હું રાહ જોઇશ! - (૧૪) Alish Shadal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હું રાહ જોઇશ! - (૧૪)

તમાચો મારનાર વ્યક્તિ બીજું કોઈ નહિ પણ આહના હોય છે. તેને આરવની વાત સાંભળી ખુબજ દુઃખ થાય છે. અને તેને ગુસ્સો પણ એટલો જ આવે છે. એટલે જ તે ગુસ્સામાં આરવને તમાચો મારે છે અને ગમેતેમ બોલીને ત્યાંથી જતી રહે છે. આરના તેની પાછળ પાછળ તેને સમજાવવા માટે જાય છે.

આરવ પણ આહનાની વાતને કારણે દુઃખી થઈને જતો રહે છે. અભય ત્યાંજ બેઠો હોય છે. ઘણો સમય થઈ ગયો હોવા છતાં પણ તે બેધ્યાન જ હોય છે. હજી પણ તે એમજ બેઠો હોવાથી અંતે વેદિકા તેના ખભા પર હાથ રાખે છે.

"અભય, મને તારા પર વિશ્વાસ છે. તું આવું ના કરી શકે. આરવને કોઈ ગેરસમજણ થઈ લાગે છે." વેદિકા કહે છે.

વેદિકાની વાત સાંભળી અભય તેને ભેટી પડે છે. તે થોડીવાર સુધી એમજ રહે છે. વેદિકા તેના માથામાં હાથ ફેરવે છે. અભયને આરવની વાતનું ખુબજ ખોટું લાગ્યું હોય છે.

"વેદી, તે આવું કેવી રીતે વિચારી શકે? મારા મનમાં પણ આવો વિચાર ના આવે અને તે એવું માને છે કે મેં આવું કર્યું. મને ખુબજ દુઃખ થયું છે તેની વાતોનું." અભય દુઃખી અવાજે બોલે છે.

"અભય, કોઈ ગેરસમજ થઈ હશે. અને એટલે જ એ આવું બોલે છે. બાકી તને ખબર છે ને કે એ આવું કદી ન કરે. એટલે પ્લીઝ તું આવી બાબતનું ખોટું ના લગાડ."

"વાંક મારો જ છે. મેં જ કોઈ ભૂલ કરી હશે જેને કારણે તેને આવી ગેરસમજ થઈ હશે. બાકી એ આવું ના વિચારે."

"અભય, ખોટો દોષનો ટોપલો તારા પર લઈને દુઃખી ન થા."

"ના, હું દોષી તો છું જ. મારું જ કોઈક વર્તન એવું રહ્યું હશે."

"હવે એક પણ શબ્દ આવો નીકળ્યો તારા મોઢામાંથી તો હું તારાથી નારાજ થઈ જઈશ. એકવાર કહું છું તો સમજ નથી પડતી કે તારો કોઈ વાંક નથી. તારે આ બધું વિચારવાની જગ્યાએ હવે એની ગેરસમજણ કેવીરીતે દૂર કરવી એ વિચારવું જોઈએ." વેદિકા થોડા ગુસ્સા સાથે કહે છે.

"તારી વાત સાચી છે. મારે દુઃખી થઈને બેસી રહેવાનું નથી. મારે તેની ગેરસમજણ દૂર કરવી જ પડશે. અને એનો મારે પાસે રસ્તો પણ છે."

અભય ઊભો થઈને આંસુ સાફ કરતા બોલે છે. પછી તે ઝડપથી દોડતો દોડતો પાર્કિંગ તરફ જાય છે. વેદિકા પણ એની પાછળ દોડે છે. પણ અભયની ઝડપને એ પહોંચી વળતી નથી. એ પાર્કિગમાં પહોંચે ત્યારે અભય તેની ગાડી લઈને નીકળી ચૂક્યો હોય છે. વેદિકાને હવે વાત વધુ બગડશે એવી ચિંતા થાય છે એટલે એ આરનાને ફોન કરે છે.

"આરના, જલ્દી પાર્કિગમાં આવ. અભય એકલો એકલો જ આરવની પાછળ ગયો છે. ભગવાન કરે એ બે ફરીથી ઝગડી ના પડે." વેદિકા ચિંતા સાથે ફોન પર કહે છે.

વેદિકના ફોન મૂકતા જ આરના અને આહના બંને દોડતા દોડતા આવે છે. તેઓ આવીને તરત જ વેદિકાને સવાલ કરવા લાગે છે.

"એ બધું પછી કહીશ. પણ હમણાં આપણે જલ્દી પહોચવું પડશે. પણ તેઓ ગયા ક્યાં હશે?" વેદિકા કહે છે.

"આરવ ગુસ્સામાં હોય ત્યારે ઘરે જ જાય છે. એટલે આપણે મારા ઘરે જ જઈએ." આરના કહે છે.

"હા ચાલો જલ્દી. આપણે કેબમાં જ જવું પડશે. કારણકે તે બંને તો આપણને મૂકીને જતા રહ્યા." આહના કહે છે.

પછી તેઓ ઝડપથી કોલેજની બહાર નીકળે છે. અને ચાલતા ચાલતા જ વેદિકા કેબ બુક કરાવી દે છે. તેઓ જેવા કોલેજની બહાર પહોંચે તેવી જ ત્યાં કેબ આવી ગઈ હોય છે. તેઓ ઝડપથી કેબમાં બેસી જાય છે.

તો આહના, આરના અને વેદિકા બહાર ગયા તેવા જ ત્યાં વૈશાલી અને હર્ષિતા આવે છે. આજે પહેલીવાર એવું બન્યું હતું કે આખું ગ્રુપ આમ અલગ અલગ વિખેરાઈ ગયું હતું. બાકી હમેશા આખું ગ્રુપ સાથે જ હોય છે.

તેઓ ત્યાં ઊભા વ્યક્તિને પૂછે છે તો તેમને બધી વાત જણાવે છે. આ બધું જાણીને વૈશાલી અને હર્ષિતા પણ આરવના ઘરે જવા નીકળે છે.

પણ જેવા વૈશાલી અને હર્ષિતા ત્યાંથી જતા હોય છે ત્યારે એમને કોઈકના વાત કરવાનો અવાજ આવે છે અને તેઓ તે તરફ જાય છે તો તે વ્યક્તિને જોઈને ચોંકી જાય છે.

તેઓ તેમની વાત સાંભળીને ઝડપથી ત્યાંથી જતા રહે છે. એ વાત પણ એટલી જ વિસ્ફોટક હોય છે કે જેનાથી તેમને હજી પણ ધ્રુજારી આવતી હતી.

આ બાજુ કેબમાં આરના લોકો વાત કરતા હતા.

"હા તો હવે કહે શું થયું હતું?" આરના પૂછે છે.

વેદિકા તેમને બધી વાત જણાવે છે.

"હે ભગવાન! હવે શું થશે? કારણકે આરવનો ગુસ્સો ખુબજ ખરાબ છે. ભગવાન કરે તે એવું ના બોલી દે કે તેને પોતાને જ ભવિષ્યમાં પસ્તાવો થાય કે તે શું બોલ્યો હતો." આહના કહે છે.

"મને પણ એ જ વાતની ચિંતા છે. વાત વધારે ના વણસી જાય." આરના કહે છે.

"હા. પણ અભયના દિમાગમાં શું ચાલતું હતું ભગવાન જાણે. પણ એમ કહેતો હતો કે આ ગેરસમજણ દૂર કરવી જ પડશે." વેદિકા જવાબ આપે છે.

"એવું જો થાય તો તો ખુબજ સરસ. ભગવાન મળ્યા જો એવું થશે તો." આહના કહે છે.

આમ વાત કરતા કરતા તેઓ આરવના ઘરે પહોંચે છે. પણ ત્યાં તો કઈક અલગ જ પરિસ્થિતિ હોય છે...

જ્યારે બીજી બાજુ વૈશાલી અને હર્ષિતા ખુબજ ચિંતામાં વાતો કરતા હોય છે.

"એક પણ જણનો કોન્ટેક્ટ થતો નથી. જો એમને જાણ ન કરી શકીશું તો ખુબજ મોટો અનર્થ થશે." વૈશાલી કહે છે.

"હા. મને પણ ચિંતા થાય છે. કારણકે જો આ લોકો સફળ થશે તો આરવ અને અભય વચ્ચે હજી મોટી તિરાડ પડશે." હર્ષિતા કહે છે.

વૈશાલી તો આ સાંભળીને એના સ્વભાવ મુજબ રડવા લાગે છે અને બોલે છે.

"શું થવા જઈ રહ્યું છે આપણા ગ્રુપને? થોડા દિવસ પહેલા તો કેટલી મજા કરતા હતા આપણે. ના જાણે કોની નજર લાગી ગઈ છે."

"અરે આમાં રડવાનું શું? આપણને તો બધું ખબર પડી ગઈ ને? ચાલ આપણે જલ્દીથી જઈને બધું જણાવી દઈએ." હર્ષિતા કહે છે.

પછી તે બંને પણ આરવના ઘર તરફ જવા રવાના થાય છે...

(ક્રમશઃ)