સજન સે જૂઠ મત બોલો - 19 Vijay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સજન સે જૂઠ મત બોલો - 19

પ્રકરણ- ઓગણીસમું/૧૯

‘પણ સાહિલ, એ સરિતા શ્રોફને મારી અસલી ઓળખ તો નથી આપીને ?
સૂર્યદેવે પૂછ્યું.

‘ના.. ફક્ત ‘સૂર્યદેવ’ નામ સિવાય કોઈ ઉલ્લેખ નથી કર્યો...

‘અરે યાર મારું અસલી નામ અને કામ કયારેય કોઈને પણ નહીં જણાવવાનું.

હીરા બજારના કંઇક ખર્વોપતિ ડાયમંડ કિંગ્સની તુલનામાં, સાહિલની ઓળખ એક સામાન્ય વેપારી તરીકે હતી અને સૂર્યદેવ શહેરની ક્રાઈમ બ્રાંચના ગુપ્તચર ખાતાનો બાહોશ અધિકારી છતાં બંનેની દિલોજાન દોસ્તીની દાસ્તાન દિલધડક હતી.

આજથી ઠીક એક વર્ષ પહેલાં એક ગાઢ અંધારી રાત્રે ઘટી ગયેલી એ ઘાતકી ગોઝારી ઘટનાના ઘાત અને ઘાવના મંજરનું એક એક દ્રશ્ય આજે પણ સૂર્યદેવની આંખો સમક્ષ તરી આવતું હતું. સૂર્યદેવે જોબ જોઈન કરી તેના પંદર દિવસ પછીની આ ઘટના છે.

૨૮ સપ્ટેમ્બરની એ રાત હતી.

સાહિલ અને મજનુ શહેરથી તેની કારમાં આશરે સિત્તેર કિલોમીટર દૂર એક ડાયમંડ બિઝનેશ સાથે સંકળાયેલી પેઢીને પચાસેક લાખના ડાયમંડની ડીલીવરી આપવાં માટે ગયાં હતાં. અને ત્યાંથી પરત ફરતા ખાસ્સું એવું મોડું થઇ ચુક્યું હતું... એટલે રીટર્ન આવતાં સાહિલએ એવો રસ્તો પસંદ કર્યો કે, જ્યાં કોઈ જોખમી પરિબળોનો સામનો ન કરવો પડે એટલે હાઇવે પરથી આવવાને બદલે વચ્ચેના ગામડાંમાંથી પસાર થઈને શહેર તરફ આવવું એવું નક્કી કર્યું હતું..

સમય થયો હશે રાત્રીના આશરે એકાદ વાગ્યાનો..
સુમસામ અને નિર્જન સિંગલ ટ્રેકના રોડ પર મજનુ તેની મસ્તીમાં ધીમી ગતિએ કાર ડ્રાઈવ કરી રહ્યો હતો... અને બાજુની સીટમાં સાહિલ આંખો મીચીને મ્યુઝીક સીસ્ટમ પર મધ્યમ ધ્વનિમાં વાગતાં સોંગને ગણગણીને માણી રહ્યો હતો...

‘એ કાશ કે હમ હોંશ મેં અબ આને ન પાયે, બસ નગ્મે તેરે પ્યારે કે ગાતે હી જાયે..’

ત્યાં અચનાક એક ગંભીર વણાંક લેતાંની સાથે જ મજનુએ સજ્જડ બ્રેક મારી કારને રીતસર રોડ સાથે ચોંટાડી દીધી..
સાહિલ સંતુલન ગુમાવતા સ્હેજ ઊંચા અવાજે બોલ્યો..

‘અલ્યા.. શું થયું ?’
કારની હેડ લાઈટના પ્રકાશમાં રોડ પરના દ્રશ્યને જોઇને ડઘાઈ અને ડરી ગયેલાં ચહેરા સાથે મજનુએ રોડ તરફ આંગળી ચીંધીને ઇશારો કરતાં..સાહિલ એ ધ્યાનથી જોયું તો..

કારથી આશરે પંદરેક ફૂટના અંતરે રોડની ધારે એક નવજુવાન કોઈ ઘાવની પીડાથી કણસી રહ્યો હતો. અને તેનાથી દસેક ફૂટ દૂર તેનું મોટર સાઇકલ ઊંધું પડ્યું હતું. પહેલી નજર પરથી અંદાજ લગાવતાં સાહિલને લાગ્યું કે, અકસ્માતનો મામલો હોઈ શકે. એ સિવાય બીજો કોઈપણ વિચાર કર્યા વગર મજનુને કાર એકતરફ લેવાનું કહી ત્વરિત ડોર ઉઘાડી અને ઝડપથી ડગલાં ભરતાં પેલા યુવક પાસે પહોંચીને જોયું તો તેના સાથળમાંથી કાફી માત્રામાં લોહી વહી રહ્યું હતું. પારાવાર પીડાથી કણસતા પેલો યુવક એટલું જ બોલ્યો..

‘પ્પ્પલીઝ... હેલ્પ મી.’

એક સેકંડ પણ વ્યર્થ ગુમાવ્યા વગર સાહિલ અને મજનુ બન્ને એ ઘાયલ જુવાનને તેની કારની બેક સીટમાં સુવડાવતા યુવકે ઈશારાથી પાણી માંગ્યું...સાહિલએ પાણી પીવડાવ્યા પછી.....યુવકે સાહિલ પાસે મોબાઈલની માંગણી કરી. તરત જ સાહિલે મોબાઈલ આપતાં પેલા યુવકે કોડવર્ડની લેન્ગ્વેજમાં સામે છેડે સંદેશો આપી દીધા પછી એટલું જ બોલ્યો... ‘પ્લીઝ... ઝડપથી કાર વેદાંતા હોસ્પિટલમાં લઇ લો..’ એ પછી પરાકાષ્ઠા પારની પીડા અસહ્ય થતાં યુવકે હોંશ ગુમાવી દીધા.. એટલે શક્ય એટલી ઝડપે સાહિલે કાર હંકારી શહેરની વેદાંતા હોસ્પીટલ તરફ...

ડ્રાઈવ કરતાં કરતાં... સાહિલે મજનુને ઈશારાથી સમજાવતાં કહ્યું કે, તેની કોઈ ઓળખ માટે તેના પોકેટને સર્ચ કર... એટલે બેભાન અવસ્થામાં પડેલાં યુવકના ખિસ્સાને ફંફોસતા તેમાંથી તેનું આઈ કાર્ડ મળી આવ્યું.. એ કાર્ડ જોઈ, સાહિલના હાથમાં આપતાં સાહિલ અને મજનુ બન્નેની આંખો પહોળી થઇ ગઈ..

સાઈંઠ મીનીટનું અંતર માત્ર ચાળીસ મિનીટમાં પૂરું કર્યા પછી સાહિલે સ્પીડમાં કાર એન્ટર કરી શહેરની ટોપ મોસ્ટ હોસ્પિટલ ‘ મેદાંતા’ ના ઈમરજન્સી વોર્ડના પાર્કિંગમાં.

માત્ર ગણતરીની પળોમાં હોસ્પીટલના ચપળ અને કુશળ ટીમએ લોહી નિંગળતી હાલતમાં ઘાયલ જુવાનને સ્ટ્રેચર પર સુવડાવીને આઈ.સી.યુ તરફ દોડી ગયાં.

ફરજ પરના અધિકારીએ યુવકની આઈડેંટીટી વિષે પૂછ્યું.. ત્યારે સાહિલે જયારે પેલા યુવકનું આઈ કાર્ડ બતાવતાં સૌ એક્શનમાં આવી ગયાં.

નામ : સૂર્યદેવ ચૌહાણ, ક્રાઈમ બ્રાંચ ઓફિસર.

થોડીવાર સુધી મજનુ અને સાહિલ વચ્ચે પરસ્પર ચાલેલાં ગંભીર મંત્રણાના મનોમંથનના દૌરને અંતે.. એક એવાં છુપા ભયનો આભાસ થયો કે.. ધરમ કરતાં ધાડ ન પડે તો નવાઈ નહીં. ક્રાઈમ બ્રાંચની ટીમ કયાંય શંકાની સોય તેમને ન ભોંકે તો સારું.. ચાર કલાક પછી સૂર્યદેવના સહકર્મી સાથે જે કંઈ બની ગયું તેનું ટૂંકમાં વર્ણન કરી, સરનામું અને સંપર્ક નંબર આપી, અનુમતિ લઇ માથે છુપા ડરની લટકતી તલવારના ભય સાથે બંને વહેલી પરોઢે હોસ્પિટલમાંથી રવાના થયાં ઘર તરફ..




બાર કલાક પછી જયારે સૂર્યદેવ સભાન અવસ્થામાં આવ્યો ત્યારે તેનું પહેલું વાક્ય બોલ્યો...
‘મને જે વ્યક્તિ અહીં લાવી તેને બોલાવો.’
સતત ખડે પગે ઊભાં રહેલાં ચિંતાગ્રસ્ત પિતા ભગીરથ અને કરીબી મિત્રોએ સાહિલને સંદેશો આપવાં માટે કોલ દ્વારા તેનો સંપર્ક સાંધતા સાહિલનો જવાબ આવ્યો..

‘જસ્ટ આવ્યો પંદર મીનીટમાં.’
કંઇક કેટલાંયે અમંગળ વિચારધારાના અસમંજસ સાથે સાહિલે જયારે સૂર્યદેવના આઈ.સી.યુ વોર્ડમાં પ્રવેશ કર્યો... ત્યારે જે રીતે સૌની શંકાશીલ નજર સાહિલને ઘૂરી ઘૂરીને તાકી રહી હતી તે જોઇને સાહિલને અસલામતી સાથે અસ્વસ્થાની અનુભૂતિ થઇ.

બેડ પર આંશિક સ્વસ્થ દેખાતાં સૂર્યદેવે આંખોના ઇશારાથી સાહિલને પોતાની નજદીક આવવાનું કહેતાં જયારે સાહિલ તેના બેડ પાસે આવ્યો એટલે સાહિલની હથેળી તેની હથેળીના દબાવતાં ભીની આંખોની કોરે માત્ર એટલું જ બોલ્યો..

‘થેન્કયુ દોસ્ત.’

થોડીવાર પછી સૂર્યદેવે એક ઊંડો શ્વાસ લઈને તેના સિનીયર ઓફિસર્સ, પિતા ભગીરથ અને સાહિલ સમક્ષ ગઈકાલની જીવલેણ અને દિલધડક દાસ્તાન શબ્દશ કહી સંભળાવી...
નવી નવી જોબ જોઈન કર્યાના જોશનો તરવરાટ સૂર્યદેવની રગેરગમાં હતો. છેલ્લાં ત્રણ દિવસથી ગુપ્તચર વિભાગના વિશ્વાસ પાત્ર ખબરી દ્વારા ખાતરીબંધ માહિતી મળી હતી કે, ડ્રગ્સ માફિયા શહેરમાં કરોડોના ડ્રગ્સની ડીલીવરી કરવાની તજવીજમાં છે. તે વિસ્ફોટક બાતમીના આધારે ડ્રગ્સ રેકેટના ગેંગલીડરને રંગે હાથે પકડવા મનોમન કટિબદ્ધતાને વરેલો સૂર્યદેવ પળે પળના અપડેટ સાથે ગુન્હેગારોનું પગેરું શોધતો હતો.. ૨૮ સપ્ટેમ્બરે મોડી રાત્રે સૂર્યદેવને લોકેશન સાથે મેસેજ મળ્યો કે,
શિકાર તેની નજદીકમાં જ છે, પણ સમયનો અભાવ છે. માત્ર ગણતરીની મિનિટોમાં જ દુશ્મન તેના મિશનને અંજામ આપીને ફરાર થઇ જશે.

હવે કપરી કટોકટી અને જીવ સટોસટના ખેલ વચ્ચે એક એક પળ કિંમતી હતી. કન્સાઈનમેન્ટ જે લોકેશન પર ઉતરવાનું હતું તે સ્થળ સૂર્યદેવથી નજીકના અંતર પર હતું.. પણ હવે સૂર્યદેવ પાસે તેની ટીમ અથવા કોઈ અધિકારી આગળ સ્વબચાવ માટેની વ્યૂહરચના રચવા અથવા મદદ માંગવા સુદ્ધાનો સમય નહતો. એટલે જીવની પરવા કર્યા વગર સુત્રો મારફત મળેલી ઇન્ફોર્મેશનને ફોલો કરતાં તેની સર્વિસ રિવોલ્વર સાથે એકલપંડે બુલેટ પર નીકળી પડ્યો મિશન ઈમ્પોસીબલને આખરી અંજામ આપવાં.

હાઇવેથી થોડા અંતરે અંતરયાળ ગામડાંના રસ્તા તરફ આગળ વધતાં સૂર્યદેવ નિશ્ચિત સ્થળની નજદીક આવી પહોચ્યો. મુખ્ય માર્ગથી સો એક મીટર દૂર એક જૂના પુરાણા મકાનની ભીતરના આછા પ્રકાશમાં કોઈ હિલચાલનો અંદાજ આવતાં સૂર્યદેવ તેની લોડેડ રિવોલ્વર હથેળીમાં લઈને એક્શન માટે એલર્ટ થઇ ગયો..

ત્યાં મકાનની લાઈટ ઓફ થઇ ગઈ... બે મિનીટ માટે કોઈપણ હિલચાલ વગર શાંતિ છવાઈ ગઈ....હજુ સૂર્યદેવ કંઈ સમજે એ પહેલાં તો...સૂર્યદેવ પર પેલા મકાનની આડશમાંથી એ.કે. ફિફ્ટી સિક્સ રાઈફલમાંથી ધાણીની માફક ગોળીબારનો મારો શરુ થયો..બીજી જ સેકન્ડે સૂર્યદેવ જમ્પ મારીને નજીકની ઝાડી પાછળ સંતાઈ ગયો. અણધાર્યા હુમલાથી બાહોશ સૂર્યદેવના પગ તળેથી જમીન ખસકી ગઈ.. એકપળ માટે તો નજર સામે મોતનું મંજર તાંડવ કરતું દેખાવા લાગ્યું.. બીજી જ પળે ક્ષ્રણ માટે આંખો મીચી.. ઇષ્ટદેવને યાદ કરી, સૂર્યદેવે રિવોલ્વરથી ઠીક લક્ષ્ય પર વળતો પ્રહાર કર્યો....ત્યાં સામેથી નીરવ શાંતિને ચીરતી એક ચીસ સંભળાઈ.. મતલબ સૂર્યદેવના ગોળીબારથી સામે કોઈ વ્યક્તિ વીંધાઈ ગઈ એ નક્કી હતું..

એટલે સૂર્યદેવના જીવલેણ પ્રહારના પ્રત્યુતરમાં સામે છેડેથી ફરી એકવાર અંધાધૂન બુલેટ્સનો મારો શરુ થયો.. પણ એ હુમલાખોરને ટાર્ગેટ બનાવવાની ઉતાવળમાં સ્હેજ ચૂક થઇ જતાં.. એક ગોળી સુર્યદેવની સાથળને ગંભીર રીતે ઘાયલ કરીને વછૂટી ગઈ... અને એ બીજી જ પળે.. કાળજું ચીરી નાખે એવી કારમી પીડાની ચીસને ડામવા માટે તેની હથેળી તેના મોં પર દાબીને ચીસને ડામી દીધી..

સામે છેડેથી ગોળીબાર બંધ થયો.. સૂર્યદેવનો પગ રક્તથી ખરડાઈ ગયો હતો.
થોડી ક્ષ્રણો માટે કોઈ પણ મૂવમેન્ટ ન કરવી એવું સુર્યદેવને મુનાસીબ લાગ્યું.. એટલે દુશ્મનના પ્રતિકારની પ્રતિક્ષા કરી.. ત્યાં પેલા મકાનની પાછળથી કોઈ વાહન સ્ટાર્ટ થવાનો અવાજ સંભળાયો.. શૂળ જેવી પીડાને અવગણીને મરણીયા પ્રયત્નો સાથે સૂર્યદેવે ચાર પાંચ રાઉન્ડ ફાયર કરીને વાહન ચાલકને વીંધી નાખ્યો....

બે મિનીટ આંખો મીચીને પડી રહ્યાં બાદ મોબાઈલ લેવા ખિસ્સા ફંફોસ્યા પણ મોબાઈલ હાથ ન લાગ્યો... ત્યારે તેને ભાન થયું કે કદાચ જમ્પ માર્યો ત્યારે મોબાઈલ પોકેટમાંથી ફંગોળાઈ ગયો હશે..

એ પછી એક પગે ઘસડતો ઘસડાતો માંડ માંડ તેની બુલેટ પાસે આવ્યો...બુલેટ પર સવાર થવાની કોશિષ કરી..પણ બુલેટ સાથે સૂર્યદેવ પણ ફસડાઈ પડ્યો અને બુલેટ પણ ઊંધું પડ્યું.. થોડીવાર સુધી કોઈ મદદ મળે તેની આશમાં રોડ પર કણસતો પડ્યો રહ્યો...ત્યાં જ મસીહાના કિરદારમાં આવેલાં સાહિલની કારે બ્રેક મારી...

જે સમયે સૂર્યદેવે સાહિલના મોબાઈલમાંથી આ સિક્રેટ મિશનની ટીમ લીડર અધિકારી સાથે વાત કરી હતી તેની બીજી જ પળે....હેડકવાર્ટરમાંથી એક ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી....ત્યાંથી બે અજ્ઞાત હુમલાખોરમાં મૃતદેહની સાથે સાથે પુરાણા મકાનમાંથી કરોડોની કિંમતના નશીલા પદાર્થનો પુષ્કળ પ્રમાણમાં જથ્થો મળી આવતાં ઈમ્પોસીબલ મિશનને સૂર્યદેવે જીવ હથેળી પર રાખીને એક યોદ્ધાની માફક એકલપંડે આ કાબિલ-એ-તારીફ અંજામ આપ્યો હતો..

આટલું બોલતાં સૂર્યદેવને શ્વાસ ચડી ગયો ત્યારે.... સાહિલ દિલધડક દાસ્તાનને અંતે રાહતનો શ્વાસ લઈ મનોમન બોલ્યો.. ‘હાઇશ...જાન છૂટી..’

તે દિવસથી સાહિલ સૂર્યદેવનો અંગતથી પણ વિશેષ અઝીઝ બની ગયો..સૂર્યદેવ સાહિલને કહેતો કે, ‘તારું આ ઋણ હું કયારેય અદા નહીં કરી શકું.’

ફરી મૂળ પર આવતાં સૂર્યદેવે પૂછ્યું..
‘આ સરિતાના ઉદ્દગમ સ્થાનનું માધ્યમ સોશિયલ મીડિયા જ હશે. કેમ સાચું ને ?

‘હાં’ શર્મિલા સ્મિત સાથે સાહિલએ જવાબ આપ્યો..
થોડીવાર ચૂપ રહ્યાં સૂર્યદેવ સાહિલ સામું જોઇને બોલ્યો..
‘સાહિલ..તને નથી લાગતું કે હવે તારે લાઈફ પાર્ટનર માટે સીરીયસ થવું જોઈએ ? દરેક ઉમરની એક લક્ષ્મણ રેખા હોય. જે રીતે તું તારી બિઝનેશ કેરિયરની કારકિર્દીમાં સફળતા હાંસિલ કરી ચુક્યો છે.. હું એવું ઈચ્છું છુ કે, તારી મનપસંદ લાઈફ પાર્ટનર સાથેની ઇનિંગ એથી પણ વધુ ચડીયાતી સાબિત થાય. તું શું વિચારે છે ?

સૂર્યદેવ અચનાક ગંભીર ચર્ચાનો વિષય છેડશે એ સાહિલને અંદાજ નહતો અને સુર્યદેવની વાત પણ સચોટ હતી. પણ હાલ સાહિલના મસ્તિષ્કમાં સરિતાના વાણી, વિચાર અને વર્તન વહી રહયા હતાં. સરિતાની વશીકરણ જેવી વાક્ક્છટાની વાછટથી હજુયે સાહિલ તરબતર હતો....એટલે અંબર આંબતાં ઉમંગને ઉજાગર કરતાં સાહિલ બોલ્યો..

‘હું પણ એ જ વિચારું છું... કે હવે સ્વપ્નદ્રષ્ટિમાં કંઇક સ્વયંવર રચી લીધાં. હવે પસંદગીનો કળશ ઢોળવાનો ઉત્તમ સમય આવી ગયો છે..એવું લાગે છે.’

સાહિલના મનમાં ભાવતાં લડ્ડુ ફૂંટતા હતાં પણ, મગનું નામ મરીનો અણસાર સુદ્ધાં તેની નજરમાં ન દેખાયો.

‘ખરેખર ખુશીની વાત છે.. જો તું તારી જીવનસંગીનીની પસંદગી માટે રાજી હોય તો..
પણ ફાઈનલ ડીસીસન મારું હશે... કેમ કે તું કોઈપણ લલનાની લપેટમાં ઝટ આવી જાય છે....સાહિલ મજાક, મસ્તી, મોજ એ અલગ બાબત છે, અને અગ્નિની સાક્ષીએ કોઈને જીવનસાથી બનાવવી એ જૂદી વાત છે.’

‘અરે બાબા.. અંતિમ મહોર તું મારીશ પછી જ હું કોઈને પ્રપોઝ કરીશ બસ.’

‘એટલા માટે યાર તું દિલનો ખુબ માસૂમ છે, તને હજુ હીરા જેટલી હૈયાની પરખ નથી.. ભલે તું તારી જાતને જે સમજતો હોય એ.. તારામાં હજુયે બચપના છે.’ સાહિલની ફિતરતની ભલી ભાંતિ વાકેફ સૂર્યદેવે કહ્યું..

સરિતામય સાહિલને સૂર્યદેવના શબ્દો સ્પર્શ્યા વિના હવામાં ઓગળી ગયાં..
અંતે સૂર્યદેવનું દિલ રાજી રાખવાં સાહિલ બોલ્યો..
‘બસ હવે ખુબ ટૂંકા સમય ગાળામાં મારા પ્રત્યેની માત્ર તારી નહીં સૌની માન્યતા બદલી જશે, યાદ રાખજે..’

‘અરે વાહ ક્યા બાત હૈ... સુલેમાન સુધર ગયા એમ ? તો તો શહેરની કંઇક સિમરનોના રાતોરાત બ્રેકઅપના સદમાથી શહેરના હાર્ટ સ્પેશિયલિસ્ટ અને સાય્કિયાટ્રીસ્ટ માલામાલ થઇ જશે યાર..’ એચ પછી હસતાં હસતાં સૂર્યદેવ તેના પેન્ટના પોકેટમાંથી એક લેટર કાઢી સાહિલ તરફ ધરતા બોલ્યો..

‘આ લેટરમાં જ્યાં માર્ક કર્યું છે ત્યાં ચુપચાપ સિગ્નેચર કરી દે.’

એટલે આશ્ચર્ય સાથે લેટર ઉઠાવી લેટરની ફ્રન્ટ લાઈન વાંચતાં સાહિલની આંખો પહોળી થઇ ગઈ.... અતિઆશ્ચર્ય સાથે સાહિલે પૂછ્યું

‘આ શું છે સૂર્યદેવ... અને શા માટે.. આવો વિચાર તને ક્યાંથી આવ્યો ?
ચેર પરથી ઊભાં થતાં સૂર્યદેવ બોલ્યો..
‘મેં કહ્યું ને કે ચુપચાપ સાઈન કરી દે.. બસ. નો એની આર્ગ્યુમેન્ટ.. સમજ્યો.’

વધુ આવતાં અંકે...