Sajan se juth mat bolo - 17 books and stories free download online pdf in Gujarati

સજન સે જૂઠ મત બોલો - 17

પ્રકરણ સત્તરમું/૧૭

હજુ સાહિલ ‘હેલ્લો..’ કહી સંવાદને સળંગ રાખવાનો પ્રયાસ કરે ત્યાં... સુધીમાં તો સપના આઉટ ઓફ કવરેજ જતી રહી... ‘હેલ્લો ... હેલ્લો...... હેલ્લો...’

પળભરમાં સમીર સમી સપના સાહિલને સ્પર્શીને એવી ઓઝલ થઇ જાણે કે, અંધકારમાં ઓગળી ગઈ.

પસંદીદા પેયનો પ્યાલો હોંઠ સુધી ઢોળાઈ ગયો હોય, એવાં અફસોસની અનુભૂતિ સાથે કારનું ડોર ઉઘાડી સીટ પર બેસી થોડીવાર આંખો મીચીને બેસી રહ્યાં પછી... સાહિલ ગહન ચિંતનમાં સરતાં, સરિતાના પ્રથમ મેસેજથી લઈને આ ઘડી સુધીના ઘટનાચક્રના સેતુની એક એક કડીને જોડતા...ખૂટતી અને ખૂંચતી કડીનો તાગ મળ્યાં પછી મુક્ત મને હસવાં લાગ્યો...

જે રીતે અચાનક અકલ્પ્ય અને અનોખા અંદાજમાં સપના આંખના પલકારમાં સાવ સમીપથી સાહિલ સાથે આંખ મિચોલી રમીને જતી રહી, એ વિચારતાં સાહિલને ઠોસ ભરોસો બેસી ગયો કે, સરિતા સ્વયં તેને મળવા માંગે છે એ વાત પત્થરની લકીર સાબિત થશે. લીટરલી અવોઇડ કરવાની ચેષ્ઠા કે, બેરુખી જેવા સંદેશ તેની આતુરતા તરફનો એક છુપો સાંકેતિક અંગુલીનિર્દેશ કરે છે. મળશે.. મળશે.. મળશે.. અને મળશે.. હવે સરિતા જરૂર મળશે.

હવે સાહિલને સમજાયું કે, આ અધીરાઈ ભર્યા આંધળાપાટાની રમતને ચોવીસ કલાક માટે બંધ કરી દઉં તો, રમતની કંઇક ઔર જ રંગત આવશે તેમાં બે મત નથી.

કારનું ડોર બંધ કરી. મૂંઝાયેલી મતિને ખંખેરી, કારને ટોપ ગીયરની ગતિમાં હંકારી ફ્લેટ તરફ.

અને સપનાનું સાહિલની કરીબથી પસાર થવું, એ પણ એક સુંદર યોગાનુયોગ જ હતો.

સપનાને ફિલ્મ જોવાનો મૂડ આવતાં સર્વિસ ઓન ફીંગર ટીપ્સ જેવા ટ્વેંટી ફોર બાય સેવન ખડે પગે સેવા આપતાં ઇકબાલ મિર્ચીએ સપનાની સેવા માટે તૈનાત કરેલો તેનો અતિ વિશ્વાસુ ખુર્શીદ લાલા સપનાને કારમાં લઈને આવ્યો હતો. અને મૂવી જોયા બાદ હાઇવે પર લોંગ ડ્રાઈવ લઈને ઘરે જતાં અચાનક સપનાની નજર સાહિલ તરફ પડતાં સપનાને સાહિલની સળી કરવાનું સુરાતન ચડતાં સ્હેજ કાંકરી ચાળો કરી, રફતાર પકડી નીકળી ગઈ હતી.

ઘરે આવી, ફ્રેશ થઈને ક્યાંય સુધી બેડ પર પડી રહ્યાં બાદ સપનાએ સાહિલને આપેલા સુખદ આંચકા પર હસી હસીને એવું વિચારીને પોરસાતી હતી કે, હવે હકલાનું બંને હાથની સાથે સાથે બધું પોહળું થઇ જવાનું. સવાર સુધીમાં તો મેસેજીસનો મારો શરુ થઇ જશે. આજે ટીખળના સ્વરૂપમાં છોડેલું તીર બ્રહ્માસ્ત્ર જેવું કામ કરશે. આવા કંઇક તરંગી ખ્યાલો સાથે સપના ખોવાઈ ગઈ.. રંગીન ખ્વાબોમાં.


પણ સવારે ઉઠતાં વેત રાતભર સપનાએ સેવેલાં સંગીન અને સંગીન શમણાં બ્લેક એન્ડ વ્હાઈટ નહીં પણ સાવ ધૂંધળા સાબિત થયાં. સાહિલ તરફથી કોઈ જ પ્રતિભાવ નહતો. એટલે આશ્ચર્ય સાથે સપનાની ઊંઘ ઉડતાંની સાથે હરામ થઇ ગઈ. શકુનીની ચાલને પણ માત આપે એવાં પાસા ઊંધાં કેમ પડ્યા ? એ મૂંઝવણનું ગણિત સપનાની મૂંડીમાં ફીટ ન થયું. શાયદ સાહિલ સસ્પેન્સ જેવા સરપ્રાઈઝને ડાઈજેસ્ટ નહીં કરી શક્યો હોય, અંતે એવું મન માનવીને પઝલ જેવી મથામણને કોરાણે મૂકી ગઈ વોશરૂમ તરફ.


આ તરફ...

‘સપના ક્યા છે, ચીમન ?’
આડી વળી વ્યર્થ વાતોમાં સમયનો વ્યય કરવાને બદલે ભગીરથે મૂળ વાતના મુદ્દા પર આવતાં લક્ષ્યવેધ જેવો સવાલ ચીમનલાલને પૂછતાં, ભગીરથની પ્રકૃતિથી પરિપૂર્ણ અવગત ચીમનલાલ તેના ખંધા દિમાગમાં પૂર્વ માનસિક વ્યાયમ કરીને ગોખીને આવેલાં ઉત્તરોમાંથી જવાબ ચૂંટીને ગળગળો થઈને બોલ્યો..

‘ભાગી ગઈ શેઠ... રાતોરાત ગામ મેલી ને. ઈ ગઈ પછે તો જેટલાં મોઢાં એટલી વાતું ગામમાં થાતી’તી ગામમાં. કો’ક કે, કોઈની હાયરે કારુ મોઢું કરીને ભાગી ગઈ.. કો’ક કેતુ’તું કે, બાપની મિલકત લઈને હાલતી થઇ ગઈ. અને કો’ક તો એમ કેતુ’તું કે, ઓલા અંબાલાલની છોડી ઇન્દુડીનો હાથ છે, આ સપનાને ભગાડવાની વાંહે. હવે હાચું ખોટું જી હોય ઈ, ઉપરવાળો જાણે.’

‘એએ...એ ને, ગામ ગયું તેલ લેવા. હું તને પૂછું છું. અને તું આટલા દી ગુડાણો’તો ક્યાં ? ઈ કે પહેલાં.’
કરડાકી ભર્યા ઘેઘુર અવાજમાં ભગીરથે ચીમનલાલના ચતુરાઈની ચટણી કરી, તેની વાઈડાઈ વેતરી નાખે તેવો વેધક સવાલ પૂછયો.

ભગીરથને મધલાળ ચટાડવા માટે ચીમનલાલે માંડ માંડ માઈન્ડમાં સેટ કરેલો ષડ્યંત્રનો સોફ્ટવેર હેંગ થઇ ગયો. અચનાક સાયકલના ટાયરમાંથી વાલગોળો નીકળી ગયાં પછી ફૂફ્ફૂફૂસ્સ્સ.... થઈને હવા નીકળી જાય એમ ચીમનલાલનો ચહેરો ચુસાયેલા હાફૂસ જેવો થઇ ગયો. શું ઉત્તર આપવો તેની શબ્દરચના માટે વ્યૂહ રચના રચવામાં ચીમનલાલની મતિ મૂંઝાઈ.

‘ઈ.... આઆ..આ છોડીની ભાળ લેવા હાટુ આટલાં દી ઈની વાહે હડિયાપટ્ટી ક્યરી.
પણ, કોણ જાણે ક્યા ઘરી ગઈ ઈ જ પત્તો નથી જડતો.. એટલે તો તમને જાણ કરવા
ઝટ આયા પૂગી આવ્યો. નઈ તો પાછા તમે ધગી જાઓ.’

‘તારી પાસે સપનાનો કોઈ ફોટો-બોટો છે ? ’ ભગીરથે પૂછ્યું..
‘હાં.. હાં.. છે ને. મનહરલાલે આલ્યો તો ઇના લગન હાટુ કોઈ મુરતિયો ગોતવા. તે દી’નો મેં સંભારીને રાયખો છે. બાર ઓસરીમાં મારો થેલા પડ્યો છે. તમ કયો તો લઇ આવું ?

‘જા ઝટ લઇ આવ.’ ભગીરથ બોલ્યો.

‘ગૂડ મોર્નિંગ પપ્પા.’

છ ફૂટ હાઈટ, સ્પોર્ટ્સ મેન જેવું કસાયેલું શરીર, પ્રથમ દ્રષ્ટીએ દિલ ગાર્ડન ગાર્ડન થઇ જાય એવી મંત્રમુગ્ધ કરતી મારકણી આંખો, ભરાવદાર મૂછો, ડાર્ક મરૂન કલરના લેધર સૂઝ, સ્કીન ટાઈટ ડેનીમ બ્લ્યુ પર પહેરેલાં તેના વ્હાઈટ શર્ટની સ્લીવને ફોલ્ડ કરતાં ફર્સ્ટ ફ્લોર પરથી સીડી ઉતરતાં ઉતરતાં સૂર્યદેવ ભગીરથને સંબોધીને બોલ્યો.

‘જય માતાજી..રાત્રે મોડો આવ્યો છતાં આટલી વહેલી સવારમાં ? કઈ ખાસ અગત્યનું કામ છે ? ભગીરથે પૂછ્યું.

ભગીરથની સામે બેસી ન્યુઝ પેપર ઉઠાવતાં સૂર્યદેવ તેના દમદાર અવાજમાં બોલ્યો..
‘પપ્પા, યુ નો વેરી વેલ, અમારાં પ્રોફેશનમાં ચિતા જેવી ચાલ અને બાઝ જેવી નજર સાથે ચોવીસ કલાક આંખો ઉઘાડી જ રાખવાની. અમારે તો અડધી રાત્રે સૂર્ય ઉગે પણ ખરોને આથમે પણ ખરો.’

‘હાં.. ભઈ હાં એટલે તો શહેરના કંઇક ચમરબંધી તને જ સુર્ય નમસ્કાર કરે છે. કારણ કે તેમની હેલ્થ નહીં પણ વેલ્થ સારી રહે એટલે.
એમ બોલી ભગીરથ ખડખડાટ હસવાં લાગ્યાં.

‘પણ તમે કોની જોડે વાતો કરતાં હતાં.’ સૂર્યદેવે પૂછ્યું..
હજુ ભગીરથ ઉત્તર આપવા જાય ત્યાં ચીમનલાલ રૂમમાં દાખલ થતાં બોલ્યો..

‘આઆ..આ લ્યો ફોટો શેઠ.’
ચીમનલાલથી અપરિચિત સૂર્યદેવે આશ્ચય સાથે પપ્પા ભગીરથની સામે જોયું. એટલે ચીમનલાલનો પરિચય કરાવતાં ભગીરથ બોલ્યો..
‘આ છે, રતનપુરનો ચીમનલાલ.’
‘જય માતાજી’ ચીમનલાલ સામું જોઈને સ્મિત કરતાં સૂર્યદેવ બોલ્યો..
‘એ ય ને જય માતાજી... આ નાના શેઠ તો અસ્સલ ઓલી ગરબડિયા ભાષાની ફિલમના હીરો જેવા દેખાય છે હો.’ ચીમનલાલ બોલ્યો.
એટલે સૂર્યદેવ હસવાં લાગ્યો. ભગીરથને કંઈ સમજાયું નહીં એટલે પૂછ્યું..
‘મતલબ ?
‘પપ્પા એ સાઉથના મૂવીની વાત કરે છે. પણ આ કોનો ફોટો છે ? સૂર્યદેવે પૂછ્યું
ભગીરથે તેના હાથમાંનો ફોટો સૂર્યદેવને બતાવતાં કહ્યું...
‘આઆ....આ તો ચીમનના દૂરના સગાની છોકરી છે. એ થોડી સામજિક ચર્ચા માટે આવ્યો છે.’
‘સાહેબ જી, ડાયનીંગ ટેબલ પર નાસ્તો તૈયાર છે.’
સૂર્યદેવને સંબોધતા બાલાએ કિચનમાંથી સાદ કર્યો..
‘આવ્યો.’ આટલું બોલી સપનાના પીક પર ઉતાવળે એક ઉડતી નજર મારીને સૂર્યદેવ ઊભો થઈને આવ્યો ડાયનીંગ ટેબલ તરફ.
એ પછી સ્હેજ ગુસ્સો કરતાં હળવેકથી ભગીરથ બોલ્યો.
‘ડફોળ...બે મિનીટ તારી બોબડી બંધ નહતો રાખી શકતો. કોઈ ત્રીજી વ્યક્તિ બેઠી હોય ત્યારે શું બોલવું કે, શું ન બોલવું તેનું ભાન નથી તને ? એ તો સારું છે કે મેં વાત વાળી લીધી નહીં આ તો સી.બી.આઈ. ના બાપનો પણ બાપ છે, ઘડીકમાં બાજી ઉંધી વળી જાત. એ તો સારું થયું કે, તેણે આ ફોટા પર સરખું ધ્યાન ન આપ્યું.’

