‘સજન સે જૂઠ મત બોલો’
પ્રકરણ-પહેલું/૧
‘ટીંગ.. ટીંગ.. ટીંગ..ટીંગ.. ટીંગ....ટીંગ....ટીંગ.’
સાંપ્રત સમયના કેલેન્ડરમાં ડીસેમ્બર માસની આજની દિનાંક એકવીસમી સદીના વધુ એક વર્ષાન્તના સંકેત તરફનો દિશાનિર્દેશ કરી રહી હતી.
વર્ષના અંતિમ મહિનાના, પ્રથમ સપ્તાહના વીક એન્ડનો પહેલો દિવસ, મતલબ કે, શનિવાર. જતાં ચોમાસા અને આવતાં શિયાળાના મૌસમની પરાણે વ્હાલી લાગે એવી પહેલી વ્હેલી મુલાયમ ગુલાબી ઠંડીના આલ્હાદક વાતાવરણ વચ્ચે, પરોઢના સાત અને પચ્ચીસ મીનીટે, શહેરના મધ્યમ ધનાઢ્ય કહી શકાય એવા, બજરંગવાડી પોશ વિસ્તારના મેઈન રોડના કોર્નર પર આવેલી, ટ્રસ્ટ દ્વારા સંચાલિત ‘શારદા વિધા મંદિર’ પ્રાયમરી સ્કૂલના કર્મચારીએ રોજિંદી ઘટમાળને ઘાટ આપતાં સ્કૂલનો ઘંટ વગાડી, સૌ ભૂલકોઓને પ્રાથના ખંડ તરફ જવાના આદેશનો ઘંટનાદ સંભળાવ્યો.
શાળાના વિશાળ કમ્પાઉન્ડની ડાબી તરફની દીવાલના છેડેથી થોડે દૂર, વર્ષો પહેલાં આંગળીના વેઢે ગણી શકાય એટલાં શ્રદ્ધાળુ ભક્તોએ મળીને અંજનીપુત્ર હનુમાનજીની એક નાનકડી દેરીની સ્થાપના કરી હતી.પણ, ધીમે ધીમે સરતાં સમયની સાથે સાથે ઉતરોત્તર દર્શનાર્થીઓની સંખ્યા વધતાં, એ પાવન જગ્યા ભક્તોજનોના હ્રદયમાં પરમ આસ્થાનું પ્રતિક બની ગયાં બાદ, નાની દેરીના સ્થાને દાતાઓની અતુટ શ્રધ્ધા અને આર્થિક સહાયથી હવે, ત્યાં એક મંદિર ઉભું કરાયું હતું. મંદિરની ગેઇટ બહારના એક ખૂણા પાસે જટાશંકર મહારાજે જીવન નિર્વાહ માટે પૂજનવિધિના સાધન સામગ્રીની નાનકડી એવી હાટડી માંડી હતી.અને આજુબાજુમાં બીજા બે-ચાર લારી વાળા ફક્ત શનિવારે નાળીયેર અને આંકડાના ફૂલોની માળા વેંચીને પેટ્યું રળવા આવી જતાં. આજે શનિવાર હતો એટલે, સૂર્યોદયની સાથે જ પ્રટાંગણમાં શ્રધ્ધાળુઓ કતાર લાગવીને મંદિરના મ્યુઝીક સીસ્ટમ પર ધીમા ધ્વનિની માત્રામાં વાગતાં સુંદરકાંડના પાઠનું શ્રવણ કરતાં કરતાં મગ્ન થઇ, ધન્યતાની અનુભૂતિ અનુભવી રહ્યાં હતાં. અને મંદિરના ચોગાનમાં નિયમિત અચૂક આવી જતાં શાંતિદૂતના પ્રતિક કબૂતરના ટોળાને બે-ચાર દર્શનાર્થીઓ પ્રેમભાવથી ચણ નાખી રહ્યાં હતાં..
મંદિરની બહાર આસપાસમાં બે-ચાર છુટા છવાયાં ભીખારીઓ પણ... શનિવારની રોજી, રોકડી કરવાની આશમાં ગોઠવાઈ ગયાં હતાં.
મંદિરના સામેની તરફના રોડની જમણી તરફના કોર્નર પર વર્ષોથી બંધ પડેલા જર્જરીત હાલતમાં પડવાના વાંકે ઉભાં રહેલાં બિલ્ડીંગનું નામ હતું ‘નૂતન ટોકીઝ’. એક જમાનામાં બજરંગવાડીની ઓળખ માટે આ એકમાત્ર ‘નૂતન’ ટોકીઝ’નું બિલ્ડીંગ લેન્ડમાર્ક માટે પર્યાપ્ત હતું.
તેની સામે વર્ષો જૂની ‘ગાંધી સોડા’ નામની શોપને અડીને આવેલા
‘બજરંગ પાન પાર્લર’ની બહાર પણ સવાર સવારમાં, પાન વગર જેનામાં જાન ન આવે તેવા પાનના રસિયા, અને ધુમ્રપાનના તરસ્યાં, પાંચ-સાત ગ્રાહકોનું નાનું ટોળું ઉભું હતું. તે જ લાઈનમાં બે બંધ દુકાન છોડીને, ‘શંકરા’ સાઉથ ઇન્ડિયન ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટમાં કોઈ રજનીકાંતની સાઉથ ઇન્ડિયન મૂવીનું લાઉડ અવાજમાં વાગતું સોંગ રીતસર કાનમાં વાગતુ હતું. તેની બાજુમાં ‘સ્ટાર ઓટો ગરેજ’ની બહાર નવી અને જૂની બંધ હાલતમાં પડેલી કારોની કતાર લાગેલી હતી, અને રોડની બંને તરફ કતારબંધ ઉભાં રહીને તાજા શાકભાજીની બૂમો પાડતાં બકાલીઓ, ઓટો રીક્ષાની અવરજવર..સોશિયલ મીડિયાની દુનિયામાં છ કલાક પહેલાં વાયરલ થઈને વાસી થઇ ગયેલા સમાચારને ‘આજ કી તાઝા ખબર’ કહી, ઘરે ઘરે છાપું ફેંકતા ન્યુઝ પેપરના ફેરિયાઓ, ‘અમૂલ’ મિલ્કના પાર્લર પર અલ્મોસ્ટ નાઈટ ડ્રેસમાં, બગાસા ખાતા, માથું ખંજવાળતા ગ્રાહકોની કતાર, રોડની એક તરફ ‘હેલ્થ ઈઝ વેલ્થ’ના સુત્રને સાર્થક કરતાં ટીનેજર. યંગસ્ટર્સ અને સિનીયર સીટીજનો ટ્રેકશૂટના વસ્ત્ર પરિધાન અને કાનમાં ઈયરફોન લગાવીને ચુપચાપ વોક અને રનીંગ કરી રહ્યાં હતાં, તો,વળી કોઈક શ્વાન પ્રેમી માલિક તેના મોંઘેરા ઉંચી નસ્લના શ્વાનની સંગત અને સ્વાસ્થ્યની જુગલબંધીમાં વ્યસ્ત અને મસ્ત હતું.
ચાર રસ્તાના કોર્નર પર આવેલી ‘ફેમસ’ ચાઈની ટપરી પર ચાઈના બંધાણીઓ ઠંડીના માહોલમાં ગરમ ગરમ ચાઈની ચુસ્કીઓ લગાવી રહ્યાં હતાં...
ઘોંઘાટ સાથે ધૂમાડો ઓકતી સીટી બસ.. આઠ વાગતાં સુધીમાં તો..શહેરજનો તેની રોજિંદી યંત્રવત જિંદગીની ઘટમાળમાં જોતરાઈ ગયાં હતાં...
ત્યાં અચનાક જ..
એક ધમાકેદાર ધડાકો સંભળાયો...બીજી જ ક્ષણે ભયના ભણકારાની આશંકા સાથે ચોતરફથી ફડફડાટ કરતાં પક્ષીઓ ઉડવા લાગ્યાં.
સૌ લોકો જે સ્થિતિમાં હતાં તે જ હાલતમાં સ્ટેચ્યુ થઇ ગયાં.. ‘શું થયું’ ? એવું મનોમન બોલતાં, સૌના પેટમાં જબરદસ્ત ફાળ પડી ગઈ. જે દિશામાંથી અવાજ આવ્યો તે તરફ સૌ દોડયાં.
‘સ્ટાર ઓટો ગેરેજ’ને અડીને આવેલી બહુમાળી ‘ડ્રીમલેન્ડ ટાવર’ની ઈમારતના ટોપ ફ્લોર પરથી......કોઈ પટકાઈને પડ્યું સીધું.. ‘સ્ટાર ઓટો ગરેજ’ની બહાર બંધ હાલતમાં પડેલી એક વ્હાઈટ એમ્બેસેડર કારની છત અને ફ્રન્ટ ગ્લાસની વચ્ચે.
કમકમાટી ઉપજાવે એવું લોહિયાળ દ્રશ્ય જોતાં, કાચાં પોચા હ્રદયના વ્યક્તિની આંખે અંધારા આવવાં લાગ્યાં.
રક્તરંજીત ખરડાયેલો ચહેરો, આંખો ઉઘાડી હતી. ફાટી ગયેલાં માથામાંથી રક્તબૂંદો ટપકતી હતી..કઠણ કાળજાની વ્યક્તિને પણ કમકમાટી ઉપજે એવાં માનવદેહની દુર્દશા જોતાં સૌનું અનુમાન સચોટ હતું કે, તેના પ્રાણ પંખેરું ઉડી ગયાં હતાં.
વધુ આવતાં અંકે..