સજન સે જૂઠ મત બોલો - 29 Vijay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સજન સે જૂઠ મત બોલો - 29

પ્રકરણ ઓગણત્રીસમું/૨૯

‘કલમ સાથેનો તમારો રિશ્તો ખત્મ કરવા નથી આવી પણ, કલમ પર તમારી પકડ વધુ સજ્જડ અને મક્કમ કરવા માટે આવી છું. હવે બોલો શું કરી શકો છો તમે ? સાક્ષાત સપના ચૌધરી તમારી સમક્ષ ઊભી છે.’

ત્યાં જ અચાનક અજાણતામાં તેની મસ્તમૌલાની મસ્તીમાં મહાલાતો બેઠકરૂમમાં દાખલ થઈ ગીત ગણગણતાં પ્રવિણ બોલ્યો..

‘અરે ડીવાનો,, મુજે પેચનો...મેં હું કોન....? અરે.. મેં હું દોન... દોન દોન દોન.’

ગંભીર ચર્ચાના અંતે સપનાના ઘટસ્ફોટ જેવાં નિવેદનના અંતિમ વાક્ય સાથે દામોદરના ચહેરા પર અંકિત પર્માંશ્ચર્યની રૂપરેખા નિહાળતા, બે પળ માટે પ્રવિણ પણ દંગ રહી ગયો.

અચાનક પ્રવિણની એન્ટ્રી પડતાં સપના પણ સ્હેજ ઝંખવાઈ. આકસ્મિક અચરજના અતિરેકની સીમા ઓળંગીને દામોદર પ્રવિણ સમક્ષ તેની અસલી ઓળખ છતી ન કરે એટલે તરત જ સપના બોલી..

‘ઓહ્હ.. આઈ એમ સો સોરી મિ. દામોદર, વાત વાતમાં હું તમને મારો પરિચય આપવાનું તો સાવ જ ભૂલી ગઈ. જી મારું નામ છે, સુનંદા..સુનંદા શાસ્ત્રી.’

જે ભાવ અને ભાર સાથે સપનાએ તેની વાત રજુ કરી એટલે તરત જ દામોદર તેનો ગર્ભિત ભાવાર્થ સમજી ગયો. એટલે પ્રવિણ કંઈ ભળતું સમજીને ભરડી નાખે, એ પહેલાં દામોદર બોલ્યો..

‘અને આ છે, મારા પરમ મિત્ર છે..પ્રવિણ, પ્રવિણ પાલખીવાલા.’
એટલે સપના સાથે હાથ મીલાવતાં પ્રવિણ બોલ્યો..
‘ટમૂને મલીને ઘનો આનંડ ઠયો.’
‘પણ મને ની થયો.’ મજાક કરતાં સ્મિત સાથે સપના બોલી..
‘ટે એમાં શું વરી ? મારી માફક જૂત્ઠું બોલી મેલવાનું ?
તેની એવરગ્રીન અદામાં ખડખડાટ હસતાં પ્રવિણ બોલ્યો..
‘ઓહ્હ માય ગોડ.. તમે ખરેખર ઈમ્રેસીવ છો રીયલી.’ હસતાં હસતાં સપના બોલી..
‘બઢા લોકો કેટા છે કે, હું નાલ્લો હુટો ટેવારથી બસ આ એક જ દુરગુન છે મારામાં. પણ મને આ વાટની જરા બી શરમ કે અભિમાનની મલે.’

પ્રવિણે તેની નિખાલસ જીવંતતાનો સચોટ પુરાવો આપતાં બોલ્યો, ત્યારે સપના તેના હાસ્ય ધોધને ન રોકી શકી. પ્રવિણની હાજરજવાબી પ્રકૃતિના પરિચયથી તંગ વાતાવરણ હળવું થઇ ગયું.. પણ પ્રવિણને લાગ્યું કે, હાલ તેની હાજરી દામોદર અને આ યુવતી વચ્ચે આડખીલ્લી રૂપ બની રહી છે એટલે અભિનય કરતાં બોલ્યો..

‘અરે, હું ટો દોનની ઢુનમાં ડોકું ઢુનાવટો ડામોડરના ઘરમાં ઘુસી આયો.. મારે ટો પેલા સળીધરની જોડે સિનેમા જોવા જવાનું ઉટુ. ચલ ડામોડરીયા હું જાટો છું, આવટીકાલે ફરી ટારો ભેજો ફરાય કરવા આવી જાવા.’
એટલું બોલી પ્રવિણ ત્યાંથી રવાના થયો.

