુવાનસિંહે નિધિ તરફ નજર ફેરવીને કહ્યું, “બધું બરાબર છે ને..!”
“એ જલ્દી જ ખુશખબરી આપવાની છે….” જૈનીતે હસીને કહ્યું.
“ઓહ…ખૂબ ખૂબ અભિનંદન બંનેને….” જુવાનસિંહે કહ્યું.
“નિધિ…..” ક્રિશા ઉભી થઈને નિધિ પાસે આવી, “તે મારાથી પણ આ વાત છુપાવી….”
“હું રિપોર્ટની રાહ જોતી હતી….” નિધીએ શરમાઈને કહ્યું.
“રિપોર્ટ પોઝિટિવ જ આવશે...” ક્રિશાએ કહ્યું.
“હું બધા માટે ચા લઈ આવું...” કહેતાં નિધિ ઊભી થઈ.
“હું પણ જોડે આવું છું….” ક્રિશાએ કહ્યું અને બંને ચાલતાં થયાં. બંનેના ગયાં પછી જુવાનસિંહ ટટ્ટાર થયાં.
“મારું અમદાવાદ જવા પાછળનું કારણ મારું પ્રમોશન નથી…મને ખાસ મિશન માટે ગુપ્ત અધિકારીનાં હોદ્દે અમદાવાદ મોકલવામાં આવે છે.” જુવાનસિંહે કહ્યું, “અને એનાં સિલસિલામાં જ તમારી સાથે વાત કરવા મેં સૌને એકઠા કર્યા છે.”
“ક્યાં મિશનની વાત કરો છો તમે ?” મી. મહેતાએ પૂછ્યું.
“બાપુનગરનાં નામચીન વ્યક્તિ રમણિક શેઠની કોઈએ હત્યા કરી છે અને બાજુમાં જોકરનું કાર્ડ રાખેલું છે. પાછળ એક લખાણ છે જેમાં મારાં નામનો ઉલ્લેખ છે. તેઓએ એક છોકરાને રમણિક શેઠનાં બંગલેથી પકડ્યો છે. એ છોકરાનાં કહેવા મુજબ તેણે શેઠનું ખૂન નથી કર્યું અને જૉકરનું કાર્ડ પણ તેણે નથી રાખ્યું. હવે ડિપાર્ટમેન્ટને એવું લાગે છે કે હું આ કેસ સાથે સંકળાયેલો છું માટે આ કેસ મને સોંપવામાં આવ્યો છે.” જુવાનસિંહે ગુંથી બનાવતાં કહ્યું.
“જોકરનાં કાર્ડ પાછળ તમારું નામ…!” જૈનીતે ગુંચવાઈને કહ્યું, “એનો શો મતલબ થયો….”
“એ તો મને પણ નથી સમજાતું…રમણિક શેઠ નામનો વ્યક્તિ ધનવાન હતો, સાથે રંગીન મિજાજનો પણ હતો…મારી ધારણા મુજબ આપણે ત્રણ વર્ષ પહેલાં જે સમયમાંથી પસાર થયા હતાં એ સમયનું પુનરાવર્તન થવા જઈ રહ્યું છે…અમદાવાદમાં કોઈએ જૉકરનું રૂપ ધારણ કર્યું છે અને હવે એ પણ જૈનીત જેમ અમદાવાદમાંથી આ કાદવને સાફ કરવા ઈચ્છે છે….”
“જો આ ઘટનાં પાછળ તમે કહો છો એ મકસદ છુપાયેલો હોય તો સારી વાત કહેવાય…તમે વહેલી તકે અમદાવાદ પહોંચો અને ઘટનાંની પુરી જાણકારી મેળવીને અમને જણાવો.” જૈનીતે કહ્યું. નિધિ અને ક્રિશા ચા લઈ આવ્યાં. બધાએ ચાનાં કપ હાથમાં લીધાં.
“તમારી નવલકથા વિશે મેં સાંભળ્યું.” જુવાનસિંહે ક્રિશા તરફ જોઈને કહ્યું, “ટ્રેન્ડીંગમાં છે ને હાલમાં.”
ક્રિશાએ હકારમાં માથું ધુણાવતાં કહ્યું, “નવલકથા ટ્રેન્ડીંગમાં છે તેનો બધો યશ જૈનીત અને નિધીને જાય છે…જો એ બંનેએ પોતાની કહાની લખવા મને ન આપી હોત તો હું એ લખી જ ના શકી હોત….”
“હું પણ હતો એમાં….” ખુશાલે હસીને કહ્યું. ખુશાલની વાત સાંભળી બધા હસી પડ્યા. ચાની મહેફિલ માણીને જુવાનસિંહે રજા લીધી. તેઓની સાથે મી. મહેતા પણ નીકળી ગયાં. ત્યારબાદ થોડીવાર ચારેય લોકો વચ્ચે સામાન્ય વાતચીત થઈ અને ખુશાલ તથા ક્રિશાએ પણ રજા લીધી.
(ક્રમશઃ)