Dr Ali Krishkant Pandit books and stories free download online pdf in Gujarati

ડૉક્ટર અલી કૃષ્ણકાંત પંડિત

Disclaimer : આ કાલ્પનીક વાર્તા છે અને એનો કોઈ પણ જીવીત કે મૃત વ્યક્તિ સાથે સંબંધ નથી . વાર્તા માં આવતા સ્થળ , બનાવ અને સંજોગો કાલ્પનીક છે .

સતારા થી સજનપુર જતા ધોરી માર્ગ ૧૮ પાસે એક મોટી હોસ્પિટલ છે , નામ "યશોદા જનરલ હોસ્પિટલ". આસ પાસ ના બધા ગામડાં માટે આ હોસ્પિટલ ભગવાન ના મંદિર જેટલું જ મહત્વ ધરાવે છે. ગમે તેવો રોગ હોય અહીંથી માણસ સાજા થયા વગર ભાગ્યેજ જાય. કહેવાય છે ને કે જશ ની પણ રેખા હોય ,એ આ હોસ્પિટલ ને હતી .

આમ હાઈવે પર પણ સહેજે ૫ એક કિલોમીટર અંદર જવું પડે. ત્યાં આવે સજનપુર ગામ અને ગામ ના પાદરે હોસ્પિટલ. સફેદ રંગે રંગાયેલી આ હોસ્પિટલ પર લાલ રંગ થી લખેલું છે "યશોદા જનરલ હોસ્પિટલ ". હોસ્પિટલ ના મુખ્ય દરવાજા પાસે કોઈ ચોકીદાર નથી. દરવાજા પર રોજ સવારે આસોપાલવ ના તોરણ બંધાય છે .આજ ની તારીખે પણ કમ્પાઉન્ડ માં રોજ માટી ના કોડિયાં માં દિવા થાય છે. આ દિવા એ માણસાઈ નું પ્રતીક છે . આ દિવા સંદેશ આપે છે કે માનવતા હજી મરી પરવારી નથી . દર ઈદ ના દિવસે અહીંયા શીરો પુરી અને દર અગિયારસ અને દિવાળી ના દિવસે સેવૈયા વહેંચવામાં આવતા .

હોસ્પટલ ની બહાર બારે માસ છાસ મફત મળે છે અને દર્દી ના સગા માટે એકદમ રાહત ના ભાવે રસોડું ચાલે છે .

દરવાજા ની જમણી બાજુ ભગવાન ગણેશ ની ૫ ફુટ મોટી પ્રતિમા વાળું મંદિર અને એની બહાર એક કોતરણીવાળો બાંકડો .

હોસ્પિટલ ના મુખ્ય દરવાજા ની ડાબી બાજુ એક મોટો વડલો છે જેની ગોળફરતે ઓટલો છે . વડલા પર ચબૂતરો છે . આ ચબૂતરા માં ખિસકોલી, મોર ,ચકલી ,કબૂતર બધા પક્ષી આવે અને એમ ના કલરવ થી આખું કેમ્પસ કલબલી ઉઠે. ચબુતરા માં મગ ને બાજરી નાખવા માં આવે અને માટી ના મોટા ૩ એક કોડિયાં માં પાણી ભરવા માં આવે. ઓટલાની બહાર એક પરસાળ જેવું ત્યાં કૂતરા માટે રોટલો નાખવા માં આવે. બાજુ માં પાણી ભરેલું માટી નું કોડિયું. કાગડા માટે ગાંઠિયા . ત્યાં ક્યારી માં તુલસી , અરડૂસી , પથ્થરતોડ , અજમો એવી ઓષધી ના છોડવા વાવેલા છે . ઓટલા ની બાજુ માં એક નાની થાંભી મૂકેલ છે એના પર પટારો છે. એ પટારા નું નામ છે રામ રહીમ પટારો. એને તાળું નથી. જે દર્દી કે દર્દી ના સગા પાસે ઈલાજ માટે પૈસા ના હોય એ આ પટારા માંથી રૂપિયા લઇ શકે છે. કોઈ નેય પૂછવાની જરુર નથી .


હોસ્પિટલ ની અંદર દાખલ થતા જ એક મોટો ફોટો દેખાય, ચશ્માં અને ધોતિયું પહેરેલ એક ૩૦/૩૫ વર્ષ ના પુરુષ ની આંગળી પકડેલા ૫/૬ વરસ ના બાળક નો. ૬ ફુટ મોટા આ ફોટા પર ધ્યાન ના જાય એવું ભાગ્ય જ બને.રિસેપ્શન ના નામે ખુરશી ટેબલ અને કોમ્પ્યુટર . ત્યાં ગામ ની જ મહિલાઓ બેસે. જે સરળ શબ્દો માં દર્દી પોતે હોય કે એના સગા , પહેલા તો હૈયાધારણ આપે અને પછી જોઈતી માહિતી આપે. દાખલ થાય પછી જ ફોર્મ ભરવા જેવી ઔપચારિક વિધિ થાય છે. કેશ કાઉન્ટર પર ગામડા માંથી કોઈ પુરુષ બેસે , જેનું કામ બિલ બનાવા નું નથી , પણ તમે જે આપો એ પ્રેમ થી સ્વીકારી લેવા નું છે. એ ખાતરી કરી ને કે તમારી પાસે અહિયાંથી ઘરે પાછા જવાના ભાડા ના પૈસા છે .

આ બધું વાંચ્યા પછી હોસ્પિટલ ને જજ ના કરવી. હોસ્પિટલ ની અંદર એક થી એક ચઢિયાતા અને મોડર્ન સાધન વસાયેલ છે. કેન્સર થી માંડી ને કિડની રિપ્લેસમેન્ટ કે બાય પાસ સજૅરી બધા ઓપેરશન અહીંયા થાય છે. એ પણ એકદમ મોડર્ન પદ્ધતિ થી . હોસ્પિટલ ની પોતાની ૫ ambulance છે અને ઓપેરશન થીએટર માં video calling ની સુવિધા પણ છે.

તમે નસીબ વાળા હોવ તો ગણેશ મંદિર ની બહાર કોતરણી વાળા બાંકડા પર એક પંડિતજી જેવા લાગતા દાદા દેખાય . હાથ માં માળા , કપાળ માં તિલક , સફેદ ધોતિયું અને પીળું અથવા વાદળી કેડિયું પહેરેલા આ પંડિત એટલે પેલા ફોટા માં રહેલ ૩૫ એક વર્ષ ના લાગતા પુરુષ . એમ નું નામ કૃષ્ણકાંત પંડિત . જાણે સ્વયંભૂ તેજ નીકળતું હોય એવું દૈદિપ્યમાન મુખ અને એ મુખ પર સદા રમતું હાસ્ય . ઘણા નિરાશ થયેલ દર્દી એ પ્રેમાળ હાસ્ય જોઈને જ હરખાઈ જતા . એમની પાસે ઉભા રહેવા માત્ર થી એક અજાણી શાંતિ અને આરામ અનુભવાતો. દર્દી ના સગા વાળા માં કોઈ બાળક હોય એને તો અહીંયા મઝા મઝા. પંડિત ના મોઢે થી અમૃત વરસતું હોય એમ કાનુડા ની વાર્તા ઓ નીકળે અને એ સાંભળતા બાળકો ક્યારેય ના થાકે.


અહીંયા લગભગ દરેક રોગ ના ડોક્ટર્સ મળી રહે . ઈન હોઉસે ડોક્ટર્સ ની ટીમ તો ખરી જ . આ હોસ્પિટલ ની ખ્યાતિ એટલી કે ડોક્ટર્સ અહીંયા રેસિડેન્ટ ડૉક્ટર તરીકે ના રહી શકે , તો અઠવાડિયે એક વાર પણ વિઝિટ માટે આવે જેથી એમ નું નામ આ હોસ્પિટલ જોડે સંકળાય. હોસ્પિટલ હાઈવે પર હોવાથી અહીંયા એકસિડેન્ટ ના કેસ વધારે આવે . એમાં ય ગાડી અથડાવાથી સળગી જવાના કે અથડામણ માં આગ લાગવાના બનાવો વધારે બને . એટલે ગંભીર રીતે ઘવાયેલ કે દાઝી ગયેલ કેસ વધારે આવે . અને આવા દર્દી નો ઈલાજ થાય" બર્ન વોર્ડ "માં .

આ "બર્ન વોર્ડ" ના કારણે જ આ હોસ્પિટલ આખા મલક માં ખૂબ પ્રખ્યાત છે. ગંભીર રીતે દાઝેલા દર્દી માટે અહીંના બર્ન વોર્ડ ના ડૉક્ટર ભગવાન અને આ વોર્ડ મંદિર નું બીજું ઠેકાણું છે. શહેર ની મોટી હોસ્પિટલ માં પણ કોઈ ગંભીર રીતે દાઝેલા દર્દી નો કેસ આવે તો અહીં થી આ ડૉક્ટર ને શહેર માં જવું પડે. મેટ્રો સિટી ની કેટલીય હોસ્પિટલ આ ડૉક્ટર ને પોતાને ત્યાં જોઈન કરવા માટે લેટર મોકલાઈ ચુકી છે પણ ડૉક્ટર બીજે ક્યાંય જવા તૈયાર નથી. હા દર્દી માટે એ ગમે ત્યાં ટ્રાવેલ કરે પણ એમ નો પ્રાણ તો વસેલો છે અહીંયા આ હોસ્પિટલ માં જ . કૃષ્ણકાંત પંડિત માં જ .

આ ડોક્ટર નું નામ છે , ડૉક્ટર અલી કૃષ્ણકાંત પંડિત. હા તમે સાચું વાંચ્યું .આ હોસ્પિટલ ના , આ ગામ ના અને આ પંડિત ના પ્રાણ જેમાં વસેલા છે એવા વિશ્વ વિખ્યાત બર્ન સ્પેશ્યલિસ્ટ ડોકટર એટલે ર્ડો અલી કૃષ્ણકાંત પંડિત. કૃષ્ણકાંત પંડિત ની પત્ની નું નામ યશોદા પંડિત અને એમનું જ નામ અપાયું છે આ હોસ્પિટલ ને. આ વાત ને તો આજે ૩૦ એક વર્ષ ના વહાણા વીતી ગયા. આ હોસ્પિટલ ની પાછળ , કૃષ્ણકાંત કાકા ના સદા હસતા રહેતા મુખ પાછળ ૩૦ વર્ષ પહેલા ઘટેલી આ ઘટના જ કારણભૂત છે .

એ વખતે પંડિત ની ઉંમર હતી ૪૦ માં પાંચ ઓછા અને યશોદા બેન ૩૦ વર્ષ ના. પંદરેક વર્ષ થઇ ગયેલા લગ્ન ને પણ શેર માટી ની ખોટ પુરાતી જ ન હતી. ખૂબ દેશી ઈલાજ કર્યા. અરે શહેર માં જઈ વિદેશી ઈલાજ સુધ્ધાં કરાયો પણ યશોદા બેન નો ખોળો ના ભરાયો તે ના જ ભરાયો. આમ કર્મકારી પંડિત પણ બાપ દાદા પાસે વારસાગત મિલકત ની ખોટ નઈ અને એટલે જ પંડિત વિચારતા કે મારા પછી આ વંશ કેમ આગળ વધશે? પોતે યશોદા બેન ને ઓછું ના આવવા દેતા પણ અંદર થી એમનું કાળજું રડતું . ગામ પંડિત ને ખૂબ માન આપતું પણ એમની પાછળ બાળક ન હોવા ના મેણાં મારતા .

ગામ ના મોઢે તો ડૂચા ય કેમ મારવા ? એક વાર મંદિર થી બંને ઘણી ધણિયાણી પાછા ફરતા હતા, કે કોઈ પાછળ થી બોલ્યું જો વાંઝિયા ની જોડી જાય. યશોદા બેન થોડા દૂર હતા એટલે ના સાંભળ્યું પણ પંડિત પોતે સાંભળી ગયા. એ મેણાં થી લાગેલો આઘાત પંડિત ને હતાશા ના એવા કાળા કૂવા માં લઇ ગયો કે પંડિત ભાંગી પડ્યા . નક્કી કર્યું કે આ જીવતર જ દોજખ છે આના કરતા તો મરવું વધારે સારું છે. કૂવો જ વ્હાલો કરું . મારા મોત પછી વિધવા યશોદા ને એના પિયરીયા શહેર તેડી જશે. પછી વિચાર્યું નદી માં પડું અને થોડા ઘણા પૈસા નદી કિનારે નાખી દઉં એટલે લોકો ને લાગશે કે પૈસા માટે કોઈ એ પંડિત ને ધક્કો દઈ દીધો. અને પછી કદાચ મને બિચારો ગણી થોડા દિવસ માં ભૂલી જશે .આવા હતાશ અને નિરાશ વિચારો માં એક દિવસ એ નબળી ક્ષણે એ નદી તરફ ચાલી નીકળ્યા .

નદી , પંડિત ના ઘર થી ખાસ્સી દૂર હતી . ઘરે થી નીકળતા યશોદા બેન સામે નજર મિલાવવાની એમ ના માં જરા કે હિંમત ન હતી. એટલે યશોદા બેન રસોડા માં હતા ત્યારે એ એમ ને કીધાં વગર ચાલી નીકળ્યા. યશોદા બેન ની ચિંતાં એ એકાદ ક્ષણ તો એમ ને રોકી લીધા પણ પેલું વાંઝિયા મેણું યાદ આવતા પાછા ચાલવા માંડ્યા. રસ્તા માં ગામ નું મંદિર , પંચાયત , શાળા , હાટ , બગીચો આ બધું આવ્યું. ગામ ની શેરી ઓ જેમાં પોતે રમી ને મોટા થયા હતા. એ બધી જ દુકાનો જેમાં થી એ બાળક હતા ત્યારે પોતાના માં બાપ સાથે ખરીદી કરતા હતા , યશોદા બેન ને સાથે લઈને આવ્યા હતા. પંડિત ભારે હૃદયે આ બધી વસ્તુ ને છેલ્લી વાર જોતા ધીરે ધીરે નદી તરફ ચાલી જતા હતા. ત્યાંજ નાના બાળકો ની કપડાં ની દુકાન જોઈ , નદી તરફ ની એમ ની ગતિ વધી ગઈ .

નદી તરફ આવતા ફાતિમાબાનું નું ઘર આવ્યું. ફાતિમાબાનું પોતાના ૫ વર્ષ ના બાળક સાથે એકલા જ રહેતા હતા કારણ કે એમ ના પતિ અકસ્માત માં મૃત્યુ થયું હતું. એકલા રહેતા ફાતિમાબાનું સ્વભાવે પરગજુ હતા. એમના શાંત અને મળતાવડા સ્વભાવ ને કારણે એ ગામ માં બહુ જલ્દી હળીમળી ગયા. પોતાના ઘર ની બહાર જ સીવવા નું મશીન ચલાવતા. આખા ગામ ના જૂના સીવવાના કપડાં એમ ના ઘેર જ રહેતા .

ઘર ની બહાર ખાસ્સી ભીડ જમા થઇ હતી. અંદર થી ધૂમાડા ના ગોટા નીકળતા હતા. બહાર રોવા કકળવા ના અવાજ આવતા હતા. ટોળે ટોળા જમા થયેલા હતા. લોકો કામળા ધાબળા લઇ ને એકઠા થયા હતા પણ કોઈ ની અંદર જવાની હિમ્મત ન હતી. અંદર આગ લાગેલી હતી . ભગવાન નો સંકેત હોય એમ પંડિત ને આત્મસ્ફૂર્ણા થઇ કે મારે તો મરવું જ છે તો ચાલ ને આગ માં જ ઝંપલાવુ. મારા લીધે કોઈ બચે તો થોડું પુણ્ય મળશે અને આત્મહત્યા આત્મહત્યા ના પાપ માંથી પણ ઉગરી જઈશ. વળી ગામ ના લોકો મારા વાંઝિયા હોવાનું ભૂલી મને મારા ત્યાગ માટે યાદ કરશે. એક ધાબળો શરીર ફરતે વીંટાળી પંડિતે આગ માં ઝંપલાવ્યું

આમ વિચારી પંડિત ઘર માં પ્રવેશ્યા. અંદર જતા જ ફાતિમાબાનું નું આગથી ભડથું થઇ ગયેલ શરીર દેખાયું. સીવવા માટે આવેલા કપડાં ના કારણે આગ વધારે પ્રસરી હતી. પંડિતે જોયું કે રસોડા માં માટલા પાસે ૫ વર્ષ નું ભૂલકું બૂમો પાડતું હતું. જેવા પંડિત બાળક પાસે પહોંચ્યા કે બાળક એમ ને વળગી પડયું. પંડિત ના હૃદય માં એક સવેંદના નું મોજું ફરી વળ્યું ,એમના રોમટા ઉભા થઇ ગયા. ક્ષણ બે ક્ષણ માટે તો પોતે સ્થળ અને કાળ નું પણ ભાન ભૂલી ગયા. પંડિત ભૂલકા ને કામળો ઓઢાડી બહાર ભાગ્યા .

