મેહુડાવન CA Aanal Goswami Varma દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મેહુડાવન

આખો દિવસ સુંદર અને અને લોભામણું લાગતું મેહુડાવનનું જંગલ રાતે એની સુંદર વનરાજી, મોટા વિશાળ વૃક્ષ અને રંગીન ફૂલ-વેલ જંગલમાં જવા માટે લોભાવતા પણ રાતે એ જ જંગલ ખૂબ ડરામણું બની જતું.

આજુ બાજુના પચાસ ગામમાં કહેવાતું કે સુરજ ઢળ્યા પછી આ જંગલની આજુબાજુ ફરકવું પણ નહિ અને જો કોઈ એવું કરે તો એ પાછું ફરી ન શકતું. આ જંગલની પાસે એક ખૂબ સુંદર ચેકડેમ હતો એ જોવા ઘણાં ટુરિસ્ટ આવતા પણ સાંજ થતા સુધીમાં તો બધા પાછા જતા રહેતા. જંગલની અંદર સર્કિટ હાઉસ હતું. ત્યાં રોકાવા વાળા પણ અંધારું પડે એ પહેલા ત્યાં પહોંચી જતા.

જે ચેકડેમ પર આવતા બધા આ જંગલની ખુબસુરતીથી અંજાઈ જતા અને જંગલમાં જવા માટે લલચાઈ ઉઠતા પણ જવાની હિંમત કોઈ ન કરતું. ખુબ સુંદર રંગબેરંગી ફૂલો અને વેલ થી વીંટળાયેલું મેહુડાવન જાણે રોજ ત્યાં આવતા લોકોને અંદર પ્રવેશવા માટે ચેલેન્જ કરતું અને રોજ જીતી જતું. એવું કહેવાતું કે જંગલમાં રાતે આત્મા આવે છે અને રાતે જંગલમાં રહેનારને પોતાના જંગલ માં હોવાની સજા આપે છે.

એક વાર નિધિ એના કૉલેજ મિત્રો સાથે આ ચેકડેમ પર આવી. એમની કાર માંથી નીચે ઉતરતા જ બધા પાણીમાં પડવા ઉતાવળા બન્યા. બધા ગાડી ની ડેકી માંથી પોતાનો સામાન લઈને ફટાફટ ચેન્જ કરવા જવા માંડ્યા . નિધિ પણ પોતાનો સામાન લઈને ચેન્જ કરવા જતી હતી કે એને કોઈ અવાજ સંભળાયો. એ કર્ણપ્રિય પણ વેદનાથી ભરેલ અવાજ જાણે એને પોતાની તરફ ખેંચી રહ્યો હોય. નિધિ એ બે ત્રણ વાર પોતાના કાન પર હાથ દાબી દીધા પણ તોય એને એ અવાજ સતત સંભળાતો રહ્યો, જંગલ તરફ જોવા મજબૂર કરતો રહ્યો જાણે એને અંદર બોલાવતો હોય. નિધિ એ અવાજથી દોરાતી જંગલમાં દાખલ થવામાં જ હતી કે એકદમ પાછળથી મિહિર આવ્યો અને નિધિના ખભા પર હાથ મુક્તા બોલ્યોકે ચાલ આપણે પણ જઈએ,જો બધા તો પાણીમાં ઉતરી પણ ગયા.

નિધિ પાછળ વળી-વળીને જંગલ તરફ જોઈ રહી હતી પણ મિહિર એનો હાથ પકડીને ચેકડેમ તરફ લઇ ગયો. બે ત્રણ કલાક પાણીમાં મસ્તી કર્યા પછી બધા કંઈક ખાવા માટે બહાર આવ્યા. ગામના લોકો ચેકડેમ પાસે રોટલો મરચું અને ડુંગળી વેંચતા. આજુબાજુ કોઈ બીજી દુકાન ન હોવાથી લોકો શોખથી આ રોટલા ખરીદીને ખાતા. ભૂખ, થાક અને ગામઠી ટેસ્ટના લીધે બધા રોટલા વેચાઈ જતા. ગામની યુવતીઓ બપોર ના સમયે રોટલા વેચીને સારું એવું કમાઈ લેતી. એક યુવતી આજે એ ટોળા પાસે આવીને બેસી ગઈ જેથી એના રોટલા વેચાઈ જાય. બધા રોટલા ચપોચપ વેચાઈ ગયા. નિધિ નો વારો આવ્યો ત્યારે યુવતી પાસે કોઈ રોટલો બચ્યો ન હતો. નિધિ નિરાશ થઈને પાછી જઈ રહી હતી કે યુવતીએ એનો હાથ પકડી લીધો, નિધિ એ પાછળ વળીને જોતા એ યુવતીએ પોતાના માટે બાંધેલો રોટલો અને મરચાની ચટણી આપી દીધી. નિધિએ એનું નામ પૂછતાં એને કમલી કહ્યું . જ્યારે નિધિ એ પૈસા પૂછ્યા ત્યારે કમલીએ કહ્યું કે આતો એનું ભાથું છે જેથી પૈસા નહી લઇ શકે એટલે નિધિ કમલી ની જોડે જ બેસી ગઈ અને બંને જણ રોટલો અડધો કરીને મરચાંની ચટણી સાથે ખાવા લાગ્યા. બંને એકબીજાની આંખોમાં જોઈને હસતા-હસતા, વાત કરતા ખાવા લાગ્યા. મિહિર દૂરથી નિધિને જોઈ રહ્યો હતો જયારે નિધિ કમલી સાથ વાત કરવામાં જાણે ખોવાઈ ગઈ હતી.

પછી બધા સંગીત ખુરશી રમવા લાગ્યા. નિધિ કમલી ને હાથ પકડીને પોતાની સાથે સંગીત ખુરશી રમવા લઇ ગઈ. કમલી અને નિધિ છેક સુધી આઉટ ના થયા અને છેલ્લે બંને નોટઓઉટ રહેતા બન્ને ભેટી પડ્યા. કમલી પણ એ લોકો ની ઉંમર ની જ જોબનવંતી યુવતી હતી. રમતમાં ઘણા બધા છોકરા એમની તરફ જોવા લાગ્યા, જેમાં મિહિર અને રાહુલ કંઈક વધારે જ રસ દર્શાવી રહ્યા હતા. મિહિર નીધીને અને રાહુલ કમલીને જોઈ રહ્યો હતો.

હવે સાંજ થાવ આવી હતી એટલે બધા સામાન પેક કરવા લાગ્યા. નિધિ અને કમલી હજી હાથ પકડીને ઉભા હતા. કમલીએ નિધિને આવજો કહ્યું અને ગામ તરફ નીકળી પડી. બસ માં બધા બેસી ગયા અને ડ્રાઈવર બસ ચાલુ કરવા ગયો પણ એના ખૂબ પ્રયત્નો છતાં બસ ચાલુ ના થઇ. હવે આટલા મોડા કોઈ મેકેનિક મળે એમ ન હોવાથી બધાએ સર્કિટ હાઉસ માં રહેવાનું નક્કી કર્યું. સર્કિટ હાઉસ જંગલની અંદર હતું અને એટલે ત્યાં રોકાવા વાળા અંધારા પહેલા ત્યાં પહોંચી જતા. પણ મજબૂરી હતી એટલે ગામડાના લોકો ફાનસ લઈને એ ટોળાને અંદર લઇ ગયા. જેવા બધા જંગલમા દાખલ થયા કે નિધિને એ અવાજ ફરીથી સંભળાવા લાગ્યા અને આ વખતે એટલી વધારે તીવ્રતાથી કે નિધિએ અવાજ ને વશ થઈને એ અવાજની દિશા માં ચાલતી બધાથી અલગ થઇ ગઈ. જાણે એના પર કોઈ વશીકરણ થયું હોય એમ એ ભાન ભૂલીને એ અવાજ ની દિશામાં ચાલવા લાગી . ચાલતા ચાલતા એને એક ઝૂંપડી દેખાઈ જેમાં ચારે બાજુ ઝાડી ઝાંખરા હતા એટલી ઘૂળ થઇ ગઈ હતી કે જાણે વર્ષોથી અહીંયા કોઈ રહેતું ન હતું. થોડા વાસણો અને એક ખાટલો પડ્યો હતો ઝૂંપડીમાં . હજી એ અવાજ આવી રહ્યો હતો એટલે નિધિ ત્યાંથી બહાર નીકળીને જંગલ તરફ અવાજની દિશામાં આગળ વઘી. અડધો કિલોમીટર આગળ ચાલ્યા પછી એ અવાજ એક રુદન માં બદલાઈ ગયો. દર્દ-ભર્યું, હૈયાં ને હચમચાવી દેતું દર્દનાક રૂદન. અચાનક એ અવાજ ચીસો માં બદલાઈ ગયો , બચાવો બચાવો , રેવા , રેવા,,,,,બચાવો મારી રેવાને કોઈ તો અમારી મદ્દદ કરો , બચાવો અમને ...........અને ત્યાંજ અચાનક પવન ફૂંકાવા લાગ્યો, ચારે બાજુ પાંદડા ઉડવા લાગ્યા. અને નિધિને એક નાના ટેકરા જેવું દેખાયું. એ કોઈ અજાણી શક્તિને વશ થઈને એ ટેકરા ને ખોદવા લાગી. જેમ જેમ ખોદતી ગઈ એને એક તીવ્ર વાસ આવતી ગઈ અને અચાનક એ બેભાન થઇ ગઈ.
સર્કિટ હોઉસ પહોંચ્યા પછી મિહિર ના કહેવાથી બધા નિધિને શોધતા થઇ ગયા અને પછી ગામલોકો એ પોલીસ ને બોલાવતા બધા એ તરફ આવ્યા અને નીધીને એક ખાડા પાસે પડેલી જોઈ જેમાં તીવ્ર વાસ આવતી હતી. નિધિ ને લઈને ગામલોકો સાથે મિહિર પાછો ફર્યો અને પોલીસ એ ત્યાં ખોદકામ ચાલુ રાખ્યું. સવાર થતા તો આખુ ગામ મેહુડાવન માં પહોંચી ગયું. પોલીસ ને એ ખાડા માંથી બે લાશ મળી હતી. એમને અર્ધમરી હાલતમાં જ દાટી દેવાંમાં આવ્યા હતા. એક લાશ હતી પાંચ વર્ષની બાળકીની અને બીજી પચીસ વર્ષની યુવતીની. લાશ નો ચહેરો એટલા હદે ખરાબ થઈ ગયો હતો કે ભલ-ભલા બી જાય. પોલીસ લાશને ફોરેન્સિક માટે મોકલે છે અને ત્યાંજ એક પ્રૌઢ મહિલા આવીને છાતી કુટતા કહે છે કે આ મારી કમલી અને રેવા જ છે. હું કહેતી હતી ને કે એમને એ નરાધમો એ મારી નાંખ્યાં છે નહીતર મારી કમલી આ મેહુડાવન છોડીને જાય જ નહિ.

આ બધા ઘોઘાટ અને ચહલ પહલ ના કારણે સર્કિટ હાઉસ માં રહેલા બધા પણ જાગી ગયા હતા અને ગામલોકો ની સાથે ત્યાં ટોળામાં ઉભા હતા. નિધિ પણ બધાની સાથે ઉભી હતી. એ પ્રૌઢ મહિલા ને આમ રડતા જોઈને ને નિધિ એમની પાસે ગઈ અને આશ્વાસન આપવા લાગી. પેલા મહિલા પોતાન કબ્જામાં રહેલા, વાળીને ને મુકેલા એક ફોટા ને કાઢતા બોલ્યા કે જો બેટા આ છે મારી કમલી. એને અને એની ફૂલ જેવી દીકરી રેવા ને મારી નાખી એ હરામખોરો એ. નિધિ એ ફોટો જોતાજ જ જોરથ ચિસ પાડી ઉઠી અને મિહિર અને બધાને કહેવું લાગી કે જુવો આતો એજ કમલી છે જેણે આપણને રોટલા વેચ્યા હતા. પણ નિધિના આશ્રય વચ્ચે મિહિર અને બધા બોલ્યા કે ના નિધિ તારી ભૂલ થાય છે આ એ છોકરી નથી. નિધિ ને વિશ્વાશ ના બેઠો કે એની સાથે શું થઇ રહ્યું છે. જે કામલી એ એનો હાથ પકડીને એને રોટલો અને મરચાની ચટણી આપ હતી એ આજ કમલી હતી પણ જો એ મરી ચુકી હતી તો એ અહીંયા એની સાથે કેવી રીતે હતી ? અને કોઈ બીજાએ એને કેમ ન જોઈ હતી? આ બધા સવાલો ના જવાબ એને જોઈતા હતા. એ આઘાત થી બેસી પડી. પેલા પ્રૌઢ મહિલા પણ એની જોડે બેસી પડ્યા અને બોલ્યા તે મારી કમલી ને જોઈ ? એની આત્મા ને હવે શાંતિ મળશે બેટા. હવે એના કાળજાને ઠંકડ મળશે. પછી શાંતા બહેન એ બધી વાત માંડી ને કહી જે આ પ્રમાણે હતી.

કમલી આ ગામ ની સૌથી સુંદર કન્યા હતી. ગામના યુવાનો એની સાથે લગ્ન કરવા મરતા હતા. બાળપણથી જ એને મેહુડાવન સાથે જાણે પ્રીત હતી. આખો દિવસ એ આ જંગલમાં ફર્યા કરતી. આ જંગલમાં રહેતા એક આદિવાસી યુવક જોડે એને પ્રેમ થઇ ગયો અને બંને પરણી ગયા, જંગલમાંજ ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યા. ગામના લોકોને કમલીના આદિવાસી યુવક જોડે લગ્ન મંજૂર ન હતા એટલે એમણે કમલી જોડે નાતો તોડી નાખ્યો. કમલી પોતાની માં ને મળવા પણ ગામમાં ન જઈ શકતી. પણ શાંત બહેન છુપી છુપાઈને કમલી ન મળવા જતા. કમલી પોતાના પતિ સાથે ખુબ ખુશ હતી અને હવે તો એ માં બનવાની હતી. રેવા ના જન્મ વખતે કમલી અને એનો પતિ ખૂબ ખુશ હતા. હજી તો રેવા છ મહિના ની માંડ થઈ કે એના પિતા સાપ કરડવાથી મૃત્યુ પામ્યા પણ છતાં કમલીએ જંગલ ન છોડ્યું. એ રેવા સાથે અહીંયા જ રહેતી હતી.

રાતે કેટલીય વાર સાપ કે જંગલી જાનવર આવી ચડે એટલે ઝૂંપડીમાં અંદર તાપણું ચાલુ રાખે અને ખાટલામાં બેય માં દીકરી પડી રહે. કમલી સવારે વહેલા ઉઠીને ઢોર ને દોહી ને દૂધ ડેરી એ આપી આવે અને પછી ચાર બાજરાના રોટલા બનાવે જોડે બે લીલા મરચા અને એક ડુંગળી લઈને નીકળી પડે બેય માં દીકરી. ભૂરી આંખો અને ઘઉંવર્ણી ચામડી ધરાવતી રેવા, આંખ ચોળતી ચોળતી માં સાથે સવારથી નીકળી પડે. આખો દિવસ ડગરું લઈને ફરવાનું અને સાંજે પાછા આવવાનું . સાંજે આવીને બેય એક ગ્લાસ તાજું દોહેલુ દૂધ પીને સુઈ જાય. કોઇ વાર દૂધ વધારે હોય તો કમલી દહીં બનાવા મૂકી દે અને બીજા દિવસે રોટલો ધીમા વઘારી આપે એ રેવા ને મનગમતું મિષ્ટાન. જંગલમાં ઉગતા સુંદર ફૂલ તોડીને રેવાનાં વાળ શણગારે અને ઝૂંપડીની બહાર સુંદર રંગોળી બનાવે. કમલી ની સાથે સાથ રેવાને પણ મેહુડાંવન સાથે એટલીજ પ્રીતિ હતી. એ પણ એના કોમળ કોમળ હાથોથી કમલી ના વાળ શણગારે. બંને માં દીકરી ખૂબ ખુશ હતા. કમલી પોતાના પતિની ની નિશાની સ્વરૂપ રેવાને ભગવાન નો પ્રસાદ માનીને એને સોડમાં રાખીને લાંબી જિંદગી હસતા-હસતા ગાળી રહી હતી. પણ એની આ ખુશી કદાચ એના ભાગ્યને મંજૂર ન હતી.


ગામ ના બે બદમાશ કિશન અને સાંગો કમલી ને એકલી જાણીને એની સાથે કુકર્મ કરવાની ફિરાકમાં હતા અને એક દિવસે જયારે કમલી અને રેવા જંગલ માંથી પાછા આવી રહ્યા હતા ત્યારે અંધારામાં એમણે કમલીને પકડી લીધી અને એનો હાથ પકડીને ચાલતી રેવાને ધક્કો મારી દીધો. રેવાનું માથું પથ્થર સાથે અથડાયું અને એ માસુમ ફૂલ ત્યાંજ કરમાઈ ગયું અને કમલી પોતાની જાતને બચાવા લડતી રહી અને ઝપાઝપીમાં કિશનના હાથમાં રહેલું ચપ્પુ કમલીના પેટમાં વાગી ગયું. બેય માં દીકરી ને ત્યાંજ ખાડામાં દાટીને બેય ભાગી આવ્યા. એ ઝૂંપડી તરફથી ભાગ્ય ત્યારે શાંતા બેન કમલી ની ઝૂંપડીની બહાર ઉભા હતા. એ બપોરથી એમની રાહ જોતા હતા અને ઘણું મોડું થતા ઝુંપડીની બહાર એમની રાહ જોતા હતા. એમણે આ લોકો ને પૂછ્યું પણ ખરું કે મારી કમલી અને રેવા ને જોઈ જંગલમાં? પણ એ નરાધમો કઇ બોલ્યા વગર ભાગી ગયા. એ રાતે કમલી અને રેવા ન આવતા સવારે શાંતા બેન એ પોલીસ માં ફરિયાદ કરી અને પોતાની શંકા અંગે પણ વાત કરી. પોલીસ આવી પણ ખરી પણ કિશન અને સાંગાએ પોલીસ ને પૈસા ખવડાવી બધી તપાસ બંધ કરાવી દીધી. લાશ ન મળવાથી પોલીસ પણ લાચાર હતી.કિશન અને સાંગો ગામ છોડીને બહાર નીકળી ગયા હતા.

પણ કુદરતનો ન્યાય પણ અનોખો છે .આજે એક વર્ષ પછી જયારે કિશન અને સાંગો ગામમાં આવ્યા હતા અને કમલી ની આત્મા નિધિ દ્વારા પોલીસ ને પોતાની લાશ ના સ્થળે લઇ આવી. ફોરેન્સિક માં લાશ કામલી અને રેવા ની હોવાનું બહાર આવ્યું અને કિશન અને સાંગા એ પણ પોતાનો ગુનો કબૂલી લીધો.

કમલી અને રેવા ને આજે ન્યાય મળી ગયો. એક વર્ષ પછી મેહુડાવનમાં આજે કમોસમી વરસાદ પડ્યો જાણે કમલી અને રેવા નય રુદન અને દર્દ ધોઈને બધું પહેલાં જેવું સુંદર કરી દેવા માંગતો હોય. કમલીનું સુંદર મેહુડાવન.

આજે ફરી મેહુડાંવન પોતાની એ સુંદર લોભામણી વનરાજી પાથરી રહ્યું છે. કમલીની એ ઝૂંપડી હજી પણ છે જ્યાં રોજ જંગલ ના ફૂલથી ગામની છોકરીઓ રંગોળી કરે છે. કહેવાય છે કે જ અહીંયા રંગોળી કરે એના લગ્ન જલ્દી થઈ જાય છે. હવે મેહૂડાવન કમલીવન તરીકે પણ ઓળખાય છે. લોકો ચેકડેમ જંગલ અને કમલી ની ઝૂંપડી આ ત્રણેય જોવા આવે છે.

© CA આનલ ગોસ્વામી વર્મા