સજન સે જૂઠ મત બોલો - 18 Vijay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સજન સે જૂઠ મત બોલો - 18

પ્રકરણ-અઢારમું/૧૮
હજુ સાહિલ સપનાના અકારણ હાસ્યનું કારણ સમજે એ પહેલાં મોં પર તેની હથેળી મૂકી માંડ માંડ હાસ્ય રોક્યા પછી સપનાએ પૂછ્યું..

‘જાણી શકું સરિતાને કોણ મળવા આવ્યું છે ?’

સપનાએ તેના અલગ અંદાજમાં હટકે સવાલ કર્યો. એટલે સવાલનું સ્તર સાહિલની સમજણના બાઉન્ડ્રીની બહાર જતાં આશ્ચર્યભાવ સાથે સાહિલે પૂછ્યું..

‘હું સમજ્યો નહીં...કોણ મતલબ ?’

ફરી સ્હેજ હસતાં સપના બોલી..
‘મારા સ્મિતનું સબબ આ સવાલ જ હતો. આઈ મીન, કોણ મતલબ સાહિલ કે શાહરૂખ ?

‘ઓહ્હ... તમને શું લાગે છે ?
સાહિલે વળતો સવાલ કર્યો. ડાહપણથી શાણપણ સાથે સાહિલે પૂછ્યું

‘તમે ચતુરાઈથી સવાલ સ્કીપ કરી ગયા તેનો મતલબ તમારી પાસે પરફેક્ટ પ્રત્યુતર નથી. અને મને લાગી નથી રહ્યું પણ, હું ઘાટ અને કિનારા વચ્ચેનો ભેદ નીરખી રહી છું, સમજ્યા કે પછી આ પ્રશ્ન પણ ગયો ઉપરથી...?

ફરી એક બાઉન્સર જેવો સપનાનો સવાલ સાંભળતા સાહિલ મનોમન બોલ્યો કે, ઉપરથી શાંત પણ ભીતરથી અશાંત અને ઊંડી સરિતા આજે સાહિલને ઢસરડીને ક્યાંય દૂર ન ધકેલી દે તો સારું. એક ઊંડો શ્વાસ ભર્યા પછી, સ્હેજ વિચલિત થયેલાં આત્મવિશ્વાસને સ્થિર કરવાની કોશિષ કરતાં સાહિલ બોલ્યો...

‘હમમમ..એક્ચ્યુલી હું એ અસમંજસમાં છું કે, સાહિલ અને સરિતા પરસ્પર એકબીજાથી આટલાં અજનબી હોઈ શકે ? ’
આ આર્ટીફીસીયલ જમરૂખને પ્રોપર્ટી અને કોપર-ટી વચ્ચેનો તફાવત જ નથી સમજાતો. ડુંગર ખોદ્યા પછી ઉંદર નહીં પણ આ તો ગુંદર નીકળ્યો. જરૂર હવે આનું દિમાગ પણ હક્લાતું હશે. આ બાઘાએ શાહમૃગના વાઘા પહેરીને વગર ખંજને કંઇક કેટલીયે સિમરનને આંજી, માંજી અને આંટી નાખી હશે રામ જાણે. લાગે છે, આને ફરીથી સર્કસમાં જોઈન કરવો પડશે, આટલું મનોમન બોલ્યાં પછી છેલ્લે બોલી..

‘અચ્છા ચલો લેટ્સ ચેન્જ ધ ટોપીક. ફર્સ્ટ ઓફ ઓલ વ્હોટ વૂડ યુ લાઇક ટુ ડ્રીંક ?

‘ગમે તેવાં પસંદીદા પેય પછી પણ, તસ્સ્લ્લીના તરસનું ધોરણ તો નિર્મળ જળ જ છીપાવી શકે.’
સાહિલ બોલ્યો..

‘વાહ.. આ વાત પર હું જાતે જ મારી પીઠ થાબડી લઉં એમ જ ને. ? એમ બોલી હસતાં હસતાં થોડે દૂર ઊભેલાં વેઈટરને ઈશારથી બોલાવ્યા પછી, નજીક આવતાં
વેઈટરને કહ્યું..
‘પ્લીઝ ટુ પાઈનેપલ જ્યુસ.’
‘તમને ફાવશે ને ? સોરી મેં તમને પૂછ્યા વગર જ ઓર્ડર કરી દીધો.’
‘હું તો મુકદ્દરમાં મળેલી મુલાકાતના માહોલની મજા માણી રહ્યો છું, પીણાંની પસંદગી તો ગૌણ છે.’ પગ પર પગ મૂકતા સાહિલ બોલ્યો..