લોકો ના આશ્રય વચ્ચે પંડિત કે બાળક ને એક પણ ઉઝરડો ના પડ્યો. પંડિત બાળક ને નીચે ઉતારી ત્યાં ઉભેલી મહિલા ઓ ને સોંપે છે. લોકો પંડિત ના વખાણ કરે છે . એમ ને કઈ થયું તો નથી એવી પૂછપરછ ચાલતી હોય છે કે પંડિત બધા ની નજર થી છુપાતાં ટોળા માંથી બહાર નીકળતા હોય છે કે એમ ને લાગે છે કે કોઈ એમ ને બોલાવી રહ્યું છે. એ પાછળ જુવે છે તો ૫ વર્ષ નો અલી જેને એ આગ માંથી બહાર લાવ્યા હતા એ એક હાથે થી એમ ની ધોતી નો છેડો ખેંચી રહ્યો છે તો બીજા હાથ થી એમ ના પગ ને વીંટળાઈ પડ્યો છે.

પંડિત નું મન પીગળી ગયું. એમ ને આ બાળક માં કાનુડા ના દર્શન થયા. એ નીચે બેસી ગયા અને બાળક ને ભેટી પડ્યા. બંને મન ભરીને રડ્યા. બાળક અને પિતા બંને એ એક બીજા ને પામી લીધા હતા. આ તૃપ્તિ ના આંસુ હતા. કદાચ ફાતિમા બેન નું અલ્લાહ ને પ્યારા થવું અને પંડિત નું અલી માટે જીવતા રહેવું એ ભગવાન અને અલ્લાહ બંને ની મરજી હતી. અલી નું ભાગ્ય હવે પંડિત ના હાથ માં હતું. એટલે જ પંડિત ના પગ રોકાઈ ગયા .

પંડિત એમ ના કાનુડા ને લઈને યશોદા પાસે આવ્યા . એમ ને યશોદા ને કહ્યું આજ થી આ તારો કાનુડો! ત્યારે નાનકડો અલી બોલ્યો મારુ નામ અલી છે. યશોદા તરત જ બોલ્યા તો તું આજ થી અલી કૃષ્ણકાંત પંડિત . બસ એ ઘડી અને આજ નો દિવસ. આ ત્રણેય જણ એક બીજા માટે જીવે છે . આ ઘર જ એમ નું ગોકુલ છે .

હા કેટલાય વર્ષો સુધી અલી રાત્રે ઉઠી ને જાગી જતો પણ ત્યારે પંડિત અને યશોદા એને સોડ માં લઇ લેતા. આગ થી ડરતાં અલી ને બર્ન સર્જન બનાવાનો નિર્ણય પંડિત નો હતો . પંડિતે જ અલી ને એના ડર નો સામનો કરતા શીખવ્યું. અલી ને યાદ છે કે એને આગ માંથી પંડિતે બચાવ્યો છે. અલી ભણવામાં હોશિયાર હતો. પૈસા ની છૂટ હતી અને એટલેજ પંડિત નું સપનું પૂરું કરવા અલી ખૂબ મોટો બર્ન સર્જન બને છે. જયારે એ બર્ન સુર્જન બની ને ગામ માં હોસ્પિટલ ખોલવાનો નિર્ણય સંભળાવે છે ત્યારે પંડિત ને પોતાનો આદરેલો યજ્ઞ પૂરો થયો એવી અનુભૂતિ થાય છે .

આજ ની તારીખે પણ જે દિવસે અલી એમ ની જિંદગી માં આવ્યો એ દિવસે ,દરગાહ માં ફાતિમાબાનું ના નામ ની ચાદર ચઢાવાય છે , પંડિત અને અલી બેય સાથે જાય છે. પંડિત આ દિવસે ખાનગીમાં માં ભગવાન ની માફી પણ માંગે છે એમ ને એ દિવસે કેટલું મોટું પાપ કરતા બચાવ્યા અને પોતાને અલી આપવા માટે ભગવાન નો આભાર માને છે. એ દીવસે અલી કૃષ્ણકાંત પંડિત નો જન્મ દિવસ પણ મનાવવા માં આવે છે.

જો ૬ વાગ્યે અલી હોસ્પિટલ માં હોય તો અજાન ના સમયે મંદિર ની બાજુમાં જ આસાન પર નમાજ પઢે છે અને ૬.૪૫ હાજર હોય તો ગણેશ જી ની આરતી માં પણ ભાગ લે છે , હા અલી ને આરતી મોઢે આવડે છે. આ ગોકુલ ગામ માં રાધા માટે શોધ ચાલુ છે , કોઈ યોગ્ય કન્યા હોય તો કહેજો અલી કૃષ્ણકાંત પંડિત ની પત્ની બનવા માટે. ધર્મ નો બાધ નથી .

સમાપ્ત



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED