લિવઇન CA Aanal Goswami Varma દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લિવઇન


મયંક: (પોતાની માં દર્શનાબેન વિશે પૂછતા) રેવતી ઓ રેવતી! ક્યારનોય બૂમો પાડું છું,સાંભળતી કેમ નથી. તને ખબર છે મમ્મી ક્યાં છે? એ આઠ વાગ્યે તો ગાર્ડનમાંથી આવી જાય છે, પણ આ તો અગિયાર વાગ્યા! કોઈ જ પત્તો નથી. હું નીચે ગાર્ડનમાં જઈને પણ જોઈ આવ્યો. તને કાઈ કહ્યું છે?

રેવતી: (ગુસ્સામાં પગ પછાડતા) મને કંઈ જ ખબર નથી. આવું તો હોતું હશે કે માં પાંસઠ વર્ષે ફરતા ફરે અને વહું-દીકરો એમના સગડ શોધતા બેસી રહે. આખા ગામમાં વાતો થાય છે તમારી માની! હું તો કોઈને મોં દેખાડવા લાયક નથી રહી. મને તો ચોક્કસ ખબર છે કે એ પેલા ડોસા કમલની સાથે જ હશે. તમે એ ડોસાના ઘરે ફોન કરી જુઓને, કદાચ એમને ખબર હોય. આપણે તો ઓફીસ જવાનુંય મોડું થઈ ગયું આ તમારી માંની લાયમાં.

( ટેરેસ કાફે, કમલભાઈ અને દર્શનાબેન)
દર્શનાબેન: કમલ, શુ આ પગલું ભરવું જરૂરી હતું? તમને ચોક્કસ લગે છે કે આજ એક માત્ર રસ્તો હતો? તમારા પર પૂરો વિશ્વાસ છે પણ છેલ્લા ત્રણ કલાકમાં આપણે જે કર્યું એના ખૂબ મોટા પ્રત્યાઘાત પડશે. હું તમારી સાથે ખૂબ ખુશ છું પણ મને સમાજની બીક લાગે છે. (ગમગીન થઈને) મને મારા પોતાનાની બીક લાગે છે.

કમલભાઈ: (દર્શનાબેનનો હાથ, પોતાના હાથમાં લેતા), જો, આપણે આ પગલુ ભરવું પડ્યું કારણકે કોઈ આપણને સમજવા તૈયાર ન હતું. ખાસ કરીને આપણાં પોતાના. બધી જ સામાજિક જવાબદારીઓ નિભાવ્યા પછી, આપણે ફક્ત એકબીજાનો સાથ ઝંખ્યો હતો જે કદાચ કુદરતને મંજૂર હતું અને એટલે જ તો આપણે એ દિવસે આમ આકસ્મિક મળી ગયા. કોલેજકાળ દરમિયાન એકબીજાને ખૂબ જ પ્રેમ કરવા છતાં આપણે માબાપની મરજી આગળ ઝૂકી ગયા. ક્યારેય એકબીજાં વિશે જાણવા સુધ્ધાંની કોશિશ ના કરી પણ જો હવે આપણને આપણા ભાગની ખુશીઓ મળતી હોય તો કોઈને શુ કામ વાંધો હોવો જોઈએ?

દર્શનાબેન: હા, કમલ, મેં મારા પતિને અને તમે તમારા પત્નીને સંપૂર્ણ વફાદાર રહીને, બધી જ જવાબદારી પુરી કરવાની સાથે એક સુખદ દામ્પત્ય જીવન વિતાવ્યું છે. આપણા જીવનમાં મરતા પહેલાં એકબીજાનો સાથ લખ્યો હશે એટલે જ તો એ બન્ને આપણને મૂકીને સ્વર્ગમાં સિધાવી ગયા. એ પછી આપણને આપણાં પરિવાર તરફથી કોઈ જ હુંફ ના મળી. એક વધારાના સામાન જેવી આપણી દશા થઈ ગઈ હતી જેનું કોઈ જ મહત્વ નથી.

કમલભાઈ: હા, દર્શના એટલે જ તો, એ દિવસે આપણે બન્ને નદીમાં પડીને આ જીવનનો અંત આણવાનું નક્કી કર્યું હતું. પણ નસીબને કંઈ બીજું જ મંજૂર હતું અને એટલે આપણે એક બીજાને મળી ગયા. કહેને આપણને જીવવાનું બળ મળી ગયું, પણ આપણાં બાળકોને એ પણ ખૂંચ્યું. પોતાના માં બાપની ખુશીઓ કરતા એમણે સમાજ શુ કહેશે એ વાતને મહત્વ આપ્યું. આપણી એકલતા, આપણી હતાશા અને આપણી ખુશી કરતા એમને એ દંભી લોકોની વાતો વધારે મહત્વની લાગી પણ હવે બહુ થયું. આપણાં માં-બાપે પણ આપણા લગ્ન માટે એટલે જ ન પાડી હતી કે આપણી નાત જૂદી હતી. હવે આપણા બાળકોને લાગે છે કે, આપણી ઉંમરમાં, આપણને ખૂશ થવાનો, આપણી ઈચ્છા જાહેર કરવાનો કે માનથી જીવવાનો કોઈ જ અધિકાર નથી. આપણાં માટે કોઈએ ક્યારેય વિચાર્યું જ નથી.

દર્શનાબેન: (મોબાઈલ ફોનથી મયંકને ફોન કરતા ), મયંક, હું ટેરેસકાફેમાં છું. તું અને રેવતી અહીંયા આવી જાવ.
કમલભાઈ: (પોતાના પુત્રને ફોન કરીને), તું અને વહુ ટેરેસકાફે આવી જાવ.

(મયંક, રેવતી અને કમલભાઈનો પુત્ર અને પુત્રવધુ કાફે પર પહોંચે છે).

(કમલભાઈ અને દર્શનાબેન બન્ને પોતાની જગ્યાએથી ઉભા થતા).

કમલભાઈ: (દર્શનાબેનનો હાથ પકડતાં) , દર્શના અને મેં, અમારા પૈસાથી ફ્લેટ લીધો છે જેમાં અમે લિવઇનથી રહેવાના છીએ અને અમારાં બેયના મૃત્યુ પછી અમે એ ફ્લેટ દાનમાં આપી દેવાના છીએ. તમને અમારા આ સંબંધથી તકલીફ હોય, શરમ આવતી હોય તો તમે અમારી સાથે દરેક સબંધ તોડી શકો છો. અમે આજે સવારે અમારા ફ્લેટનું પેયમેન્ટ કરી દીધું છે અને હવે અહીંયાંથી સીધા ત્યાં જ રહેવા જવાના છીએ.

દર્શનાબેન: અમને તમારા ઘરમાંથી કોઈ જ સમાન નહીં જોઈએ.કપડાં સુધ્ધાં નહીં. અમે અમારી દુનિયામાં બધું જ અમને ગમતું કરશું.

(કમલભાઈ અને દર્શનાબેન, એકબીજાનો હાથ પકડીને દરવાજા તરફ ચાલવા માંડ્યું)

સમાપ્ત

✍️આનલ ગોસ્વામી વર્મા