રક્ત ચરિત્ર - 33 Rinkal Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

રક્ત ચરિત્ર - 33

૩૩


"સાંજ, બેટા તું અહીં?" ભાવનાબેનએ બનાવટી સ્મિત કર્યું.


"ડૉન્ટ કોલ મી બેટા." સાંજ ત્યાંથી જતી રહી.


"સાંજને બધી ખબર પડી ગઈ હશે? ના, સાંજને ખબર પડી હોત કે એના બાપની કાતિલ હું છું તો હાલ સુધીમાં તો મારા મરશિયા ગવાતા હોત. સૌથી પેલા રામપાલનું કંઈક કરવું પડશે નહિ તો બે ફટકામાં એ બેવકૂફ બધું બકી નાખશે." ભાવનાબેનએ રામપાલનું શું કરવું એ વિચારી લીધું હતું.


રતન દશેક મિનિટથી શિવાની અને નીરજના ઓરડાની બહાર આંટા મારી રહી હતી, શાંતિએ અર્ધખુલ્લા બારણાથી રતનને જોઈ અને બારણા પાસે આવી, "કંઈ જોઈએ છે?"


"શિવાનીબેનને મળવું છે મારે." રતન અચકાતા બોલી.


"શિવાનીને પૂછવા દે, એ હા પાડે તો મળી લે." શાંતિ અંદર ગઈ અને થોડીવારમાં બહાર આવી, રતનને અંદર જવાનો ઈશારો કરી એ ત્યાંથી નીકળી ગઈ.


"શું કામ છે?" શિવાની પલંગ પર બેઠી હતી.


"એક પળના આવેશમાં અને ગુસ્સામાં મેં બધું બરબાદ કરી નાખ્યું, મારા કારણે તમારો ચાંદલો ભૂંસાઈ ગયો.... મને માફ કરી દો શિવાનીબેન, મને માફ કરી દો." રતનએ શિવાનીના પગ પકડી લીધા.


"તું એવી જગ્યાએ ઉભી છે; જ્યાં માફીને કોઈ સ્થાન નથી, તને સજા તો હું શું આપું? પણ હું તને ક્યારેય માફ નઈ કરું." શિવાનીએ તેના પગ દૂર કર્યાં.


"જાણું છું, તમે મને માફ નઈ કરી શકો. માફ તો હું પણ મારી જાતને નઈ કરી શકું, કદાચ આ જ મારી સજા છે." રતનએ નીરજની તસ્વીર પર એક નજર નાખી અને ત્યાંથી નીકળી ગઈ.


"હું એટલી મહાન નથી રતન કે તને માફ કરી શકું, ભગવાન તને પશ્ચાતાપ સાથે જીવવાની શક્તિ આપે." શિવાનીએ મનોમન કહ્યું.


અડધી રાત થતાંજ ભાવનાબેન છુપતાછુપાતા ભોંયરામાં આવ્યાં, તેમના હાથમાં રજવાડી ચપ્પુ હતું અને આંખોમાં ડર.


અંધારામાં ખુરશી પર બેસેલા માણસનો પડછાયો જોઈને ભાવનાબેન ખુરશી તરફ આગળ વધ્યાં, અને ખુરશી પર બેસેલા માણસના પેટમા ચાકુ ખોપી દીધું.


"તું જીવતો રઈશ તો સાંજને ખબર પડી જશે કે મેં એના બાપને મરાવ્યો હતો, અને હું એવુ જોખમ ખેડવા તૈયાર નથી." ભાવનાબેનએ ઉપરાછાપરી ત્રણચાર વાર ચાકુ ખુરશી પર બેસેલા માણસના પેટમાં માર્યું અને ત્યાંથી ભાગવા જતાં હતા ત્યાંજ ભોંયરાનો બલ્બ ચાલુ થયો.


બારણા પાસે સાંજને ઉભેલી જોઈને ભાવનાબેનના મોતિયા મરી ગયા હતા, સાંજએ બારણું વાખ્યું અને પૂછ્યું, "કામ થઇ ગયું ને?"


"મને માફ કરી દે." ભાવનાબેન એ સાંજ સામે હાથ જોડ્યા.


"મોત સામે હોય ત્યારે માફી માંગતા અને આજીજી કરતા માણસો મને પસંદ નથી." સાંજએ ભાવનાબેનને પાછળ જોવાનો ઈશારો કર્યો, ભાવનાબેનએ પાછળ જોયું અને તેમના હોશ ઉડી ગયા,"આ તો..."


"ચાડિયો છે, ત્યાં સામે ખેતરમાં હતો. હું ઉઠાવી લાવી અને નકલી વાળ લગાવી દીધા, સરસ છે ને?" સાંજ હસી પડી.


"આપણે સબંધી છીએ, મારી શિવાની તારી ભાભી છે. હું કોઈની માં છું, મારું નામ ઉછળશે તો મારાં બાળકોનું ભવિષ્ય ખરાબ થશે." ભાવનાબેનએ આજીજી કરી.


"આઈ ડૉન્ટ કેઅર." સાંજએ ખભા ઉછાળ્યા.


"તું કે'શે એ હું કરીશ, બસ મારાં બાળકો આગળ મારી હકીકત ન લાવતી." ભાવનાબેન રીતસરનાં રડી પડ્યાં હતાં.


"વિચારી લેજો શ્રીમતી પારેખ ઉર્ફ પ્રેયસી દેસાઈ." સાંજએ કટાક્ષ કર્યો.


"પ્રેયસી દેસાઈ કેમ કે છે તું મને?"


"તમારા લગ્ન તો મોહન દેસાઈ સાથે થયાં નથી પણ સબંધ તો તમારો પતિપત્ની જેવો જ છે, લગ્ન વગર શ્રીમતી કેમનું કે'વું? એટલે પ્રેયસી દેસાઈ, નાઇસ ના?" સાંજ ફરીથી હસી, ભાવનાબેનએ નીચું જોઈને કહ્યું, "તું જે કે'શે બધુજ મને મંજુર છે."


"ચિંકી કાલ સવાર સુધી અહીં હોવી જોઈએ, સહી સલામત." સાંજ ઉભી થઈને બારણાં સુધી પહોંચી અને પાછળ ફરીને બોલી, "કોઈ પણ જાતની ચાલાકી કરી છે ને તો હું આખા પારેખ પરિવારને ખતમ કરી દઈશ."


સાંજના ગયા પછી ભાવનાબેન મનોમન બોલ્યાં, "મારાં બાળકો માટે તો હું ગમે તેં કરી શકું સાંજ, તારી વાત પણ માની શકું."


બીજા દિવસે સુરજ અને ભાવનાબેન શિવાનીને દવાખાને લઇ ગયાં, તેનાં ટેસ્ટ થયા પછી રાત્રે રિપોર્ટ આવ્યો.


"શું છે રિપોર્ટમાં?" શિવાનીને રિપોર્ટ વાંચીને સુરજનો ઉતરી ગયેલો ચેહરો જોઈને ચિંતા થઇ.


ભાવનાબેનએ સુરજના હાથમાંથી રિપોર્ટ લીધી અને રિપોર્ટ વાંચીને તેમની આંખો આઘાતથી પહોળી થઇ ગઈ, "તું માં બનવાની છે શિવાની."


શિવાનીના ચેહરા પર એક પળ માટે ખુશી આવી અને ઉડી ગઈ, તેણીએ તેના પેટ ઉપર હાથ મુક્યો અને આકાશ તરફ જોયું.


"શિવાની, આ બાળક તું...." ભાવનાબેન આગળ કાંઈજ બોલે એ પહેલાં શિવાની ઉભી થઈને તેના ઓરડામાં જતી રઈ.


"શું થયું? શિવાની ભાગીને એના ઓરડામાં કેમ ગઈ? કંઈ થયું છે?" હમણાંજ આંગણામાં પ્રવેશેલી સાંજએ શિવાનીને દોડતી તેના ઓરડામાં જતાં જોઈ હતી.


"તારે ચિંતા કરવાની જરૂર નથી, શિવાનીનું ધ્યાન રાખવા શિવાનીનો પરિવાર છે." સુરજ સાંજ સામે જોયા વગર જ બોલ્યો.


સાંજએ સુરજની વાત સાંભળી જ ન હોય એમ ભાવનાબેન સામે જોયું, "રિપોર્ટ આવી ગયો?"


