SHIYALO ETLE ANTARNO UGHAD books and stories free download online pdf in Gujarati

શિયાળો એટલે અંતરનો ઉઘાડ..!

શિયાળો એટલે અંતરનો ઉઘાડ..!

ટાઢો તો ટાઢો, પણ શિયાળા જેવો 'કાઢો' નહિ. આ શિયાળો મને ગમે બહુ..! પૂરબહારમાં ખીલે ત્યારે તો 'રોમેન્ટિક' કન્યા જેવો એન્ટીક લાગે. શરીર ઉપર ગરમ કપડાનો મેળો ભરાયો હોય, એવી ફીલિંગ્સ આવે. એમાં પાપડ જેવાં શરીર હોય એ તો આપોઆપ ફૂલી જાય. રસ્તા ઉપર ‘ડ્રાય આઈસ’ નો ધુમાડો અને લાલ-ગુલાબી ઠંડીનો સ્પ્રે થતો હોય, એવું લાગે. એને ભેદવાની મઝા જ કોઈ ઔર..! વરસાદની ભીનાશમાં ટાઈટ થઇ ગયેલા બારી-બારણાને ખુલ્લો ઉઘાડ મળે. શરીર ઉપર હેંગરની માફક ટીંગાયેલા છત્રી ને રેઈનકોટ છૂટા પડે. એક ભાડૂત ઘર ખાલી કરીને ચાલ્યો જાય, ને બીજો ભાડૂત દાખલ થાય, એનું નામ શિયાળો..! બાકી, ધોધમાર વરસાદની ઝાપટમાં, કાદવ-કીચડમાં ચોમાસાના સરસામાનને, વાઈફની માફક સાચવવી સહેલી વાત નથી. એકબાજુ છગદુ-છગદું હોય, છત્રીના સળીયા અને કાપડ વચ્ચે અણબનાવ હોય. એક બાજુ આભ ફાટેલું હોય, ને બીજી બાજુ છત્રી ફાટેલી હોય..! જેવું ચોમાસું ગાડી ત્યાગ કરે એટલે, ગમતી સરકારનું શાસન આવ્યું હોય, એમ આંનંદ-આનંદ થઇ જાય. એમાં અગલ-બગલમાં ફાટેલા રેઇનકોટવાળાને, તો લોખંડના પાયે બેઠેલી શનિની દશા ઝાટકામાં ઉતરી ગઈ હોય એટલી રાહત થઇ જાય..! બિચારા કરે પણ શું..? મરઘીનો રેઇન-કોટ આખલાએ ચઢાવ્યો હોય એમ, ચારેય દિશામાંથી ઉખડેલો હોય. એક તો નેક-ટાઈની જગ્યાએ રેઇન-કોટ ચઢાવ્યો હોય એવો લાગે..! બિચારો ક્યાં સુધી ચોમાસું સહન કરે રે..? નહિ હાથ ઉંચો થાય કે, નહિ ફાંદ સરહદ છોડે..! વેન્ટીલેટરવાળો રેઇનકોટ ઓઢીને ક્ચોયાં સુધી ચોમાસું સહન કરે..? આભલે જેવો શિયાળો બેસે એટલે, કકળાટ કરતી વાઈફથી છુટકારો મળ્યો હોય 'નંદ ઘર આનંદ ભયો' ની માફક હરખ પદુડો થઇ જાય. ટાઢો તો ટાઢો, પણ શિયાળો તે શિયાળો..! આ તો ઋતુઓને સંઘરવાના કાળાબજાર થતાં નથી એટલે, બાકી ‘બ્લેક-માર્કેટીયા’ તો એમાં પણ ઝંપલાવે..! લાભ થતો હોય તો કયો લોભિયો લાલચના દેવનું પૂજન નહિ કરે..? લાલચ બુરી ચીજ હૈ બાબૂ..!

મૌસમ માણસને બદલે, અને માણસ પછી મૌસમ બદલે. બીજી ઋતુઓ જેવી હોય તેવી, પણ શિયાળો એટલે ઈસ્ટમેન કલરની ઋતુ..! રંગબેરંગી સ્વેટરમાં લોકોને ફરતાં જોઈએ ત્યારે તો રસ્તા ઉપર પતંગિયા ફરતાં હોય એવું જ લાગે. જો કે, બે ટાંટિયા ભેગા કરવાની દૌડમાં એ જોવાનો કોઈને સમય જ ક્યાં છે..? બાકી શિયાળાનાં પ્રભાતને મન મુકીને મ્હાલવાની તો કોઈ મઝા જ ઔર..! થોડાંક મહિના માટે સાળી ઘરે મહેમાન બનીને રહેવા આવી હોય એવું લાગે..! પક્ષીઓ પ્રભાતિયાં સંભળાવતા હોય, મરઘાઓ એની ભાષામાં મહોલ્લા ભરતાં હોય. પનિહારીના ઝાંઝરના ખમકારા સાઈડ રીધમ આપતા હોય. છાશના વલોવણા હવામાં ગૂંજ ભરતા હોય. વાછરડાઓ ભાંભરી-ભાંભરીને જાણે ચુંટણીની સભા ગજવતાં હોય. પંખીઓ ઝાડવાં બદલતાં હોય, મંદિરમાં ઘંટનાદ થતાં હોય, એનું નામ ભારત ને એનું નામ શિયાળો..! પણ એ માટે માણસે ગામડામાં ટકવું પડે. આજે ટકે છે કેટલાં.? શહેરની લેટેસ્ટ પેઢીને, તો કદાચ મરઘા જોવા પણ મ્યુઝીયમમાં જવું પડે એવી હાલત છે..! ઘમ્મર ઘમ્મ અવાજને ઓળખવા તો શબ્દકોશ જ કાઢવો પડે. જ્યાં ઝાડવાઓ ફર્નીચર બની ગયા હોય, ચક્લીઓના માળાઓ વિંખાય ગયા હોય, ગૌચરણોમાં બંગલાઓએ જમાવટ કરી હોય, ભગવાન શ્રી ક્રષ્ણની ગાયો અરજદાર બનીને રસ્તે રઝળતી થઇ હોય, ભૈયાજીને બદલે, પ્લાસ્ટીકના પાઉચો દૂધ આપતાં થઇ ગયાં હોય, મિત્રોની ટોળકીના તાપણા અને ટોળટપ્પાંઓ કોરાણે હોલવાય ગયાં હોય, માણસો હીટરમાં શેકાતા ને એરકંડીશનમાં ઠંડાગાર થતાં હોય, એને શિયાળો કે ઉનાળાના ભેદની સમજણ ક્યાંથી પડે..? ઋતુ અને માણસ બંને એક્બીજાની ઓળખ જ ખોઈ બેઠાં હોય ત્યાં પ્રકૃતિ પણ કેટલાં પંપ મારે..?

બાકી શિયાળો એટલે નશીલી મૌસમ. થક્વેલા ને પકવેલા માણસને ઝુમાવતી મૌસમ. ટાઈઢની મૌસમમાં ટાઈઢ ના પડે તો મગજને ટાઢક વળે નહિ એવી મૌસમ. ઉનાળામાં ગરમીનો ઉત્પાત, ચોમાસામાં ગંદકીનો ફફડાટ, ને પાનખરમાં પાંદડાઓનો આપઘાત..! ત્યારે શિયાળામાં બદામપાક, કોપરાપાક. મેથીપાક, ને અડદીયા જેવા જાતજાતના વસાણાનો પાક..! વસાણા ઝાપટતા જવાનું, ને પચાવવા માટે કસરત કરી ગબડતા જવાનું..! ગુલાબી ઠંડીમાં રેસના ઘોડાની માફક પતંગિયાઓને રસ્તા ઉપર દૌડતા જોવા એ પણ એક લ્હાવો છે દાદૂ..? ભલે, ઊંઘણીયા લોકો દોઢ મણની રજાઈ ઓઢીને ઘોરતા હોય. દમયંતીના નળ થોડાં છે કે, શિયાળાની મોજીલી સવારમાં ‘શૈયા-ત્યાગ’ કરીને ચાલતી પકડે..! અઘરું છે ભાઈ..!

રસચૂર બની ગઈ જાત જ્યારે પામ્યો એક શિયાળો

ટાઢક સાથે અંતર ઉઘડ્યું મદ-મસ્તીનો છે શિયાળો

ટાઢી નજર લાગે તો પથ્થર પણ બરફ થઇ જાય

વાવ્યો બરફ ફૂટી ઠંડી ખુદ માણસ બન્યો શિયાળો

કહેવું તો ના જોઈએ, પણ ઋતુઓને પણ આજકાલ ભ્રષ્ટાચારનો ભોરીંગ ડંખવા માંડ્યો છે. વખાણેલી ખીચડી દાંતે વળગે એ તો સમજ્યા, પણ ઋતુઓ તો મૌસમ વગર આખાં શરીરે વળગવા માંડી. સવારે ઉનાળો રાતે શિયાળો ને બપોરે ચોમાસું..! એક જ દિવસમાં ત્રણ ધામની યાત્રા માફક ત્રણેય ઋતુના દર્શન..! ઋતુની છેડતી કરવા બેઠો હોય એમ, આ લખું છું ત્યારે જ ગાજવીજ સાથે વરસાદ પડવાનો શરુ થયો છે, બોલ્લો..! રાજકારણીઓની માફક ઋતુઓ પણ પાટલી બદલતી થઇ ગઈ હોય એવું ફિલ થાય છે. જાણે એમાંથી પણ વફાદારી મરી પરવારી. મૂછમાં દાઢી ઘુસી જાય, દાઢીમાં મૂછ ઘુસી જાય એમ, ઉનાળામાં શિયાળો ઘુસી જાય, શિયાળામાં ચોમાસું ઘુસી જાય..! અને એક જ ઋતુમાં બધી ઋતુઓ અમંગળ ફેરાઓ ફરી જાય..! ભૈઈઈ..માણસ જેવાં માણસને મસ્તી ચઢે તો ભગવાન કંઈ પલાંઠી વાળીને થોડાં બેસી રહે..?

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED