"વિશ્વમ...." બંને વચ્ચેનું મૌનવ્રત તોડતો વિશ્વમ કંઇક બોલવા જતો હતો ત્યાં દેવ્યાની વચ્ચે બોલી ઉઠી...
"મારો જવાબ પહેલા પણ એ જ હતો અને અત્યારે પણ એ જ છે...."
"પણ તારી આંખો તો કંઇક અલગ કહે છે ...."
"તને મારા શબ્દો ઉપર વિશ્વાસ છે કે મારી આંખો ઉપર...." વિશ્વમ તરફ થી નજર ફેરવીને દેવ્યાની એ કહ્યું...
દેવ્યાની ના હાથ ઉપર થી પોતાનો હાથ ખસેડીને વિશ્વમ બારી બહાર જોવા લાગ્યો ...
દેવ્યાની પણ વિશ્વમ ને પ્રેમ કરે છે પરંતુ એ એના પરિવાર ના કારણે પોતાનો પ્રેમ છુપાવી રહી છે એ વાતની જાણ હોવા છતાં વિશ્વમ કંઈ કરી શકે એમ ન હતો....
પોતાની એક આંખમાં આવેલું આંસુ દેવ્યાની એ કોઈ જોવે એ પહેલા સાફ કરી નાખ્યું...
"કેમ્પ કેવો રહ્યો....?" ત્રણ ચાર મિનિટ સુધી સતત એકબીજાથી શરમાઈને ક્રિશયે સમીરા ને પૂછ્યું...
કોઈ જવાબ આપ્યા વગર સમીરા એ સ્મિત કર્યું....અને બારી બહાર ધ્યાન કર્યું...
ક્રિશય જાણતો હતો આ રીતે એને જવાબ નહિ મળે એટલે એ બીજું વિચારવા લાગ્યો...અને અચાનક બોલ્યો...
"સમીરા...." સમીરા એ ક્રિશય તરફ નજર કરી...
બંનેની નજર એક થઈ ગઈ... ક્રિશયે પોતાના બંને ભવા ઊંચા કરીને સમીરા ને કંઇક પૂછ્યું...
સમીરા પણ જાણે ક્રિશય ના નેણ દ્વારા પૂછવામાં આવેલા સવાલ ને સમજી ગઈ હોય એ રીતે એણે પોતાની આંખો ઉપર પાંપણો ઢાળીને હકારમાં જવાબ આપ્યો...
સમીરા તરફ થી હકાર માં જવાબ મળતા જોઇને ક્રિશય ખૂબ ખુશ થઈ ગયો ....
એ ઊભો થયો અને બસમાં બધાને સંભળાઈ એ રીતે જોરથી બોલી ઉઠ્યો ...
"લેડીઝ એન્ડ જેન્ટલમેન ....." બધાનું ધ્યાન ક્રિશય તરફ આવ્યું....
અગત્સ્ય વિશે વિચારતી અયાના એ ક્રિશય નો અવાજ સાંભળીને એની તરફ નજર કરી....
"વીલ યુ બી માય લાઇફ પાર્ટનર.....?" સમીરા સામે બેઠેલા ક્રિશય ને જોઇને બધાએ બૂમાબૂમ કરી ....
ક્રિશય ના હાથમાં પોતાનો હાથ મૂકીને સમીરા એ હકાર માં ડોકું ધુણાવ્યું ....
બધાએ તાળીઓ પાડીને બંનેને વધાવ્યા... વિશ્વમ તો ખૂબ ખુશ થઈ ગયો એ તો સિટી ઉપર સિટી વગાડી રહ્યો હતો....
દેવ્યાની જાણતી હતી કે અયાના નાનપણ થી જ ક્રિશય ને પસંદ કરે છે અને આ બધું જોઇને એને કેવી લાગણી થઇ રહી હશે...એની નજર અયાના તરફ આવીને ઊભી રહી ગઈ... અયાના હસીને તાળીઓ પાડી રહી હતી...
એને જોઇને અયાના માટે બધું પૂરું થઈ ગયું હોય એવું એને લાગ્યું... ક્રિશયે અયાના તરફ નજર કરીને બંને ભવા ઊંચા કરીને પૂછ્યું...' શું થયું....'
અંગૂઠો બતાવીને અયાના એ ક્રિશય ને શુભેચ્છા પાઠવી...અને હસતા હસતા તાળીઓ પાડવા લાગી...
વિશ્વમ દોડીને ક્રિશય પાસે આવ્યો અને એને ગળે વળગી પડ્યો...
અયાના ઊભી થઈને સમીરા ને ગળે વળગીને એની ખુશી માં ખુશ થઈ...
બસમાં ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ રહી હતી...બધા ક્રિશય અને સમીરા ને શુભેચ્છા પાઠવી રહ્યા હતા અને ડાન્સ કરી રહ્યા હતા ....સમીરા અને ક્રિશય બંને કપલ ડાન્સ કરી રહ્યા હતા....
હમણાં જ નવાનવા બનેલા કપલ ને જોઇને બધા ખૂબ ખુશ હતા...
"તને કેમ ખુશી થાય છે તું તો...." દેવ્યાની અયાના ને આગળ કહે એ પહેલા અયાના બોલી ઉઠી...
"એ બંને એકબીજા ને પ્રેમ કરે છે તો એ સાથે ખૂબ ખુશ રહેશે.... ક્રિશય ને ખુશ જોઇને હું પણ ખુશ છું...."
"એવું તું બતાવે છે...હું જાણું છું તું ખુશ નથી...તું હજુ પણ ક્રિશય ને પ્રેમ કરે છે..."
" દેવ્યાની તું તો સારી રીતે જાણે છે કે આપણે જેને પ્રેમ કરીએ છીએ એ આપણને મળે કે ન મળે એ તો સંજોગ ની વાત છે....તો શું આપણે એને પ્રેમ કરવાનું છોડી દેવાનું હોય.....?"
પોતાની અને વિશ્વમ ની કહાની સરખામણી કરીને દેવ્યાનીને સમજાયું કે અત્યારે અયાનાની કેવી પરિસ્થતિ હશે....
એ બંને એકબીજાને ગળે વળગી પડી...
"ચાલોને ડાન્સ કરવા...." સમીરા એ બંને પાસે આવીને બોલી...
"ઓલ ઓકે...?" બંનેને આ રીતે જોઇને સમીરા બોલી ઉઠી...
"હા..." મીઠું સ્મિત વેરીને બંને સાથે બોલ્યા...
"હેય.... દેવ્યાની ચાલ...." ક્રિશયે આવીને કહ્યું...
મોકાનો લાભ ઉઠાવા માટે દેવ્યાની એ અયાના ને આગળ કરી ..
ક્રિશયે કોઈપણ આનાકાની વગર અયાના નો હાથ પકડી લીધો અને એની કમર ઉપર હાથ રાખીને ડાન્સ કરવા લાગ્યો...
ક્રિશય નું ધ્યાન સમીરા થી ભટકતું જ ન હતું...
દેવ્યાની પાસે બેઠેલી સમીરા પણ ક્રિશય ને જોઇને સ્માઈલ કરી રહી હતી...
પોતાની બેસ્ટ ફ્રેન્ડ પાસેથી એના પ્રેમ ને લઇ લીધો એટલે દુઃખી થવું કે નવી બનેલી ફ્રેન્ડ ને પોતાનો પ્રેમ મળી ગયો એટલે ખુશ થવું દેવ્યાની ને કંઈ સમજાતું ન હતું...
અયાના ક્રિશય સાથે ડાન્સ કરી રહી હતી...એનું ધ્યાન સતત ક્રિશય ના ચહેરા તરફ હતું....ક્રિશય ની આંખોમાં સમીરા માટે ખૂબ પ્રેમ છલકતો દેખાતો હતો...
એને જોઇને ખુશ થવાનું નાટક કરી રહેલી અયાના ની આંખોમાં દેખાઈ આવતું હતું કે એ ખુશ નથી....એની નજર ક્રિશય ઉપર થી ખસતી જ ન હતી...
ક્રિશય ની નજર સમીરા થી ખસીને અયાના ઉપર આવી... એણે પોતાના ભવા ઊંચા કરીને અયાના ને કંઇક પૂછ્યું અને અયાના એ હળવું સ્મિત કરીને નકારમાં ડોકું ધુણાવ્યું....
એની આંખોમાં નજર કરીને ક્રિશય એક મિનિટ માટે એની આંખોમાં જ ડૂબી ગયો... ક્રિશય ને એવું લાગી રહ્યું હતું જાણે અયાના ની આંખો એને કંઇક કહી રહી છે , કંઇક ફરિયાદ કરી રહી છે....પરંતુ એ શું છે એ ક્રિશય નક્કી કરે શકે એમ ન હતો ...
ક્રિશય ને આ રીતે જોઇને સમીરા નું ધ્યાન અયાના તરફ આવ્યું ....અયાના જે રીતે ક્રિશય ને જોઈ રહી હતી એ જોઇને સમીરા થોડી હેરાન રહી ગઈ....
' શું અયાના પણ ક્રિશય ને પ્રેમ કરતી હશે..?' સમીરા ને આ સવાલ મનમાં ભટકાયો...
પરંતુ એની જાણકારી પ્રમાણે એ બંને એકબીજા ના સારા એવા ફ્રેન્ડ સિવાય વધારે કંઈ ન હતા....
પરંતુ આજે સમીરા ને આ સવાલ હેરાન કરવા લાગ્યો હતો....
ડાન્સ કરીને થાકી ગયેલા બધા અત્યારે જોલા ખાઈ રહ્યા હતા...
દેવ્યાની ના ખભે માથુ રાખીને સુતેલી અયાના અગત્સ્ય ને ભૂલીને હવે ક્રિશય વિશે જાતજાતના વિચારો કરી રહી હતી...
દેવ્યાની પણ જાણે વિશ્વમ ના ખ્યાલ ને દૂર કરવા માટે રૂદ્ર ના વિચારો પરાણે મગજમાં ઠાલવતી હતી...
વિશ્વમ પોતાના મિત્ર માટે ખુશ થવું કે પોતે દેવ્યાની સાથે જીવન વિતાવી નહિ શકે એની માટે દુઃખી થવું એની આંટીઘૂંટી બનાવી રહ્યો હતો...
વિશ્વમ , ક્રિશય અને સમીરા ત્રણેય એકસાથે ત્રણ ની સીટમાં બેઠા હતા...
ક્રિશય ના ખભે માથુ રાખીને સુતેલી સમીરા અયાના વિશે વિચારી રહી હતી...એના મનમાં વારંવાર એક જ સવાલ ઉપસી આવતો હતો...' શું અયાના પણ ક્રિશય ને પ્રેમ કરતી હશે....?'
બારી પાસે આંખો બંધ કરીને બેઠેલી સમીરા ને અયાના નો જ ખ્યાલ આવી રહ્યો હતો...
પોતાના ખભે માથું રાખીને સુતેલી સમીરા ના વાળમાં આંગળીઓના ટેરવા ફેરવતો ક્રિશય ક્રોસમાં દેવ્યાની ના ખભે માથું રાખીને સુતેલી અયાના તરફ નજર કરીને એના વિશે વિચારી રહ્યો હતો....
નદી કિનારે ક્રિશયે જે રીતે અયાના સાથે વર્તન કર્યું એવું એ પહેલેથી એક ફ્રેન્ડ તરીકે અયાના સાથે કરતો હતો પરંતુ બસમાં ડાન્સ કરતી વખતે જે અયાના ની આંખોમાં ક્રિશય ને જોવા મળ્યું એ એને પહેલા ક્યારેય જોયું ન હતું...
(ક્રમશઃ)