"હા, શિવાની માં બનવાની છે. સાંજ, બેટા તું શિવાની સાથે વાત કર અને એને સમજાવ કે આ બાળક રાખવાની એને જરૂર નથી. તારી વાત એ ક્યારેય નઈ ટાળે, હું મારી જિંદગીના અનુભવને આધારે આ સલાહ આપી રહી છું." ભાવનાબેનએ ડરતા ડરતા કહ્યું.


"સાચી વાત છે, શિવાનીને આ બાળક હમેંશા ભાઈનો દગો યાદ અપાવશે અને એ દગાનું દુઃખ આગળ જતાં નફરતનું ઝેર બનીને આ બાળકની જિંદગી બરબાદ કરશે. હું શિવાની સાથે વાત કરું છું." સાંજ શિવાનીના ઓરડામાં ગઈ


"તું પણ મને સમજાવવા આવી છે?" શિવાનીની આંખો રડી રડીને લાલ થઇ ગઈ હતી.


સાંજએ શિવાનીને ગળે લગાવી, શિવાની ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી. સાંજ ચુપચાપ શિવાનીની પીઠ પસવારી રહી હતી, શિવાની હિબકા ભરતા બોલી, "હું શું કરું? ખુશી મનાઉં કે દુઃખ?"


"આ બાળક રાખવું કે નઈ એ તારો નિર્ણય હશે, તારી સામે આખી જિંદગી પડી છે અને તારું ભવિષ્ય તારા હાથમાં છે. ભાઈની છેલ્લી નિશાની કે આ પરિવારનો વંશ સમજીને આ બાળક રાખવાનો વિચાર ન કરજે, અને મારું માને તો બાળક વગરની જિંદગી જીવવી થોડી સરળ રહેશે."


"સાંજ, તું શું બોલે છે?"


"આ બાળક ડગલે ને' પગલે તને ભાઈની યાદ અપાવશે, ભાઈએ કરેલો દગો પણ યાદ આવશે અને આ દુઃખ નફરતમાં ફેરવાતા વાર નઈ લાગે."


"હું તારી વાત સમજી ગઈ, પણ હું આ બાળકને કેમ સજા આપું? નીરજએ કરેલી ભુલની સજા બે બે જિંદગીઓ હોઈ શકે?"


સાંજએ કંઈ જવાબ ન આપ્યો અને ઓરડાની બહાર આવી ગઈ. શિવાની તેની પાછળ આંગણામાં આવી અને બાળક રાખવાનો નિર્ણય જણાવ્યો.

"હું શિવાનીના નિર્ણયને માન આપું છું અને આજ પછી આ બાબત પર કોઈજ ચર્ચાવિચારણા, વાતચીત કે સલાહનું આદાનપ્રદાન નઈ થાય એવી આશા રાખું છું." સાંજએ ભાવનાબેન સામે જોયું, ભાવનાબેનએ હકારમાં માથું હલાવ્યું.


"મેં તો પહેલાજ કીધું હતું કે આવુજ કંઈક થશે, શિવાનીને સમજાવવા તારે જવાનું હતું મમ્મી." સુરજ ગુસ્સામાં ધુંવાપુવાં થતો ત્યાંથી નીકળી ગયો, અરુણ ચિંકીને સાંજ સાથે રે'વાનું કહીને સુરજની પાછળ ગયો.

સાંજ ચિંકીને સુવડાવવા જતી હતી ત્યાં અચાનક દેવજીકાકા આવી ચડ્યા, શિવાનીએ ઈશારાથી તેને તેનું કામ કરવાનું કહ્યું અને તેં ચિંકીને સુવડાવવા લઇ ગઈ.
"આપણી છેલ્લી અને સૌથી ખતરનાક બાજી રમવાનો સમય આવી ગયો છે." દેવજીકાકાએ એક પતરાનું બોક્સ સાંજના હાથમાં મૂક્યું.
સાંજએ કાટ ખાઈ ગયેલા બોક્સ પર હાથ ફેરવ્યો અને બોલી, "મેં શરૂ કરેલા અધ્યાયનો અંત સમય આવી ગયો છે, માત્ર એક ચાલ અને પૂરું થશે આ રક્ત ચરિત્ર...."

ક્રમશ: