સજન સે જૂઠ મત બોલો - 2 Vijay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સજન સે જૂઠ મત બોલો - 2

પ્રકરણ-બીજું/૨


આ આકસ્મિક ગોઝારી જીવલેણ ઘટના ઘટી, ઠીક તેના એક વર્ષ પૂર્વેના સમયકાળની એક મસ્ત મજાની સુંદર સવારથી કથાનો શુભારંભ કરતાં કહું તો....

‘ટીંગ.. ટીંગ.. ટીંગ..ટીંગ.. ટીંગ....ટીંગ....ટીંગ.’

રતનપુર...

ગામના ભામાશા તરીકે ઓળખાતા દાનવીર દશરથ પટેલ છેલ્લી વાર અમેરિકા જતાં પહેલાં, ગામના બાળકોના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખીને, શિક્ષણ જેવી પાયાની જરૂરિયાત પૂરી કરવાના આશયથી, તેમનું બે માળનું ખાનદાની જુનવાણી મકાન, ગામના વિશ્વાસ પાત્ર ટ્રસ્ટને સોંપીને ગયા હતાં તે, ‘ગાંધી વિદ્યા’ બાલમંદિરનો બેલ વાગતાંની સાથે કિલકિલાટ કરતાં સૌ નાના નાના ભૂલકોની જોડે જોડે શાળામાં દાખલ થઇ, સપના.

સપના ચૌધરી.
જેનું કર્મભૂમિ અને જન્મભૂમિ હતું રતનપુર. એ બાવીસ વર્ષીય સપના એટલે, મનહરલાલ ચૌધરી અને શારદાબેનના આંખનું રતન. બે દાયકા પહેલાં લક્ષ્મી રૂપે દીકરી અવતરણની મંગલ ઘડીની ધન્યતા માટે બન્નેએ પરમેશ્વરનો પાડ માની, સપનાના નામકરણ સાથે, સ્વના સપનાને સપનામાં સાકાર થતાં જોઇ, હરઘડી હરખઘેલાં બની ગયાં હતાં.

મનહરલાલ ચૌધરી, સાદગી ભર્યું જીવન જીવતો મધ્યમ વર્ગનો સામાન્ય સંતોષી જીવડો. આર્થિક ઉપાર્જન માટે બાપ-દાદાના વારસાગત ખેતીવાડીના વ્યવસાય સાથે સંકળાયેલો. હરીહરે હસ્તરેખામાં ભરપુર સંપતિ ચીતરી આપેલી પણ, હથેળી ખાલીખમ. ખેતી લાયક જમીન અઢળક હતી પણ, સૌભાગ્યમાં સ્વાસ્થ્યના સ્થાને હતી નકરી શૂન્યતા. મનહરલાલને બચપણથી જ દમની બીમારી લાગુ પડી ગયેલી. અને થોડી મનહરલાલની તબિયત પ્રત્યેનીની બેદરકારીના કારણે દમનો રોગ ધીમે ધીમે વકરતાં મનહરલાલના પંડમાં કાયમી અડ્ડો જમાવીને ઘર કરી ગયો હતો. એટલે તે હમેશાં તેની શારીરિક શ્રમતાની સીમામાં રહીને કામકાજ કરતો.


આશરે ત્રીસથી પાંત્રીસ હજાર વસ્તી ધરાવતું રતનપુર ગામ. વસ્તીની સિત્તેર ટકા પ્રજા ખેતીવાડીના વ્યવસાય સાથે જોડાયેલી. રતનપુરથી માત્ર પાંત્રીસેક કીલોમીટરના અંતરે મહાનગર આવેલું હોવાથી યુવા વર્ગને, તેના અભ્યાસ, વ્યવસાય અને આવનારી પેઢીના ભવિષ્યને ધ્યાનમાં રાખી સ્થાયી થવાં શહેર તરફનું આકર્ષણ વધુ રહેતું. એ સુવર્ણમૃગ જેવા આર્ક્ર્ષણથી સપના પણ બાકાત નહતી.

મનહરલાલ તેની પત્ની શારદા, અને વ્હલાસોયી લાકડી પુત્રી સપના સાથેના તેના સીમિત,સુખમય અને સંતોષી હર્યા ભર્યા સંસાર પર એક દિવસ વિધાતાની વક્રદ્રષ્ટિ સાથે એવી વીજળી ત્રાટકી કે, સૌનું ઝળહળતું જીવન આજીવન અંધકારમય થઇ ગયું.

ભર ચોમાસાની મૌસમ હતી. ત્યારે સપના સાતેક વર્ષની હશે, બપોરના આશરે બારેક વાગ્યાની આસપાસ શારદાબેન સપનાને શાળાએ મૂકીને, સવારથી વાડીએ ગયેલાં મનહરલાલ માટે તેને ભાવતું શાક અને રોટલાનું ટીફીન લઈને ખેતર તરફ આવી રહ્યાં હતાં. મેહ, એટલે જગતના તાતનો મોંઘેરો મેહમાન. ગઈકાલ આખી રાત વંટોળીયાં અને ગાજવીજ સાથે ચિક્કાર વરસાદ પડેલો. એટલે ધીમે ધીમે તેની મસ્તીમાં કેડીએ કેડીએ ચાલતાં ચાલતાં શારદાબેન તેમના ખેતરેથી માંડ એકાદ કિલોમીટર દૂર હતાં ત્યાં...જ એક કારમી ચીસ સાથે થોડી પળોમાં શારદાબેન ભડથું થઇ ગયાં..વરસાદમાં થાંભલેથી તૂટીને પડેલાં હાઈ વોલ્ટેજના જીવતા ઇલેક્ટ્રિકના વાયર પર, ધ્યાન બહાર શારદાનો પગ પડતાંની બીજી જ ક્ષ્રણે, શારદાબેનનો અશ્વેત થઇ ગયેલો દેહ નિષ્પ્રાણ થઈને કીચડમાં પડ્યો હતો.

કુદરતના આ કારમા આઘાતના ઘાતની કળ વળતાં મનહરલાલ અને બાલ્યાવસ્થાની સપનાને વર્ષો વીતી ગયાં. બન્નેએ એક એક દિવસનો સમય સદીઓની માફક વિતાવ્યો હતો છતાં પણ, મજબુત મનોબળના મનહરલાલે સપનાની માતા શારદાબેનનું કિરદાર બખૂબી નિભાવી જાણ્યું હતું. તેમને બચપણથી સપનાની અભ્યાસ પ્રત્યેની રુચિને અગ્રિમતા આપતાં, સપના બી.એ.નો અભ્યાસક્રમ પૂરો કરી ‘ગાંધી વિધા’ બાલમંદિરમાં એક સહાયકના રૂપમાં સાધારણ પગાર ધોરણે નિજાનંદ સાથે સેવા આપતી હતી.

સપનાના રહેણાંક વિસ્તાર, એ સિવાય ગામમાં તેના ચિત્ત-પરિચિત, લાગતાં વળગતાં, સગા- સંબંધી કે, સહ-અધ્યાયી સૌના માટે સપનાના પરિચયનું મધ્યબિંદુ હતું, તેની સાદગી સભર અનન્ય ખુબસુરતી. ખૂબસૂરત સૌન્દર્યની બાબતમાં સપનાનું સ્થાન ગામમાં આંગળીના વેઢે ગણી શકાય એટલી નવજુવાન સ્ત્રીઓમાં મોખરે હતું. અને એ વાતથી સપના પણ ખુબ સારી રીતે અવગત હતી. પણ, સપનાએ માત્ર તેની કાયાના કદરદાન માટે તેની આસપાસ લક્ષ્મણરેખા જેવી એક સુરક્ષા કવચની એવી આભા ઊભી કરી દીધી હતી કે, જેણે ઓળંગવાની કોઈ હિંમત નહતું કરી શકતું. મિત્રવર્તુળની હાજરીમાં અત્યંત બેફામ, બેહદ અને બિન્દાસ લાગતી સપના બાહોશ પણ ખરી.

રતનપુર ગામમાં બારમાં ધોરણ સુધીના જ અભ્યાસક્રમની સુવિધા હતી, એટલે બાજુના શહેરની કોલેજમાં ત્રણ વર્ષનો અભ્યાસ સપનાએ નિયમિત રાજ્ય પરિવહનની બસ મારફતે અપ-ડાઉન કરીને પરિપૂર્ણ કર્યો હતો. તે કોલેજકાળ દરમિયાન તેની એકે હજારા જેવી એક જ ફ્રેન્ડ હતી, તેના જ ગામની ઇન્દુ. ઇન્દુ પરમાર. જે છ મહિના પહેલાં પરણીને શહેર જતી રહી હતી. તેના પિતા અંબાલાલ પરમાર ગામની સહકારી બેન્કના ડીરેક્ટર અને ખેતીવાડી સમિતિના ચેરમેન હતાં. ગામમાં સારી એવી નામના અને પ્રતિષ્ઠીતા ધરાવતું પરિવાર.


સપના અને ઇન્દુની મિત્રતા એટલે જાણે એક સિક્કાની બે બાજુ. બંનેના શોખ, સોચ અને શમણાં અને સમજણની સમાનતા એક જ સપાટી પર સ્થિર રહેતી. કાચી કુંવારી કોરી કાયામાં થનગનતી મીઠી માયાનું ભાવી ચિત્ર દોરવા બન્નેના મનના કેનવાસ અલગ અલગ હતાં પણ રંગોની પસંદગીમાં એકસુત્રતા હતી. બન્નેના અસામાન્ય અરમાન અને આકાંક્ષાના ઊંચા ઉડાન માટેની સ્વપ્નસૃષ્ટિના આકાશની સીમા અસીમિત હતી. પણ બન્ને સંસ્કારી અને પ્રતિષ્ઠિત ખાનદાન છતાં સંકુચિત વિચારધારા ધરાવતા પરિવારની પુત્રી હોવાના નાતે, અને સાથે સાથે ગામની પ્રણાલી અને રીતરીવાજોની મર્યાદાને ધ્યાનમાં રાખતાં, રોજ નીતનવા આવિષ્કાર અને વિચારો સાથે હરણફાળ ભરતાં આધુનિક જગતના ગગનમાં વિહરવા મારે કાબેલ હોવા છતાં તેની પ્રબળઈચ્છાની પાંખોને જાતે જ કાપી નાખતી.

આગે સે ચલી આ રહી સ્ટીરીયો ટાઈપ પરંપરાગતને અનુસરતા પરિવારના જોહુકમી જેવા અપ્રિય આદેશ જેવી આજ્ઞાનું પાલન કરતાં એરેન્જડ મેરેજની વેદી પર અરમાનોની બલિ આપતાં સૌને હોંશભેર હસાવવા તેના રુદિયાના રુદનને રોકીને મૂંગે મોઢે મન મારીને ખુશી ખુશી ખુદના ખ્વાહિશોની ખુદકુશી પર, ખુબ ખુશ છું એવું જતાવતાં પ્રાકૃતિક સ્મિત સાથે ઇન્દુએ મહોર મારી દીધી. ઇન્દુની એ મૌનની પીડાના મર્મનો અનુવાદ માત્ર સપના કરી શકતી હતી. ઇન્દુની અચનાક દુઃખદ જેવી સુખદ વિદાય સપના પાછળ સોહાર્દ સખીનો સળંગ શૂન્યાવકાશ સર્જતી ગઈ.


સપનાનું સ્વપ્ન હતું.. કંઇક લાઇફમાં હટકે બનવાનું. ટીનેજરની કાચી વયની મુગ્ધાવસ્થા અને કોલેજકાળમાં જોયેલા કંઇક આભાસી સપ્તરંગી સ્વપ્નના કાલ્પનિક દુનિયામાં રાચવાના અભરખાના ઓરતા પુરા કરવા, શહેરી આકર્ષણ સપનાને કાયમ ચુંબકની માફક ખેંચતું. તેની શાળા-કોલેજના અને બીજા અન્ય મિત્ર, સખી સહેલીઓ ધીમે ધીમે એક પછી એક સૌ ગામને હંમેશ માટે તિલાંજલિ આપીને શહેરી બની ગયાં હતાં. એટલે સપનાએ પણ ગામ છોડીને શહેરમાં સ્થાયી થવાં માટે એકાદ બે વાર પિતા મનહરલાલ સાથે ચર્ચા વિચારણા કરી હતી, પણ મનહરલાલના જીવતરના મૂળિયાં ગામની ધરામાં ઊંડે સુધી રોપાયેલાં હતા. એટલે તે કોઈ કાળે શહેર જવા રાજી નહતા, અને પિતાને એકલાં મૂકીને જવાનો ખ્યાલ તો સપનાને સપનામાં પણ ન જ આવે એ સ્વાભાવિક હતું.


પ્રિય સખી ઇન્દુના લગ્ન બાદ, સપના એક વાર શહેર જઈને, ઇન્દુના ઘરે મહેમાન ગતિ માણી આવ્યાં પછી, મહાનગરની ચકાચોંધ રોશનીએ સપનાની ઊંઘ હરામ કરી નાખી હતી. અને હાઈ-ફાઈ લાઈફ સ્ટાઈલનો ચસકો સપનાના દિમાગની દાઢે વળગી ગયો હતો. મુઘ્ધાસ્થામાં મહાનગરની બહેક્તી અને મહેકતી જીવનશૈલીને માણવા કરતાં જાણવાની ઉત્કંઠાના ઉત્સાહનું આંજણ સપના તેની આંખોમાં આંજીને બેઠી હતી.


એક દિવસ સંધ્યાકાળે સપના ઘરની નજીકમાં આવેલી કરીયાણાની હાટડીએથી ઘરની ખપ પુરતી નાની મોટી વસ્તુઓની ખરીદી કરી, ઘર તરફ આવતાં, ડેલી ઉઘાડીને પગ મૂકતાં જોયું તો, ફળિયામાં સિંદરીનો ખાટલો ઢાળીને પપ્પા મનહરલાલ, ચીમનલાલ સાથે કોઈ ગંભીર વાર્તાલામાં હોય, એવું સપનાને બંનેના ચહેરા પરના હાવભાવ પરથી લાગ્યુ.

ચીમનલાલ ચૌધરી..

મનહરલાલથી ઉંમરમાં પાંચેક વર્ષ નાનો તેનો વિધુર પિતરાઈ ભાઈ. ચાર વર્ષ પહેલાં ગંભીર હ્રદયરોગની બીમારી પીડાતા તેના પત્ની જમનાબેન દેવશરણ પામ્યાં હતા. તેમનો એક માત્ર પુત્ર રમણ પરણીને શહેરમાં સ્થાઈ થઇ ગયો હતો. કામધંધા રોજગારીની બાબતમાં ચીમનલાલ સાવ નવરી બજાર. આમ તો ગામ આખાનું કરતો, પણ કલ્યાણના રૂપમાં સાવ કરી નાખતો. વન ટુ ફોર કરવાની ફોર્મ્યુલામાં, ચીમનલાલની ગામ આખામાં ‘મિ. નટવરલાલ’ તરીકેની ઓળખ.

વર્ષોથી ચીમનલાલની નજર મનહરલાલની ગામના પાદરે આવેલી બીન ઉપજાઉ ફાજલ પડેલી વિશાળ જમીન પર હતી. જયારે જયારે પણ એ જગ્યાની સોદાબાજી માટે ચીમનલાલ કોઈ વાતનો ઉલ્લેખ કરતો ત્યારે, મનહરલાલનો પત્થરની લકીર જેવો એક જ જવાબ હતો.
‘એ જમીન નથી, મારી જનેતા છે, અને જનેતાની કોઈ કિંમત ન હોય. શ્વાસ ખૂટી જશે પણ, કોઇકાળે એ જમીનનો સોદો નહીં થાય.’

ઘરમાં દાખલ થતાં સપનાએ પૂછ્યું.
‘એ.. રામ રામ...કાકા, કેમ છો ? કયારે આવ્યાં ? આજે અચાનક કેમ ભૂલાં પડયાં ?

‘બસ આઘડી’યે આયવો. ઈ તો છોડી, આઠ- દહ દાડામાં મોટાભાઈનું મોઢું ન ભાળુંને તો, મને જરી’કે ચેન પડે. એટલે ગમે તેવું કામ પડતું મેલીને, ભાઈના ખબર અંતર પૂછવા તો પુગી જ આવું હો.’
મૂછે તાવ દેતા ચીમનલાલ બોલ્યો..


એટલે રસોડામાંથી પાણીના બે ગ્લાસ લાવી મનહરલાલ અને ચીમનલાલને આપતાં સપના બોલી..
‘હા, કાકા ઈ સાચું લ્યો, તમે આવો તો બે-ઘડી અમને’ય એવું લાગે કે, અમારું’ય કોક છે. બાકી હવે પપ્પાની તબિયત તો દિવસે દિવસે લથડતી જાય છે. ડોક્ટર કે દવાનું નામ લઉં એટલે સાવ ઘસીને ના જ પડી દે. એટલે બવ જરૂરી કામકાજ હોય તો જ, ડેલીની બારણે પગ મૂકે. આ તો ભગવાન ભલું કરે, અંબાલાલ કાકાનું કે, વાડી ખેતરની જવાબદારી સંભાળે છે, એટલે તો રોટલા પાણીની કોઈ ચિંતા નથ.’

અંબાલાલ પરમાર, એટલે સપનાની ખાસ સહેલી ઇન્દુના પિતાજી. મનહરલાલ જોડે વર્ષો જૂની મિત્રતા અને તેની પારદર્શક પ્રતિભાની સાથે સાથે મનહરલાલનના નબળા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને અંબાલાલે તેનો કારભાર સંભાળ્યો હતો.

‘એ.. હા હો, ઈવડો ઈ અંબાલાલ તો ભગવાનનો માણહ છે.’
માથેથી ટોપી ઉતારી, ટાલ ખંજવાળતા ચીમનલાલ બોલ્યો..

‘તમે બેસો..હું તમારા માટે ચા લઈને આવું.’
એમ બોલી. સપના રસોડા તરફ ચાલવાં લાગી.. ત્યાં ચીમનલાલ બોલ્યો..
‘એ, અડધી રકાબી જેટલી જ લાવજે હો.’

મનહરલાલની ચુપકીદી અને ઉતરેલો માયૂસ ચહેરો જોઇ, સપનાને કોઈ ગંભીર ચર્ચા વિચારણા ચાલી રહ્યાંનો અણસાર આવવાં લાગ્યો. રસોડાની બારીમાંથી વારંવાર ડોકિયું કરીને નજર કરી પણ, હજુ’એ મનહરલાલ ચુપચાપ નીચી નજર કરીને બેઠાં હતાં.
ધીમેકથી ચીમનલાલ બોલ્યો..
‘હવે, મોટાભાઈ જે થવાનું હતું ઈ થય ગ્યું, ખોટો શા લેવાને જીવ બાળી છો ? અને આપણી દીકરી...’

હજુ ચીમનલાલ કંઇક આગળ બોલવા જાય ત્યાં, સપના પીતળની બે રકાબી અને ચાની કીટલી લઈને આવી એટલે ચીમનલાલ ચૂપ થઇ ગયો.
બન્નેના હાથમાં રકાબી થંભાવી, કીટલીમાંથી ચા રેડ્યાં પછી, નીચે પલાઠી વાળીને બેસતાં બોલી..

‘પપ્પા.. કેમ આટલાં ચૂપ છો ? હું આવી ત્યારના કેમ કંઈ બોલતાં નથી ? કંઈ થયું છે ? તબિયત તો ઠીક છે ને ? કે પછી મને કહેવાય એવું નથી ?
પાંચ- સાત સેકંડમાં તો સપનાએ સવાલો ખડકલો કરી દીધો.

ચીમનલાલને હતું કે, મનહરલાલ વાતને વાળી, અને સંતોષકારક જવાબ નહીં આપી શકે, એટલે એક જ ઘૂંટડામાં ચાનો સબડકો તાણીને, રકાબી ચોખ્ખી કરી નાખતાં ચીમનલાલ બોલ્યો...

‘અરે.. જેના ઘરમાં જુવાનજોધ ઉમરલાયક દીકરી હોય તેના બાપને ચિંતા ન હોય ?
બસ, ઈ જ વાત છે, એ સિવાય મારાભાઈને શેની ઉપાધી હોય ? અને તને નઈ કે’તો બીજા કોને કેશે ?
સિફતથી કળાકારની અદાથી વાત વાળી લઇ, ચીમનલાલ ખાટલામાંથી ઊભાં થયાં, એટલે સપનાએ પૂછ્યું...
‘પણ, કાકા તમે કેમ ઉભાં થઇ ગયાં ?
‘બસ દીકરા, મોટાભાઈ હાયરે બે-ઘડી બેસીને વાતું-ચીતું કરીએ એટલે મોજે મોજ. હું નીકળું, હજુ રોટલા પાણીનું કાક કરવું જોહેને ?

‘અરે.. અહીં જમી લેજો..’ ઊભાં થતાં સપના બોલી..
‘ના.. ના.. દીકરા. ફરી કોક બીજા દાડે. આજે મને બવ ઉતાવળ છે. એ લ્યો ત્યારે.. રામ રામ.’
હજુ સુધી કોઇપણ પ્રતિભાવ રૂપે મનહરલાલમાં મોઢાંમાંથી એકપણ શબ્દ બહાર નહતો આવ્યો.
ચીમનલાલે આપેલું મનઘડત કારણ સપનાના ગળે નહતું ઉતરતું.

રાત્રી ભોજનના એક કલાક પછી..
બેઠકખંડમાં તેના પલંગ પર સૂતા સૂતા આરામ ફરમાવી રહેલાં મનહરલાલના હળવે હાથે પગ દબાવી રહેલી સપનાએ પૂછ્યું.
‘પપ્પા, હવે મને સાચ્ચે સાચું કયો’તો, તમારી અને કાકા વચ્ચે શું ગંભીર વાત થઇ છે ?”
સ્હેજ આશ્ચર્ય સાથે ચમકીને મનહરલાલ બોલ્યો..
‘અરે.. મારા દીકરા કોઈ ગંભીર વાત નથી. તને કેમ એવું લાગે છે ?”
‘વાત મને કહેવા જેવી નથી એવું છે ? હું નાની છું એટલે ?
‘ના..ના, તું તો હવે બહુ મોટી થઇ ગઈ દીકરા, એ તો અમથી એ વાત હતી કે, વર્ષો પહેલાં આપણી પડખેની એક દીવાલે રહેતા એક પરિવારના આજે વર્ષો પછી સુખદુ:ખના વાવડ આવ્યાં, એટલે જૂના દિવસો યાદ આવતાં જરા દિલ ભરાઈ આવ્યું’તું, એટલે બસ.
‘કોનું પરિવાર ? કોણ હતું ?
‘પરિવારથી વિશેષ હતું... તું ન ઓળખે. ત્યારે તું ખુબ નાની હતી.’
‘પણ, તેમને ત્યાં કોઈ અણબનાવ બન્યો છે ? તે તમે આટલાં દુઃખી થઇ રહ્યાં છો ?
હાલ ક્યાં રહે છે એ ?
‘ક્યાંય રહે છે, મોટા શહેરમાં. અને દીકરા દુઃખનું તો એવું છે કે, અજાણતામાં કોઈકના પગ તળે કીડી કચડાઈ ગઈ હોય તોય દી આખો જીવ બળ્યાં કરે, અને કોક સ્મશાનેથી સીધા લગનના જમણવારમાં પુગી જાય. પેલાના જમાનામાં દુઃખ દિલમાં હતા. હવે દુઃખનો ઈજારો દિમાગના ગણિતની ગણતરીના ફાયદા-નુકશાન પ્રમાણેનો છે, દીકરા.’

‘પણ તમે એ પરિવારના દુઃખે, દુઃખી છો, ? સપનાએ પૂછ્યું..
‘અરે.. ના દીકરા, મૂળ વાત તો,.... જવા દે હવે, એ તો કાયમનું છે.’
વાત ટાળીને, મનહરલાલ આગળ બોલતાં અટકી ગયાં..

‘ના.. હવે આજે તો નહીં જ જવા દઉં, આજે તો હું વાતનો છેડો લાવીને જ રહીશ, જે કંઈપણ હોય એ કહી દો મને.’

બે પાંચ-પળ ચુપ રહ્યાં પછી...સપનાના માથે હેતથી હાથ ફેરવતાં મનહરલાલ બોલ્યાં..

‘એ જ વર્ષોથી ચાલી આવતી કંઇકના આંખમાં કણાની માફક ખૂંચતી મારી જમીન.’
પછી મનોમન બોલ્યાં.. અને ‘તું’.
‘એટલે...ચીમનકાકા જમીનના સોદાની વાત કરવાં આવ્યાં’તાં ? સપનાએ પૂછ્યું.

‘ના.. એ તો વાતમાંથી જમીનની વાત નીકળી એટલે થયું કે, કઈ હદે લોકો જમીન માટે તેનું ઝમીર વેંચવા રાજી થઇ જાય છે. બસ, એ વિચારતાં જરા દુઃખ થયું બસ, બીજી કોઈ વાત નથી. અને આવતીકાલે મારે અંબાલાલને મળવાં જવું છે, દીકરા.’

‘જમીન માટે ? સપનાએ પૂછ્યું..

‘હા, કેમ કે, મને એવું લાગે છે કે, આ જમીનનો નિવેડો આવતાં કંઇકના જિંદગીની ઝંઝાળ ભાંગશે,’

‘હેં.. એવી તે વળી કઈ મોટી વાત છે, ? નવાઈ સાથે સપનાએ પૂછ્યું
‘હતી નહીં પણ, હવે વાત મોટી થઈ ગઈ છે, એટલે જ અંબાલાલને મળવું જ પડશે દીકરા.’

‘હા, પણ અંબાલાલ કાકા સાથે જે વાતચીત થાય એ આવીને મને કહેજો.’
સપના બોલી
‘તારી જ વાત છે, તો તને જ કહીશને.’ મનહરલાલ બોલ્યાં
એટલે ઊભાં થઈને રસોડમાં પાણી લેવાં જતાં સ્હેજ નારાજગી સાથે સપના બોલી..
‘હવે હું જ કાકાને સાફ સાફ શબ્દોમાં કહી દઈશ કે, અહીં પ્રેમથી આવો પણ, કયારેય જમીન બાબતની કોઈ વાત ન ઉખેડતાં.’

સપનાએ આજે વર્ષો પછી મનહરલાલને આટલા વ્યર્ગ અને દુઃખી થતાં જોયાં.
મનહરલાલે પણ આડા અવળા દ્રષ્ટાંત આપી વાત ટાળી દીધી. પછી સપનાએ વિચાર્યું કે, હાલ પપ્પાને વધુ માનસિક સ્ટ્રેસ આપવું યોગ્ય નથી. એટલે બીજી વાતોએ વળગ્યાં. એ પછી મોડેથી મનહરલાલની આંખો ઘેરાતાં, તેમને શાલ ઓઢાળી, તેમના પલંગની બાજુમાં નિયત જગ્યાએ પાણીનો લોટો ભરીને મૂક્યો. પછી મનહરલાલના માથે પ્રેમથી હાથ ફેરવી, તેના રૂમમાં આવીને બેડ પર પડીને સૂતા પહેલાં સપનાએ મનોમન એવું નક્કી કર્યું કે, એક યા બે દિવસમાં ચીમનકાકાને મળીને વાતના તળ સુધી પહોંચી જઈશ.

મનહરલાલ કયાંય મોડે સુધી.. ચીમનલાલે કરેલા ધડાકા જેવા ઘટસ્ફોટ નિવેદનથી આકુળ-વ્યાકુળ હતાં. કયાંય ચેન નહતું પડતું. પલંગ પરથી ઊભાં થઈ, હળવા પગલે બેઠકરૂમના એક છેડેથી બીજા છેડે આઠ-દસ ચક્કર લગાવ્યાં. વર્ષોથી ભગવાનના ભરોસે બાંધી રાખેલો અતુટ શ્રધ્ધાનો તાંતણો આટલો કમજોર નીકળશે, એવી તો મનહરલાલને રતિભાર પણ કલ્પના નહતી.. ધીમે ધીમે બેકાબુ વિચાર વંટોળની મજબુત પકડમાં ઢસરડાઈ જતાં મનહરલાલની વિચારશક્તિ શ્રીણ થઇ ગઈ. નજર સમક્ષ ચોતરફ સપનાના અંધકારમય ભાવીના ચિત્રો ઉપસવા લાગ્યાં. તીવ્ર બળતરા સાથે છાતી પર દબાણ વધવા લાગ્યું. અડધો લોટો પાણી ગટગટાવી ગયાં પછી પણ ગળું સુકાતું હતું. માથા પર તેજ ગતિમાં પંખો ફરતો હોવા છતાં પણ, મનહરલાલનું શરીર પરસેવે રેબઝેબ થઇ ગયું હતું. મહા મનોમંથનના અંતે આશરે મધ્ય રાત્રીના ત્રણેક વાગ્યાં પછી પલંગ પર આડા પડી આંખો મીંચી, કપાળે હાથ ટેકવી ચુપચાપ પડયાં રહ્યાં..


સવારે નિયમિત સમયે બાલમંદિર જવાનું હોવાથી સાડા છ વાગ્યાની આસપાસ આળસ મરડતાં બેડ પરથી ઊભાં થઇ. બિસ્તર સંકેલી.. બેઠકરૂમમાં પગ મૂકતાં મનહરલાલના પલંગ પર નજર પડતાં જ સપનાના ગળામાંથી એક તીવ્ર ચીસ ફાટી ગઈ.

‘પપ્પાપાપાપાપાપાપાપા...............પા.’

અસ્ત વ્યસ્ત દશામાં પલંગ નીચે ઊંધો પડ્યો હતો, મનહરલાલનો નિષ્પ્રાણ દેહ.


વધુ આવતાં અંકે..