અજાણ્યાંને પણ પળમાં આત્મીયતાની અનુભૂતિ કરાવી આપે એવા છે તમારા દોસ્ત. ખરેખર પ્રભાવભાશાળી અને પારદર્શક પ્રકૃતિના ધણી છે, પ્રવિણ પાલખી વાલા. પણ આ સળીધર એટલે શું ? એ ન સમજાયું મને.’
સપનાએ પૂછ્યું..

એટલે હસતાં હસતાં દામોદર બોલ્યો..
‘સળીધર એટલે આમારી અનોખી ત્રિપુટી મિત્રોનો ત્રીજો ખૂણો, મિ. શ્રીધર.. શ્રીધર શુક્લા.’
‘શ્રીધરનો પરિચય ?’ સપનાએ પૂછ્યું..
‘શ્રીધરના પરિચયને શબ્દોમાં બાંધવો અશક્ય છે. એ તો જયારે તમે તેને રૂબરૂ મળશો તો પણ નહીં ઓળખી શકો તેની હું ખાતરી આપું છું.’

‘અચ્છા...એવું તે શું છે, એ શ્રીધર શુક્લામાં.’ સપનાએ પૂછ્યું

‘એ તો તમે ખુદ જ જાણી લે જો, એમને મળો ત્યારે...પણ હાલ તો મને એવું લાગી રહ્યું છે કે, આપણે બન્ને પરસ્પર એકબીજાના પારદર્શક પરિચયથી અવગત થઈએ તેની અગત્યતા પણ છે અને આતુરતા પણ.’ દામોદર બોલ્યો..

‘જી, જરૂર પણ સૌ પહેલાં મને એ જાણવો કે, વાસ્તવિક સપના કરતાં તમારાં કલ્પનાચિત્રના સપનાની તસ્વીરને આટલી આટલી આબેહૂબ અને જાનદાર કઈ રીતે ઉપસાવી અને ઉજાગર કરી શક્યા, અને તેની પ્રેરણા ક્યાંથી મળી ? ’

ખુદ ખુરશી પર આસાન જમાવી સામેની ખુરશી તરફ ઈશારો કરી, દામોદરને બેસવાનો સંકેત કરતાં સપના બોલી..

‘કહીશ... બધું જ કહીશ.. પણ એ પહેલાં ગર્મ મુદ્દાની મસલત માટે માહોલને હળવું બનાવવા મસ્ત મસાલેદાર ચાઈ બનાવી લઉં તો ચર્ચાની લિજ્જત બમણી થઇ જશે. શું કો’ છો ? ’

‘ઓહ્હ.. તમે નહીં માનો હું હમણાં તમને એ જ પૂછવા જઈ રહી હતી કે, તમારો ટી ટાઈમ શું છે, ? બોલતા સપના હસવાં લાગી..

હસતાં હસતાં દામોદર બોલ્યો...
‘જી, હમણાં આવ્યો..’
એમ કહી દામોદર કિચન તરફ ગયો અને સપનાની નજર ધીમે ધીમે બેઠકરૂમમાં ફરતી રહી. સાવ સાધારણ મધ્યમવર્ગીય વ્યક્તિના ઘર જેવો રખરખાવ. વર્ષો સુધી રંગરોગાનથી અળગી રહેલી દીવાલો. એક ટેબલ, બે ખુરશી, એક તરફ જુના જમાનાનો ખાટલો, ખાટલા નીચે પડેલી અડધી પીધેલી બીડીના ઠુંઠીયા જેવી સાવરણી અને તેની પર પડેલું અસ્ત વ્યસ્ત બિસ્તર, પાછળની દીવાલ પર જુના ધાર્મિક કેલેન્ડરની બાજુમાં ટાંગેલું મધ્યમ કદનું ચાઇનીઝ કંપનીનું ટી.વી. સામેના દીવાલની ખીંટીએ ટીંગાતા દામોદરના યુનિફોર્મ જેવા લેંઘા અને ઝબ્ભા...

રહેણાંકની ગલી તરફ ઉઘડતી બેઠકરૂમની બારીની બાજુમાં ઝાંખા પડી ગયેલાં બે ફૂટના દર્પણમાં તેનો ચહેરો જોતાં સપનાની આંખો સ્હેજ ભરાઈ આવી. મનોમન ઘૂઘવતાં મનોમંથનના મહાસાગરમાં એવા ભાવની ભરતીનું મોજું ઉમટ્યું કે, જાણે કંઇક કેટકેટલાં અરસાથી એક અકલ્પનીય અનંત યાતનામાંથી છુટકારો મેળવીને માંહ્યલો હજુ જીવી રહ્યો છે, એવો ઊંડા નિરાંતનો શ્વાસ લીધો.

ધૂળ ચડી ગયેલાં આઈનાને સપનાએ તેના દુપટ્ટાથી સાફ કર્યો..ત્યાં દામોદર બે કપ ચા લઈને બેઠકરૂમમાં દાખલ થતાં બોલ્યો...

‘શું જુઓ છો ?
‘અડઘડત અતીતની મલિનતાથી ઉદ્ભવેલી દ્રષ્ટિકોણની ઝાંખપને કારણે નાનપ અનુભવતી સપનાને સમજવા અને સમજાવાનો પ્રયત્ન કરું છું.’
આંખોની ભીનાશને દુપટ્ટાથી ડામી દેતા સપના બોલી.

સપનાના હાથમાં ચાઈનો કપ આપતાં દામોદર બોલ્યો..
‘પણ તમારા મંતવ્યને મારી દ્રષ્ટિ એ જોતાં એમ કહું કે, સોળે કળાએ ખીલેલાં પૂર્ણ ચન્દ્રમાંની રેલાતી ચાંદનીની સામે થોડો સમય માટે વિઘ્નરૂપી વાદળોનું ટોળું આવીને અંધકાર સર્જે તો અમાવાસ્યા છે, એવું માની લેવું તો હાસ્યાસ્પદ છે ને. ?

એક હળવી ફૂંક મારી મસાલેદાર ચાઈની ચૂસકી ભર્યા પછી સપના બોલી..

‘થોડો સમય નહીં, દામોદરભાઈ સતત બે મહિના, પુરા બે મહિના પછી વિઘ્નોના વાદળ વિખરાયા ત્યારે કાળમીંઢ અંધારી કોટડી જેવી અમાસની કારાવાસમાંથી બહાર આવ્યા પછી તમારી આશાએ નવી જિંદગીના શ્રિતિજે ઉમ્મીદના ઉગતાં સૂર્યોદયનું પહેલું કિરણ જોઈ રહી છું.’

એ પછી... દામોદર અને સપના વચ્ચે આશરે બેથી અઢી કલાક સુધી.. અતિથી ઇતિ સૂધીનો સળંગ સત્સંગ પૂરો થતાં થતાં સુધીમાં સપનાનો અશ્રુધોધ તૂટી પડ્યો. કારણ હતું, સપનાને નિર્દોષ સાબિત કરવાની ઝુંબેશ માટે કરેલી નિસંદેહ અને નિસ્વાર્થ ભાવના સંઘર્ષ યાત્રાની દામોદરે કરેલી સહજ રજૂઆત. અજાણ સપના માટે એક અનનોન અને કોમન મેનની નિષ્ઠાપૂર્વકની સચોટ કહાનીએ સપનાને ફરથી જોશભેર જિંદગી જીવી જવાનું જોમ પૂરું પાડ્યું હતું.

અંતે રવાનગી માટે નીકળતાં દામોદર સામે બે હાથ જોડીને સપના બોલી..

‘દામોદભાઈ.. હવે મને ઘરે જવાની અનુમતિ આપો. અને માફ કરજો મેં તમારી સમક્ષ મારી શર્તો મુકવાની ગુસ્તાખી કરી છે, પણ હકીકતમાં તેને મારી અરજ સમજી લે જો. હું ફરી બે દિવસ બાદ તમને મળવા આવીશ. ત્યાં સુધીમાં તમે મારી વિનવણી પર વિચાર કરીને કહેજો.’ .

લાગણીવશ થતાં દામોદર બોલ્યો..
‘ભાઈ પણ કહો છો અને વિનંતી પણ કરો છો ? તદ્દન અજુગતું અને અસંગત નથી લાગતું તમને સપના.....ઓહ.. સોરી સુનંદાબેન ?’

‘ બેન ?’

માત્ર થોડા કલાકો પહેલાં નામ માત્રથી પરિચિત દામોદર કાપડીયાના બેન તરીકેના સંબોધન શબ્દોચારની સાથે વણાયેલો ભારોભાર લાગણીસભર સ્નેહસંચાર સપનાને સ્પર્શી ગયો. અત્યંત ભાવવિભોરની અનુભૂતિ સાથે માત્ર ભીની આંખોની કોરે હાથ જોડતાં સપના માત્ર એટલું બોલી..

‘ઠીક છે..હવે ક્યારેય નહીં કહું. અચ્છા તો આવજો.. ફરી મળીએ છીએ ટૂંક સમયમાં.’
એમ કહી હળવાં ચિત્ત સાથે ચરણો માંડતી સપના દામોદરની સાંકડી શેરી પસાર કરીને મુખ્ય માર્ગ તરફ ચાલવાં લાગી.

છેલ્લાં બે મહિનાથી સપના વિષે દામોદરે તેના દિમાગમાં દોરેલા કંઇક મનોમાનીત કલ્પના ચિત્ર કરતાં વાસ્તવિક સપનાનું ચિત્ર અને ચરિત્ર બન્ને તદ્દન વિરુદ્ધ જ નીકળ્યાં. સાવ માસૂમ અને નિર્દોષ સપનાએ ભાગ્યનો ભોગ બનીને વિતાવેલી કઠોર મનોયાતનાનું વર્ણન કરતાં વર્ણવેલા પાવન પ્ર્યાસ્ચિતના એક એક શબ્દોના પડઘા અફાટ સમંદરના ઉછળતાં મોજાની માફક હજુએ દામોદરના કાને અફળાતાં હતાં..

બે મિનીટ આંખો મીચી ખુરશીમાં બેસી રહ્યાં પછી મોબાઈલ લઇ કોલ કર્યો..
‘ફ્રન્ટ પેઈજ પર ફૂટેજ જોઈશે....હમણાં બ્રેકીંગ ન્યુઝ લઈને આવું છું..’

આશરે એક કલાક બાદ ફ્લેટ પર આવીને, જે કંઈ પણ થોડો ઘણો સરસામાન હતો એ એકઠો કરી,
એક નજર ફ્લેટની ચાર દીવારો પર ફેરવ્યાં પછી.... બારી પાસે આવીને બેસી..
આ શહેરમાં પગ મૂક્યાંના પ્રથમ દિવસથી લઈને છેક આજના દામોદર કાપડિયા સાથેના ગંભીર વાર્તાલાપના અંતિમ વાક્ય સુધીના ઘટમાળને આંખો બંધ કરીને સપના કયાંય સુધી વાગોળતી રહી...

ઇન્દુ,ગજેન્દ્ર, સમીર, જ્યોતિ,શબનમ, ડોલી અને રૂબીના એ પછી મેજર ટર્નીંગ પોઈન્ટ સાબિત થયેલો બિલ્લુભૈયા,
બબ્બન મારવાડી.. ઇકબાલ મિર્ચી.. ખુર્શીદ લાલા અને અંતે સમીર....

સ્મરણ સૂચિની અંતે સમીરનું નામ સાંભરતા એક ઝીણી ધ્રુજારી સાથે સપનાની આંખો ઉઘડી ગઈ.

અને આજે દામોદર કાપડિયા....અંજાન શહેરમાં ફરી એક નવા અજાણ્યાં માયાળુ મસિહાની મર્મસ્પર્શી યાદગાર મુલાકાત. આમ જુઓ તો સાવ પારકા અને આમ જુઓ તો પોતીકાથી અધિક આત્મીયતા. કેવો ઋણાનુબંધ આ દામોદર કાપડિયા સાથે. ?

પણ દામોદરની નક્કર પાયા જેવી હૈયાંધારણ પછી સપનાએ તેના અંતિમ અને અફર ઠોસ નિર્ણય પર ઠપ્પો મારી ગાંઠ વાળતાં મનોમન નક્કી કર્યું કે, આજ પછી ભૂલથી’યે ભૂતકાળની ભાગોળ તરફ એક નજર સુદ્ધાં નહીં જ કરું. સદાય માટે કલંકિત જેવા અતીતને અલવિદા આપવાની અંતિમ ઘડીઓ ગણાઇ રહી હતી.

બે દિવસ બાદ...
પ્રભાતે અંદાજે નવેક વાગ્યાંની આસપાસ સપનાએ તેનો ગણ્યો ગાંઠ્યો સરસામાન એકઠો કરી, ફ્લેટમાં આખિર વખત એક નજર ફેરવી, દામોદરને ત્યાંથી પરત ફર્યા બાદ લીધેલાં નવા મોબાઈલ પરથી પહેલો કોલ લગાવ્યો બિલ્લુભૈયાને..

‘હેલ્લો... કૌન ? ડ્રાઈવીંગ કરતાં બિલ્લુએ પૂછ્યું.
‘જી, સપના બોલ રહી હૂં.’
‘હાં, બોલ સપના.’
‘આપ વ્યસ્ત હો તો બાદ મેં કોલ કરતી હૂં.’ સપનાએ પૂછ્યું..
‘જી નહીં, બોલ ક્યા કામ થા ? એસયુવી કારની ગતિને ધીમી પાડી, મુખ્ય માર્ગ પરથી ડાબી તરફ લઇ, થંભાવતા બિલ્લુએ પૂછ્યું.

‘બિલ્લુભૈયા......’ આગળ બોલતાં સપના અટકી ગઈ..
‘હાં, બોલ, ક્યા હુઆ ? રુક ક્યું ગઈ ? કોઈ મુસીબત મેં હો ? કહાં સે બોલ રહી હો ?’
બેથી પાંચ પળો બાદ, ડૂમો ડામી, ઊંડો શ્વાસ ભરી સ્વને સ્વસ્થ કરતાં સપના બોલી.
‘જી ભૈયા. કોઈ તકલીફ નહીં હૈ, ફ્લેટ પર હી હૂં, બસ, યે કહેને કે લિયે કોલ કિયા કી, અબ હમેશાં હંમેશા કે લિયે મેં આપકી દુનિયા છોડકર એક નઈ ઔર અસલી પહેચાન બનાને અપની દુનિયા મેં વાપસ જા રહી હૂં. નયે મોબાઈલ ઔર નયે નંબર સે આપકો યે પહેલાં ઔર આખરી કોલ કર રહી હૂં. અબ મેં કભી ઇસ દુનિયા મેં વાપસ નહીં આઉંગી. બસ... ઔર આપ ભી મુજે.....’
આગળના શબ્દો સપનાના હોઠ પર થીજી ગયા પણ શબ્દાર્થ સરી ગયો..

તીક્ષ્ણ અને ધારદાર હથિયારથી શરીર પર ઘસરકો પડ્યા પછી ફૂંટેલી રક્તધારા સાથે જે કારમી ચીસ નિકળે એવી પીડા સાથે કઠણ કાળજાના બિલ્લુનું હ્રદય ધબકરો ચુકી ગયું.
છતાં બીજી જ ક્ષણે જાત સંભાળતા બિલ્લુ બોલ્યો..
‘જી, મેં સબ સમજ ગયા. ઔર કુછ ?

ગળગળા સ્વરમાં સપના બોલી..
‘ઔર યે નંબર કિસી કો ભી મત દેના, બસ જા રહી હૂં.. ખુશી ખુશી. શાયદ યહાં નહીં તો ઉપર તો જરૂર મિલેંગે.’
શ્વાસ થંભાવતા બિલ્લુ બોલ્યો...

‘જિંદગી મેં આજ પહેલીબાર બિલ્લુ, દિમાગ કી જગહ દિલ સે સોચ રહા હૈ. ઔર બાર બાર દિલ યે કહે રહા હૈ કી...તુને ગલત ફેંસલા લિયા હૈ. પર અબ મેં તુજે નહીં રોકુંગા. જિસ દિન તુને કુછ બન કે બુલંદીઓ કો છૂ લિયા, ઉસ દિન સારી દુનિયા કે સામને ઝૂક કે બિલ્લુ તેરે કદમ છૂ લેગા.’
આગળ એકપણ શબ્દ બોલ્યાં વગર મન મક્કમ કરી, બિલ્લુએ કોલ કટ કર્યો. અને સપનાએ પણ ફરી કોલ જોડવાની હિંમત ન કરી, જિંદગીમાં કંઇક અસામાન્ય ચડાવ ઉતાર જોઈ ચુકેલો બાહુબલી બિલ્લુ આજે સપનાની અણધારી વિદાયથી ભાંગીને ફસડાઈ પડ્યો. રક્તધારા જોઇને જેનું રૂંવાડું નહતું ફરકતું, સપનાની રિક્તતાએ મરદ મુછાળા બિલ્લુનું સમગ્ર અસ્તિત્વ હચમચાવી નાખ્યું.

અંતે ફ્લેટ છોડીને સપના ચાલી નીકળી એક નવા સરનામાના સ્થળ તરફ.

એક અઠવાડિયા પહેલાં અગાઉથી ઘડી રાખેલા પ્લાનને આખરી ઓપ આપવાંના આરંભ કરવાંના હેતુથી વર્તમાનપત્રોની કંઇક જાહેરખબર ફેંદી માર્યા પછી બજરંગ વાડી સ્થિત તેના આર્થિક મર્યાદાના બજેટને અનુરૂપ આવે એવો એક વન રૂમ કિચનનો સેમી ફર્નિશ્ડ ફ્લેટ સપનાએ રેન્ટ પર ફાઈનલ કર્યો હતો.

સરસામાન સાથે બજરંગ વાડી સ્થિત બહુમાળી બિલ્ડીંગના દસમાં ફ્લોર પર આવી, ફ્લેટની વિન્ડોઝ અને બાલ્કનીમાંથી આસપાસનો બેહદ ખુબસુરત નજરો માણતાંની સાથે સાથે રાહતનો એક ઊંડો શ્વાસ ભરી, સપના કયાંય સુધી આંખો મીચીને પડી રહી.

બીજા દિવસની સાંજે....
પાંચેક વાગ્યાના સમય પર કોલ જોડ્યો દામોદર કાપડીયાને..
‘હેલ્લો..દામોદરભાઈ.. સપ..... સોરી,,સુનંદા બોલું છું, ઓળખાણ પડી ?’
‘હાસ્તો.. પડી પડી.. બોલો.’ ટ્રાફિકના ઘોંઘાટ સાથે દામોદરનો અવાજ આવ્યો..
‘તમને મળવું છે. તમને અનુકૂળ આવે એવી જગ્યા પર. બોલો ક્યાં મળીશું ? સપનાએ પૂછ્યું.

‘હાલ તમે ક્યાં છો ? દામોદરે પૂછ્યું
‘જી, બજરંગ વાડી. મારા ઘરે.’ સપના બોલી..
‘અચ્છા, વેઇટ વન મિનીટ, હું તમને કોલ બેક કરું છું.’ દામોદરે ઉત્તર આપ્યો..
‘જી,ઠીક છે.’
એ પછી દામોદરે બીજા એક કોલ પર વાત કરીને ફરી કોલ જોડ્યો સપનાને..
‘હું તમને એક નામ સાથે એડ્રેસ સેન્ડ કરું છું. એ સ્થળ તમને નજદીક પડશે, હું પણ થોડા સમય પછી ત્યાં આવી રહ્યો છું. પછી નિરાંતે વાત કરીએ.’
‘ઇટ્સ ઓ.કે. દામોદર ભાઈ, પણ યાદ રાખજો, હવે થી હું ફક્ત સુનંદા શાસ્ત્રી છું હમેશાં માટે. સપનાના અતીતની ઓળખનો ઉલ્લેખ ભૂલે ચુકે પણ ન કરતાં પ્લીઝ.’

‘કોણ સપના ? હસતાં હસતાં બે શબ્દમાં દામોદરે ટૂંકો અને સચોટ ઉત્તર આપીને તેની કુશાગ્ર બુદ્ધિમતાનો આસાનીથી સપનાને પરિચય આપી દીધો.

‘ઓહ્હ.. થેન્ક યુ સો મચ દામોદરભાઈ, અચ્છા હવે હું નીકળું છું.’
‘જી.’ દામોદર બોલ્યો..

લીફ્ટ મારફતે બિલ્ડંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવી, ગૂગલ મેપ પર લોકેશન સર્ચ કરીને ઓટોમાં બેસતાં સપના બોલી..
‘સેટેલાઈટ ક્રોસ રોડ પર ઇસ્કોન ટેમ્પલ હૈ વહાં લે ચલો.’
‘જી મેડમ.’
એમ કહી ઓટો રીક્ષા ચાલકે ઓટો સપનાએ જણાવેલી દિશા તરફ હંકારી.
કોણીથી સ્હેજ નીચે સૂધીના લંબાઈનું ડાર્ક નેવી બ્લ્યુ કલરના ગોલ્ડન ડીઝાનીંગ બ્લાઉઝ પર, હળવા ગુલાબી રંગની પ્લેઈન સાડી, છુટ્ટા કેશ, કાન, નાક, ગળા કે હાથમાં નામ માત્રનું એક પણ ઘરેણું નહીં, છતાં પણ આજે અનેરા ઉમંગ, ઉત્સાહના તરવરાટની તાજગીથી સપનાના ખૂબસૂરત ચહેરા પર સાદગીનો શણગાર સોળે કળાએ ખીલ્યો હતો. મન મસ્તિષ્ક બન્ને પ્રફુલ્લિત હતાં.

પંદરથી વીસેક મિનીટ બાદ દામોદરે જણાવેલાં સ્થળ પર આવી, બે માળની બિલ્ડીંગમાં પ્રવેશતા જોયું તો, મુખ્ય દ્વાર અદ્ધ ઉઘડેલું હતું. ત્યાંથી નજર કરતાં સપનાને અંદાજ આવ્યો કે કોઈ ઓફીસનું સ્થળ છે.

દરવાજાની સામે એક નવજુવાન વ્યક્તિ ટેબલ પર પડેલા કોમ્પ્યુટર સીસ્ટમ પર તેના કાર્યમાં મશગુલ હતો. અડધું ટેબલ ફાઈલ્સ અને ડોક્યુમેન્ટ્સથી ભરચ્ચક હતું.
તે વ્યક્તિની પીઠ દરવાજા તરફ હતી.

યુવાનનું ધ્યાન તેની તરફ દોરવા તર્જનીથી ડોર પર હળવાં દસ્તક દઈને સપના બોલી..
‘મારે શ્રીધર શુક્લાને મળવું છે.’

ગોરા ચહેરા પર બારથી પંદરેક દિવસની વધી ગયેલી દાઢી, લેટેસ્ટ ડીઝાઇનના ફ્રેમલેસ રીડીંગ ગ્લાસિસ, સ્કાય બ્લ્યુ જીન્સ પર, આછા કથ્થઈ રંગનો ખાદીનો ફૂલ લેન્થ ઝબ્ભો, પગમાં કોલ્હાપુરી ચપ્પલ પહેરીને બેસેલો હેન્ડસમ યુવાન રીવોલ્વીંગ ચેર સપના તરફ ફેરવતાં બોલ્યો..

‘જી.. ફરમાવો. શ્રીધર શુક્લા આપની સામે જ છે.’
આટલું બોલતાં શ્રીધરની નજર સપનાની આંખો પર એકદમ સ્થિર થઇ ગઈ...
અને સપનાની પણ.
આઠથી દસ સેકંડ સુધી એકીટસે અવિરત બન્નેનો ચક્ષુ વિનિમય સળંગ રહ્યો..
એ પછી અચાનક સભાનતાનું ભાન થતાં મધુર અવાજમાં શ્રીધર બોલ્યો..

‘હ્મ્મ્મમ..આઈ થીંક મને એવું લાગે છે કે, મેં આપને પહેલાં પણ કયાંય જોયેલા છે..’
શ્રીધરના અસાધારણ પ્રભાવથી પ્રભાવિત થઇ સ્હેજ શ્રોભિત અને શરમાતાં સપના બોલી..
‘શાયદ, મને પણ એવો ભાસ થાય છે.’
પાંચ ફૂટ સાત ઈંચની હાઈટ ધરાવતો શ્રીધર આશ્ચર્ય સાથે ચેર પરથી ઊભા થઇ સપનાની નજદીક આવી શેકહેન્ડ માટે હાથ લંબાવતા બોલ્યો
‘આવો... વેક્લમ.. આપનો પરિચય ?
આંખોમાં અનેરી તાજગીની ચમક સાથે શ્રીધરની આંખોમાં જોઇને હાથ મિલાવતા જાણે કે, અનન્ય ઉમંગ ,ઉત્સાહ અને ઉષ્માના ત્રિવેણી સંગમની સાક્ષીની સંવેદના સાથે સપના બોલી..
‘જી. માય સેલ્ફ સુનંદા, સુનંદા શાસ્ત્રી.’

-વધુ આવતાં અંકે.