DREAM GIRL - 6 books and stories free download online pdf in Gujarati

ડ્રીમ ગર્લ - 6

ડ્રીમ ગર્લ 06



જિગરે જોયું બહાર મીડિયાની ભીડ હતી , બહાર જવું મુશ્કેલ હતું. જિગરને ઈચ્છા થઈ કે પોતાના મોબાઈલમાંથી એ નમ્બર પર ફોન કરે. પણ પાછો મનમાં સંશય થયો. એ માણસ કોણ હશે ? જેને ફોન કરવાનો છે એ કોણ હશે ? ના , કોઈ લફડામાં પડવું નથી. રાતથી જિગર અહીં ચીટકીને બેઠો હતો એટલે પોલીસ એના પ્રત્યે ધીરે ધીરે બેપરવા થતી જતી હતી. પોલીસનું ધ્યાન વધારે પડતું મીડિયા અને પબ્લીક તરફ હતું. જગજાહેર રોડ પર કોઈને ગોળીઓ મારવી એ કોઈ નાની વાત નહતી. પોલીસ દરેક એન્ગલ ચેક કરી રહી હતી. ગેંગ વોરનો ભાગ કે અંગત દુષ્મનાવટ , કંઈ પણ હોઈ શકે.
જિગરે ઉભા થઇ એક સહજ તરીકાથી ત્યાં આંટો માર્યો. જિગરે જોયું કે નર્સ રૂમમાં થી બીજો કોઈ રૂમમાં થઈ બહાર જઇ શકાય છે. જિગર પાછો આવી બાંકડે બેઠો.
પોણા અગિયાર વાગે ડોકટર વિઝિટમાં આવ્યા. આખો સ્ટાફ બિઝી થઈ ગયો. જિગર ધીમેથી ઉઠ્યો. અને બાથરૂમમાં ગયો. બાથરૂમ માંથી નીકળી નર્સિંગ રૂમમાં કોઈ કામ હોય એમ એ નર્સિંગ રૂમમાં ઘૂસ્યો. ત્યાં એક નર્સ કંઈક લખવામાં બિઝી હતી. જિગર ધીમેથી બીજા રૂમમાંથી બીજી સાઈડની લોબીમાં થઇ બહાર નીકળ્યો.
એ સીધો જ મેઈન ગેટની બહાર આવ્યો. બહાર વાહનોની ખૂબ જ ચહલપહલ હતી. દર્દીઓના સગાઓ દવા લેવા બહારની દુકાનો એ આવતા જતા હતા. સામે જમવાની નાસ્તાની દુકાનો પર પણ ચલપહલ હતી. ચ્હાની કિટલી માણસોની હાજરીથી ધમધમતી હતી. બહારથી બે પોલીસ જીપ દરવાજાની અંદર ગઈ.સામાન્ય સંજોગોમાં સહજ લાગતી વાતો પ્રતિકૂળ સંજોગોમાં શંકાસ્પદ લાગતી હોય છે.
મોબાઈલમાં જમાનાના ફાયદાની સાથે નુકસાન પણ હતા. એક સમયે ઠેર ઠેર પી.સી.ઓ.મળતા , જે હવે શોધે મળે એમ નહતા. પણ આવડી મોટી હોસ્પિટલમાં આવતા બધા દર્દીઓની મોબાઈલ નહોય એ સ્વાભાવિક હતું. એટલે એક નાનકડું પી.સી.ઓ હજુ ચાલુ હતું. જિગર પી.સી.ઓ.ની દુકાનમાં ઘૂસ્યો. કાઉન્ટર પર એક ઉંમરલાયક જાડિયો માણસ મ્હોમાં પાન દબાવી છાપું વાંચતો હતો. પહેલી કેબિનમાં કોઈ એક માણસ ફોન પર જોર જોરથી વાત કરતો હતો. એનો અવાજ બહાર આવતો હતો. એ પોતાના સગા માટે ઘરેથી પૈસા મંગાવવા કોલ પર વાત કરી રહ્યો હતો. જિગર સૌથી છેલ્લી કેબિનમાં ગયો. કેબિનનો દરવાજો બંધ કર્યો. ગજવામાંથી એ કાગળ કાઢ્યો. જિગરે એ નમ્બર લગાવ્યો. ફોનની રીંગ વાગતી રહી. જિગરનું હદય ધડકતું હતું. સામેથી એક સુમધુર અવાજ આવ્યો.
" હેલો.... "
જિગર આજ સુધી એમ માનતો હતો કે સૌથી સુમધુર અવાજ એની ડ્રીમ ગર્લ નિલુનો છે. પણ આજે એવું લાગ્યું કે બીજા કોઈનો અવાજ પણ વધુ સુમધુર હોઈ શકે. પણ એ મધુરતાથી જિગરને કોઈ મતલબ ન હતો. એને એની નિલુની વાતો , એનું હાસ્ય , એની ચાલ , એનો લહેકો , એનો પહેરવેશ , એનું સાનિધ્ય મંત્રમુગ્ધ કરનારું હતું.
" હેલો .. હુ આર યુ ? "
જિગર ની તંદ્રા તૂટી. પણ કેવી રીતે શરૂઆત કરવી એ જિગરને સમજાતું નહતું. એ માણસ અનનોન હતો , આ ફોન વાળી વ્યક્તિ અનનોન હતી. બન્ને વચ્ચેનો સબંધ પણ અનનોન હતો.
" હેલો , આઈ એમ જિગર ફ્રોમ અમદાવાદ , ગુજરાત. "
" શું કામ હતું તમારે ? "
" મને એક વ્યક્તિએ આ નમ્બર આપી કોલ કરવા કહ્યું હતું . "
" કોણ વ્યક્તિ અને શેને માટે ફોન કરવાનું કહ્યું હતું ? "
" એ વ્યક્તિ. આઈ મીન. એ કદાચ 45 કે 50 ની આસપાસ હશે. એન્ડ હી ઇઝ ઇનજર્ડ. "
" એ વ્યક્તિ કોણ છે અને ક્યાં છે ? વાત કરાવો એમની સાથે. "
" આઈ એમ સોરી. એ મને ઇનજર્ડ અવસ્થામાં મળ્યા હતા. એન્ડ , એમણે આ નમ્બર આપ્યો અને એ બેહોશ થઈ ગયા. મેં એમને હોસ્પિટલમાં એડમીટ કરાવ્યા છે અને એ વાત કરી શકે એમ નથી. તમારા કોઈ સગા છે ? "
સામે એક પળ ચુપકી છવાઈ ગઈ. સામે નો અવાજ સ્હેજ ધ્રૂજતો હોય એવું લાગ્યું.
" તમે એમનો ફોટો મોકલી શકો છો ? "
" મોકલી તો શકું . પણ મારા ફોનથી મોકલવો પડે. અને હું કોઈ તકલીફમાં તો નહિ મુકાવું ને ? હું એમને બધી રીતે મદદ કરી જ રહ્યો છું. "
" પ્લીઝ ભાઈ , આટલા ઉપકાર પર એક ઉપકાર કરી દો. હું તમારા પગ ધોઈ ને પીશ. "
" કદાચ અંદર ફોટા ના પણ પાડવા દે. હું વીડિયો કોલ કરી અંદર જઈશ. તમે જોઈ લે જો. "
" ઓ.કે.. થેન્ક્સ .. "

** ** ** ** ** ** ** ** ** **

જિગર પાછળના રસ્તેથી અંદર ગયો. બે નર્સ કંઇક વાત કરી રહી હતી. નર્સે એની તરફ જોયું.
" એ મિસ્ટર અહીંથી ક્યાં જાવ છો ? "
જિગર હસ્યો. જિગરના હાસ્યમાં કોઈ જાદુ હતો.
" સિસ્ટર , પેલા મીડિયા વાળા પાછળ પડ્યા છે. અને ભૂખ બહુ લાગી હતી. તમે તો સમજતા જ હશો. "
" ઓહ , તમે તો પેલા ગોળીબારવાળા કેસમાં છો ને ? "
" હા , એને હોસ્પિટલમાં લાવનાર. "
નર્સ હસી. " ઓ.કે. ફટાફટ જતા રહો. "
જિગર અંદર થઈ બાંકડે જઇ બેસી ગયો.

** ** ** ** ** ** ** ** ** **

દિલ્હીના આશિયાના એપાર્ટમેન્ટના સાતમા માળે એ ઉભી થઇ. વિશાળ લક્ઝુરિયસ ફ્લેટના અંદરના રૂમમાં જતાં પહેલાં સુખડનો હાર ચઢાવેલ બે તસ્વીર ને એ જોઈ રહી.
અંદરના રૂમમાં જઇ એક સુંદર નાનકડા મંદિર સામે હાથ જોડી એ ઉભી રહી. એની આંખમાં ભીનાશ આવી.
" ના , પ્રભુ. હવે નહિ. હવે આઘાતો પચાવવાની મારામાં તાકાત નથી. અને હવે આઘાત આપવો જ હોય તો પહેલાં મને ઉપાડી લે જે. "
સમગ્ર સૃષ્ટિના રચયિતા , પોષનાર અને ટકાવનાર ને બે હાથ જોડી વિનવી રહી. માણસ કેટલો લાચાર હોય છે . માણસ ગમે તેટલો શક્તિશાળી હોય પણ પોતાના સ્વજનની જિંદગી બચાવવા એક જ શક્તિને શરણે એને જવું પડે છે. અને એ છે ઈશ્વર. મનુષ્ય જો દરેક પળે પોતાની આ નબળાઈનો ખ્યાલ રાખે તો માનવજીવન અડધી ગુન્હાખોરી માંથી મુક્ત થઈ જાય.
એના ફોન પર રીંગ આવી. વિડીયો કોલ હતો. એનો જ હશે. એણે આંખના આંસુ લૂછયા. કાનુડાના હસતા મુખારવિંદ તરફ નજર કરી અને કોલ રિસીવ કર્યો. એ ફોન પર એ વ્યક્તિને જોઈ રહી જે કહેતો હતો કે એણે કોઈ વ્યક્તિને હોસ્પિટલમાં એડમિટ કર્યો છે.
" હેલો , હું રૂમમાં દર્દી પાસે જાઉં છું. તમે એ વ્યક્તિને જોઈ લો. "
" ઓ.કે.. "
જિગરે ફોન એવી રીતે પકડ્યો કે કોઈને સ્ક્રીન દેખાય નહિ. જિગર જ એ વ્યક્તિની સાથે હતો . એટલે જિગરને કોઈએ રોક્યો નહિ. એ વ્યક્તિને ગ્લુકોઝની બોટલ ચાલુ હતી. એમાં કેટલાક ઇન્જેક્શનો નાખ્યા હતા. મ્હો પર ઓક્સિજન લગાવેલ હતો. એ વ્યક્તિની આંખો બંધ હતી. કમર સુધી કામળો ઓઢાડેલ હતો.

જિગરે મોબાઈલનો કેમેરો એ વ્યક્તિના મ્હો તરફ કર્યો. દિલ્હીના એપાર્ટમેન્ટની એ વ્યક્તિ એ મન મક્કમ કરવાની કોશિશ કરી. પણ ઘણું અઘરું હતું. એ બાજુમાં મુકેલા સોફા પર બેસી ગઈ.

( ક્રમશ : )

28 ડિસેમ્બર 2020


બીજા રસપ્રદ વિકલ્પો