‘હમમમ..અચ્છા ચલો એક સવાલનો મને સચોટ અને સાચો ઉત્તર આપો. મને મળવાની ઈચ્છાનું ખરું કારણ કહેશો ? બાંધેલા કેશને છુટ્ટા કરી, એક હળવાં ઝટકા સાથે કેશને ડાબા ખભા પર લાવતાં સપનાએ પૂછ્યું.

‘આપણા સત્સંગના શરુઆતમાં જ મારાં શબ્દો હતાં.. ‘શાંત, શીતળ, સૌમ્ય, સહજ છતાં અતળ અને અકળ સરતી સરિતા. સરિતા આ ત્રણ અક્ષરના નામના શબ્દને તમે એવું સાર્થક કર્યું છે.. જાણે કે, ગાગરમાં સાગર નહીં પણ ગાગરમાં ગૂગલ સમાઈ ગયું હોય એવું લાગે છે.’

સાહિલના ફિક્કા પ્રત્યુતરની સપના પર સ્હેજ પણ અસર ન થઇ. એટલે પાઈનેપલ જ્યુસનો સીપ ભરતાં સાહિલની સામું જોઇને સપના બોલી.

‘બિલકુલ મજા નહીં આઈ. જવાબ મેં દમ નહીં હૈ, દેવબાબુ, ઇતના ઘટિયા ઔર ઘીસાપીટા ડાયલોગ ઔર વો ભી શહેર કે જાનેમાને કિંગ ઓફ રોમાન્સ કી જબાન સે, બાત કુછ જમી નહીં.’

જમણા હાથની હથેળી તેના વાળમાં ફેરવતાં સાહિલ બોલ્યો..
‘શક્ય છે.. કારણ કે, સતત, સળંગ સરતી સરિતાની સફરમાં તેના કંઇક સાહિલનું સ્વરૂપ સમયાંતરે બદલાતું રહે. કદાચ તમે મારી તુલના કોઈ અન્ય સાહિલ સાથે કરતાં હો તો, હું ઉણો ઉતરું એવું પણ બની શકે ?’
હવે સાહિલે સપનાના સંવાદના સ્તરની લગોલગ આવીને ઉત્તર આપ્યો હતો..

એટલે સપના બોલી..
‘કેટલું જાણો છો, સરિતા અને તેના સફર વિષે ? ’
જ્યુસનો ઘૂંટ ભરતાં સપનાએ પૂછ્યું.

‘હમમમ.. મારી અનુમાનની અટારીએથી જોતાં તમારા મર્મસ્પર્શી અર્થપૂર્ણ સણસણતાં સંવાદની બુદ્ધિમત્તાના સ્તરને સમજતાં અંદાજ લગાવું તો, તમારાં કલ્પના ચિત્રમાં નજરે પડતા બિંદુ જેવા અસ્તિત્વમાં પણ સિંધુ સમાવીને બેઠા છો. એટલો અંદાજ આંકી શકું છું.’

‘પણ, તુલનાની તરફેણ તો તમે કરો છો, સ્વયમની. એવું કેમ ? કે પછી તમને તમારી જાત સાથે લગાવ નથી ?
સપનાએ પૂછ્યું.

‘ઓહ્હ...આઈ થીંક તમારો સંકેત શાહરૂખ તરફ છે, એમ જ ને ?
સ્હેજ શરમાઈને હસતાં હસતાં સાહિલે પૂછ્યું..

‘ના ના..તમારાં ઈશ્કના ઇષ્ટદેવ પર..’
હસતાં હસતાં સપનાએ વ્યંગબાણ છોડતાં કહ્યું.

‘એ એવું છે કે, બચપણથી ફિલ્મનો લગાવ હતો, અને ત્યારથી જ હું શાહરુખનો ડાય હાર્ડ ફેન બની ચુક્યો છું. એટલે...’ આટલું બોલીને સાહિલ અટકી ગયો. તેને થયું કે સરિતા સામે શાહરૂખની સ્તુતિ કરવી યોગ્ય નહીં લાગે.

‘એટલે તમે તેના પ્રચારક છો ? પ્રમોટર છો ? મીડિયા પર્સન છો. કે તમારા એ આરાધ્ય દેવ સામે તમારા અસ્તિત્વનું કોઈ મુલ્ય નથી ? ’
ફરી એક ચોટદાર સવાલ કરતાં સપનાએ પૂછ્યું

‘તમને શાહરૂખ પ્રત્યે કોઈ ખાસ દ્વેષભાવ છે ?
સવાલ સામે સવાલ કરતાં સાહિલે પૂછ્યું.

‘સોરી ટુ સે મિ. સાહિલ તમે મારો સવાલ જ નથી સમજ્યા. સાહિલ કોણ છે ? તમને સાહિલ તરીકે ઓળખાવું નથી ગમતું ? તમને તમારી જાત સાથે પ્રેમ નથી ? ગમે તેવા ઉત્કૃષ્ઠ જોકર વેડા પણ સર્કસમાં ત્રણ કલાક જ સારા લાગે. તમે કોને જીવો છો ? ખુદને કે શાહરૂખને ? સાહિલ રવજી કોટડીયાની ખુદની શું પહેચાન ? કે પછી તમને એવો વ્હેમ છે કે, તમે પણ હાથ પોહળા કરશો એટલે...શહેરની સૌ સુંદરીઓ તમારી સિમરન બનવાંના શમણાં જોશે એમ ?
હસતાં હસતાં સપનાએ બિન્દાસ થઈને ચાબખાં જેવાં શબ્દ થોડામાં ઘણું કહી સંભળાવ્યું.
લાઈફમાં પહેલીવાર કોઈ અજનબીએ પ્રથમ મુલાકાતમાં આ રીતે સાહિલ જોડે વાત કરી હતી. સ્હેજ આકરું લાગ્યું પણ, પારકું છતાં પોતીકું બની કોઈએ જાત સામે આઈનો ધર્યો, એ સાહિલને ગમ્યું કારણ, સપનાનો સ્પષ્ટ સંવાદ સત્સંગ સાહિલને સ્પર્શી ગયો. અત્યાર સુધી જે શાહરૂખના નામે પથરા તર્યા, એ જ શાહરૂખે આજે નાક કાપીને સાહિલને સુર્પન્ખા બનાવી દીધો. એ પણ સીમરનનું માથું ભાંગે એવી સ્વપ્નદ્રષ્ટિમાં રાચતી સિમરન કરતાં અનેક ગણી ચડીયાતી ખુબસુરત બલાએ.

હજુ સાહિલને કંઇક શબ્દરચના સુઝે એ પહેલાં સપના બોલી..

‘મેં બીટર (કડવું ) બન ગઈ હૂં, જિસ ઉમ્ર મેં મુજે બટર (માખણ) ઔર બેટર (બહેતર) ભી હોના થા. સોરી, પર ક્યા કરું, ઉપર વાલેને ફુરસત સે ઐસી ફિતરત કે સાથ મુજે ઘડી હૈ, કી ન ચાહતે હૂએ ભી મુંહ સે સચ નિકલ હી જાતા હૈ. મારી કોઈ વાતથી તમારું દિલ દુભાયું હોય તો.. થાય એ કરી લે જો.’
આટલું બોલતાં સપના ખડખડાટ હસવાં લાગી અને સાહિલ શરમાઈ ગયો.

ખૂબસૂરત સપનાની ચિતાર્શક બોડી લેન્ગવેજ, સ્હેજ પણ ડર વિના બિન્દાસ થઇ આંખોમાં આંખો પરોવી, પહેલી મુલાકાતમાં કોઈ અજનબીને આંજી નાખતી અભિવ્યક્તિની અનુભૂતિથી આંશિક હદે સાહિલના પંડમાંથી તેના ઈશ્ક્દેવના પ્રભાવનો ભાવ ઓસરી ગયો.

‘આઈ લાઈક ઈટ.. અચ્છા તમે તો મારી રીલ જેવી રીયલ લાઈફની ફિલ્મ સાથે ફીરકી ઉતારી લીધી પણ હવે.... અથાગ સરિતાનો સંક્ષિપ્તમાં પરિચય આપશો તો ગમશે અને ખાસ તો મારા જેવા જોકરને મળવાનું કોઈ ઠોસ કારણ ?

મળવાની વાતથી સપના સ્હેજ ઝંખવાઈ, પણ તેનો લેશમાત્ર અંશ પણ તેના ચહેરા પર ન લાવતાં સ્મિત સાથે સપના બોલી..

‘અચ્છા.. તમે ફિલ્મી રસિયા છો તો આસાનીથી મારો પરિચય સમજાઈ જશે. હું ‘જબ વી મેટ’ ની ‘ગીત; છું. સમજી ગયાં ? મેં અપની ફેવરીટ હૂં. જો તુમ નહીં હો. અબ બાત સમજ મેં આયી ? અને રહી વાત મળવાના કારણની તો...હું એ જાણવા માંગતી હતી કે, કોણ મળવા આવે છે, સાહિલ કે શાહરૂખ ?

મળવાની વાતને સિફતથી સીરાની જેમ સપનાએ સાહિલના ગળે ઉતારી દીધી
‘આટલાં વાર્તાલાપ પછી શું લાગે છે ? તમે કોઈની જોડે સંવાદ સાધી રહ્યાં છો ?
સાહિલે પૂછ્યું.

‘એ તમે સારી રીતે જાણો છો...હું જે સાહિલને, આઈ રીપીટ, માત્ર સાહિલને મળવા ઈચ્છું છું, જો એવું બનશે તો તેની પૂર્તિનું પ્રતિબિંબ તમે મારી આંખોમાં જોઈ શકશો.’

સપનાએ ધીમે ધીમે સાહિલની પોહળી થવા થનગનતી પરિકલ્પનાને પાંખો આપવાનું કામ કામણગારી આંખોથી લીધું.

‘પણ, સીમાંત વિનાની સરિતાનું આટલો સંક્ષિપ્ત પરિચય કેમ ? મૂળ વાત પર આવતાં સાહિલે પૂછ્યું.
જે સવાલની શંકા હતી એ સવાલ આવતાં પૂર્વ તૈયારી સાથે આવેલી સપનાએ તેની બંને હથેળી દ્વારા ખભા પરથી તેના ટી-શર્ટની સ્લીવને પાછળની તરફ ખેંચતા તેના ભરાવદાર સ્તનનો સ્પષ્ટ આકાર સાહિલના પુરુષત્વને વિહવળ કરવાં માટે પર્યાપ્ત હતો.
‘મારો પરિચય સરિતાથી પણ સવાયો છે, બટ સોરી ફોર નાઉ... જયારે મને શત્ત-પ્રતિશત્ત સાહિલનો સાક્ષાત્કાર થશે, ત્યારે સરિતા સહજ ફૂંટી નીકળશે. એક વાત સાચી કહેજો....હાલમાં કેટલી સિમરને આસપાસ રાખી છે ?’
હસતાં હસતાં સપનાએ પૂછ્યું..

સ્હેજ શરમાતાં સાહિલ બોલ્યો..
‘તમે બીલીવ નહીં કરો..પણ, તમને જોયાં પછી તો દૂર દૂર સુધી સિમરનની કોઈ ફોટોકોપી પણ ફરકતી નથી દેખાતી.’

તેની બંને હથેળી તેના માથા પર મુકતાં આશ્ચર્યના ડોળ સાથે સપના બોલી
‘ઓહ્હ માય ગોડ.’ બાજુમાં ઊભેલા વેઈટરને નજીક બોલવીને પૂછ્યું..
‘અહીં કયાંય નજીકમાં ચણાનું ઝાડ છે ?
વેઈટર ઝંખવાઈ ગયો અને સપના હસતી રહી.

ત્યાં જ સાહિલનો મોબાઈલ રણક્યો..
જીન્સના બેક પોકેટમાંથી મોબાઈલ હાથમાં લેતાં સ્ક્રીન પર નામ જોયું..
‘સૂર્યદેવ’
‘સોરી, હું કોલ રીસીવ કરી લઉં..’ સપનાને સંબોધતા સાહિલ બોલ્યો..
માત્ર થમ્સ અપના સંકેતથી સપનાએ ઈશારો કર્યો..

‘એકલો છે, કે કોઈ સિમરન સાથે ?
સાહિલની ફિતરતથી અવગત સૂર્યદેવે મજાક કરતાં પૂછ્યું..

‘હમમમ..હાલ તો અકેલે મેં મેલા ઔર મેલે મેં અકેલા જેવું છે, દોસ્ત, બોલ કેમ યાદ?
‘બસ હાઇવે તરફ જઈ રહ્યો હતો.. તો થયું તને સમય હોય તો સાથે જઈએ.’
સૂર્યદેવ બોલ્યો..

‘અરે... હું અહીં હાઇવે પર ‘ જંગલભૂખ’ રેસ્ટોરન્ટમાં જ બેઠો છું.. ચલ આવી જા.’ સાહિલ બોલ્યો..

‘અચ્છા, ચલ આવ્યો વીસેક મિનીટમાં.’
એમ કહી સૂર્યદેવે તેની બુલેટ હંકારી હાઇવે તરફ.

સાહિલના વાર્તાલાપનો અંત આવે એ પહેલાં સપનાએ મેસેજ દ્વારા પીક-અપ માટે ટેક્ષી સર્વિસને સંદેશ આપી દીધો.

‘સૂર્યદેવ.. મારો એકમાત્ર ખાસ દોસ્ત મળવા આવી રહ્યો છે, તેને મળીને તમને પણ આનંદ થશે. બસ આવે છે પંદરથી વીસ મીનીટમાં.’ ઉત્સાહ સાથે સાહિલ બોલ્યો

‘યા, આર યુ સ્યોર, બટ.. હું જરા ઉતાવળમાં છું, એટલે તમને વધુ કંપની નહીં આપી શકું. હું રજા લઈશ.’ ચેર પરથી ઊભાં થતાં સપના બોલી.

‘મળવાના સંજોગ અચાનક અને રવાનગી એથી પણ વધુ અચાનક ? મુલાકાત પણ ટૂંકી અને પરિચય તો એથી પણ વધુ ટૂંકો. કારણ પૂછી શકું ?
અચરજ સાથે સાહિલે ઊભાં થતાં પૂછ્યું..

સ્હેજ સાહિલની કરીબ આવી તેની આંખોમાં જોઈ સપના બોલી..

‘હવે પછીની મુલાકાત કેટલી સળંગ, સશક્ત અને સ્મરણીય રહેશે એ મારી કલ્પનાનો સાહિલ નક્કી કરશે. અને હાં, મને સિમરન નહીં.. સાહિલની સરિતા તરીકે ઓળખાવું વધુ ગમશે.’

શેક હેન્ડ માટે સપનાએ સાહિલ તરફ હાથ લંબાવ્યો.. સપનાનું શાબ્દિક વજન અને બદનની ગર્મજોશીની ઉષ્મા સપના, સાહિલની આંખોમાં સાફ જોઈએ રહી હતી.

થોડી ક્ષ્રણો સુધી બન્ને પ્રથમ હુંફાળા સ્પર્શને માણતાં રહ્યાં પછી, સપનાએ હાથ છોડાવતાં પૂછ્યું..

‘સાહિલ... તુમ્હે ઘાટ ઔર કિનારે કા ભેદ માલૂમ હૈ ?’
‘નહીં.’ સાહિલ બોલ્યો..

‘હર સરિતા કા કિનારા હોતા હૈ.. પર હર સરિતા કો ઘાટ નસીબ નહીં હોતા.’
મેં વો સરિતા હૂં.. જિસને અભી અપના સફર શુરુ હી નહીં કિયા. ક્યું કી મેં કિનારે સે નહીં ઘાટ સે મિલને ઔર બહેને કે કિયે બેતાબ હૂં. મેં ઘાટ કી તલાશ મેં થી..ઔર તુમ મેં વો બાત હૈ....યે હૈ તુમસે મિલને કા અસલી સબબ ઔર રાઝ....અબ સમજે રાજ.’

અંતે કાજળ ભર્યા નયનોની કામણગારીથી કામ લઈને સપના એક પણ વાર પરત જોયાં વગર ચાલી નીકળી.... સાહિલ કયાંય સુધી બૂત બની એક ચમત્કારિક સપનાની માફક સપના, આંખોથી ઓઝલ ન થઇ ત્યાં એકીટસે નિહાળતો જ રહ્યો..

ઘાટનું સચોટ વિશ્લેષણ સાહિલના દિમાગમાં ઘર કરી ગયું. સપનાએ સાહિલને સંક્ષિપ્તમાં સઘળું સંભળાવી અને સમજાવી દીધું, અને તેની એક સશક્ત છબી પર સાહિલના સ્મરણપટલ પર અંકિત કરતી ગઈ. સપનાની વજનદાર અભિવ્યક્તિએ
સાહિલના દિમાગમાંથી રાજ, સિમરનની પ્રેમ કહાનીના સમીકરણનો છેદ ઉડાડી દીધો.
હજુયે અથાગ સરિતાની અનુભૂતિના અહેસાહમાં ડૂબકી મારતાં વિચારમગ્ન સાહિલની પીઠ પાછળ હળવેકથી ધુંબો મારતાં સૂર્યદેવ બોલ્યો..
‘હેલ્લો... કંઈ સિમરનના સ્મરણમાં આટલો ઊંડો ઉતરી ગયો છે, યાર ?
‘અરે..એ હજુ જસ્ટ હમણાં બે મિનીટ પહેલાં જ ગઈ. મને ખુબ ઈચ્છા હતી તારી જોડે મુલાકાત કરવવાની પણ એ જરા ઉતાવળમાં હતી.’ અત્યાનંદમાં સાહિલ બોલ્યો..

‘ઓયે હોય..અરે એવી તે કઈ બલા છે, જેણે સાહિલને ક્લીનબોલ્ડ કર્યો છે. જરા હમ ભી તો જાને.’ ચેર પર બેસતાં સૂર્યદેવે પૂછ્યું.

આંખોમાં એક ઉભરી આવેલી એક અનેરી ચમક સાથે સાહિલે સપનાનું વર્ણન કરતાં કહ્યું...

‘નામ છે, સરિતા શ્રોફ’
સાહિલે જે બારીકાઈથી સપનાનું વર્ણન કર્યું, તેના પરથી અંદાજ લગાવતાં સૂર્યદેવ દેવ બોલ્યો..

‘તેણે બ્લેક લેગીસ અને સ્લીવલેસ વ્હાઈટ ટી- શર્ટ પહેર્યું હતું ?
‘હાં.. હાં...’ પણ તને કેમ ખબર પડી ? નવાઈના ભાવ સાથે સાહિલે પૂછ્યું..

‘અમે બન્ને પાર્કિંગમાં ક્રોસ થયાં.. અચાનક મારી નજર તેની પર પડી પણ, હું તેનો ચહેરો ન જોઈ શક્યો..’ સૂર્યદેવ બોલ્યો.

‘ઓહ્હ.. આજે બધું કેવું જોગાનુજોગ થઇ રહ્યું છે.. ઓ.કે. ડોન્ટ વરી નેક્સ્ટ મીટીંગમાં આપણે ત્રણેવ સાથે હોઈશું.’ અનેરા ઉમંગ સાથે સાહિલ બોલ્યો..

‘બટ સાહિલ.. બી કેરફુલ.. આજકાલ શહેરમાં હનીટ્રેપના કિસ્સાઓ ખુબ વધી રહ્યાં છે.. કયાંય કોઈ સિમરન તને અંધારમાં સૂતો રાખી તનના ટુચકા સંભળાવી ધન લઈને રન ન થઇ જાય એ ખ્યાલ રાખજે..’

સાહિલ સુર્યદેવની વાતને હસવામાં કાઢી નાખતાં બોલ્યો..
‘દોસ્ત, હવે આ સાહિલ સરિતાની સીરીયલમાં કોઈ યશ ચોપરાને સ્થાન નથી. અને જ્યાં મન મળે ત્યાં તન અને ધનના ફિગર ઝીરો લાગે. મેરા ચેલેન્જ હૈ, તું ઉસકો એકબાર સુનેગા તો થોડીદેર કે લિયે તેરી ભી બોલતી ભી બંધ હો જાયેગી.’

‘પર અગર કુછ ગલત દીખા તો હંમેશા કે લિયે ઉસ કી બોલતી બંધ હો જાયેગી..યે સૂર્યદેવ કા ચેલેન્જ હૈ. ’

એવું મનોમન સૂર્યદેવ બોલ્યો..