મહાભારતનું યુદ્ધ તો પૂરું થયું. પાંડવો લાંબો સમય રાજ્ય કરીને આખરે સદેહે હિમાલય થઈને સ્વર્ગ પ્રયાણ કરવાના હતા તે તો એ વખતે ભવિષ્યની ઘટના હતી. પણ આ યુદ્ધની કથા આવનારી પેઢીઓને કહેવી, અમર રહી જાય તે રીતે - એ કેવી રીતે કરવું? ભરતવંશના આદિ પુરુષ મુનિ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ વિચારી રહ્યા હતા. પોતે બોલે તો પણ એમનો અવાજ કોઈ સાંભળે અને ત્યાં જ વિસરાઈ જાય. કથા પણ ખૂબ લાંબી હતી. છતાં કહેવી જરૂરી હતી જેથી તેમાંથી બોધ લઈ આવનારી પેઢીઓ માનવજાતનો મહાવિનાશ નોતરે નહીં.
મુનિ વ્યાસ મહાભારતનાં યુદ્ધથી ખૂબ વ્યથિત હતા. પોતે આદિ પૂર્વજ, પોતાના પુત્ર શાંતનુ દ્વારા મત્સ્યકન્યા સત્યવતી સાથે પ્રેમલગ્ન, તે સાથે સત્યવતીએ મુકેલી શરત અને શાંતનુના મોટા પુત્ર દેવવ્રતે લીધેલી પ્રતિજ્ઞા, વિચિત્રવીર્ય, પોતાનો ન છુટકે કરેલો નિયોગ, તેથી પાંડુ અને કુરુનો જન્મ, પાંડવો, કૌરવો વચ્ચે વૈમનસ્ય, અને ઇતિહાસ ક્યારેય ન ભૂલી શકે તેવું યુદ્ધ, પ્રચંડ માત્રામાં જાનહાનિ અને ધનહાનિ, એ ભવિષ્યમાં ન થાય માટે વિસ્તારથી વાત કહેવી પડે તેમ હતી. કહેવા કરતાં લખવી પડે તો એ કાયમ માટે કોઈ ને કોઈ રૂપે સચવાય.
કેટલી લાંબી થશે કથા? વ્યાસજીએ મનોમન અડસટ્ટો કાઢ્યો. લાખ શ્લોક તો થશે જ. અને એ પોતે લખવા બેસે તો? ક્યારેય પાર ન આવે. બોલવામાં પણ નવું વાક્ય બોલતા પહેલાં નવો વિચાર આવે એટલે જૂનું પોતે શું કહેતા હતા એ ભૂલી જાય. એ લખવા બોલવાનું એટલી ઝડપે જોઈએ કે પોતે ભૂલી જવાય એ પહેલાં ઝડપથી બોલતા જાય અને પોતે બોલે એટલી ઝડપથી કોઈ લખતું જાય.
એવો લખનારો કોણ હોય? પાછું જે બોલાય એ જેમનું તેમ લખાય પણ લખાયા પછી ન કહેવાનું ખાનગી પણ રાખી શકે તેવી વ્યક્તિ.
મુનિ વ્યાસ ઊંડા વિચારમાં પડી ગયા.
તેમણે શિવજીનું ધ્યાન કર્યું. પણ તે પહેલાં શિવપુત્ર ગણપતિ તેમનું મન વાંચી ગયા.
"જુઓ વ્યાસમુનિ, મારો દેખાવ જુઓ.
મારૂં વિશાળ મસ્તક ઘણી સમજ અને યાદશક્તિ ધરાવે છે. યોગ્ય-અયોગ્યનો તાત્કાલિક નિર્ણય લઈ શકે છે. મારા લાંબા કાન એટલે બધી જગ્યાએથી બધું ગ્રહણ કરવું. ઝીણી આંખો એટલે ખૂબ બારીકાઈથી નિરીક્ષણ. તમે બોલો તે પહેલાં તમારા મોંના ભાવ જોઈ હું નક્કી કરી લઈશ કે તમે શું કહી રહ્યા છો. મારું વિશાળ પેટ એટલે શું ગ્રાહ્ય રાખવું ને શું મારી પાસે જ ખાનગી રાખવું તે કહે છે. મારા પગ જ એક પલાંઠીએ બેસી રહે એવા છે. હાથની ગતિ.. મોદક આરોગી લઉં પછી તમે કે કોઈ કલ્પી ન શકે તેવી. એટલે મારા પિતા પાસે અનુમતિ લઈ લો, હું જ તમારું આ ઉમદા કાર્ય કરી આપીશ."
વ્યાસજીને ખૂબ રાહત થઈ. ગણપતિજીને તેઓ કહે,
"કબૂલ. મારે આટલી વિશાળ કથા ખૂબ ઝડપથી કહેવી પડશે. વિચાર અટકે તે પહેલાં બોલી દઈને. તમારે એટલી જ ઝડપે લખવું પડશે."
"બોલે જાઓ વત્સ! હું લખ્યે જાઉં છું. તમે અટકશો તો ત્યાં પૂરું." ગણેશજીએ વેદવ્યાસને કહ્યું.
"પણ તમે આમ ફટાફટ લખશો કઈ રીતે? મારી બોલવાની ઝડપ અને તમારી સાંભળી, તેનો અર્થ કરી લખવાની ઝડપમાં ફેર તો હોય જ. મારે બોલી જવાનું અને તમારે હાથ હલાવવાના." વેદવ્યાસ વદી રહ્યા.
"જો વત્સ, આ લખવું અને બોલવું એ બન્ને મગજના વિચારોનું એક યા બીજા સ્વરૂપે નિરુપણ છે. આઉટપુટ. તારું મોં અને મારા હાથ. મારે ઇનપુટ કાન દ્વારા મગજમાં જશે અને આઉટપુટ.. હાથ નહીં, જેને 2020 માં લોકો વોઇસ ટાઈપ કહેશે તે. ચાલ. બોલતો જા. અને આમાં ઓટો સેવ નથી. તું અટક્યો એટલે પૂરું. ફાઇલ સેવ.' કહી ગણેશજીએ વેદવ્યાસ બોલતા ગયા તે વોઇસ ટાઈપ ડિવાઇસ સામે રાખી દીધું. એ વખતે ક્યાં અંગ્રેજી જન્મવાનું હતું? સંસ્કૃત એક જ ભાષા.
"હું ચાલુ થઈ જાઉં પણ કેટલો સમય એકધારું બોલી શકીશ? વચ્ચે વિરામ થશે તો મારી વિચારધારા તૂટશે. તમે પણ ક્યાં સુધી નોનસ્ટોપ લખ્યે જશો?" વ્યાસજીએ શંકા વ્યક્ત કરી.
"એ મારે જોવાનું છે. હું વ્યવસ્થા કરું છું. રેડી. ગેટ સેટ.. એન્ડ.. ગો." ગણપતિ તો થઈ ગયા શરૂ આ ઉમદા, 'ન ભૂતો ન ભવિષ્યતિ' કાર્ય માટે.
વેદવ્યાસ થાકે નહીં તે માટે ગણેશજીએ તેમને વિચારોના થિટા વેવ થી પણ નીચે આલ્ફા વેવમાં લઇ જઇ અતિ ઉચ્ચ સમાધિમાં લાવી દીધા. કહો કે હાઈબરનેશનમાં. વ્યાસજીના માત્ર શ્વાસ અને મગજ ચાલે, હોઠથી જે વિચાર તેઓ મગજના ચક્ષુઓ સમક્ષ જુએ તે બહાર આવે. ગણેશજી ફટાફટ વ્યાસજીનો એ વોઇસ મેસેજ પૂરો થાય તે પહેલાં તો ટાઈપ કરી દે એટલે કે વોઇસને અક્ષરોમાં અંકિત કરી દે.
વ્યાસજી અંતર્ધ્યાન હતા પણ ગણેશજી સંપૂર્ણ જાગૃત. આમ કેમ? કોઈ મશીન જ આમ અવિરત કલાકો, દિવસો સતત કામ કરી શકે, જીવિત પ્રાણી નહીં. તો ગણેશજીએ એ કઈ રીતે કર્યું?
એ માનવીથી કઈંક પર હતા એટલે.
મહાભારત એમ લખાઈ જવા આવ્યું. વોઇસ ટાઈપથી દિવ્ય વાણીમાં રેકોર્ડિંગ અને એ સાથે જ કલાઉડ પર સેવ થતું ગયું. હજારો વર્ષ પછીની પેઢી માટે.
"ફેબ્યુલસ." હવે હાઈબરનેશન એટલે કે સુદીર્ઘ તંદ્રામાંથી ભાનમાં આવેલા વેદવ્યાસે ઉચ્ચાર્યું.
"પ્રણામ ગણેશજી.
તમને ખબર છે, આપણે વિશ્વનું સહુથી મોટું મહાકાવ્ય રચ્યું, એક લાખ ઉપર શ્લોકોનું બનેલું. એકી બેઠકે. આપણે માનવજાત માટે ખૂબ ઉપયોગી સાહિત્ય સાથે મળી નિર્માણ કર્યું.
હવે હું તો આખીયે પ્રક્રિયા દરમ્યાન લગભગ અંતર્ધ્યાન જ હતો. આપ સજાગ હતા. આપ કઈ રીતે આ કરી શક્યા?"
'જો. મારી સૂંઢ છે એ પ્રિન્ટરના હેડ જેવી આમથી તેમ ફરતી લાગે છે ને? અને લાંબા કાન. એ ખરેખર રેકોર્ડિંગ ડિવાઇસ છે. અને આ મોટી દુંદ એ વિશાળકાય સુપર કોમ્પ્યુટરનું મીનીએચર છે. જો એ ચોરસ હોત તો ખૂણો ટકરાઈ કોઈ ભાગ નુકસાની પામત અને થોડી પણ માહિતી જાત તો સંપૂર્ણ સત્યાનાશ. અને હંમેશાં ગોળ વસ્તુનું ડાયમેનશન ઓછું રહી સંગ્રહ વધુ થાય છે. ધન્ય છે મારા કર્તાને." ગણેશજીએ એમ કહેતાં વત્સલ હાથ વેદવ્યાસ પર ફેરવ્યો.
"તો તમારા કર્તા તો શિવજી કહેવાય છે ને?"
"હા. મારો પિંડ ઘડનાર, મારો કહેવાતો સંહાર કરનાર અને આ મારો નવો અવતાર કરનાર.
બન્યું એમ કે હું રમતોરમતો શિવજીના ત્રિશુલ સાથે અથડાયો. લોકવાયકાઓ છે તેમ પિતાશ્રીએ મારી હત્યા નહોતી કરી. પછી શું? ત્રિશુલ પડ્યું. કુતૂહલવશ મેં એમાં માથું ભરાવ્યું અને મૂળ સંહારના જ હેતુથી જેનો આકાર બનેલો એ ત્રિશૂળની અણી મારી શ્વાસનળી વીંધી આરપાર નીકળી ગઈ. લોહીના ફુવારા છૂટ્યા. ત્રિશૂળની બે બાજુઓ વચ્ચે મારૂં મસ્તક ભરાઈ જઈ ધડથી છૂટું પડી લબડી પડ્યું.
માતા પાર્વતીએ ચીસ નાખી, "મારો પુત્ર ગયો. ગમે તેમ કરી એને બચાવો." અને તપ એટલે અંતર્ધ્યાન થઈ ઊંડી રિસર્ચ કરતા શિવજીએ એ જોયું.
તેઓ કુશળ સર્જન પણ હતા. કહો કે સુશ્રુતને તેમણે જ પ્રેરણા આપેલી.
લોહી વહી જતું અટકાવવા વ્યાધ્રચર્મ ફાડી મારાં માથાં પર ડૂચો માર્યો. હવે હું બ્રેઇન ડેડ થાઉં તે પહેલાં શ્વાસને કૃત્રિમ રીતે ચાલુ રાખવા નજીકની સુપડી ઊપાડી ફેફસાં પર ગોઠવી. એને તાત્કાલિક ઢાંકવા એક જાડા વૃક્ષની છાલ વીંટી અને રુદ્રાક્ષની માળા તોડી તેની જાડી દોરીથી ટાંકા લીધા. હવે એ મેટલ, ઝાડની છાલ, એનું કવચ એ બધાનું વજન એટલું મોટું થઈ ગયું કે કોઈ એવો ભારેખમ આકાર જે તેને ઝીલી શકે એવું જ મસ્તક જોઈએ. પિતાશ્રીએ થોડી ક્ષણો વિચારી વિંધાઈ ચુકેલી ખોપરીના નાકના ભાગ નીચે એક લાંબી પાઇપ જેવી નલિકા જોડી જે સૂંઢ જેવી દેખાય. હું તો ઉપરનો આખો ધાતુનો દેહ ધારણ કરી ચુકેલો બની ગયો. પછી તુરત બ્રેઇન સેલ્સનું રી-વાયરિંગ કરવા મોટી બે પાંખો જે ગરુડજીએ આપી રાખેલી તે કાનની જગાએ ફિટ કરી અને એમાં પણ પેલી ધાતુનો એન્ટેના બેસાડ્યો. એટલે હું કોઈ પણ જીવંત પદાર્થથી વધુ ઝડપી સાંભળી અર્થ ઘટન કરી શકું. એમ અલગઅલગ પૂર્જાઓથી બન્યું મારું શરીર. મસ્તકનો આકાર હાથી જેવો દેખાય છે પણ હું એ રીતે એક સુપર કોમ્પ્યુટર છું.
એટલે જ સહુથી પહેલાં મારું પૂજન વગેરે થાય છે. શરૂઆતમાં મને બુટ કરો એટલે તમારું શું કામ છે અને તે કેવી રીતે પતાવવું એનો હું ઉકેલ આપું એવો ક્યાંય ન મળે."
વ્યાસજીએ ગાંપતિજીના ચરણોમાં મસ્તક નમાવ્યું.
"તો જા વત્સ, વિશ્વમાં મહાભારતનો સંદેશ ફેલાવ, કે 'યુદ્ધથી વિનાશ, પ્રસન્નતાથી પ્રગતિ.' વિજ્ઞાન દ્વારા નવજીવનનો સંદેશ મારૂં ઉદાહરણ આપી ફેલાવ. શુભમ ભવતુ."
આમ કહી ગણેશજીએ મગજના સેલ્સને ઓક્સિજન માટે જરૂરી ગ્લુકોઝ માટે લાડુ ઉપાડ્યો.
-સુનીલ અંજારીયા