વસુધા
પ્રકરણ-11
પાર્વતીબહેને કહ્યું સારુ તમે આવી ગયાં. દિવાળીબેન પણ હમણાંજ આવ્યાં. વેવાઇનો ફોન હતો. અગિયાસે સાકરપડો લઇને આવશે એમની દિકરી અને જમાઇ પણ સિધ્ધપુરથી આવી ગયાં છે. હાંશ ક્યારની રાહ જોવાતી હતી.
ત્યાં દિવાળીબેન કહ્યું મારાં ભાઇની હોંશ સાચી હતી જુઓ વેવાઇનો ફોન પણ આવી ગયો. એ લોકોનાં જમવાની રહેવાની વ્યવસ્થા કરવી પડશે ને પણ વેવાઇ સાકરપડો આપી વ્યવહાર પતાવી રાત્રે પાછાં વળી જશે અહીં રોકાશે નહીં કારણ કે લગ્ન પહેલાં એ શોભે નહીં અને એમની દીકરી જમાઇ આવેલાં છે એ લોકો પણ બધી તૈયારી કરશે ને.
પુરષોત્તમભાઇએ કહ્યું રહેવાનાં એટલે જમી પરવારી એ લોકોને આરામ માટે અલાયદો રૂમ આપવો પડશે એમનાં જમવામાં શું બનાવશુ ? બહારથી કંઇ લાવવાનું હોય તો એની તૈયારી કરુ. મારી દીકરી ખૂબ સુખી થાય કોઇ વ્યવહાર કે સાચવવામાં કસર ના થાય એજ જોવાનું. હવે તો આજે મને નીંદરજ નહીં આવે.
દુષ્યંતે કહ્યું માં લાડવા બનાવો એતો બધાને ભાવે. દિવાળી ફોઇએ કહ્યું ખાલી લાડવા નહીં પાર્વતી તમે દૂધમાંથી સરસ શીંખડ બનાવી દેજો એટલું દૂધ ડેરીમાં ભરાવશો નહીં સાથે પાત્રા, ભજીયા,કંસાર કઢી, ભાત અને પુરી એટલે બે ઘરનાં મિષ્ઠાન બે ફરસાણ બે શાક અને દાળભાત આપણે બનાવ્યા વડીઓ સારેવડા પાપડ સાથે રાખશું. શુકનનો કંસાર ખરો જ.
પાર્વતીબહેન કહે સરસ વિચાર છે એમજ કરીશું. પણ તમે કબાટમાંથી નવી ચાદર, નવા તકીયાનાં ઓશીકાનાં કવર કાઢજો બધું બદલી નાંખીશું. મેડાનાં રૂમમાં બધી સાફ સૂફી કરાવી ત્યાં જે એને આરામ કરાવીશું. ઉપર પંખોને બધુ છે.
દિવાળીબેન વહેવારમાં શુકનનાં સામાં પૈસા વહેચવાનાં તો કેટલાં આપવાનાં ? રોકડાં ઘરમાં છેજ બીજા તમે પોસ્ટમાંથી કે ડેરીમાંથી કાઢી લાવજો.
દિવાળીબેને કહ્યું એમની દીકરી અને જમાઇ આવે છે દિકરીને 500 રોકડા જમાઇને 500 અને સાડી અને શર્ટ પેન્ટનું કાપડ જમાઇ એટલે કે પિંતાબર કુમારને 1000/- રોકડા અને કપડાં આપી દઇશું. અને ભાનુબહેનને એમનાં ઘર માટે એક સરસ ટંકાવેલો પિત્તળનો મોટો ગોળો આપીશું એમાં મીઠાઇ અને સાકર આપીશું એટલે ઘણો વ્યવહાર થયો ગણાશે પછી સીધુ લગ્નમાં બધું આપીશુંને.
પાર્વતીબહેને કહ્યું આમતો બધુ બરાબર છે પણ કંઇ ચઢાવવું ના આપવું પડે ? એમની દીકરીને ચાંદીનાં ઝાઝર આપીએ તો ? જમાઇને સોનાની વીંટી.. આપણે ક્યાં 4-5 છોકરી છે કરીએ તો સારુ કરીએ.
દિવાળીબેનનો અનુભવી જીવ બોલ્યા આપવામાં વાંધો નથી સારુંજ લાગશે પણ સંબંધ નક્કી કરતી વખતે આટલું આપીશું તો પછી લગ્નમાં ઊંચી અપેક્ષા રહેશે. આમતો માણસો એવાં નથી પણ.. વિચારી જુઓ.
પુરષોત્તમભાઇએ કહ્યું બેન તુજ કહે શું કરીએ અમને તો દીકરીનું વિચારીને બધુ સૂઝે છે પણ વ્યવહારીક જ્ઞાન અમને નથી આપણાં ઘરનો પહેલો પ્રસંગ છે અને એવાં અનુભવ પણ નથી.
દિવાળીબેને કહ્યું ખોરડું સારું છે માણસો સારાં છે પાર્વતીને વિચાર આવ્યો છે તો ભલે આપીએ વાંધો નથી સમાજમાં સારુંજ લાગવાનું છે સામે એ લોકો પણ પહોચતા છે એટલો આપણી વસુધાને પણ આપશેજ પહેલીવાર આવે છે સાકરપડો આપી સંબંધ નક્કી કરીયે છે. એણે વસુધાને પણ કંઇકતો ચઢાવશે. પણ મારું મન તો બહુ વિચારે એ વસુધાને ચઢાવશે એટડલું એમનાં ઘરેજ પાછું જવાનું છે પછી હસવા માંડ્યા હુંય મૂઇ કેવા કેવા વિચાર કરું છું કંઇ નહીં તેં કીધું છે એમ જ કરીએ હવે બે દિવસ રહ્યાં છે. આ બહુ બજારમાંથી લાવવાનું છે કરો તૈયારી તું અને પુરષોત્તમ જઇને આણંદથી લઇ આવો.
પાર્વતીબહેન કહે છોકરીનું કંઇ આમ ગણવું નથી ભલે એનાં ઘરે પાછું જતું આપણું સારુ લાગવાનું છે વસુધાને ક્યારેય સાંભળવાનું નહીં આવે. તમે કહો છો એમ માણસો સારાં છે તો પછી બાકીનું ઇશ્વર પર છોડવાનું આપણે સારોજ વ્યવહાર કરીએ.
વસુધા બધુ સાંભળી રહી હતી... એને થયું બા-બાપુજી કેટલું વિચારે છે.. માણસો સારાં છે બસ કાયમ સારા રહે....
*************
અગિયારસનો દિવસ આવી ગયો. વસુધા વહેલી ઉઠી પરવારી ગઇ હતી. લાલીને ઘાસ-ખાણ આપીને બોલી લાલી આજે તારાં જમાઈ આવવાનાં છે એમને બરાબર જોઇ લેજે પછી મને કહેજે કેવાં છે ? હું તક મળે તો તારી પાસે લઇ આવીશ ત્યાં માંની બૂમ પડી વસુધા...
વસુધા હાં માં આવી કહીને માં પાસે ગઇ. માએ કહ્યું બધી રસોઇ તૈયાર છે. શ્રીખંડ પણ તૈયાર છે એની તપેલી ઢાંકીને કથરોટમાં પાણી ભરીને એમાં મૂકી દે. ભજીયાને પુરી ગરમગરમ આપીશું તું સરસ તૈયાર થઇ જા હું મેડે જઇને જોઇ આવું બધુ બરાબર થઇ ગયુ ને દિવાળી ફોઇ ઉપર બધુ પાથરી આવ્યાં છે. દુષ્યંત ક્યાં ગયો ? એને કહે એ પણ તૈયાર થઇને રહે.
દુષ્યંતે કહ્યું માં તારી સામે તો ઉભો છું હું તો ક્યારનો તૈયાર થઇને રાહ જોઊં છું ક્યારે આવે બધાં. પુરષોત્તમભાઇએ કહ્યું આમ ધાંધી ના થઇશ બધુ બરાબર છે બધુ તૈયાર છે. બસ આપવાનું ઘરાણું તું રસોડામાં રાખજે આપણી વખતે કબાટ ખોલવાં ના પડે. બેન તો ક્યારની બહાર ઓસરીમાં બેઠાં છે રાહ જુએ છે.
પાર્વતીબેન કહે મેં સવારે બધુજ કાઢીને રસોડામાં સેવાનાં કબાટમાં રાખ્યુ છે કંઇ શોધવું નહીં પડે ધરાણું અને રૂપિયા બધુ ત્યાંજ છે.
ત્યાં દુષ્યંતે કહ્યું માં ગાડી આવી... ગાડી આવી આવી ગયાં મહેમાન વસુધા એનાં રૂમમાં દોડી અને પાર્વતીબેન બહાર આવ્યાં. એમણે પણ નવો સાડલો પહેરેલો ખૂબ ઉત્સાહમાં હતાં. પુરુષોત્તમભાઇએ પણ નવી કફની અને ધોતીયું પહેરેલાં. ગાડી છેક ઘર પાસે આવી.
પીતાંબર પોતે ડ્રાઇવ કરતો હતો. બાજુમાં ભાવેશકુમાર પાછળ ભાનુબેન-સરલા અને ગુણવંતભાઇ બેઠાં હતાં. પહેલાંજ ભાવેશકુમાર ઉતર્યા પછી સરલા ગુણવંતભાઇ ભાનુબેન ઉતર્યા છેલ્લે પીતાંબર ઉતર્યો અને ગાડી લોક કરી.
પુરષોત્તમભાઇ દિવાળીબેન અને પાર્વતીબેન ઉમકળાભેર બધાને સ્વાગત કર્યુ કહ્યું આવો આવો બસ તમારીજ રાહ જોતાં હતાં. બધાની નજર પિંતાબર તરફ હતી. દુષ્યંતતો એનેજ જોઇ રહ્યો હતો.
દિવાળીને પાર્વતીબેનન આગળ કર્યા .. પાવર્તીબેને બધાને આવકાર્યા અને પીતાંબરનાં ઓવારણાં લીધા. બધાને ઘરમાં આમંત્રણ આપીને ડ્રોઇગરૂમમાં બેસાડ્યા. દુષ્યંત પીતાંબરની પાછળ પાછળજ ચાલતો હતો.
ઘરમાં આવ્યાં પછી દિવાળીબેને કહ્યું આ ભાનુ બહેનનાં જમાઇ ભાવેશકુમાર અને દીકરી સરલા અને આ એમનો દીકરો પીતાંબર કેવો રાજા જેવો શોભે છે એમ કહી આશીર્વાદ આપ્યાં.
પીતાંબરે રેશ્મી ઝભ્ભો અને ચુડીદાર પહેરેલાં સાચેજ ખૂબ દેખાવડો લાગતો હતો. પછી દીવાળીબેને કહ્યું આ વસુધાનાં ભાઇ દુષ્યંત અને વસુધા આવે છે. ત્યાંજ વસુધા બધાં માટે ટ્રે માં પાણી લઇને આવી વસુધા ખૂબ સુંદર લાગી રહી હતી એણે મોરપીંછ કલરનાં ચણીયાચોળી અને સુંદર ચુંદડી ઓઢેલી હતી હાથમાં સોનાની અને કાચની બંગડીઓ પહેરી હતી માથે ઓઠણી નાંખીને આવી હતી.
પીતાંબર-ભાવેશકુમાર અને સરલાની આંખો માત્ર વસુધાને જોઇ રહી હતી વસુધા બધાને પાણી આપી પાછી અંદર જતી રહી... સરલાએ પીતાંબર સામે જોઇને આંખો પટપટાવીને ઇશારામાં કહ્યું ખૂબ સુંદર છે. પીતાંબર શરમાયો એણે જોઇ લીધુ.
પાર્વતીબહેને સરલા સાથે વાતો શરૂ કરી કેવું રહ્યું તમને સિધ્ધપુર સદી ગયુ છે. ખૂબ સુંદર લાગો છે. દિવાળીબેને કહ્યું ભાવેશકુમાર હાથમાં ને હાથમાં રાખે છે. બસ બધાં ખૂબ સુખી થાવ.
ભાનુબહેને ઉભા થઇને પાર્વતીબેનને એક પિત્તળની કારીગરીવાળી થાળીમાં રેશ્મી રૂમલ ઓથાણી એવો સાકર પડો નાડાછડી બાંધેલો આપ્યો અને બોલ્યાં. અમારાં તરફથી આ શુકન સ્વીકારો અને તમારી દીકરી અને મારાં દિકરાનાં સંબંધ ને આપણે રાજીખુશીથી પાકો કરીએ સ્વીકારીએ.
પાર્વતીબેનનો આંખમાં હર્ષનાં આંસુ આવ્યાં. એમણે કહ્યું અમને સ્વીકાર્ય છે. મારી દિકરી તમારાં ઘરે આવીને સુખી થાય અને પીતાંબર ઉભો થયો અને એમને પગે લાગ્યો ત્યાં વસુધા અંદરથી આવી અને ભાનુબેન-ગુણવંતભાઇને પગે લાગી અને....
આગળ આવતા અંકે - પ્રકરણ-12