બે હાથ જોડી ગળગળો થઈને ધીમેકથી ચીમનલાલ બોલ્યો..
‘ઈ..ઈ.. માફ કરજો શેઠ, બવ મોટી મિસ્ટિક થય ગઈ..બાપલા. હવે ધ્યાન રાખીશ.’

વીસેક મિનીટ પછી..
‘પપ્પા હું જાઉં છું.’ એવું બોલતાં સૂર્યદેવ તેની બુલેટ પર સવાર થઈને તેના કામ પર રવાના થયાં પછી..ભગીરથ બોલ્યો..

‘અચ્છા.. હવે મારી વાત ધ્યાન દઈને એક કાને સાંભળ.’ એવું ભગીરથ બોલ્યાં પછી આશરે તેમની અને ચીમનલાલ વચ્ચે સળંગ ચાળીસ મિનીટ સુધી ચાલેલી ગુપ્ત મંત્રણાના અંતે ભગીરથ બોલ્યો...

‘છેલ્લે એકવાત ખીલ્લાની માફક ધરબી દેજે તારા દિમાગમાં કે, આ ચર્ચાનો અડધો શબ્દ પણ કોઈ ત્રીજી વ્યક્તિના કાન સુધી ન જવો જોઈએ નહીંતર મને રતનપુરના અસલી ભગીરથ બનતાં સ્હેજે વાર નહીં લાગે. એ તું ખૂબ સારી રીતે જાણે છે.’

ધમકીના સ્વરમાં ચેતવણી આપતાં ભગીરથે તેની વાત પૂરી કરતાં ચીમનલાલ ત્યાંથી રતનપુર આવવાં રવાના થયો..

રતનપુર આવતાં આવતાં આંખો સ્હેજ ઝીણી કરી દાંત કચકચાવતા મનોમન ભગીરથના રૂઆબ પર દાઝ કાઢતાં બોલ્યો...

‘જેને કોઈ ન પોહંચે એને એનું પેટ પોહંચે... ભગીરથ.. એક દી વિભીષણ જેવો તારો દીકરો જ તારી સોનાની લંકા સળગાવશે..એ દિવસે આ ચીમનને તું યાદ કરજે.’


રાત્રે છેક દસ વાગ્યાં સુધી સાહિલ તરફથી સંદેશનો કોઈ સંકેત ન મળતાં સપનાએ ગણતરીની પળોમાં દિમાગમાં વ્યુહરચનાની ગેમના પાસાં ગોઠવીને કોલ લાગવ્યો સાહિલને.

બાલ્કનીના ઝૂલા પર બેસી, ખોળા પર મૂકેલા લેપટોપ પર ‘વીર-ઝારા’ મૂવી જોઈ રહેલા સાહિલના સેલમાં મેસેન્જર કોલનો ટોન વાગતાં સ્ક્રીન પર નામ ફ્લેશ થયું

‘સરિતા શ્રોફ.’...

મનોમન હસતાં સાહિલ કોલ રીસીવ કરતાં સપના તેની અલાયદા અદાજમાં બોલી..

‘અભી દસ બજે હૈ.. આધે ઘટે કે બાદ... આપકે આને તક સરિતા, સાહિલ સે મિલને કે લિયે થમ જાયેગી.’

‘કહાં. ? એક અનેરા રોમાંચ સાથે સાહિલે પૂછ્યુ..
‘વહાં.. જહાં કલ રાત હાઇવે પર તુમને કાર બ્રેક કી થી.. ઠીક ઉસકે સામને જો ‘જંગલભૂખ’ રેસ્ટોરન્ટ હૈ વહાં.’

‘પર મેં આપકો પહેચાનુંગા કૈસે ?
લેપટોપ સાઈડમાં મૂકી ઝૂલા પરથી ઊભા થતાં સાહિલે પૂછ્યું..

એટલે ખડખડાટ હસ્યાં સાથે સપના બોલી..
‘આ હીરા પારખું સાહિલ પૂછે છે ? સેંકડોની વચ્ચે પણ જે સુગંધ માત્રથી સિમરનના સગડ શોધી લે. એ રાજ પૂછે છે ? યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ..’
એમ કહી સપનાએ કોલ કટ કર્યો.

એક મીઠા રોમાંચ સાથે માથું ખંજવાળતા સાહિલ રવાના થવા તૈયાર થતાં મિત્ર મજનુ ઉર્ફે મહેન્દ્રએ પૂછ્યું..
‘ઓયે.... હીરો કિધર ચલી સવારી ? ઔર યે લડકી કી તરહ શરમા કયું રહા હૈ ?’
‘કિસી સરફીરી કો સિમરન કા બુખાર ચડા હૈ,.. ઉતારને જા રહા હૂં..’
‘પર લાલે કી જાન, તેરે ચહેરેકી લાલી બતા રહી હૈ કી, બુખાર ઉસે નહીં તુજે ચડા હુઆ હૈ. કૌન હૈ યે તો બતા ? મજનું બોલ્યો..
‘અભી તો પરદે મેં હૈ.. પતા ચલતે હી તુજે બતાઉંગા.’

‘કાશ.. તને કોઈ એવી સિમરનનો ભેટો થાય કે, તારા હાથ અને હૈયાંની સાથે સાથે તારું ભેજું પણ પહોળું થાય. હરેક સિમરનને રાજ દેખાય પણ યાદ રાખજે દોસ્ત કયારેક કોઈ સિમરનનું પણ રાઝ હોય.’
સોફા પર આડો પડીને મોબાઈલ પર ચેસ રમતો મજનુ બોલ્યો

ઓફ વ્હાઈટ ટ્રાઉઝર પર મલ્ટીકલર ચેક્સના ફૂલ સ્લીવ શર્ટ પર, સ્લીવલેસ જેકેટ પહેરી તેનું એવરગ્રીન ‘ફર્સ્ટ મેન’ પરફ્યુમ સ્પ્રે કરી,
‘યે દિલ દીવાના, દિવાના હૈ યે દિલ..’ એવું મનોમન ગણગણતાં બોલ્યો..

‘સહી પકડે... મજનુ. આજે રાજ સિમરનને મળવા નહીં પણ, સિમરનના રાઝને જાણવા જઈ રહ્યો છે, સમજ્યો. જો ભી હૈ યાર પર કુછ હટકે હૈ યે બંદી.’
‘શકલ કા તો પતા નહીં પર, શાતિર દિમાગ જરૂર હૈ, ઇસ અજનબી કે પાસ.’

‘અને આમ પણ તારે એની જ જરૂર છે. કયારેક તું સિમરનની કલ્પના કરવામાં તારી એનર્જી એટલી હદે વેસ્ટ કરી નાખે છે કે, તારા દિમાગની સીસ્ટમ હેંગ થઇ જાય છે.’
તારા દેવાધિદેવ શ્રી.. શ્રી.. શાહરૂખ, સિમરનનું ફિગર જોઇને નહીં એડવાન્સ પેમેન્ટનો ફિગર જોઇને હાથ પોહળા કરે છે સમજ્યો. અને તને તો કોઈ સિમરનની નબળી આવૃત્તિ પણ બે-ચાર શાયરી કોપી પેસ્ટ કરીને ધકેલી દે.. ત્યાં તો તારું દિલ દરિયો અને...

‘ઓયે... બસ બસ.. કર પ્રેમપંડિત મજનુ મહરાજ. હજ્જોરો વાર સાંભળી ચુક્યો છું તારી આ ઘસાયેલી રેકર્ડ. ચલ હવે આશિર્વાદ આપ કે, સિમરનને મળી અને રાઝને જાણીને આવું.’ કારની કી ઉઠાવતાં સાહિલ બોલ્યો.

‘બસ પહેરેલ લૂગડે સહી સલામત પાછો ઘરે આવી જા એટલે ઘણું.’
બોલી મજનુ ખડખડાટ હસવાં લાગ્યો.

‘અચ્છા.. ચલ, હું આવું પછી તારી ખબર લઉં છું જો.’
એમ કહી ફ્લેટનું ડોર ઓપન કરી, પાર્કિંગમાં આવતાં કાર હંકારી હાઇવે તરફ..

આજે એક અરસા પછી સાહિલ ભીતરથી કંઇક અનેરા અહેસાસની અનુભૂતિ કરી રહ્યો હતો. યુવાવસ્થામાં પગરણ માંડ્યા પછી કંઇક સ્ત્રી મિત્રોને સાહિલ મળ્યો હતો, પણ પહેલીવાર એક એવી અજનબી સ્ત્રીને મળવાની અનન્ય ઉત્કંઠા ઉઠી હતી કે, જેના નામ સિવાય કોઈજ પરિચય નહતો. કારણ હતું, માત્રને માત્ર, સતત સ્મરણપટલ અંકિત થઇ સોંસરવા ઉતરી જતાં સરિતાના મર્મસ્પર્શી મૌલિક સંદેશ અને સંવાદ.
સૌથી વધુ સાહિલને સ્પર્શ્યું સરિતાનું એક અજનબી સાથેનું પ્રથમ સંવાદ સાંધવાનું સ્તર. જે સાહિલની મનપસંદ ફિતરત મુજબનું હતું. પરિચિત હોય કે અપરિચિત સ્ત્રી હોય કે પુરુષ, સાહિલ બ્યુટી કરતાં બ્રેઈનને પ્રથમ પ્રાધાન્ય આપતો.

ઠીક દસને ચાળીસ મિનીટ પર ‘જંગલભૂખ’ રેસ્ટોરન્ટની સામેના પાર્કિંગ ઝોનમાં સાહિલે કાર પાર્ક કરી. સાહિલની ખરી અગ્નિપરીક્ષા હવે હતી. રેસ્ટોરન્ટમાં એન્ટર થઇ એક નજર ફેરવી. આશરે સિત્તેરથી એંસી કસ્ટમર્સથી રેસ્ટોરન્ટ ભરચ્ચક હતું. ડાયમંડ માર્કેટના અર્જુન અને ખુદને કિંગ ઓફ રોમાન્સ સમજતાં સાહિલની આજે કપરી કસોટી હતી. બે થી ત્રણ વાર એક એક ટેબલનું નિરીક્ષણ કર્યા કોઈ ઠોસ આધાર ન મળતાં રેસ્ટોરન્ટ પાસ કરીને સાહિલ આવ્યો ઓપન ગાર્ડન રેસ્ટોરન્ટ તરફ..

પાંચ સાત મિનીટ વિચક્ષણ નજર ફેરવ્યાં પછી તેની નજર અટકી કોર્નરના ટેબલ નજીકની ચેર પર, ડાબા પગ પર જમણો પગ ટેકવી, પોની ટેઈલ હેયર સ્ટાઈલમાં, વ્હાઈટ સ્પોર્ટ્સ શૂઝ પર ધૂંટણથી સ્હેજ ઉંચી બ્લેક કલરની લેગીસ પર વ્હાઈટ કલરના સ્લીવલેશ ટી-શર્ટમાં, એકલી બેસેલી એક યુવતીની બોડી લેન્ગવેજ પરથી સાહિલએ મહદ્દઅંશે અંદાજ લાગવ્યો કે, આ સરિતા જ હોવી જોઈએ.

‘શાંત, શિતલ, સૌમ્ય, સહજ છતાં અતળ અને અકળ સરતી સરિતાનું શ્રધ્ધા સુમન સાથે સાહિલ તહ-એ-દિલથી સ્વાગત કરે છે.’

મક્કમ આત્મવિશ્વાસ સાથે સપના સામે પાંચથી સાત લાઈટ પિંક રોઝનું આકર્ષક બૂકે ધરતા સ્મિત સાહિલ બોલ્યો.

‘સફર મેં કુછ સાહિલ ઐસે ભી મિલતે હૈ, જહાં સરિતા ખૂદ અપના વજૂદ મીટા કે થમ જાના ચાહતી હૈ. માન ગયે ગુરુ... માત્ર હીરાના નહીં પણ હૈયે ધબકતાં ધબકારાના પગેરું શોધવામાં પણ પારખું છો. સરિતાના, સહ્રદય સલામ. વેલકમ.’

થોડી ક્ષ્રણો સુધી બંનેના ચક્ષુ વચ્ચે નિશબ્દ અને સ્નેહાળ વાર્તાલાપનો વિનિમય ચાલતો રહ્યો.

એ પછી સપના ખડખડાટ હસવાં લાગી..

વધુ આવતાં અંકે..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED