ડ્રીમ ગર્લ 17
સખ્ત તાપથી ધોમધખતી ધરતી વર્ષાને તરસે.... અને વર્ષાથી તૃપ્ત થયેલી ધરતી વનરાજીને ફેલાવવા સૂર્યને ઝંખે... સૂર્યની દ્રષ્ટિથી મોહિત થઈ વાદળાં ધરા છોડી ગગનમાં વિહરે.... વાહ ઈશ્વર વાહ...
જિગરને જીપના કાચ પર ઝાડવાઓની ડાળીઓ માંથી ચળાઈને આવતો સૂર્યપ્રકાશ અવનવા ભાવ પેદા કરતો હતો. અમી જિગરને કદાચ ચાહતી હોય. જિગર નિલુને ચાહતો હોય. અને નિલુ ? નિશિધ ને.... નો... એ અશક્ય છે. નિલુ મારી જ છે... અને મારી જ રહેશે. નહિ તો... નહિ તો શું ? જિગર પાસે કોઈ જવાબ ન હતો.
જિગરને ગરબા રમતા આવડતા ન હતા. ક્યારેય એવી કોઈ ઇચ્છા પણ થઈ ન હતી. પણ એને હવે થયું કે એને ગરબા રમતા આવડતા હોત તો એ નિશિધને ધક્કો મારી દૂર કરીને નિલુ સાથે ગરબા રમત. અને નિલુ ના પાડત તો ? તો એકલો રમત. અને એણે વિષ્ણુને કહ્યું હતું....
" આ ગરબા રમતા શીખવું હોય તો શિખાય ? "
વિષ્ણુ, રીના નો ભાઈ રોજ ગરબા રમવા જતો હતો. એ હસ્યો...
" જિગર ભાઈ, બે દિવસ. બે દિવસનું કામ છે. એક તાલી, બે તાલી, ત્રણ તાલી, રાસ અને પછી મન ફાવે એવી સ્ટાઈલો ઉમેરતા જાઓ. "
" મને શિખવાડીશ ? "
" ક્યારથી શીખવું છે ? "
" અત્યારથી જ. "
પછી રીના પણ જોડાઈ. અને જિગર પહેલી વાર નિલુ માટે કંઈક શીખીને માસીના ઘરેથી નીકળ્યો હતો. પ્રેમ કદાચ આવું પણ શીખવતો હશે.
** ** ** ** ** ** ** ** ** **
જિગર ઘરે આવ્યો ત્યારે સાંજના સાત વાગ્યા હતા. એને સોસાયટીમાં એક અજબ સન્નાટો લાગતો હતો. મેઈન ગેટ ખોલી એણે ગેરેજનો દરવાજો ખોલ્યો. જીપ અંદર મૂકી અને બન્ને દરવાજા બંધ કર્યા. નિલાના ઘર તરફ એક નજર કરી. કોઈ દેખાયું નહિ. ઘરમાં મમ્મીને મળીને એ ન્હાવા ચાલ્યો ગયો. સ્નાન કરી, વહેલો જમી એ પોતાની રૂમમાં, ઉપરના માળે ચાલ્યો ગયો.
નવ વાગે કમ્પાઉન્ડમાં આરતી થતી હતી. આરતી પછી પંદર વીસ મિનિટ પછી ગરબા ચાલુ થતા હતા. શરૂઆતમાં નાના બાળકો શરૂઆત કરતા અને ધીમે ધીમે બધા એમાં જોડાતા હતા. જિગરના મમ્મી આરતી પછી કમ્પાઉન્ડમાં જ એક ઓટલા ઉપર એક ખાટલા પર બેસતા હતા.
જિગર અરીસા સામે ઉભો રહ્યો. લાલ ઝભ્ભાની નીચે સફેદ ચોયણી જેવું એણે પહેર્યું હતું. જિગરને આમાં કોઈ ઝાઝી ખબર પડતી ન હતી, પણ રીના એ કહ્યું એવું એ રસ્તામાંથી લઈ આવ્યો હતો. કોઈ આછા સંકોચના ભાવ એને આવતા હતા. એણે રીનાને વિડીયો કોલ કર્યો.
