પતિ પત્ની અને પ્રેત - ૪૫ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પતિ પત્ની અને પ્રેત - ૪૫

પતિ પત્ની અને પ્રેત

- રાકેશ ઠક્કર

પ્રકરણ-૪૫

જાગતીબેન સાથેની ચર્ચા પછી નાગદાને વધારે વિચાર કરવાની જરૂર ઊભી થઇ હતી. તેને થોડીવાર પહેલાંની વાતો યાદ આવવા લાગી. તે મકાનમાંથી બહાર આવીને વૈદ્યને બોલાવવા જઇ રહી હતી. એક સ્ત્રીનો ગાવાનો અવાજ આવ્યો હતો. પરંતુ નજીક જઇને જોયું ત્યારે એ રેતા ન હતી. આ એ સ્ત્રી હતી જેને અગાઉ પોતે છેતરી હતી. પોતાનો સાચો ચહેરો ના દેખાય એવો ભ્રમ ઊભો કર્યો હતો. આ વખતે પોતે નજીક પહોંચી ચૂકી છે. અને અગાઉથી તેને છેતરવાનો કોઇ વિચાર કર્યો નથી. તેને બીજી વખત જોઇને દિલમાં અજબની લાગણીઓ ઉભરાવા લાગી હતી. નાગદાને થયું કે તેના ચહેરામાં કોઇ જાદૂ છે જે એને તેના તરફ પ્રેમથી ખેંચી રહ્યો છે. કોઇ લોહીનો સંબંધ હોય એમ ખેંચાણ અનુભવાતું હતું. અત્યારે બંને સામસામા ઊભા હતા. ત્યારે બંને વચ્ચે જે વાતચીત થઇ એ આમ હતી.

જાગતીબેન અને નાગદા સામસામે ઊભા હતા ત્યારે નાગદાને ખબર ન હતી કે એક તરફ રેતા, રિલોક અને ચિલ્વા ભગત જોઇ રહ્યા હતા અને બીજી તરફ બારીની આડશમાંથી વિરેન જોતો હતો. કોઇને કંઇ સંભળાતું ન હતું પરંતુ એમના હાથના ઇશારાઓ પરથી માત્ર અનુમાન કરી શકતા હતા.

નાગદાને જોતાં વેંત જાગતીબેનના દિલમાં લાગણીઓનું પૂર આવ્યું હતું. તે હાથ ફેલાવી બોલ્યા:"બેટા...સ્વાલા બેટા, હું તારી મા..."

નાગદાએ પોતાના દિલની લાગણીઓ પર લગામ ખેંચીને કહ્યું:"હું તો નાગદા છું. હું તમને ઓળખતી નથી..."

"તું ઓળખી પણ નહીં શકે નાગદા. તારી પાસે દિલ જ નથી. મારી છોકરીના શરીર પર તું કબ્જો જમાવીને સ્વાર્થમાં આંધળી થઇને પોતે પણ એક દીકરી છે એ ભૂલી રહી છે..." જાગતીબેન ચાબખા મારવા લાગ્યા.

"હા, હું દીકરી છું. અને મારો હક લઇને જ રહીશ..." નાગદા બોલી પડી.

જાગતીબેનને થયું કે એમનું તીર નિશાના પર લાગી રહ્યું છે. એમને એ વાતની ખબર હતી કે જયનાની લગ્ન કરવાની ઇચ્છા હતી પણ એના પિતાએ એને સ્વધામ પહોંચાડી દીધી હતી.

"તું ભલે કોઇ બીજાની દીકરી હોઇશ પણ જે શરીરમાં તેં ઘર બનાવ્યું છે એ મારી દીકરી સ્વાલા છે. એ મારું સર્જન છે. આ તારી પાસે જે સુંદર ચહેરો છે એ સ્વાલાનો છે. જે દિલ ધડકી રહ્યું છે એમાં મારું લોહી વહી રહ્યું છે. તું જે મારી સામે ઊભી છે એને મારા લોહીથી સીંચીને બનાવી છે. મારું ધાવણ ધાવીને તું આટલી મોટી થઇ છે. મારો પ્રેમ- મારી લાગણીઓનું તારામાં સિંચન કર્યું છે. તું એક માને ભૂલી ગઇ હોય તો તને તારા પર ધિક્કાર પેદા થવો જોઇએ. તારા શરીર પર કોઇએ કબ્જો કરી લીધો હોત તો તારી માની શું દશા થઇ હોત એની તેં કલ્પના કરી છે?"

"મારી માનો પ્રેમ મને મળ્યો જ નથી. હું સમજણી થઇ એ પહેલાં જ તે આ દુનિયા છોડી ગઇ હતી. અને હું પણ મારી મગજની શક્તિ ગુમાવી બેઠી હતી. મેં જીવનના કોઇ સુખ ભોગવ્યા નથી. મારે લગ્નનું સુખ ભોગવવું હતું પણ મળ્યું નહીં. એટલે જ મારા પિતાને પણ મેં બીજા લગ્નનું સુખ ભોગવવા દીધું ન હતું..."

"તને લગ્ન કરવાની ઇચ્છા છે તો મારી દીકરીને કેમ પકડી છે?"

"હું એના માધ્યમથી મારું જીવન પાછું મેળવવાની છું..."

"તું કહે તો તારી મદદ કરવા માટે તૈયાર છું. તું મારા માટે તો મારી દીકરી સ્વાલા જ છે. એ પણ પોતાના લગ્ન માટે ઉત્સુક હતી. તેને પ્રેમમાં દગો મળ્યો. એ પછી એને લગ્નની ઇચ્છા જ થતી ન હતી. એમાં જ એ ઘર છોડીને જતી રહી. આજે કેટલાય દિવસો પછી હું તને, મારી દીકરી સ્વાલાને જોઇ રહી છું..."

"મારે પણ લગ્ન કરવા છે...મને એક પુરુષ મળી ગયો છે. તમે અહીંથી પાછા ચાલ્યા જાવ નહીંતર મારી શક્તિથી તમને કોઇ નુકસાન કરવું પડશે..."

જાગતીબેનનો હાથ કમર પર ગયો અને તેમણે સાડીમાં છુપાવેલું ચાકુ બહાર કાઢ્યું. એ જોઇ નાગદા ચમકી. તેને લાગ્યું કે આ સ્ત્રી તેના પર હુમલો કરવાની છે. તેણે તરત જ મંત્ર ભણવાનું ચાલુ કરી દીધું. ત્યાં જાગતીબેન બોલ્યા:" જો તું મારી છોકરીના શરીરમાંથી જતી નહીં રહે તો આ ચાકુ મારું સગું નહીં થાય. હું મારી સ્વાલા વગર જીવી શકીશ નહીં. હું અબઘડી મારા જીવનનો અંત લાવી દઇશ. અને યાદ રાખજે... હું મરીને તને છોડીશ નહીં. મારી આત્મા ભટકતી રહેશે... તારો પીછો કરતી રહેશે. એ તને એક ક્ષણ માટે પણ સુખેથી જીવવા દેશે નહીં..."

જાગતીબેનની ધમકીની અસર થઇ હોય એમ નાગદા બે હાથથી એમને આત્મહત્યા ન કરવા અટકાવતાં બોલી:"ના-ના...તમે આમ ના કરશો. પણ હું મજબૂર છું..."

"જો તું મને બધી વાત કરીશ તો તને મદદ કરીશ. તું મારી સ્વાલાના શરીરમાં છે એટલે મારી દીકરી જેવી જ છે. હું તારું બૂરું ઇચ્છતી નથી. તારું ખરાબ ઇચ્છું તો એ સ્વાલાનું જ ગણાય..." જાગતીબેન એની સાથે પ્રેમભર્યું વર્તન કરવા લાગ્યા.

"ખરેખર તમે મદદ કરશો? હું લગ્ન કરીને મારું જીવન જીવી શકીશ?"

"હું એ જ તો કહું છું. અમે સ્વાલાના લગ્ન કરાવવા જ ઇચ્છતા હતા. પરંતુ તેને કોઇ છોકરાએ દગો આપ્યો અને તેનું મન સમાજમાં લાગ્યું નહીં. તે અમને કંઇ કહ્યા વગર નીકળી ગઇ..."

"સ્વાલાની પણ લગ્નની ઇચ્છા હતી? તો સાંભળો હું જયનાનું પ્રેત છું. અને કોઇ પતિ –પત્નીને અલગ કરીને જ હું મારો પતિ મેળવી શકું એમ છું. મારે લગ્ન કરવા છે પણ કોઇના પતિ સાથે જ લગ્ન કરવા પડે એમ છે. એની સાથેના લગ્ન પછી મને ગર્ભ રહેશે તો હું માનવ રૂપમાં આવી શકું એમ છું. અને એ માટે મેં એક સ્ત્રીના પતિને બંધક બનાવ્યો છે. એને હજુ ખબર નથી કે કેમ અહીં લઇ આવી છું. બોલો... મારી આવી સ્થિતિમાં તમે શું મદદ કરી શકવાના હતા? તમે બીજાના પતિ સાથે તમારી દીકરીના લગ્ન કરાવવા તૈયાર થવાના છો?"

"ના..."

"મારી પાસે બીજો કોઇ માર્ગ નથી. મને માફ કરો..."

જયનાના પ્રેતની વાત સાંભળીને જાગતીબેન પોતાની યોજનામાં આગળ વિચારવા લાગ્યા. પહેલાં એ જાણવાની જરૂર હતી કે નાગદાના ઘરમાં છે એ રેતાનો જ પતિ છે ને? તે વિચાર કરીને બોલ્યા:"એક કામ કરીએ. તારે ત્યાં જે પુરુષ છે એને હું મળી લઉં. અને પછી કોઇ સમાધાન શોધી કાઢું..."

નાગદાને જાગતીબેન પર વિશ્વાસ બેસી રહ્યો હતો. તેણે જાગતીબેનને પોતાના ઘરમાં આવવા માટે કહ્યું. જાગતીબેનને થયું કે અડધી બાજી જીતી લીધી છે. હવે રેતાનો પતિ વિરેન જ ઘરમાં હોય તો આગળ વધવાનું રહેશે. એવો ઉપાય કરવો પડશે કે સાપ પણ મરી જાય અને લાકડી પણ ના તૂટે.

***

જાગતીબેન વિરેનને જોઇને ખુશ થયા. રેતાનો પતિ મળી ગયો છે. પોતાની પુત્રી પણ મળી ગઇ છે. હવે આગળ સમજી-વિચારીને કદમ મૂકવા પડશે. તેમણે પૂછ્યું:"વિરેન નામ છે ને તારું?"

"હા, તમે મને કેવી રીતે ઓળખો છો? અને હું આ સ્ત્રીના ઘરમાં કેવી રીતે આવી ગયો?"

"બેટા, આ મારી પુત્રી સ્વાલા છે. એને તારી સાથે લગ્ન કરવા છે. એ તને અહીં લાવી છે."

"શું વાત કરો છો? હું તો પરિણીત છું..."

"મને ખબર છે. તારી ધર્મપત્ની રેતા બહાર તારી રાહ જોઇ રહી છે. એનો જીવ તારામાં છે. તારા વગર એ જાણે શ્વાસ લઇ શકતી નથી. આવી પતિ પ્રેમી પત્ની બહુ ઓછાને મળે છે. એ તને પાછો મેળવવા કેટલો સંઘર્ષ કરી રહી છે."

"મને એની પાસે લઇ જાવ..."

"પણ એ પહેલાં મારે મારી દીકરીને મુક્ત કરાવવાની છે?"

"આ તમારી દીકરી તો મને બંધક બનાવીને બેઠી છે ને? મને શા માટે અને કેવી રીતે ઉપાડી લાવી હતી?"

"એ બધી વાત તને જરૂર જણાવીશ. અત્યારે મારી દીકરીની લગ્ન કરવાની ઇચ્છા કેવી રીતે પૂર્ણ કરવી એ અગત્યની વાત છે."

જાગતીબેન અને વિરેન વચ્ચેની વાતો નાગદા ધ્યાનથી સાંભળી રહી હતી. જાગતીબેન કંઇક વિચાર કરીને નાગદાને વિરેનથી થોડે દૂર લઇ જઇને ધીમેથી કહેવા લાગ્યા:"દીકરી, એક કામ કર, તું મારી સ્વાલાના શરીરમાંથી નીકળી જા. તારા લગ્ન તરત જ કરાવી દઇશ..."

"હા...હા...હા... તમે મને મૂરખ સમજો છો? આ શરીરમાંથી નીકળ્યા પછી હું પ્રેતના રૂપમાં આવી જાઉં અને મારી દુનિયા અલગ થઇ જાય." નાગદા એકદમ ક્રોધમાં આવીને બોલી.

વિરેનને તેના તેવર જોઇને થયું કે જાગતીબેન પર હુમલો કરશે કે શું? અને એ પોતાને પ્રેતના રૂપમાં નહીં આવવાની શું વાત કરી રહી છે?

ત્યારે જ દરવાજો ખૂલવાનો અવાજ આવ્યો અને રેતા સાથે રિલોક પ્રવેશતા દેખાયા.

એ જોઇને જાગતીબેનને થયું કે બંનેને ના પાડી હતી છતાં પાછળ કેમ આવી ગયા હશે? મારી બનાવેલી બાજી બગડી જશે કે સુધરશે?

રેતા અને રિલોકને અંદર આવતા જોઇ નાગદા બોલી:"તમે મારી સાથે કોઇ ચાલ તો રમી રહ્યા નથી ને? ખબરદાર જો કોઇ ચાલાકી કરી છે તો..."

નાગદાને જયનાના પ્રેતના રૂપમાં ઓળખતા રેતા અને રિલોક તેનો અવાજ સાંભળીને ધ્ર્રૂજી ગયા. વિરેન પણ એક અકલ્પિત ડરથી સ્થિર થઇ ગયો. રેતા અને રિલોક એકબીજા સામે જોતાં વિચારી રહ્યા કે જાગતીબેનની પાછળ-પાછળ તેઓ વાઘની બોડમાં આવી ગયા છે?

વધુ છેંતાલીસમા પ્રકરણમાં...