સજન સે જૂઠ મત બોલો - 5 Vijay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સજન સે જૂઠ મત બોલો - 5

પ્રકરણ- પાંચમું/૫


ક્ષણમાં તો સપના સમસમી ગઈ. સપનાને એમ થયું કે, મજાક કરતાં કરતાં પાછળથી કોઈએ રીતસર જોરથી ધક્કો મારી તેને હજારો ફૂટ ઊંડી ખાઈમાં ધકેલી દીધી. ક્ષણ માટે સપના ધબકારો ચુકી ગઈ. રક્ત થીજી ગયું. સોફા પરથી ઊભાં થવાની સ્હેજે હિંમત નહતી છતાં, મન સાથે મનોબળ મજબૂત કરીને દોટ મૂકી તેના રૂમ તરફ અને ત્યાંથી પર્સ લઈ, ફાટફાટ દોડી ફ્લેટની બહાર નીકળી એન્ટર થઇ લીફ્ટમાં, નીચે આવીને પહોંચી છેક સોસાયટીના મેઈન ગેઇટ પાસે. છાતી ધમણની માફક ધણધણતી હતી, ગળું અને હોઠ સુકાઈ ગયા હતાં.બાજુના સ્ટોરમાંથી એક વોટર બોટલ લઇ. ઓટોમાં બેસી રવાના થઇ સમીર પંચાલને મળવા તેના ક્લાસીસ તરફ.

સપનાને સમય કે સ્થિતિનું કશું જ ભાન નહતું. કોમ્પ્લેક્ષ પર પહોંચીને જોયું તો.. હજુ માંડ સાડા આઠ વાગ્યાનો સમય થયો હતો. સમીર પંચાલે અગિયાર વાગ્યાનો સમય આપ્યો હતો. આટલી વ્હેલી સવારમાં અપરિચિત સમીરને કોલ કરવો એ સપનાને યોગ્ય ન લાગ્યું. સપના પાસે પ્રતિક્ષા કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નહતો. બે મિનીટ વિચાર્યા પછી, ઓટો રીક્ષાના ચાલકને નજીકમાં કોઈ ગાર્ડન તરફ જવાનું કહ્યું.

દસ મિનીટ બાદ સપના આવી પહોંચી નજીકના એક ગાર્ડનમાં.
સાવ નહીંવત લોકોની અવરજવર હતી એવાં એક કોર્નરના બેન્ચ પર તેની બંને હથેળી પર માથું મૂકીને બેસી રહી. ગજેન્દ્રએ શરમની સીમા પર કરીને અટ્ટહાસ્ય સાથે નફ્ફટાઈથી અશ્લીલ ઈશારા સાથે કરેલી અભદ્ર માંગણીના શબ્દો હજુએ સપનાના કાનમાં પડઘાતા હતાં. સાવ તળિયા વગરની પુરુષની જન્મજાત છીછરી માનસિકતાથી સાવ અજાણ આહત સપનાએ વિચાર્યું કે....

એકાંતમાં કોઈપણ અજાણી સ્ત્રીના ગમા- અણગમાની પરવા કર્યા વગર કોઈપણ પર પુરુષની તેના ‘ગમવા’ ની વ્યાખ્યા સપનાને યુનિફોર્મ જેવી એકસમાન લાગી. પછી એ ચીમનલાલ હોય કે, ગજેન્દ્ર કે આંશિક હદે.. સમીર પંચાલ. ક્ષણમાં સરવાણીની માફક ફૂંટી નીકળતી જન્મોજન્મ જેવી સહાનુભુતિ જતાવીને તેના મનોવાંછિત વિકારના લક્ષ્યવેધને તાંકવાના કેન્દ્રબિંદુમાં તો સ્ત્રીનું તન જ હોય છે.
છતાં પણ સમસ્ત સંસારમાં યુગો યુગોથી પુરુષપ્રધાનની એકચક્રી શાસન જેવી હુકુમત હેઠળ સ્ત્રી કોઈપણ ભોગે તેનો જીવન નિર્વાહ તો કરે છે ને ? બસ,આ રીતે ? કોઈ એવો અપવાદ રૂપ પુરુષ નહીં હોય કે, જે સ્ત્રીના તન પહેલાં મનને માણવા કે જાણવાની ઈચ્છા ધરાવતો હશે ?

હવે....ગઈકાલે સમીર પંચાલનું બાહ્ય સ્વરૂપ જોયા પછી...ઝેરના પારખા કરવા સમીરને મળવું કેટલું યોગ્ય રહશે ? કોઇપણ પરિસ્થતિમાં ગામ તો પરત ફરવું જ નથી એવું નક્કી કર્યા પછી સમય જોયો..તો દસ વાગ્યાં હતા.

સપનાના ઘરે છોડીને ગયાં બાદ..
દસેક મીનીટમાં ઇન્દુએ ઘરે આવીને સપનાને ન જોતાં ગજેન્દ્રને પૂછ્યું.
‘તે સપનાને જોઈ ?
‘હા, પણ ફક્ત ઉપર ઉપરથી જ જોઈ’ એવું મનોમન બોલ્યાં પછી..
બાથ લેવા વોશરૂમ તરફ જતાં ગજેન્દ્ર બોલ્યો..
‘હા, થોડીવાર પહેલાં બહાર જતાં જોઈ.’
‘શું કહ્યું તેણે ? કંઈ કહીને ગઈ છે ? ઇન્દુએ પૂછ્યું.
‘ના.’ ટૂંકો જવાબ આપીને ગજેન્દ્ર ગયો વોશરુમમાં.

‘અચ્છા.’ એમ કહી ઇન્દુ કિચન તરફ જતાં જતાં વિચારવા લાગી.. સવાર સવારમાં ક્યાં ઉપડી ગઈ હશે ? એ પણ કંઈ જાણ કર્યા વગર. પણ એથી વધુ ઇન્દુને આશ્ચર્ય એ વાતનું થયું કે, ગજેન્દ્રએ સપના વિષે કેમ કોઈ સવાલ ન કર્યો ? તે બંને વચ્ચે કોઈ વાર્તાલાપ થયો હશે ? ક્યાંય ગજેન્દ્રએ...
આવી કંઇક આશંકા સાથે માથાબોળ નાહ્યા પછી ઇન્દુ કામે વળગી.

સાડા દસ થયાં.. હવે તડકો પણ સ્હેજ આકરો લાગતો હતો. એટલે સપના ફરી આવી
‘બ્રાઈટ ફ્યુચર ટ્યુશન ક્લાસીસ ’ આવેલાં કોમ્પ્લેક્ષ પર.

ગરમીથી સખ્ત ગળું સુકાતું હતું. એટલે સામે કોલ્ડડ્રીંક્સની શોપ પર નજર પડતાં ત્યાં જઈને પાઈનેપલ જ્યુસનો ઓર્ડર આપી, પર્સમાંથી વીઝીટીંગ કાર્ડ કાઢી કોલ જોડ્યો સમીર પંચાલને.

રીંગ ગઈ પણ કોલ રીસીવ ન થયો.. એટલે જ્યુસનો ગ્લાસ ઉઠાવ્યો.. અડધો ગ્લાસ ખાલી થતાં સપનાનો કોલ રણક્યો..નંબર જોતાં ખ્યાલ આવી ગયો કે, કોલ સમીરનો જ છે, એટલે ગ્લાસ સાઇડમાં મૂકતાં સપના બોલી.
‘હેલ્લો.. સમીરભાઈ.. હું સપના, સપના ચૌધરી.. ગઈકાલે રાત્રે..’
સપનાની વાત કાપતાં સમીર બોલ્યો..
‘હા.. હા.. મને યાદ છે, હાલમાં આપ ક્યાં છો ? સમીરે પૂછ્યું.
‘જી. કોમ્પલેક્ષના ગ્રાઉન્ડ ફ્લોર પર.’ સપના બોલી
‘અચ્છા, ઠીક છે, મને આવતાં જરા મોડું થશે આપ ઉપર જઈને ઓફિસની બહાર વેઇટીંગ લાઉન્જમાં વેઇટ કરો હું, બોસ સાથે વાત કરીને તમને જાણ કરું છું.’

‘હા..પણ,,, સમીરભાઈ મારા રહેવા માટેની જગ્યાનો આજે જ બંદોબસ્ત કરવો પડશે..કેમ કે, મારી પરિસ્થિતિ ખુબ જ વિકટ છે.. હું આપને રીક્વેસ્ટ કરું છું.’
આટલું બોલતા સપનાને ખુદની લાચારી પર ધૃણા ઉપજી.

‘હમ્મ્મ્મ... અચ્છા ચલો કંઇક કરીશું.. ડોન્ટ વરી.’ એમ કહી સમીરે કોલ કટ કર્યો.
સમીરની હળવી હૈયાધારણથી હળવાશ અનુભવતા ગ્લાસ ઉઠાવી જ્યુસ ખત્મ કર્યા પછી આવી સેવન્થ ફ્લોર પરના ક્લાસીસ પર.

અંદર દાખલ થતાં દુબળા પાતળા ઉમરલાયક પટ્ટાવાળાએ હથેળીમાં રાખેલો પાન મસાલો ચોળતાં ચોળતાં પૂછ્યું,
‘બોલો શું કામ છે ?’
‘સમીરભાઈ સાથે વાત થઇ ગઈ છે, એ આવે છે હમણાં.’
એવું કહી ઓફીસ બહારના સોફા પર સપના બેસી ગઈ. એરકન્ડીશનરના ચિલ્ડ વાતાવરણમાં સપનાએ રાહતનો શ્વાસ લીધો.

આજુબાજુ માંથી આવતાં હળવાં ઘોંઘાટ પરથી સપનાને અંદાજ આવ્યો કે, ખરેખર છે તો ટ્યુશન ક્લાસીસ જ. કાચથી મઢેલી પારદર્શક ઓફિસની આરામદાયક ચેર પર માંડ માંડ ગોઠવાયેલો એક સ્થૂળકાય અને ઠીંગણો આશરે પચાસેક વર્ષનો ચશ્માંધારી વ્યક્તિ એકધારું સપનાને ધારી ધારીને જોઈ રહ્યો હતો. બે મિનીટ પછી કોલ પર કોઈને જોડે વાત કરીને સપનાને ઓફિસની અંદર આવવાં માટે ઈશારો કર્યો.

કપડાંની સાથે સાથે તેના કેશ વ્યવસ્થિત કરી, સપના ઓફિસમાં દાખલ થતાં બોલી...
‘ગૂડ મોર્નિંગ સર.’

‘બેસ.’
નાક પરથી, લખોટી વાળી સોડા બોટલના તળિયા જેવા કાચમાં મઢેલા ચશ્માંની દાંડી સ્હેજ નીચે લાવી સપના તરફ જોઈને તે વ્યક્તિ બોલી..

એટલે નવાઈ સાથે સપના સામેની ચેર પર બેઠી.. સપનાને નવાઈએ વાતની લાગી કે. ‘બેસો’ ની જગ્યાએ ‘બેસ’ એવું સંબોધન કેમ કર્યું હશે ? છતાં ‘ગરજે ગધેડાને..’ વાળી કહેવત મનોમન બબડતાં ચુપચાપ બેસી રહી.

બોલવું હતું પણ નીચલા હોઠ અને દંતાવલી વચ્ચે સંઘરેલા ખજાનાની માફક ભરાવી રાખેલા તમાકુના ડૂચાને પહેલી આંગળી અને અંગૂઠા વચ્ચે દબાવી, જેસીબીની માફક ઊંચકીને કાઢ્યા પછી, ચેર નીચે મૂકેલી થુંકદાનીમાં ખંખેરી, નેપકીનથી મોઢું લૂંછી મેટલની વોટર બોટલમાંથી પાણીનો ઘૂંટડો ગળીને બોલ્યો..

‘સોપના, સોપના નામ છે તમારાં’
સોપના ઉચ્ચારણ સાંભળતા મનોમન હસતાં સપનાને થયું આ ચાર ફૂટનું પ્રાણી ક્યા પ્રદેશનું હશે ? પણ પરિસ્થતિ સંભાળતા બોલી..
‘સર, સપના, સપના ચૌધરી.’
હસ્તધૂનન કરવાના આશયથી સપના તરફ હાથ લંબાવતા બોલ્યો..
‘માય સેલ્ફ સુબોધ બેનરજી. આ ક્લાસીસનું ઓનર છું. લોગોને ગુજરાતી ભાસા ભનાવાનો બીઝનેશ કરું છું, પણ મને બોલતા નથી આવરતા.’ એમ કહી સુબોધ બેનરજી ખડખડાટ હસવાં લાગતાં તેનું પેટ પણ ઠેકડા મારવા લાગ્યું..
એટલે સપના પણ હસવાં લાગી. ઔપચારિકતા ખાતર.

‘સોમીરે મને તારા બારામાં વાત કયરો. હમરા જોબનો વેકેન્સી નથી પન, તને જોયને થયો કે, તને રાખી લેવો જોયે.’ સુબોધે તેની ભેજાફ્રાય કરી નાખે તેવી મિક્સ વેજીટેબલ જેવી લેન્ગ્વેજમાં જવાબ આપ્યો. સપનાને વાક્ય રચના સમજતા વાર લાગતી હતી.

ત્યાં જ ઓફિસમાં ત્રીસેક વર્ષની એક બ્યુટીફૂલ લેડી એન્ટર થઇ.
તેની ઓળખાણ કરાવતાં સુબોધ બોલ્યો..
‘આ મારુ પર્સનલ સેક્રેટરી છે. મિસ. સોચીત્રા પોનાવાલા.’
એટલે પેલી લેડીએ તેના નામના ઉચ્ચારણને સરખો ન્યાય આપતાં સ્માઈલ સાથે બોલી..
‘હાઈ.. આઈ એમ સુચિત્રા પુનાવાલા. હું સરની પી.એ. છું. પ્લીઝ આપ આવો મારી સાથે.’

એટલે ચેર પરથી ઊભાં થઇ સુબોધને સંબોધતાં સ્મિત સાથે સપના બોલી.
‘થેંક યુ વેરી મચ સર, નાઈસ ટુ મીટ યુ.’
‘મને પન બવ ખુશી થયો. તને જોયને.’ હસતાં હસતાં સુબોધ બોલ્યો.. અને માંડ માંડ તેનું હસવું રોકી સપના, સુચિત્રાની સાથે ઓફિસની બહાર આવી.

માંડ સાડા ચાર ફૂટની હાઈટ અને બાવન વર્ષના પ્રોફેસર સુબોધ બેનરજી મૂળ પશ્ચિમ બંગાળના દુર્ગાપુરનો રહેવાસી. પાંચેક વર્ષ પહેલાં ‘બ્રાઈટ ફ્યુચર ક્લાસીસ’ ની ચાલીસ વર્ષીય વિધવા ઓનર ચંદ્રપ્રભા પાટીલ અને અપરણિત સુબોધ બેનરજી સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવ્યાં. ઔપચારિક વાર્તાલાપના વિનિમય દરમિયાન વાણી અને વિચારોની સમરસતાથી બંને સમીપ આવ્યાં. આર્થિક રીતે ખુબ સધ્ધર ચંદ્રપ્રભાના ચિત્તમાં તેના મનગમતાં ભાવી લાઈફ પાર્ટનરની ફ્રેમમાં સુબોધનું ચિત્ર પરફેક્ટ રીતે ફીટ થતું હતું. ચંદ્રપ્રભાને પતિના રૂપમાં એક એવા સાથીદારની જરૂર હતી જે માલિકીભાવ વિના પ્રેમભાવ જતાવી શકે. અને સુબોધને વનપ્રવેશ જેવી ઢળતી જિંદગાનીના સમયે ચંદ્રપ્રભાની કાયાની સાથે પૂંજીની માયા એવો બન્ને હાથમાં લાડવા જેવો ચમત્કારિક લાહવો મળતાં પાંચેક વર્ષ પહેલાં વતન દુર્ગાપુરને હંમેશ માટે અલવિદા કહીને ચંદ્રપ્રભા સાથે લગ્નસંસાર માંડીને આ શહેરમાં આવી વસ્યો હતો.

બાજુની કેબીનમાં દાખલ થતાં સુચિત્રા બોલી..
‘હવે દિલ ખોલીને હસી શકો છો.’
એટલે સપનાથી ખરેખર ન રહેવાયું અને મુક્ત મને હસવાં લાગ્યાં પછી બોલી
‘પણ આપને કેમ ખબર પડી કે મને હસવું આવે છે ?’
‘મને નહીં બોસને પણ ખબર છે કે, જે કોઈપણ તેને પહેલીવાર મળે એટલે તેમની કોકટેલ લેન્ગવેજનો ટોન સાંભળ્યા પછી પેટમાં જમાલગોટાની માફક હાસ્યનો ધોધ છુટી પડે.’

‘ઓહ માય ગોડ, સો ફની આપ પણ..’ ખડખડાટ હસ્યાં પછી બોલી.. ‘સોરી’
સપના સામે એક ફોર્મ ધરતાં સુચિત્રા બોલી..
‘ઇટ્સ ઓ.કે. મને જસ્ટ સમીરનો કોલ આવ્યો. આપ આ ફોર્મ ફિલ-અપ કરો. એ પછી સમીર આવીને તમને તમારી ડ્યુટી અને બોસનો વિસ્તારથી પરિચય આપશે.

‘જી, ઓ.કે.’
એમ કહી ટેબલ પરના પેન સ્ટેન્ડમાં મૂકેલી પેન ઉઠાવી સપનાએ ફોર્મ ભરવાનું સ્ટાર્ટ કર્યું. ફોર્મ કમ્પ્લીટ થતાં જ સમીર એન્ટર થતાં બોલ્યો.
‘હાઈ... ગૂડ મોર્નિંગ. ’
‘હેલ્લો..વેરી ગૂડ મોર્નિંગ.’
‘મારે રાત્રે જ બોસ જોડે વાત થઇ ગઈ હતી.. એટલે તેમણે મને કહ્યું કે, તે કીધું એટલે ફાઈનલ, બસ મારે તેમને એક વાર જોવા છે, એ પછી હું લીલીઝંડી આપું.’

ટેબલ પર પેન મૂકતાં સપનાએ આશ્ચર્ય સાથે પૂછ્યું.
‘તમારાં બોસ જોઇને જોબ આપે છે ? અને શું જોવાનું હોય ? જોવાથી શું ખબર પડે ? અને તમારા બોસે મારામાં શું જોયું એ તો મને પણ ખબર ન પડી,’

એટલે સપનાની સામું જોઇને સમીર બોલ્યો..
‘ફરી એ જ ગઈકાલ વાળો જવાબ.. તમે હજુ આ શહેરની તાસીરથી અજાણ છો.. એટલે આટલું જલ્દી તમને નહીં સમજાય. તેના માટે મારે પુરા પિસ્તાળીસ મિનીટનો તમારો ક્લાસ લેવો પડશે, પણ હમણાં ટાઇમ નથી.. બાકી એક જ વાક્યમાં સમજાવી દઉં, કોઇપણ કામ દિલ માને તો કરવાનું નહી તો નહીં કરવાનું બસ. ટૂંકું ને ટચ.
આ મારી લાઈફનો જીવનમંત્ર કે ફંડા જે સમજો તે આ છે.’

‘મને તમારો આ ફંડા ગમ્યો.’ સપના બોલી..

‘હવે હું તમારી ડ્યુટી અને રાઈટ્સ સમજાવી દઉં.. તમને સ્ટાર્ટટીંગમાં સાત હજાર પગાર મળશે. વીકમાં છ દિવસ જોબ કરવાની રહશે..સન્ડે ઓફ. મોર્નિંગ આઠથી બપોરના બે.. અથવા બપોરના બે થી સાંજના સાત. એક મહિનાના નોટીસ પીરીયડ પહેલાં આપ જોબ નહીં છોડી શકો. એવરી ફિફ્ટીન ડેઈઝ પછી આપને પાંત્રીસ સો રૂપિયા આપવામાં આવશે. બોલો ઇટ્સ ડન ?

‘પણ સમીરભાઈ સાત હજાર બહુ ઓછા ન કહેવાય, આવડા મોટા શહેરના પ્રમાણમાં ?
‘પણ, મેડમ શહેરની પસંદગી તો આપની છે ને ? આપ આપની જરૂરિયાત મુજબ નાનું શહેર પણ પસંદ કરી શકો છો.’ સમીરે લોજીક સાથે જવાબ આપતાં કહ્યું..
‘અચ્છા, ચલો એ તો ઠીક છે, પણ મારા રહેવા માટેની જગ્યાનું શું થયું ? ઇટ્સ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ.’ સપનાએ પૂછ્યું.
‘આ શહેરમાં રોટલા કરતાં ઓટલાની મગજમારી વધુ છે. તમારા માટે....’
આટલું બોલીને સમીર વિચારમાં પડી ગયો...
એટલે સપના બોલી..
‘બહુ હાઈ-ફાઈ કે પોશ એરિયા નહીં હોય તો ચાલશે પણ, જગ્યા સાફ સુથરી અને ભીડભાડ વાળો વિસ્તાર ન હોય તો ઓ.કે.’

સપનાની સામે જોઇને સમીર બોલ્યો..

‘મેડમ બધું જ એ-વન અને અફલાતુન છે. પણ, તમારે રૂમ કોઈની જોડે શેર કરવો પડે.. બાકી લોકલ એરિયામાં પણ વન બી.એચ.કે. દસ હજારથી નીચે નહીં મળે અને એ પણ શહેરથી દસથી પંદર કિ.મી. દૂર. પણ તમે આ બધું હોમવર્ક કર્યા વગર સીધા જ આસમાનમાંથી ટપકી પડ્યા છો કે શું ?’

એટલે સપના બોલી..
‘હવે તે સમજાવવા મારે પુરા પિસ્તાળીસ મિનીટનો તમારો ક્લાસ લેવો પડશે, પણ હમણાં ટાઇમ નથી.’
એ પછી બંને હસવાં લાગ્યાં..

‘અત્યારે તો તમે મને જેલની કોટડીમાં રાખશો તો પણ રહેવા તૈયાર છું, આવી હાલત છે, બોલો.’ સપના બોલી..

‘અચ્છા ઠીક છે, તમારો લગેજ ક્યા છે ?
‘મારી ફ્રેન્ડના ઘરે. અહીં સાંઈધામ સોસાયટીમાં.’
‘અચ્છા, તમારે આવતીકાલથી જોબ સ્ટાર્ટ કરવાની છે, ત્રણ દિવસ તમને ટ્રેનીંગ આપવામાં આવશે. હવે તમે બે વાગ્યે મને કોલ કરો.. હું તમને લોકેશન સાથે એક એડ્રેસ સેન્ડ કરું છું. ત્યાં તમારી રહેવાની વ્યવસ્થા થઇ જશે. તમે ફ્લેટ જોઇ લો ન, ફાવે તો પછી ક્યાંય બીજે શોધખોળ કરીશું.’

‘અચ્છા હવે હું રજા લઉં. છેલ્લે એક વાત પૂછું સમીરભાઈ, મારા જેવી અજાણી સ્ત્રી માટે આટલું બધું કરવાનું કારણ ?

સપનાની સામે જોઈ સમીર બોલ્યો..
‘અંતે બધાં પુરુષો એકસરખાં જ હોય છે. સ્ત્રીઓની આ જડ જેવી માન્યતા તોડવા માટે.’ આટલું બોલી સમીર તેના ક્લાસ તરફ ચાલવા લાગ્યો..

અને સમીરના ઉમદા અને અપેક્ષિત ઉત્તરથી ગદ્દગદ્દિત થતાં ભીની આંખોની કોરે સપના મનોમન બોલી..’ચલો, દાનવરાજના નગરમાં કોઈ એક દેવતાને તો ગંગા મૈલી ન થાય તેની ચિતા છે.’
સમીર પ્રત્યે સપનાને ભ્રમિત કરતી તેની ભ્રમણા ભાંગી પડી

આશરે બારેક વાગ્યે સપના આવી ઇન્દુના ઘરે.. તેને ખાતરી હતી કે હવે, ગજેન્દ્ર ઘરે નહીં જ હોય અને તેની ધારણા સાચી પડી. ગજેન્દ્ર ઘરે નહતો
સપના ઘરમાં દાખલ થતાં જ સ્હેજ ગુસ્સામાં ઇન્દુ બોલી..

‘અરે.. યાર આ કોઈ રીતે છે ? મન ફાવે ત્યારે આવે છે, મન ફાવે ત્યારે જતી રહે છે. અને કંઈ કહીને જાય તો આપણને ચિંતા ન રહે, નહીં તો આવડા મોટા શહેરમાં કોઈ ઘટના બનતાં કંઈ વાર લાગે ? કાલ સવારે કંઇક અજુગતું બની ગયું તો જવાબ તો મારે જ આપવાનો ને ?

સોફા પર બેસતાં ઇન્દુની સામે જોઈ સપના બોલી..
‘કાલે સવારે નહીં ઇન્દુ, આજે સવારે જ અજુગતું બની ગયું બોલ.’
એટલે નવાઈ સાથે સપનાની બાજુમાં બેસતાં ઇન્દુએ પૂછ્યું..
‘આજે સવારે ? શું બની ગયું ? ક્યાં બની ગયું ?
‘આવડાં મોટા શહેરમાં, મને અચનાક એક જોબની ઓફર આવી અને મેં ઠુકરાવી દીધી તેથી મોટું મહાભારત રચાયું, એટલે એ દોડાદોડીમાં તને કહેવાનું રહી ગયું તેમાં મને મોડું થઇ ગયું બોલ.’
સાવ ઠંડે કલેજે સપનાએ ગર્ભિત ભાષમાં વાતની રજૂઆત કરી.
‘જોબની ઓફર ઠુકરાવી દીધી પણ શા માટે ? પગાર ઓછો હતો કે કામ વધુ હતું ? અને તેમાં વળી મહાભારત શેનું રચાય ? કંઇક સમજાય એવું બોલને.’
અધીરાઈથી ઇન્દુએ પૂછ્યું..

‘કામ તો ખુબ આસાન હતું અને પગાર પણ મો માંગ્યો મળતો હતો પણ.. એક શર્ત હતી એટલે... ’
ઇન્દુની સામે જોઇને સપના ચુપ થઇ ગઈ..
હવે ઇન્દુની અકળામણ વધવા લાગી.. એટલે આતુરતાથી પૂછ્યું..
‘શરત, કેવી શરત ?
‘અરે યાર, તું વચ્ચે તું આડી આવી ગઈ. નહીં તો આજે.. મારો બેડો પાર થઇ જાત.’
‘સપના...આ તે શું બકવાસ માંડ્યો છે ? જે હોય એ સીધી રીતે વાત કર.”
સ્હેજ ગુસ્સામાં ઇન્દુ બોલી..
‘ઇન્દુ..એ વ્યક્તિએ મને કહ્યું કે... ‘આખો મહિનો નહીં... ફક્ત દસથી પંદર મિનીટ મારા ખોળામાં બેસવાના હું તને દસ હજાર રૂપિયા રોકડા આપીશ બોલ.. કરવી છે જોબ, વિથ ફૂલ ઓફ એન્જોય. ઈચ્છા હોય તો હમણાં જ આવીજા ચલ.’

આટલું સાંભળતા જ ઇન્દુ તાડૂકીને બોલી..
‘કોણ હતો એ હલકટના પેટનો, કહે તો મને જરા એટલે હમણાં એની મા-બેન એક કરી નાખું.’
એટલે સ્હેજ હસતાં સપના બોલી..
‘આવડાં મોટા શહેરમાં બહાર જઈએ, તો જ કંઇક અજુગતું બને એ જરૂરી છે ?.’
એટલે ગભરાઈને ઇન્દુએ પૂછ્યું..
‘મતલબ ? ’

ઇન્દુની સામે નજર મીલાવતાં સપના બોલી..
‘તું એ વ્યક્તિનો વાળ પણ વાંકો નહીં શકે ઇન્દુ કારણ કે, તારે રોજ તેનું પડખું સેવવાનું છે, યાર.’

આટલું સાંભળતા તો ઇન્દુ ધ્રૂસકે ધ્રૂસકે રડતાં સપનાને ભીંસીને બાથ ભરી રડવા લાગી, એટલે સપના પણ ડઘાઈ ગઈ કે, અચાનક ઇન્દુને શું થઈ ગયું. માંડ માંડ છાની રાખી પાણી પીવડાવ્યાં પછી પણ ઇન્દુ હીબકાં ભરતી રહી.

‘અરે પણ ઇન્દુ એમાં શું થઇ ગયું.. એ તો મરદની જન્મજાત ફિતરત છે, મને દુઃખ એ વાતનું છે કે, ધાર્યા કરતાં અનેક ગણા અધિક સુખની સાથે સાથે તારા જેવી સીધી, સાદી અને ભોળી, સ્વરૂપવાન સંસ્કારી પત્ની હોવા છતાં પણ, એ વ્યક્તિની જિંદગીમાં શેની ખોટ છે ? અને તને અંધારામાં રાખીને આ પુરુષ છેક આ હદે જઈ શકશે તેની હું તો શું, કોઈ કલ્પના પણ ન કરી શકે. ગામમાં અંબાલાલકાકા અને પાર્વતીકાકી માથું ઊંચું કરીને ગર્વથી તારા સાસરીયા અને જમાઈના બે મોઢે વખાણ કરતાં થાકતાં નથી અને તું અહીં...’

થોડીવાર પછી શાંત થઇ આંસુ લૂંછતાં ઇન્દુ બોલી..
‘મને અંધારામાં નહીં....છડેચોક મારા સાસરિયા અને સોસાયટીમાં સૌ ગજેન્દ્રની આ નીચતાથી ખુબ સારી રીતે વાકેફ છે. છતાં પણ ચુપ છે, તેની વર્દીના રોફ અને ધાકથી. તું આવી તે ઘડીએ જ મને ફાડ પડી હતી કે, ગજેન્દ્ર તારી આગળ નગ્નતાનો નાચ ન નાચે તો સારું પણ, મારા કરમ ફૂટ્યાં કે, મારે આજે સવારે જવું પડ્યું અને એ, નીચને લાગ મળી ગયો. તારી જોડે કોઈ બળજબરી તો...’
આટલું બોલતા ઇન્દુ ફરી રડી પડી..

અને સપનાં સ્તબ્ધ થઇ ગઈ.
‘પણ.. ઇન્દુ બધી જાણકારી હોવાં છતાં તું, ગજેન્દ્રની સામે તેની કોઈ વાતનો વિરોધ કેમ નથી કરતી ?

એટલે હસતાં હસતાં ઇન્દુ બોલી ..
‘ગઇકાલ રાત્રે આપણે મોડે સુધી વાતો કરતાં હતા, ત્યારે તે મને એક સવાલ કર્યો હતો કે, ઇન્દુ તું હવે સાડી કેમ નથી પહેરતી, તને સાડી પહેરવાનો શોખ તો સ્કૂલના સમયથી જ હતો. તો હવે કેમ માત્ર ડ્રેસ જ પહેરે છે ?

‘હા, મને પણ એ જ વાતની નવાઈ લાગી પણ તેનું આ વાત સાથે શું કનેક્શન છે ? ગજેન્દ્રની મનાઈ છે ? આશ્ચર્ય સાથે સપનાએ પૂછ્યું..

‘એક મિનીટ.’ એમ કહી ઇન્દુએ તેણે પહેરેલી કુર્તી પાછળથી ઉંચી કરી, તેની પીઠ સપનાને બતાવતાં કહ્યું... ‘આ જો ગજેન્દ્ર સામે વિરોધ કરવાનો જવાબ.’

ઇન્દુની પીઠ પર કોઈ હથિયારથી કરેલા પ્રહારના નિશાનના સોળ ઉપસી આવ્યાં હતાં.

એ જોતા જ સપનાની ચીસ ફાટી ગઈ.


-વધુ આવતાં અંકે..