સંબંધની પરંપરા - 4 Dr.Sarita દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંબંધની પરંપરા - 4

મોહન મકકમ ચાલે આશ્રમ તરફ ડગ માંડ્યે જાય છે.અને આશ્રમનાં દરવાજે આવી અટકી જાય છે. તે માથું પાછળ ફેરવી મીરાં તરફ જુએ છે તો એના ચહેરા પર એક અદ્ભુત આનંદ દેખાઈ રહ્યો હતો.એ ફરી પાછો ચાલવા લાગ્યો.

આશ્રમની ઓફિસમાં જઈ મોહને મીરાંને આગળ કરી દીધી..અચાનક મીરાંને સામે આવી ઊભેલી જોઈ મગન કાકા કે જે આશ્રમના માલિક છે તે આશ્ચયૅચકિત થઈ જાય છે.ઓફિસમાં રેગ્યુલર તેમની અચૂક હાજરી હોય.

મીરાંને તે પોતાની સગી દીકરીની જેમ સાચવતા તો સામે મીરાંને પણ તેમના પ્રત્યે પિતાતુલ્ય અહોભાવ હતો. મીરાંને આમ,ઓચિંતી આવેલી જોઈ તો તેઓ આશ્ચર્યમાં પડી ગયા કે કાંઈ મુશ્કેલી તો નહી હોય ને....!.

મીરાંને તેમણે સ્નેહથી આવકારી.મોહનને પણ ઈશારા વડે સામે રહેલી ખુરશી પર બેસવા કહ્યું.પછી પરસ્પર ઓળખાણની થોડી વાતો થઈ. પણ,મોહન આ વાતને વચ્ચેથી જ અટકાવી દે છે. તે પૂછે છે કે..

"કાકા પેલા દાદી કે જે મીરાંની સાથે રહેતા હતા તેના વિશેની ખબર પૂછવા અને તેમના પરિવાર સાથે એમને મેળવી આપવાની તીવ્ર લાગણી અમને અહીં ખેંચી લાવી છે."એટલે અમે અહીં આવ્યા છીએ.

કાકાએ કહ્યું.."પણ,બેટા અહીં આવનારાને કયારેય કોઈ લઈ ગયું નથી કે કોઈ એમની દરકાર કરી ખબર પૂછવાં પણ આવતું નથી."

મોહનને આ વાતનું ઘણું આશ્ચર્ય થયું..તેણે મીરાં તરફ નજર ફેરવી તો એની આંખોમાં પણ ઝળઝળિયાં હતા.તેણે પૂછ્યું..

"કાકા આ લોકોને અહીં કોણ મુકી જાય છે અને શા માટે?"

"કોઈ કોઈ તો જાતે જ આવી જાય છે.તો વળી,કોઈને રસ્તે રઝળતા જોઈ કોઈ સેવાભાવી અહીં મૂકી જાય છે...કોઈને સંતાનો જ નથી ..તો વળી,કોઈ સંતાનો સ્વયં જ તેમને અહીં મૂકી જાય છે." કાકાએ કહ્યું..

મોહને કહ્યું..
" તો તમે આવા સંતાનોનો વિરોધ કેમ નથી કરતા..? "

"અમે આ સંસ્થા નિરાધાર વૃદ્ધોના આધાર માટે શરૂ કરી છે.તો અમે આવું કેમ કરી શકીએ..?"

મોહન અને કાકા વચ્ચે આ ચર્ચા ચાલતી હતી.પણ મીરાંને તો ત્યાં બેઠી હોવા છતાં તેનું ભાન ન હતું.એનું મન તો દાદીને મળવા ક્યારનુંય પહોંચી ગયું હતું.

મોહન મીરાંની મનોદશા સમજી ગયો.તે સીધો જ દાદીની વાત પર આવી ગયો.

તેણે કાકાને કહ્યું "દાદી ક્યાં છે?"

"કોણ દાદી..?અહીં તો ઘણા વૃદ્ધોને દાદી કહી સંબોધવામાં આવે છે. તમે કોની વાત કરો છો..?

ત્યાં વચ્ચે જ મીરાં બોલી ઉઠી.." સીતા દાદી."

કાકાએ કહ્યું..
"અરે ,હા..તને તો એમની સાથે સારો ઘરોબો હતો ને...!એટલે જ તો એ તારા ગયા પછી સાવ નિરાશ અને શાંત શાંત રહેવા લાગ્યા છે.રૂમની બહાર પણ કયારેક જ દેખાયા હશે."

મીરાં હવે રડવાની તૈયારીમાં જ હતી .તે કંઈ બોલે એ પહેલા જ મોહન તેનો હાથ પકડી રૂમ તરફ જવા લાગ્યો. પણ ત્યાં તો, મીરાં એ હાથ છોડાવી બગીચામાં થઈ દાદીના રૂમ તરફ દોડ મૂકી.

એ સીધી જ સીતા દાદીના રૂમ પાસે જઈ અટકી ગઈ.કદી બંધ ન રહેતો દરવાજો આજ બંધ હતો.રૂમની અંદરનું વાતાવરણ પણ રોજ કરતા વિપરિત એકદમ શાંત હતું..મીરાંથી હવે ધીરજ ન્હોતી રહેતી.તે લાગણીવશ જોરજોરથી દરવાજો ખખડાવવા લાગી. એટલામાં મોહન પણ ત્યાં આવી પહોંચ્યો.

દાદીએ અંદર થી જ પૂછ્યું. "કોણ..?"

હું..મીં...રુ..આટલું તો તે માંડ બોલી શકી.

બીજી તરફ મીરાંનો અવાજ સાંભળીને દાદીના શરીરમાં જાણે નવી શકિતનો સંચાર થયો..તે ઝડપથી પથારીમાંથી ઊભા થયા અને દરવાજો ખોલી નાખ્યો.દરવાજો ખુલતા જ મીરાં દાદીને ગળે વળગી પડી..દાદીને આ બધું સપના જેવું લાગતું હતું.

થોડે દૂર ઊભેલો મોહન આ બધું સ્મિતવદને નિહાળી રહ્યો હતો..એટલામાં તેની નજર દાદીના ચહેરા પર જઈ અટકી ગઈ.મોહનને આ ચહેરો કોઈ ચીર પરિચિત છે એવો ધૂંધળો ભાસ થતા તે તેઓની નજીક ગયો..ને વિચારમાં ખોવાઈ ગયો.

મોહનની નજર દાદીના ચહેરાની પરિચિતતા ઉકેલવા વિચારવા લાગી અને એ એક અજબ જ યાદગીરીમાં સરી પડ્યો..

શું હશે એ પરિચિતતા ....?

વધુ આવતા અંકે..


-ડૉ.સરિતા (જલધિ)