ડ્રીમ ગર્લ - 16 Pankaj Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડ્રીમ ગર્લ - 16

ડ્રીમ ગર્લ 16

સંધ્યા થવાની તૈયારી હતી. ગામના પાદરે તળાવના કિનારે થોડી ઉંચાઈ પર એક વર્ષો જૂનું શિવ મંદિર હતું. પુરાતન સમયમાં બંધાયેલ શિવ મંદિરની હાલત બીજા મંદિરોની સરખામણીમાં એટલી સારી ન હતી. પણ ભશ્મનો શણગાર સ્વીકારીને સ્મશાનને સ્વર્ગ માનનારને મનુષ્યના શણગારોની શું ખેવના હોય?
સંધ્યા આરતીની તૈયારી હતી. ગામના થોડા માણસો આરતી માટે આવ્યા હતા. મંદિરની પાછળની બાજુ તળાવથી દુર નીચાણમાં ખેતરો દેખાતા હતા . અને એનાથી દૂર ગુસ્સેથી લાલ થઈ સૂર્ય અસ્ત થવાની તૈયારી કરતો હતો. સૂર્યના ઉદય સાથે એક ચેતના આવે છે. આખી સૃષ્ટિમાં આનન્દનો સંચાર થાય છે. પણ સૂર્યાસ્તના સમયે એક ન કલ્પેલ અજાણી ઉદાસી મનને ઘેરી વળે છે. તદ્દન નાના, તાજા જન્મેલા બાળકોમાં રડવાનું પ્રમાણ સંધ્યા સમયે વિશેષ હોય છે.
મંદિરની કોટની દિવાલ પર જિગર પગ લટકાવી ને બેઠો હતો. તળાવના પાણી પર થઇને આવતા પવનમાં ઠંડક હતી અને એક અજબ સુગંધ હતી.
" રીના, તને નહિ સમજાય કે જીવનમાં કોઈ ખાસ વ્યક્તિનું આગમન થાય અને એવું લાગે કે એ વ્યક્તિ વગર નહિ જીવાય. અને એવું જ બને કે એ વ્યક્તિ વગર જીવવાનો સમય આવે તો જીવવું કેટલું દુષ્કર હોય છે. "
" જિગર, મને એ કેમ ના સમજાય? શું હું માણસ નથી? શું મને હદય નથી? શું મને સંવેદના નથી? શું મને ક્યારેય કોઈ માટે આકર્ષણ નહિ થયું હોય ? મને એ કેમ ના સમજાય ? "
જિગર રીના તરફ જોઈ રહ્યો. રીનાના રતુંબડા ગાલ પર ઢળતા સૂરજની લાલાશ હતી. જિગરને લાગ્યું કે રીનાની આંખમાં કોઈ ઉદાસી છે.
" જિગર, માણસ દુઃખી કેમ છે એ તને ખબર છે ? "
" હા ? "
" કેમ દુઃખી છે ? "
" જીવનમાં આવેલી વિષમ પરિસ્થિતિના કારણે. "
" જીવનમાં બધી વિષમ પરિસ્થિતિ આપ મેળે આવે છે ? "
જિગર મૌન રહ્યો. દૂર અડધા ડૂબેલા સૂર્યને એ જોઈ રહ્યો.
" જિગર, અડધા ઉપરાંતની વિષમ પરિસ્થિતિ માણસ જાતે ઉભી કરે છે. શું મને કોઈ ક્યારેય નહીં ગમ્યું હોય? કે કોઈ એ મને ક્યારેય પસંદ નહિ કરી હોય ? પણ એ માત્ર શારીરિક આકર્ષણને આપણે પ્રેમના વાઘાથી સજાવી દઈએ છીએ. "
" રીના, જો ફક્ત એવું જ હોત તો એનાથી સુંદર બીજી યુવતીને હું સ્વીકારી લેત. પણ મારું મન એના સિવાય બીજા કોઈના આકર્ષણમાં પડ્યું નથી. "
" મન જે નક્કી કરે છે એ કરીને જ રહે છે અને અગર જો એ પ્રાપ્ત ન થાય તો ઈગો હર્ટ થાય છે . "
" તારી વાતો મને ગળે ઉતરતી નથી. "
" એની પ્રાપ્તિની નિષ્ફળતામાં તને તારી હાર દેખાય છે. જે તને સ્વીકાર્ય નથી. એને પણ એની કોઈ પસંદ હોઇ શકે. એ એનો અધિકાર છે. અને એ તને પસંદ ના કરે તો તારી પાસે શું રસ્તો છે ? "
" હું એના વગર જીવવાની કલ્પના પણ કરી નથી શકતો. "
" તો જા અને લડ એના માટે. આમ મેદાન છોડી ને ભાગી ના જવાય. એની પસંદ નાપસંદને ધ્યાનમાં રાખી એને યોગ્ય બન. "
" છતાં એ ના મળે તો ? "
" તો ઈશ્વર એને સુખી કરે એવી પ્રાર્થના કર. "
" રીના, હું એટલો મહાન નથી. હું એમ એને છોડી નહિ શકું. "
" તો એનું અપહરણ કર. એની મરજી વિરૂદ્ધ એને લગ્ન કરવા મજબૂર કર. "
" એના પર બળજબરી કરું ? "
" હા. "
" ના, એ શક્ય નથી. "
" કાયદા થી ડરે છે ? "
" ના, મારું હદય એની પરમિશન ના આપે. "
" તો એને સુખી થવાના આશીર્વાદ આપી બીજું જે પ્રેમ કરનાર મળે એને સ્વીકારી લે. "
સૂર્યાસ્ત થઈ ગયો હતો. આરતી ક્યારે ચાલુ થઈ અને પતી ગઈ એ ખબર ના પડી.
" રીના, તારા જીવનમાં કોઈ છે ? "
" ના. "
" રીના, તું આટલી સુંદર છે અને તને કોઈ પસંદ ના કરે એવું ના બને. "
" જિગર, આજ દુઃખનું કારણ છે. સુંદરતા માટે નજીક આવનારના કારણે વિષમ પરિસ્થિતિ ઉભી થશે.બા, બાપુ એમનું શું ? એક બે વર્ષમાં બાપુ કોઈને જોશે અને મને પરણાવશે. "
" રીના, તને ના ગમતું પાત્ર, માસા માસીને ગમશે તો ? "
" એવી ચિંતા આજે શા માટે કરું. ગામ બહાર આ એકલો બેઠો છે, મારી ચિંતા કરવા વાળો. "
રીનાનો ઈશારો મહાદેવ તરફ હતો....

જિગરને લાગ્યું કે રીનાની વાત સાચી હતી. નિલુને એનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર હતો. અને પોતે ? મહાદેવ પર વિશ્વાસ છે. એ જે કરશે એ યોગ્ય જ હશે.
જિગર મહાદેવ સામે માથું ટેકવી વંદી રહ્યો....

** ** ** ** ** ** ** ** ** ** **

જીપ ધીમી ગતિ એ આગળ વધી રહી હતી. ત્રણ દિવસ એ માસીના ઘરે રહ્યો હતો. મમ્મીનો ફોન વારંવાર આવતો હતો. આખરે એણે મન મકકમ કર્યું અને માસીના ઘરેથી નીકળ્યો. રીનાની આંખમાં આંસુ આવી ગયા. જિગરનું મન વલોવાતું હતું. ગામના પાદરે એણે મંદિર પાસે જીપ ઉભી રાખી. ફરી મહાદેવને વંદી એ ઉભો રહ્યો. હે ઈશ્વર રીનાને સારું પાત્ર મેળવી આપજો. એ ભોળી છોકરીને હું દુઃખી નહિ જોઈ શકું...
( ક્રમશ : )

30 જાન્યુઆરી 2021