રાજકારણની રાણી - ૬૦ Mital Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાજકારણની રાણી - ૬૦

રાજકારણની રાણી

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૬૦

જનાર્દન ધારેશની ભૂમિકા વિશે વિચારી રહ્યો હતો. ટીનાની વાત પરથી ધારેશને સુજાતાબેનના પ્રેમી કે દોસ્ત તરીકે કલ્પી લીધો હતો. પરંતુ એ વાતમાં કેટલું તથ્ય હતું એ શોધવાનું બાકી હતું. ધારેશને પોતાનાથી પહેલાં મોકલીને સુજાતાબેન કોઇ બાજી ગોઠવી રહ્યા હતા કે શું? એવું અનુમાન તે કરી રહ્યો. સુજાતાબેનને મંત્રી બનવાની કોઇ લાલચ દેખાતી નથી. બાકી રાજેન્દ્રનાથે એમને ઓફર કરી જ હતી. એવું લાગે છે કે તેમને સત્તાની કોઇ મોહમાયા નથી. આ બધું પૂરું થયા પછી માત્ર ધારાસભ્ય તરીકે લોકોની સેવા કરતા રહી શકે છે. તેમણે લોકોની સેવા માટે જ રાજકારણમાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. શંકરલાલજીએ એમના પ્રજાલક્ષી સારા ઇરાદાઓ અને યોજનાઓ જોઇને એમને ટિકિટ અપાવી હતી.

એક તરફ 'ભારત લોકસમર્થન સંવાદ પાર્ટી' પોતાની સરકાર બનાવવા માટે મીટીંગો યોજી રહી હતી ત્યારે બીજી તરફ વિરોધ પક્ષ તરીકે 'એમ.જે.પી.' તેને ભીંસમાં લઇ રહી હતી. 'એમ.જે.પી.' એ એડીચોટીનું જોર લગાવ્યું હતું. તેણે મતદારોને રીઝવવા માટે જાતજાતની યોજનાઓ મૂકી હતી. ઘણી વસ્તુઓ અને સેવાઓ મફતમાં આપવાની જાહેરાત કરી હતી. ઘણા મતદારોએ એને માછલીને ફસાવવાની જાળ સમજી હતી. તો કેટલાકે એને ધ્યાનમાં રાખીને જ મત આપ્યા હતા. છતાં 'એમ.જે.પી.' બહુમતિથી દૂર જ રહી હતી. છેલ્લા જાહેર થયેલા પરિણામમાં 'એમ.જે.પી.' ને ૪૭ બેઠકો મળી હતી. અપક્ષો માંડ ૩ બેઠક આંચકી શક્યા હતા. 'ભારત લોકસમર્થન સંવાદ પાર્ટી' ૭૨ બેઠકો સાથે આગળ હતી. જનાર્દનનું ગણિત કહેતું હતું કે પાંચ વર્ષ સત્તા ટકાવવા માટે આ બેઠકો ઓછી હતી. કેટલાક ધારાસભ્યો નારાજ થઇ જાય, બીજા પક્ષમાં ચાલી જાય, કોઇ કારણથી રાજીનામું આપી દે, કોઇ તકનીકી કારણસર બેઠક ખાલી પડે જેવા અનેક પરિબળોને ધ્યાનમાં લેતાં કોઇ દબાણ વગર શાંતિથી પાંચ વર્ષ પૂરા કરવા વધુ બેઠકોની જરૂરિયાત હતી.

જનાર્દનને થયું કે રાજેન્દ્રનાથ બધું 'મેનેજ' કરવામાં પાવરધા છે એટલે પક્ષને વાંધો આવવાનો નથી. ખરો પ્રશ્ન ધારાસભ્યોની અને લોકોની અપેક્ષા પૂરી થવાનો છે. રાજેન્દ્રનાથ બીજી વખત મુખ્યમંત્રી બન્યા પછી પક્ષના આકાઓના કાબૂમાં રહે એવા નથી. કદાચ એટલે જ શંકરલાલજીએ તેમની નકેલ કસવા મતદાન કરાવ્યું છે. જો મુખ્યમંત્રી માટે રાજેન્દ્રનાથને ઓછા મત મળે અને ફરી પદ સોંપાય તો એ કાબૂમાં રહી શકે છે. શંકરલાલજીને ખબર છે કે ઘણા ધારાસભ્યો એમનાથી નારાજ હતા. આ વખતે નવા ધારાસભ્યો રાજેન્દ્રનાથ તરફ કેવો અભિગમ રાખે છે એના પર બધો આધાર રહેવાનો છે.

આજની બપોરની બેઠક રાજ્યના ભાવિ મુખ્યમંત્રીનું નામ તો નક્કી કરવાની નથી. એ જરૂર સ્પષ્ટ થઇ જશે કે રાજેન્દ્રનાથ ખુરશી પકડી રાખશે કે એમણે છોડવી પડશે? જોકે, તે આસાનાથી ખુરશી છોડે એવા નેતાઓમાંના નથી. આકાશ- પાતાળ એક કરી શકે એમ છે.

શંકરલાલજીની નવા ધારાસભ્યો સાથેની બેઠકની ગંધ મીડિયાને આવી ગઇ હતી. અને નવી સરકાર રચવા કવાયત ચાલી રહી હોવાના અહેવાલો આપવાનું શરૂ થઇ ગયું હતું. મીડિયાને હજુ એ વાતની ખબર પડી ન હતી કે શંકરલાલજીએ રાજેન્દ્રનાથની શક્તિ ચકાસવા નવા ધારાસભ્યોનું મતદાન કરાવ્યું છે. મીડિયાના અહેવાલોમાં 'પક્ષ દ્વારા જીત અંગે ખુશી વ્યક્ત કરવામાં આવી' અને 'પ્રજાનો આભાર માનવામાં આવ્યો' જેવા સુષ્ઠુ સુષ્ઠુ અહેવાલો આપવામાં આવી રહ્યા હતા. એક ચેનલ એમજેપી તરફી લાગતી હતી. એમજેપીના એક નેતાએ ચૂંટણી દરમ્યાન બે-ત્રણ જગ્યાએ ઇવીએમ મશીનમાં ગરબડ થઇ હોવાની વાતને ચગાવી હતી. તેમના એક નેતાએ ઇવીએમ હેક થયાની ફરિયાદ પણ નોંધાવી હતી. બધાં જ જાણતા હતા કે આ મામલો કોર્ટમાં લઇ જવાશે તો પણ લાંબા સમય સુધી તેનો ચુકાદો આવવાનો નથી. અને 'ભારત લોકસમર્થન સંવાદ પાર્ટી' ની વિરુધ્ધમાં ચુકાદો આવે તો પણ કોઇ મોટો ફેર પડવાનો ન હતો. એમજેપીએ પોતાની હાર સ્વીકારી લીધી હતી અને વિરોધ પક્ષની ભૂમિકા ભજવવાની શરૂઆત કરી દીધી હતી. વિરોધ પક્ષે મોંઘવારી, બેરોજગારી સાથે આધુનિક ટેકનોલોજી અને ડિજિટાઇઝેશનથી વધેલા ઠગાઇના કેસો માટે પસ્તાળ પાડવાનું શરૂ કરી દીધું હતું.

જનાર્દનને થયું કે ચૂંટણી દરમ્યાન પણ એમજેપીએ આવા જ મુદ્દા રજૂ કર્યા હતા. બીજી તરફ સુજાતાબેન જેવા ઘણા ધારાસભ્યોએ લોકોનો વિશ્વાસ પહેલાંથી જ જીતી લીધો હતો. જૂના ઘણા એવા ધારાસભ્યો હતા જેમણે પોતાને ફાળવેલી તમામ ગ્રાંટનો ઉપયોગ કરીને પ્રજાની સુખાકારી માટે કામો કર્યા હતા. પક્ષને કોરોનાની મહામારી દરમ્યાન સ્થાનિક અને સામાજિક સંગઠનોનો સારો સાથ મળ્યો હતો. તેઓ સમાજ માટે વધુ સારી સેવા કરી શકે એ માટે ચૂંટણી ઢંઢેરામાં કેટલીક યોજનાઓ લાવવાની જાહેરાત થઇ હતી. એ બાબત પક્ષની તરફેણમાં રહી હતી. આવા અનેક એવા વિચાર હતા જે સુજાતાબેન તરફથી થયા હતા. અને એ કારણે પક્ષને ચૂંટણીમાં લાભ થયો હતો.

જનાર્દન રાતના ઉજાગરા અને થાકને કારણે થોડીવાર આડો પડ્યો અને તેની આંખ મીંચાઇ ગઇ. બપોર પડી ગઇ અને ભોજન આવ્યું ત્યારે હિમાનીએ એને જગાડ્યો. મજાક કરતાં કહ્યું:"જનાર્દન...જનાર્દન હવે ઊઠો... બધાંની ઉંઘ ઉડી ગઇ છે ત્યારે તમે આરામથી ઘોરી રહ્યા છો!"

"આપણે ક્યાં ચૂંટણી લડ્યા છે તો ઉંઘ બગાડવાની? જો સરકાર સારું કામ નહીં કરે તો પ્રજાની ઉંઘ બગડશે. અને સરકાર ઉજાગરા કરીને પ્રજાના હિતોનું કામ કરશે તો એમને પોતનો મત એળે ગયો નહીં લાગે..." જનાર્દને રાજકારણની રીત સમજાવી.

"આમ પણ મોટાભાગના નેતાઓ પાંચ વર્ષ ઘોરતા જ રહે છે. ચૂંટણી આવે ત્યારે જાગે છે. લોકોના કામ કરવા ઉત્સાહ બતાવે છે. જેથી ફરી એમને પાંચ વર્ષ સુધી જલસા થાય...ચાલો હવે જમી લઇએ. અમારે પાછું બેઠકમાં હાજરી આપવા જવાનું છે..."

જનાર્દન અને હિમાનીએ અલક-મલકની વાતો કરતાં અનેક વાનગીઓથી ભરેલી જમવાની થાળીને ન્યાય આપ્યો.

હિમાની જમીને તરત જ સુજાતાબેન સાથે નીકળી ગયા પછી જનાર્દન ફરી એકલો પડ્યો. અને પરિણામ વિશે વિચારવા લાગ્યો. રાજેન્દ્રનાથનું ભવિષ્ય આખા રાજ્યનું ભવિષ્ય નક્કી કરવાનું હતું. જો એમને વધુ ધારાસભ્યોના મત મળ્યા હશે તો એમની તાકાત વધી જશે. શંકરલાલજીનું પણ કંઇ ચાલશે નહીં.

જનાર્દને રાજ્યનું રીમોટ કોના હાથમાં આવશે એની ચટપટી સાથે રાજકારણના તાજા ખબર જાણવા ટીવીનું રીમોટ હાથમાં લીધું. ત્યાં બેલ વાગ્યો. જનાર્દનને નવાઇ લાગી રહી હતી. અત્યારે કોણ મળવા આવ્યું હશે? તેણે દરવાજો ખોલ્યો ત્યારે એક અજાણ્યો યુવાન એની સામે હસતો ઊભો હતો. તેના હાસ્ય પરથી એમ લાગતું હતું કે જાણે એ સારી રીતે ઓળખે છે. જનાર્દન તેને પહેલી વખત જોઇ રહ્યો હતો.

તેણે પોતાનો પરિચય ના આપ્યો અને સીધો જ સવાલ કર્યો:"હું અંદર આવી શકું?"

જનાર્દન કંઇ જવાબ આપે એ પહેલાં તે અંદર આવી ગયો. જનાર્દનને ડર લાગ્યો કે વિરોધ પક્ષનો કોઇ સભ્ય તેની પાસે કોઇ વાત લઇને તો આવ્યો નહીં હોય ને? અત્યારના પ્રવાહી રાજકારણમાં ક્યારે શું થાય એ કોઇ કહી શકે એમ નથી.

ક્રમશ: