સંબંધની પરંપરા - 7 Dr.Sarita દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંબંધની પરંપરા - 7

મોહન હવે વાત સાંભળવા વધુને વધુ વ્યાકુળ બન્યો હતો...એટલે તે વિનંતિ કરતો હતો.જે જોઈ તેના શિક્ષક,મીરાંના સીતા દાદીએ વાતની શરૂઆત કરી..

એક શિક્ષકનું સમાજમાં બહુ માન અને પ્રતિષ્ઠા હોય છે. ખાસ કરીને નાનકડા ગામમાં તો દરેક ઘર સભ્યો સહિત એને ઓળખતા હોય.એટલે મારી પ્રતિષ્ઠાને બચાવવા અને જાતને જીવાડવા મેં આ નાનકડો પ્રયાસ કરેલો. આટલા સમયથી મેં મારી જાતને નવી ઓળખથી જીવંત રાખી છે તો આજે તે કહી ને હું મારા મોભાને કલંકિત શા માટે કરું..?

મોહને કહ્યું "તમે મને ક્યાં નથી ઓળખતા...? હું કેવી રીતે તમારી પ્રતિષ્ઠાને ઠેંસ પહોચાડું...? હું મારા તરફથી આ મુઠ્ઠી બંધ રાખવા પૂરેપૂરો પ્રયાસ કરીશ પણ ,તમારે મને તમારી કથની તો કહેવી જ પડશે..!

મીરાંએ પણ આ વાતમાં મોહનના સૂરમાં સૂર પૂરાવ્યો...

આ સાંભળી સીતા દાદીને આંખમાં ઝળઝળિયા આવી ગયા. તે કહેવા લાગ્યા....

પાંચ વર્ષ પહેલા શાળામાંથી હું રિટાયર થઈ તે વખતે મારો શાળામાં છેલ્લો દિવસ હતો. હું ખૂબ ખુશ હતી કે મારા જીવનના મહત્વના વર્ષો મેં વિદ્યાર્થી ઘડતરમાં ખર્ચી નાખ્યા હતા. પણ, બીજી તરફ નિવૃત્તિનો બોજ પણ એટલો જ હતો.

એક તરફ ખુશી હતી કે મેં રોપેલા બીજ આજે ઘટાદાર વૃક્ષો બની પોતાનું જીવન સમૃદ્ધ કરી રહ્યા હતા. શાળાના બધા જ શિક્ષકો અને પ્રિન્સિપાલશ્રીની આંખોમાં પણ અશ્રુ હતા. બધા વિદ્યાર્થીઓ પણ મારા પ્રત્યે પોતાની લાગણી અભિવ્યક્ત કરી રડાવી ગયા.

આ યાદોની યાદગીરીનું ભાથું લઈને હું ખુશ થતી ઘરે ગઈ. તમારા સાહેબ શ્રી તો ખુશ હતા કે ,હવે હું તેમના માટે પૂરતો સમય આપી શકીશ. કેમ કે, અત્યાર સુધી તેમને એક ફરિયાદ સતત રહેતી કે... હું શાળાને પ્રાથમિકતા આપવામાં ઘર અને અન્ય સંબંધને પણ વિસરી જાઉં છું.

બીજી તરફ મિલન વધુ અભ્યાસ માટે અમેરિકા ગયેલો તે પણ પોતાનો અભ્યાસ પૂર્ણ કરી તેજ દિવસે ઘરે પાછો આવવાનો હતો. એના આવવાની અને મારી નિવૃત્તિની બંને ખુશી અમે સાથે ઉજવવાના હતા.

અમે પતિ-પત્ની કાગડોળે એની રાહ જોવા લાગ્યા. બપોરથી સાંજ થઈ પણ મિલન આવ્યો નહીં એને ફોન કરી જોયો તો ફોન પણ લાગ્યો નહીં. કોઈ બીજા નંબર કે માહિતી હતા નહીં એટલે ,રાહ જોયા વગર છુટકો ન હતો.

બરાબર રાત્રે 11 વાગ્યે અમેરિકાથી ફોન આવ્યો.. મમ્મી પપ્પા ,તમે મારી રાહ જોતા નહી. હું અમેરિકાથી ભારત પરત નહીં આવી શકું. મારે મારો વ્યવસાય અહીં જ સેટ કરવો છે મને એક પ્રતિષ્ઠિત કંપનીમાંથી નોકરીની ઓફર આવી છે. એટલે,હું તે સ્વીકારી અહીં જ રહેવા ઇચ્છું છું. રહી વાત તમારા ઘર ચલાવવાની તો એ તો તમે તમારા પેન્શનમાંથી તમારી જિંદગી સારી રીતે જીવી જ શકશો. એટલે ....મારી કોઈ આશા ન રાખતા.

તમને અહીંનું જીવન માફક નહીં આવે એટલે તમને સાથે પણ હું નહિ લઈ જાઉં. તમારી તબિયત સાચવજો....

એટલું કહી એ ફોન મુકવા જતો હતો જેને અટકાવી.... મેં કહ્યું.." બેટા ...પણ, તને સમય મળે એટલે મળવા તો આવજે ...!

મિલને કહ્યું "હું વિચારી જોઈશ... અત્યારે મારી નોકરી જ મારી પ્રાથમિકતા છે. એટલે, ત્યાં આવી સમય વ્યય કરવો હું જરૂરી નથી માનતો...

બસ આટલું કહી તેણે ફોન મૂકી દીધો "...અમારી મનોદશા શું હશે એની તો કોઈ કલ્પના જ ન કરી શકે...!" સીતાદાદી આટલું કહી અટકી ગયા.

મોહને કહ્યું "આટલા પ્રામાણિક માતાપિતાનું સંતાન આટલું ઉદ્ધત...!"

સીતા દાદીએ કહ્યું "મારા સંસ્કાર તો એવા ઉદ્ધત ન્હોતા જ. પણ ,પરસંસ્કૃતિએ તેને તેના રંગે રંગી લીધો. આમ પણ, જ્યારે એ ફોન પર વાત કરતો હતો ત્યારે તેનું વર્તન મને કૃત્રિમ લાગતું હતું. ખરેખર, એવું જ હતું.એની જાણ પણ અમને પછીથી થઈ..

ત્યાંનું નાગરીકત્વ મેળવવા એણે ત્યાંની કોઈ યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. જેની જાણ પણ અમને છ મહિના પછી થઈ. અમે પતિ-પત્ની તુટી ગયા... એકબીજાના આધારે ઉભા થયા.....માની લીધું કે.. ,"હશે"...... કહી એકબીજાને દિલાસો દેતા રહ્યા.

બીજું કરી પણ શું શકીએ? પછી તો અમે પતિ-પત્ની એકબીજાના સહારે જીવન વ્યતીત કરતા શીખી ગયા હતા. પણ, ત્યાં જ મારા સુખી જીવનમાં વિષ ઘોળાયું હોય તેમ મારા માથે વજ્રાઘાત થયો.

તમારા સાહેબને કેન્સરની જીવલેણ બીમારી થઈ અને અમને જ્યારે ખબર પડી ત્યારે તેનું છેલ્લું સ્ટેજ હતું. અમે અમારા જીવનની સઘળી મૂડી ખર્ચી નાખી. એના ઇલાજ પાછળ, કિમોથેરાપી પાછળ, દવાઓ પાછળ.... પણ, તમારા સાહેબ સાજા ન થઈ શક્યા. એ મને આમ એકલી મૂકી આ દુનિયાને અલવિદા કહી ચાલ્યા ગયા....

વધુ આવતા અંકે....

-ડૉ.સરિતા (જલધિ)