હેતલ....... वात्सल्य દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હેતલ.......

સરખી સહેલી સાથે પાણીડાં ભરવા જવું,વાસણ માંજવા,કપડાં ધોવાં આ બધી પ્રક્રિયા નિયમિત કરતી સાથે વાતોડી તો બાપા ! બહુ જબરી.કોઈ સખી પૂછે કે હેં,અલી ! હેતલ, દરરોજ નવાં નવાં નખરાં પાછળ કોઈ તો તારું છે હો! અને એ લ્હેકો લેતી બોલી પડતી ના એવું કંઈ નથી.ગામને પાદર કૂવે પાણી ભરવા જવું તે તેની રોજિંદી પ્રવૃત્તિ હતી એની સહેલીઓ પણ હેતલ ની જ રાહ જોતી.તેના મુખમાં હમેશાં હાસ્ય ટપકતું.ગોળમટોળ મુખ, ઉજળી તો જાણે પૂનમ ની ચાંદની.તેની વાણી માં મીઠાસ ટપકે . તેના દાંત જાણે દાડમ ફોડી ને જોઈએ તો હારબદ્ધ ગોઠવાયેલા એકદમ સ્ફટીક દાણા જોઈ લો , હોઠ પર ક્યારેક લાલી લગાવે ત્યારે તો તાજાં ગુલાબ માં નીકળતું એક દલ કુણું માખણ... માથાના વાળ તો જાણે આકાશના ઘનઘોર વાદળ સમા લાંબા અને ભરાવદાર જાણે ભગવાને તેના માથામાં નિરાંતે બેસીને એકેક વાળ પાછળ કાળજી રાખી ગુંથન કર્યું ના હોય!તે કહેવા પુરતીજ ગામડાની કન્યા હતી,બાકી તેને જોતાં કોઈ ના કહે કે તે ગામડાની છોરી હશે. તે ભણી ઓછું હતી કેમકે તેની માતા આખો દી મંજૂરી કરતી,બાપની બીમારી માં કમાયેલી મૂડી ખૂબ ખર્ચાઈ જતી. તે તો તેના નાનકડા ખેતરે જાય અને નાનાં મોટાં કામ કરે, શાકભાજી વાવે અને થોડી ઘણી આવકમાં ઘરમાં પાંચ પાંચ બાળક વચ્ચે પૂરું પડે નહીં. હેતલ સૌથી મોટી હતી.ખૂબ મહેનત કરે. ઘરનું તમામ કામ તેને આવડે. વહેલી ઉઠી ઘરનો ચોક વાળે, છાણ પોદડા ઉઠી ઉકરડે નાખે, રજકણ ઉડે ના માટે ચોક મા આછું પાણી છાંટે. ગાય દોઈ તે પોતે સ્નાન કરી તુલસી ક્યારે જલાભિષેક કરે, ઘર મંદિરે દીવો કરી મનોમન પ્રાર્થના કરે અને ધીરે ધીરે બધાં જાગે તો ચા મૂકે.નાનાં ભાઈ બેનને તૈયાર કરે નાસ્તો કરાવી સ્કૂલ મૂકવા જાય.નાનો ભાઈ અને બૅનને રૂબરૂ મૂકી આવે.કેમકે તેની પાસે કોઈ વાહન ન્હોતું કે ઝડપી મૂકી આવે.ગામડામાં લોકો ખૂબ મહેનત કરી માંડ માંડ ઘરના ખર્ચા પુરા પાડતા આ એક પરિવારની નહીં બધાજ પરિવાર ની આ હાલત હોય છે.તે જૂની ઘરઘંટીએ બેસી અનાજ દળે આવાં સઘડાં કામ કરતી હેતલ ના મોઢા પર ક્યાંય થાક ના વર્તાય. ફળિયાના બધાં જ કહેતાં આ છોકરી તેના સાસરે જશે તો તે પરિવારને લક્ષ્મી ની ભેટ મળશે. અને સાચું ય છે કે તે સુંદર તો છે જ સાથે કામગરી પણ એટલી.વ્યવહાર કુશળ પણ એટલી.કોઈ પણ કામ હોય કે રસોઈ રાધવી હોય તો તે પાવરઘી હતી.ઓછું ભણી હતી છતાં ઘરનો તમામ હિસાબ તે દરરોજ નોટબુકમાં અચૂક ટપકાવી દેતી.ફળિયા ની લાડકી હતી તો ગામની પણ લાડકી હતી.નવરાત્રી હોય કે ઢોલ પર કાનુડો રમવો હોય તો તે બધાંની આગળ થઇ અન્ય સખીઓ ને જૂનાં લોકગીતો ગવડાવતી.હેતલ ભરજુવાનીના કિનારે ઉભી હતી.ગામના દરેક જુવાનિયાઓ પણ તેની શરમ ભરતા.'બેનબા' ના હુલામણા નામથી તેને સૌ સાદ પાડી પોકારતા. આટલી સંસ્કારી હેતલ પર આખું ગામ વારિ જતું.ગામની બીજી છોકરીઓનાં માં બાપ હેતલનું ઉદાહરણ પૂરું પાડતાં.નમણી નાજુકની જયાં જયાં પગલી પડતી ત્યાં ત્યાં તેના નામની ગુણોની ગુણ ભરી ભરી ગાથા ગવાતી. તેવી હેતાળવી હેતલને ઘણાં સારાં માગાં આવતાં. એક દિવસ તેના ઘેર સરકારી કામે સાહેબ આવ્યા.આ છોકરીની વ્યવહાર કુશળતા,સુંદરતા જોઈ તેના બાપુની પાસે બેસી બધીજ માહિતી મેળવી તે જતા રહ્યા. તેના ઘેર તેના પરિવાર ને વાત કરી, પરિવારે વાત મૂકી સંમતિ મળી,સગાઇ, લગ્ન થયાં અને આ છોકરીની વિદાયમાં આખું ગામ રડ્યું. તે સાહેબ ને પણ થયું કે આખું ગામ આ છોકરી પાછળ પાગલ છે. મનોમન સંકલ્પ કર્યો તેને ભણાવીશ... અને એને પતિ ની હૂંફ મળી.સાસરે તમામ કામ કરતાં કરતાં ભણી.કોઈ એક જિલ્લાની કલેકટર બની.તેના ગામમાં ખબર પડી કે હેતલ તેના માં બાપ ને મળવા આવે છે. આજે તે મા બાપ ની નહીં ગામની દીકરી આવે છે. આખા ગામમાં તોરણ બંધાયાં.વાજતે ઢોલે તેના સામૈયામાં માનવ સમુદ્ર છલકાયો.હરખની હેલી તેના ઘર સુધી મૂકવા આવી...ગામની બધીજ દીકરીઓને તેમનાં માં બાપ કહેતાં હતાં કે તારે પણ આ "હેતલ'' જેવું થવાનું છે.
અસ્તુ !
- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય (