બારમું yuvrajsinh Jadav દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બારમું




એક નાના ગામમાં એક વૃદ્ધ વડીલનું અવસાન થયું. તે વડીલના પુત્ર એટલે ભીમજી માસ્તર. માસ્તરને આમ તો જમીન ઘણી હતી. પરંતુ, તેમની માતાની અંતિમ ઈચ્છા હતી કે, તેમનો દીકરો ભણીગણીને આગળ વધીને ગામની દીકરીઓને ભણાવે. ભીમજીએ તેની માતાની અંતિમ ઈચ્છાને પુરી કરવા, તેના ગામથી સાતેક કિલોમીટર દૂર આવેલા પડોશી ગામની નિશાળે જઈને પણ ભણતર પૂરું કર્યું અને માસ્તરની પદવી ધારણ કરી.

પિતાના અંતિમસંસ્કાર કરીને ભીમજી અને ગામના લોકો પાછા વળ્યાં. ઘરે પહોંચ્યા પછી બધા કુંટુંબીજનોએ બાર દિવસ સાથે જમવાની વાત કરી.

બીજા દિવસે રિવાજ પ્રમાણે બધાએ સુડ કરાવ્યા. બધુ જ રિવાજ પ્રમાણે થઈ રહ્યું હતું. રોજે સાંજે ધૂન થતી, લોકો મોઢે આવતાં અને બે મિનિટ મૌન ધારણ કરતાં. પરંતુ હવે વાત એ હતી કે, બારમું કરીશું ત્યારે કેટલા માણસો જમવા આવશે. ભીમજી આમ તો માસ્ટર હતો અને જેમ લોકો કહે છે, તેમ એ પણ ગણતરી કરતો હતો. પણ ભીમજીની ગણતરી બીજા માસ્તરોથી જુદી હતી. ગણતરી કરતા ભીમજીને જાણ થઈ કે, અંદાજીત પાંચસોથી સાડીપાંચસો જેવા લોકો ગામના અને સગા વહાલા થશે.

“પપ્પા મારી પાટી નનકુડીએ તોડી નાંખી.” ભીમજીનું ધ્યાન ભંગ કરતાં તેની દીકરી બોલી.

“હા તો બેટા નવી લઈ લેજે એમાંશું.” ભીમજી તેની દીકરીને મનાવતા બોલ્યો.

“હા... હા... નવી જ લઈ લેને. દીકરી રોજે પાટી તોડેને બાપ નવી અપાવે. એ... હું તો કવ શું બંધ કરો હવે ભણાવાનું. આમેય દહ વરહની થઈ. બે-પાંચ વરહ કેડે કામ આવીને ઉભું રેશે.” ઘરનું કામ કરતી-કરતી ભીમજીની પત્ની બોલી.

“હા પણ હજુ તો એને ભણવાનો સમય છે. એની જિંદગી હજું તો ચાલુ જ થઈ છે અને તારે ભણવાનું બંધ કરાવવું છે!”

“હા તો શું ખોટું સે. ભણીને ચ્યા નાતરે જાવું સે એને. આ હું નથી ભણી તો શું નથી જીવતી. ઓ હો ની જીવુશુ. ભણવામાં કઈ હોય જ નય. ખાલી ખોટા ખર્ચા કરવાના અને ઠેક બીજે ગામ સોડીને ભણવા મોકલવાની.”

“હા તો ગામમાં જ નિહાળ બનાવી આપોને ભાભી!” ભીમજી અને તેની પત્નીના ઝગડા વચ્ચે ખીમો આવ્યો.

“ગામમાં તે બનાવે તમારા બાપુ. ઇ મુખી સે હું થોડી શું?” દેવરને મેણું મારતા ભીમજીની પત્ની બોલી.

“હા તે કરો અરજી અમે તો તૈયાર જ છી. ગામનું સારું કરવા.” ખીમો બોલ્યો.

“એ વ્યાગ્યા કેટલાંય અરજી કરી-કરીને. હજું અમેય વ્યા જાહું પણ આ ગામમાં કઈ સારું નય થાહે.” ભીમજીની પત્ની બોલી.

ભીમજી ખાટલા ઉપર બેઠો-બેઠો આ વાત સાંભળી રહ્યો હતો.

“પણ એવું કરીએ તો આપણા બાપુના બારમાના ખર્ચાની નિહાળ બનવરાવીએ તો.” ભીમજીના મનમાં એક નવો વિચાર આવતાં એ ઝડપથી બોલી પડ્યો.

ખડ ખડ ખડ ખડાટ હાસ્ય શરૂ થયા.

"ભાભી લાગેશે માસ્ટર ગણતરી ભૂલી ગયા શે.” ભીમજી સામે જોઇને ખીમો બોલ્યો.

“અરે ચસ્કી તો નથી ગયુંને તમારું!” ભીમજીની પત્ની હસ્તા-હસ્તા પરંતુ આકરા અવાજે બોલી.

“લે એમાં શું સટકે. હતું એવું કીધું. તારી દીકરીને એક તો બાર ગામ દૂર સુધી જાવું નય! ને હારે આખા ગામનું સારું થાય.” ભીમજી બોલ્યો.

“ભાભી આ મનુભઈ બામણને બધી વાત કરી સે ને પાસી.” ભીમજીની વાત વધુ ન સાંભળતા ખીમજી બોલ્યો અને તેની વાતથી ભીમજીની પત્નીનું ધ્યાન ભીમજીની વાતથી દૂર થયુ.

“એમાં તે કંઈ કેવું પડતું હશે. આટલા વરહથી આવીશુ પણ વેવારની વાતમાં કોઈ દિવસ મને કંઈ કય શકે ખરું!” ભીમજીની પત્ની બોલી.

ખીમો તેની વાત સાંભળીને નિરાંત અનુભવીને ઘરે જવાની રજા લે છે અને બધા પાછા પોત-પોતાના કામમાં લાગી જાય છે. પરંતુ, એમની વાતથી ઉદ્દભવેલો વિચાર ભીમજીને બારમા કરતાં વિશેષ લાગ્યો. થોડીવાર પછી ભીમજી તેના જુના ઘરે બાંધેલી ગાયને ચારો નાખવા જાય છે.

ભીમજીનું જૂનું ઘર જ્યાં તેનું બાળપણ વીત્યું હતું. જ્યાં તેની બાએ અંતિમ શ્વાસ લીધાં હતાં. જ્યાં ભીમજીની બાએ ભીમજી પાસે વચન લીધું હતું.

“બેટા, ભીમા! હું તો નહીં રહું. આખી જીંદગી આમ-તેમ કરીને કાઢી અને કેટલાંય દુઃખોનો સામનો કરીને મેં મારો એક દીકરો જોયો ઇયે કેટલાંય વરહે... પણ મારા દીકરા, મારા લાડકવાયા... આ બધા દુઃખમાં એક દુઃખ એવું સે જે હજુંએ ભુલાતું નથી. તારી મોટી બેન નભૂ. જો એને ભણાવી હોત તો કદાચ આજ ઇ જીવતી હોત...”

આ વાત યાદ આવતા ભીમજીની આંખમાં આસુંની એક ધાર વહેવા લાગી.

“મને વચન આપ! વચન આપ કે, મોટો થઈને માસ્તર બનીશ અને મારી નભૂ જેવી કેટલીય સોડિયુંની જીંદગી ઉજળી કરીશ.”

ભીમજીએ ઊંડા શ્વાસ લીધાં અને ગાયોને ચારો નાંખીને, ભીમજી ઘર જોવા લાગ્યો. ચારેક રૂમ, ઉપર દેશી નળિયાં, નીચે થોડી ઉખડી ગયેલી ગાર. આ બધું ભીમજી નિહાળી રહ્યોં હતો અને તેના વિચારમાં જ એ દિવસ પસાર થયો.

બીજે દિવસે વહેલી સવારે ગામના મુખી એવા અગુભા ભીમજીના ઘરે આવી પહોંચ્યો. ભીમજીના ઘરે એકદમથી આવી પહોંચેલા અગુભાને ખાટલે બેસાડી ભીમજી નીચે બેઠો.

“માસ્તર, બે દિવસ પસી બારમું સે તારા બાપાનું. ભાળ તો સે ને.” મુખી બોલ્યા.

“હાસ્તો કાકા પણ.” ભીમજી અટકાયો.

“પણ શું!”

“કાકા આપણે રિવાજ બદલી નાખીએ તો!”

“બદલી નાખવીથી તારો શું મતલબ સે! શું નથી જમાડવા આંગણે આવેલા મે'માનને?” ઉંચા અવાજે મુખી બોલ્યા.

“હા કાકા.” ભીમજી બોલ્યો.

“લે હાલ-હાલ ભૂંડો નથી લાગતો. બોલતા શરમ આવેશે કે નય! બે ચોપડી ભણી જ્યો તે નાતને શીખવાડવા આવોશુ." મુખી બોલ્યા.

ભીમજી માથું ઝુકાવીને બેસી રહ્યોં. ભીમજી ટસનો મસ ન થતા મુખી ઉભા થઇને ઉતાવળે ચાલવા લાગ્યા.

“નાક-કાન સે કે નય! માં તો વેલી ઝય તે બાપેય બારમું કરું. પણ બળા એના ભાગ કે છોકરો ચીકણો પાયકો.” બડ-બડતા બડ-બડતા મુખી ચાલવા લાગ્યા.

મુખીના ગયા પછી ભીમજીની પત્ની પણ બડ-બડવા લાગી. કેટલુંય સંભળાવવા લાગી. ભીમજી હજું પણ નીચે જ બેઠો છે. એ સમયે બામણ ઘરે આવ્યો સાથે નાની બાળકી હતી. બાળકીના ખંભે દફતર હતું.

“આવો... આવો મહારાજ.” ભીમજીની પત્ની બોલી.

“કંઈ વાંધો છે કે શું માસ્તર?” બામણ બોલ્યો.

“આ બાળકીને લઈને કયા ઉપડા?” બામણની વાતને અવગણતા ઉલ્ટાનો ભીમજીએ તેને જ પ્રશ્ન કર્યો.

“એ... હાસ્તો. બાજુના ગામમાં મુકવા ઝાવશુ.”

“હા તે ડખો પણ એ જ વાતનો ચાલેશે મા’રાજ.” ભીમજીની પત્ની વચ્ચે બોલી.

“ડખો?” મહારાજે વળી પ્રશ્ન ઉચાર્યો.

“હા. એ કે સે કે, બાપુના બરમાનું જમાડવા કરતા નિહાળ બનાવીએ તો!” ભીમજીની પત્ની બોલી.

બામણ વિચારમાં પડ્યો. બાળકી સવારની રડી રહી છે. તેને નદી પાર કરીને બીજા ગામ ભણવા જાવું નથી ગમતું. જોકે એક જૂનો લાકડાનો પુલ પણ છે. પરંતુ, બાળકોને નદી વટીને બાજુના ગામમાં એકલાં તો જવા નો દેવાય અને આમ પણ બામણનો આખો દિવસ આમ જ બાળકોને લેવા મુકવામાં ચાલ્યો જતો. એટલે બામણ ભીમજીની નજીક ગયો.

“આ અટલે ખાલી જમાડવાનું જ બંધ રાખવાનું સે કે વિધિ પણ!” બામણ બોલ્યો.

“ના મારાજ ખાલી જમાડવાનું જ.” ભીમજી બોલ્યો.

“અરે... હું તો કવ શું કય કરશો જ નય! એક કરવું ને એક નો કરવું એના કરતાં એકેય ના કરશો.” ભીમજીની પત્ની ગરમ થતા બોલી.

બામણને ભીમજીની વાત ગમી પણ ગામ અને નાતની બીકના હિસાબે કઈ જ બોલ્યો નય. બામણ બાળકીને લઈને પાછો વળ્યો કે, પાછળથી ભીમજીનો અવાજ આવ્યો.

“એટલે વિધિ કરવા તમે આવશો કે બીજા બામણને કેવું પડશે!”

“હું જ આવીશ.” પાછળ ફર્યાં વગર જ બામણ બોલ્યો અને ચાલતો થયો.

હવે, ભીમજી ઉભો થયો અને બહાર નીકળીને બાજુના ગામ તરફ ચાલવા લાગ્યો. જ્યાં તેના બીજા શિક્ષક મિત્રો હતા. તેમની મુલાકાત લીધી અને તેમની સાથે મીટિંગ રાખીને આ વાતની જાણ કરી. આખી સ્કૂલના સ્ટાફમાંથી માત્ર બે જ શિક્ષક ભીમજી સાથે જોડાય અને આમ ભીમજીની સ્કૂલ માટે શિક્ષક પણ મળી ગયા. ભીમજી અને બીજા બે શિક્ષક મિત્રોએ સ્ટાફને મનાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ, તેમાંથી કોઈને ભીમજીનો વિચાર ન ગમ્યો, કોઈને રિવાજ બદલવાની વાત ન ગમી, તો કોઈને સમાજનો અને ગામનો ડર લાગ્યો.

પછી ભીમજી તેની સાથે આવેલા માથુર સાહેબ જે થોડા જ સમયમાં રીટાયર્ડ થવાની અણીએ હતા અને રાઘવ જે ભીમજીનો બાળપણનો મિત્ર હતો. તે ત્રણેય મળીને ..... ગામમાં આવ્યા અને ભીમજીના જુના ઘરની મુલાકાત લીધી. જોકે, નળીયા અને દીવાલ મજબૂત હતાં. જો કાંઈ ખોટ હતી, તો એ હતી એકવાર ગારને લેપવાની. એટલે આવીને ત્રણેય મિત્રોએ કામ શરૂ કરી દીધું. ભીમજીને નિશાળ તેના બાપુના બારમાંને દિવસે જ ચાલુ કરવાની ઈચ્છા હતી. જેથી, તેમને આવીને જ કામ હાથ ધરી લીધું. સાંજ પડતા તો ત્રણેયે મળીને બે રૂમ લીપી નાંખ્યા અને પછી છુટા પડ્યાં.

ગામમાંથી નીકળતા ભીમજીને લોકો આજે અલગ જ નઝરથી જોઈ રહ્યા હતા. જે માસ્તરને સામા મળતા લોકો રોજે આદર આપતાં હતા, આજે એ જ લોકો માસ્તરને ગુનેહગારની નજરે જોઈ રહ્યા હતા. જેમ-તેમ કરીને માસ્તર ઘરે પહોંચ્યો. જ્યાં તેની ખબર લેવા તેની પત્ની ઉભા પગે જ હતી.

“ખબરદાર! જો આગળ એક પગલું મૂક્યું સે તો ભીમા.” ભીમજીના ઘરમાં ઉભેલો ખીમો બોલ્યો.

ભીમજી કમાડ પાસે જ ઉભો રહી ગયો.

“અરે... ભાભી સમઝાવો-સમઝાવો આને કંઈક. કાલે બોલ્યો તે મને લાગ્યું કે મસ્કરી કરતો હશે. પણ આ તો નાત બારા ઝાવાનો ધંધો કરેશે.” ખીમો ગરમ થઇ ગયો હોય તેમ હાથ આમ-તેમ ઉછાળતો બોલ્યો.

“સમજો તમે. હું ગામનું ભલું કરુશું ભલું.” ભીમજી બોલ્યો.

“ધૂળ નાખ તારા ભલામાં. આને ભલું નો કેવાય. આતો ગાંડપણ કેવાય, ગાંડપણ.” પાછળથી આવતા મુખી બોલ્યા.

“પણ કાકા.” ભીમજી અડધું બોલ્યો ત્યાં તેની વાત કાપતા મુખી બોલ્યો.
“પણ બણ કય નય! સાનો મુનો કરતો હોય ઇ કરી ખાં. આમાં પડવાનું રેવાદયે. તારું તો ઝાહે આખા કુટુંબનું અને ગામનું નાકય નય રેવાદે. એના કરતાં પાંચ માણાહનું ઓછું રાંધ જે પણ જમાડજે.”

ભીમજી ઉપર ધરમ સંકટ આવી પડ્યું. કુટુંબ અને ગામ માનવા તૈયાર ન હતા. પરંતુ, ભીમજી પણ માસ્તર હતો. જેમ તેમ કરીને પાંચ બામણને જમાડવાનું નક્કી કર્યું અને બાકીના પૈસાનું નિહાળ માટે બોર્ડ, ચોક અને ચોપડામાં ખર્ચ્યા.

બરમાને દિવસે સવારે વિધિમાં બામણ હતો, ભીમજી અને બે શિક્ષક. તેમજ થોડા સગા વાહલા હતા. કુટુંબી જન કે ગામના લોકો તેને પાપ સમજતા હતા એટલે તેમણે આવવાની ચોખ્ખી ના પાડી દીધી. તેમ છતાં ભીમજીની હઠ જીતી અને તેને પોતાના પિતાના નામે નિશાળ શરૂ કરી.

સૌ પેલાં ભીમજીએ તેની દીકરી આરાધ્યાને નિશાળની પ્રથમ વિદ્યાર્થીની બનાવી. ત્યારબાદ પંદરથી વીસેક બાળકીઓ ભણવા આવી. બાકીની બાળકીઓને હજું પણ ગામના લોકો બહાર ગામ ભણવા મોકલતાં. આ બધાના ચક્કરમાં ગામની ઘણી બાળકીઓનું ભણતર બંધ કરી દેવામાં આવ્યું અને તેમાની એક અગુભા મુખીના દીકરા ખીમજીની નનકુડીએ પણ ભણતર છોડ્યું.

ગામમાં લોકો ભીમજીને ધૂતકારી રહ્યાં હતાં. લોકો જાત-જાતની વાતો કરી રહ્યાં હતાં. ભીમજીની પત્ની પણ થોડા દિવસ માટે તેના પીયર ચાલી ગઈ. ભીમજીને ગામના લોકોનો રોષ ખૂબ જ કઠીન લાગ્યો. તેમ છતાં થોડા ઘણા લોકોએ માસ્તરનો સાથ આપ્યો. પરંતુ, ખીમો ભીમજી સામે વેરે બંધાયો. ભીમજીના કારણે ખીમજીના પિતા અગુભા જે મુખી હતા, તેમને મુખીપણામાંથી હટાવી દેવાયા અને તેનું કારણ તેના કુટુંબી ભીમજીને દેખાડ્યો.

ભીમજીના એક ફેસલાએ તેના જીવનને વધુ કઠિન બનાવી દીધું. થોડો સમય રોષ રહ્યોં. લોકોએ ઘણું ખરું ખોટું સંભળાવ્યું.

સમય જતાં લોકો શાંત થયા અને ધીમે-ધીમે એ પણ ભીમજીની નિશાળ તરફ વળ્યાં. પરંતુ, હજું પણ ખીમજી અને તેના ઘરના સભ્યો ટસનામસ ન થયાં.

વર્ષો જતાં દીકરીઓ મોટી થવા લાગી. એક જ ગામમાં સામ-સામે રહેતા કુટુંબી જનો હોવા છતાં ખીમજીએ તેનાં પિતાના બારમામાં તો શું પણ માસ્તરને આભડવામાં પણ ન આવવા દીધો.

દીકરીઓ મોટી થાય એટલે બાપના કપાળની રેખાઓ તેની ચિંતાને લોકો સામે આડકતરી રીતે પણ દેખાડી જ દે. એવી જ ચિંતા ભીમજી માસ્તરને હતી. તેને અફસોસ ન હતો કે, તે દીકરાનો બાપ ન બની શક્યો. પરંતુ, એક મોટી ચિંતા જરૂર હતી કે, તેના પિતાના બારમાંનું ન જમાડવું તેની દીકરીને આડે પગે નો આવે તો સારું!

બીજી તરફ ખીમજીની દીકરીને શેરને પાદર બંગલાવાળા સગા મળી ગયાં. થોડા જ મહિનામાં ખીમજીએ દીકરી વરાવી દીધી અને ગામમાં મુછો મરોડતો-મરોડતો આટા મારતો અને આખા ગામમાં વાત ઉડાડતો ફરતો કે,
“ભીમજીએ તો બે હાથ જોડ્યા. તોય એની દીકરીને ના પાડી અને મારા ઘરના ઉંમરે આવીને મારી દીકરીનો હાથ માંગ્યો. કાંઈ અમથું થોડી માણાહ રૂપાળા ભાળીને આવે. આતો બારમાંનું ઝમાંડવુંય નથી ગમતું. ઇ શું ઇની દીકરીને આપવાનો.”

ખીમજીની આવી વાતોએ ભીમજીની જીંદગીને વધુ મુશ્કેલ બનાવી દીધી.

પરંતુ, માસ્તરની દીકરી આરાધ્ય ભણવામાં ખુબજ હોશિયાર હતી. જે કોલેજ કરતાં-કરતાં પણ તેના પિતાની મદદ કરવા છોકરાં ભણાવવા જતી. જેવી કોલેજ પુરી થઈ કે દીકરીએ જી.પી. એસ. સી. ની પરીક્ષા આપી. થોડા સમયમાં રિઝલ્ટ આવી ગયુંને આરાધ્યા પાસ થઈ ગઈ. જોત-જોતામાં માસ્તરની દીકરી મામલતદાર બની ગઈ. લોકો દીકરીઓને ભણાવવામાં કે નોકરી કરાવવામાં માનતા ન હતાં, એટલે હજુ ભીમજીને તો ‘પડા માથે પાટુ વાગ્યાં’ જેવું થયું.

એક દિવસ એવું બન્યું કે, અચાનક જ ખીમજીની દીકરીને તેના સાસરી પક્ષનાં મૂકી ગયાં. ખીમજીએ કેટલીએ આજીજી કરી. હજું વધું દહેજ આપવાની વાતો કરવા લાગ્યો. પરંતુ, તેની દીકરીને પૈસા ગણતા પણ નથી આવડતું. એ શહેરમાં ન પોસાય કહીને તરછોડી ગયાં.

જ્યારે એક સમય એવો આવ્યો કે ભીમજીની દીકરી તેના જ તાલુકામાં મુકાણી. ચોમાસાના સમયે ગામની નદી બે કાંઠે વેહવા લાગી અને વરસાદ કે' મારું કામ. કેટલાંય લોકોના ઘર પડી ગયાં, ખેતરોમાં ઉભા પાક બળી ગયા. ગામના લોકો નિઃસહાય થઈ ગયાં. ત્યારે લોકોને સરકારની મદદની જરૂર પડી અને તે સમયે ગામનાં એક વ્યક્તિએ કીધું કે, અત્યારે આપડા તાલુકામાં મામલતદારના હોદ્દે ભીમજી માસ્તરની દીકરી શે. ગામનું નામ દેતા બધાં જ કામ ફટોફટ થવા લાગે છે. હવે આપણી કોઈ મદદ કરી શકે તો એ ભીમજી માસ્તર જ કરી શકે. બાકી કોઈના બાપની તેવડ નય!

આટલું સાંભળતા આખું ગામ માસ્તરને મળવા ચાલ્યું. વચ્ચે આવતા લોકોને પણ લેતા જતાં. કોઈ પૂછે ક્યાં જાવ શો. તો કે'તા ભીમજી માસ્તરના ઘેર જવીશી. બીજા કોની તેવડ કે આપડી મદદ કરી શકે.
હજું ગામના લોકોએ ભીમજીને વાત કરી જ છે કે,
“અમે સાંભળ્યું છે કે, સરકાર નિઃસહાય લોકોને સહારો આપવા મકાન બનાવી આપે છે અને નુકસાન ભરપેટે રૂપિયા બબે હજાર રૂપિયાની સહાય કરેશે. તો અમને થયું કે ગામની દીકરી જ અતારે મામલતદાર સે તો કને ચિંતા કરવાની. એટલે થયું કે ત્યાં છે'ક ધકો કરવો એના કરતાં એકાદ કર્મચારીને ગામમાં જ મોકલી દે અને ફોરમ ભરાવી દઈએ તો!”

ભીમજી તો આમ અચાનક આવી પહોંચેલા ગામના લોકોને જોઈને ચોંકી ગયો. પણ તેમની વાત સાંભળીને વાતમાં દમ લાગતા ‘હા’ પાડી. બધા જ લોકો ભીમજીની નિહાળે આવતાને ફોરમ ભરાવતાં. એમાંનો એક જણ ઓળખાય તેવી હાલતમાં ન હતો. તે હતો ખીમજી. તે માસ્તર પાસે આવ્યો અને બે હાથ જોડીને બોલ્યો.

“ભીમજી, મારા મોટા ભાઈ. હું લૂંટાઈ ગયો, બરબાદ થઈ ગયો. દીકરીના દહેજમાં બધું જ આપી દીધું પણ ઇ પાપીયાઓનું પેટ ભરાતું જ નથી અને વારંવાર મારી દીકરીને મારીને અભણ કહીને મૂકી જાય છે. બાકી રહેતું હતું તો, ઉપરવાળાએ આપત્તિ મોકલીને ઘર પણ પડી ગયા ને ખેતરુના તો નામું નિશાન ગોતવા અઘરાં થઈ ગયા સે. હવે, અમારો જો કોઈ સહારો હોય તો એ તારી દીકરી આરાધ્ય સે.”

એ સમયે પગમાં પડેલા ખીમજીને માસ્તરે ઉભો કર્યો અને ભેટી પડ્યો અને જોત-જોતામાં ગામની રોનક બદલી નાંખી. ખીમજીએ નનકુડીને ફરી ભણવાનો આગ્રહ કર્યો અને પ્રૌઢ શિક્ષણ અપાવ્યું. ગામમાં નવો રિવાજ ઉદ્દભવ્યો. હવે ગામના લોકો બારમામાં ખાવા માટે નય પણ ગામના વિકાસ માટે અને લોકકલ્યાણ માટે ભેગા થતાં.

આમ, ભીમજીની પત્ની અને ખીમજીના મીઠા ઝગડામાંથી ઉદ્દભવેલા નાનકડા વિચારે કેટલીયે દીકરીઓ અને અનેક કુળને ઉજળા કરી નાખ્યા.

***


✍️યુવરાજસિંહ જાદવ