" આવું ચાલશે ? "
" દોડશે.. "
" થેન્ક્સ. "
" થેન્ક્સ થી ના ચાલે. "
" તું માગજે એ આપીશ , બસ. "
" ભાભીના દર્શન કરાવજો.. બેસ્ટ લક. "
" થેન્ક્સ. સી યુ..મ આઈ લવ યુ... "
" આઈ ઓલસો લવ યુ. એન્ડ, વિડીયો મોકલવાનું ભુલાય નહિ. "
" નહિ ભુલાય. બાય. "
" બાય. "
** ** ** ** ** ** ** ** ** ** ** **
નવ વાગ્યાની આસપાસ આરતી શરૂ થઈ. જિગર નીચે ઉતર્યો. મનમાં શરમના ભાવ લઈ એ કમ્પાઉન્ડમાં ગયો. લગભગ પચાસ માણસોનું ટોળું થઈ ગયું હતું. અંદર કોણ છે એ દેખાતું ન હતું. જિગર એક વ્યક્તિને શોધતો હતો. પણ ક્યાંય કોઈ દેખાતું ન હતું. લાલ, લીલી, પીળી, વાદળી ચણીયાચોલીમાં એને ઓળખવી સહજ હતી. આખરે થાકીને જિગર આંખો બંધ કરી આરતીમાં જોડાયો.
માતાજીનો થાળ પત્યો અને જિગરે આંખો ખોલી. ટોળું માતાજીના મંદિર આગળથી વિખરાયું. નાના બાળકો માતાજીની આરતી અને પ્રસાદ લઈ બધાને વહેંચવા લાગ્યા. એક લાલ ચણીયાચોલી વાળી છોકરી અને બીજી એક ડ્રેસ પહેરેલી છોકરી એક સાઈડમાં ગયા. જિગર પીઠ જોઈને પણ ઓળખી ગયો. ચણીયાચોલી વાળી છોકરી તો અમી હતી. પણ સાથે નિલુ ? હા, એ નિલુ જ હતી. પણ આમ કેમ ? સાદા ડ્રેસમાં ? સ્હેજ દૂર જઇ બન્ને ગોળ ફર્યા. બન્નેના ચહેરા જિગરની સામે આવ્યા અને જિગર સ્તબ્ધ થઈ ગયો.
ઘરમાં પહેરવાના ડ્રેસ સાથે નિલુ તદ્દન બીમાર હોય એવું લાગતું હતું. એના ચહેરા પરનું તેજ અને હાસ્ય ગાયબ હતા. આંખો નીચે જાણે હતાશાનું આવરણ કબ્જો જમાવીને બેઠું હતું. ચાલમાં વ્યાપેલી નિરાશા તો જિગર પહેલાં જોઈ જ ચુક્યો હતો. એક અમંગળ કલ્પના જિગરને આવી ગઈ. જિગરના શરીરનું સારું સત્વ ચુસાઈ ગયું. એ નિરાશ વદને એ બન્ને તરફ આગળ વધ્યો. અમી અને નિલાની નજર જિગર પર પડી. અને એ બન્ને વચ્ચેની વાતચીત અટકી ગઈ. નિલા એ એક પળમાં જિગર તરફથી નજર હટાવી લીધી અને નીચું જોઈ લીધું. જિગર બન્નેની પાસે ગયો. અને કચવાતા મને બોલ્યો....
" હેલો... કેમ છો... ? "
અમી સ્હેજ હસીને બોલી....
" બસ, અમે મઝા માં. ક્યાં ખોવાઈ ગયા હતા ? "
જિગર કંઈ જવાબ આપે એ પહેલાં નિલા બોલી.
" અમી, હું ઘરે જાઉં છું. તું તારી રીતે આવી જ જે. "
અમી અને જિગરને મૂકી નિલા સડસડાટ એના ઘર તરફ ચાલી ગઈ. નિલાની નારાજગી અને ગુસ્સો સ્પષ્ટ દેખાતો હતો. અમી થોડી ઝંખવાણી પડી ગઈ. નિલા ચાલી ગઈ.
" જિગર, તને વાંધો ના હોય તો મારે તારી સાથે વાત કરવી છે. "
" હા, ચોક્કસ. બોલ. "
" અહીં નહિ. હું તારા ઘરે આવું છું. "
" ઓ.કે... "
જિગરનું મન અનેક આશંકાઓથી ભરાઈ ગયું...
(ક્રમશ:)
31 જાન્યુઆરી 2021