The Next Chapter Of Joker - Part - 18 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

The Next Chapter Of Joker - Part - 18

The Next Chapter Of Joker

Part – 18

Written By Mer Mehul
બંને જીપ સ્ટેશને પહોંચી ત્યારે સાંજનાં પાંચ વાગી ગયા હતા. રમીલાએ ત્રણેય માં-દીકરીઓને જીપમાંથી નીચે ઉતારી અને જુદી-જુદી સેલમાં કેદ કરી દીધી. હવે જુવાનસિંહનું કામ શરૂ થયું હતું. જુવાનસિંહે હેડ-ક્વાર્ટરમાં ફોન જોડ્યો અને બે લેડી ઑફિસરને બાપુનગર પોલિસ સ્ટેશનમાં મોકલવા દરખાસ્ત કરી. જુવાનસિંહની દરખાસ્તને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે બે લેડી ઑફિસરને હેડ-ક્વાર્ટરમાંથી મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી. જેમાં એક હિના ખત્રી અને બીજી સુમન ગૌસ્વામી હતી.
બંને લેડી ઑફિસર પોલીસ સ્ટેશને પહોંચી ત્યાં સુધીમાં જુવાનસિંહે સબ ઇન્સ. હિંમત પાસેથી આજે લીધેલાં બધાનાં સ્ટેટમેન્ટ એકઠા કર્યા અને અગત્યનાં સ્ટેટમેન્ટ જુદી ફાઈલમાં પંચ કરીને એક ફાઇલ તૈયાર કરી. જ્યારે બંને લેડી ઓફિસર પહોંચી ત્યારે જુવાનસિંહે બંનેને કેસની માહિતી આપી અને ત્રણેય માં-દીકરીઓ સાથે કેવી રીતે પૂછપરછ કરવી એ સમજાવ્યું.
ઉષાને ઇન્ટ્રોગેટ કરવા હિના ખત્રીને મોકલવામાં આવી, અંકિતાને ઇન્ટ્રોગેટ કરવા સુમન ગૌસ્વામીને થતાં ફોરમને ઇન્ટ્રોગેટ કરવા રમીલાની મોકલવામાં આવી હતી. હિંમતને કંટ્રોલ રૂમમાંથી બધાં પર નજર રાખવા માટે મોકલવામાં આવ્યો, સાગર અને ચાવડાને સેલ બહાર સુરક્ષા માટે ઉભા રાખવામાં આવ્યા. જુવાનસિંહ પોતે ફરી એકવાર અવિનાશને ઇન્ટ્રોગેટ કરવામાં અવિનાશને જુદાં સેલમાં લઈ ગયાં. ત્રણેય માં-દીકરીઓની પૂછપરછ થઈ જાય ત્યારબાદ જુવાનસિંહ અવિનાશને ઇન્ટ્રોગેટ કરવાનાં હતાં.
સાડા છ વાગ્યે બધાં પોતાની જગ્યાએ પહોંચી ગયા હતા. ત્રણ પોલીસ ઑફિસર સામે ત્રણ સસ્પેક્ટ બેઠા હતા. બધાને એક જ કેસનાં સિલસીલામાં જ ઇન્ટ્રોગેટ કરવાનાં હતાં એટલે ક્રોસ એક્ઝામીનેશ માટે થોડાં સવાલો સરખા પૂછવાની રણનીતિ બનાવવામાં આવી હતી.
પહેલી સેલમાં ઉષાને રાખવામાં આવી હતી, ઉષાની સામે હિના ઉભી હતી. હીનાનાં હાથમાં પારદર્શક પોલીસની સ્ટીક હતી. હિનાએ હાથમાં સ્ટીક પકડી રાખી હતી, બીજા હાથની હથેળીમાં સ્ટીકનાં બીજી છેડાને એક અથડાવતી હતી. હીનાનાં ચહેરા પર પહેલેથી જ ગુસ્સાનાં ભાવ ઉપસી આવ્યાં હતાં. એક મિનિટ સુધી સ્ટીકને હથેળી સાથે અથડાવીને હિના ઉષાને ઘુરતી રહી. સામે ઉષાની હાલત કફોડી બનતી જતી હતી. એક મિનિટ પછી હિનાએ ટેબલ પર સ્ટીક રાખી અને સામેની ખુરશી પર બેસી ગઈ.
“સીધી રીતે જવાબ આપીશ કે મારની ભાષા સમજીશ ?” હિનાએ કડક શબ્દોમાં પૂછ્યું.
“મારી દીકરી ફોરમ ક્યાં છે ?” ઉષાએ પુછ્યું.
“બાજુની સેલમાં એની સાથે પૂછપરછ થઈ રહી છે… તું મને મારા સવાલોનાં જવાબ આપી દે એટલે હું તને તારી દીકરી પાસે મોકલી દઈશ” હિનાએ કહ્યું.
“પૂછો…” ઉષાએ બેરુખીથી કહ્યું.
“અંકિતાને ધંધાવાળી બનાવવા પાછળ તારો જ હાથ છે ને ?” હિનાએ પૂછ્યું.
“હા…એ મારી દીકરી નથી. મારો બીજો પતિ એટલે કે અંકિતાનો બાપ દારૂની લતને કારણે મૃત્યુ પામ્યો એટલે રૂપિયાની અછતને કારણે મારે તેને આવા કામો કરાવવા પડ્યા” ઉષાએ કહ્યું.
“તું ધંધો કરે છે ?” હિનાએ પૂછ્યું.
“ના…” ઉષાએ કહ્યું. હિનાએ એ જ સેકેન્ડે ઉષાનાં ગાલ પર તમાચો ચોડી દીધો.
“હરામી સાલી….તારી દીકરીને કેમ કોઠા પર ના મૂકી આવી ?, બીજાની દીકરીની જિંદગી બરબાદ કરતાં પહેલાં તે એકવાર પણ વિચાર નહોતો કર્યો ?” હિનાએ બરાડીને કહ્યું.
“ભૂલ થઈ ગઈ…” ઉષાએ નફ્ફટાઈથી કહ્યું.
“તારી શું ભૂલ થઈ છે એ હવે તને સમજાશે..” હિનાએ કહ્યું, “રમણિક શેઠ સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ તારી સામે કોણે રાખ્યો હતો અને કેટલા રૂપિયામાં અંકિતાને વેચવાની હતી ?”
“શાંતા નામની સ્ત્રીએ મને વિસ લાખ રૂપિયા આપવાની બોલી કરી હતી…અને આમ પણ અંકિતાનાં લગ્ન કરાવીને હું એનું ભલું કરવાની જ કોશિશ કરતી હતી. રોજ જુદા જુદા વ્યક્તિ નીચે સુવું એનાં કરતાં એક વ્યક્તિ નીચે જ….”
ઉષાની વાત અધૂરી રહી ગઈ. એ પહેલાં હિનાએ બીજો તમાચો ઉષાનાં ગાલ પર ચોડી દીધો હતો.
“સાઈઠ વર્ષનાં બુઢ્ઢા સાથે લગ્ન કરીને અંકિતાનું શું ભલું થવાનું હતું ?, અને તું હરામી, ધંધાવાળી…સ્ત્રી જાત પર કલંક છે”
ઉષા નફટાઈથી હિના સામે જોઈ રહી. હિનાની વાતો તેનાં માટે ‘ભેંસ સામે ભાગવત’ જેવી હતી.
“આ છોકરાને ઓળખે છે ?” હિનાએ ઉષા સામે અવિનાશનો ફોટોધરીને પૂછ્યું.
“હા…એ રાત્રે આ છોકરો અંકિતા સાથે સુવા માટે આવ્યો હતો..”
“ક્યારે આવ્યો હતો અને તમારા બંને વચ્ચે શું વાતચીત થઈ હતી ?”
“સાડા નવથી દસ વાગ્યાની વચ્ચે આવ્યો હતો…એ અંકિતા સાથે સુવા માંગતો હતો એટલે તેની પાસેથી રૂપિયા લઈને મેં તેને અંકિતનાં રૂમમાં મોકલી દીધો હતો” ઉષાએ કહ્યું.
“એ બહાર કેટલા વાગ્યે નીકળ્યો હતો ?”
“સવા એક કલાક પછી…”
“એ બહાર નીકળ્યો ત્યારે તે એને જોયો હતો ?”
ઉષાએ હકારમાં ડોકું ધુણાવ્યું.
“તમારી બંને વચ્ચે ત્યારે કોઈ વાતચીત થઈ હતી ?”
“ના…તેણે એકવાર ગુસ્સાભરી નજરે મારી સામે જોયું અને પછી બહાર નીકળી ગયો હતો”
“રમણિક શેઠને કોઈ દિવસ મળેલી તું ?”
“થોડાં દિવસ પહેલા એકવાર આવ્યો હતો એ…, એ અંકિતાનાં રૂમથી બહાર નીકળ્યો ત્યારે મને વધુ પાંચસો રૂપિયા આપતો ગયો હતો”

બીજી સેલમાં ફોરમને રાખવામાં આવી હતી, ફોરમની સામેની ખુરશીમાં રમીલા બેઠી હતી.
“તારી મમ્મીએ તને કોઈ દિવસ આવા કામો કરવાનું કહ્યું છે ?” રમીલાએ શાંત સ્વરે પૂછ્યું. ફોરમે જવાબમાં નકારમાં માથું ધુનાવ્યું.
“તારી મમ્મી આવા કામ કરે છે ?”
ફોરમે પૂર્વવત સ્થિતિમાં નકારમાં માથું ધુણાવ્યું.
“અંકિતા પોતાની ખુશીથી આવા કામો કરે છે ?”
“ના, મમ્મી ફોર્સ કરે છે. અંકિતા ના કહે તો મમ્મી એને મારે પણ છે”
“તારી મમ્મી ખોટું કરતી હતી તો પણ તું ચૂપ કેમ હતી ?”
“એમાં ખોટું શું છે ?, અંકિતાનાં મમ્મી-પપ્પા નથી. એનાં ભાઈની અને અમારી જરૂરિયાત પૂરી કરવા એને કામ તો કરવું પડે ને..!, જો મમ્મી તેને બહાર કામ પર મોકલેત તો પણ તેની સાથે આવું થવાનું જ હતું, તો મમ્મીએ ઘરે જ તેને કામ શોધી આપ્યું. અંકિતા કમાય છે એટલે જ મારી પાસે એન્ડ્રોઇડ મોબાઈલ છે, ઘરમાં ટીવી છે, રાસરચિલું છે”
“આવું બધું તારી મમ્મીએ તને કહેલું ?”
“હા.. મમ્મી મારી બધી જ જરૂરિયાતો પર પૂરું ધ્યાન આપે છે”
“અચ્છા…, આ છોકરાને ઓળખે છે તું ?” કહેતાં રમીલાએ ફોરમ સામે અવિનાશનો ફોટો રાખ્યો.
“થોડા દિવસ પહેલા ઘરે આવ્યો હતો..” ફોરમે કહ્યું.
“તમારી બંને વચ્ચે કોઈ વાતચીત થઈ હતી ?”
“ના…કોઈ દરવાજો નૉક કરતું હતું તો હું દરવાજો ખોલવા ગઈ હતી, સામે આ છોકરો ઊભો હતો. પછી મમ્મી આવી ગઇ એટલે તેણે મને મારા રૂમમાં જવા કહ્યું હતું”
“સમજી…” રમીલાએ કહ્યું, “રમણિક શેઠનું નામ કોઈ દિવસ સાંભળ્યું છે કોઈ દિવસ ?”
“હા…અંકિતા સાથે લગ્ન કરવા ઇચ્છતો હતો સાલો” ફોરમે હુંકાર ભર્યો, “તમને એક વાત કહું મેડમ…મારી મમ્મી મને આવી વાતોથી દૂર રાખે છે પણ હું અઢાર વર્ષની છું, હવે મને બધી ખબર પડે છે. મમ્મી અંકિતા સાથે અન્યાય કરે છે, અંકિતાને તેનાં ભાઈનું જીવન સુધારવાની લાલચ આપીને આવા કામો કરાવે છે. એ દિવસે અંકિતા અને પાર્થ બંને ટીવી જોતાં હતા, મારે સીરીયલ જોવી હતી એટલે મેં તેની પાસથી રિમોટ લઈ લીધું હતું. ત્યારે મમ્મીએ મને સમજાવી અને હું રૂમમાં ચાલી ગઈ. થોડીવાર પછી હું ફોનનું ચાર્જર લેવાં બહાર આવી ત્યારે મમ્મી અને અંકિતાનો અવાજ મને સંભળાયો. મેં કાન માંડીને સાંભળ્યું તો મમ્મી કોઈ ‘રમણિક શેઠ’ નામનાં વ્યક્તિ સાથે અંકિતાનાં લગ્ન કરાવવાની વાત કરતી હતી. થોડીવાર પછી મમ્મી ગુસ્સામાં બરાડતી હતી અને અંકિતાને ગાળો આપતી આપતી મારતી હતી. હું ડરીને મારા રૂમમાં.ચાલી આવી અને અડધું બારણું વાસીને તેઓની વાત સાંભળવા લાગી. મમ્મી થોડીવાર પછી બહાર નીકળ્યા અને કોઈકને ફોન જોડીને ‘અંકિતા લગ્ન માટે તૈયાર છે, હું વિસ લાખ રૂપિયાથી એક પણ રૂપિયો ઓછો નહિ લઉં’ એવું બોલતાં સાંભળી હતી”
“અંકિતા વિશે બીજું જણાવ…અંકિતાનો સ્વભાવ કેવો છે ?”
“અંકિતા સ્વભાવે એકદમ શાંત હતી, આજસુધી મેં અંકિતાને ગુસ્સે થતાં નથી જોઈ. પૂરો દિવસ મમ્મી તેની પાસે ઘરનાં કામો કરાવતી. ઘરનાં કામો ઉપરાંત જો કોઈ કસ્ટમરનો ફોન આવે તો અંકિતાને મોકલવામાં આવતી અને જો એમાંથી પણ સમય મળી રહે તો મમ્મી પોતાની જગ્યાએ અંકિતાને બીજાનાં ઘરકામ કરવા મોકલી દેતી”
“તને અંકિતા પર દયા ના આવતી, એક છોકરીને આટલી બધી હેરાન કેમ કરી શકો તમે ?”
“એ સમયે મને સમજ નહોતી અને જ્યારે હું સમજદાર થઈ ત્યારે હું ટેવાઇ ગઈ હતી”

ત્રીજી સેલમાં અંકિતાને રાખવામાં આવી હતી. અંકિતા સામે સુમન ગૌસ્વામી બેઠી હતી. અંકિતા નિરંતર રડી રહી હતી. સુમને પણ તેને રડવા દીધી. થોડીવાર પછી જ્યારે અંકિતા શાંત થઈ ત્યારે સુમને તેણીનાં હાથમાં પાણીનો ગ્લાસ આપ્યો અને પાણી પીવા કહ્યું. અંકિતાએ થોડું પાણી ગળા નીચે ઉતારીને ગ્લાસ ટેબલ પર રાખી દીધો.
“તું જવાબ આપી શકીશ ?” સુમને ઘીમા અવાજે પુછ્યું, “જો તું જવાબ આપવાની સ્થિતિમાં ના હોય તો આપણે પછી વાત કરીએ”
“ના મેડમ..પૂછો તમે” અંકિતાએ નાક પર હાથ ફેરવીને સ્વસ્થ થવાની કોશિશ કરી.
“કેટલા સમયથી તું આ કામમાં છે ?”
“બે વર્ષથી”
“તું તારી મરજીથી આ કામ કરે છે ?” સુમને પૂછ્યું.
“વૈશ્યા બનવામાં કોની મરજી હોય છે ?” અંકિતાએ બેરુખીથી કહ્યું, “બળજબરીથી મારી પાસે આ કામ કરાવવામાં આવે છે”
“તે પોલીસની મદદ કેમ ના લીધી ?”
“કંઈ પોલીસની વાત કરો છો મેડમ ?” અંકિતાએ કટાક્ષમાં કહ્યું “એ જ ને…. જે અઠવાડિયામાં બે વખત મારા શરીરને ચૂંથે છે”
“ઓહ..” સુમને નિઃસાસો નાંખ્યો, “અવિનાશ સાથે તારી મુલાકાત ક્યારે થઈ હતી ?”
અંકિતાએ નજર ઊંચી કરી સુમન સામે જોયું. અંકિતાની આંખોમાં આંસુ સાથે ગુસ્સો હતો, જે અવિનાશનું નામ સાંભળતા સહેજ ઠંડો પડ્યો હતો. અંકિતાએ ઊંડો શ્વાસ લીધો અને ધીમેથી છોડીને વાત શરૂ કરી,
“અઠવાડિયા પહેલાની જ વાત છે…, હું બાપુનગર બસ સ્ટોપ પર ઉભી હતી. મમ્મીએ મને એક કસ્ટમર પાસે જવા કહ્યું હતું. લોકો મને ઓળખી ના જાય એટલે જ્યારે હું બહાર નીકળતી ત્યારે બુરખો પહેરતી. એ દિવસે મેં પહેલીવાર અવિનાશને જોયો હતો. એ મારી સામે બાઇક સ્ટેન્ડ કરીને ઉભો હતો. જ્યારે અમારી આંખો ચાર થઈ ત્યારે પહેલીવાર મેં એક છોકરાની આંખોમાં વાસના અને હવસની જગ્યાએ સ્નેહ અને લાગણી જોઈ હતી. એ મારી સામે અપલક નજરે જોતો હતો. મેં નજર ફેરવી લીધી. ત્યારબાદ બે-ત્રણવાર અમારી નજર મળી હતી. અવિનાશની નજરોમાં ઘણાબધા સવાલ હતાં, એ કદાચ મારી સાથે વાતો કરવા ઇચ્છતો હતો…કદાચ તેનાં મનમાં આવેલા સવાલોનાં જવાબ એ શોધવા મથી રહ્યો હતો. મારી બસ આવી ગઈ એટલે હું ત્યાંથી નીકળી ગઈ.
હું ઉત્તમનગર સ્ટોપે ઉતરી ત્યારે એ બસનો પીછો કરતો કરતો ત્યાં પણ પહોંચી ગયો. હું ત્રણ કલાક પછી જ્યારે બહાર નીકળી ત્યારે પણ એ ત્યાં જ હતો. ત્યારે પહેલીવાર અમારી વચ્ચે શબ્દોની આપ-લે થઈ હતી. એ મારી આંખોને પસંદ કરે છે એવું તેણે જણાવ્યું હતું અને બીજી મુલાકાત માટે દરખાસ્ત રાખી હતી. હું પણ તેની સાથે વાતો કરવા ઇચ્છતી હતી પણ જ્યારે તેને મારી હકીકત માલુમ થશે ત્યારે એ પણ બીજા લોકોની જેમ મને જજ કરશે એમ વિચારીને મેં તેને બીજીવાર મળવા માટેનાં સવાલનો જવાબ ન આપ્યો. બીજી મુલાકાત માટે મેં તેની સામે ‘જાતે જ મને શોધી લે’ એવી શરત રાખી હતી.
બીજા દિવસે જ્યારે હું ફરી બસ સ્ટોપ પર પહોંચી ત્યારે અવિનાશ ત્યાં હાજર હતો. અમે ત્યારે સાથે નાસ્તો કર્યો હતો. મેં અવિનાશ પાસે તેનો મોબાઈલ નંબર માંગ્યો હતો અને હું સામેથી કૉલ કરીશ એવું મેં જણાવ્યું હતું.
ત્યારબાદ અમારી મુલાકાત સીધી એ રાત્રે થઈ હતી. અવિનાશ કસ્ટમર બનીને મારી પાસે આવ્યો હતો. એ મારા રૂમમાં પ્રવેશ્યો ત્યારે હું તેનાં તરફ પીઠ રાખીને બેઠી હતી. તેનો અવાજ સાંભળીને હું ડરી ગઈ હતી. ત્યારે અવિનાશ પણ બીજા લોકો જેવો જ નિકળ્યો એવું મેં વિચારી લીધું હતું, પણ જ્યારે અવિનાશે એક વાતની ચોખવટ કરી ત્યારે મને મારા વિચારો પર જ ગુસ્સો આવી ગયો હતો.
અવિનાશ મારી સાથે સુવા માટે નહોતો આવ્યો, તેનાં દોસ્તો સાથે ગેમમાં એને ડેર મળ્યું હતું અને કોઈ ગણિકા સાથે બે કલાક બેસીને વાતો કરવાનો ટાસ્ક આપ્યો હતો. હું અવિનાશને મારી હકીકત જણાવવા નહોતી ઇચ્છતી એટલે હું તેની સાથે આંખો ન મેળવવાનાં ઈરાદાથી પીઠ બતાવીને જ બેઠી રહી, પણ અવિનાશ મારો બુરખો જોઈ ગયો અને એ મને ઓળખી ગયો. ત્યારબાદ મેં તેને બધી હકીકત જણાવી દીધી. મારી વાત સાંભળીને એ મને આ કાદવમાંથી બહાર કાઢશે એવી બાંહેધરી આપી હતી. બીજા દિવસે રમણિક શેઠ સાથે મારા લગ્ન થવાનાં છે એ વાત મેં અવિનાશને જણાવી ત્યારે તેણે ‘રમણિક શેઠને લગ્ન ન કરવા મનાવી લેશે’ એ વાત જણાવી હતી. પછી મમ્મીએ દરવાજો ખખડાવ્યો એટલે એ ત્યાંથી નીકળી ગયો”
“મારી અને અવિનાશની આટલી જ સ્ટૉરી છે…બીજા દિવસે જ્યારે મને લગ્ન માટે કોઈ લેવા ના આવ્યું એટલે મને લાગ્યું અવિનાશે રમણિક શેઠને મનાવી લીધાં હશે. મેં અવિનાશનો આભાર માનવા તેને ઘણાબધા કૉલ કર્યા પણ એકપણ કૉલ કનેક્ટ નહોતો થયો” અંકિતાએ કહ્યું.
“અવિનાશનો નંબર મળશે ?” સુમને પૂછ્યું. જુવાનસિંહ દ્વારા ‘અવિનાશ પાસે મોબાઈલ નથી’ એવું જણાવવામાં આવ્યું હતું પણ અંકિતાએ અવિનાશનાં મોબાઈલ નંબરનો ઉલ્લેખ કર્યો એટલે સુમને અવિનાશનો મોબાઈલ નંબર માંગ્યો હતો.
“લખો મેડમ…” કહેતાં અંકિતાએ અવિનાશનો નંબર લખાવ્યો.
“હવે મારી વાત સાંભળ અંકિતા…” સુમને કહ્યું, “તારે હવે ડરવાની જરૂર નથી. અમે તારી સાથે છીએ…બધાં પોલીસવાળા એક સરખા નથી હોતાં. ઉષા પર તારું શોષણ કરવા સામે કેસ થશે, તેને સજા પણ મળશે અને હવે તારે એ નર્કમાં જવાની જરૂર નહીં પડે”
“થેંક્યું મેડમ..” અંકિતાએ ભાવુક થતાં બે હાથ જોડીને કહ્યું, “તમારું આ ઋણ હું મરતી વેળા સુધી નહિ ભૂલું”
“અરે બેન…” સુમને પણ ભાવુક થઈને અંકિતનાં હાથ પર હાથ રાખ્યો, “તારે હાથ જોડવાની જરૂર નથી. તારી રહેવાની વ્યવસ્થા અમે કરી આપીશું…જો તારે જોબ કરવી હોય તો એની વ્યવસ્થા પણ અમે કરી આપીશું. તું સન્માનજનક જિંદગી જીવી શકે એમાં જ અમને ખુશી મળશે” કહેતાં સુમને અંકિતાને પોતાનો નંબર લખીને આપ્યો.
અંકિતાની આંખોમાંથી આંસુ સરી પડ્યા. વર્ષો પછી કોઈએ અંકિતાને આટલી સહાનુભૂતિ આપી હતી.
“જ્યાં સુધી કેસ સોલ્વ ના થાય ત્યાં સુધી તારે આ લોકો કહે ત્યાં રહેવું પડશે. કેસ સોલ્વ થાય એટલે મને કૉલ કરજે..હું તને નાની બહેન માનું છું” કહેતાં સુમન ઊભી થઈ. અંકિતા પણ ઉભી થઈ અને સુમનને વળગીને મોટેથી રડવા લાગી. સુમને પણ તેને અટકાવી નહિ.
(ક્રમશઃ)