ડ્રીમ ગર્લ - 18 Pankaj Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડ્રીમ ગર્લ - 18

ડ્રીમ ગર્લ 18

" જિગર, ક્યાં ગયો હતો તું ? "
અમીના શબ્દોમાં કડકાઈ હતી. જિગર એના રૂમમાં પહેલી વખત કોઈ યુવતી સાથે હતો. એ પણ રાતના દસ વાગ્યાના સમયે.
" માસીના ઘરે ગયો હતો. "
" કેમ ? "
" બસ, એમ જ. "
" એમ ઉડાઉ જવાબ ના આપ. મેં એ દિવસના ગરબાના વિડીયો કોઈએ અહીંના વુમન્સ ગ્રૂપમાં મુકેલા જોયા હતા. નિશિધ અને નિલા સાથે ગરબા રમતા હતા એ તારાથી સહન ના થયું ? "
જિગર મૌન રહ્યો....
" આટલો જ પ્રેમ અને આટલો જ વિશ્વાસ ? તને ખબર છે, તું જતો રહ્યો પછી નિલા એક પણ વાર તૈયાર નથી થઈ અને એકપણ ગરબો એ રમી નથી. "
" અમી, સવાલ વિશ્વાસનો નથી. સવાલ હારી જવાનો છે. નિશિધ મને પ્રતિસ્પર્ધી લાગ્યો. અને મને લાગ્યું કે હું હારી ગયો. અમી તને ખબર નહિ હોય પણ જ્યારે મેં નિલુને પહેલી વાર જોઈ ત્યારે શું થયું હતું ? "
" ના. "
પહેલી વાર નિલાને જોઈ ત્યારથી પોતે અનુભવેલા સ્પંદનો જિગર વર્ણવી રહ્યો અને અમી એને સાંભળી રહી. પોતે જેને ચાહતી હતી એના મોઢે બીજી યુવતી પ્રત્યેનો પ્રેમ સાંભળવો કેટલો કઠિન હોય છે એ તો અમીનું હદય જ જાણે...

** ** ** ** ** ** ** ** ** **

એલાર્મ વાગ્યું. અને જિગરની આંખ ખુલી. ઘડિયાળમાં જોયું ,ચાર વાગ્યા હતા. જિગરનું શરીર થાકથી કળતું હતું. એક પળ એને એ ના સમજાયું કે શું ચાલી રહ્યું છે. એ બે મિનિટ બેડમાં બેઠો. ધીમે ધીમે એને યાદ આવ્યું કે કોઈ કામ માટે એણે એલાર્મ મુક્યું હતું.. કયા કામ માટે ? ઓહ.... એ ફટાફટ ઉઠ્યો. મ્હો ધોયું અને બ્રશ કરી. ટ્રાઉઝર અને ટીશર્ટ પહેર્યું. ગજવામાં પોકેટ મુક્યું. બુલેટ કે જીપ લઈ જવામાં મમ્મીના જાગી જવાનો ડર હતો. જિગરે ત્રણ ચાર વસ્તુ ટ્રાઉઝરના બેલ્ટમાં મૂકી. એક ડબ્બી ગજવામાં મૂકી. સાયકલની ચાવી લઈ એ બહાર આવ્યો. દરવાજો ધીમેથી લોક કરી દાદરો ઉતર્યો. કમ્પાઉન્ડમાં મુકેલી સાયકલ ઉંચકીને કમ્પાઉન્ડ વોલની બહાર મૂકી. અને પોતે બહાર કુદયો. એની નજર રોડની સામે ની બાજુ પડી. ત્યાં થોડા અંતરે કોઇ બે વ્યક્તિ સુતા હોય એવું લાગ્યું. જ્યાં સુધી જિગરને ખબર હતી ત્યાં સુધી આજ સુધી ત્યાં કોઈ વ્યક્તિ સૂતો ન હતો. પણ આજે ત્યાં કોઈને જોઈ એને સંદેહ ઉભો થયો. પણ સામેની સાઈડ રોડ લાઈટનું એટલું અજવાળું એ લોકો ઉપર પડતું ન હતું એટલે બહુ સ્પષ્ટ દેખાતું ન હતું.
જિગર સાયકલ પર બેઠો અને સાયકલ ચલાવી. લગભગ 600 કે 700 મિટર આગળ જઇ અંધારામાં જિગરે સાયકલ ઉભી રાખી અને પાછળ નજર નાખી. એ બે માંથી એક વ્યક્તિ ઉભો થઇ સાયકલ લઈ રોડ ઉપર આવ્યો હતો. એ વ્યક્તિએ સાયકલ જિગર ગયો એ રસ્તે સ્ટાર્ટ કરી.
જિગરે સાયકલ રવાના કરી.....

** ** ** ** ** ** ** ** ** ** **

" હેલો સર.... "
" યસ, વોટ હેપન્નડ ? "
" એ સાયકલ લઈને નીકળ્યો છે.શું કરવાનું છે ? "
" વોચ રાખો. કદાચ એક્સરસાઇઝ માટે પણ નીકળ્યો હોય. મને પછી રિપોર્ટ કર.... "

** ** ** ** ** ** ** ** ** ** **

જિગરે સાયકલની સ્પીડ એકદમ ઓછી રાખી હતી. એવું લાગતું હતું કે એ ટહેલવા નીકળ્યો છે. પેલો માણસ પણ સલામત અંતર રાખીને પાછળ આવી રહ્યો હતો. આગળ જતાં મેઈન રસ્તો સીધો જતો હતો. એક રસ્તો ડાબી બાજુ બોટાદ ગાંધીગ્રામ રેલવે લાઈનને પેરેલલ જતો હતો. જ્યાં આ રસ્તો અલગ પડતો હતો ત્યાં અંધારું હતું. જિગરે એક નિર્ણય લીધો અને ત્યાં અંધારામાં આવતાની સાથે જ સાયકલ ડાબી બાજુ વળાવી અને જેટલી તાકાત હતી એટલી તાકાત પેડલ પર આપી અને સાયકલની સ્પીડ વધારી દીધી. રેલવે લાઈનની પાસેનો એ રસ્તો એટલો અજવાળા વાળો ન હતો. સ્ટ્રીટ લાઈટ હતી પણ ખૂબ દૂર દૂર હતી.
પાછળ આવતા માણસને પહેલા તો કશું સમજાયું જ નહિ. પણ જેવો એ રેલવે લાઈન પાસે આવ્યો, આગળ કોઈ સાયકલ સવાર દેખાયો નહિ. એ સમજી ગયો કે આગળ વાળો માણસ ડાબી બાજુ વળી ગયો છે. અને એણે સાયકલ ડાબી બાજુ વળાવી. પણ એ પહેલાં જિગર ઘણો જ આગળ નીકળી ગયો હતો. જિગરે એક જગ્યા એ અંધારું જોઈ સાયકલને બ્રેક મારી અને સાયકલ રેલવે લાઈન બાજુ અંધારામાં લઈ લીધી અને રેલવેના કપચીના ઢગલા પાછળ સંતાઈ ગયો.
એ માણસને આગળ કોઈ દેખાયું નહિ. એ માણસે સાયકલની સ્પીડ વધારી અને જિગર જ્યાં છુપાયો હતો ત્યાંથી એ આગળ નીકળી ગયો. આગળ એ માણસને કોઈ દેખાયું નહિ. એ માણસ સમજી ગયો કે શિકાર છટકી ગયો છે. એને મુંઝવણ થઈ કે સરને શું કહીશ. એણે એના જોડીદારને ફોન લગાવ્યો..
" શિકાર છટકી ગયો. "
" વોટ ? "
" યસ, પણ સરને શું કહીશું ? "
" તું પાછો આવી જા. સરને કંઈક ગપ્પુ મારી દઇશું. "
" ઓ.કે... "
એ માણસે સાયકલ પાછી વળાવી. એ માણસ પાછો વળી ચુક્યો હતો. જિગરને રેલવે લાઈનની સામેની બાજુ જવાનું હતું. જિગરે સાયકલ ઉપાડી અને રેલવે લાઈન ક્રોસ કરી. એ માણસ નજીક આવી ચુક્યો હતો..

(ક્રમશ:)

2 ફેબ્રુઆરી 2021