Rajkaran ni Rani - 61 books and stories free download online pdf in Gujarati

રાજકારણની રાણી - ૬૧

રાજકારણની રાણી

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૬૧

જનાર્દન આવનાર માણસને શંકાની નજરથી જોઇ રહ્યો હતો. પરંતુ તે જે રીતે અધિકારથી અંદર આવી ગયો હતો એ જોતાં એને ગુસ્સામાં કંઇ કહેવાનું યોગ્ય ના લાગ્યું. એ કોઇ જાણીતી વ્યક્તિ હોય અને પોતાનાથી બિનજરૂરી કંઇ બોલાઇ જાય તો સુજાતાબેનને મુશ્કેલી થાય એમ હતી. એ અંદર આવીને બેઠો અને જનાર્દનને અવાચક ઊભેલો જોઇ સહેજ હસીને બોલ્યો:"મને ઓળખ્યો નહીં?"

જનાર્દને નવાઇથી કહ્યું:"ના, હું આપને પહેલાં મળ્યો નથી..."

"અચ્છા! નામ તો સાંભળ્યું જ હશે!" તે હસ્યો

"હં...પણ તમે કહ્યું જ ક્યાં છે? તમે સીધા અંદર આવી ગયા છો..." જનાર્દને અવાજને બને એટલો સપાટ રાખીને કહ્યું.

"ઓહ! તમે સાચા છો! હું ધારેશ છું. સુજાતાબેન દ્વારા મારા વિશે જાણ્યું હશે..." બોલીને તે આમતેમ જોવા લાગ્યો.

જનાર્દનને થયું કે સુજાતાબેને તો એના વિશે માત્ર નામોલ્લેખ જ કર્યો છે. પોતે ભલે હિમાનીને ટીનાએ કહ્યું હતું એટલું જાણતો હતો પણ ધારેશ એક વ્યક્તિ તરીકે તો અજાણ્યો જ હતો. સુજાતાબેને એના વિશે ઘણું બધું કહી દીધું હોય એમ માનીને કહી રહ્યો છે કે શું?

"સુજાતાબેને એક વખત કહ્યું હતું કે તમે પાટનગરમાં રાજકારણનું કામ સંભાળી રહ્યા છો. બીજો કોઇ પરિચય નથી..." જનાર્દને સત્ય જ કહ્યું.

"વાંધો નહીં...." બોલીને તે વિચારમાં પડી ગયો. તેને કદાચ એમ હશે કે સુજાતાબેને એનો જે કંઇ પરિચય છે એ અમારી સમક્ષ વ્યક્ત કરી દીધો હશે. સુજાતાબેન દ્વારા એની વાત કેમ કરવામાં આવી નથી એનું કારણ વિચારતો હોય એમ એ ચૂપ હતો ત્યારે જનાર્દને પૂછ્યું:"તમે ગઇકાલે જ આવી ગયા હતા?"

"હું બે-ત્રણ દિવસથી અહીં જ છું. સુજાતાબેનનો હુકમ હતો કે અહીં રાજકારણ પર ખાસ નજર રાખવી!" કહીને તે મર્માળુ હસ્યો.

"આપને શું લાગે છે? નવી સરકારની રચનાનું કામ સુપેરે પાર પડી જશે ને? કોઇ ડખો તો લાગતો નથી ને? આજકાલ ચૂંટણી જીત્યા પછી બધાની અપેક્ષાઓ વધી જતી હોય છે..." જનાર્દને તેનું મન કળવા સવાલ સાથે સ્થિતિ જાણવા પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો.

"અપેક્ષા તો કોને કયા ક્ષેત્રમાં હોતી નથી? કોલેજમાં પાસ થયા પછી યુવાન નોકરીની અપેક્ષા રાખે છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર ઉમેદવાર પોતાનો નંબર લાગે એવી અપેક્ષા રાખે છે. ચૂંટણીમાં પણ દરેક ઉમેદવારે એવી જ મહેનત કરી હોય છે. પણ અલગ રીતે! કોઇ લોભ લાલચ આપીને તો કોઇ પોતાની સ્વચ્છ પ્રતિભાથી જીતીને આવે છે. રાજકારણમાં કોઇને પૈસા બનાવવા છે તો કોઇને ખરેખર સેવા કરવી છે..."

ધારેશ બોલ્યો પણ એની વાતમાં કોઇ દમ ન હતો. જનાર્દનને થયું કે એણે પોતાના પ્રશ્નને ટાળવાનો પ્રયત્ન કર્યો છે.

"આજે રાજેન્દ્રનાથ માટે મતદાન થયું એ બતાવે છે કે એમને સત્તા જોઇએ છે. બાકી જો એમને સત્તાની લાલચ ના હોત તો હાઇકમાન્ડને આદેશ કરવાનું કહ્યું હોત અને એમનો નિર્ણય માથા પર ચઢાવવાની વાત કરી હોત..." જનાર્દને ધારેશ બધું જાણે છે એમ માનીને વાત કરી.

જનાર્દનની કલ્પના સાચી હતી. તે બોલ્યો:"કોણ જાણે શું ગણતરી હોય. હવે પરિણામ પર આધાર છે. મને તો લાગે છે કે રાજેન્દ્રનાથને આ વખતે નવા ધારાસભ્યોનું સમર્થન મળશે નહીં. એમને ખબર છે કે તે કેટલા ભ્રષ્ટાચારી છે. તેમને પ્રજાની કંઇ પડી નથી. પોતાનું હિત જ જોતા આવ્યા છે....'

ધારેશની વાત પરથી જનાર્દનને એ સમજતાં વાર ના લાગી કે તે નવા સભ્યોની વાતના બહાને સુજાતાબેનની વાત કરી રહ્યો છે. અને એ વાત નક્કી કે સુજાતાબેને રાજેન્દ્રનાથની વિરુધ્ધમાં મત આપ્યો હશે. બીજાની તો ખબર નથી પણ સુજાતાબેન રાજેન્દ્રનાથને સમર્થન આપે એમાંના નથી. તેઓ આવા મતલબી અને લોભી સત્તાધીશોના વિરોધી છે. ભલે રાજેન્દ્રનાથને વધુ મત મળે પણ એની વિચારધારા સાથે ઘણા સંમત નથી એનો અંદાજ એમનો આપવો જોઇએ. જનાર્દનને ધારેશ વિશે જાણવાની ચટપટી હતી પણ કેવી રીતે વાત શરૂ કરવી એની મૂંઝવણમાં હતો. સુજાતાબેન સાથેના પ્રેમ વિશે પોતાનાથી પૂછી ના શકાય અને એનાથી કહી ના શકાય પણ કેટલા અંતરંગ સંબંધ છે કે કેવો પરિચય છે એની વાત કરી શકે છે. ત્યાં ધારેશ જ બોલ્યો:"મને સુજાતાબેનનો ફોન આવ્યો કે મિ.જનાર્દન એકલા કંટાળશે. એમની પત્ની મારી સાથે છે એટલે એમને કંપની આપજો..."

જનાર્દનને થયું કે સુજાતાબેન ઉતાવળમાં આ વાત કરવાનું ભૂલી ગયા હશે. અને ધારેશને એમ કે એમણે વાત કરી જ હશે એટલે સીધો રૂમમાં પ્રવેશી ગયો હતો.

"હા, તમારા વિશે જાણવું ગમશે..." કહી ધારેશે તક ઝડપી લીધી.

"એક મિનિટ..." કહી તેણે મોબાઇલમાં આવેલા મેસેજ પર નજર નાખી અને ચોંકી ગયો હોય એવા ભાવ ચહેરા પર આવી ગયા. ધારેશને થયું કે કોઇ મહત્વનો મેસેજ લાગે છે. તેને પૂછવાનું યોગ્ય ના લાગ્યું. કોઇ અંગત મેસેજ પણ હોય શકે.

એ મેસેજ રાજકારણનો હતો એટલે એ બે વખત વાંચીને બોલ્યો:"કમાલ કરે છે આ રાજકારણીઓ તો..."

"કેમ શું થયું?" જનાર્દને ઉત્સુક્તાથી સવાલ કર્યો.

"જુઓને, રાજેન્દ્રનાથ તરફી પરિણામ આવ્યું..." ધારેશે નવાઇથી કહ્યું.

"ઓહ! તો એની બાજુ ઘણા ધારાસભ્યો ઉભા રહ્યા. એ જૂના છે ને? બધાંને સાચવી લીધા હશે. પણ એમની વિરુધ્ધમાં કેટલા મત પડ્યા? બધાં એમની કાર્યપધ્ધતિથી સંતુષ્ટ નથી..." જનાર્દન સુજાતાબેનને યાદ કરીને બોલ્યો.

"એમની વિરુધ્ધમાં એક પણ મત નથી..."

"શું?"

"હા, મને પણ નવાઇ એ જ વાતની છે."

"એકપણ જણ એમની વિરુધ્ધ મત આપવાની હિંમત કરી શક્યું નહીં?"

જનાર્દનના સવાલમાં 'સુજાતાબેન'નું અવ્યક્ત નામ પણ હતું.

"ના. સુજાતાબેનનો જ મેસેજ છે કે બધા જ મત રાજેન્દ્રનાથને મળ્યા છે..." જનાર્દને સ્પષ્ટતા કરતાં કહ્યું. જાણે સુજાતાબેને એ જણાવવા જ મેસેજ કર્યો હોય કે તેમણે રાજેન્દ્રનાથને મત આપ્યો છે.

જનાર્દનને થયું કે તેની ધારણા કરતાં સુજાતાબેન અલગ જ નીકળી રહ્યા છે. તેમને મંત્રીપદની ઓફર રાજેન્દ્રનાથે કરી હતી. અને બીજી ન જાણે કેટલી લાલચ આપી હશે. બીજાની જેમ સુજાતાબેન પણ એમની હામાં હા મિલાવવા લાગ્યા છે. તેમને પણ સત્તાનો મોહ લાગી રહ્યો છે. એમના વિચારોનો એમણે કરેલા મતદાન સાથે મેળ કેમ દેખાતો નથી? પાટનગરના રાજકારણનો એમને ખરેખર રંગ લાગી ગયો છે?

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો