યોગ કરવામાં ભોગ લાગ્યા..!
ભોગ લાગે તો લાગે, ભોગી તો બહુ રહ્યા, યોગ કરીએ તો જ યોગી થવાય. તંદુરસ્તી શરીરની જોવાતી હોય, બેંક બેલેન્સની નહિ..! પાસબુકમાં ભલે બે આંકડાની સિલ્લક હોય, કોઈ ટેન્શન નહિ લેવાનું..! લોકોને શરીર અને ચહેરાની ઓળખ વધારે છે. આર્થિક સધ્ધરતામાં ભલે કાળોતરો ફરી ગયો હોય, ચહેરો મઘમઘતો રાખવાનો. જેથી જોકરની માફક 'હસવાના' મહોરાં ચઢાવવા નહિ પડે, અને બ્રહ્મજ્ઞાન પણ લાધે કે, કારમાં ‘ડિયો’ (સુગંધી પદાર્થ) રાખવાથી કે છાંટવાથી શરીરનો ‘કાર્ડિયો’ મજબુત બનતો નથી. સિલ્લક તો શક્તિ અને ભક્તિની હોવી જોઈએ દાદૂ..! ભક્તિ અને યોગ વગર સધ્ધર હોવું, એ તો પથ્થર ઉપર બાઝેલી લીલ જેવું છે. જીવતરની લીલોતરી તો ભક્તિ અને યોગામાં છે. અમુક તો મસલ્સ વધારીને એવાં એવાં પેટી-પેક થઇ જાય કે, સિક્ષ-પેકનું પુંછડું તો હાંસિયામાં જ ચાલી જાય. એમને કોણ સમજાવે કે, મરઘી ને ચીઝનું ચણ નાંખવાથી પહેલવાન થવાતું નથી. ભગવાને આપેલી ભૂગોળમાં જ છબછબિયાં કરેલાં શ્રેષ્ઠ..! અમુક તો એવાં શેકટાની શીંગ જેવાં હોય કે, મચ્છર પણ એનું લોહી પીવાને બદલે, પોતાનું લોહી દાન કરીને જાય..!
માણસ એક પ્રયોગશીલ સામાજિક પ્રાણી છે. બીજાં બધાં પ્રયોગ કરો છો તો, એકવાર યોગનો પણ પ્રયોગ કરવા જેવો. કારણ કે, યોગ એ સિંહાસનનો બાપ છે. મારા પરમ મિત્ર, શ્રીશ્રી ભગાની ફેમીલી એવી મહાકાય ફેમીલી કે, એના પરિવારમાં દશ-પંદર પેઢીથી કોઈ સુકલકડી જન્મ્યું જ નથી. બધું જ ભરાવદાર ને મહાકાય જન્મે..! ફેમીલી માણસ જેવું જ દેખાય, પણ એમાંથી માણસાઈને શોધવી હોય તો, સંતોના શરણે જવું પડે. તંદુરસ્એતીના એવાં બીબાં કે, ચીઝ-બટરની ફેકટરીમાં જન્મ્યા હોય એવું જ લાગે. બધાંની જ ડીઝાઈન ડબલ ચોપલ ને અન લીમીટ એક્ષલ..! દેખાવમાં વળી બ્લેકબોર્ડના પાટિયાં જેવાં લાગે. એમાં ફાટેલો કુર્તો પહેરે ત્યારે તો એવું જ લાગે કે, કુર્તા ઉપર જાણે ડામરના ડાઘા ના લાગ્યા હોય..? એક-એક સેમ્પલ સાઉથ આફ્રિકાના ‘રઈસ’ જેવો. હાઈટ માં પણ એવાં ‘હાઈ-લાઈટ’ જેવાં કે ઘરના પંખા તો ઊભાં-ઊભાં જ સાફ કરે. ને માળિયા કે કાતરીયા સાફ કરવા માટે સીડીની તો જરૂર જ નહી પડે, ઊભાં-ઉભા જ માળિયા સાફ થઇ જાય.,! એક-એકની હાઈટ માપવી હોય તો, વાંહડો જ લેવો પડે, ફૂટપટ્ટી પણ ઠીંગણી પડે. એ જ્યારે રસ્તા ઉપરથી વિહાર કરતાં હોય ત્યારે તો, બે ઘડી એવું જ લાગે કે, જાણે રેલવેના કાળા ડબ્બા પસાર થાય છે. જુલુસવાળા પણ જુલુસ કાઢતા પહેલાં, આ ફેમીલીયુંની 'એપોઇન્ટમેન્ટ' પહેલાં મેળવે. સરઘસની શોભા માટે આ ફેમિલીને લોકો ભાડે બોલાવે..! પછી એ ચૂંટણીનું સરઘસ હોય, વરરાજાનો વરઘોડો હોય કે કોઈપણ રેલી કે રેલો હોય..! વરઘોડામાં તો એવાં મ્હાલે કે, વર અને ઘોડા કરતાં આ મહાકાય ફેમીલી જ મઝેદાર લાગે. ભગવાન શ્રી જગન્નાથ ની રથયાત્રામાં આગળ રહેવાનો ‘લાઈફ ટાઈમ’ ઈજારો, આજે પણ આ ફેમીલી પાસે છે. હકડેઠઠ ભીડમાં ભગવાનના દર્શન ભલે નહિ થાય, પણ આ મહાકાય ફેમિલીના દર્શન પહેલાં થઇ જાય. એકવાર તો, રથયાત્રામાં ઓરીજીનલ ૧૦ જ હાથી હતાં. બીજે દિવસે છાપામાં ૧૬ હાથી છપાયા. મીડીયાવાળાએ આ ફેમીલીના છ માણસોને પણ હાથીમાં જ ગણી લીધેલાં બોલ્લો..! આજે પણ આ ફેમિલીનું સ્થાન આ કારણે સેલીબ્રેટીમાં ચાલે છે..! આ બધો યોગનો પ્રભાવ છે દાદૂ..!
યોગ દિવસનો જાજરમાન દેખાવ એટલે આ ફેમીલી. ભલે યોગી કરતાં એ ભોગી વધારે હોય, પણ જાહેરાતમાં બતાવેલા માલ કરતાં, વાસ્જ્યાતવમાં માલ તકલાદી હોય એમ ચલણમાં ચાલ્રેયા કરે. એટલે તો યોગ દિવસની ઉજવણી વખતે આ ફેમિલીને જ ‘શો-પીસ’ માટે બોલાવે. આયોજક જાણે કે, ફૂંક મારે ને ઉડી જાય, એવી સુકલકડીવાળા કરતાં આ લોકો , જરાક ઝામે તો ખરાં..! મીડિયાવાળાને પણ સંતોષ થાય કે, બકરીઓના ટોળામાં કાઝીરંગાના ગેંડા ઘુસી ગયા હોય એવી રસીલી સ્ટોરી મળી. યોગાવાળા કરતાં આ લોકોના દર્શન માટે પડાપડી વધારે થાય તે અલગ .! આમ તો ૨૧ મી જુન એટલે વર્ષનો લાંબામાં લાંબો દિવસ કહેવાય, પણ આ મહાકાયોને જોયા પછી, એમ જ લાગે કે, આજે જાડામાં જાડો દિવસ છે..!
યાર..ભારે શરીર સાથે આ ફેમિલીને યોગ કરતાં જોવા એ પણ એક લ્હાવો છે. , આપણને પણ સર્કસના ખેલ યાદ આવી જાય. સ્ટુલ ઉપર હાથીઓ ઉભા રાખ્યા હોય, એવું લાગે. યાર..! ભારે શરીરે સ્ટુલ ઉપર ઉભા રહીને યોગાસન કરવું, એ કંઈ હલવાસન ખાવા જેટલું સહેલું થોડું છે..? જો કે, યોગ કરવામાં શ્રીશ્રી ભગાની કથળેલી કેડ, હજી રાઈટ એંગલ ઉપર આવી નથી, એ અલગ વાત છે..! એવી મચેડાઈ ગયેલી કે, પાંચ-છ મિસ્ત્રીને બેસાડ્યા તો પણ હજી કળ નથી વળી. મને કહે, ‘રમેશીયા, એક તો લાંબા લોકડાઉનમાં કામધંધા વગર હાડકાં એવાં હરામ થઇ ગયેલા કે, સાલું જ્યાં અડું ત્યાં દુખે..! ને પેટના પ્રદેશ પણ એવાં વધી ગયેલા કે, ચાઈના વાળાએ ભારતીય જાણીને પેટ ઉપર તંબુ બાંધી દીધા હોય એવું લાગે. એમાં યોગ કરવાના..! આપણાથી બરાડા પડી જાય દાદૂ કે, ‘પાકા ઘડે શું કામ અમારા ઉપર કાંઠો ચઢાવો છો..? અમને શું કામ ઉબડા-ચત્તા પાડીને તોડી નાંખો છો..? અમુકને મા યાદ આવી જાય, તો અમુકને બાપા..! મોઢામાંથી નીકળેલા સિસકારા તો સાત ગાઉં સુધી સંભળાય. એક-એક નસ શરીરમાં ક્યાં-ક્યાં આવેલી છે, ને ક્યાં જકડાયેલી છે એની ખબર પડી જાય. એમાં અમુક તો સાળાનાં લગનમાં મ્હાલવા આવ્યા હોય એમ, બનીઠનીને આવેલા. બહેનો, ફેસિયલ-બેસીયલ કરાવીને આવેલી. યોગાસન કરવા આવી તો ખરી, પણ સાસુ કરતાં યોગા ટીચર વધારે જલ્લાદ લાગી..! તેજાબી ચાબખાથી ફટકાર્યા હોય એમ, યોગા-વિધિ પતાવીને ઘરે તો આવ્યા, પણ કેડ અને કમ્મર એવી એક થઇ ગઈ કે, ખુદનો લેંઘો કાઢવા માટે પણ વાંકા વળાયુ નહિ. એ દિવસે પોતાની કામવાળી પણ યોગા કરવા ગયેલી, એ પણ કામે નહિ આવી. ને પછી જો વીતી છે, એનું બયાન કરવા મારી પાસે કોઈ શબ્દ જ નથી. જૂની શરદીવાળા ડોહાઓએ ભ્રસ્તીકા કરવામાં એવાં ગગનનાદ કાઢ્યા કે, બેચાર જણા તો ગગનનાદ સાંભળીને જ મેદાન છોડી ગયા, ને સામેવાળાનો બરડો શરદીથી પલાળી ગયેલાં તે અલગ..! જેને ફાવી ગયું એને ફાવી ગયું, અને સમઝી પણ ગયાં કે, તંદુરસ્તીનું સાચું રહસ્ય સાબુમાં નથી, પણ યોગના પ્રયોગમાં જ છે, અમારો સમાજ સુધારક ચમનીયો તો યોગની તરફેણ કરતા એમ બોલ્યો કે, જેમણે પાંચ વર્ષનો યોગાસનનો કોર્ષ કર્યો હોય, એમને જ સરકારે લગન કરવાની પરમીશન આપવી જોઈએ..! કારણ કે, યોગ ભલે હલવાસન નથી, પણ સિંહાસનનો બાપ છે..!
જેમને સેલ્ફીઓ લેવાનો શોખ છે, એમણે તો, એકાદ સેલ્ફી પોતાના ‘પેટ’ સાથે પણ લેવી જોઈએ. ખબર તો પડે કે, પેટ ઉપર કેટલું બિનઅધિકૃત બાંધકામ થયેલું છે? ‘વજન’ એ કોઈ શબ્દ નથી, વાક્ય છે. વજન એટલે વ+જ+ન = વધારે+જમવું+નહિ..! અમુકની તો ખાધ જ એટલી સોલ્લીડ કે, પેટના હદ-નિશાન તો દેખાય જ નહિ, શોધવા પડે. હદ-નિશાન શોધવા હોય તો, લગન વખતનું ફોટાનું આલ્બમ કાઢીને જોવું પડે. તો જ અંદાજ આવે કે, બંદાએ લગન પછી શરીરનો એકેય ખૂણો અનડેવલપ રાખ્યો નથી..!